logo

બારડોલી સત્યાગ્રહ અને વલ્લભભાઇનું નેતૃત્વ

પ્રસ્તાવના:

બ્રિટિશ સરકાર સામે ભારતમાં થયેલ વિવિધ આંદોલનોમાં, ગુજરતના સુરત નજીક આવેલા બારડોલીમાં, દાંડી સત્યાગ્રથી બે વષૅ પહેલાં ઇ.સ.૧૯૨૮માં સરદાર વલ્લભભાઇ પટેલના નિડર નેતૃત્વ અને માગૅદશૅન હેઠળ થયેલ કિસાન આંદોલન એક અગત્યનું અને અનમ્ય સ્થાન ધરાવે છે.(1) એ સંગ્રામના સંચાલનની આગેવાની ગુજરાતના સપૂત વલ્લભભાઇ પટેલે લીધી, તેમની કુશળ નેતાગીરીએ અન્યાયી, દમનકારી અને આપખુદ સરકારને પરાજીત કરી ગુજરાતની પ્રજાએ વલ્લભભાઇને સરદારનું બિરૂદ આપ્યુ, બારડોલીના આ સરદાર પછી તો સમગ્ર ભારતના સરદાર બની રહ્યા.આઝાદીના આંદોલનમાં સીમાસ્તંભ સમો આ બારડોલી સત્યાગ્રહ ઇતિહાસને નવો વળાંક આપવામાં નિમિત બન્યો. દક્ષિણ ગુજરાતનો સુરત જિલ્લો અને તેનો બારડોલી તાલુકો એ ગુજરાતના ફળદ્રુપ વિસ્તારમાંનો એક વિસ્તાર છે. ૧૯ મી સદીના પ્રારંભે આ વિસ્તાર બ્રિટીશ હકુમત નીચે આવી મુંબઇ પ્રાંતનો ભાગ બન્યો , તે પછી ત્યાં રૈયતવારી મહેસૂલ પધ્ધતિ દાખલ કરી કિસાનો સાથે મેહસૂલી કરારો કરવામાં આવ્યા.(2).ઇ.સ.૧૯૨૧ની વસ્તીગણતરી અનુસાર બારડોલી તાલુકાની કુલ વસ્તી ૮૭૯૦૯ હતી. જેમાં ૯૬ ટકા હિંદુ, ૩૪ ટકા મુસ્લિમો, ૦.૪ ટકા પારસી, ૦.૧ ટકા ખ્રિસ્તી તથ ૦.૧ ટકા વસ્તી અન્ય ધર્મો ની હતી. આ વસ્તીમાં ૧૨.૭૫ ટકા ઉજળીયાત જ્ઞાતિ, ૨૪.૨૫ ટકા મધ્યવર્તી જ્ઞાતિઓનો તથા ૬૩.૦ ટકા નિમ્ન સ્તરની જ્ઞાતિઓની વ્યકિતઓનો સમાવેશ થતો હતો.જમીન માલિકીની દષ્ટિએ ૬૦ ટકા ખેડુતો ૫ એકરથી ઓછી, ૩૫ ટકા ખેડુતો ૫ થી ૨૫ એકર, ૪.૮ ટકા ખેડુતો ૨૬ થી ૧૦૦ એકર અને ૦.૨ ટકા ખેડુતો ૧૦૦ એકરથી વધુ જમીન ધરાવતા હતા.(3). મોટી જમીન ધરાવનાર કિસાનોની સંખ્યા અતિ અલ્પ હતી અને તેમાં મુખ્યત્વે , બ્રાહમણ, વાણિયા, પારસી અને પાટીદારોનો સમાવેશ થતો હતો. જયારે મધ્યમ અને ગરીબ કિસાનો તથા ખેતમજુરોનો વર્ગ એકંદરે મધ્યમ તથા નિમ્ન સ્તર ની જ્ઞાતિઓ તથા આદિવાસીઓનો બનેલો હતો. ગરીબ કિસાનોએ બ્રિટિશ સરકાર દ્રારા દાખલ કરાયેલા મિલકત તથા જમીન માલિકી અંગેના નવા કાયદા, નવી મહેસૂલ પધ્ધતિ તથ શાહુકારી પ્રથાને કારણે પોતાની જમીનો ગુમાવી હતી. તેનો સૌથી વધારે ભોગ આદિવાસી કિસાનો બન્યા હતા. ૧૯ સદી દરમ્યાન સ્વતંત્ર કિસાનો તરીકે તેમને જમીન માલિકીના અધિકારો પ્રાપ્ત થયા હતા.પંરતું બ્રિટીશ સરકારની મહેસૂલ નિતિના કારણે તેઓ દેવામાં ડૂબી ગયા હતા. તેમની જમીનો શાહુકારો અથવા શ્રીમંત ખેડૂતોને ગીરે અથવા વેચાણ આપી દીધી હતી. આથી અહી વેઠ પ્રથાને મળતી ‘હાળી’ પ્રથા અસ્તિત્વમાં આવી હતી..સ્થાનિક સ્તરે દુબળા, નાયક, ચૌધરી, ધોડીયા, ગામીત વગેરે આદીવાસી જ્ઞાતિઓ ‘હળી’ પ્રથા નીચે મોટી સંખ્યામાં શ્રીમંત કિસાનો કે શાહુકારો સાથે ખેતમજૂરો તરીકે સંક્ળાયેલા હતા અને તેમનું શોષણ થતું હતું. (4). એક વખત જમીનદાર કે શાહુકાર પાસેથી નાણા ઉછીના લીધા પછી એ ભાગ્યે જ ભરપાઇ કરી શકતો અને એથી આ સંબંધો પેઢી દર પેઢી ચાલુ રહેતા.

