logo

સુધારા ક્ષેત્રે કર્ઝનનાં નોંધપાત્ર કાર્યોની સમીક્ષા

સત્તરમી સદીના આરંભે ભારતમાં વેપાર અર્થે આવેલી અંગ્રેજ પ્રજાએ ધીમે ધીમે ભારતીય શાસન વ્યવસ્થા–જે જુદાં જુદાં ગણરાજ્યોમાં વિભાજીત હતી તેને અંકે કરવાનું કામ શરૂ કરે છે. પ્રાદેશીક રાજ્યોની અંદરોઅંદરની ખેંચતાણ અને વેરઝેર તથા બિનકુશળ વહીવટને પરિણામે બુદ્ધિશાળી અને ચતુર અંગ્રેજ પ્રજા તેમાં ફાટફૂટ પડાવી વિવિધ યોજનાઓ દ્વારા સત્તા હાંસલ કરવામાં સફળ થાય છે. પ્રાદેશિક સંઘ રાજ્યોના આળસુ શાસકોની સ્વાર્થીનીતિ અને ટૂંકી દ્રષ્ટિને કારણે અંગ્રેજોને આપણે ત્યાં શાસન કરવાનો મોકો મળે છે. ૧૮૫૭ ના વિપ્લવ પછી અંગ્રેજ સરકાર ભારતની શાસન વ્યવસ્થાનો હવાલો ઈસ્ટ ઈન્ડીયા કંપની પાસેથી પોતે લઈ લે છે. ત્યારબાદ ભારતમાં શાસન ચલાવવા એક ચોક્કસ વહીવટીય માળખું ગોઠવે છે. આ વહીવટી માળખાને પરિણામે તેમની સત્તા ભારતમાં વધુ મજબૂત બને છે. આ વહીવટી માળખાના ઉપરી તરીકેનો હોદ્દો ”ગવર્નર જનરલ” નો હતો. બ્રિટીશ સરકાર ભારતમાં સુદઢ્ઢ શાસન ચલાવવા અને ભારતીયોના અવાજને દબાવી દેવા માટે હંમેશાં કાબેલ વ્યક્તિઓની’ગવર્નલજનરલ’ તરીકે નિમણૂંક કરતી. ભારતમાં આવેલા જુદાજુદા ગવર્નલ જનરલોમાં ઈ.સ.૧૮૯૯ થી ૧૯૦૫ સુધી આવેલા કર્ઝને તેની સામ્રાજ્યવાદી નીતિની સાથે સાથે કેટલાક આગવા સુધારા પણ કર્યા છે.

ઈ.સ. ૧૮૫૯માં જન્મેલા જ્યોર્જ નથનીઅલ કર્ઝનનું શિક્ષણ ઑક્સફર્ડ જેવી જાણીતી સંસ્થામાં થયું હતું. તે ભારતમાં ગવર્નલ જનરલ તરીકે આવે છે તે પહેલાં ભારત તથા એશિયાના વિવિધ દેશોનો પ્રવાસ ખેડીને ત્યાંની રાજકીય વ્યવસ્થાનો ઊંડો અભ્યાસ કરી ચૂક્યો હતો. આથી ભારતમાં સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ ઘણા પ્રશ્નોને ખૂબ જ કુનેહપૂર્વક ઊકેલ્યા હતા. લોર્ડ કર્ઝનની આવી કૂનેહભરી નીતિને કારણે અંગ્રેજ સામ્રાજ્યનો ખાસ્સો વિસ્તાર થવા પામ્યો હતો. જોકે તેમાં સુધારાવાદી ગુણો પણ જોવામળે છે. જેના દ્વારા તેણે ઘણા પ્રશંસનીય સુધારાઓ કર્યા છે.

૦૧. દુષ્કાળ જેવી કુદરતી આફતમાં રાહતદાયક પગલાં :

