logo

સાબરકાંઠા અંતર્ગત લોક મેળાનું માહત્‍મ્‍ય અને પ્રેમ-પ્રતિકનું અનોખું મહત્‍વ

અરવલ્‍લીની ગિરિમાળાઓથી વિંટળાયેલી ઘેઘુર વનરાજી અને નદીઓ, ઝરણાંની શોભાતો જે વિસ્‍તારને આજે આપણે, 'સાબરકાંઠા' તરીકે ઓળખીએ છીએ તે પ્રાચીનકાળમાં ’શ્વભ્ર’ તરીકે ઓળખાતો હતો. ઇ.સ. ૧૮૧૨ માં મહીકાંઠા એજન્‍સીની સ્‍થાપના કરવામાં આવી. મહીકાંઠા એજન્‍સીમાં ‘નાની-મારવાડ’, ‘રહેવર’, ‘વાત્રકકાંઠો’, ‘કટોસણ’, ‘સાબરકાંઠા’ એમ છ પરગણાનો સમાવેશ થતો હતો.[1]

ઉત્તર ગુજરાતમાં આવેલ સાબરકાંઠા જીલ્‍લાનો વિસ્‍તાર ૭.૯૩૦ કિ.મી. છે. તે રાજયના કુલ ભૌગોલિક વિસ્‍તારનો ૩.૭૭% છે. આજે ‘૪’ માં ક્રમમાં આવે છે. આ જીલ્‍લો ૨૩૦.૪૫ અને ૭૩૦.૪૦ પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલો છે. ઉત્તરે રાજસ્‍થાન અને શિહોરી જીલ્‍લો, દક્ષિણે અમદાવાદ, ગાંધીનગર, ખેડા, પંચમહાલ જીલ્‍લાઓ તથા પૂર્વ રાજસ્‍થાનના ડુંગરપુર, બાંસવાડા જીલ્‍લાઓ અને પશ્ચિમે બનાસકાંઠા, મહેસાણા જીલાઓ આવેલા છે.[2]

પ્રાકૃતિક રચનાની ર્દષ્‍ટિએ જીલ્‍લાના બે મુખ્‍ય વિભાગ જોવા મળે છે. પ્રથમ વિભાગમાં ઉત્તર અને પૂર્વનો ડુંગરાળ વિસ્‍તાર અને મેદાનો, અરવલ્‍લીની ટેકરીઓની હારમાળા જીલ્‍લાની ઉત્તર અને પૂર્વની સરહદને આવરી લઇને દક્ષિણ તરફ વળાંક લે છે. આ ‘ડુંગરાળ પ્રદેશ’, ‘પોશીના પટ્ટા’ તરીકે ઓળખાય છે. જેમાં ખેડબ્રહ્મા, વિજયનગર, ભિલોડા, મેઘરજ, માલપુર ઇડર વગેરે ભાગોનો સમાવેશ થાય છે. દ્વિતિય વિભાગમાં મેદાનોનો પ્રદેશ કે જે જીલ્‍લાની દક્ષિણ તરફના ભાગોમાં પથરાયેલો છે તથા પ્રાંતિજ, બાયડ તાલુકાઓ ઉપરાંત ઇડર, હિંમતનગર, મોડાસા તાલુકાના ભાગોને આવરી લે છે.[3]

ઇ.સ.૧૯૮૧ ની વસ્‍તી ગણતરી પ્રમાણે સાબરકાંઠા જીલ્‍લામાં અનુસૂચિત જનજાતિની કુલ સંખ્‍યા ( લખો - ૨૫૧૧૨૭ - ૫૧૩૯ ) ૧૨૫૯૬ પુરૂષો, ૧૨૫૩૩૧ સ્‍ત્રીઓ હતી. આ આંકડા પરથી એટલું કહી શકાય કે સ્‍ત્રીઓની વસ્‍તી પુરૂષો કરતા વધારે હતી. સાબરકાંઠાના તાલુકાઓમાં વિજયનગર તાલુકામાં સ્‍વાતંત્ર્ય પ્રાપ્તિ પહેલાં જયારે ઇડર સ્‍ટેટ હતું ત્યારે ખેડબ્રહ્મા, પોશીનાનો પટ્ટો, આદિવાસી તરીકે ઓળખાતો હતો.[4]

માનવ એક સામાજિક પ્રાણી છે તે અનેક રીતે સમાજ સાથે જોડાયેલો છે. તે સંવેદન બની વિભિન્‍ન રૂપે અભિવ્‍યકત પામે છે. તેમાંની એક અભિવ્‍યક્તિ છે તે ‘મેળો’.

