કચ્છના સંતો
સંતો એ કોઇપણ પ્રદેશના સંત્રીઓ સમાન છે. આ સંત્રીઓ પ્રજાની અસ્મિતાને જીવંત રાખે છે - જાગૃત રાખે છે. દીવાદાંડી બનીને માર્ગ - ભૂલેલાને યાથાર્થ માર્ગનું ભાન કારાવે છે. મશાલ બની જલતા રહીને પૃથ્વી પર પ્રકાશ પાથરે છે.
જયાં સંતો છે તે પ્રદેશ કદી ગરીબ ન હોઇ શકે, નિર્બળ ન હોઇ શકે. એક સંતને ગુમાવવા કરતાં દેશને ગુમાવવાનું વધુ પસંદ કરનાર રાજવીઓના દાખલા દુનિયાના ઇતિહાસને ચોપડે નોંધાયેલા છે. એટલે એક સંતની કિંમત કેટલી છે તે સ્હેજે સમજી શકાશે.[1]
‘‘સંત સૂતા ભલા ભકત જે ભોમમાં,
પીર પોઢયા જયાં કામ ઠામે;
ડુંવરે ડુંગરે દેવની દેરીઓ,
ખાંભીઓ ખોંધની ગામ ગામે;
જંગ ધારા તણા, રંગ જામ્યા જહાં;
ભારતી માતને ખોળલે ખેલતી,
ધન્ય હો ! ધન્ય હો ! કચ્છ ધરણી !’’[2]
કચ્છી લોક સાહિત્યનું પુરાણું અંગ તેનાં ભજનો છે. જીવનનું રહસ્ય ઉકેલતી અને ભક્તિ રસથી નીંગળતી આ સંતવાણી પરંપરાથી ઝિલાતી વહેતી રહી છે.
અચોરે મુંજા સંત સગા, રબ તાં રંધાણી,
રબ તો રંધાણી કે મિંજ પ્રેમજા પાણી,
આંઉતાં આંજો આંઇ તાં મુંજા વેદચેવાણી,
વલા વેદચે વાણી તેં સેં મુંજી પ્રીતડી બંધાણી.
જેવાં ભજનોમાં પ્રેમ ભક્તિ અને વેદવાણી રસોડાની બાનીમાં રોચક કરીને મૂકી દેવાઇ છે.
‘મનતેં મચ તો બરે’ ગાઇને તેરાની રતનબાઇએ પાર્થિવ બંધનો ખંખેરી નાખ્યાં, અને તેના સૂફી અને કવિ હ્રદયે પ્રેમભક્તિથી ઊભરાતાં ભજનો લલકાર્યાં.[3]
કોઇપણ યુગમાં પરિવર્તનના પાયમાં યૌવન ધન રહેલું હોય છે. સંસ્કૃતિ હરખાય અને વિકૃતિ કરમાય ત્યારે યૌવન મોહક મુસ્કાન સાથે મહોબ્બતની મઝા માણે છે. આમ યૌવન કદી ડુબતું નથી. ઘટમાં ઘોડાની જેમ થનગને છે અને આતમ પાંખ વીંઝે છે એ આતમનો સંબંધ સંતવાણી સાથે છે. તેમાંય કચ્છના વિશિષ્ટ સંતોની વાણીના મર્મસ્પર્શી અનુભવનજન્ય ઉદૃગારો જીવનના વિવિધ પક્ષોને અંક્તિ કરીને વ્યાપક સાંસ્કૃતિક અને સાહિત્યિક ર્દષ્ટિકોણ પ્રગટ કરીને દશે દિશાઓમાં પ્રતિધ્વનિત થયા કરે છે.
