logo

“ઊંટ ૫શુપાલન ક્ષેત્રે સંકળાયેલ માલધારીઓનો અભ્યાસ”



પ્રસ્તાવના :

        કચ્છ એ વિવિધતામાં એકતા છતાં કચ્છ વિવિધતા સભર પ્રદેશ છે, જેમાં એક બાજુ વિશાળ રણ તો એક બાજુ સમુદ્ર તો બીજી તરફ સુકા મેદાનો છે. અહીયા ચોમાસામાં વિવિધ જાતના ઘાસ ઉગી નિકળે છે. અહિ વિવિધ જાતિના, બોલીના અને પહેરવેશ ધારણ કરતા લોકો એકતાથી રહે છે તેમજ અનેક અલગ-અલગ નશલના પશુઓ પણ રાખે છે, જેમાં ખાસ કરીને આ અભ્યાસમાં ઊંટ પાલન કરતા માલધારીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. આ અભ્યાસ માટે કચ્છ જિલ્લાના લખપત ,નખત્રાણા અને અબડાસા તાલુકાના કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના સભ્યોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ પ્રદેશના માલધારીઓના અભ્યાસ ભાગ્યે કે જુજ થયા છે. અહીંના માલધારીની જીવનશૈલી જાણી ઊંટ પાલન સબંધિત વાસ્તવિક ચિત્ર જાણવાનો ઉદ્દેશ છે. તેમજ ઊંટોની સંખ્યામાં સતત ઘટાડો થતો જોવા મળે છે જે ભવિષ્યમાં ઊંટની જાતિ માટે ચિંતાનો વિષય છે. જે આ સંશોધન થકી માલધારીઓના પ્રશ્નોને જાણીને તેનું નિરાકરણ કરવામાં આવે તો લુપ્ત થતી જાતિ બચી જાય.

સાહિત્ય સમીક્ષા

        ઊંટ ૫શુપાલનને તાજેતરના સમયમાં માન્યતા મળેલ હોઇ તે પોષક રીતે શું મહત્વ ઘરાવે છે તેની અહી સમીક્ષાત્મક માહિતી રજુ કરેલ છે.

            

  • મલ ઇટ અલ (2006), વેતરના છેલ્લા મહિનાઓમા ઊંટના દૂધમા એસ કન્ટેન્ટ (0.82-0.85%) વધુ હોવાથી પુરતા પ્રમાણમા મીનરલ મળતા હોય છે. આ ઉપરાંત ઊંટના દૂધમાં ટ્રેસ મીનરલ વેલ્યુ જેવા કે આર્યન (1.00+0.02) , કોપર (0.44+0.04) મીલી ગ્રામ 100 એમ.એલના પ્રામાણમાં હોય છે જે શરીર માટે બહુ ઉપયોગી છે, આની માત્રા ગાય અને ભેંસના દૂધ કરતા વધારે છે.

  •          

  • એન.આર યાર્ગીલ (2004), બહારના રાજ્યો અને દેશોમા ઊંટના દૂધની ક્રીમનો ઉપયોગ મોઇચરાઇઝ (કોસ્મેટીક) તરીકે થાય છે અને આ ક્રીમ શરીર ઉપર કરચલીઓ દુર કરવા માટે ખુબ અસરકારક છે. આ ઉપરાંત આ ક્રીમ સ્કીન ઓટો ઇમ્યુન રોગ સામે રૂઝાવાની અસર ઘરાવે છે.

  •         

  • બેગ ઇટ અલ (1989), ગાયના દૂધની તુલના કરતા, ઊંટના દૂધમાં એલરજન જેવા કે બીટા-લેક્ટોગ્લોબ્યુલીન ,ન્યુ બીટા કેઝીન હોતા નથી તેથી જે બાળકોને દૂધની અલર્જી હોય છે તે બાળકો ઊંટનુ દૂધ પી શકે છે. આ ઉપરાંત બાળકોમાં ઘણાં બધા ખોરાકની એલર્જીમાં ઊંટનુ દૂધ ફાયદા કારક છે.

અભ્યાસનો હેતુ

        સંશોઘન અભ્યાસનો મૂળ હેતુ ઊંટ માલઘારી પશુ-પાલકોની પ્રાથમીક માહિતી, કુદરત સાથેનો સબંધ, આર્થિક સ્થિતિ અને પડકારો અંગેની માહિતી મેળવવા માટેનો છે.