‘મેળો’ એક પ્રજા તરીકેના મનમેળની જાણે કે પ્રગટ વ્‍યાખ્‍યા ન હોય ! મેળો મનના ઉત્‍સવ અને અંતરના ઉત્‍સાહ, ઉમંગ, તરંગ, સુરતાલના બહુરંગી ઇન્‍દ્રધનુષ રૂપે છે. ...................... માથુ રે ‘મેળો’ એટલે મનનું એક અનોનું ‘સૌદર્ય શાસ્‍ત્ર’ કહ્યુ છે.[5]

‘મેળો’ એ માનવજીવનના આનંદ ઉત્સવનુ’ એક આગવું મહત્વ છે જેમાં સાબરકાંઠાના આદિવાસી મેળાઓની આગવી પરંપરાઓ જોવા મળે છે. વર્ષનું વાર્ષિક હટાણું (ખરીદીની ઘરવખરી), મનગમતા પશુ ખરીદવા, સોના-ચાંદી વાસણો ખરીદવા, જીવનસાથીની પસંદગી, હરીફાઇઓ યોજવી વગેરે આદિવાસી મેળાઓમાં જોવા મળે છે.[6]

સાબરકાંઠાના આદિવાસી મેળાઓમાં છોકારા (ગોઠિયો), છોકરી (ગોઠણ) શબ્‍દ વપરાય છે. તેઓ પ્રકૃતિના ખોળે જન્‍મેલા હોવાથી તેઓમાં પ્રકૃતિપ્રેમ વિશેષ જોવા મળે છે. છોકારા-છોકરી પસંદગી વખતે મો મીઠુ કરાવવાના ભાગરૂપે પાન, ખજૂર, પતાશા ખવડાવી એકબીજા સાથે જીવન-જીવવાનો કોલ આપે છે. ભાગી જઇને થયેલ લગ્ન સામે સમાજની રીત મુજબ દાયુ લેવાય છે. જે ન ભરાય તો લોહિયાળ જંગ ખેલાય છે.

આ વિસ્તારમાં હોળીના તહેવારમાં લાડી ખેંચ પ્રથા જોવા મળે છે. જેમાં છોકરીને છોકરો ગમતો હોય કે ન ગમતો હોય તથા છોકરાને છોકરી ગમતી હોય ત્‍યારે ધૈરૈયાઓ ભેગા મળી છોકરીને ભગાડી જાય છે. જેમાં બન્‍ને પક્ષના માણસો આમને-સામને લોહિયાળ જંગ ખેલે છે. જેમાં મુખી કે વડીલો ભેગા મળી સમાધાન કરી આપતા હોય છે.

આદિવાસીઓના વૈશાખી મેળાઓમાં છોકરા-છોકરીઓ એકબીજાનો સંબંધ થયેલો હોય અને સાથે જીવવાના કોલ આપેલ હોવા છતાં બન્‍ને વચ્‍ચે તિરાડ પડે તો સંબંધ તૂટી જાય છે. ત્‍યારે બીજા છોકરા-છોકરી સમજાવે અને અંતે સમાધાન ન થાય તો ભૂવા કે વચેટીયા છોકરીને છોકરીને ભગાડવાનું કામ કરે છે.[7]

લગ્‍ન પહેલાં ગોઠણ-ગોઠણી કરવાનો રિવાજ ભીલ સમાજ (ખેડબ્રહ્મા તાલુકા)માં સ્‍વાભાવિક અને સમાજ સ્‍વીકૃત છે. લગ્‍ન પહેલાં તરુણ-તરુણી પ્રેમ સબંધ બાંધી શકે છે અને જાતીય સબંધ બાંધે છે. માતા-પિતા કે વડીલો કે કુટુંબીજનો સ્‍વાભાવિક સ્‍વીકારે છે.[8]

