logo

સંસ્કૃત સાહિત્યમાં ઇતિહાસનો વિનોયોગ (ગુપ્તકાલિન ભારતના સંદર્ભે)

આમુખ :

      પ્રસ્તુત લેખમાં સંસ્કૃત સાહિત્ય માં ઈતિહાસ નાં વિનિયોગ ની ચારચા વિગતે કરવા માંગુ છું . સંસ્કૃત સાહિત્ય માં ખાસ કરીને ગુપ્તકાલીન ભારતમાં જે સાહિત્ય ની રચના થઇ હતી તેની રજૂઆત કરી છે. પ્રારમ્ભ માં સાહિત્ય અને ઈતિહાસ વિશે છણાવટ થઇ છે અને ત્યારબાદ ગુપ્તકાલીન ભારતના રાજા- મહારાજા ઓ દ્રારા સંસ્કૃત સાહિત્યને જે પ્રોત્સાહન અપાયું તેની વિગતો આપી છે ગુપ્તકાલીન સંસ્કૃતસાહિત્યના સર્જકોની કૃતિઓ વિષે વિગતે રજૂઆત છે અને સાથોસાથ સંસ્કૃત સાહિત્ય માં ગુપ્તકાલીન સમાજ, આયુર્વેદ ,વિજ્ઞાન ,જ્યોતિષ ,આર્થિક, અભિલેખો વગેરે વિષે વિગતે ચર્ચાઓ કરાઈ છે.

ચાવીરૂપ શબ્દ :
      સંસ્કૃત સાહિત્ય અને ઈતિહાસ , ગુપ્તકાલીન સંસ્કૃત સાહિત્ય , સંસ્કૃત સાહિત્ય માં ઇતિહાસનો વિનિયોગ , અભિલેખો, અન્ય સાહિત્યની અસરો, અર્થજીવન

૧. ભૂમિકા :

       સાહિત્ય અને સમાજને નિકટવર્તી સંબંધો છે. સમાજના પ્રશ્ર્નોને વાચા આપવા માટે સાહિત્ય ઉત્તમ માધ્યમ બની રહે છે. જે- તે સમયે લખાયેલા સાહિત્યમાં સમાજની સામાજિક, આર્થિક, રાજકિય અને ધાર્મિક વગેરે સ્થિતિની અસર વર્તાય છે.સાહિત્યના માધ્યમથી સમાજમાં જન જાગૃતિ અને સભાનતા લાવી શકાય છે. અંતે સમાજ હોય કે સાહિત્ય બન્નેના કેંદ્રમાં માનવ રહેલો છે અને માનવ પ્રવૃતિઓનો ચિતાર એટલે ઇતિહાસ. આમ સમાજ, વ્યક્તિ અને ઇતિહાસ આ ત્રણેય ધટકો અરસ-પરસ અને એક બીજાના અંગ સમા બની રહ્યા છે.

      પ્રાચીન ભારતીય ઇતિહાસને જાણવા માટે અનેક સાહિત્યીક સાધનો ઉપયોગી નિવડ્યા છે. આ સાહિત્યિક સાધનો દ્રારા અનેક રાજા-મહારાજાઓના વંશના ઇતિહાસ જાણકારી મળે છે. મૌર્યકાલિન ભારત પછીના સમયમાં સંસ્કૃત ભાષા અને તેના સાહિત્યના વિકાસની ક્ષિતિજો વધું વિસ્તરવા લાગી હતી તો ગુપ્તકાલિન ભારતમાં સંસ્કૃત ભાષા અને તેના સાહિત્યને રાજ્યાશ્રય મળ્યો હતો.આમ સંસ્કૃત સાહિત્યનો વિકાસ વ્યાપક બનવા લાગ્યો હતો.

    સાહિત્યને ઇતિહાસ એકબીજા પરસ્પર સંકળાયેલા છે. પ્રાચીન ભારતીય ઇતિહાસ વિશે આધારભૂત અને પ્રમાણભૂત માહિતિઓ મેળવી હોય તો આપણે પ્રાકૃત, અર્ધ-માઘગી, માઘગી, પાલી અને સંસ્કૃત વગેરે ભાષાઓ અને તેના સાહિત્યનો ઉંડાણપૂર્વક અભ્યાસ કરવો રહ્યો. અહિંયા આપણે ગુપ્તકાલિન ભારત દરમિયાન સંસ્કૃત ભાષામાં રચાયેલા વિવિધ ગ્રંથો, અભિલેખો અને અન્ય સાહિત્યિક સાધન-સામગ્રીમાં ઇતિહાસનું નિરૂપણ ક્યાં રહેલું છે.? અને સંસ્કૃત સાહિત્યની ગુપ્તકાલિન રાજકિય અને સાંસ્કૃતિક ઇતિહાસ પર કેવી અસર પડી હતી ? વગેરે બાબતો વિશે વિગતવાર સમજીએ.


