logo

ભારતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડીયા કંપનીના શાસન દરમ્યાનની મહેસૂલ નીતિ

પ્રસ્તાવના:

ભારત શરૂઆતથી જ ખેતીપ્રધાન દેશ રહ્યો છે. પ્રાચીનકાળમાં ખેતરોની નજીક ખેતી કરવાવાળા લોકોના સમૂહ રહેવા લાગ્યા. જેમાંથી ગામ અસ્તિત્વમાં આવ્યા. એ સમયનું ગામડું પોતાની આર્થિક જરૂરિયાતો માટે લગભગ સ્વાવલંબી હતું. ગામમાં પ્રત્યેક વ્યક્તિ પોતાની જરૂરિયાતો પોતાની રીતે પૂર્ણ કરતો હતો. પરંતુ સમય જતાં ગામોમાં સહકારી જીવનનો વિકાસ થયો દરેક ગામોમાં ખેતી સિવાય બીજા તેના સહાયક ધંધા કરાવાવાળા કારીગરો પણ રહેતા હતા. આ ધંધા ગૃહઉદ્યોગોના સ્વરૂપમાં ચાલતા હતા. અને તેનો ઉદેશ્ય ગામવાસીઓની જરૂરિયાતો પૂરી પાડવાનો હતો. ગામના ઉત્પાદનનો મુખ્ય ભાગ રાજયના કર સ્વરૂપે આપવામાં આવતો હતો અને એનો થોડોક ભાગ બહાર શહેરોમાં વેચવા માટે મોકલવામાં આવતો. ડો.ઇરફાન હબીબના શબ્દોમાં-

“ આ ગામોમાં આત્મનિર્ભયતા અને મુદ્રા
વિનિમયના લક્ષણો એક સાથે જોવા મળતા હતા.”

સમય જતાં ગામોમાં ખેડૂતોની રક્ષા માટે સામંતશાહીનો ઉદય થયો. પહેલાં ખેડૂતોનો જમીન ઉપર અધિકાર ન હતો પરંતુ ત્યાર પછી સામંતોએ જમીન ઉપર અધીકાર કરીને ખેડૂતો પાસેથી ખેતી કરવાના બદલામાં કર ઉઘરાવવાની શરૂઆત કરી. ગામનું રક્ષણ કરવાના બદલામાં ખેડૂતોએ સામંતોને સ્વેચ્છાએ ઉત્પાદનનો અમુક ભાગ જ જમીન કર સ્વરૂપે આપવાનો હતો. સમય જતાં આ સામંતો કર વસૂલ કરવાનો પોતાનો અધિકાર માનીને બળપૂર્વક ઉઘરાવવા લાગ્યા. જેમ રાજ્ય વ્યવસ્થા મજબૂત અને વિકાસ પામતી ગઇ તેમ સામંતો જમીન મહેસૂલનો થોડોક ભાગ રાજાઓને આપવા લાગ્યા. પ્રાચીનકાળમાં આ વ્યવસ્થાથી ગામો અને ખેડૂતોની આર્થિક સ્થિતિ પર કોઇ ખરાબ અસર પડી ન હતી. કારણ કે, સામંતો તથા રાજા જમીન મહેસૂલ દર તથા વસૂલીનું કામ યોગ્ય પ્રમાણે કરતા હતા. તેઓ દુષ્કાળ, અતિવૃષ્ટી અને અન્ય આફતોથી ઉદભવતા દુષ્કાળોના સમયે ખેડૂતોને કર મુક્ત કરીને રાહત આપવામાં આવતી. તેમજ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવાના હેતુથી જમીન મહેસૂલની મોટા ભાગની રકમ સિંચાઇ, વાહન-વ્યવહાર અને બીજા મહત્વના સ્થળોનો વિકાસ કરવા પાછળ વાપરવામાં આવતી હતી.

