રિટેલ ક્ષેત્રે એફ.ડી.આઇ. અને ભારત
પ્રસ્તાવિકઃ-
ભારતમાં છુટક બજારમાં વિદેશી રોકાણ કોના લાભાર્થે ? કોના ભોગે ? આ પ્રશ્ન સૌ કોઇને થાય એ સ્વભાવિક છે. એપ્રિલ 2000થી ઓક્ટોબર 2012 દરમિયાન ભારતમાં કુલ 185.7 અબજ ડોલરનું પ્રત્યક્ષ વિદેશી રોકાણ આવ્યું છે. જેમાં સૌથી વધારે મહારાષ્ટ્ર 61.13 અબજ ડોલર , એન.સી.આર. માં 35.4 અબજ ડોલર બીજા સ્થાને જ્યારે કર્ણાટક 10.25 અબજ ડોલર ત્રીજા સ્થાને તમિલનાડુ 9.6 અબજ ડોલર મેળવીને ચોથા જ્યારે 8.53 અબજ ડોલર મેળવીને ગુજરાત પાંચમા સ્થાને રહ્યું છે. વધુમાં વધુ એફ.ડી.આઇ. સેવા, ટેલિકોમ્યુનિકેશન અને સોફ્ટવેર તેમજ બાંધકામ પ્રવૃતિઓમાં થયેલ છે.
એફ.ડી.આઇ. અંગે ભારત સરકારની નીતિ
ભારતમાં સરકાર વધતી જતી મોંઘવારી અને ફુગાવાને કાબુમાં લેવા અનેક પ્રયાસો કર્યા પરંતુ ફૂગાવાનો દર નીચે આવવાનું નામ લેતો નથી. જેને કારણે સરકારે રિટેલ ક્ષેત્રમાં એફ.ડી.આઇ. મલ્ટીબ્રાંડમાં 51% અને સિંગલ બ્રાંડમાં 100% સીધા વિદેશી રોકાણને મંજુરી આપી છે અને ખેડુતને વચોટીયાની નાબુદીના કારણે ખેતપેદાશોના સારાભાવ અને કોલ્ડ ચેઇન જેવી માળખાકીય સગવડો આપવાની ખાતરી આપે છે.
રિટેલ ક્ષેત્રે એફ.ડી.આઇ.ના દરવાજા ખોલવામાં સરકારની મનશા પર સવાલ ઉભા થાય છે. શા માટે સરકારે જરૂર ન હતી છતાં સંસદમાં રિટેલમાં એફ.ડી.આઇ. અંગેની ચર્ચા શરૂ કરી આ નીતિને મંજૂરી આપવા માટે સંસદની મંજૂરીની જરૂર ન હતી. આ માટે વાણિજ્ય અને ઉધોગ મંત્રાલયે તેના ઇરાદા અંગે એક પ્રેસનોટ જારી કરવાની રહે છે જેના બાદ " રિઝર્વબેંક ઓફ ઇંડિયા" જાહેરનામું બહાર પાડે છે તો પછીં વાણિજ્ય પ્રધાન આનંદશર્માએ આ જાહેરાત કરવા માટે સંસદનો આગ્રહ શા માટે રાખ્યો ? અને સંસદમાં જે બન્યું તે આપણે સૌએ જોયું જો સરકાર નવા નિયમો લાગુ કરવાની ઇચ્છા રાખતી હતી તો તે વધુ સારો સમય અને સ્થળ પસંદ કરી શકી હોત.
તકવાદી રાજનીતિ
છુટક બજાર કિરાણા બજારમાં 51% મૂડી રોકાણની સરકારની જાહેરાત પછીં રાજકીય ચર્ચા અને સંસદ ઠપ કરી દેવા સુધીની પ્રવૃતિએ ફરી એકવાર ભારતીય રાજનીતિમાં વિસ્તાર પામેલી તકવાદી રાજકીય વૃતિના દર્શન જનતાને કરાવ્યાં છે. તમામ આર્થિક વિચારોને અપનાવતી વખતે એકજ વાત ઉપસી આવે છે કે નકકર વિચારસરણી વગરની રાજનીતીમાં પછીં એ W.T.O હોય અમેરિકા સાથેનો અણુંકરાર હોય , વીજ ઉત્પાદન કે વિસ્તરણની નવી નીતિ હોય એ બધામાં ઇમાનદારી કે લોકકલ્યાણ ને બદલે છીંછરું રાજકારણ વધુ ભાગ ભજવે છે.
