logo

વડનગરનો રાજકીય ઇતિહાસ

ગુજરાતની પ્રાચીન સમયની રાજધાનીઓના શહેરો(નગરો)માં નોંધપાત્ર ગણાતુ વડનગર ઐતિહાતિક પરંપરાઓ ધરાવે છે. વડનગર તેની વૈદિક કાળની પરંપરાઓથી ધર્મ, પુરાણ, કર્મ-કાંડ, યજ્ઞ આદિની આગવી પરંપરા ધરાવતુ હતુ. વડગરનો રાજ્કીય ઇતિહાસ ક્ર્મશ: અને ઐતિહાસિક પુરાવાસરનો મળતો નથી, પરંતુ સ્કંધપુરાણના નાગરખંડમાં આનર્તદેશ(વડનગર)ના કેટલાક રાજાઓના વૃતાંતો ગુજરાતમાં થઇ ગયેલા ક્ષત્રપ રાજાઓને મળતાં આવે છે.

નાગરખંડમાં જણાવવામાં આવેલ ચમત્કાર રાજા તે ક્ષત્રપરાજા નહપાનનો જમાઇ ઉષાવદાત હતો. આ સિવાય નાગરખંડના સત્યસંઘ અને બ્રહદ્રબલ રાજાઓ તે ક્ષત્રપ રાજાઓ સત્યસિંહ અને રૂદ્રસિંહ હતા. તેમજ આનર્ત દેશનો રાજા પ્રભંજન તે રૂદ્રદામા બીજો હતો.૧ આમ વડનગરની સ્થાપના થયા પછી તે ક્ષત્રપોના તાબાંમાં હતુ.

ક્ષત્રપરાજાઓના સમયમા વડનગર ઉપર નાગરલોકોએ કરેલા હુમલાનો સામનો કરવા અહીના બ્રાહ્મણોએ, માલવ રાજાની સહાય લઇ નાગરલોકોને હાંકી કાઢયા હતા. ક્ષત્રપો બાદ ગુપ્ત રાજાઓના સમયમાં વડનગરમાં ગુપ્તોની સતા વિશે કોઇ પ્રમાણ મળતું નથી. ગુપ્ત રાજાઓ પછી વલભી રાજાઓના સમયમાં વડનગર માલવોના તાબાંમાં હોવાનું ચીની મુસાફર હ્યુ-યેન-ત્સાંગે નોધ્યું છે.૨ પરંતુ બાદમાં ઇ.સ. ૫૮૮માં વલભીના રાજા ધર્મસેનના સમયમાં ભીન્નમાલના ગુર્જરોએ ગુજરાત ઉપર હુમલો કરતા વડનગર પર આક્ર્મણ કર્યુ હતું. આ વખતે કોઇ માલવ રાજાએ વડનગરનો બચાવ કર્યાનુ જાણવા મળતું નથી. આથી ઇ.સ. ૩૪૮થી આરંભાયેલી માલવોની સતા પાછળના સમયમાં વડનગરમાં નામની જ રહી હશે.

વલભીપુરનો નાશ ઇ.સ.૭૭૬માં આરબોએ કર્યો હતો. તે સમયે તેઓના ધાડા વડનગર ઉપર ચડી આવ્યા હતા અને વડનગરને થોડુ નુકશાન કર્યાનું કહેવાય છે. ત્યારબાદ પચાસ કે સાઠ વર્ષ ગુજરાતમાં અરાજકતા રહી હતી એમ જણાય છે. અણહીલપુર પાટણ વનરાજચાવડાએ સંવત ૮૦૨ માં વસાવ્યું હતું અને ગુજરાતનો કેટલાક ભાગ તેના તાબામાં હતો. ગુજરાત અને માલવાની સરહદ નજીક્માં આવેલું ચાંપાનેર શહેર તેના પ્રધાન ચાંપાએ વસાવ્યુ હતું. આથી જ્ણાય છે કે વનરાજ ચાવડાની સત્તા ગુજરાતના ઘણાખરા પ્રદેશો ઉપર હતી અને તે સમયથી જ વડનગર ચાવડાઓની સત્તા હેઠળ આવ્યું હશે એમ જણાય છે.3 અણહીલપુરના સોલંકીરાજા કર્ણદેવ વિશેના ઉંઝા પાસેના સુણક્ગામમાંથી મળી આવેલા તામ્રપત્ર મુજબ એક્સો છવ્વીસ ગામોના ઉપરી તરીકે આનંદપુર(વડનગર)ના અધિકારીને નિમ્યો હતો. આથી ચોક્ક્સજણાય છે કે સિદ્ધ્રરાજના પિતા કર્ણદેવના સમયમાં વડનગર સોલંકી રાજ્યછત્ર હેઠળ હતું . વડનગરનો કોટ સોલંકી રાજા કુમારપાળે બંધાવ્યો હતો.૪

સોલંકી પછી ગુજરાતની સત્તા પર આવેલા વાઘેલાઓના સમયમાં વડનગર વાઘેલાઓના તાબામાં હતુ. મુસલમાની રાજસત્તા દરમિયાન વડનગર મુસલમાન લેખકો અબુલફજ્લ તેમજ ખાફીખાને વડનગરની જાહોજલાલી તેમજ સમ્રુધ્ધિની નોંધ લીધી છે. પણ તેમાંથી તેના રાજ્કીય ઇતિહાસ બાબતમાં કંઇ વિશેષ હકીકત મળતી નથી.