લોર્ડ કર્ઝને જે સમય્ગાળામાં ભારતમાં સત્તનાં સૂત્રો સંભાળ્યાં તે સમય ભારતમાં અનેકવિધ કુદરતી આફતોનો હતો. અતિવૃષ્ટિને કારણે પૂરની સમસ્યા, પાકમાં રોગચાળાને લીધે નિષ્ફળતા વાવાઝોડાં વિગેરેની સાથે અનાવૃષ્ટિ – એટલે કે દુષ્કાળની સમસ્યા મોટામાં મોટી હતી. ઈ.સ. ૧૮૫૮ થી ૧૯૦૦ની વચ્ચેના ગાળામાં નાના-મોટા થઈને લગભગ વીસેક જેટલા દુષ્કાળો પડ્યા હતા. તેમાં ઈ.સ. ૧૯૦૦નો દુષ્કાળ જેને આપણે સંવત ૧૯૫૬ને કારણે છપ્પનીયા દુષ્કાળ તરીકે ઓળખી છીએ તેની ભયંકરતા તો હ્રદય હલાવી દે તેવી અત્યંત ક્રૂર હતી. આમાંથી પ્રજાને ઉગારવા લોર્ડ કર્ઝને એક કમીશનની રચના કરી.આ કમીશને સૂચવેલાં વિવિધ પગલાંઓનો કર્ઝને તાત્કાલીક અમલ કર્યો તથા વારંવાર પડતા દુષ્કાળને ધ્યાનમાં રાખી એક દુષ્કાળ અધિકારીની નિમણૂંક કરી. વારંવાર પડતા દુષ્કાળનો સામનો કરવા અનાજ અને ઘાસચારા માટે ખેતીવાડીના વિકાસ પર પુરતું ધ્યાન આપ્યું. ખેતી સુધારણા માટે વૈજ્ઞાનિક પ્રયોગો પર વિશેષભાર મૂક્યો. આના પરીણામે અનાજના ઉત્પાદનમાં સારો એવો વધારો થવા પામ્યો. જેથી ખેડૂતોને ફાયદો થયો. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવાની કામગીરી અને તેની આંકણી કરવાની પધ્ધતીમાં સુધારા લાવી ખેડૂતોનું હિત ધ્યાનમાં લીધું. ખેડૂતો પાસે મહેસૂલ ઉઘરાવનાર અધીકારીઓને કડક વસૂલાત નહીં કરવાના હુકમો કર્યા. ખેતીવાડીમાં વિવિધ સંશોધનો માટે તેવી સંશોધન સંસ્થાઓ સ્થાપી અને તેના માટે અનુદાનની વ્યવસ્થા કરવામાં આવી.

૦૨. સહકારી ધિરાણ સંસ્થાઓને પ્રોત્સાહન :-

તે સમયે ખેતી કરનાર ખેડૂતોને વાવણી માટે બિયારણ તથા ખાતર અને બીજા કામો માટે પૈસાની ઘણી જ અગવડતા પડતી. તેઓ આ માટે શરાફો અને શાહુકારો પાસેથી વ્યાજે પૈસા લેતા. જેના વિષચક્રમાંથી છૂટવું ઘણું જ કપરું બની જતું અને દેવાદાર બની જતા. આથી ખેતી માટે કર્ઝને ઈ.સ. ૧૯૦૪માં સહકારી ધિરાણ સંઘોને લગતો ધારો પસાર કર્યો. જે અંતર્ગત ખેડૂતોને વ્યાજના નજીવા દરે લોન આપવામાં આવતી હતી.

આવી સહકારી બેન્કો તથા સંસ્થાઓને સરકાર તરફથી ઉદાર સહાય આપવામાં આવતી હતી. આ પ્રકારની કર્ઝનની પ્રવૃત્તિથી ખેડૂતોને ઘણી જા રાહત થઈ અને તેના ઘણા લાભો પ્રાપ્ત થયા.

૦૩. રેલવેની કાર્યક્ષમતામાં વધારો:-

રેલવેની બિનકાર્યક્ષમતાને પરિણામે કુદરતી આફતોની માણસોને મદદ પહોંચાડવાનું કાર્ય મુશ્કેલીભર્યું બની રહેતું હતું. આથી રેલવેના સુધારા માટે ઈ.સ. ૧૯૦૩માં રોબર્ટસન કમીશને સૂચવેલી ભલામણો પ્રમાણે રેલવેની ખાનગી કંપની તથા સરકારની માલિકી દૂર કરી તેના બદલે ત્રણા સભ્યોવાળા રેલવે બોર્ડની રચના કરવામાં આવી. આ બોર્ડને હિંદ સરકારકારના વેપાર-ઉદ્યોગ ખાતા નીચે મૂકી તેને નફાના ધોરણે કામગીરી હાથ ધરવાનું સૂચવવામાં આવ્યું. આથી કર્ઝનની વિદાય (૧૯૦૫) માં થઈ ત્યાં સુધીમાં છ હજાર માઈલની નવી રેલવે બંધાઈ ચૂકી હતી. તથા અગાઉ જે રેલવે ખોટ કરતી હતી તે નફો કરતી સંસ્થા બની ચૂકી હતી.