મધ્યકાળમાં મુસલમાન શાસકો દેશની બહારથી આવ્યા હતા. પરંતુ સમય જતાં તેમણે આ દેશને અપનાવી લીધો. તેમણે ગ્રામ્યવ્યવસ્થાનેમજબૂત બનાવી અને ખેડૂતો તથા ખેતીના વિકાસ માટે જમીન મહેસૂલની પરંપરાગત ઉદાર પદ્ધતિ અપનાવી. શેરશાહ અને અકબરનાં નાણામંત્રી ટોડરમલે ઇ.સ.૧૫૮૨માં ખેડૂતોને ઉપયોગી થાય તેવી રીતે જમીન મહેસૂલમાં ફેરફાર કર્યા હતાં. આ વ્યવસ્થા “ટોડરમલ બંદોબસ્ત” નામે ઓળખાય છે. તેમજ “દહશાલા” નામે પણ ઓળખાતી. કારણ કે, તેમાં મહેસૂલ એક વર્ષને બદલે દસ વર્ષ માટે નક્કી કરવામાં આવ્યું હતું. તેનાથી ખેડૂત સુખી તથા સમૃધ્ધ હતો. તેમજ ગામ દેશની આર્થિક સમૃદ્ધિનો આધાર બની રહ્યા હતાં. આ સ્થિતિ અંગ્રેજોના ભારત આગમન પહેલાં સુધી બની રહી હતી.

બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન દરમ્યાનની મહેસૂલ નીતિ

ઇસ્ટ ઇન્ડિયા કંપનીના શાસન વ્યવસ્થાની સ્થાપના થઇ તે પહેલાં બંગાળમાં મુગલ કર વ્યવસ્થા અમલમાં હતી. જે ટોડરમલ દ્વારા ઇ.સ.૧૫૮૨માં તૈયાર કરવામાં આવી હતી. મુગલોની જમીન વ્યવસ્થાની નીતિ અનુસાર મુગલ સમ્રાટના કોઇ પ્રદેશના જમીનદારી હક્ક સમ્રાટને કરનો વાયદો કરી મેળવી શકાતાં. આ સાથે જમીનદારને પોતાનાં ક્ષેત્રમાં આવતાં લોકો ઉપર શાસન કરવાનો અધિકાર પણ મળી જતો હતો. મુગલ સમ્રાટનાં નિયંત્રણ ઢીલા પડવાનાં કારણે પ્રાંતીય ગવર્નરોએ આ અધિકાર પોતાના હાથમાં લઇ લીધા. કંપનીએ આ અધિકારો બંગાળના ગવર્નર આજિમ-ઉલ-શાન પાસેથી ઇ.સ.૧૬૯૭માં કલકત્તા, ગોવિંદપુર તથા સુલાનદીના પ્રદેશોમાં પ્રાપ્ત કર્યા. ભારતીયો માટે આવા અધિકારો મેળવવાના ઉદ્દેશ્યો જે રહ્યા હોય તે પણ અંગ્રેજો માટે આ જમીનદારીનો અર્થ હતો વધારેમાં વધારે પૈસા ભેગા કરવા. કંપની પોતાને મળેલા આ અધિકારોના પ્રદેશને વધારવા માટે ખૂબ જ ઉત્સુક હતી.

પ્લાસીના યુધ્થ પછી કંપનીને બંગાળના ૨૪ પારગણાંમાં જમીનદારીના હક્કો પ્રાપ્ત થઇ ગયા. જૂના જમીનદારોને હટાવીને ૧૬ માહિનાઓ સુધી સ્વયં અંગ્રેજોએ કર એકઠો કર્યો હતો. હોલવેલના વિચાર અનુસાર વધારેમાં વધારે કર મેળવવા માટે દરેક પ્રદેશોમાં હરાજી શરૂ કરી દીધી. બધાં જ પરગણાંને ૧૫ ભાગોમાં વહેચીને હરાજી કરવામાં આવી. જૂના જમીનદારોને શંકાની દષ્ટિએ જોવામાં આવ્યા. જમીન કરની હરાજી સટ્ટાદારોની વચ્ચે કરવામાં આવતી. જેમને જમીન સુધારાની સાથે કાંઇ જ લેવા દેવા ન હતું. તેમને માત્ર રસ તેમના વધુમાં વધુ ફાયદામાં જ હતો. આનાથી જમીન કર તાત્કાલીક વધી ગયો અને ઘણા બધા ખેડૂતોને જમીન છોડીને બીજી જગ્યાએ સ્થળાંતર કરવું પડયું. ત્યાર્ પછી કલાઇવે નક્કી કરેલી સમિતિએ કર એકઠા કરવાનો અધિકાર પોતાની પાસે જ રાખ્યો. પરંતુ આ પ્રયોગ સફળ ન થયો. પ્રાદેશિક રાજયને કંપની નિકાસનો આધાર માનતી હતી. કરદાતાઓ પ્રત્યે તેમનું કાંઇ જ દાયિત્વ ન હતું. કંપનીની વધતી જતી પૈસાની માંગને કારણે અંગ્રેજોએ પોતાનો પ્રદેશ વધારે વિસ્તૃત કરવાના પ્રયત્નો કર્યા અને ૧૭૬૫માં તેઓએ મુગલ સમ્રાટ પાસેથી બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની (મહેસૂલ ઉઘરાવવાના હક્ક) પ્રાપ્ત કરી લીધી. પરંતુ ત્યાર પછી પરિસ્થિતિ બદલાતી જતી હતી. કર વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર ફેલાઇ રહ્યો હતો જેનો ઉલ્લેખ ફર્મિગરના પાંચમા રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. આનો પ્રભાવ કંપનીની આવક ઉપર પણ પડવા લાગ્યો હતો. કારણ કે કંપની પોતાની આવક માટે કર ઉપર જ વાસ્તવિકરૂપમાં આધાર રાખતી હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની કર વ્યવસ્થાને સુધારવા તથા કરને વધારવાના ઉદ્દેશથી ૧૭૬૯માં નિયુકત સમિતિએ કર વ્યવસ્થા ઉપર નિયંત્રણ રાખવા માટે અમીનોને હટાવીને નિરીક્ષકોની નિમણૂંક કરી. આ નિરીક્ષકો પોતના પ્રયત્નોમાં અસફળ રહ્યા. ઇ,સ. ૧૭૭૨ થી કંપનીએ જમીનનો વહીવટ સીધો પોતાના હાથમાં લેવાનું નક્કી કર્યુ.

