અંત્યજોદ્વારની પ્રવૃતિમાં ઠક્કરબાપાનું પ્રદાન
પ્રારંભિક જીવન:-
અમૃતલાલ વિઠ્ઠલજી ઠક્કર જે ઠક્કરબાપાના હુલામણા નામે જાણીતા છે. જે ભારતના ઈતિહાસમાં અંત્યજો અને ભીલોના સમાજસેવક તરીકેનું અગત્યનું સ્થાન ધરાવે છે. આ સેવાકીય પ્રવૃત્તિને કારણે ગાંધીજી તેમને અંત્યજો અને આદિવાસીઓના ગોર એમ કહેતા હતા. [1]
1869ના નવેમ્બર માસની 29મી તારીખે ભાવનગરમાં અમૃતલાલ જન્મ્યાં તેમની માતાનું નામ મૂળીબા અને પિતાનું નામ વિઠ્ઠલજી લાલજી હતા. ગામઠી પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યા પછી તેમણે ઈ.સ. 1890માં કોલેજના ત્રણ વર્ષ પૂરા કરી એલ.સી.ઈ.ની ઉપાધિ મેળવી. પહેલા તેઓ દક્ષિણમાં સોલાપુર જિલ્લામાં બારસી લાઈટ રેલવેમાં ઓવરસિયર તરીકે અને પછી રેલવેમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ત્યારબાદ મદદનીશ ઈજનેર તરીકે જઈ આવ્યા હતા.
અંત્યજોદ્ધાર તરફ વળવાનાં કારણો :-
તેમના અંત્યજોદ્ધાર તરફ વળવા પાછળ ઘણી બાબતો જવાબદાર હતી. તે સમયે તેમનાં કુટુંબની પરિસ્થિતિ, પિતાના સંસ્કારો, પોતાની લાગણી વગેરે તેમને તે તરફ દોરી ગયા હતા. ઉદાહરણ રૂપે તેમના ફળિયામાં ઢેડનો ગરોડો રોજ રોટલો માગવા આવતો. વસાણી ફળિયાના છોકરાઓ જ્યાં ઝાડો કરવા બેસતા ત્યાં જઈને ગંદકીમાં જઈને તે બેસતો અને બીડીના ઠુંઠા પીને ટાઢ ઉડાડતો. એને જોઈને બાળક અમૃતલાલના હદયમાં અનુકંપા થતી. આ મુંઝવણની સ્પષ્ટતા માતા પાસે કરી પરંતુ માતા તરફથી તેનો યોગ્ય પ્રત્યુત્તર ન મળ્યો. ઠક્કરબાપા આ પ્રસંગ વિશે લખે છે કે “ ઢેડ અને ગરોઢા તો અસ્પૃશ્ય જ હોઈ શકે. તેને કોઈ પણ રીતે જાણી જોઈને અડાય જ નહિં. ભૂલથી પણ અડી જવાય તો નહાવું પડે અને નહાવાનું કદાચ ન બની શકે થો છાંટ તો લેવી જ પડે એવી છાપ મારા મન ઉપર એટલા જોરથી પાડવામાં આવી કે ન પૂછો વાત.”[2] આ રીતે અસ્પૃશ્યતા માનવતાની ર્દષ્ટિએ અન્યાય કહેવાય એની પ્રતિતિ તેમને બહુ નાની ઉંમરે થઈ.
ઠક્કરબાપાની અંત્યજોદ્વારની પ્રવૃત્તિ:-
પંચમહાલમાં સ્થાપાયેલ ભીલસેવા મંડળ આદિવાસી કલ્યાણને વરેલું હોવા છતાં તેમાં હરિજન સેવા સંકળાયેલી હતી. મંડળના પ્રારંભિક ઉદ્દેશોમા ઠક્કરબાપાએ ઢેડ, ચમાર, ગરોડા એવી અસ્પૃશ્ય કોમની સેવાની ખેવના પણ રાખી હતી. તે જ કલ્પનામાંથી હરિજનોની સેવા કરવા માટે ‘ગુજરાત અંત્યજ સેવા મંડળ’ની સ્થાપનાનો વિચાર ઉદભવ્યો.[3] શરૂઆતમાં ‘અંત્યજ કાર્યાલય’ નામની સંસ્થા શરૂ થઈ તેના મંત્રી તરીકે ઈન્દુલાલ યાજ્ઞિક અને ઠક્કરબાપા રહ્યા. એ પછી ઈ.સ 1923માં ગુજરાત અત્યંજ સેવા મંડળની રીતસર રચના કરવામાં આવી અને ઠક્કરબાપા એના પહેલ પ્રમુખ બન્યા.