૦૪. શિક્ષણમાં ગુણાત્મક સુધારા :-

હિંદમાં શિક્ષણનો પ્રસાર-પ્રચાર અંગ્રેજોએ તેમને વહીવટમાં ઉપયોગી બને તેવા નોકરીયાતો પેદા કરવાનો હતો. આના પરિણામે શિક્ષણ માત્ર ઉપલા વર્ગને જ સ્પર્શતું હતું. શ્રમજીવિ તથા સામાન્ય વર્ગ તેનાથી વંચિત રહી જતો હતો. ભારતમાં શિક્ષણનું પ્રમાણ નહિવત હતું. તથા નાણાંના અભાવે પ્રાથમિક શિક્ષણ પણ લોકો મેળવી શકતા નહોતા. ઉચ્ચ શિક્ષણમાં પણ અધ્યાપનનું નીચું ધોરણ, આયોજન વગરની પરીક્ષા પધ્ધતિ તથા વધારે પડતા સભ્યોને કારણે યુનિવર્સિટિનો વહીવટ તથા ગુણવત્તા કથળી ચૂક્યાં હતાં. તેને સુધારવા રેલવે કમીશનની રચના લોર્ડ કર્ઝને કરી. અને તેણે શિક્ષણ સુધારવા માટે જે ઉપાયો સૂચવ્યા તેનાથી સમગ્રશિક્ષણ પ્રક્રીયા સુધારો પામી અને તેની સાથે જોડાયેલા વિદ્યાર્થી-અધ્યાપકોની સાથે સાથે સમાજને પણ ખાસ્સો લાભ થવા પામ્યો. સ્ત્રી શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ તથા ટેકનીકલ શિક્ષણમાં થયેલા વિકાસે સમાજને એક ડગલું આગળ વધારવાનું ઉમદા કાર્ય કર્યું.

૦૫. નાણાંકીય સુધારા :-

કર્ઝને કેન્દ્ર તથા પ્રાંતો વચ્ચે આવકનાં સ્ત્રોતો અને સાધનોની સરખે હિસ્સે ફાળવણી કરી. આવકનાં સાધનનોની વહેંચણી તથા પ્રાંતોને આપવાની અનુદાનની રકમ ચોક્કસ સમયગાળાને બદલે કાયમી કરવામાં આવી. તથા અસાધારણ સંજોગો સિવાય તેમાં કોઈપણ બદલાવ નહીં લાવવાનું ઠરાવવામાં આવ્યું. વિવિધ પ્રાંતોને લોકહિતનાં કાર્યો તથા વહીવટ માટે નાણાંકીય ખર્ચ કરવાની સ્વાયત્તતા આપવામાં આવી. કેન્દ્ર તથા પ્રાંત વચ્ચે નાણાંકીય સુમેળ સાચવી બચતને પણ પ્રાધાન્ય આપવામાં આવતાં સરકારની નાણાંકીય સ્થિતિમાં સારો એવો સુધારો થયો.

૦૬. પોલીસતંત્રમાં સુધારણા :-

પોલિસતંત્રમાં જોવા મળતી ઊણપોને દૂર કરવા કર્ઝને ઈ.સ. ૧૯૦૨માં એક કમીશનની રચના કરી. જેણે પોલેસતંત્રમાં સુધાર લાવવા માટે કેટલીક ભલામણો કરી. કમિશનની આ નોંધપાત્ર ભલામણોનો કર્ઝને સ્વીકાર કર્યો અને તેનો અમલ પણા કર્યો. આથી પોલિસતંત્રની કાર્યક્ષમતામાં નોંધપાત્ર સુધારો થયો.

૦૭. વહીવટી સુધારા :-

વહીવટીતંત્રની બિનકાર્યક્ષમતા તથા તુમારશાહીને કારણે ઘણા પ્રશ્નો વણઉકલ્યા પડ્યા હતા. ઓફિસોમાં ફાઈલોના ઢગ ખડકાયા હતા. તેથી કર્ઝને ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી વહીવટી તંત્રને કાર્યક્ષમ બનાવવાના ઉપાયો અમલમાં મૂક્યા. જેની વહીવટીતંત્ર પર સારી અસર પડી.

આ ઉપરાંત લશ્કરી ક્ષેત્રે પણ નોંધપાત્ર સુધારા કર્યા. અન્ય સુધારાઓમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરનારા સાંસ્કૃતિક અવશેષો તથા શિલ્પ-સ્થાપત્યનાં સ્મારકોની જાળવણીને લગતો પસાર કરેલો કાયદો પણ તેમનું સુધારાવાદી પગલું હતું. આમ, લોર્ડ કર્ઝનનું ભારતમાંનું છ વર્ષનું શાસનને અનેકવિધ ક્ષેત્રે નોંધપાત્ર સુધારાઓ લાવતું ધ્યાનાર્હ બની રહ્યું તે નોંધવું જ રહ્યું.

સંદર્ભ

    1. આધુનિક ભારતનો ઈતિહાસઅને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામો. લેખક : ડૉ. રમણલાલ કે. ધારૈયા.
    2. British Paramountcy and Indian Renaissance, Part-1 Majmudar R.C.
    3. The Discovery of India – Jawaharlal Nehru.

    *************************************************** 

    પ્રો. રમેશભાઈ એમ.પટેલ
    એમ.એમ.ચૌધરી આર્ટસ કોલેજ,
    રાજેન્દ્રનગર.

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us