બારડોલી તાલુકાનો કૃષકસમાજ ઉપર જોયુંતે પ્રમાણે ઉજળીયાત જ્ઞાતિનો તથા પછાત જ્ઞાતિનો આ બે જૂથોમાં વહેચાયેલો હતો. ઉજળીયાત જ્ઞાતિમાં બ્રાહમણ, પાટીદાર, વાણિયા તથા રાજપુતોનો સમાવેશ થતો. તેઓ ‘ઉજળી પરજ’ તરીકે સ્થાનીક સમાજમાં ઓળખાતા. જયારે પછાત જ્ઞાતિઓ,દલિતો અને આદિવાસીઓનો બનેલો કિસાન સમુદાય ‘કાળીપરજ’ તરીકે ઓળખતો. (5).ઇ.સ. ૧૮૨૦પછી આ વિસ્તાર પ્રવ્રુતિનો પ્રભાવ વધ્યો હતો. વેડછી તથા બારડોલી મા આશ્રમો સ્થાપી રચનાત્મક પ્રવ્રુતિઓ દ્રારા સ્થાનિક રાનીપરજ જાતિઓના વિકાસ માટે પ્રયત્નો શરૂ થયા.૧૯૨૩ માં ‘રાનીપરજસભા’ ની સ્થાપના કરવામાં આવી અને સરદાર વલ્લભભાઇ પટેલના પ્રમુખ પણા નીચે તેનું પ્રથમ સંમેલન ભરવામાં આવ્યું. આ સંમેલનમાં મહાત્માગાંધી, કસ્તુરબા, સુમંત મહેતા વગેરે ઉપસ્થિત રહી ઉજળીયાતો દ્રારા થતા રાનીપરજોના શોષણની ટીકા કરી ‘હાળીપ્રથા’ નું ક્લંક ભૂસી નાખવા ખેડૂતો ને આગ્રહ કયૉ. ઇ.સ.૧૯૨૮ માં સરકારની મહેસૂલનીતિ સામે બારડોલી તાલુંકાના ખેડૂતોના આંદોલનની પૂર્વભૂમિકા રચાઇ.આ વિસ્તારમાં દર ત્રીસ વર્ષે મહેસૂલની પુન:આકારાણી થતી. નવી આકારણી મુજબ તેમણે બારડોલી તાલુકામાં મહેસૂલના દરમાં ૨૫ ટકા નો વધારો કરવાનું નક્કી ક્ય્રુઁ. તે સાથે તાલુકાનાં ૨૩ ગામો ને નીચલા વર્ગ માંથી ઉપલા વર્ગનો દરજજો આપ્યો. આથી આ ગામોને બેવડો માર પડ્યો. આકારણી પૂર્વે તાલુકાનું કુલ વર્ષિક મહેસૂલ રૂ.૫૧૪૭૬૨ રૂપિયા આકારાતું હતું તે વધીને રૂ.૬૭૨૨૭૩ રૂ જેટલું થયું. ઇ.સ.૧૯૨૭ ના જાન્યુઆરીમાં બારડોલી તાલુકાના ખેડૂતોનુ સંમેલન ભરી સરકાર સામે મહેસૂલ ઘટાડવાની રજૂઆતો કરી. આ રજૂઆતને ધ્યાનમાં લઇ સરકારે મહેસૂલ ૩૦ ટકાથી ઘટાડી ૨૨ ટકા કરવાનો નિર્ણય લીધો. (6). અલબત આટલો વધારો પણ માન્ય ન હતો.

