logo

ટેક્નોલોજી અને સમાજજીવન

જ્યારે આપણે ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે ટેક્નોલોજી એટલે, માનવીએ પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે જે કંઇ પણ ચીજવસ્તુઓનું નિર્માણ કર્યું છે તેનો સમાવેશ ટેક્નોલોજીમાં કરી શકાય. અહિં આપણો હેતુ ઉત્પાદનની એવી પધ્ધતિઓ સાથે છે જેનાથી વસ્તુઓનું નિર્માણ થાય છે. આપણે આપણી આસપાસ નજર કરીએ છીએ ત્યારે આપણી આસપાસ જે કંઇપણ વસ્તુઓ જોવા મળે છે તે વસ્તુઓનું નિર્માણ ટેક્નોલોજી દ્વારા થયું હોય છે. પ્રવર્તમાન સમયમાં રોજે-રોજ નવી-નવી વૈજ્ઞાનિક શોધખોળો થઈ રહી છે. બજારમાં રોજે-રોજ નવા નવા મોડલનાં ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, મોટર સાઇકલ, ગાડી વગેરે ઠલવાઇ રહ્યાં છે. આ બધી વસ્તુઓથી જેમ બજાર ભરેલું પડ્યું છે તેમ, આપણું ઘર પણ આમાંની ઘણી ચીજવસ્તુઓથી ભરાઇ ગયું છે. એટલા માટે જ, આધુનિક યુગને વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ કહેવામાં આવે છે.

આજે દરેક વ્યક્તિ એક એવું ઘર ઇચ્છે છે જેમાં વર્તમાન સમયની તમામ ભૌતિક ચીજ વસ્તુઓની સગવડ હોય. ટી.વી., ફ્રિજ, એ.સી., મોબાઇલ ફોન, કોમ્પ્યુટર, વોશિંગ-મશીન વગેરે જેવાં ભૌતિક સુખ સગવડનાં સાધનો આપણી જરૂરિયાત બની ગઈ છે અને તેના વિના જીવન જીવવાની આપણે કલ્પના પણ કરી શકતા નથી. આપણે બધા જાણીએ છીએ કે જો ગરમીની ઋતુમાં લાઇટ જતી રહે તો લોકો કેટલા હેરાન-પરેશાન થઇ જાય છે? કારણ કે, પંખો કે એ.સી.ની ઠંડક, ફ્રિજ કે કુલરનું ઠંડુ પાણી લાઇટ વગર મળી શકતું નથી, જેની હવે આપણને આદત પડી ગઈ છે. આજનાં સમયમાં આ બધી ભૌતિક સુખ-સગવડો વિના માનવ જીવનની કલ્પના પણ નથી કરી શકાતી. વર્તમાન સમયમાં નવીનતમ ટેક્નોલોજીએ મનુષ્યને પોતાના ઉપર એટલો તો નિર્ભર બનાવી દીધો છે કે, તે તેને પ્રાપ્ત કરવા માટે સતત ભાગતો જ ફરી રહ્યો છે. એનું સુખ, શાન્તિ, સંતોષ બધું જ જાણે કે છીનવાઈ ગયું છે!

આધુનિક સમયમાં જે દેશ જેટલા પ્રમાણમાં ટેક્નોલોજીની દ્રષ્ટિએ સધ્ધર હોય તેટલા પ્રમાણમાં તેને વિકસિત, વિકસતો કે અલ્પ-વિકસિત માનવામાં આવે છે. અથવા તો, જે દેશ ટેક્નોલોજીની દૃષ્ટિએ જેટલો સધ્ધર હોય એટલો એને વિકસિત માનવામાં આવે છે. આજના વૈજ્ઞાનિક યુગમાં યુધ્ધો કે લડાઇઓ હાથી, ઘોડા કે માણસોથી નથી લડવામાં આવતાં, યુદ્ધ માટે પણ આપણે ટેકનોલોજીનો સહારો લેવો પડે છે. ટેંકો, મિસાઇલો, રોકેટ, ફાઇટર વિમાન, હેલિકોપ્ટર વગેરેના ઉપયોગ દ્વારા આજે યુધ્ધો લડવામાં આવે છે. બોમ્બ, અસ્ત્ર-શસ્ત્રની મદદથી વિમાન હુમલો ન કરે તે માટે રડારનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે, આપણી સુરક્ષા માટે આપણે નીત-નવી ટેકનોલોજી ઉપર આધાર રાખીએ છીએ. એટલું જ નહીં ઉપગ્રહ, રોકેટથી આપણે આપણા દેશની બીજા દેશો સામેની સુરક્ષા માટેની જાણકારી પણ મેળવીએ છીએ.