ઔરંગઝેબનું ‘ હિંદુસ્તાન’ નામનું પુસ્તક પ્રોફેસર જદુનાથ સરકારે અનેક ફારસી ગ્રંથોના આધારે લખ્યું છે. તેમાં ગુજરાતના પવિત્ર તીર્થોમાં વડનગરનો ઉલ્લેખ કર્યો છે. વડનગરમાં આવેલી અર્જુંનબારીના પુનરુધ્ધારર્નો ઇ.સ. ૧૬૩૩નો દ્રિભાષી–અરબીલિપિ અને જૂની ઉર્દૂ અને દેવનગરી લિપિમાં લખાયેલ લેખ નોંધપાત્ર ગણી શકાય. આ લેખમાં શાહજહાંના ગુજરાતના સૂબેદાર તરીકે ઇસ્લમખાન મશ્હદી હતો. ઉપરાંત અર્જુનબારી દરવાજા પુનરુદ્ધારનુ કારણ દર્શાવતા લેખમાં કહેવાયુ છે કે સકલ નરનારી એટલે વડનગર વાસીઓને નિર્ભય કરવા માટે અર્થાત તેમનો જાન-માલની સલામતી અર્થે દરવાજાનો જીર્ણોધ્ધાર કરવામાં આવ્યો છે.૫

અઢારમાં સૈકામાં મુઘલ સલ્તનતની પડતી શરૂ થઇ. બાબી ક્માલુદિનખાને અમદાવાદનો કબજો લઇ પોતાની રાજધાની સ્થાપી પરંતુ તેના પર ગાયકવાડ અને પેશ્વા ચડી આવતા તેણે સંધિ કરી રાધનપુર, મુજપુર, પાટણ, વીસનગર અને વિજાપુર પરગણા લઇ બાકીનો બીજો મુલક ગાયકવાડ અને પેશ્વાને સોંપ્યો. આ સમયે બાબી કમાલુદીનખાને પોતાની ગાદી રાધનપુરમા સ્થાપી .પરંતુ પાછળથી એક રોહિલા પઠાણે મરાઠાઓ વિરુધ્ધ બંડ કરતા દામાજીરાવ ગાયકવાડે બાબી સામે ચડાઇ કરી વીસનગરને ઘેરો ઘાલ્યો. તેમાં કમાલુદીનખાનના ભાઇ જોરાવરખાન ગોળી વાગવાથી મરણ પામ્યા અને તેમના બે ભત્રીજાઓ ગ્યાસુદીન અને નજુમિયાં વડનગરમાં રહેતા હતા. તેઓએ વીસ મહિના સુધી ગાયકવાડ સામે પોતાનો બચાવ કર્યો. પરંતુ અંદર અંદરના કજીયાઓને લઇને ગ્યાસુદીને સંધિ કરી વીસનગર, વડનગર, પાટણ, વિજાપુર પરગણાંઓ દામાજીરાવને સોંપ્યા.

ત્યારબાદ તે મહેસાણા પ્રાંતના ખેરાળુ મહાલના એક કસબા તરીકે ગણાતુ હતુ. ત્યારબાદ વડનગર તાલુકો બન્યો છે. હાલમા અનેક સાંસ્કૃતિક ગતિવિધિઓનું કેન્દ્ર બન્યું છે.

સંદર્ભસૂચિ

  1. માનશંકર મહેતા નાગોત્પતિ, રસેશ જમીનદાર, ક્ષત્રપકાલનું ગુજરાત, અમદાવાદ, પ્રથમ આવૃતિ ૧૯૭૫, પ્રુ -૬૪-૬૫
  2. ગુજરાતનો રાજ્કીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ-૪, સોલંકીકાલ, અમદાવાદ
  3. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ -૩, મૈત્રક-અનુમૈત્રક્કાલ, અમદાવાદ
  4. વડનગર ૧૯૭૩ ક.ભા.દવે પ્રુ.૭૫-૭૬
  5. ઝેડ.એ.દેસાઇ વડનગરનો દ્રિલિપિક અભિલેખ ,સામીય્પ પુ-૧ અંક-3 ઓક્ટોમ્બર-૧૯૮૪ પૃ ૧૩૫-૧૪૧
  6. ગુજરાતનો રાજ્કીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ગ્રંથ -૭, મરાઠાકાલ. અમદાવાદ

*************************************************** 

ડૉ.પ્રવીણ વી. ચૌધરી,
સરકારી વિનયન કૉલેજ,
ડેડિયાપાડા.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us