સરકાર તરફથી મહેસૂલ વધારા માટે જે દ્લીલો કરવામાં આવી હતી તેને રદીયો આપી નીચે પ્રમાણે રજુઆત કરી:
(1) તાપ્તી વેલી રેલવેના બાંધકામથી થનારા લાભને ૧૮૯૬થી આકારણી વખતે ધ્યાનમાં લઇ તેને અનુંરૂપ મહેસૂલ વધારો તે વખતે જ કરવામાં આવ્યો હતો.
(2) રસ્તાઓની સુધારણાનો દાવો તદન પોકળ હતો અને કહેવાતા સુધારેલા રસ્તા જૂની ગાડાવાટ કરતાં પણ વધારે બદતર હાલતમાં હતા.
(3) દૂધાળા ઢોરની સંખ્યામાં થયેલો વધારો પણ સાપેક્ષ હતો.અગાઉના દૂષ્કાળનાં વર્ષો ની સાથે સરખામણી કરવાને કારણે તે વધારો જણાતો હતો. વાસ્તવમાં એકંદરે તેમની સંખ્યા ઘટી હતી.
(4) જમીનની કિમતમાં થયેલો વધારો ક્રુત્રિમ હતો.જે તેની ઉત્પાદન ક્ષમતા સાથે સંકળાયેલો ન હતો.
(5) ખેત ઉત્પાદનના ભાવોમાં થયેલો વધારો ક્રુત્રિમ હતો. જે તેની ઉત્પાદન ક્ષમતા સાથે સંકળાયેલો ન હતો.