અભ્યાસની મર્યાદા

        અભ્યાસમાં લીધેલ નમૂનો મર્યાદિત છે. આ સંશોધન મર્યાદિત વિસ્તાર કચ્છ જિલ્લાના લખપત, નખત્રાણા અને અબડાસા તાલુકા પૂરતું જ કરવામાં આવેલ છે. કેટલાક ઉત્તરદાતાઓ પાસેથી સચોટ માહિતી ન પણ મળી હોય એવી સંભાવના રહેલી છે. અભ્યાસ ક્ષેત્રના માલધારીઓને મળવામાં મુશ્કેલી પડી છે, તેથી, સંશોધન કાર્યની ઝડપ પર અસર પડી છે.

નમૂના પસંદગી

        સંશોધનમાં નિદર્શનની પસંદગી ખૂબ જ અગત્યની છે. સંશોધક સંશોઘનમાં જયારે નિદર્શ કે નમૂનો પસંદ કરે તો તે નમૂનો કે નિદર્શ સમગ્રતાનું પ્રતિનિધિત્વ કરતો હોવો જોઇએ. મોટે ભાગે સંશોધન માટે યદચ્છ નિદર્શ વધારે અનુકૂળ ગણાવી શકાય કેમકે દરેક વ્યકિતને પસંદગીની સમાન તક મળે છે. પ્રસ્તુત સંશોધનમાં કચ્છ જિલ્લાના લખપત, નખત્રાણા અને અબડાસા તાલુકાના કુલ 398 ગામોમાંથી 37 ગામના કુલ 127 એટલે કે 100 ટકા ઊંટ માલધારીઓને આવરી લેવામાં આવેલ છે. આ સંશોધન સાદા યદચ્છ નિદર્શ દ્ધારા કરવામાં આવેલ છે.

 લખપતનખત્રાણાઅબડાસાકુલ
ગામો246737
માલઘારી સંખ્યા782029127
ઉટોનીસંખ્યા151882510443387


વિશ્લેષણ અને તારણો

સંશોઘન અભ્યાસ તેના મુખ્ય હેતુઓ ઉ૫રથી આંકડાકીય ૫રીણામ લઇ તારવીને તેને અહી ચાર ભાગમાં તેની મુળ સમસ્યાને શોઘ બાદ મળેલ ૫રીણામને તારણના સ્વરૂપે રજુ કરવામાં આવેલ છે.

    ૧. પ્રાથમિક માહિતી

    ર. કુદરત સાથેનો સંબંધ

    ૩. આર્થિક ઉપાર્જન

    ૪. પડકારો

1. પ્રાથમિક માહિતી
  • સમસ્યા : ૧ માલધારીઓમાં શિક્ષણનું પ્રમાણ નીચું છે.
  • તારણ : માલધારીઓ સતત ફરતુ જીવન ગાળતા હોવાના કારણે અને પશુ-પાલનના વ્યવસાયમાં ખાસ ભણતરની જરૂર ન હોવાથી તે પોતાના સંતાનોને પણ અભ્યાસથી વંચિત રાખે છે.

  • સમસ્યા: ૨ ઊંટ પાલનનો વ્યવસાય છોડીને યુવા માલધારીઓ મજુરી કે ડ્રાઇવિંગ જેવા વ્યવસાય તરફ વળ્યા છે.
  • તારણ : ઊંટ પાલન માંથી પુરતી આવક ન થવાના કારણે યુવા માલધારીઓ ઊંટ પાલનનો વ્યવસાય છોડી રહ્યાં છે. જે ભવિષ્ય માટે ચિંતાનો વિષય છે.

  • સમસ્યા: ૩ માલધારીઓ પશુ-પાલન સિવાય અન્ય વ્યવસાય કરવાનું ટાળે છે અને તે વ્યવસાય કરે છે તો તે વ્યવસાયમાં પુરતુ ધ્યાન આપતા નથી.
  • તારણ : માલધારીઓને પશુ પાલન માંથી બીજો વ્યવસાય કરવાનો સમય ન મળવાના કારણે બીજો વ્યવસાય કરતા નથી તેમજ માલધારીઓ નવું સાહસ કરવામાં ડર અનુભવે છે.

  • સમસ્યા: ૪ ઊંટ માલધારી સંયુક્ત કુટુંબની જગ્યાએ વિભક્ત કુટુંબમાં રહેવાનું વધારે પસંદ કરે છે
  • તારણ : માલધારી સતત સ્થળાંતર કરવાના કારણે સંયુક્ત કુટુંબમા સમાયોજન સાધવામાં મુશ્કેલી ઉભી થાય છે.