વોરન હેસ્ટિંગ્ઝ કલકત્તા પ્રેસીડેન્સીનો ગવર્નર બન્યા પછી કર ઉઘરાવવાના અધિકારો ડેપ્યુટી નવાબ પાસેથી છીનવી લીધા. વોરન હેસ્ટિંગ્ઝ માનતો હતો કે બધી જ જમીન સરકારી છે અને જમીનદાર વચોટિયા માત્ર છે. તેણે ઇ.સ. ૧૭૭૨માં પંચવર્ષીય યોજના દાખલ કરી. આ યોજના મુજબ પાંચ વર્ષને પેટે બધી જાગીરો હરાજીથી વેચી નાખવાનું ઠરાવ્યું. લેભાગુ સટોરિયાઓએ વંશપરંપરાના હકવાળા જમીનદારો કરતાં કેટલીયે મોટી રકમો બોલી તરીકે બોલીને જાગીરોના પટા રાખી લીધા. પરંતુ તેમને વસ્તુસ્થિતિનો સાચો ખ્યાલ ન હોવાથી ખેડૂતોને ગમે તેટલા લૂંટવા રંજાડવા છતાં તેઓ પોતાની રકમ ભરપાઇ કરી શકયા નહીં. આ પ્રણાલીથી સૌથી વધારે નુકશાન ખેડૂતોને થયું કારણ કે છેવટે કર નિર્ધારણ અને નવા જમીનદારોના શિકાર તેઓ જ થયા. ર્ડા.તારાચંદના મતઅનુસાર - “આનુ ફળ એ આવ્યું કે- ખેડૂતો દ્વારા પ્રજાને સંપૂર્ણ હક્કોથી વિમુખ અને દમન, કર્તવ્યવિમુખ જમીનદાર, ફરાર થતા ખેડૂતો અને કામથી ભાગતી પ્રજા. આ ભારતના ગ્રામીણ સંગઠનમાં પહેલી વખતની તિરાડ હતી.” ઇ.સ. ૧૭૭૭માં જયારે આના પરિણામ હાનીકારક સાબિત થયા ત્યારે હેસ્ટિંગ્ઝે એક વર્ષીય યોજના કરી. તેણે જયાં સુધી બની શકે ત્યાં સુધી આ યોજના જમીનદારો સાથે જ કરી પણ કરનો દર ઊંચો હોવાના કારણે પ્રજા પર અત્યાચારો ચાલુ રહ્યા. આના પરિણામો એટલા ઘાતક સાબિત થયા કે લોર્ડ કોર્નવોલિસે ઇ.સ.૧૭૮૯માં લખ્યું હતું કે- “હિન્દુસ્તાનનો એક તૃતયાંશ ભાગ જંગલ જેવો છે અને એમાં જંગલી જાનવરો રહે છે.” આ જ રીત ઇ.સ. ૧૭૭૮, ૧૭૭૯ અને ૧૭૮૦માં ચાલુ રાખવામાં આવી અને ઇ.સ્. ૧૭૮૧માં તો મહેસૂલમાં ૨૬ લાખ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. આનાં ખરાબ પરિણામ પણ તરત જ જણાવા લાગ્યા. જૂના ખાનદાનોના વંશજોના હાથમાંથી નીકળીને જમીનો કલકત્તા તરફથી આવતા શાહુકારો કે સટોરિયાના હાથમાં જઇ પડ્વા લાગી.વર્ષે દહાડે દસ લાખથી વધારે મહેસૂલ ભરતી બંગાળાની ત્રણ મોટી જાગીરો – દિનોજપુર, બર્દવાન અને રાજ્શાહી ઉપર પણ તેની અસર થઇ હતી. આ ગેરવ્યવસ્થા દૂર કરવા માટે લોર્ડ કોર્નવોલિસે ઇ.સ. ૧૭૮૬માં સરજોનશોરને મહેસૂલી પ્રથા અંગે તપાસ કરવા આદેશ આપ્યો. સરજોનશોરે નીચે પ્રમાણેની ભલામણો કરી (૧) જમીનદારો સાથે ૧૦ વર્ષના જમાબંધીના કરારો કરવા (૨) જમીનદારો અને ખેડૂતો વચ્ચેના રિવાજી કરારોનું પાલન થાય તેવી નીતિ ઘડવામાં આવે તો ખેડૂતોનું શોષણ અટકે.

