logo

મૂળદાસ વૈશ્ય : એક ગાંધીવાદી દલિત નેતા (1894 - 1977)

જન્મ અને ઘડતર :

મૂળદાસ ભૂદરદાસ વૈશ્ય નો જન્મ ખેરાલુ તાલુકાના ઉમતા ગામે થયો હતો. જન્મે વણકર હતા અને તેમાંય તેમનું કુટુંબ વૈષ્ણવ સાધુ હતું. વિસનગરમાં મૂળદાસનો અભ્યાસ છ ધોરણ સુધી ચાલ્યો. અંત્યજ શાળામાં છ ધોરણ પતાવ્યા પછી આભડછેટને કારણે વિસનગરની હાઈસ્કૂલમાં પ્રવેશ ન મળ્યો.

1913માં વડોદરાની સરકારી હાઈસ્કૂલમાં મૂળદાસને દાખલ કરાતા હડતાળ પડી. પણ મહારાજા સર સયાજીરાવે હુકમ કરી મૂળદાસને ભણાવવાનો આદેશ કર્યો. મૂળદાસને કસરતના પીરિયડ વખતે જવા-આવવા માટે બધા વિદ્યાર્થીઓથી છેલ્લા ચાલવું પડતું. તેમના માટે મુકવામાં આવેલી ખાસ પાટલી પર બેસવું પડતું. વર્ગમાં છેલ્લે નિકળવાનું રહેતુ. વર્ગમાં વિદ્યાર્થીઓમાં તે ‘ઢેડા’ તરીકે ઓળખાતા. [1]

તેમને પંડિત આત્મારામજી અમૃતસરીનો ખૂબ પ્રેમ મળ્યો હતો. તેમણે કદી કોઈ પ્રત્યે દ્વેષ રાખ્યો ન હતો. ‘પ્રેમથી જ પ્રેમ વધે, ન વધે વેરથી’ આ જ્ઞાન તેમણે નાનપણથી જ પચાવ્યું હતું.

ગાંધીજી સાથે પ્રથમ મુલાકાત :

મૂળદાસ ભણવામાં હોંશિયાર હતા, છતા મેટ્રિકમાં નાપાસ થયા. મૂળદાસ અંગ્રેજી મામા ફડકે પાસે ભણતા હતા. ફડકેની અસરથી તેમનું મન દેશસેવા તરફ લાગ્યું. સને 1917માં ફરીથી મેટ્રિકની પરીક્ષા અંગે તેઓ મુંબઈની જગ્યાએ અમદાવાદ કેન્દ્ર રાખીને અમદાવાદ આવ્યા. પરીક્ષા આપીને તેઓના મનમાં જેમની લગની હતી તેવા મહાત્મા ગાંધીજીને મળવા તેઓ કોચરબ આશ્રમમાં ગયા. મામા સાહેબ મારફતે મૂળદાસની ઓળખાણ ગાંધીજી સાથે થઈ. ગાંધીજીએ તેમનું નામ પૂછ્યું. મૂળદાસે પોતાનું નામ કહ્યું. ગાંધીજી કહે ‘તું મેટ્રિકની પરીક્ષા પસાર કરી સેંકડો સવર્ણ વિદ્યાર્થીઓની માફક કોલેજમાં જઈ ડીગ્રી મેળવીશ અને તારા તરફ ગાયકવાડ મહારાજાની અમી દૃષ્ટી છે એટલે સારો હોદ્દો મળશે પણ તારી જાતિનું શું?’[2]

સમાજસુધારણા તરફ પ્રયાણ :

ગાંધીજીના પ્રશ્ને તેમને વ્યાકૂળ કરી નાખ્યાં. વડોદરામાં 1917માં ગરોડા સંસ્કૃત પાઠશાળાના અધ્યાપક હતા. વળી તે વડોદરાથી પાછા ઉમતા આવી વણવાનું કામ કરવા લાગ્યા. ફાવટ જલદી ના આવતા તેમની ટીકા પણ થઈ.

તે અરસામાં ભરૂચવાળા ગંગાબેન મજમુદાર તેમની પાસે અડધો મણ જેટલું સુતર લઈ ઉમતા આવ્યાં. મૂળદાસ તે જોઈ સંકોચાયા. છતા થોડા અનુભવી વણકરોની મદદથી પંદરેક દિવસે તેમાંથી એક ધોતી જેટલું કાપડ તૈયાર કર્યું. મૂળદાસે પોતાના ગામના તથા આજુબાજુના ગામના વણકરોને આ કામમાં લગાડી દીધા.