ઠક્કરબાપા અસ્પૃશ્યતા સંબંધી કોઈ પણ માહિતી મળતા જ એ કામને પૂર્ણ કરવા તે સ્થાને પહોંચી જતા. ઈ.સ 1927ના રેલસંકટના એક પ્રસંગનો ઉલ્લેખ કરતા તેઓ નોંધે છે કે, ગુજરાતમાં રેલ આવ્યા પછી તરત જ સમિતિના ધ્યાન પર એ વાત આવી કે ગામડાના ઘણાં કૂવા ખાસ કરીને અંત્યજો માટે ગાળવામાં આવેલા કૂવા પૂરાઈ ગયા છે. અથવા અમુક હદ સુધી તેને નુકસાન પહોંચ્યું છે. અંત્યજોને ગામડાંઓમાં સવર્ણો પોતાના કૂવામાંથી પાણી ભરવા દેતા નથી. આથી કેટલાક ગામોમાં તેઓએ પોતે કૂવા ગાળ્યા છે અને બીજે કેટલેક ઠેકાણે પાણી માટે તેમને સવર્ણો પાસેથી ભીક્ષા માંગવી પડે છે. અથવા આખા ગામના કપડાં જ્યાં ધોવાય અને બીજી ગંદકીઓ પણ થાય છે એવા તળાવનું ગંદુ પાણી તેમને વાપરવું પડે છે. આથી સમિતિએ સૌથી પહેલા અંત્યજોના કૂવા ગળાવવા માટે પોતાના ફંડમાંથી રૂપિયા 50,000 જેવી મોટી કરમ વાપરવાનું નક્કી કર્યું છે.[4]
વધુ જોઈએ તો વ્યસન અને દેવાનાબુદી ખાસ ઉલ્લેખનીય પ્રવૃત્તિઓ હતી. ઠક્કરબાપાએ પ્રતિજ્ઞા જેવી પવિત્ર બાબતોને અંત્યજ પ્રવૃત્તિ સાથે સાંકળી હતી. 11-8-1935ના રોજ ઠક્કરબાપી સૂચનાથી ત્રણ પ્રતિજ્ઞાઓ અંત્યજોને લેવડાવી.[5]
- દારૂ પીવો નહીં.
- મુડદાલ માંસ ખાવું નહીં.
- કોઈ પણ કારણસર દેવું કરવું નહીં.
આજ ક્રમમાં તેમણે પઠાણો દ્વારા ભંગીઓ પર થતા જોરજુલમો વિરૂદ્ધ કાનુની કેસો પણ કરેલા. ઠક્કરબાપાની પ્રવૃતિઓની ફલશ્રુતિ લક્ષ્મીદાસ શ્રીકાંતના શબ્દોમાં જણાય છે... “કરજ મુક્તિની શરતમાંથી બચતી રકમ ખોટે રસ્તે ખર્ચાય અને દેવું ભરપાઈ થઈ જાય તે માટે કાળજી રાખવામાં આવે છે. આખો પગાર દેવાના વ્યાજમાં જ જતો હતો અને દેવું જેમને તેમ માથે ઊભું રહેતું હતું. તે સ્થિતિ આજે નથી. દેવું પતાવવાને રસ્તે ભંગી ભાઈઓ પડ્યા છે.[6]” ગોધરાની જેમ દાહોદમાં મ્યુ.કામદારોની સહકારી મંડળી શરૂ કરી અંત્યજોના દેવામુક્તિની દિશામાં વધુ એક સ્તુત્ય પ્રયાસ થયો હતો. આ મંડળીના સભ્યો ભંગી સફાઈ કામદારો પણ હતા. તેની કાર્યપદ્ધતિ આલેખતા ‘પંચમહાલ-રેવાકાંઠા વર્તમાન’એ નોંધ્યુ છે કે... “ભંગીઓને તો તેમના 75 થી 150 ટકાના ભારે વ્યાજવાળા કરજમાંથી તદન છુટ્ટા કરવામાં આવ્યા છે. તેમના શાહુકારોને બોલાવી તેમનું દેવું ચોખ્ખું તથા ખરૂ કરેલું છે. મંડળીના ભંડોળમાંથી ચુકવી દેવામાં આવે છે. ભંગીઓના પગારમાંથી દર માસે અમુક રકમ નક્કી કરી મંડળીમાં ભરપાઈ કરવામાં આવે છે. દર મહિને બે-ચાર ભંગીઓને આ પ્રમાણે જૂનાં દેવાંમાથી છુટા કરવામાં આવે છે”[7]
હરિજન સેવક સંઘના મંત્રી તરીકે કામગીરી:-