પણ કોર્નવોલિસે શોરની ભલામણોનો સ્વીકાર ન કર્યો અને કાયમી જમાબંધી દાખલ કરી. કારણ કે કોર્નવોલિસ પોતે બ્રિટનમાં જમીનદાર હોવાથી એમ માનતો હતો કે જો જમીનદારોને જમીન મહેસૂલ અંગે કાયમ માટે જવાબદાર બનાવવામાં આવે તો ખેતીમાં સુધારા થશે. ઇ.સ. ૧૭૯૩માં સૌપ્રથમ બંગાળામાં કાયમી જમાબંધી દાખલ કરવા માટે જમીનદારો સાથે કરાર કરવામાં આવ્યા. આ કરાર મુજબ જમીનદારોએ ખેડૂત પાસેથી મળેલ મહેસૂલનો ૧/૧૧ ભાગ પોતે રાખી ૧૦/૧૧ ભાગ કંપની સરકારમાં જમા કરાવવાનો હતો. ખેતીના વિકાસમાંથી કે ખેડૂતનું શોષણ કરીને જો એ વધુ મહેસૂલ પ્રાપ્ત કરે તો તે એણે પોતે જ રાખવાનું હતું. આનાથી ઇ.સ. ૧૭૯૩ પહેલાં કપંનીની મહેસૂલી આવકમાં જે અનિશ્ચિતતા પ્રવર્તતી હતી તે નિશ્ચિત તેમજ નિયમિત પણ થઇ ગઇ. એટલું જ નહીં દર ઊંચા હોવાથી આવક પણ વધી ગઇ. આ પધ્ધતિથી બીજો પણ એક હેતુ સિધ્ધ થયો. અંગ્રેજોને લાગ્યું કે પોતે ભારતમાં વિદેશી હોવાથી જો સ્થાનિક પ્રજા અને પોતાની વચ્ચેના કડીરૂપ પોતાના સ્થાનિક ટેકેદારો નહિ હોય તો પોતાનું શાસન ટકી નહીં શકે. અંગ્રેજોની ગણતરી જમીનદારોની બાબતમાં સાચી પડી. બંગાળમાં ૧૮મી સદીના અંતમાં વારંવાર ઊઠેલાં બંડ વખતે તેમજ આઝાદીની ચળવળ વખતે ત્યાંના જમીનદારો અંગ્રેજોની પડખે જ રહ્યા હતા. એટલે જ લોર્ડ વિલિયમ બેંન્ટિકે (૧૮૨૮ થી ૧૮૩૫ સુધી ભારતના ગવર્નર જનરલ) કાયમી જમાબંધી વિશે કહ્યું હતું કે-