‘સંત’ શબ્દનો પ્રયોગ એવા સજ્જનના અર્થમાં થાય છે. જે માત્ર સત્યગ્રહણ કરે છે, પરહિત રહે છે. જે સત્ રૂપી પરમતત્વનો અનુભવ કરી, સ્વથી ઉપર ઊઠીને તેની સાથે તદ્રૂપ થઇ જાય છે. આ રીતે સંત આત્મશુધ્ધિ, અખંડ સત્ય અને પરહિતના પર્યાવાચી છે. સંત કેવળ એક સ્થાન કે પ્રદેશની આંકેલી સીમા રેખાના નહીં પણ સમસ્ત દેશના જાગરૂક ચેતનાશીલ પ્રહરી છે. જે ધર્મ અને નીતિનું રક્ષણ કરીને જાનતાની અસ્મિતાને જીવંત રાખે છે. પંથ ભૂલેલા દિશાહારાઓનું માર્ગદર્શન કરીને મશાલની જેમ પ્રજવલિત થઇ પૃથ્વી પર પ્રકાશ પાથરે છે.[4]
૧૫’મી થી ૧૮’મી સદી સુધી સમસ્ત ભારત દેશ ભક્તિરસથી તરબોળ રહ્યો. નિર્ગુણધારાના જ્ઞાનાશ્રયી શાખાના પ્રતિનિધિ સંત કવિ કબીર સાહેબની વાણીએ જાતિ, ધર્મ, સ્થાન અને સમયના સંકીર્ણ ક્ષેત્રોને નષ્ટ કરીને એક વ્યાપક સ્વરૂપ ધારણ કર્યું. પ્રેમાશ્રયી શાખાના સૂફી સંતોની વાણીમાં માનવીય પ્રેમભાવ પ્રગટ થયો. ભક્ત કવિ તુલસીદાસની સનાતન સુરાવલીમાં આ દેશની સંસ્કૃતિ, જીવનના આદર્શો અને મૂલ્યો પ્રતિધ્વનિત થયા તો બીજી તરફ રસમય વાણીનું રસપાન કૃષ્ણભક્તિ શાખાના પ્રતિનિધિ કવિ સૂરદાસે કરાવ્યું. આ પ્રમાણે સંત વાણીએ સાધારણ જનમનમાં નવજાગૃતિ અને નવચેતના પ્રસારિત કરી ભારત દેશના સુદૂર મરૂભૂમિ કચ્છ ઈલાકામાં પણ સંતોની સરવાણી પ્રસ્ફુટિત થતી રહી.[5]
જગતમાં સૂર્ય અને ચંદ્ર જેમ અંધકારને ભેદીને પ્રકાશ ફેલાવે છે. તેમ સંતો અને કવિઓ પણ જ્ઞાનના પ્રકાશને ફેલાવે છે. સંતો ન હોય તો આ જગમાં અજ્ઞાનનો ઘેરો અંધકાર છવાઇ ગયો હોત. સંતો એ સંસાર-સાગરમાં ભૂલા પડેલા માનવ-જીવોને સાચો માર્ગ બતાવનાર દીવાદાંડી સમાન છે. દીપક જેમ પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે તેવું જ સંત-જીવનનું છે.[6]
કચ્છની ભૌગોલિક પરિસ્થિતિ જોઇએ તો પૂર્વ અને ઉત્તરમાં રણ, દક્ષિણમાં ખાડી વિસ્તાર અને પશ્ચિમમાં અરબી સમુદ્ર હિલોળા લે છે. આ પ્રદેશનો અધિકાંશ વિસ્તાર પહાડી અને અવિકસિત છે છતાંયે કચ્છડો બારે માસ આ દેશના નકશામાં સ્થાન પામે છે. તેનું એક કારણ પ્રાચીન તીર્થ ધામ નારાયણ સરોવર છે. તો બીજી બાજુ રાવ લખપતજી દ્વારા ભુજમાં સ્થાપિત બ્રજભાષા પાઠમાળા છે. જો કે અહીંના પૌરાણિક અને ઐતિહાસિક મૂલ્યો પણ મહત્વ ઘરાવે છે.[7]