૨. ગુપ્તકાલિન ભારત અને સંસ્કૃત સાહિત્ય :

      પ્રાચીન ભારતીય ઇતિહાસમાં ગુપ્તકાલિન ભારતનો સમયગાળો ઇ.સ. ૩૦૦ થી ઇ.સ. ૭૦૦ સુધીનો છે. આ સામ્રાજ્યમાં ચંદ્રગુપ્ત પહેલો, સમુદ્રગુપ્ત, વિક્રમાદિત્ય વગેરે પ્રતાપી રાજાઓ થઈ ગયા હતા. આ રાજવીઓ કલા અને સાહિત્યના આશ્રયદાતા હતા અને પોતાના રાજ્યમાં સંસ્કૃત અને અન્ય સાહિત્યના વિકાસ માટે અનેક પ્રયત્નો કર્યા હતા.

     ગુપ્તકાલિન ભારતમાં સંસ્કૃત ભાષાનો મહિમા વધ્યો હતો. સંસ્કૃત ભાષાને રાજભાષા અને તેના સંરક્ષક ગુપ્ત રાજવીઓ હતા. સંસ્કૃત સાહિત્યમાં વ્યાકરણ, દાર્શનિક, કોષો, અભિલેખો, વિજ્ઞાન, જ્યોતિષ, આર્વેદિક, વગેરે ગ્રંથોની રચના થઈ હતી અને તેમાં ઐતિહાસિકતા નિરૂપણ પણ રહેલું હતું.

      પુરાણોમાં ગુપ્તવંશનો ઇતિહાસ સંકળાયેલો છે. જેમાંવાયુ પુરાણ, બ્રહ્યાણ પુરાણ, મત્સ્ય પુરાણ, વિષ્ણુ પુરાણ અને ભાગવત પુરાણ વગેરેમાં ગુપ્ત વંશનો અન્ય રાજ્ય સાથેના સંબંધો, તેની સીમાઓ, ચંદ્રગુપ્ત પ્રથમ ,સમુદ્ર ગુપ્ત વગેરેની માહિતિઓ તથા દક્ષિણ ભારત સાથેના સંબંધો વગેરે વિશે જાણકારી મળી આવે છે.

    આ યુગમાં કવિ કાલિદાસનું સાહિત્ય સર્જન કેંદ્ર સ્થાને હતું. કાલિદાસે સંસ્કૃત સાહિત્યના વિકાસને નવી ક્ષિતિજો આપી હતી. કાલિદાસની રચનાઓમાં ‘કુમારસંભવમ્’‘ શાકુંતલ ‘, ‘ વિક્રમૌર્વશીય ‘, ‘રધુવંશ ‘, ‘ ઋતુસંહાર ‘ વગેરે છે. જેમાં ‘ઋતુસંહાર ‘માં ગુપ્તયુગના પ્રાકૃતિક સૌંદર્યને કેંદ્રમાં રાખીને આ કૃતિની રચના થઈ છે. આ સમયગાળાની ઋતુઓ, ઠંડી-ગરમી, વૃક્ષો,વેલાઓ,મનુષ્યો અને પ્રાણીઓ પર ઋતુઓની અસરો વગેરેના વર્ણનો મળે છે. જે ગુપ્તકાલિન ભારતના પ્રાકૃતિક સૌંદર્ય વિશેની માહિતિઓ આપે છે.

      કાલિદાસ રચિત અન્ય કૃતિ ‘ માલવિકાગ્નિમિત્રમ્ ‘ માં પુષ્પમિત્ર શુંગના પુત્ર અગ્નિમિત્રની પ્રેમ કહાની કેંદ્રમાં રાખીને ગુપ્તવંશના દક્ષિણ ભારત સાથેના સંબંધોનો ઉલ્લેખ થયેલા છે.આ ઉપરાંત ‘ રધુવંશ ‘ માં પણ આ યુગ વિશેની નોધોં મળે છે.