ચોથી અંત્યજ પરિષદમાં હાજરી :

કેલિકો મિલના શેઠશ્રી અંબાલાલ સારાભાઈનાં બહેન શ્રી અનુસૂયાબહેનના પ્રયત્નોથી 1920માં અમદાવાદમાં મિરઝાપુર પાસેની હજામગલીના મેદાનમાં ઘીકાંટા વૈષ્ણવ મંદિરના મહંત શ્રી મોહનદાસજીના સ્વાગત પ્રમુખપદે ગુજરાતના અંત્યજ આગેવાનોની એક પરિષદ યોજવામાં આવી હતી. તે પરિષદમાં ગુજરાતભરમાંથી અંત્યજ શિક્ષકો અને આગેવાનોએ હાજરી આપી હતી. મૂળદાસે પણ ઉમતાથી પોતાના હાથે વણેલા કાપડમાંથી સજ્જ થઈ તે સભામાં હાજરી આપી.

તેમણે તેમનાં ભાષણમાં કહ્યું કે ‘‘બે હાથ વગર તાળી પડતી નથી. એટલે અમો અંત્યજોએ જૂના વખતમાં અભક્ષાભક્ષ અમારી ગરીબીને લીધે કર્યું હશે. તેથી અમારો બીજી પ્રજાએ બહિષ્કાર કર્યો એટલું જ નહીં પણ અમોને ગામથી દૂર વાસ કરવાની ફરજ પાડી હશે. તેથી એમને તેમના સત્સંગ છુટી ગયો. પરિણામે અમારી વધુ અધોગતિ થઈ.’’[3]

આમ મૂળદાસ વૈશ્યએ નિરક્ષર, અંધશ્રદ્ધાળુ અને પછાત એવા અંત્યજ સમાજમાં સુધારા દાખલ કરાવવા શાસ્ત્રોના તેમજ ભજનિકોના આધારો ટાંક્યા. વિખ્યાત કવિઓના કાવ્યો, દોહા વગેરેનો ઉપયોગ કર્યો અને અંત્યજોને સડેલું માંસ ત્યાગવા તેમજ અસ્વચ્છતા અને અન્ય કુટેવથી મુક્ત થવા અનુરોધ કર્યો. તેમણે પંચો મારફત માંસ ભક્ષણ, મદિરા સેવન વગેરેને લગતા ઠરાવો પસાર કરાવી અનેક અંત્યજ ને વ્યસન મુક્ત કરાવ્યા.

મૂળદાસની દલિતઉત્કર્ષની પ્રવૃતિ :

મૂળદાસ વૈશ્ય ને અંત્યજોને સ્વાવલંબી અને સ્વમાની બનાવવા માટે ખાદી આવશ્યક લાગતા ખાદીના ઉત્પાદનકામમાં અનેક વણકરોને તૈયાર કર્યા. મૂળદાસે અંત્યજોને સમાનતાના અધિકારો અપાવવાના પ્રયત્નો કર્યા હતા. જેમકે અંત્યજોને જાહેર સ્થળો, જાહેર મંદિરો, જાહેર હોટલો તેમજ જાહેર વાંચનાલયો વગેરેનો ઉપયોગ કરી શકે અને તેમને સામાજિક ન્યાય મળે તે માટે મૂળદાસે સત્યાગ્રહનો આશરો લીધો.

વણકર વિદ્યાર્થી આશ્રમ અને કન્યા છાત્રાલય :

અમદાવાદમાં અંત્યજ બાળકો માટે એક આશ્રમ ખોલી તેની સંપૂર્ણ જવાબદારી મૂળદાસને સોંપવામાં આવી. તારીખ 16 ઓગસ્ઠ 1921ના દિવસે અનસૂયાબહેનના શુભ હસ્તે ‘વણકર વિદ્યાર્થી આશ્રમ’ નામક સંસ્થાની ઉદઘાદ્ટનવિધિ કરવામાં આવી. તેમના એકમાત્ર પહેલા વિદ્યાર્થી નાનકદાસ કાંટિયાને લઈને એક રાત પસાર કરી. અમદાવાદ અને તેના આસપાસના અંત્યજોમાં ભણતરનું નામનિશાન ન હોવાથી તેમને આશ્રામ માટે વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ થઈ પડ્યું હતું. આશ્રમ માટે વિદ્યાર્થીઓ મેળવવા માટે તેઓ જાતે ગામેગામ ફરતા અને વિદ્યાર્થીઓની ભરતી કરતા.

આ સંસ્થામાં મૂળદાસ પાર્લામેન્ટમાં ગયા એટલે કે 1951 સુધી કાર્ય કર્યું. તેઓએ એકંદરે 30 વર્ષ શિક્ષણનું કાર્ય કર્યું અને સેંકડો હરિજન વિદ્યાર્થીઓના જીવનઘડતરના યશભાગી બન્યા હતા.