  • સમસ્યા: ૫ માલધારી પાસે ઓછી આવકનું સાધન અને ઓછી આવક હોવા છતાં માલધારીઓ એ.પી.એલ. કાર્ડધારક છે, જેમાં તેમને તેમના હક્કનું રાશન મળતું નથી તેમજ અમુક માલધારીઓ સ્થળાંતર કરવાના કારણે પોતાના ગામ પરત રાશન લેવા માટે આવી શક્તા નથી માટે તે માલધારીઓ બી.પી.એલ. કાર્ડનો લાભ પણ મેળવી શક્તા નથી.
  • તારણ : માલધારીઓના પશુઓની ગણતરી ધન તરફી થતી હોવાથી મોજણી સમયે પશુની ગણતરી થવાના કારણે માલધારીઓની આવક વધુ દર્શાવવાના કારણે બી.પી.એલ નો લાભ મેળવી શકતા નથી.

  • સમસ્યા: ૬ ઊંટ માલધારીઓની પાસે રાશન કાર્ડ, ચુંટણી કાર્ડ અને ફક્ત 2 જ માલધારીઓ પાસે ડ્રાઇવીંગ લાઇશન્શ છે માટે કહી શકાય કે માલધારીઓ પાસે બીજા કોઇ પુરાવા નથી.
  • તારણ : માલધારીઓ વાહનનો ઉપયોગ ઓછો કરે છે તેમજ ખૂબ જ ઓછા માલધારીઓને વાહન ચલાવતા આવડે છે. અન્ય પુરાવાઓની જરૂરીયાત ઓછી હોવાથી તે કઢાવતા નથી.

2. કુદરત સાથેનો સંબંધ
  • સમસ્યા: ૧ 53 ઊંટ માલધારીઓ ફક્ત પુરૂષ જ સ્થળાંતર કરે છે જેનું ટકાવારી પ્રમાણ 41.70 ટકા છે અને 16 ઊંટ માલધારીઓ કુટુંબ સાથે સ્થળાંતર કરે છે જેનું ટકાવારી પ્રમાણ 16.60 ટકા થાય છે. આમ, સ્થળાતર કરવાને કારણે વિષમ પરીસ્થિતીઓનો સામનો કરવો પડતો હોય છે.
  • તારણ : ઊંટએ સતત ફરતુ પ્રાણી છે તેમજ ધાસચારાની શોધમાં સતત સ્થળાંતર કરવું પડતું હોય છે માટે માલધારીઓ પોતાની અનુકુળતા મુજબ કુટુંબ સાથે અથવા પોતે સ્થળાંતર કરતા હોય છે.

  • સમસ્યા: ૨ ઊંટ માલધારીઓના પખામા ચોમાસામાં વરસાદનું પાણી અને શિયાળામાં ઠંડી સામે રક્ષણ આપી શક્તો નથી અને જીવ-જંતુઓ પખામાં આવી ડંખ દે છે, આમ પખામાં કોઇ સલામતી નથી.
  • તારણ : માલધારીઓ પોતાની પરંપરાની જાળવણી કરે છે અને પખા પાછળ વધારે રોકાણ કરી શકે એમ નથી.

  • સમસ્યા: ૩ 1 ઊંટ માલધારી પાસે મકાન નથી 8 માલધારીઓ કાચા મકાનમાં રહે છે અને 37 માલધારીઓ પખામા રહે છે (પખામા દર વર્ષે ઘાસ બદલાવવું પડે છે.) આમ કુલ 46 ઊંટ માલધારીઓ પાસે રહેવાની સારી વ્યવસ્થા નથી.
  • તારણ : માલધારીઓ આર્થિક રીતના સક્ષમ નથી.

  • સમસ્યા: ૪ 35 ઊંટ માલધારીઓના ઘરમાં લાઇટની સુવિધા નથી જેનું ટકાવારી પ્રમાણ 27.60 ટકા છે. દરેક ગામમા કે ગામની વાંઢમાં લાઇટની સુવિધા ઉપલબ્ધ નથી માટે માલધારીઓને અગવડતાનો સામનો કરવો ૫ડે છે.
  • તારણ : માલધારીઓના પખામા લાઇટનું જોડાણ નથી તેમજ વાંઢમાં લાઇટની સુવિધા ઉપલ્બધ નથી.