ભીલ તરુણ-તરુણી મુકત છે. દરેક ભીલ કન્‍યાને ગોઠિયો હોય છે. પ્રકૃતિના મુકત પ્રાંગણમાં ગોઠિયા-ગોઠણ એકબીજા સાહજિક રીતે આકર્ષણ છે. એકાંતમાં તરુણ-તરુણી જે જાતીય સબંધ બાધતા જોઇ જાય તો અત્‍યંત ઉદારતાથી કહે છે બોદુ હેં ! ( કાચી ઉંમરના ) ખાખરિયું હેં. લગ્‍ન પહેલાં જાતીય સબંધો વિશે વડીલોના માનસ પટ પર એક કહેવત પ્રચલિત થઇ છે તે ‘તોલંરી માંદી દોહ’, જે ખાય ઐંણીની થાળીમાં આવે પ્‍છી એક ઘણીની હોલ્‍લીમાંની ગેંસ જે ખાય તેંણીની પણ થાળીમાં આવ્‍યા પછી તે ગેંસ એક ધણીની આમ કુંવારી છોકરી સાથે કોઇપણ સબંધ રાખી શકે છે. પણ લગ્‍ન કર્યા પછી એક ધણીના લગ્‍ન પછી સ્‍ત્રીઓના જાતીય સબંધ ગંભીર ગણાય છે. લગ્‍ન પછી કન્‍યા પોતાના પૂર્વ પ્રેમી સાથે સબંધ ઘરાવે તો તેનો પતિ સબંધ ધરાવનાર ગોઠિયાનું ખૂન કરે છે અથવા તેની પાસે મોટી રકમ વસૂલ કરે છે.[9]

વર્ષાઋતુમાં પૂરબહારમાં ખીલી નવયોવન વનરાજી અને ગિરિમાળાઓના રૂપસૌદર્ય વચ્‍ચે વસતા આદિવાસીઓ કુદરતી તત્‍વોના આનંદ ઉત્‍સવના પરમ ઉપાસક હતા. નવયૌવનો ‘મેળો’ માણવા અને રૂઢિઓની પરંપરાઓ જળવાય તે પણ અત્‍યારના આધુનિક અને ટેકનિકલ યુગમાં અને શિક્ષણવિકાસની ર્દષ્‍ટિએ આવેલી વિવિધ પરંપરાઓમાં વિવિધ પરિવર્તન જોવા મળે છે. શિક્ષણવ્‍યાય, રોડ વ્‍યવહાર, ટેલિવિઝન વગેરે ધ્‍વારા જાગૃતિ માધ્‍યમો વધતા ધીમે-ધીમે જૂની પરંપરાઓ ભૂંસાઇ નવી ચેતના પ્રગટી. જેના કારણે મેળાઓનું સાચું મૂલ્‍ય ઓછું થઇ ગયું છે.

પાદનોંધ:

  1. રોજગાર એસ.બી., ઝેઝેટિપર ઓફ ઇન્‍ડિયા ગુજરાત સ્‍ટેટ, સાબરકાંઠા ડિસ્‍ટ્રિક, અમદાવાદ.
  2. પંડ્યા મહેશચંદ્ર, ‘આઝાદીની લડતાં સાબરકાંઠા’, અમદાવાદ, ૧૯૮૯. પાના નં.૨
  3. ‘અજન’ - ૧-ર
  4. ‘ગુજરાત ઇતિહાસ પરિષદ ‘વ્‍યાખાન માળા’, ગુજરાત ઇતિહાસ પરિષદ, જ્ઞાનસત્ર, ૧૯૯૮. પાન નં. ૩૮
  5. જાદવ જોરાવરસિંહ, ગુજરાતની લોકકલા અને લોક સંસ્‍કૃતિ, માહિત નિયામક ગુજરાત સરકાર ગાંધીનગર, ૧૯૯૧. પાન નં. ૪૯, ૫૦, ૫૧
  6. ર્ડા. મૃદ્દુલાબેન, ગુજરાતના લોક મેળાઓ, ગુજ. યુનિ. ગ્રંથ બોર્ડ, અમદાવાદ. પાન નં. ૧, ૪, ૫
  7. પટેલ ર્ડા. ભગવાન દાસ, (ખેડબ્રહ્મા ડુંગરી ભીલ આદિવાસીઓં, તારામતી ભગવાનદાસ પ્રકાશન, ૧૯૯૨. પાન નં. ૧૨૦, ૧૨૧
  8. ર્ડા. શેઠાણી હસુનાબેન શશિકાંત, ગુજરાતની લોક સંસ્‍કૃતિ, પાન નં.- ૧૯, ૨૦
  9. ડોડીયા શંકરભાઇ એમ., આર્ટસ કોલેજ વડાલી, ૨૦૦૫. રૂબરૂ મુલાકાત

*************************************************** 

પ્રા. ર્ડા. જસરાજભાઇ જી.
ઇતિહાસ વિભાગ
આર્ટ્ સ કોલેજ - વડાલી સાબરકાંઠા

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us