કિસાનોના વિરોધને ધ્યાનમાં લઇ તાલુકાના ધારાસભ્યોએ પણ સરકાર સમક્ષ મહેસૂલ વધારા સામે રજૂઆત કરી.પરંતુ સરકારે તેમની વાત સાંભળી નહી.અંતે બારડોલી તાલુકાના ખેડુતોએ ‘ગુજરાતના સુબા વલ્લભભાઇને મળ્યા.તેમણે સંપૂર્ણ મહેસૂલ ન ભરવા માટે ખેડૂતો તૈયાર થાય તો લડતની નેતાગીરી લેવાનું તેમણે સ્વીકાર્યુ. વલ્લભભાઇ પટેલે ૬ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ સરકારને એક પત્ર લખી મહેસૂલમાં કરવામાં આવેલો વધારો ગેરવ્યાજબી ગણાવી અટકાવી દેવા વિનંતી કરી. વળી સેટલમેન્ટ અધિકારીએ ગામોનું વર્ગીકરણ કરી જે ગામોનો દરજજો બદલ્યો હતો તે ગામોમાં આ વધારો ૫૦થી ૬૦ ટકા જેટલો હતો જે અસહ્ય અને ગેરવ્યાજબી હતો તેવી રજૂઆત પણ આ પત્રમાં કરાઇ.સરકાર તરફથી તેનો કોઇ જવાબ ન મળતાં વલ્લ્ભભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૮ ના રોજ સત્યાગ્રહ શરૂ કર્યો હતો.વલ્લભભાઇએ સ્પષ્ટ કહયું હતું, “ આ લડત અંગ્રેજ રાજય ઉથલાવવા માટે છે, એવું કોઇ કહેતું હોય તો તેને અકકલજ નથી,” બારડોલીની લડત જમીન મહેસૂલ માટેની અને તે આર્થિક લડત હતી પણ એ રાજકીય ન હતી એ વાત વારંવાર વલ્લભભાઇએ સ્પષ્ટ કરી હતી. (7) તેમણે તે માટે તાલુકાના વિવિધ ગામોની મુલાકાત લઇ ખેડૂતોની સભા ભરી છેવટ સુધી લડી લેવાની, મહેસૂલ નહી ભરવાની,અને તે માટે જે કોઇ સજા થાય તે સહન કરવાની પ્રતિજ્ઞા લેવડાવી.લડતના માર્ગમાં કેટલાક અવરોધો તથા પડકારોપણહતા.ખેડૂતો,બ્રાહમણ,વાણિયા,પાટીદાર,મુસ્લિમ,પારસી,આદિવાસી સહિત અનેક જ્ઞાતિ, જાતિ તથા ધાર્મિક જુથોમાં વહેચાયેલા હતા તેમની વચ્ચે એકતા તથા મજબૂત સંગઠન ઉભુ કરવાની જરૂર હતી.સમગ્ર તાલુકામાં ૧૭૦૦૦ ખેડૂત ખાતેદારો હતા. વલ્લભભાઇએ તેમને લડતના સ્વરૂપથી વાકેફ કરવા ખેડા જિલ્લા અને ગુજરાતમાંથી અનુભવી કાર્યકરોનો સાથ મેળવ્યો હતો.બારડોલી તાલુકાના ૩૦. બારડોલી આશ્રમના ૩૦, અને તાલુકા બહારના ૧૪૦ એમ કુલ ૨૦૦ નેતાઓ તથા દરેક ગામના સ્વયંસેવક મંડળો મળી કુલ ૧૫૦૦ જેટલા કાર્યકરોએ આ સત્યાગ્રહમાં સક્રિય કામગીરી બજાવી હતી. (8).

લડતથી સમગ્ર રાષ્ટ્ર વાકેફ થાય તે માટે ગામે ગામથી સમાચાર એકત્રીત કરી એક પત્રીકા પ્રકાશીત કરવામાં આવતી, તેનુ પ્રકાશન સુરતથી કરવામાં આવતું. (9). આ લડતને સાથ આપવા તાલુકાના ૧૧૨ પટેલો માંથી ૮૪ પટેલો અને ૪૫ તલાટીઓ માંથી૧૯ તલાટીઓએ રાજીનામા આપ્યા. ૧૨ મી જૂનનો દિવસ સમગ્ર રાષ્ટ્રમાં બારડોલી દિન તરીકે ઉજવવામાં આવ્યો. (10). ઠેર ઠેર સભા અને ભજન કિર્તનોનું આયોજન કરવામાં આવ્યું. લડતના ગીતો દ્રારા લોકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા. સરકારે લડતના આગેવાનોની ધરપકડ કરી 28 જેટલા સત્યાગ્રાહીઓને કારાવાસની સજા કરવામાં આવી. ૬૦૦૦ જેટલી જપ્તીની નોટીસ કાઢવામાં આવી. પરંતુ સરકાર લડતને કચડી શકી નહી. (11). પ્રજાનો પ્રબળ વિરોધ જોઇ પ્રાંતિય કારોબારીના મહેસૂલી સભ્ય શ્રી રૂ બારડોલીની મુલાકાતે આવ્યા આની ચર્ચા મુંબઇમાં કરવામાં આવી.૧૮ મી જુલાઇ એ ગવર્નર સુરત આવ્યા.વલ્લભભાઇએ અન્ય નેતાઓ સાથે ગવર્નર મુલાકાત લીધી.સમાધાન માટે વાતચીત શરૂ થઇ બંને પક્ષે પોતપોતાની શરતો મૂકી સમાધાન શક્ય ન જણાતાં સુરત બેઠક નિષ્ફળ રહી. ૩ અને ૪ ઓગષ્ટે વલ્લ્ભભાઇ પટેલ તેમના સાથીઓ સાથે પૂણે મુકામે સમાધાન માટેની ચર્ચા વિચારણા શરૂ કરવામાં આવી. મોતા ગામના શ્રી રામચંદ ભટ્ટ નામના એક સજ્જને સરકારમાં મહેસૂલી તફાવતના નાણા જમા કરાવતાં સરકારે સમાધાન કર્યુ. સત્યાગ્રાહીઓને છોડી મુકી જપ્ત કરાયેલી મિલકત જમીન પરત આપવામાં આવી તલાટી અને મુખીઓને તેમના સ્થાને પુન:સ્થાપીત કરવામાં આવ્યા.સરકારે મહેસૂલમાં ૧૮૭૪૯૨ રૂપિયાનો વધારો કર્યો હતો તે ઘટાડીને ૪૮૩૬૮ રૂપિયાનો કરવામાં આવ્યો. આ વધારો વ્યાજબી હોવાથી ખેડૂતોએ સ્વીકાર્યો આમ લડત સફળ થઇ. (12).