ભારતમાં એફ.ડી.આઇ.ના લાભાલાભ :
સીધું વિદેશી રોકાણ એટલે એવું રોકાણ કે જેમાં વિદેશી કંપની ભારતમાં આવે અને કોઇ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા કે વેચવા માટે મૂડીરોકાણ કરે. આવું મૂડીરોકાણ ભારતમાં વધારે થાય તે માટે 1991 પછીં વિદેશી કંપનીઓ માટે ભારતના બજારના દરવાજા ખુલ્લા મુકવામાં આવ્યા
1995માં ભારત W.T.O.માં જોડાયું. આમ ભારતીય અર્થતંત્રમાં સતત આર્થિક સુધારાઓ ચાલુ રહ્યાછે. હવે છુટક વેપારક્ષેત્રે વિદેશી મૂડીરોકાણનો જો વિરોધ કરવો હોય તો તમામ વિદેશી મૂડીરોકાણોથી દેશને એક સરખું નુકશાન થાય છે.જે બાબત ધ્યાનમાં રાખવી જોઇએ . ભારતમાં અત્યારે 3050 જેટલી વિદેશી કંપનીઓએ મૂડીરોકાણ કરેલું છે જેનો પણ વિરોધ થવો જોઇએ .માત્ર રીટેલક્ષેત્રે એફ.ડી. આઇ. નો વિરોધ કરવો કેટલે અંશે વ્યાજબી છે.
હાલની સરકારે વિદેશી કંપનીઓ ને રિટેલક્ષેત્રે 51% સુધીના મૂડીરોકાણ માટેની છુટ આપી છે. 49 % રિટેલક્ષેત્રે વિદેશી મૂડીરોકાણની છુટ તો ક્યારની આપી જ છે વોલમાર્ટ સહીતની અનેક કંપનીઓએ 49% સુધીની મૂડીસાથે ભારતની કંપનીઓ સાથે સંયુક્ત સાહસો શરૂ કરેલાં છે હવે જે મામલો છે તે 49% અને 51% વિદેશીમૂડીરોકાણ નો છે બે ટકા વિદેશી મૂડીરોકાણ વધવાનું છે જેથી વિદેશી કંપનીઓ 49% નફાના સ્થાને 51% લઇ જશે વિરોધ હોયતો 49% નફો લઇ જાય છે તેનો પણ થવો જોઇએ માત્ર બે ટકા નફાનો વિરોધ શામાટે? વાંધો ઉઠાવવો હોયતો ભારતમાં આવેલ તમામ 3050 વિદેશીકંપનીઓ જે ભારતમાંથી 49% નફો લઇ જાય છે તેનો પહેલો થવો જોઈએ આમ કરવા કોઇ રાજકીય પક્ષ તૈયાર નહીં થાય.
મોટી કંપનીઓ આવવાથી નાના વેપારીઓને નુકશાન થશે એમ કહેવું પણ વિચિત્ર લાગે છે એક મોલમાં વોલમાર્ટનું 49% મૂડીરોકાણ હોય તો નાના વેપારીઓને નુકશાન ના થાય અને 51% મૂડીરોકાણ હોયતો નુકશાન થાય આવું કેવી રીતે બને? જો ખરેખર નાના વેપારીઓને નુકશાન થતું હોયતો હાલમાં ભારતમાં આવેલા તમામ વિદેશી રોકાણવાળા મોલ તત્કાલ બંધ કરાવી દેવા જોઇએ આમ કરવા કોઇ રાજકીય પક્ષ તૈયાર નહીં થાય
1995 માં વિશ્વ વ્યાપાર સંગઠન ની સ્થાપના થઇ તેમાં જનરલ એગ્રીમેંટ ઓન ટ્રેડ ઇન સર્વિસિસ (ગેટ્સ) નામની એક સમજૂતી છે આ સમજૂતી હેંઠળ મુખ્ય 12 પ્રકારની સેવઓ અને તેના પેટા પ્રકારમાં લગભગ 165 જેટલી સેવાઓનો સમાવેશ કરાયો છે આ સેવાઓનો વેપાર આજે નહીંતો કાલે ભારતે મુક્ત કરવાનો જ છે કારણ કે ભારત W.T.O. નું સભ્ય છે છુટક વ્યાપાર મુક્ત કરવો એ 165 માંની જ એક સેવા છે જો ભારત આ શરતોનું પાલન નહીં કરેતો W.T.O. માંથી રાજીનામું આપવું પડે વર્તમાન દેશની આર્થિક પરિસ્થિતી જોતાં કોઇ રાજકીય પક્ષ તૈયાર નહીં થાય. > એફ.ડી.આઇ. આવવાથી નાના વેપારીઓ, કિરાણાવાળાને આર્થિક નુકશાન થાય છે પરંતુ નાના વેપારી અને મોલ વચ્ચે શુધ્ધ હરિફાઇ થવાથી પરિણામ સ્વરૂપ ગ્રાહકને વસ્તુઓ/સેવાઓ સસ્તી અને સારી ગુણવતાવાળી મળશે > દેશમાં નાના વેપારીઓ સામે હરીફાઇમાં અનેક મોલને તાળાં લાગી ચૂક્યાં છે જેનાં અનેક ઉદાહરણો છે.