    સંસ્કૃત સાહિત્યમાં વિશાખદતનું સ્થાન અસાધારણ છે. કવિના નાટકોમાં ખાસા કરીને રાજનૈતિક બનાવોને સાંકળી લીધા છે. વિશાખદતના બીજા નાટક ‘દેવીચંન્દ્રગુપ્તમ્’માં સમુદ્રગુપ્તના મોટો પુત્રના ગાદી વારસાની વિગતો, તેના પરાક્રમો, ચંદ્રગુપ્ત દ્રારા પોતાના ભાઇઓનો વધ વગેરે ગુપ્તકાલિન શાસનનો પ્રારંભિક ઇતિહાસની માહિતિ મળી છે. જો કે આ નાટક અધુરું છે છતાં ગુપ્તકાલિન ભારતના ઉલ્લેખોમા મળ્યા છે.

      વિષ્ણુ શર્મા રચિત ‘ પંચતંત્ર’માં પશુ-પક્ષીઓની કથાઓ છે. જેનો સંદર્ભે ગુપ્તકાલિન ભારતનો રહેલો છે. ‘ પંચતંત્ર’માં ગુપ્તકાલિન શિક્ષણ પધ્ધતિ, રાજ-નૈતિક સંદર્ભો, રાજકુમારોનું રાજનીતિક શિક્ષણ, બ્રાહ્યણોનો વૈભવ, વૈષ્ણવ પ્રાધાન્ય વગેરે બાબતો કથાઓના આધારે વર્ણિત થયેલી છે. આમ ‘ પંચતંત્ર’ની રચના ગુપ્તકાલિન ભારતને કેંદ્રમાં રાખીને થઇ હોય તેવું લાગે છે.

      દંડી રચિત‘દશકુમારચરિત’માં દશકુમારોની કાલ્પનિક કથા ગૂંથવામાં આવી છે અને તેની સાથો-સાથ આ યુગના સમાજ, આચાર-વિચાર વગેરેને રજુ કરતી અદભુત કૃતિ છે.

    ગુપ્તકાલિન ભારતના પ્રારંભિક વર્ષોમાં વાત્સ્યાયન મલ્લનાગ રચિત ‘કામસુત્ર’ની રચના થઈ હતી.આ ‘કામસુત્ર’માં ગુપ્તકાલિન સમયનું દાંમ્પત્ય જીવન કેવું હતું ? સમાજમાં સ્ત્રીઓનું સ્થાન, સ્ત્રી-પુરૂષોના સામાજિક જીવન વગેરે બાબતો પર પ્રકાશ પાડે છે. આમ ‘ કામસુત્ર ’ ગુપ્તકાલિન સ્ત્રી- પુરૂષના સંબંધો વિશે ઉંડાણપૂર્વક છણાવટ કરતી સંસ્કૃત સાહિત્યની ઉત્તમ કૃતિ છે.

    ૨.૧ આયુર્વેદ:

          ગુપ્તકાલિન ભારતમાં આયુર્વેદ ક્ષેત્રે સારો વિકાસ સધાયો હતો. નાગાર્જન નામના આયુર્વેદિક શાસ્ત્રીએ આયુર્વેદના ક્ષેત્રે ઉંડાણપૂર્વક શોધ કાર્યો કર્યા હતા અને તેને રસ-ચિકિત્સા પધ્ધતિની શોધી કરી હતી.આ ઉપરાંત ધનવંતરી આયુર્વદિક શાસ્ત્રી હતો અને તેને ‘નાવનીતિકમ્’ નામના ચિકિત્સા વિધાના ગ્રંથની રચના કરી હતી. જેમાં તેણે વાઢ-કાપ વિધાની સારી જાણકારી આપી હતી અને આર્યુવેદિક અનેક નુશખાઓ પણ આપ્યા હતા.