“કાયમી જમાબંધીથી એક મોટો ફાયદો એ થયો કે ધનિક જમીનદારોનો એક વિશાળ વર્ગ ઊભો કરવામાં આવ્યો હતો. જે હંમેશા એવુ ઇચ્છતો હતો કે ભારતમાં કાયમ માટે અંગ્રેજોનું શાસન રહે અને તેમનું પ્રજા ઉપર કાયમ માટે વર્ચસ્વ રહે.” આ કાયમી જમાબંધી પદ્ધતિ સમય જતાં ઓરિસ્સા મદ્રાસ પ્રાંતના ઉત્તરી જિલ્લાઓમાં, વારાણસી જિલ્લામાં તેમજ ઉત્તર ભારતના કેટલાક પ્રદેશોમાં લાગુ કરવામાં આવી. કાયમી જમાબંધી સિવાય કામચલાઉ અથવા હંગામી જમાબંધી પ્રથા પણ હતી. તે બંગાળના કાયમી જમાબંધી સિવાયના વિસ્તારોમાં તથા અયોધ્યામાં પ્રવર્તતી હતી. દક્ષિણ અને દક્ષિણ પશ્ચિમભારતમાં અંગ્રેજોનું શાસન વિસ્તરતાં જમાબંધીને લગતા નવા પ્રશ્નો ખડા થયા. એ વિસ્તારમાં મોટી જાગીરો ધરાવતા જમીનદારો ન હતા. આથી ત્યાં કાયમી જમાબંધી દાખલ કરવી સલાહભરી જણાતી ન હતી. વળી દક્ષિણના અંગ્રેજ અધિકારીઓ કાયમી પધ્ધતિનો એમ કહીને વિરોધ કરતા હતા કે મહેસૂલી આવક જમીનદારો સાથે વહેચવી પડતી હોવાથી તેમાં તો સરવાળે કંપનીને જ નુકશાન થાય છે. આથી તેમણે રૈયતવારી પધ્ધતિની હિમાયત કરી. આ પ્રથામાં સરકાર અને ખેડૂત વચ્ચે સીધો સંપર્ક હતો. પ્રત્યેક ખેડૂતનું જમીન મહેસૂલ આકારવામાં આવતું અને તે વ્યક્તિગત રીતે એ મહેસૂલ ભરવા જવાબદાર રહેતો. આવી વ્યવસ્થાનો આરંભ મદ્રાસમાં ઇ.સ.૧૭૯૨માં સર થોમસ મનરોના પ્રયાસોથી થયો. એ પછી મુંબઇ પ્રાંતના લગભગ બધા જ વિસ્તારોમાં રૈયતવારી પ્રથા દાખલ થઇ. વરાડ, આસામ ઓરિસ્સા, કુર્ગ વગેરે પ્રદેશોમાં આ પ્રથા અમલમાં આવી. આ ઉપરાંત માલગુજારી, ઇનામદારી, જાગીરદારી જેવી પ્રથાઓ પણ હતી. મહાલવારી મહેસૂલી પ્રથા સર્વ પ્રથમ આગ્રા અને અયોધ્યામાં દાખલ કરવામાં આવી અને ત્યારબાદ આ પ્રથાને ઇ.સ.૧૮૩૩માં પંજાબમાં દાખલ કરવામાં આવી.

અગ્રેજોની મહેસૂલનીતિમાં પરિવર્તન કરવાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વ્યાપક ફેરફાર થયો. તેનાથી સમગ્ર દેશમાં ખેતીક્ષેત્રે એક વિકૃત આધુનિકતા આવી. મહેસૂલ દર નક્કી કરવામાં અંગ્રેજ સરકાર અગાઉ થઇ ગયેલા મુસલમાન બાદશાહોને જ અનુસરી છે. પરંતુ તેમાં ફેર એ છે કે મુસલમાન બાદશાહો વેરો ઉઘરાવવામાં જ સખતાઇ રાખતા. તેની વસૂલાત કદી પુરેપૂરી થતી જ નહીં પરંતુ અંગ્રેજી શાસકો તો નક્કી કરેલી રકમની વસુલાતમાં પણ એટલા જ સખત રહેતા. બંગાળના છેલ્લા મુસલમાન બાદશાહે પોતાની કારકિર્દીના છેલ્લા વર્ષમાં (ઇ.સ.૧૭૬૪) ૮૧૭,૫૫૩ પૌંડની મહેસૂલ ઉઘરાવી હતી. ૩૦ વર્ષમાં તો અંગ્રેજોએ તે જ પ્રદેશમાં૨,૬,૮૦,૦૦૦ પૌંડ જેટલી મોટી રકમ ઉઘરાવી હતી. બિશપ હેબરે આખા હિંદુસ્તાનમાં ફર્યા બાદ તથા અંગ્રેજી તેમજ દેશી સત્તા હેઠળના પ્રદેશો જોઇને ઇ.સ. ૧૮૨૬માં લખ્યું છે કે ‘કોઇ દેશી રાજા આપણે જેટલું મહેસૂલ ઉઘરાવીએ છીએ તેટલું ઉઘરાવતો નથી.’ કર્નલબ્રિગ્સે ૧૮૩૦માં લખ્યું છે કે ‘ અત્યારે હિંદુસ્તાનમાં મહેસૂલનો જે દર છે, તે યુરોપ કે એશિયાના કોઇ રાજયમાં કદી જાણવામાં આવ્યો નથી.’