  • સમસ્યા: ૫ ઊંટ માલધારીઓ પણ પોતાના પરંપરાગત પહેરવેશમાં ફેરફાર કરીને આધુનિક પહેરવેશ તરફ વળ્યા છે. જેમા 36 ઊંટ માલધારીઓ આધુનિક અને પરંપરાગત પહેરવેશ પહેરે છે. જેમનું ટકાવારી પ્રમાણ 28.30 ટકા છે. 6 ઊંટ માલધારીઓ આધુનિક પહેરવેશ પહેરે છે જેનું ટકાવારી પ્રમાણ 4.70 ટકા થાય છે.
  • તારણ : પરંપરાગત પહેરવેશ પહેરવો વધારે મોંઘો પડતો હોવાથી અને આમ ખુબ જ ઓછા માલધારીઓના પહેરવેશમા પરિવર્તન આવેલ છે પરંતુ તે પહેરવેશથી ધંધામા પરિવર્તન ન આવી જાય તે ખાસ જોવાની જરૂરીયાત છે.

  • સમસ્યા: ૬ માલધારીઓ જંગલમાં વાસણ સાફ કરવા માટે ફક્ત માટીનો ઉપયોગ કરે છે તે દરમ્યાન થોડી માટી વાસણની સાથે રહી જવાથી તે માલધારીઓના પેટમાં પ્રવેશે છે જેથી કરીને ભવિષ્યમાં પથરી જેવી બીમારી થવાની સંભાવના રહેલ છે.
  • તારણ : દરેક જગ્યાએ પાણીની સુવિધા ઉપલ્બધ ન હોવાથી.

3. આર્થિક ઉપાર્જન
  • સમસ્યા: ૧ ઊંટ પાલન માંથી મળતી રોજગારી જીવન નિર્વાહ માટે પુર્તિ નથી તેવું 49 ઊંટ માલધારીઓ જણાવે છે તેનું ટકાવારી પ્રમાણ 38.6 ટકા છે. ઊંટ પાલનમાંથી જે આવક થાય છે તે ઊંટ માલધારીને પોતાના પરિવારનાં ખર્ચાઓને પહોચી વળવા માટે પુર્તા નથી.
  • તારણ : ઊંટ તેમજ તેના ઉત્પાદનોની બજાર માંગ ન હોવાથી.

  • સમસ્યા: ૨ 70 માલધારીઓ ગુટખા, બીડી અને તમાકું જેવા વ્યસનો કરે છે. જે ભવિષ્યમાં પોતાના સ્વાસ્થ્ય માટે અને આર્થિક રીતના પરિવાર માટે નુકશાન કારક છે.
  • તારણ : એકલતાને દુર કરવા માટે આવા વ્યસનો કરે છે.

  • સમસ્યા: ૩ ઊંટ માલધારીઓનો સમાજમાં દરજ્જો મધ્યમ પ્રકારનો છે તેવું 83 માલધારીઓ જણાવે છે જેમનું ટકાવારી પ્રમાણ 65.4 ટકા છે. અને 8 માલધારીઓનો સમાજમાં દરરજો નિમ્ન છે. જેનું ટકાવારી પ્રમાણ 6.3 ટકા છે.
  • તારણ : ઊટ માલધારીઓની આવક ઓછી હોવાથી.

  • સમસ્યા: ૪ આકસ્મિક ખર્ચ થાય છે ત્યારે તેને પહોચીવળવા માટે 19 ઊંટ માલધારીઓ વ્યાજે પૈસા લાવે છે. તેનું ટકાવારી પ્રમાણ 15.0 ટકા થાય છે.
  • તારણ- માલધારીઓની આવકની અનિશ્ચિતતા તેમજ અચાનક પૈસા ન મળવાના કારણે

  • સમસ્યા: ૫ ઊંટના વેચાણ સમયે ઊંટના વેચાણ માંથી યોગ્ય કિંમત મળતી નથી તેવું 119 ઊંટ માલધારોઓ જણાવે છે જેનું ટકાવારી પ્રમાણ 93.7 ટકા થાય છે.
  • તારણ : ઊંટનો ઉપયોગ ઓછો હોવાથી તેની બજાર માંગ ઓછી છે.

  • સમસ્યા: ૬ ઊંટના દૂધનું વેચાણ થતું નથી અને જે દૂધ ચાની લારી પર આપવામાં આવે છે તેમાંથી દૂધના યોગ્ય ભાવ મળતા નથી.
  • તારણ : ઊંટના દૂધની બજાર વ્યવસ્થાના ન હોવાથી.