    ૨.૨ વિજ્ઞાન અને જ્યોતિષ:

           ગુપ્તકાલિન ભારતમાં વિજ્ઞાન અને જ્યોતિષ શાસ્ત્ર ક્ષેત્રે અનેક સંસ્કૃતમાં ગ્રંથોની રચના થઈ હતી.આર્ય ભટ્ટએ સમયનો ખગોળ શાસ્ત્રી હતો અને તેને ‘આર્યં ભટ્ટીય’ નામનો ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો હતો. જેમાં તેને નક્ષત્રો, પૃથ્વિનું પરિભ્રમણ, ચંદ્રગ્રહણ વગેરેના ઉલ્લેખો કર્યા હતા. વરાહમિહિરે ‘ લઘુજાતક ‘, ‘ બહ્યત્જાતક ‘ , ‘ બૃહત્સંહિતા ‘ , ‘ વિવાહ પટલ ‘ , ‘ યોગ માયા ‘ અને ‘ પંચ સિધ્ધાંતિકા ‘ વગેરે ગ્રંથોની રચના કરી હતી. જેમાં નક્ષત્રો, જ્યોતિષ, સૂર્ય, ચંદ્ર વગેરેના સિધ્ધાંતોની ચર્ચાઓ કરી હતી. આમ આ ગ્રંથો સુચવે છે કે ગુપ્તકાલિન ભારતમાં વિજ્ઞાન અને જ્યોતિષના ક્ષેત્રે જે વિકાસ સધાયો તેને સંસ્કૃત ભાષાને નવી ઓળખા આપી હતી.

    ૨.૩ બૌધ્ધ અને જૈન સાહિત્ય :

          ગુપ્ત વંશમાં બૌધ્ધ સાહિત્ય મોટે ભાગે પાલી ભાષામાં લખાયુ હતું અને જ્યારે ગુપ્તકાલિન ભારતનું પતન થયું ત્યારે જૈન સાહિત્ય સંસ્કૃત ભાષામાં રચાયું હતું. સિધ્ધસેન દિવાકરે ગુપ્તકાલિન ધર્મની જાખી કરતું ‘તત્વાર્થા ધિગમ સૂત્ર’ની રચના કરી હતી.આમ બૌધ્ધ અને જૈન સાહિત્યની ગુપ્તકાલિન ભારત પર ઓછી અસર પડી હતી.

    ૨.૪ અભિલેખો :

          પ્રાચીન ભારતના ઇતિહાસ જાણવા માટે અભિલેખો અગત્યના સાધનો છે.આ સાધના દ્રારા જે તે યુગનો સમય, વહિવટ,સમાજ ,ધર્મ, રાજ્ય ચિંહ વગેરે જાણી શકાય છે. ગુપ્તકાલિન ભારતના પ્રારંભિક વર્ષોથી જ અભિલેખો સંસ્કૃત ભાષામાં કોતરવાની શરૂઆત થઈ હતી.

          ગુપ્ત સમ્રાટ સમુદ્ર ગુપ્તે અલાહાબાદમાં શિલાસ્તંભ કોતરાવ્યો હતો. જે સંસ્કૃત પદ્ય અને ગદ્ય શૈલીમાં કોતરાયા હતા.તેની રચના કવિ હરિષેણે કરી હતી. આ શૈલા લેખમાં સમુદ્ર ગુપ્તની પ્રશસ્તિ કોતરાઈ છે. જેમાં કવિએ સમુદ્ર ગુપ્તના દક્ષિણ તરફનાં વિજ્ય અને તેની યુધ્ધ નીતિ, રાજય વિસ્તાર, સમુદ્ર ગુપ્તની દાનવીરતા, બુધ્ધિમતા, સંગીત પ્રત્યેની રૂચિ, કવિત્વ શક્તિ વગેરે બાબતોનો ઉલ્લેખ કરેલો છે.

          સમ્રાટ વિક્રમાદિત્ય ૨જાએ મથુરામાં સ્તંભલેખ કોતરાવ્યો હતો. આ લેખ સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં કોતરાવ્યો હતો. જેમાં ગુપ્ત સમ્રાટોની વંશાવળીઓ, તેવોનાં ઉપનામો, સંવતો, રાજયા રોહણો, શૈવા ધર્મ અને તેના સંપ્રદાયો વગેરેની માહિતિ કોતરી છે.