ભારતમાં એફ.ડી.આઇ.ની પડનારી નકારાત્મક અસરો
> છેલ્લા કેટલાય વર્ષો થી ભારતીય અર્થતંત્રમાં અનેક પ્રકારનાં વિદેશી મુડીરોકાણો F.D.I.ના કારણે ભારતીય અર્થતંત્ર પર અનેક નકારાત્મક અસરો પડી શકે તેમ છે.
> આ નીતી ને કારણે ભારતમાં સ્થાનિક બજારો ,નાના દુકાનદારો ના ધંધા /રોજગાર ભાંગી પડશે.
> વિદેશી કંપનીઓના મોલમાં રોજગારીની તકો વધશે એવું કહેવામાં આવે. છે પરંતુ અહીં કર્મચારીઓને કામના વધુ કલાક અને મહેંતાણું ઓછું એવી પરિસ્થિતી નું સર્જન થશે .
> વિદેશી કંપનીઓ F.D.I.માં આવવાથી વિદેશી વસ્તુ ઓની આયાત વધશે જેની સીધી અસર દેશના ઉત્પાદકો પર પડશે જેથી લાંબાગાળે દેશ ની નિકાશો ઘટશે લેણદેણ ની તુલામાં વધુ અસમતુલા જેવા મળશે .
> ભારતમાં કમાયેલ નફો વિદેશમાં જવાના કારણે ભારતના વિદેશી હુંડિયામણ માં ઘટાડો થશે જેની નકારાત્મક અસર ભારતીય અર્થતંત્ર પર પડશે.
> વિદેશી કંપનીઓ ને કરવેરામાં ભારે છુટ મળે છે જેની સામે ભારતમાં નાના -વેપારીઓ સ્પર્ધામાં ટકી શકશે નહીં .
> વિદેશી કંપનીઓ શરૂઆતમાં પોતાના માલના ભાવ નજીવા રાખશે જ્યારે નાના વેપારીઓ ના ધંધા ચોપટ થઇ જશે પછીં કંપનીઓ વસ્તુ /સેવા ના ભાવ વધારી દેશે જેથી દેશમાં આ કંપનીઓ ની ઇજારાશાહી સ્થપાશે.
> "મોલ કલ્ચર " ના કારણે સ્વદેશી કલ્ચર નષ્ટ થતું જોવા મળશે .
> બહુરાષ્ટીય કંપનીયો ગ્રાહકોને મોયાપાયે ડિસ્કાઉન્ટ આપસે જેથી ફેરીયાવાળા અને કિરાણાની દુકાનોને ખતમ કરી નાખશે.
> આ નીતિ લાવવા સરકારની પહેલને 'આત્મઘાતી' ગણાવતાં અર્થશાસ્ત્રી સુવ્રોકમલ દત્તા કહેછે કે પશ્ચિમી હિતો સાથે રહીને આ નીતિ ઘડવામાં આવી છે.
> હરિયાળી ક્રાંતિના પિતામહ એમ.એસ. સ્વામીનાથન ને જણાવ્યું કે રિટેલમાં એફ.ડી.આઇ. આવવાથી સમાજના ગરીબ વર્ગોને અસર કરેછે.
આમ, F.D.I. અંગે ભારત સરકાર અને વિપક્ષો ની મનશા શું છે? દેશને કેવા નવા આર્થિક સુધારાઓ આપવાના છે? જેનો આગામી સમયમાં દેશને ફાયદો થશે કે નુકશાન જશે તેનો અભ્યાસ કર્યા વગર અને પ્રજાને વિશ્વાસ માં લીધા વગર માત્ર રાજકીય લભા-લાભ જોવાથી દેશનો વિકાસ થઇ શકશે નહીં સરકારે લાંબાગાળાની સાચી દિશા અને નક્કર પગલાં લેવાં પડશે તોજ દેશ વિકાસ ના પથ પર આગળ વધી શકશે .
***************************************************
પ્રા.એચ.વી.પટેલ
સરકારી વિનયન કોલેજ,
બાયડ જિ- અરવલ્લી
|