logo

હડપ્પા સભ્યતાથી આધુનિક સભ્યતા

પ્રસ્તાવના:

ભારતમાં પ્રારંભિક ઉત્ખનન ૧૯મી સદીની શરૂઆતમાં થયું.જેનો ઉદ્દેશ મળેલા શિલ્પો ,પદાર્થો,વસ્તુઓના કલાવિશયક મૂલ્યનો રહ્યો. જનરલ એલેકઝાંડર કનિંઘમના નેતૃત્વ નીચે ઈ.સ.૧૮૬૧માં આર્ક્યોલોજિકલ સર્વે ઓંફ ઇન્ડિયાની સ્થાપના થઈ ત્યાર પછી પણ તેના ઉદ્દેશમાં કોઈ પરિવર્તન ન આવ્યું.તેમને હડપ્પામાં અસામાન્ય પુરાવશેષ મળેલા,પરંતુ એમણે એ તરફ દુર્લક્ષ આપેલું.તેમછતાં ભારતના નકશામાં ખાસ કરીને ઉત્તર ભારતનાં પ્રાચીન સ્થળોને મૂક્યા તે તેમનું અદ્વિતીય કાર્ય હંમેશાં યાદ રહેશે.ત્યારપછી ઈ.સ.૧૮૬૩માં GSI(જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા)ના અધિકારી રોબર્ટ બ્રુસફૂટે પ્રાચીન યુગીન ઓજારો શોધી કાઢ્યાં.

ઈ.સ.૧૯૨૧માં સર જોન માર્શલ A.S.I.(આર્ક્યોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા)ને વ્યવસ્થિત પરિપાટી પ્રદાન કરતાં ઉત્ખનોને વેગ મળ્યો.જેમાં અગાઉની જેમ બૌધ સ્થળોનું મહત્વ ચાલુ રહ્યું.

ઈ.સ.૧૯૨૧માં હડપ્પા(જિ.મોન્ટગોમરી,પાકિસ્તાન)ના મહત્વની પ્રતીતિ થતાં આ બંને સ્થળોએ વિસ્તૃત ઉત્ખનન કરાયાં ને સિંધુસભ્યતા કે હડપ્પા સંસ્કૃતિ તરીકે ઓળખાતી ભારત-પાકિસ્તાન ઉપખંડની પ્રથમ નગર-સભ્યતાનાં બે મહાન નગરોના અવશેષ બહાર આવ્યાં.ઈરાકનાં કેટલાંક સ્થળોએ આ સભ્યતાની થોડી મુદ્ર્રાઓની થયેલી શોધે આ સભ્યતાનું ઈ.સ.પૂર્વે ૩જી સહસ્ત્રાબ્દીના ઉત્તરકાલીન શતકોમાં સમયાંકન કરવામાં મદદ કરી; આ રીતે ભારતીય સભ્યતાની પ્રાચીનતા સિદ્ધ થઇ. આ શોધોએ ગણો રસ પેદા કર્યો.સિંધ અને બલુચિસ્તાનમાં વિસ્તૃત સ્થળતપાસો હાથ ધરાઈ.હડપ્પાનાં સમકાલીન,પૂર્વકાલીન કે ઉત્તરકાલીન એવા અન્ય આદ્ય-એતિહાસિક સ્થળો સાથે હડપ્પા સંસ્કૃતિનાં ઘણાં બીજાં સ્થળ શોધાયાં.૧

આ સંશોધનો વિશે ડૉ.આર.સી.મજુમદારના મતે,’’લગભગ ચાર-પાંચ હજાર વર્ષ પહેલાં આ ભૂ-ભાગોમાં એક ઉચ્ચ કોટિની સભ્ય જાતિ રહેતી હતી.ભારતીય સભ્યતાની પ્રાચીનતા આ પ્રકારે પાછળ ધકેલાઈને લગભગ તે કાળમાં પહોંચી જાય છે કે જયારે મિશ્ર,અસીરિયન અને બેબિલોનિયનની પ્રાચીન સભ્યતાઓનો વિકાસ થયો હતો.’’૨ આ આપણી સભ્યતાની પ્રાચીનતા વિશે આપણે ગર્વ લઇ શકીએ તેવું આ સંસ્કૃતિની શોધથી સંભવ બન્યું.