આજનો યુગ કોમ્પ્યુટર યુગ છે. કોમ્પ્યુટર દ્વારા જ આપણે ટાઈપિંગ, પ્રિંટિંગ બધું કરીએ છીએ. ઇન્ટરનેટના માધ્યમથી દુનિયાભરની માહિતી આપણે મેળવી શકીએ છીએ. વર્તમાન સમયમાં ટેકનિકલ શિક્ષણને વધારે મહત્વનું માનવામાં આવે છે. લાઇબ્રેરીને સોફટવેરની મદદથી કોમ્પ્યુટરાઇઝડ બનાવવામાં આવી રહી છે. બજારમાં લેપટોપ અને ટેબ્લેટનાં વિવિધ મોડલો મળતા થયા છે. શિક્ષણમાં કોમ્પ્યુટર, લેપટોપ, ઇન્ટરનેટ, પ્રોજેકટર જેવી વસ્તુઓના ઉપયોગનું વલણ વધતું જાય છે. વિજ્ઞાનના વિષયોમાં પ્રેક્ટીકલ માટે આધુનિક ઉપકરણોનો ઉપયોગ થઈ રહ્યો છે. માત્ર ઉચ્ચ શિક્ષણમાં જ વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે તેવું નથી, પ્રાથમિક શિક્ષણ પણ કોમ્પ્યુટર દ્વારા આપવાની શરૂઆત થઈ ગઈ છે. ડિસ્ટન્સ એજ્યુકેશન માટે મોટા-મોટા ઉપગ્રહો કામ કરી રહ્યા છે. આજનો આપણો વિદ્યાર્થી સામાન્ય સરવાળા-બાદબાકી માટે કેલ્ક્યુલેટરનો સહારો લેતો થઇ ગયો છે.

વેપાર-ઉધોગ અને ધંધાની વાત કરીએ તો આજે ઉત્પાદનની બધી બાબતોમાં મશીનોનો વધુમાં વધુ ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદન કરવાનું હોય તેવી વસ્તુનું કદ, વજન, રંગ, ઘાટ વગેરે નક્કી કરવા માટે વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય બીઝનેસની વાત કરીએ તો આજે ઇ-મેલ બિઝનેસ, વિંડો-શોપિંગનો ઉપયોગ થઈ રહ્યો છે. વેપારનું સંચાલન ટેલિફોન, મોબાઇલ, ઇન્ટરનેટના માધ્યમથી થઇ રહ્યું છે, જેને ઇ-કોમર્સ કહેવામાં આવે છે. બેંકની વાત કરીએ તો બધી બેંકો કોમ્પ્યુટરાઇઝડ બની ગઈ છે, ATM કાર્ડનો જમાનો છે, શેરમાર્કેટ પણ સંપૂર્ણપણે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ પર આધારિત થઈ ગયું છે. પ્રોડક્ટના ઉત્પાદનથી માંડીને માર્કેટીંગ સુધીની તમામ બાબતોમાં આજે ટેકનોલોજીનો ઉપયોગ થઇ રહ્યો છે. આમ, આપણી લગભગ બધી જ આર્થિક પ્રવૃતિઓ ટેકનોલોજી પર આધારિત છે.

