logo

સમાજ વૈજ્ઞાનિક સંશોધનો અને સામાજિક વિકાસ- સમગ્રલક્ષી દૃષ્ટિકોણ

સામાજિક સંશોધનોનો સામાજિક વિકાસ સાથે ગાઢ સબંધ છે. કોઇપણ પ્રકારના વિકાસ માટે સંશોધનની અનિવાર્યતાને સ્વીકારવી પડે, કારણ કે વિકાસ કરવા માટે આયોજન જરૂરી છે જે સંશોધનો દ્વારા પ્રાપ્ત થાય છે. જ્યારે આપણે સંશોધન અને વિકાસની વાત કરતા હોઇએ ત્યારે વિજ્ઞાનની વાત કરવી ઘટે. કેમ કે વિજ્ઞાન એટલે “વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન” કે “નવું જ્ઞાન મેળવવાની પદ્ધતિ” અને સંશોધન એ વિજ્ઞાન તરફ અભિમુખ થયેલુ ગણાય કારણ કે સંશોધનમાં પણ નવું જ્ઞાન કે માહિતી મેળવવામાં આવે છે. જુની હકીકતો ને તપાસવામાં આવે છે. સંશોધન એ વૈજ્ઞાનિક જ્ઞાનમાં વૃદ્ધિ કરતી એક પ્રક્રિયા છે. પ્રવર્તમાન સમયમાં કેટલાક વિજ્ઞાનો જેવા કે ભૌતિક વિજ્ઞાન, મનોવિજ્ઞાન, શરીરવિજ્ઞાન અને સમાજવિજ્ઞાન વગેરેનો વ્યાપ વધ્યો છે. અને આ વિજ્ઞાનોમાં થયેલ સંશોધનોને કારણે આપણે વિકાસ કરી શક્યા. જેમ કે અવકાશી સંશોધનો ને લીધે માનવી ચંદ્ર ઉપર પગ મુકી શક્યો છે તો બીજી તરફ કૃષિ ક્ષેત્રમાં થયેલ ક્રાંતિ પાછળ સંશોધનોએજ મહત્વનો ભાગ ભજવ્યો છે. પ્રસ્તુત લેખમાં સામાજીક વિજ્ઞાનો, તેમાં થતા સંશોધંનો, અને તે સશોધનોએ સામાજીક વિકાસમાં ભજવેલ ભૂમિકા વગેરે બાબતોને આવરી લીધી છે. આગળ ઉપર આપણે વિજ્ઞાનની કેટલીક ધારણાઓ જોઇ. પરંતુ તેની સાથે સામાજીક સંશોધન એટલે શું? તે સમજવુ ઘટે.

સામાજીક સંશોધન:

અહી સામાજીક સંશોધન એટલે શું? એ પહેલા સમજીએ તો જુદા જુદા સમાજ વૈજ્ઞાનિકોએ તેની વ્યાખ્યા જુદી જુદી આપી છે. શ્રીમતિ પોલિન વી યંગ જણાવે છે કે “સામાજીક સંશોધન એ વૈજ્ઞાનિક સાહાસ છે જે મુજબ નવી હકીકતો મેળવવાનું જૂની હકીકતો ચકાસવાનું તેમજ હકીકતો વચ્ચેના કાર્યકારણના સંબંધો તપાસવાનું કાર્ય સંશોધનમાં કરવામાં આવે છે. તેમજ માનવ વર્તનનો વિશ્વસનીય અને યથાર્થ અભ્યાસ કરવાનું સુગમ બનાવતા નવા વૈજ્ઞાનિક ઉપકરણૉ ખ્યાલો અને સિદ્ધાંતો વિકસાવવાના ધ્યેયો ધરાવે છે”
કેલિંજર સામાજીક સંશોધનની વ્યાખ્યા આપતા જણાવે છે કે “Systematic, controlled, empirical and critical investigation of hypothetical propositions about the presumed relation among natural phenomenon”
રેડમેન અને થોરીના મત મુજબ “નવુ જ્ઞાન મેળવવાનો પદ્ધતિસરનો પ્રયાસ એટલે સંશોધન.”
The Encyclopedia of Social sciences, defined research as “The manipulation of generalizing, extending, correcting or verifying knowledge……”
જહોડાના મત મુજબ સંશોધનોનો હેતુ વૈજ્ઞાનિક પદ્ધતિના ઉપયોગ દ્વારા પ્રશ્નોના ઉત્તરો શોધવાનો છે. જે પ્રશ્નો સાદાથી માંડીને જટીલ સ્વરૂપના હોઇ શકે.