સંદર્ભ સૂચિઃ-

    1. દેસાઇ મહાદેવભાઇ હરીભાઇ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ , 1957. પૃ.223.
    2. પંડયા રોહીત,સાંસ્થનિક ભારતના કિસાન આંદોલનો, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડે,ગુજરાત રાજ્ય,અમદાવાદ,વર્ષ.2004, પૃ.118.
    3. મહેતા મકરંદ , સાંસ્થનિક ભારતનો આર્થિક ઇતિહાસ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડે,ગુજરાત રાજ્ય,અમદાવાદ,વર્ષ.1985, પૃ.42.
    4. પંડયા ઉપર્યુક્ત, પૃ.118. 5 પંડયા ઉપર્યુક્ત, પૃ.119.
    5. દેસાઇ મહાદેવભાઇ હરીભાઇ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ ,વર્ષ, 1957, પૃ.26.
    6. ગાંધી.બી.એન,ઇતિહાસ લેખ સંગ્રહ, પાર્શ્વ પબ્લિકેશન , અમદાવાદ, વર્ષ.2005, પૃ.19. 8 પંડયા ઉપર્યુક્ત, પૃ.119.
    7. દેસાઇ ઇશ્વરલાલ ઇ.,બારડોલી સત્યાગ્રહ, સૂરત, વર્ષ.1970, પૃ.16.
    8. પંડયા ઉપર્યુક્ત, પૃ.124.
    9. દેસાઇ,ઉપર્યુકત, પૃ.613.
    10. દેસાઇ,ઉપર્યુકત, પૃ.613.

    સંદર્ભ ગ્રંથઃ-

      1. ગાંધી.બી.એન,ઇતિહાસ લેખ સંગ્રહ, પાર્શ્વ પબ્લિકેશન , અમદાવાદ, 2005.
      2. દેસાઇ મહાદેવભાઇ હરીભાઇ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, નવજીવન પ્રકાશન મંદિર અમદાવાદ , 1957.
      3. દેસાઇ મહાદેવભાઇ હરીભાઇ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ ,વર્ષ, 1970.
      4. પંડયા રોહીત,સાંસ્થનિક ભારતના કિસાન આંદોલનો, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડે, ગુજરાત રાજ્ય, અમદાવાદ,2004.
      5. મહેતા મકરંદ, સાંસ્થનિક ભારતનો આર્થિક ઇતિહાસ, યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડે, ગુજરાત રાજ્ય, અમદાવાદ, વર્ષ.1985, પૃ.42.
      6. વ્યાસ રજની, ગુજરાતની અસ્મિતા, ગુર્જર અનડા પ્રકાશન,અમદાવાદ,1988.

      *************************************************** 

      ડો. રમેશ આર. પટેલ
      એમ. એમ. ચૌધરી આર્ટ્સ કોલેજ,
      રાજેન્દ્રનગર, જી.સા.કાંઠા, મો.94291 21713

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us