          જૂનાગઢમાં સ્કંદગુપ્તે શૈલ લેખ કોતરાવ્યો હતો. જે મૂળ સંસ્કૃતની પદ્ય શૈલીમાં છે. જેમાં સમ્રાટ સ્કંદ ગુપ્તની પ્રશસ્તિ કોતરાયેલી છે.જેમાં તેને સુરાષ્ટ્ર્માં તેને નિમણુંક કરેલા રાજ્યપાલની માહિતિ આપી છે. જે પરથી કહી શકાય છે કે સ્કંદ ગુપ્તનો રાજ્ય વિસ્તાર છેક સૌરાષ્ટ્ર સુધી વિસ્તરેલો હતો તે આ શૈલ લેખ પરથી જાણી શકાય છે.

          આ ઉપરાંત અન્ય બીજા અભિલેખો સમ્રાટ ભાનુગુપ્તનો મધ્યપ્રદેશનો એરણ ગામ માંથી મળી આવેલો શિલાલેખ અને કુમારા ગુપ્ત ૨જાનો ઉત્તરપ્રદેશના ભિતરી ગામ માંથી મળી આવેલો મુદ્રાલેખ વગેરેમાં ગુપ્તકાલિન ભારતની માહિતિ કોતરાયેલી છે.

    ૨.૫ ગુપ્તકાલિન સામાજિક-આર્થિક પરિસ્થિતિ અને સંસ્કૃત સાહિત્ય:

          ગુપ્તકાલિન સમાજ વ્યવસ્થાનો ઉલ્લેખ વરાહામિહિર રચિત ‘બૃહત-સંહિતા’ માં છે.આ ગ્રંથમાં નગર વિસ્તાર, ચાર વર્ણ વ્યવસ્થા અને તેના રહેઠાણો, સમાજના કાયદાઓ, લગ્ન વ્યવસ્થા,વગેરે માહિતિ છે.વરાહમિહિર સમાજની સાથે આર્થિક સ્થિતિ વિશે પણ નોધોં કરે છે જેમ કે ખેતીવાડી, જમીન, વરસાદ અને તેને વરસાવાના ઉપાયો, ખેતીના સાધનો અને સાથો સાથ ખેતીના ઉત્પાદન વિશે પણ માહિતિ આપે છે. ગુપ્તકાલિન સમાજના લોકો ૨૨ પ્રકારના ઝવેરાતો પહેરતા હતા તેનો વિગતે ઉલ્લેખ કર્યો છે.

         વાત્સ્યાનને ’કામસૂત્ર’ દ્રારા સ્ત્રીઓની સ્થિતિ વિશે વાત કરેલી છે. સમાજ સ્ત્રીઓનું સ્થાન, શિક્ષણ, આદર્શ પત્નિના ગુણો ,વિધવાની સ્થિતિ, વ્યભિચારી સ્ત્રી , લોકોના ખોરાક ,પીણા વગેરે ઉલ્લેખો કરેલા છે. વાત્સ્યાન ‘કામસૂત્ર’માં સમાજની સાથો-સાથ આર્થિક સ્થિતિનો પણ ચિતાર આપે છે. જેમાં રૂપ-રત્ન પરીક્ષા, ધાતુ વિધા, ચોસઠ કળાઓની યાદી અને અનેક ઝવેરાંતોના ઉલ્લીખો કર્યા હતા.

          અમરસિંહ રચિત ’અમરકોશ’ માં કાપડ ઉધોગ અને કાપડની અનેક જાતો વિશેની માહિતિ આપી હતી. તો કવિ દંડી રચિત ‘દશકુમાર ચરિત’ માં લોકોના પહેરવેશ, રીત-ભાત,રિવાજો વગેરેનું વર્ણન છે. આ યુગમાં યાજ્ઞવલ્કય, પારાશર, વાત્સ્યાયન, બૃહસ્પતિ, નારદ, કાત્યાયન વગેરે સ્મૃતિઓની રચના થઈ હતી અને તેમાં ગુપ્તકાલિન આંતરીક અને બાહ્ય વૈપારની માહિતિ તથા લોન,વ્યાપર, વ્યાજ વગેરે આર્થિક સ્થિતિની માહિતિ આપવામાં આવી હતી અને યાજ્ઞવલ્કય સ્મૃતિ ગુપ્તોની અધિકૃત કાનૂની ગ્રંથ હતો.આમ ગુપ્તકાલિન સંસ્કૃત સાહિત્યમાં ગુપ્તોના સમાજ અને અર્થ વિશે માહિતિઓ પ્રાપ્ત થાય છે.