આમ, જુદા-જુદા સમાજ વૈજ્ઞાનિકોએ સામાજીક સંશોધનની જુદી જુદી વ્યાખ્યા આપી છે. સામાજીક વિજ્ઞાનોમાં મુખ્ય બે સંશોધન પદ્ધતિ દ્વારા સંશોધન કરવામાં આવે છે ૧) સંખ્યાત્મક પદ્ધતિ, ૨) ગુણાત્મક પદ્ધતિ. સમાજશાસ્ત્રમાં મુખ્યત્વે સંખ્યાત્મક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં સંશોધન આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવે છે. ગુણાત્મક સંશોધનમાં વ્યક્તિ, સમુહ કે સમુદાય લોકોના ગમા-અણગમા, માન્યતાઓ, વ્યક્તિગત ઇતિહાસ વગેરે બાબતો ઉપર ભાર મુકવામાં આવે છે. જેમ જેમ સંશોધનો થતા ગયા બીજા શબ્દોમાં કહીએ તો ઉપલબ્ધ થતા જ્ઞાનને ચકાસતા ગયા અને નવા જ્ઞાન તરફ આગેકૂચ કરતા ગયા તેમ તેમ વિજ્ઞાનોનો વિકાસ થતો ગયો કેમ કે, જ્ઞાનનો સંચય થતા વિજ્ઞાન સંચયાત્મક બન્યું. તેનાથી ઊલ્ટુ એમ પણ કહી શકાય કે વિજ્ઞાનનો વિકાસ થતો ગયો તેમ તેમ સંશોધનક્ષેત્ર પણ વિકસતું ગયું. કેમ કે, જેમ જેમ લોકોમાં વૈજ્ઞાનિક જ્ઞાનની સમજ વિકસી તેમ તેનુ મહત્વ પણ વધ્યું અને સંશોધનની જરૂરીયાત સ્વીકારાઇ. આમ, સંશોધન અને વિજ્ઞાન એક બિજાને પરસ્પરાશ્રિત છે જેમ કે, સમાજમાં વિજ્ઞાનનો વિકાસ થયો છે કે પછી વિજ્ઞાનના વિકાસથી સમાજનો વિકાસ થયો એ બન્ને બાબત તાર્કિક રીતે યોગ્ય ઠેરવી શકાય. જુદા-જુદા વિજ્ઞાનોનો વિકાસ ક્રમશ: કેવી રીતે થયો તેનો આપણે ઐતિહાસીક પરિપ્રેક્ષ્ય જોઇશું.

ઐતિહાસીક પરિપ્રેક્ષ્ય:

પહેલાના સમયમાં જ્યારે વિશ્વના જુદા જુદા દેશો એકબિજાથી ઘણા દૂર હતા તેમની વચ્ચે કોઇ સંપર્કો ન હતા ત્યારે વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો. આવા સમયે ૧૫મી સદીમાં વાસ્કો-દ-ગામાએ યુરોપ અને એશિયા વચ્ચેનો દરીયાઇ માર્ગ શોધ્યો. પોર્ટુગલનો આ વેપારી વેપાર કરવા માટે નવા દરીયાઇ માર્ગે આફ્રિકા આવ્યો અને આફ્રિકાથી એ ભારતમાં કાલીકટ બંદરે આવ્યો અને તેની આ સફરે દુનિયા બદલી નાખી તે જ્યારે કાલીકટ બંદરે આવ્યો ત્યારે તે ભારતની સમૃદ્ધિ જોઇને ખૂબજ અંજાઇ ગયો. આથી તેઓ વેપારના નામે ભારતને લૂંટવા આવ્યા, આમ, પોર્ટુગીઝ લોકો ભારતમાં આવ્ય. બીજી ઘટના એવી બની કે કોલંબસે અમેરિકાની શોધ કરી અમેરીકાની જમીનમાં ખૂબ સોનુ અને લોખંડ હતુ આથી યુરોપમાંથી હજારો લોકો સોનાની શોધમાં અમેરીકા આવ્યા. આમ, આ બે નવા દરિયાઇ માર્ગો શોધવાને લીધે અનેક દેશો વચ્ચે સંપર્કો વધ્યા. અને ત્રીજી ઘટના બની ફ્રાંસની રાજ્યક્રાંતિના કારણે અને તેના કારણે વિજ્ઞાનને વિકસવાની તક મળી. આપણે જાણીએ છીએ કે, ફ્રાંસમાં રાજ્યક્રાંતિ થવાના કારણે રાજાશાહીનો અંત આવ્યો, ધાર્મિક સત્તાઓ ઉપર નિયંત્રણ આવ્યું અને લોકશાહીની સ્થાપના થઇ. આમ, સમાજ ઉપર ધર્મની પકડ ઢીલી થવાથી વિજ્ઞાનને વિકસવાની તક મળી. યુરોપ અને એશિયાના દેશો નજીક આવતા વેપારી સંબંધો વિકસ્યા. યુરોપમાં ઉત્પાદિત માલ એશિયામાં આવવા લાગ્યો, બજાર મોટું થયુ અને વધારે અને ઝડપી ઉત્પાદન કરવાની ફરજ પડી અને નવા ઉધોગો વિકસાવવાની પણ જરૂરીયાત ઊભી થઇ જેના લીધે તકનીકી વિજ્ઞાનોનો વિકાસ થયો. જુદા-જુદા દેશોમાં વૈજ્ઞાનિક જ્ઞાન અને શોધખોળોની આપ-લે થવાથી સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિક જ્ઞાનનો ઉદભવ થયો. આમ, ઔધોગિક ક્રાંતિ, વૈશ્વિકિકરણ, ઉદારીકરણ, આધુનિકતાનો ઉદય વગેરે જેવા કારણૉસર વિશ્વમાં ક્રમશ: વિજ્ઞાનો અને વૈજ્ઞાનિક જ્ઞાનનો વિકાસ થયો. કુદરતી વિજ્ઞાનોના વિકાસની સાથે સાથે સામાજિક વિજ્ઞાનોનો પણ વિકાસ થતો ગયો.

પ્રાકૃતિક વિજ્ઞાનોના વિકાસ થવાની સાથે સાથે સામાજિક વિજ્ઞાનોનો પણ વિકાસ થયો તેનુ મુખ્ય કારણ એ હતુ કે સમયાંતરે સમાજ જટીલ બનતો ગયો અને સમાજરચના અને વિકાસની પ્રક્રિયા ઝડપી બની તેની સાથે જ અનેક સામાજિક પ્રશ્નો ઉદભવવા લાગ્યા, જુદા-જુદા સમૂહ, સમુદાય, કે સમાજના સભ્યોના સંબંધો, સામાજિક ક્રિયાઓ, સામાજિક તથ્યો, સમસ્યાઓ, તેમજ સમાજમાં બનતી ઘટનાઓની સમાજના લોકો ઉપર શું અસર થઇ? તેમજ તે ઘટના કે પરિસ્થિતિ પ્રત્યે તેમના પ્રતિભાવો કે પ્રતિક્રિયા શુ છે? તેમજ જુદી જુદી ઘટનાઓ સમાજ માટે કેટલી કાર્યાત્મક અને વિકાર્યાત્મક છે, વગેરે બાબતો અભ્યાસો દ્વારા જાણવી જરૂરી બની.

આમ, કોઇપણ સમાજને સમજવો હોય તો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા એ સમાજ અંગેના સમગ્રલક્ષી અભ્યાસો થવા અનિવાર્ય છે. સામાજીક વિજ્ઞાન તરીકે માનવશાસ્ત્રના ઉદભવ અને વિકાસ દ્વારા આ બાબતને સમજીએ તો ... માનવશાસ્ત્રએ સમાજના ઉદભવથી અત્યાર સુંધી માનવીનો વિકાસ કેવી રીતે થયો તેનો અભ્યાસ કરે છે. સમાજ એ માનવીના સમુહ અને સમુદાયનું બનેલો છે તેથી માનવશાસ્ત્રને ગુણાત્મક માહિતી એકત્રીત કરવામાં વધારે રસ પડે છે. મૂળભૂત રીતે દુનિયામાં બ્રિટીશરોએ જે સત્તા સ્થાપી અને રાજ કર્યુ તેના પરીણામે આ વિષયનો ઉદભવ થયો. બ્રિટીશરો માટે એક જરૂરીયાત ઊભી થઇ કે અન્ય દેશોમાં જઇએ તો ત્યાંના લોકોને બરાબર સમજવા પડે જેથી સામ્રાજ્ય ફેલાવી શકાય. તેઓ જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમણે ભારતના લોકોની ભાષા, સંસ્કૃતિ, ધર્મ, સમસ્યાઓ, વગેરે સમજવા માટે માહિતી મેળવવા લાગ્યા અને અભ્યાસો અને સંશોધનો કરવા લાગ્યા. આ દ્વારા માનવશાસ્ત્રો અને સમાજ નૃવંશશાસ્ત્રોનો ઉદભવ થયો. ભારતીય સમાજ અંગે સર્વગ્રાહી જાણકારી મેળવવા માટે જુદી-જુદી પદ્ધતિઓનો ઉપયોગ થયો અને આમ, સંશોધન માટેની વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ વિકાસ થયો.