  • સમસ્યા: ૭ 9 ઊંટ માલધારીઓ ઊંટના મુત્રને ખેડુતોને ખેતરના પાકમાં છંટકાવ કરવા માટે આપે છે અને 2 ઊંટ માલધારીઓ ઊંટનું મુત્ર દવા માટે આપે છે. જો તેનું વેચાણ કરવામાં આવે તો માલધારીઓને તેમાથી આવક ઉભી થઇ શકે એમ છે.
  • તારણ : ઊંટના મુત્રના ગુણધર્મોની જાણકારીનો અભાવ હોવાથી.

4. પડકારો
  • સમસ્યા: ૧ 30 ઊંટ માલધારીઓને પોતાના પશુઓ માટે ચરિયાણ મળતુ નથી જેનું ટકાવારી પ્રમાણ 23.6 ટકા થાય છે. તેમા માલધારીઓને જંગલ ખાતુ, બી.એસ.એફ. ખેતરના માલિકો અને કંપનીઓ આવવાથી ઊંટ માટેના ખુલ્લા ચરિયાણોમાં ઘટાડો થયો છે.
  • તારણ : ચરિયાણ વિસ્તારમા ઘટાડો તેમજ બાઉન્ડ્રી બનવાના કારણે

  • સમસ્યા: ૨ દુષ્કાળના સમયમાં સ્થળાંતર કરતા 126 માલધારીઓ છે જેનું ટકાવારી પ્રમાણ 99.2 ટકા થાય છે. દુષ્કાળની સ્થિતિમાં પાણી અને ઘાસ ચારો ન મળતા માલધારીઓ દુરના સ્થળો પર પોતાના પશુઓની સાથે સ્થળાંતર કરે છે.
  • તારણ : ઘાસચારો અને પાણી ન મળવાથી

  • સમસ્યા: ૩ ઊંટને ખાજી અને ફિટોડાના રોગ થતો હોય છે. આ રોગો ઊંટને વધારે પ્રમાણ માં જોવા મળે છે. ખાજીએ ચામડીનો રોગ છે અને ફિટડોએ તાવ છે આ બંન્ને રોગમા મોટા પ્રમાણમાં ઊંટ મૃત્યું પામતા હતા.
  • તારણ : વાઇરલ તાવ આવવાથી ઘણા બધા પશુઓ મૃત્યું પામે છે.

  • સમસ્યા: ૪ ઊંટ માલધારીઓ અંતરીયાળ વિસ્તાર, જાણકારીનો અભાવ, સરકારી અધિકારીની બેદરકારી અને વધારે પશુઓ હોવાથી જેવા કારણો સર કોઇ વાર પશુઓ રશીકરણ વગર રહી જાય છે.
  • તારણ : અંતરીયાળ વિસ્તાર, જાણકારીનો અભાવ, સરકારી અધિકારીઓની બેદરકારી.

  • સમસ્યા: ૫ ઊંટ માલધારીઓ ઊંટના વેચાણ માટે નજીકના સ્થળને પસંદ કરે છે જેના કારણે માલધારીઓના વ્યકિતગત સબંધો અને પશુ વેચાણની વધારે કિંમત મેળવી શક્તા નથી.
  • તારણ : માલધારીઓના વ્યકિતગત સબંધોના કારણે

  • સમસ્યા: ૬ ઊંટના દૂધની ઉપયોગીતામાં 119 ઊંટ માલધારીઓ ઊટના બચ્ચાને પીવડાવવા માટે કરે છે. અને ઘરથી નજીકના ચરીયાણ વાળા 64 ઊંટ માલધારીઓ ઘર પવરાશ માટે ઉપયોગ કરે છે. 13 માલધારીઓ દવા માટે ઉપયોગમા લે છે.
  • તારણ : ઊંટના દૂધની બજાર વ્યવસ્થાના અભાવના કારણે

  • સમસ્યા: ૭ ઊંટને જે-તે ચરીયાણ વિસ્તારમાં ખુલ્લામાં રાખવામા આવે છે જેના કારણે ઊંટ ચરતું-ચરતું આગળ નિકળી જાય છે. અને પોતાના ટોળાથી અલગ પડી જાય છે અને પછી તેને શોધવા માટે એક માણસ રોકવો પડે છે અને કોઇ વાર ખુલ્લામા રહેવાના કારણે ખાડામાં પડી જવાના બનાવો બનતા હોય છે.
  • તારણ : વધારે પશુઓ હોવાથી બધા પશુઓ પર ધ્યાન રાખી શકાતું નથી.