કચ્છ માત્ર લૌકિક પ્રેમીઓ અને ઐશ્વર્યકારી વીરોનું જ ક્રીડા સ્થળ રહ્યું નથી, પરંતુ મુક્તિકામી અને આધ્યાત્મિક પ્રેમીઓનું કર્મક્ષેત્ર પણ રહ્યું છે. પ્રાચીન કાળથી - આથ સિધ્ધોના સમયથી - તો નિશ્ચતરૂપે કચ્છની મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. કચ્છના જન સાધારણ પર વીરો, સિધ્ધો, નાથો અને સંતોનો બહુવિધ પ્રભાવ પડ્યો છે. વામાચારથી માંડીને શુધ્ધ સંતમતનો, એક યા બીજા રૂપે, જનતામાં પ્રચાર રહ્યો છે અને આ પરંપરાઓને જીવંત અથવા મૃતપ્રાયઃ રૂપોમાં આજે પણ શોધી શકાય એમ છે. અનેકવાર સિધ્ધો અને નાથોના વિશ્વાસો, તંત્રવિધા અને જીવન દર્શનનો મેળ ભક્તિની ભાવનાઓ અને સંત મતની નિશ્ર્વલ નિષ્ઠાઓની સાથે વિવિધરૂપે થઇ ગયો છે, એટલું જ નહિં અનેક ઐતિહાસિક વ્યક્તિઓ અથવા અર્ધ-ઐતિહાસિક ઘટનાક્રમોના આધારે લોકોમાં નિજંધરી આખ્યાન અને સિધ્ધિઓ પ્રચલિત થઇ ગઇ છે. એવી વ્યક્તિઓમાં જેસલ-તોરલ, જખ-બાકરશા, રાવળપીર, મામાઇ, ધોરમનાથ, મોડાવીર-મેકણદાદા વગેરેની ગણના થઇ શકે છે.[8]
ગૂઢાર્થની વાતો મનમાં વધી વધીને વડ જેવડી થઇ ગઇ પણ સુયોગ્ય માણસોએ તે પૂછી નહિં અને મનની મનમાં જ રહી ગઇ. એ જ પ્રમાણે દાદા મેકણ કહે છે, કે ---
ગુજારત જયું ગાલિયું, વધી વડ થઇયું.
ચંડે માડુએં ન પુછઇયું, મનજયું મનમેં રઇયું.[9]
મહાત્મા મેકણ, રવિ સાહેબ, ખીમ સાહેબ, ભાણ સાહેબ, મોરાર સાહેબ, દેવા સાહેબ, ઇશ્વર રામજી અને દેવીદાનજી આદિ કચ્છના વિશિષ્ટ સંત-કવિઓનું જીવન અને કવન એક સમાન પારદર્શી રહ્યું છે. કચ્છના સંતોએ જીવનોપયોગી સંદેશ કેવળ ગુજરાત કે કચ્છમાં નહિ પણ જનભાષા હિન્દીમાં, પ્રાન્તીય સીમાડાઓને તોડીને જનમનમાં વિહાર કરતી વ્યાપક વાણીમાં પ્રગટાવ્યું છે. આ સંતોનું મુખ્ય લક્ષ્ય ભેદરેખાઓને ભૂસીને સમતાની ભૂમિ પર બહુજન હિતાય, બહુજન સુખાયને ધ્યાનમાં લઇને મર્મસ્પર્શી અનુભવજન્ય ઉદ્દગારોમાં રહેલું છે. જ્ઞાન અને ભક્તિના સમન્વિતરૂપને જનજીવન અને લોક વ્યવહાર સાથે જોડીને એક સુગમ્ય અને સુગ્રાહ્ય સ્વરૂપ પ્રદાન કરવામાં કચ્છના સંતોએ મુખ્ય યોગદાન આપેલ છે. આ સૌ સંતો સમન્વયવાદી, ત્યાગી અને સમાજ સેવી હતા. ‘સાધુ તો ચલતા ભલા’ સૂત્રને જીવનમાં ઉતારીને કચ્છના સંતોએ વિવિધ સ્થાનોમાં ભ્રમણ કરીને સામાન્ય જનજીવન સાથે એકરૂપ થઇને કચ્છી, ગુજરાતી અને હિન્દીમાં વાણીને વહેતી કરી હતી.