અસ્પૃશ્યતા નિવારણ ઝુંબેશને વ્યવસ્થિત ચલાવવા માટે અસ્પૃશ્યતા નિવારણ સંઘ સ્થાપ્યો. ગાંધીજીએ આ સંઘના પ્રમુખ તરીકે શ્રી ઘનશ્યામદાસ બિરલાનું નામ સુચવ્યું, પણ બિરલાને આ કામ એકલે હાથે પોતે ઉપાડી શકે તેમ લાગ્યું નહી. આથી તેમણે પ્રમુખપદ સંભાળવા માટે ગાંધીજી પાસે એક શરત મુકી અને આ સંઘના મંત્રી તરીકે શ્રી ઠક્કરબાપા કામ કરવા તૈયાર થાય એવી શરત મુકી. ગાંધીજીએ તો આ વાતને તરત જ વધાવી લીધી અને ઠક્કરબાપાને સંઘનું મંત્રીપદ ગ્રહણ કરવા કહ્યું. બાપા ઉપર ભીલસેવા મંડળના સંચાલનની ઘણી મોટી જવાબદારી હતી. વળી લડતના દિવસોમાં મંડળ ઉપર આર્થિક ભીંસ પણ ઠીક ઠીક ઊભી થઈ હતી. એટલે ભીલ સેવા મંડળના કામને મુકી દઈ દિલ્હી જઈ હરિજન સેવક સંઘનું મંત્રીપદ સંભાળવાનું કામ ઘણું કઠિન હતું. પરંતુ બાપુએ બાપાને સમજાવ્યા એમના હદયને અપીલ કરી કે દેશના અને હિંદુ જાતિના ઈતિહાસની આ પળે હરિજન સેવાએ વધારે જરૂરી છે. એની પાછળ આખા રાષ્ટ્રની આત્મશુદ્ધિ કરી એને ઊંચો ઉઠાવવાની આધ્યાત્મિક ભાવના પડેલી છે. આમ કરવા માટે ઊંચા પ્રકારના નૈતિક બળવાળા માણસોની આ કાર્યમાં પહેલી જરૂર હતી. હિન્દુ જાતિએ સૈકાઓ સુધી અસ્પૃશ્યતા ચલાવીને જે પાપ કર્યું છે તેનું પ્રાર્યશ્ચિત કરવાનું છે. આ બાબતમાં બાપા જેવા માણસો જ પહેલ કરી શકે.
છેવટે બાપાને પણ ગાંધીજીની વાત સમજાઈ અને પોતે સંઘનું મંત્રીપદ સ્વીકાર્યું. એ રીતે હિન્દમાંથી અસ્પૃશ્યતા નાબુદ કરવા અસ્પૃશ્યોની આર્થિક, સામજિક સ્થિતિ સુધારવા અને સવર્ણોના દિલમાં પ્રશ્ચાતાપની લાગણી જગાડી તેમને પોતાના પાપનું પ્રાશ્ચચિત કરવા તરફ પ્રેરવા અસ્પૃશ્યતા નિવારણ સંઘની સ્થાપની થઈ. પાછળથી ગાંધીજીએ જ્યારે અસ્પૃશ્યો માટે ‘હરિજન’ શબ્દ પ્રયોજ્યો ત્યારે આ સંઘનું નામ બદલીને ‘હરિજન સેવક સંઘ’ રાખવામાં આવ્યું. [8]
હિંદભરમાં અસ્પૃશ્યાતા નિવારણનું કામ વ્યવસ્થિત રીતે ચાલે એ માટે તેને 22 પ્રાંતોમાં અને 184 કેન્દ્રોમાં વહેંચી નાખવામાં આવ્યો હતો. દરેક કેન્દ્ર માટે રૂપિયા ત્રણ હજારની રકમની જોગવાઈ કરવાનું સૂચવવામાં આવ્યું હતું. આટલી રકમ મધ્યસ્થ ફંડમાંથી અને પ્રાંત તથા જિલ્લાઓમાં થનારાં ફાળામાથી મેળવી લેવામાં આવશે. આ રીતે સંઘના કાર્ય માટે દર વર્ષે રૂપિયા છ લાખની રકમ એકઠી કરવી, દર વર્ષે ખર્ચી નાખવી એવી ગણતરી રાખવામાં આવી હતી.[9]
સૌથી પહેલું કામ તેમણે આખા દેશમાં પ્રવાસ કરવાનું અને પોતે પ્રાંતમાં હરિજનોની સ્થિતિનો અભ્યાસ કરવાનું, સવર્ણોના દિલ પીગળાવવાનું, અસ્પૃશ્યતા સામે જોરશોરથી પ્રચાર કરવાનું કર્યું. આ છ મહિનામાં દિલ્હીમાં એ ભાગ્યે જ મહિનામાં આઠ દિવસ ગાળતા. બાકીના 20 થી 22 દિવસ અને ઘણી વખત તો આખો મહિનો તે લાંબા પ્રવાસોમાં ગાળતા. એક વર્ષમાં ઠક્કરબાપાએ દેશના જુદાજુદા સ્થળોએ ફરીને પ્રવાસ કર્યો. ભૂખ, થાક કે ઉજાગરાને તેમણે ગણકાર્યો નહીં અને અલગ અલગ સ્થળોએ ફરીને હરિજનોના પ્રશ્નો, હકીકતો એકઠી કરી, વર્તમાનપત્રોમાં પોતાના પ્રવાસના અનુભવો અને અહેલાવો આપ્યા. હરિજનોની સ્થિતિ કેવી છે એનો તાર્દશ ચિતાર આપ્યો.