સભ્યતાની વ્યાખ્યા આપતાં ઈતિહાસવિદ્દ ડૉ.હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી નોધે છે કે ,’’આર્થિક તંત્રમાં અગાઉના સ્વાવલંબનને બદલે પરસ્પરાવલંબનની નવી નીતિ અપનાવી.નાગરવાસીની જે ઉચ્ચ અવસ્થા આવી.તેને સભ્યતા કહે છે.’’૩આમ હડપ્પા સભ્યતાની શોધે ઈતિહાસમાં પુન:લેખનની તક પૂરી પાડી અને ભારતીય ઈતિહાસને ગૌરવાન્વિત કર્યો.

મોર્ટીમર વ્હીલરે હિંદમાં અર્વાચીન ‘સ્તર વિધ્યાત્મક પદ્ધતિ દાખલ કરી નવા અને જુના ઉત્ખનનમાં પુનરુઉત્ખનન કરાવ્યું . હડપ્પા માં ગઢ ટીંબાને ફરતી મોટી કોટની દીવાલ મળી આવી . આમ હડપ્પા સંસ્કૃતિનાં સમાજશાસ્ત્રીય માળખા પર નવ પ્રકાશ પડ્યો .4

હવે હડપ્પા સંસ્કૃતિને પોતાને વિષય ઘણી વધારાની માહિતી એકત્ર કરાઈ છે .આ સંસ્કૃતિનાં સંખ્યાબંધ સ્થળ પંજાબ,ઉત્તર રાજસ્થાન,પશ્ચિમ ઉત્તરપ્રદેશ અને ગુજરાતમાં શોધાયા છે.તે એનો વિશાળ ફેલાવાનો વિસ્તાર દર્શાવે છે.અને એ બાબત સ્પષ્ટ કરી આપે છે કે આ સંસ્કૃતિ એકલી-અટૂલી નહોતી.

વર્તમાન ભારતમાં પશ્ચિમી અરબ સાગર દક્ષિણમાં હિંદ મહાસાગર અને બંગાળની ખાડીના કિનારે આવેલા બંદરોનું ભારતના અર્થકારણ જેટલું મહત્વ છે.તેવું જ મહત્વ હડપ્પા સભ્યતાના સમયે પણ હતું.લોથલ(જિ.અમદાવાદ)માં ભોગાવો અને સાબરમતીના સંગમ પર, હંમેશાના હડપ્પીય લક્ષણો ઉપરાંત એક વિશાળ ગોદી મળી છે તે તેનો પૂરાવો છે.જે કદાચ નહેર વડે ખંભાતના અખાત (૩કિ.મી.દૂર)સાથે જોડાયેલી હતી.એ હડપ્પીયોનીદરિયાઈ પ્રવૃતિઓ દર્શાવે છે.આંતરિકની સાથે એશિયાના બીજા દેશો સાથેનો વિદેશ વેપાર પણ કરતા હતા.જે ભારતના પાડોશી દેશોમાંથી મળતી આ સંસ્કૃતિની મુદ્રાઓ પરથી જાણી શકાય છે.

પાકિસ્તાનના કબજાના પંજાબમાં રાવી નદીના કિનારે હડપ્પા ગામ પાસેથી પ્રાચીન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા તેથી એના પ્રથમ પ્રાપ્તિસ્થાનપરથી હડપ્પીય સભ્યતા એવું નામ તેને મળ્યુ છે.તેના પ્રાપ્ત અવશેષો પરથી એ જણાઈ આવે છે કે લોકો પોતાના દૈનિક જીવનમાં ભૌતિક સાધનોનો વિશેષ ઉપયોગ તેમણે જીવનની સુખાકારી વધારવામાં કર્યો છે. તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ તેની પ્રાપ્ત નગરયોજના પરથી આવે છે. ઉપરાંત સાર્વજનિક ઉપભોગમાં આવી શકે તેવા સાધનો અને ભૌતિક જરૂરિયાતો વિશે પણ તેઓ સજાગ હતા. આજે એકવીસમી સદીમાં પણ દરેક દેશમાં સાર્વજનિક સુખાકારી માટેના મકાનોનું મહત્વ અને નિર્માણ છે. આધુનિક નગરોમાં આજે ગંદા પાણીના નિકાલ માટેની ગટર વ્યવસ્થા છે, તે સમયેપણ હતી. એટલે સ્વચ્છતાનું આજે જે મહત્વ છે તે સદીઓ પહેલા આપણા પૂર્વજ સભ્ય સમાજે સ્વિકાર્યું હતું.