સંશોધનોનો સામાજિક વિકાસમાં ફાળો:

શરૂઆતથી જ સંશોધનોનો સામાજિક વિકાસામાં બહૂમૂલ્ય ફાળો રહ્યો છે. કોઇપણ સમાજનો વિકાસ અને એ સમાજનો અભ્યાસ કરતા વિજ્ઞાનોનો વિકાસ એ તેમાં થતા સંશોધનોને આભારી છે. અહીં, આપણે એ સમજવા પ્રયાસ કરીશું કે સામાજિક સંશોધનો કેવી રીતે સામાજિક વિકાસમાં અગત્યની ભૂમિકા ભજવે છે?

અગાઉ ઉપર જોયું તેમ સામાજિક વિજ્ઞાનોમાં સમગ્ર સામાજિક જીવન અને સામાજિક ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. અને તેના લીધે આપણે સમાજને તર્કબદ્ધ રીતે અને વૈજ્ઞાનિક રીતે સમજી શકીએ છીએ. જ્યારે સામાજિક વિજ્ઞાનનો વિકાસ થયો ન હતો ત્યારે સમાજને યથાસ્થિતી સ્વીકારવામાં આવતો તેથી સમાજમાં રૂઢીચુસ્તતા, અસ્પૃશ્યતા, જાતિ-જ્ઞાતિ ભેદભાવ, વગેરે જેવા સામાજિક રોગો ભારતીય સમાજમાં પ્રવર્તમાન રહ્યા અને સદીઓ સુંધી તેમાં બદલાવ ન આવ્યો . પરંતુ સમાજને વૈજ્ઞાનિક રીતે સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને એની સાથે સામાજિક વિકાસ થઇ શક્યો. ભારતીય સમાજમાં ધાર્મિક વિચારસરણીનું ખૂબ પ્રાધાન્ય હતુ પરંતુ સામાજિક સંશોધન શરૂ થતા ધર્મનો પ્રભાવ અને દખલગીરી ઘટતી ગઇ જેમ કે, સ્ત્રી પુત્રને જન્મ ના આપી શકે તો સ્ત્રી પ્રત્યે લોકો નકારાત્મક વલણ ધરાવતા અને તેમાં સ્ત્રીનો વાંક છે તેવું મનાતું પરંતુ તબીબી વિજ્ઞાનના (Medical Science) સંશોધન દ્વારા જણાયું કે પુત્ર જન્મ ન થાય ત્યાં તેમાં સ્ત્રીનો વાંક નથી પરંતુ પુરુષનુ * રંગસૂત્ર સ્ત્રીના જ્ન્મ ને આભારી છે. અને આ વાત સમાજ સ્વીકૃત બની. સંશોધન દ્વારા સામાજિક બાબતોની માહિતી એકત્રીત થવા લાગી અને સ્પષ્ટ ચિત્ર રજૂ થયું.જેમ કે, વસ્તી-ગણતરી દ્વારા લોકોની ઉંમર, શિક્ષણ, સ્ત્રી-પુરુષ પ્રમાણ, મૃત્યુદર, જન્મદર, વગેરે જેવી માહિતી મળવા લાગી જેથી સામાજિક વિકાસ શક્ય બન્યો. જેમ કે દર ૧૦ વર્ષે થતી વસ્તીગણતરી દ્વારા એ બાબાત સ્પષ્ટ થઇ કે સમાજમાં સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતા ઓછું છે. એટલે તેના કારણૉ જાણવા સમાજવૈજ્ઞાનોકો દ્વારા અભ્યાસો થવા લાગ્યા અને સ્ત્રી-પુરુષનું સંખ્યાત્મક પ્રમાણ સમાન કરવાના પ્રયત્નો થયા. વળી, વર્તમાન સમાજ પહેલા કરતા વધુ જટીલ બન્યો છે. આના લીધે ઘણીબધી સામાજિક સમસ્યાઓ ઉદભવી છે. જેમ કે, બાળમજૂરી, બાળગુનેગારી, આત્મહત્યા, છૂટાછેડા, વૃદ્ધોની સમસ્યા, આ બધી સામાજિક સમસ્યાઓ સમાજ ઉપર વિપરીત અસર કરે છે. તેથી આ સમસ્યાઓનો ઉકેલ લાવવા તેને સૌપ્રથમ તો વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા સમજવી પડે અને વ્યાપક સામાજિક સંશોધનો કરવા પડે અને આમ તેનો વૈજ્ઞાનિક ઉકેલ લાવી શકાય. વળી, સમાજશાસ્ત્ર, માનવશાસ્ત્ર અને મનોવિજ્ઞાનનું અભ્યાસવસ્તુ એ મનુષ્ય છે. જે મનુષ્યના ખ્યાંલો અને તેમના વલણૉનો અભ્યાસ કરે છે. પહેલાના સમયમાં સમાજમાં એવું માનવામાં આવતુ કે ગુનેગાર જન્મે છે પરંતુ હવે એ ખ્યાલમાં પરિવર્તન આવ્યું છે. હવે એવું માનવામાં આવે છે કે ગુનેગાર જન્મતો નથી પરંતુ સામાજીક વાતાવરણને લઇને બને છે. આમ, સમયાંતરે ખોટા ખ્યાલો, માન્યતાઓ અને વલણોમાં પરિવર્તન આવ્યું છે. પહેલા ભારતીય સમાજમાં જ્ઞાતિ-આધારિત કેટલીક માન્યતાઓ હતી જે ઘટવા લાગી છે. અને જ્ઞાતિ આધારીત સમાન તકની વાતનો ખ્યાલ સામાજિક વિજ્ઞાનોમાંથી ઉતરી આવ્યો.હાલમાં જેટલા સામાજિક સુધારણાના કાયદાઓ થયા છે તે સામાજિક સંશોધનનું પરિણામ છે.