સામાન્ય જનજીવનને સ્પર્શતી અને પ્રમાવિત કરતી યુગની પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આકાશદીપ બની અને પ્રભાવિત કરતી, યુગની વાણી સંતવાણી છે. કચ્છના સંતો પણ સરિતાના ખળ-ખળ વહેતાં સ્વચ્છ અને નીર્મળ નીર સમ સ્થાન પ્રતિસ્થાન ધૂમક્કડરૂપે ફરતા રહ્યા અને જાતજાતના લોકોના સંપર્કમાં આવતા રહ્યા. કુદરતી જીવનશૈલી અને શાશ્વત વાણીને લીધે વિવિધ સંપ્રદાયના સંતોએ જીવ, જગત, બ્રહ્મ, માયા, સંસારની ક્ષણભંગુરતા, સત્સંગ મહિમા, ગુરૂમાહાત્મય, મનની ચંચળતા અને પ્રેમ લક્ષણા ભક્તિ જેવા વિષયોની મર્મસ્પર્શી વ્યાખ્યાઓ પ્રસ્તુત કરી છે. જે જનમનના અજ્ઞાનરૂપી અંધકારને ભેદીને શાશ્વત પ્રકાશ ફેલાવે છે.[10]
અખડિયન સામી, જાની ! અખડિયું અડાય મિઠા;
ધિલડો ખિસેડે હાણે તું મોં મલિકાય;
હિન સિકંઘલ ધિલકે હાણે મસિકાય;
તો કે દિસણલા આંઉ ભેગાની અઇંઆ.
મારા નયનોને તારી પ્રેમભરી અમી નજરથી છલકાવી દે. મારૂં દિલ જીતી લીધા પછી તારૂં મોં સંતાડે છે શે ? મારા ઝૂરતા હ્રદયને હવે ટગવ મા. તારા દર્શન માટે હું બહાવરી બની છું.
આવી સ્નેહભક્તિના સાદે કચ્છી લોક સાહિત્ય રસભર્યું બન્યું છે. એવી જ સીધી ગળે ઊતરે તેવી લોકવાણીમાં સંત મેંકણે જીવનનું તત્વજ્ઞાન સમજાવ્યું છે.
પીપરમેં પણ પાણ, નાંય બાવરમેં બ્યો,
નીમમેં ઊનારાણ, તડેં કંઢેમેં કયો ?
પીપળામાં જે આપણા જેવું જ જીવનતત્વ છે તેથી જરાય જુદુ તત્વ બાવળમાં નથી. લીમડામાં પણ એ જ જીવનશક્તિ કામ કરી રહી છે. તો ખીજડામાં કાંઇ તેનાથી ભિન્નતત્વ હોઇ શકે ? મતલબ કે સર્વત્ર એક સજીવ શક્તિ કાર્ય કરી રહી છે.[11]
‘‘આશાપૂરાને શરણે.’’
જિયા તાં ઝેર મ થિયો, સકકર થિયો મુંજા સેણ,
મરી વેંધા મેકણ ચેં, રોંધા ભલેં જા વેણ.
જીવતા રહો પણ ઝેર જેવા થશો નહિ. મારા વહાલા ! તમે સાકર જેવા મીઠા થજો ! જો મેંકણ કહે છે કે માનવ મારણાધીન છે. માત્ર મહાન પરૂષોનાં વચનો જ અમર રહેવાના છે. મેકણદાદાએ માત્ર થોડા જ શબ્દોમાં કેટલી મોટી વાત કરી દીધી છે.[12]
ભક્તિની સહજતા અને જ્ઞાનની ગૂઢતાને સરળ અભિવ્યક્તિ અર્પતી મેકણવાણી લગભગ ૧૧૦ સાખિયોમાં સંસારની અસારતા, ભક્તિ અને સાક્ષરતાની આવશ્યકતા, ઇશ્વરપ્રતિનિષ્ઠા, કર્મકાંડની વ્યર્થતા, ગુરૂની મહત્તા જેવા વિષયોનું પ્રાગટ્ય કરે છે.