1932ના સપ્ટેમ્બરની 20મી તારીખથી ઓક્ટોબરની બીજી તારીખ સુધીમાં ગાંધીજીના ઉપવાસને પરિણામે અને ઠક્કરબાપા અને એવા સંખ્યાબંધ હરિજન સેવકોના પ્રયાસને પરિણામે આખા દેશમાંથી લગભગ 150 જેટલા મંદિરો ખુલી ગયા અને એ જ રીતે કેટલીય શાળાઓમાં હરિજન વિદ્યાર્થીઓને પ્રવેશ મળવા લાગ્યો. ઠક્કરબાપા રાતદિવસ જોયા વગર હિન્દના લગભગ તમામ પ્રાંતોમાં ઘુમ્યા. જ્યાં રેલવે ન જતી હોય એવા ભાગોમાં પણ ફરીને હરિજનોની દશા સુધારવા માટે અને અસ્પૃશ્યતા રૂપી રાક્ષસનો સંહાર કરવા માટે દેશભરમાં 22 પ્રાંતીયશાળાઓ અને 178 જિલ્લાકેન્દ્રોની જાળ બિછાવી દીધી. અને એ દ્વારા અસ્પૃશ્યતા વિરોધી ઝુંબેશ સર્વે મોરચે ઉપાડી લીધી.
ભારતના બંધારણની વાત કરીએ તો અસ્પૃશ્યતા નાબુદી માટે તેમાં 17મી કલમ દાખલ થઈ તેમાં મહત્વનો અગ્ર ભાગ ઠક્કરબાપાએ ભજવ્યો છે.[10] આમ, હરિજન ઉદ્ધાર અને આદિવાસી ઉત્થાનના જો કોઈ પિતામહ હોય તો સ્વ.ઠક્કરબાપા છે. વળી સમર્પણની ભાવના થી તેઓ રંગાયેલ અને તદ્દન નિરભિમાની, વ્યક્તિગત પ્રતિષ્ઠાથી દૂર ભાગતા પણ પોતાની નિષ્ઠામાં અચળ અને એટલા જ નિરહંકારી હતા. તેઓ એક આદર્શ મૂકસેવક હતા. તેથી તેમના સેવાકાર્યોને પ્રચારના કે પક્ષના શણગાર વળગ્યા નથી, પણ તેમના કાર્યો આજે પણ અનેક રીતે ધબકી રહ્યા છે.
પાદનોંધ :-
- પંકજ શ્રીમાળી, ઠક્કરબાપા, અમદાવાદ, 2007, પૃ. 4-5.
- અનામી ઠક્કરબાપા, પ્ર.વ.ન., ગૂજરાત વિદ્યાપીઠ ગ્રંથાલય, પૃ. 14.
- એજન, પૃ. 238.
- પંકજ શ્રીમાળી, પૂર્વોક્ત, પૃ. 45.
- અરુણ વાઘેલા, પંચમહાલ જિલ્લામાં ગાંધીવાદી રચનાત્મક પ્રવૃત્તિઓ અને સ્વાતંત્ર્ય સૈનિકો, અમદાવાદ, 2007, પૃ. 49.
- એજન, પૃ.49.
- એજન, પૃ.49.
- કાંતિલાલ શાહ, ઠક્કરબાપા, અમદાવાદ, 1955, પૃ.256.
- જંયતિલાલ મલકાણ, ઠક્કરબાપા, અમદાવાદ, 2001, પૃ. 35.
- અનામી ઠક્કરબાપા, પૂર્વોક્ત, પૃ. 306.
***************************************************
મહેશકુમાર એચ વાણિયા
વ્યાખ્યાતા સહાયક,
ઈતિહાસ વિભાગ,
સરકારી વિનયન કોલેજ,
સેક્ટર – 15, ગાંધીનગર
|