આરોગ્ય વિષયક બાબતોમાં વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. મોટી-મોટી હોસ્પિટલો આધુનિક યંત્રો અને મશીનોથી ઘેરાયેલી પડી છે. આવાં યંત્રોની મદદથી અઘરાંમાં અઘરાં ઓપરેશનો થોડીક જ ક્ષણોમાં કરી શકાય છે. લેસર ટેકનોલોજી, કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વગેરે આજે રોગ નિવારણ માટે ઉપયોગી માનવામાં આવે છે. પ્લાસ્ટિક સર્જરી દ્વારા ગમે તેવી બદસૂરત વ્યક્તિ મનગમતી સુંદરતા પ્રાપ્ત કરી શકે છે. વર્તમાન સમયની જીવનશૈલીએ માનવીને અનેક પ્રકારના નવા રોગોની ભેટ આપી છે. જેને દૂર કરવા રોજે-રોજ નવી-નવી દવાઓ, ઇન્જેકશનો વગેરેની શોધો થતી જ રહે છે અને આપણે હવે તેની ઉપર નિર્ભર બની ગયા છીએ. આપણને સહેજ માથું દુખતું હોય કે શરીરમાં સહેજપણ નબળાઇ લાગે તો તરત જ એક ગોળી લઈ લઈએ છીએ. આધુનિક યંત્રો વગર તબીબો પણ અઘરાં ઓપરેશનો કરવાનું વિચારી શકતા નથી.

બજારમાં રોજે- રોજ નવી નવી ગાડીઓના મોડેલો આવી રહ્યા છે, ટ્રેનો, મેટ્રો ટ્રેનો ચાલી રહી છે, એ.સી. બસો દોડી રહી છે, વિમાન દ્વારા લાંબુ અંતર આપણે થોડાક જ કલાકોમાં કાપી રહ્યા છીએ. માત્ર એટલું જ નહિ, આજે તો આપણા યાન અંતરિક્ષમાં જઈને શોધો કરી રહ્યા છે. આમ, આપણે પરિવહનની બાબતમાં પણ ટેકનોલોજી પર આધારિત બની ગયા છીએ. આજે બળદગાડા કે ઘોડાગાડી દ્વારા લાંબી મુસાફરીની કલ્પના પણ નથી કરી શકાતી.

ચૂંટણી વખતે પ્રચાર માટે મિડિયા, ટેલિવિઝન જેવા પ્રચાર માધ્મમોનો ઉપયોગ થઈ રહ્યો છે. ઈ- વોટિંગ મશીનની મદદથી ચૂંટણી પ્રક્રિયાઓ કરવામાં આવે છે અનેકવિધ ટેકનોલોજી આજે રાજનીતિના ક્ષેત્રમાં એક મોટી ભૂમિકા ભજવી રહી છે. આજે તો મનુષ્ય જન્મ થયા પહેલાં પણ ટેકનોલોજી ઉપર આધારિત બન્યો છે. ગર્ભધારણ કરવાથી માંડીને ગર્ભને ટકાવવા અને જન્માવવા માટે વિવિધ ટેકનોલોજીની જરૂરિયાત પડવા લાગી છે. આધુનિક માનવી સુખ સગવડના ભૌતિક સાધનો વગરની કલ્પના પણ કરી શકતો નથી. અહીં જોઇ શકાય છે કે સામાજિક, આર્થિક, રાજનૈતિક, ધાર્મિક એમ સમાજ જીવનનાં બધાં જ પાસાંઓમાં આપણે ટેકનોલોજી ઉપર આધારિત બની ગયા છીએ.

ભૌતિક સુખ-સગવડનાં સાધનોએ માનવીને અનેક પ્રકારના શારીરિક-માનસિક રોગોનું ઘર બનાવી દીધો છે. ટેકનોલોજીનો વિકાસ કરવાની ધુનમાં પ્રકૃતિનું નિકંદન નીકળી ગયું છે. ગ્લોબલ વોર્મિંગ, ધરતીકંપ, જવાળમુખી, ત્સુનામી જેવી કુદરતી આપત્તિઓનો પણ આપણે સામનો કરવો પડી રહ્યો છે. જે પ્રકારે વર્તમાન સમયમાં નવી-નવી ટેકનોલોજી વિકસી રહી છે અને તેને પ્રાપ્ત કરવા માટે માનવી હરીફાઇ કરી રહ્યો છે અને ક્યારેક હિંસા, ચોરી, લૂંટફાટ, છેતરપીંડી, હત્યા જેવી ગુનાખોરી તરફ વળી રહ્યો છે તે જોતાં એમ કહી શકાય કે, “ટેકનોલોજીએ માનવીને પોતાનો ગુલામ બનાવી દીધો છે”.

*************************************************** 

વાઘેલા પંકજકુમાર જે. અને
વીરસંગ આર. ચૌધરી

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us