જેમાં વિશાળ પ્રાસાદ, બે ત્રણ માળવાળા મકાનો, વિશાળ સ્નાનાગાર, મોટા થાંભલાવાળા હૉલ વગેરે. મજુમદારના મતે “આ ભવનોની ઉપયોગિતા અને જરૂરિયાત વિશે કઈ નક્કી થઈ શક્યું નથી પણ એવું માનવામાં આવે છે કે રાજપ્રાસાદ, મંદિર અથવા નગરપાલિકા માટેના આ વિશાળ મકાનો રહ્યા હશે.”૫

ડૉ. ઈશ્વરલાલ ઓઝાના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં આ સભ્યતાના ૧૧૦ સ્પોર્ટ્સ (ટીંબા) છે. જેમાંથી ૨૫ ઉત્તર ગુજરાતમાં છે.”૬ આમ ગુજરાત હડપ્પાકાલિન સભ્યતાના વિષયમાં બીજા રાજ્યો કરતાં સમૃદ્ધ છે તે ગૌરવની વાત છે. હડપ્પા સભ્યતાના ઉત્ખનનમાં મળેલ પુરૂષની મૂર્તિને પુરોહિત રાજા તરીકે ઓળખવામાં આવે છે. તેના પરની ડિઝાઈનો ધાર્મિક પ્રતિકોથી જોડાયેલ હતી. આને જ કારણે તેને પુરોહિત કહેવામાઅં આવે છે. તેની નાની દાઢી અને લાંબા વાળ જે પીત્તળની રિબિન જેવી વસ્તુના સહારે પાછળ બાંધેલ છે.

હડપ્પામાથી મળેલ સ્ત્રીની મૂર્તિ માતૃદેવીની માનવામાં આવે છે. આ આદિવાસી મહિલા અને માતૃદેવીના વસ્ત્ર પરિધાનમાં કમાલની સમાનતા મળે છે. એમણે પોતાને આભૂષણોથી સજાવી રાખ્યા છે. હડપ્પા સભ્યતાના લોકો કાચીમાટી, સુંદર પત્થરો, સોના-ચાંદી અને હાથીદાંત માંથી બનાવેલા ઘરેણાથી સજ્જ રહેતા હતા. આજે પણ ખાસ કરીને સ્ત્રીઓમાં આભૂષણોનું આકર્ષણ જોવા મળે છે.

પત્થરોથી બનાવેલા આવા મણકાઓ આજે પણ ગુજરતના ખંભાતમાં બનાવવામાં આવે છે. ખંભાત હડપ્પા સભ્યતાનું એક માત્ર મુખ્ય વ્યાપારિક કેંદ્ર હતું. અહીંથી મણકા બનાવવાની હડપ્પાકાલિન ભઠ્ઠીઓ મળી છે. આજે જે પરિવારો ખંભાતમાં ચમકદાર રંગબેરંગી પત્થરોમાંથી જેવી રીતે મણકા બનાવે છે તેવી જ કોઈ રીત આ સભ્યતાના કારીગરોએ અપનાવી હોવી જોઈએ.

