logo

વિકાસમાં પર્યાવરણીય અને હરિત વિકાસ મોડેલની જરૂરિયાત

માનવીની અનેક પ્રકારની જરૂરિયાતો છે. જેને સંતોષવા માટે રાજ્ય અર્થવ્યવસ્થાનો વિસ્તાર કર્યે જ જાય છે.જેમાં માનવ ઇચ્છિત ઉત્પાદનનો ઝોક વધુ વધતો જાય છે. માનવ ઇચ્છિત ઉત્પાદનનો ઝોક માનવીની બદલાતી જતી જીવનશૈલીના કારણે થાય છે.

પર્યાવરણ અંગેની ગાંધીજીની વાતની વર્તમાન સમયમાં સુસંગતતા સ્પષ્ટ થાય છે. તેઓ કહેતા કે “ તમે જે કુદરત પાસેથી લો છો તે તેને પરત આપવું જોઇએ. કુદરતને વધુમાં વધુ વાપરી નાખવી તે વિકાસ નથી પરંતુ કુદરતને સાચવવી,જાળવણી અને ઉત્પાદન કરવું તે વિકાસ છે.”

વર્તમાન સમયમાં માનવી વધુને વધુ ઉત્પાદન કરી વધુ ને વધુ આવક કમાવવાના પ્રયત્નો કરે છે. જેને પરિણામે પર્યાવરણની અસમતુલા ઉભી થાય છે.જેના કારણે અનેક પ્રકારની કુદરતી આપત્તીઓ સર્જાય છે. જેના પરિણામ સ્વરૂપ ગાંધીજી, કાર્લ માર્ક્સ,એંગલ્સ જેવા વિચારકોએ આ અર્થતંત્રની રચનાને હાનિકારક ગણાવી છે.માનવીની મૂળભૂત જરૂરિયાતોના સંદર્ભમાં કેટલાક વિચારકો કહે છે કે માનવીનો મૂળભૂત વિચાર સ્વકેન્દ્રિત છે. એટલે કે જો તે જરૂર પૂરતુ જ મેળવે તો અદ્યતન યંત્રો અને ટેકનોલોજીની કોઇ વિશેષ અભિલાષા જણાતી નથી જેને પરિણામે કુદરતી સ્ત્રોતો અને વ્યક્તિ જરૂર પુરતા કાર્યો માટે લઘુઉદ્યોગો વિકસાવે છે. જેથી બધાને રોજગારી પણ પ્રાપ્ત થાય છે.

પરંતુ આ પ્રકારના વિચારો વર્તમાન સમયના માનવજીવનમાં ચાલી શકે તેમ નથી વર્તમાન સમયમાં માનવ જરૂરિયાતો અનેક પ્રકારની અને અનેક સ્વરૂપની જોવા મળે છે. તેમજ તેમા અનેક પ્રકારનો વધારો થયો હોવાથી અનેક પર્યાવરણીય સમસ્યાઓ પણ ઉભી થઇ છે.

પર્યાવરણ અને અર્થતંત્ર વચ્ચેનો સબંધ:

ઉત્પાદન અને ઉપભોગ જેવી આર્થિક પ્રવૃતિઓમાં પર્યાવરણ સંસાધન અને ઉર્જા પુરી પાડે છે. આર્થિક પ્રવૃતિ દરમ્યાન કેટલોક કચરો પર્યાવરણમાં શોષાઇ જાય છે. જેને પર્યાવરણની ખાળકૂડીની ભૂમિકા કહે છે.અને ત્યાર બાદ જે કચરો વધે તેને પ્રદૂષણ કહે છે. પર્યાવરણની ત્રીજી ભૂમિકા આર્થિક પ્રવૃતિઓમાં પરોક્ષ રીતે સંકળાયેલી છે.જેનુ આર્થિક મૂલ્ય આંકવુ મૂશ્કેલ છે.

પર્યાવરણમાં સૌથી મોટી સમસ્યા વિકાસની સાથે હવા, પાણી, તથા જમીનમાં પ્રદૂષણનું પ્રમાણ વધતુ ગયું છે.રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓને કારણે જમીન ઉપરાંત હવા પાણી પણ પ્રદૂષિત થયા છે.આ પ્રદૂષણનો ખર્ચ તરીકે નહી પરંતુ સમગ્ર સમાજે ભોગવવાનો રહે છે. પરંપરાગત અર્થશાસ્ત્રમાં આવા ખર્ચને ધ્યાનમાં લેવાયો નથી. આ ખર્ચને ‘બાહ્યઅસર’ તરીકે ઓળખવામાં આવે છે.આમ વિકાસના કારણે પર્યાવરણની ખાળકૂંડી તરીકેની ક્ષમતા મર્યાદિત બની છે.