આ પ્રકારે બ્રિટિશ કર નીતિ સતત પ્રયોગના પરિણામ સ્વરૂપ વિકસિત થઇ. આ મુખ્ય પધ્ધતિઓ હતી. બંગાળ, બિહાર વગેરેમાં જમીનદારી અથવા કાયમી જમીન યોજના, દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં રૈયતવારી વ્યવસ્થા અને ઉત્તર તેમજ મધ્યભારતમાં કેટલાક વિસ્તારોમાં મહાલવારી યોજના. આ બધી પધ્ધતિઓમાં કર દર એટલો ઊંચો હતો કે, જેના ફળ સ્વરૂપ ખેડૂતો પર આર્થિક બોજો વધવા લાગ્યો. કાયમી યોજનાનો મુખ્યત્વે વિદેશી વિચારધારાના પ્રભાવે જન્મ થયો. રૈયતવારી ભારતીય જરૂરિયાતના પરિણામ સ્વરૂપ અપનાવવામાં આવી. પરંતુ મહાલવારી પદ્ધતિ આરંભથી જ બ્રિટનમાં પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના સિધ્ધાંતો પર આધારિત હતી અને પછી ભારતીય પરિસ્થિતિ અને અનુભવ પર.

સંદર્ભ સૂચિઃ-

    1. અજયકુમાર સિંહ અને અરુણ કુમારસિંહ, ભારતમાં બ્રિટિશ શાસનનો આર્થિક પ્રભાવ, વોહરા પ્રકાશન, અલહાબાદ,૧૯૯૨.
    2. ચંદ્ર બિપિન, આધુનિક ભારત, દિલ્હી, ૧૯૭૧.
    3. ગુપ્ત માનિક લાલ, આધુનિક ભારતનો ઇતિહાસ(ઇ.સ. ૧૭૪૦ થી ૧૯૫૦) સાહિત્ય રત્નાલય, કાનપુર, ૨૦૦૫.
    4. સરકાર સુમિત, આધુનિક ભારત (૧૮૮૫ થી ૧૯૪૭) રાજકમલ નવી દિલ્હી, ૧૯૯૬.
    5. સરોજ બાલા, આધુનિક ભારતનો આર્થિક અને સામાજિક ઇતિહાસ, ઓમેગા પ્રકાશન, નવી દિલ્હી,૨૦૦૮.
    6. શુકલ આર.એલ.(સંપા.), આધુનિક ભારતનો ઇતિહાસ, દિલ્હી વિશ્વ વિદ્યાલય, ૧૯૯૩.
    7. કોઠારી વિ.મ., દોઢ સદીનો આર્થિક ઈતિહાસ (૧૮૫૭ થી ૧૯૦૦), ગૂજરાત વિધાપીઠ,૧૯૬૩.
    8. પરીખ પ્રવિણચંદ્ર, ભારતીય સંસ્કૃતિ સ્વરૂપ અને વિકાસ (મધ્યકાળ અને અર્વાચીન કાલ), યુનિવર્સિટી ગ્રંથનિર્માણબોર્ડ, ગુજરાત રાજય, અમદાવાદ, ૨૦૦૧.
    9. પરીખ ર. ગો. ભારતનો ઇતિહાસ (૧૮૧૮ થી ૧૮૮૫), યુનિવર્સિટી ગ્રંથનિર્માણબોર્ડ, ગુજરાત રાજય, અમદાવાદ, ૧૯૯૪.
    10. શાસ્ત્રી આર.વી. ભારતનો આર્થિક ઇતિહાસ (૧૭૫૭ થી ૧૯૫૦), યુનિવર્સિટી ગ્રંથનિર્માણબોર્ડ , ગુજરાત રાજય, અમદાવાદ, ૧૯૭૪.

    *************************************************** 

    ડો.વીરસંગભાઇ આર.ચૌધરી
    આસી.પ્રોફેસર, ઇતિહાસ વિભાગ,
    સરકારી વિનયન કોલેજ,
    બહુચરાજી, જિ. મહેસાણા.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us