હડપા સભ્યતાના પુષ્કળ માટીના બનાવેલા વાસણો મળ્યા છે. વાસણો જ્યારે ઘડીલેવામાં આવતા ત્યારે તેમને મજબૂત બનાવવા માટે અગ્નિમાં પકવવામાં આવતા હતા. ખોદકામમાં પાકીમાટીની વસ્તુઓ ઘણી મોટી માત્રામાં મળી છે. કેમ કે માટી બીજા પદાર્થોની તુલનામાં ખૂબ જ સહજ સુલભ હતી. કુંભારનો ચાકડો એ પણ આ સભ્યતાની એક વિરાસત છે. આજના ૨૧મી સદીના આધુનિક યુગમાં તાંબા-પિત્તળ અને અન્ય ધાતુનાં વાસણો વપરાશમાં છે. તેમ છતાં હજુ માટીનાં વાસણોના પ્રચલનનું મહત્વ ઘટ્યું નથી. દરેક ઘરમાં માટીનાં માટલાં, તવી વગેરે વપરાય જ છે.

તમે વિચારતા હશો કે આ કાલના બાળકો કઈ રીતે રમતા હશે? શું તેમની પાસે રમવાનાં રમકડાં હતાં? હા, બિલકુલ હતા. કેમ કે માટી સહજ સુલભ હતી. અત્યાર સુધી આપણે માટીથી બનેલી ચીજવસ્તુઓ જોઈ. નનો એક્કો ગાડું રમકડામાંનું એક છે. આના પરથી એ પ્રતિતિ થાય છે કે પૈડું શોધાઈ ચૂક્યું હતું અને બળદોનો ઉપયોગ ખેતરોમાં થતો હતો.

ચિત્રલિપિ હડપ્પાસભ્યતાના વિકાસની સાક્ષી પૂરે છે. તે લિપિ ઉકેલાઈ નથી.તેથી આપણને એ શું કહેવા માંગે છે તેની જાણકારી નથી. આ જ મુશ્કેલીને કારણે ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી અને બીજા આ સંસ્કૃતિના સંશોધક અભ્યાસુ વિદ્વાનોના મતે વણઉકેલાયેલી લિપિને કારણે ‘એને પૂરી ઐતિહાસિક ન ઘણતાં આદ્યઐતિહાસિક ઘણે છે.’૭

આ લિપિ ઉકેલવાના પ્રયાસો અત્યારે થઈ રહ્યા છે. આઇ.મહાદેવન અને આસ્કો પાર્પોલાએ તે લિપિના ઢાંચા, અક્ષરો,શબ્દો, માત્રા (Phonetics) વગેરે અંગે અભ્યાસ કરી મહત્વના તારણ રજૂ કર્યા છે. તાજેતરમાં ટાટા ઈન્સ્ટીટ્યુટ ઑફ ફંડામૅન્ટલ રિસર્ચના કેટલાક સંશોધકોએ હડપ્પીય લિપિ પર કરેલા અભ્યાસના તારણો એક શોધપત્રમાં પ્રગટ કર્યા છે. એ ટીમના વડા ડૉ.નિશા યાદવના જણાવ્યા પ્રમાણે હડપ્પીય લિપિને યોગ્ય સ્વરૂપ આપવા માટે ઘણા આયોજન અને પ્રયત્નની આવશ્યકતા પડી હશે. એ સભ્યતાના બધા જ મહત્વના સ્થળો જેવા કે મોહેંજોડેરો, હડપ્પ, લોથલ, ધોલાવીરા, કાલિબંગા, ચન્હુડેરો અને પશ્ચિમ એશિયાની સંલગ્ન વસાહતોમાંથી મળતી લિખીત સામગ્રી પર એ લિપિ એક જ રીતે લખાઈ છે, જે બતાવે છે કે તેની પાછળ પદ્ધતિસરનું આયોજન કરાયું હશે. કૂલ દસલાખ ચોરસ કિ.મી. જેવા વિશાળ પ્રદેશમાં ફેલાયેલ આ સભ્યતાની મળી આવેલી લિપિના અક્ષરો એક જ પ્રકારના જોવા મળે છે. સિંધુલિપિના અક્ષરોમાં વિશ્વની અન્ય પદ્ધતિઓની તકનિકનો ઉપયોગ કરાયો છે. જેથી અક્ષરોની નાની સંખ્યાહોવા છતાંતેનો મહત્તમ ઉપયોગ થઈ શકે.૮

ઉપસંહાર:

વિદ્વાનો આ સભ્યતાના વિનાશ માટે ઘણા કારણો આપે છે. જેમ કે બહારી આક્રમણ, ભારે પૂર, મૌસમમાં બદલાવ અને વ્યાપક પ્રમાણમાં પ્રકૃતિ અને જમીન સંસાધનોનું ક્ષરણ. આજે આટલા વર્ષો પછી પણ આટલી જૂની સભ્યતા સાથે આપણો કોઈ સંબંધ છે? આપણી બુનિયાદી નગરયોજના, ઢાંકેલી નીંકોનો પ્રયોગ, ઘરેણામાં રૂપોની સમાનતા, નાચતી છોકરીના હાથની બંગડીઓ આજે પણ છનછનાવે છે. માટીના વાસણો હજારો વર્ષો પછી પણ તેવી રીતે જ બને છે.

હડપ્પા સભ્યતાનું ખોદકામ હજુ પણ ચાલુ જ છે. નવી નવી ચીજો મળી રહી છે. નવી વસાહતો સામે આવી રહી છે. લિપિને ઉકેલવાના પ્રયાસો ચાલુ જ છે. પ્રત્યેક નવી શોધખોળની સાથે આપણા પૂર્વજો અને ખુદ આપણા વિશે વધુ જાણકારી મેળવી શકીશુ. વળી, ગુજરાતમાં સરસ્વતિ નદીને કિનારે આ સંસ્કૃતિના મોટાભાગના નગરો મળતાં ડૉ. ઈશ્વરલાલ ઓઝા સાહેબ સાચે જ તેને સિંધુખીણની સંસ્કૃતિ કહેવાને બદલે સિંધુ-સરસ્વતિની સંસ્કૃતિ કહે છે. તે યોગ્ય જણાય છે.

References::

    1. ડૉ.પી.એન.ચોપરા(સંપા.) ‘ભારતનું ગૅઝેટિયર ઈતિહાસ અને સંસ્કૃતિ’ (અનુ. ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી અને અન્ય), યુનિ.ગ્રંથનિર્માણ બૉર્ડ, અમદાવાદ ૧૯૮૪, પૃ.૧૧.
    2. રમેશચંદ્ર મજુમદાર અને અન્ય, ‘ભારત કા બૃહ્ત ઈતિહાસ-પ્રાચીન ભારત ભાગ ૧’, મૅકમિલન પબ્લિકેશન લિ., નવી દિલ્હી, ૨૦૧૧, પૃ.૧૧.
    3. ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, ‘પ્રાચીનભારત ભાગ ૧’, ગુજરાત યુનિ., અમદાવાદ, ૧૯૮૪, પૃ.૧૨.
    4. ડૉ. પી.એન.ચોપરા, ઉપરોક્ત, પૃ.૧૨.
    5. રમેશચંદ્ર મજુમદાર, ઉપરોક્ત,પૃ.૧૩.
    6. તા.૨૫/૦૧/૨૦૧૪ ખેરાલુ મુકામે ગુજરાત ઈતિહાસ પરિષદમાં ડૉ. ઈશ્વરલાલ ઓઝાના વક્તવ્યમાંથી (ભૂતપૂર્વ અધ્યક્ષ, ઈતિહાસ વિભગ, એમ.એન.કૉલેજ, વિસનગર)
    7. ડૉ. હરિપ્રસાદ ગં. શાસ્ત્રી, ઉપરોક્ત, પૃ.૧૩.
    8. ડૉ. હસમુખ વ્યાસ (સંપા.) સંશોધન ત્રિમાસિકમાં વાય.એમ.ચિત્તવાલાનો લેખ-હડપ્પીય લિપિ અંગેનું નવુ સંશોધન- સંશોધન કાર્યાલય, ધોરાજી, સળંગ અંક-૪૧-૪૨, જાન્યુ.-જૂન ૨૦૧૨, પૃ.૨૬.

    *************************************************** 

    હરેશકુમાર શાંતિલાલ માછી
    પ્રાથમિક શિક્ષક,
    રતનપુર,કાટડી,
    કુમાર પ્રા.શાળા,
    ગોધરા-પંચમહાલ.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us