આર્થિકવિકાસ અને પર્યાવર્ણીય ગુણવત્તા:::

વિકાસના પ્રારંભિક તબક્કામાં વિવિધ હેતુઓ માટે પર્યાવરણની માંગ થતી રહે છે.પરિણામે પર્યાવરણની ગુણવત્તા ઘટે છે.પરંતુ વિકાસની સાથે પ્રજાનું જીવન ધોરણ ઊંચે જતા શુધ્ધ પર્યાવરણ માટેની માંગમાં વધારો થાય છે.આ માંગને સંતોષવા માટે ‘પર્યાવરણીય મિત્ર’ ટેકનોલોજી અને તે દ્વારા ઉત્પન્ન થતી વસ્તુઓની વપરાશનાં કારણે પર્યાવરણીય ગુણવત્તા સુધરે છે.આમ વિકાસનાં પ્રારંભિક તબક્કામાં પ્રદૂષણમાં વધારો અને ત્યારબાદ તેમાં ઘટાડો થાય છે. વિકાસના પ્રારંભિક તબક્કામાં પ્રદૂષણનું પ્રમાણ વધતુ જાય છે. પ્રદૂષણના મહત્તમ પ્રમાણ બાદ તેમાં ઘટાડો થાય છે.તેવો વિકાસ સામાન્ય રીતે વિકસતા દેશોને સ્પર્શે છે.

વિકાસમાં પર્યાવરણીય સમસ્યાઓ અને હરિત વિકાસ મોડેલની જરૂરિયાત:

છેલ્લા ૬૦ વર્ષમાં દુનિયાની વસ્તી ત્રણ ગણી વધી છે સાથે શહેરીકરણ પણ. અમેરીકાના એક ડ્રીમ શહેર લોસ એન્જલસ જ્યાં વસ્તી જેટલી મોટરકારો છે.આજે વિકાસનો માપદંડ એટલે ભૌતિક સુવિધા ! કલ્પના કરો કે આખું વિશ્વ આ એન્જલસ ડ્રીમને અપનાવશે તો તો કારો અને ઉર્જા માટે કેટલા સંસાધનો ખતમ થશે?

વિશ્વમાં ધનિકો માટેનું અંતિમ સ્વર્ગ દૂબઇ કે જ્યાં પાણી નથી પણ ખનિજ તેલના વિપુલ ભંડારો આવેલા છે.ઉત્પાદન કરનારા દેશોમાં પણ જેવી ગુણવત્તા વાળી વસ્તુ ન મળે તેવી વસ્તુઓ દૂબઇવાસીઓ પૈસાના જોરે ખરીદે છે અને નાના નાના ટાપુઓ પર સિમેન્ટ કોંક્રિટની ભવ્ય ઇમારતો ખડી કરે છે.જેને આપણે વિકાસ કહીએ છીએ.

અમેરીકાના ખેડૂતો રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના જોરે એટલું બધું અનાજ પકવે છે કે તેમાનું મોટાભાગનું અનાજ માણસો માટે નહિ પશુઓ માટે વપરાય છે.ટૂંકમાં હવા પાણી અને જમીનના પ્રદૂષણના પરિણામો બદલાઇ ગયા છે.નીચે જંતુનાશકો અને ઉપર પ્લાસ્ટીક.

આજે વધુ ઉત્પાદન આપતી કૃષીના બિયારણની જાતોએ જૈવવિવિધતાને ખતમ કરી દીધી છે.એક જમાનાની જોર્ડન નદી આજે ઝરણું બની ગઇ છે.છેલ્લા ૪૦ વર્ષમાં વિશ્વનાં સૌથી વિશાળ વર્ષાવનો Amazon Forests ૪૦ ટકા જેટલા કપાઇ ગયા છે. નાઇજીરીયા જેવા ખનીજતેલનો સૌથી વધું નિકાસ કરનારા દેશમાં ૭૦ ટકા નાગરિકો ગરીબી રેખા નીચે જીવે છે.

આજે કુદરતી સંસાધનોનો ઉપયોગ અને વિકાસ માટેના પ્રશ્નને શોધવામાં “Ecological Footprint”ની ગણતરી થાય છે. આપણે આખા વર્ષ દરમ્યાન આપણી બધી જ જરૂરિયાતો સંતોષવા માટે કુદરતમાંથી જે બધુ વાપરીયે છીએ તેનુ માપ આજની ગણતરી પ્રમાણે માનવજાત દર વર્ષે ૧.૫ પૃથ્વી માંથી જેટલા સંસાધનો મળે તેટલું વાપરે છે. તે પ્રમાણે ભારતની Ecological Footprint ૧ થી ઓછી છે.જ્યારે ઉ.અમેરીકાની ૮ અને ઇંગ્લેન્ડ ની ૫ છે.