‘‘ચંદ્ર નહીં, સૂરજ નહીં, દિવસ નહીં, નહીં રાત,
રૂપરેખભી નહીં, નહીં વરણ કુલજાત
નહીં તીરથ, વ્રત નહીં, વહાં ન વેદ વિચાર
નહીં દેવ, નહીં દેવતા, નહી ષટકર્મ વિચાર ’’
સંત મેકણની લોકસેવા, આદર્શ જીવન અને ઉચ્ચ વિચારવાણીને લીધે લોકોએ તેમને કચ્છના કબીરનું બિરૂદ આપ્યું છે.[13] ત્યારે બીજી બાજુ, કેટલાક દંભી સાધુઓ બ્રહ્મજ્ઞાનની બનાવટી વાતો કરી લોકોને ઠગે છે. તેમનું માનખંડન્ કરવા ખેતસી ખાંટે કચ્છીમાં ‘ખેતા બાવતી’ ગાઇ છે.
‘‘ જ્ઞાનજી સુણાઇ ગાલ, ખસીંએ પરાયો માલ,
પારખો ન રેહો અજ ગુણ અવગુણજો;
ચએ બ્રહ્મજ્ઞાન પણ હુવે પિઢં બ્રહ્મ ઢગ,
ખેતો ખાંટ ચએ તેંકે માર જોડો મુનજો. ’’
જ્ઞાનની બનાવટી વાતો કરી ઢગાઇથી જ પરાયો માલ ખસી લે છે અને આજે જ્યારે ગુણીજન અને દુર્જન બધાને એવાઓ એક લાકડીએ હાંકી પોતાની સરસાઇ દેખાડે છે ત્યારે ખેતો ખાંટ કહે છે કે એવા મહા ઠગોના માથામાં ખાસડું જ ફટકારો.
‘‘ લસો સસો સારી અચે મખી જીય માને મથે- ’’
એવા જરાક કયાં પોલ સારી કે મધપૂડા ઉપર માખી આવે તેમ ધૂસી આવે છે અને ---
ખાઇ ખાઇ સુણા એડા મઉં જે ગડોડે જેડા
પસમ ડિસો ત મખ ત્રિકી વિનેં અંગતાં.
એવા પેટ ભરા સાધુઓ ખાઇ-ખાઇ મઉંના ગધેડા જેવા ધીંગા અને ધોળા થાય છે. અને અંગ ઉપરથી માંખી પણ સરકી જાય એવું તેને સુવાળું બનાવે છે. કુસાધુઓને ખાંટે લોકવાણીમાં ઠીકાઠીક કડવા આબખા ફટકાર્યા છે.[14]
જયારે ભરૂચમાં સંવત ૧૭૮૩ માધસુદી પૂનમના જન્મેલ રવિ સાહેબને પણ પરિવારની ભક્તિમયી પરંપરા પ્રાપ્ત થઇ હતી. તેમની વિશાળ શિષ્ય પરંપરાના મોટા ભાગના શિષ્યોં કચ્છ - કાઠિયાવાડમાં મળે છે. રાપર (કચ્છ)ની ગાદી તેમનું મુખ્ય કેન્દ્ર રહેલ છે. તેમના વ્યાપક કર્મક્ષેત્રમાં કચ્છનું સ્થાન મહત્વનું છે. રવિ સાહેબે વારાહીના સંત ભાણ સાહેબ પાસે દીક્ષા ગ્રહણ કરી હતી. રવિ સાહેબની વાણીમાં મનસંયમ, બ્રહ્મસાધના, ગુરૂમહાત્મ્ય જેવા વિષયો અઢી હજાર સાખીયોમાં વ્યક્ત થયો છે.