આમ, પ્રવર્તમાન સમયમાં સામાજિક સંશોધન એ કાર્યાત્મક બની રહ્યું છે કે જેની સાર્વત્રિક જરૂરીયાત સ્વીકારાઇ છે. સરકારી અને બિન-સરકારી સંસ્થાઓ સામાજિક સંશોધનો દ્વારા ઘટના કે પરિસ્થિતીનો તાગ મેળવીને તે અંગે સુધારાત્મક પગલા લે છે.અને સામાજિક વિકાસ શક્ય બનાવે છે. આમ, સામાજિક વિજ્ઞાનોમાં સંશોધનોનો વ્યાપ વધતો જાય છે અને વર્તમાન સમયમાં વિકાસની સાતત્યતા તેનું પરિણામ છે.

સંદર્ભગ્રંથો :::

  1. શાહ એ.જી, દવે જે. કે, ૨૦૦૬, સમાજશાસ્ત્રીય સંશોધન પદ્ધતિ અને આંકડાશાસ્ત્રીય વિષ્લેષણ, અનડા પ્રકાશન, અમદાવાદ.
  2. ડો. શાહ વી.પી, ૧૯૯૪, સંશોધન ડિઝાઇન, ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ,
  3. ડો. શાહ વી.પી, ૧૯૯૪, સંશોધન અહેવાલ લેખન, ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ.
  4. Dr. J A. Khan,2007, Research Methodology, APH Publishing Corporation, New Delhi.
  5. Mrs. Margaret Iverson, 1970, The research paper simplified, Prentice – Hall
  6. ડો. જાની ગૌરાંગ: “સંશોધન અને વિકાસ વચ્ચે સંબંધ” તેમજ “વિજ્ઞાન અને સમાજ”(ફેબ્રુઆરી-૨૦૧૦, સમાજવિધા ભવનમાં આપેલ વ્યાખ્યાનને આધારે)

*************************************************** 

Rushiraj Upadhyay
Ph.D Research Scholar,
Sociology Department
Gujarat University, Ahmedabad.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us