૩.તારતમ્ય:

         ગુપ્તકાલિન ભારત સંસ્કૃત સાહિત્યનો સુવર્ણયુગ હતો. સંસ્કૃત ભાષાને રાજયાશ્રયનું સ્થાન પ્રાપ્ત થતા તેની ક્ષિતિજો વિસ્તરવા લાગી હતી. આ ભાષા નાટકો, વ્યાકરણ, આર્યુર્વેદ,વિજ્ઞાન, જયોતિષ, કલા, સ્મૃતિઓ વગેરેની રચના થઈ હતી અને તેમાં ગુપ્તોના સમાજ, ધર્મ, અર્થ, કામ, પ્રકૃતિ,કાયદાઓ વગેરેનું વર્ણન થયેલું હતું આમ કહી શકીએ કે પ્રાચીન ભારતીય ઇતિહાસનો આધારભૂત આભ્યાસ કરવા માટે સંસ્કૃત સાહિત્યનું ઉંડાણપૂર્વક અધ્યયન જરૂરી છે. આ સાહિત્ય ઇતિહાસના શોધક માટે અમૂલ્ય ખજાનો છે. આ ખજાનામાં સાહિત્ય અને ઇતિહાસનું નિરૂપણ સંકળાયેલું છે.

સંદર્ભ સુચી :

  1. શાસ્ત્રી, હરિપ્રસાદ ગં, પ્રાચીન ભારત ભાગ-૧, ગુજરાત યુનિ.અમદાવાદ, પ્ર.આ. ૧૯૭૨

  2. શાસ્ત્રી, હરિપ્રસાદ ગં., ભારતીયઅભિલેખવિધા,ગુજરાત યુનિ.અમદાવાદ, પ્ર.આ. ૧૯૭૩

  3. નાંદી,ડો., તપસ્વી, સંસ્કૃત નાટકોનો પરિચય, યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ,અમદાવાદ, પ્ર. આ. ૧૯૭૧

  4. દવે, પ્રા.એમ.પી., સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ, પોપ્યુલર , સુરત, દ્રિ.આ. ૧૯૬૮

  5. ધારૈયા, ડો.આર.કે, ઐતિહાસિક પધ્ધતિઓ, સી. જમનાદાસની કંપની, અમદાવાદ, દ્રિ.આ, ૧૯૯૨

  6. પટેલ ,ડૉ.ગૌતમ ,વૈદિક સાહિત્ય અને સંસ્કૃત, યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ,અમદાવાદ, ચો. આ. ૨૦૧૪

  7. મજુમદાર ,સ્વ ,આર,જી , ગુપ્તકાલીન ભારત , યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ,અમદાવાદ, દ્દ્રી. આ. ૧૯૯૮

  8. राधा कुमुद मुखर्जी , प्राचीन भारत ,राजकमल प्रकाशन , दिल्ही , पांचवी आरुति . २०००

  9. थापर , रोमिला, अशोक और मौर्य सामारज्य का पतन, ग्रन्थ शिल्पी प्राइवेट लिमेटेड ,दिल्ही ,२०१०

  10. थापर , रोमिला,भारत का इतिहास , एस चन्द्र प्रकाशन , न्यू दिल्ही , दृतीय आव्रती , २००७

  11. दिनकर ,रामधारी सिंह ,संस्कृति के चार अध्याय , उदयाचल प्रकाशन , पटना, तृतीय आव्रती ,१९६२

  12. पाध्याय डॉ. डी.गो., संस्कृत साहित्य का इतिहास, चोखम्बा प्रकाछान , वाराणसी , प्र.आ. १९७२

  13. अगरवाल , डॉ. वासुदेवशरण , संस्कुत साहित्य का अनुशीलन , चोखम्बा प्रकाछान , वाराणसी , प्र.आ. १९८७

  14. किथ , डॉ, इ.बी ., संस्कृत साहित्य का इतिहास, मोतीलाल बनारासदास , दिल्ही, १९७७

  15. उपाध्याय , बलदेव , संस्कृत साहित्य का इतिहास, चोखम्बा प्रकाछान , वाराणसी , प्र.आ. १९८२

*************************************************** 

પ્રા.વિનોદ બથવાર
ઈતિહાસ વિભાગ
સરકારી વિનયન અને વાણિજય કોલેજ,ગઢડા, જી: બોટાદ


Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us