‘ બોધ શિરોમણી’, મનસંયમ, સાખી સાહિત્ય, ભજન સુધાસાર સિન્ધુ, - જેવા ગ્રંથોમાં વૈરાગ્ય બોધ, મસ્તી ફક્કડપન, પ્રેમમય ભક્તિ અને આધ્યાત્મિક અનુભૂતિઓનું અનુભવજન્ય ચિત્રણ જોવા મળે છે.[15] રવિ સાહેબની વૈરાગ્ય અને બોધપ્રદ વાણીના પ્રભાવથી દીક્ષા ગ્રહણ કરી તેમની ઉપાસના પધ્ધતિમાં વિનય, દૈન્ય અને પ્રેમલક્ષણ્ય ભક્તિ મુખ્ય છે. સૌરાષ્ટ્ર અને કચ્છના જનજીવન સાથે તેમના સામાજિક કાર્યો સંકળાયેલા છે. જાત-પાતના બંધનો તોડીને દીન-દુખિયાની સેવા, સ્વાશ્રય અને સમજોન્મુખ ભાવ રાખી સૌને આનંદિત અને પરિતૃપ્ત કરવાનો ઉદ્દેશ્ય મોરાર સાહેબનો જીવન મંત્ર હતો. ભક્તિ, જ્ઞાન-વૈરાગ્યના સમન્વયને પ્રગટ કરતી તેમની વાણી એક ભુક્તભોગી આત્માની સહજ અભિવ્યક્તિ સાથે ગુરૂ મહાત્મ્ય પ્રગટ કરે છે :-
‘સત ગુરૂ બિન સાધન નહિ સિધ્ધિ,
સત્ ગુરૂ બિન નહીં નવે નિધ્ધિ.
સત ગુરૂ બિન ભક્તિ નહિં મુક્તિ,
સત્ ગુરૂ બિન વસ્તુ નહિં વ્યક્તિ.[16]
કૃષ્ણભક્ત હોવા છતાં મુળ ચારણ પ્રકૃતિના દેવીદાસની આસ્થામાં જગદમ્બામાં સહજ રીતે પ્રસ્ફુટિત થઇ છે. ગુરૂ મહિમા, રામનામનું મહત્વ, સંસારની અસારતા, માનવદેહની દુર્બલતા, પંચવિકારોની દુરૂ હતા, માયાનો દુર્ભેધ પ્રભાવ અને અંતે પ્રભુ શરણાગતિ જેવા વિષયો તેમની વાણીમાં હોવા છતાં નામ સ્મરણ અને ગુરૂ મહિમા પર વિશેષ ભાર મૂકયો છે. મૂળ વાત તો પોતાને ઓળખવાની છે, અને મનની શાંતિ મુખ્ય લક્ષ્ય છે. બાકી તો ચરણ રૂકે ત્યાં કાશી !