  • સમસ્યા: ૮ ઊંટના દૂધની કોઇ બનાવટો બનાવવામાં આવતી નથી અને તેની બજાર વ્યવસ્થા પણ નથી.
  • તારણ : ઊંટના દૂધની બનાવટો માટે સંશોધનના અભાવના કારણે.

  • સમસ્યા: ૯ ઊંટના ઉનની બજાર વ્યવસ્થાના અભાવના કારણે ઊંટના ઉનનું વેચાણ થતુ ન હોવાથી માલધારીઓને ઉન માથી કોઇ આવક થતી નથી.
  • તારણ : ઊંટના ઉનની ઓછી લંબાઇ અને બજાર વ્યવસ્થાનો અભાવ.

ઉ૫સંહાર

ઊંટ માલધારીઓમાં શિક્ષણનું નીચું પ્રમાણ જોવા મળે છે પરંતુ હવે માલધારીઓ પોતાના સંતાનોને શાળાએ મોકલતા થયા છે પરંતુ શિક્ષણ મેળવવાની બાબતમાં માલધારીઓએ હજુ ઘણું જાગૃત થવાની જરૂર છે. શિક્ષણનું નીચું પ્રમાણ હોવાથી સરકારી યોજનાઓની પુર્તી જાણકારીના અભાવના કારણે તેનો લાભ મેળવી શકતા નથી. ઊંટ માલધારીઓ બીજા પશુઓ વાળા માલધારીની તુલનામા ઘણો વધારે સમય સ્થળાંતર કરવામાં પસાર કરે છે. જેના કારણે તે આધુનિક દુનિયા, સમાજ, ગામ અને પોતાના ઘર પરિવારથી પણ દુર રહેવું પડે છે છતા પણ પોતાની પરંપરા અને પશુઓ સાચવી રહ્યા છે. ઊંટ માલધારીઓને ઊંટ પાલનના વ્યવસાય માંથી પોતાના કુટુંબના સભ્યોનું ભરણપોષણ કરવા પુરતી પણ આવક થતી નથી ઊંટ તેમજ તેના ઉત્પાદનોની બજાર માંગ ન હોવાથી તેમાંથી કોઇ ખાસ આવક ન થતી હોવાથી તેઓ આર્થીક રીતે નબળા છે. પરંતુ માલધારીઓના સમાજીક સબંધો સારા હોવાથી તે અચાનક આવેલ ખર્ચને પહોચી વળવા માટે સગા-સબંધી તેમજ મિત્રો પાસેથી મેળવી લે છે. આર્થિક ઉપાર્જનના કિસ્સામાં વધારે પશુઓ હોવાથી બધા પશુઓ પર ધ્યાન રાખી શકાતું નથી, ઊંટના દૂધની બનાવટો માટે સંશોધનના અભાવ અને ઊંટના ઉનની ઓછી લંબાઇ અને બજાર વ્યવસ્થાનો અભાવ જવાબદાર છે. આ બાબત ઉ૫ર વ્યવસ્થા૫કીય અસરકારકતા ખુબજ જરૂરી છે.

સંદર્ભસુચિ

  1. કચ્છ ઊટ ઉછેરક માલધારી સંગઠન 2011 ની પુસ્તીકા
  2. ખારાઇ કેમલ 2012 ની પુસ્તીકા
  3. A description of the pastoral Camel production system in Moyale District, Kenya, 1999. The electronic version online at:
    http://erepository.uonbi.ac.ke:8080/xmlui/handle/123456789/21054
  4. “Recent Trends in Camel Research” Bernard Faye FAO/CIRAD-ES, Campus International de Baillarguet, TA C/dir B 34398 Montpellier,France. The electronic version online at:
    http://ejfa.info/index.php/ejfa/article/view/16054 2013
  5. First report of Toxoplasma gondii in camels by Endrias Zewdu Gebremedhin, BMC Veterinary Research 2014, The electronic version online at:
    http://www.biomedcentral.com/1746-6148/10/222
  6. www.kutchdp.com કચ્છ જિલ્લા પંચાયતની વેબ સાઇટ


*************************************************** 

જયેશ ૫રાલિયા
સંશોઘક, એમ.ફિલ (ગ્રામ વ્યવસ્થા૫ન),
ગૂજરાત વિદ્યાપીઠ,
રાંઘેજા

ડૉ. સતિષ પટેલ
મદદનીશ પ્રાઘ્યા૫ક,
ગ્રામ વ્યવસ્થા૫ન અઘ્યયન કેન્દ્,
ગૂજરાત વિદ્યાપીઠ,
રાંઘેજા

Previous index next
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us