સને 1927માં શંકરલાલ બેંકરના ટ્રસ્ટીપદે 1 લાખ રૂપિયા કન્યા કેળવણી માટે મળ્યા હતા. ગાંધીજીની પ્રેરણાથી તે રૂપિયા હરિજનોની કન્યાઓ પાછળ વાપરવા તેમ નક્કી થયું. આ કામ પણ મૂળદાસે ઉપાડી લીધું. પાંચ કન્યાઓથી છાત્રાલય શરૂ કર્યુ. આ સંસ્થા આજે ધીમે ધીમે વિશાળ થતી ગઈ. આ સંસ્થામાંથી પાસ થયેલી અનેક કન્યાઓ અમદાવાદ મ્યુનિસિપાલિટીની પ્રાથમિક શાળાઓમાં શિક્ષિકાઓ તરીકે જોડાઈ હતી.[4]

મંદિર પ્રવેશ સત્યાગ્રહ :

આઝાદી પછીના સમયથી ધાર્મિક સ્થળોમાં દર્શન માટેનો સમાન દરજ્જો આપ્યો હતો. જે અનુસાર મૂળદાસ વૈશ્ય અને રવિશંકર મહારીજની નેતાગીરી નીચે અમદાવાદના કાલુપુર અને સાળંગપુરના રણછોડરાયના મંદિરમાં સમૂહ પ્રાર્થનાનો કાર્યક્રમ યોજાયો. પંરતુ સ્વામીનારાયણ મંદિરના દ્વાર બંધ કરાતા મૂળદાસ વૈશ્યની દોરવણી હેઠળ અમદાવાદની તમામ મિલોમાં હડતાળ પડતા થ્રોસલ ખાતા બંધ થયા. પછીથી સરદાર પટેલની બાંયધરીથી મિલો ચાલુ થઈ. પરંતુ મંદિરના સત્તાવાળાઓએ દાખલ કરેલ દાવાનો ચુકાદો 18 વર્ષે અસ્પૃશ્યોની તરફેણમાં આવ્યો.

સરઢવ મોટર બસ પ્રવેશ સત્યાગ્રહ :

નાગજીભાઈ તથા પરીક્ષિતલાલ મજમુદારના સંચાલન હેઠળ તેમણે સરઢવ સત્યાગ્રહમાં (ઈસ 1947) આગળ પડતો ભાગ ભજવ્યો. આશરે છ મહિના ચાલેલા આ સત્યાગ્રહે સરઢવ અને તેની આસપાસના ગામોમાં અસ્પૃશ્યોમાં નોંધપાત્ર સંગઠન શક્તિ અને ચેતના જગાવી.

કલોલ તાલુકાના હરિજનોએ જે ધગશથી છ-છ મહિના સુધી સત્યાગ્રહને ટકાવી રાખ્યો તે માત્ર ગુજરાતના જ નહીં પણ દેશના દલિત સંઘર્ષના ઈતિહાસમાં મહત્વો છે.[5]

આમ મૂળદાસ વૈશ્ય અગ્રહરોળના ગાંધીવાદી દલિતનેતા સાબિત થયા હતા. તેમના પર ગાંધીનો પ્રભાવ ખૂબ જ હતો. ગાંધીજીને ખાદી વણી આપવાની મદદથી માંડી અંત્યજોને શિક્ષણ સુધી સાથ આપ્યો હતો. 1931માં જ્યારે ડો. બાબાસાહેબ આંબેડકર અમદાવાદ આવ્યા ત્યારે કેશવજી વાઘેલા અને મૂળદાસ વૈશ્ય તેમની સામે મોરચો માંડી ચૂક્યા હતા. અમદાવાદના અંત્યજોએ યોજેલા સત્કાર સમારંભમાં હાજરી આપવા પ્રેમાભાઈ હોલમાં ગયા. સભાના પ્રમુખ મૂળદાસે કહ્યું કે ‘‘ડો. આંબેડકરના વિચારો સાથે અમારે કોઈ પણ જાતની નિસ્બત નથી. ’’[6] તેઓ માનતા કે દેશ એટલે ભારત દેશ , ધર્મ એટલે આર્યધર્મ અને જાતિ એટલે મનુષ્ય જાતિ. આમ મૂળદાસ વૈશ્ય ગાંધીજીના પ્રબળ સમર્થક અને અનુયાયી બન્યા હતા.

 

 

પાદનોંધ :::

  1. વૈશ્ય બ્રહ્મદત્ત, ગુરૂજી : મૂળદાસ ભૂદરદાસ વૈશ્યના જીવનપ્રસંગો, હરિજન આશ્રમ ટ્રસ્ટ, અમદાવાદ, 1985, પૃ. 5-6.
  2. એજન, પૃ. 9.
  3. એજન, પૃ. 18.
  4. એજન, પૃ. 22.
  5. મહેતા મકરંદ, હિંદુ વર્ણવ્યવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના અસ્પૃશ્યો, અમી પબ્લિકેશન, અમદાવાદ, 1995, પૃ. 174.
  6. એજન, પૃ. 137.

*************************************************** 

મહેશકુમાર એચ. વાણિયા
વ્યાખ્યાતા સહાયક,
સરકારી વિનયન કોલેજ,
સેક્ટર-15, ગાંધીનગર.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us