જળવાયુ પરિવર્તનને કારણે ગ્રીનલેન્ડનો બરફ ઓગળતા સમુદ્રનું સ્તર ૭ મીટર સુધી વધવાની શક્યતા છે. આ બધી સમસ્યાઓને તેમજ ભાવી પેઢીની જરૂરિયાતોને ધ્યાનમાં લઇને આપણે સમ્પોષિત વિકાસના ખ્યાલને અપનાવવો જ રહ્યો.G.D.P અને G.N.Pના ખ્યાલોની સાથે પર્યાવરણીય હરિત વિકાસ મોડેલને પણ સ્થાન આપવુ પડશે.

પરંપરાગત અર્થશાસ્ત્રના ખ્યાલ મુજબ G.D.P અને G.N.P માં વધારો એ જ દેશ અને વિશ્વ વિકાસનું માળખું છે.વિકાસની સાથે પર્યાવરણીય સમસ્યાઓ અને કુદરતી સંસાધનોના બગાડને પણ ધ્યાન પર લેવો પડશે અત્યારનું G.D.P માળખું રૂપિયામાં નફાની ગણતરીને ધ્યાનમાં લે છે.પરંતું આ પ્રક્રિયા દરમ્યાન Ecology Coast ને અવગણે છે.આપણે કોઇ વૃક્ષ વાવીએ છીએ, તેને ઉછેરીએ છીએ તેની અર્થશાસ્ત્ર ખાસ નોંધ લેતુ નથી. પરંતુ તેને કાપીને વેચવા જઇએ અને આવક થાય ત્યારે તેની ગણતરી G.D.P માં થાય છે. સજીવ ખેતી કરનારો ખેડૂત રાસાયણિક ખાતરની ખરીદી ન કરે, મોન્સેન્ટોનું બિયારણ ન ખરીદે તો તે અર્થશાસ્ત્રના માપદંડોની બહાર રહે છે.

ઉદ્યોગો દ્વારા થતા ઉત્પાદનના વેચાણના આંકડાની ગણતરીને ધ્યાનમાં લેતા તે G.D.P માં વધારો કરે છે. પરંતુ આ ઉત્પાદન દરમ્યાન પેદા થતા પ્રદૂષણથી આરોગ્યના નુકશાનની ગણતરી ધ્યાનમાં લેવાતી નથી.પ્રદૂષણનો ભોગ બનનાર વ્યક્તિ દવાખાને જાય અને બજારમાંથી દવાની ખરીદી કરે તો તે G.D.P ના વધારામાં જ નોંધાય.આમ ઉદ્યોગો સારૂ કરે કે ખરાબ પણ G.D.P માં તો વધારો થયા કરે.

કેટલાક અર્થશાસ્ત્રીઓ પર્યાવરણને થતા નુકશાન ને ચાલુ અર્થતંત્રનાં માળખામાં આવરી લઇને વિકાસનો આંક ગણવા માટેનો પ્રયાસ કરે છે.પરંતુ તેનો માર્ગ સરળ દેખાતો નથી દેશના વિકાસને માપવા માટે G.D.P ના સ્થાને H.D.I ની ગણતરી થવા માંડી છે. વર્ષ ૧૯૯૫ માં અમેરીકાની ‘રીડીફાઇનીંગ પ્રોગ્રેસ’ સંસ્થાએ આર્થિક વિકાસને માપવા માટે G.D.P ‘ જેન્યુઇન પ્રોગ્રેસ ઇન્ડેક્સ’ ની રચના કરી છે. કેટલાક દેશો ‘હ્યુમન હેપીનેસ ઇન્ડેક્સ’ ની ગણતરી કરવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે.

આપણે આપણા કુદરતી સ્ત્રોતોની સાચી કિંમતને પણ ઓળખવી પડશે પરંપરાગત અર્થશાસ્ત્રીઓ ગરીબી દુર કરવા માટે G.D.P વધારવાનું કહે છે. આપણે કુદરતી સ્ત્રોતોની કેપેસીટી વધારવા પર ભાર આપીએ છીએ અને G.D.P માં કોઇપણ પ્રક્રિયાની થતી સામાજીક અને પર્યાવરણીય નુકશાનની ગણતરી આવરી લેવામાં આવે તેમ ઇચ્છિએ છીએ.

*************************************************** 

પ્રા.રીપલ જે પટેલ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,જાદર

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us