તેઓ કહે છે. :-
‘જબ લગ આત્મ તત્વ ન ચીના, તબ લગ સાધન જૂઠ જહાના
શાંતિ ન આઇ હે મન ભાઇ ! જાનો જૂઠા જોગ કમાના’
આ રીતે ભારતીય ચેતનાની કરોડરજ્જુ સંતોની વાણી છે. આ સંતોની વાીણીએ કચ્છથી કટક અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી ભાવાત્મક એકતા સ્થાપિત કરેલ છે. હિમાચ્છાદિત પહાડીઓમાં આવેલ કેદારનાથ અને બદ્રીનાથની ભક્તિગંગા દક્ષિણમાં રામેશ્વર સુધી પ્રવાહિત થઇ છે. તો કૃષ્ણલીલાની બાંસુરી ગુજરાતના નરસિંહ મહેતા અને રાજસ્થાનની મીરાથી લઇને મગધના વિધાપતિ અને બંગાળના મહાપ્રભુ ચૈતન્ય ના હ્રદય સ્પર્શી પદોના હિંડોળે ઝૂલે છે. આ સમગ્ર ચિત્રમાં કચ્છભૂમિ, પ્રાચીન કાળથી અનેક સંતો, મહાત્માઓ, પીર-ફકીરો અને ભક્ત જનોને પોતાની ગોદમાં ઉછરીને તેમની અમૃતવાણીનું આચમન સૌને કરાવતી રહી છે. કચ્છના સંતોએ હાથ ઉચકતા અને આભ ઉચકાઇ ગયું ![17]
સંદર્ભ ::
- ‘કચ્છના સંતો અને કવિઓ’ ભા.ર.દુલેરાય કારાણી (પ્રવેશક)
- કચ્છ પ્રવાસ (કચ્છના પ્રવાસની સંક્ષિપ્ત માર્ગદર્શિકા - સંપાદક - રમેશ સંધવી (૧૯૯૩) વિભાગ-ર, ભાતીગળ ભોમકા કચ્છ.
- કચ્છનું સંસ્કૃતિ દર્શન. લે.રામસિંહજી રાઠોડ (સપ્ટે-૧૯૯૦)
- ર૭’મી રાજય યુવા પ્રતિભા શોધ સ્પર્ધા, ભૂજ-કચ્છ, માર્ચ-એપ્રિલ/૧૯૯૫, ‘‘સ્મરણિકા’’ ‘કચ્છના સંતો’ - પ્રા.કમલ મહેતા.
- - એજન -
- ‘‘કચ્છના સંતો અને કવિઓ’’ ભા.૧. દુલેરાય કારાણી (પ્રવેશક)
- ર૭’મી રાજય યુવા પ્રતિભા શોધ સ્પર્ધા, ભૂજ-કચ્છ, માર્ચ-એપ્રિલ/૧૯૯૫, ‘‘સ્મરણિકા’’ ‘કચ્છના સંતો’ - પ્રા.કમલ મહેતા.
- સંત મેકણદાદા -‘કચ્છ : લોક અને સંસ્કૃતિ, ર્ડાં. ગોવર્ધન શર્મા ર્ડાં. ભાવના મહેતા (૧૯૮૭)
- કચ્છના સંતો અને કવિઓ, ભા.ર. દુલેરામ કારાણી (પ્રવેશક)
- ર૭’મી રાજય યુવા પ્રતિભા શોધ સ્પર્ધા, ભૂજ-કચ્છ, માર્ચ-એપ્રિલ/૧૯૯૫, ‘‘સ્મરણિકા’’ ‘કચ્છના સંતો’ - પ્રા.કમલ મહેતા.
- કચ્છનું સંસ્કૃતિ દર્શન. લે.રામસિંહજી રાઠોડ (સપ્ટે-૧૯૯૦).
- કચ્છના સંતો અને કવિઓ, ભા.ર. દુલેરામ કારાણી (પ્રવેશક).
- ર૭’મી રાજય યુવા પ્રતિભા શોધ સ્પર્ધા, ભૂજ-કચ્છ, માર્ચ-એપ્રિલ/૧૯૯૫, ‘‘સ્મરણિકા’’ ‘કચ્છના સંતો’ - પ્રા.કમલ મહેતા.
- - એજન -
- - એજન -
- - એજન -
- - એજન -
***************************************************
પ્રો. ર્ડા. મૃગેશભાઇ એમ. નાયક
ઇતિહાસ વિભાગના વડા
આર્ટસ કોલેજ, રાજેન્દ્રનગર
તા.ભિલોડા, જિ. સાબરકાંઠા
&
પ્રા. ર્ડા. જસરાજભાઇ જી.
ઇતિહાસ વિભાગ
આર્ટસ કોલેજ - વડાલી સાબરકાંઠા
|