logo

ગુજરાતમાં કાપડ રંગાટ અને છાપકામનો ઈતિહાસ

પ્રાચીન ભારતનો ઈતિહાસ દર્શાવે છે કે ભારતીય કાપડ લગભગ ૨000 વર્ષ સુધી સમગ્ર સભ્ય જગતભરમાં નિર્વિવાદ ચડિયાતાપણું ભોગવતું હતું. ઋગ્વેદ વરૂણનું વર્ણન કરતાં ‘हिरण्यप्रापि’ કે ચમકતા સોનેરી વણેલા ડગલાની વાત કરે છે અને પોતાના ભક્તોના રક્ષક તરીકેના અગ્નિને લગતા એના ઉલ્લેખમાં ‘वर्मेव स्युतम्’ (સીવેલી બંડી જેવો) શબ્દ પ્રયોજે છે. મહાભારત ‘मणिमीर’ , પ્રાય: મોતી વણેલી કિનારોવાળું ચીર જણાવે છે. પાલિગ્રંથો એકસો હજાર ચાંદીના સિક્કાઓની કિંમતના વારાણસીના ‘कसेटयक’ નો નિર્દેશ કરે છે.

મોહેં-જો-ડેરોમાં સંખ્યાબંધ મળેલાં તકલીનાં ચકરડાં અને કાંસાની સોયો પ્રાચીન ભારતમાં વણાટની અને ભરતકામની કલાની વિશાળ લોકપ્રિયતાની સાખ પૂરે છે. સુતરાઉ કાપડના ટૂકડા પરના મજિઠિયા(જાંબુડા) રંગના નિશાન દર્શાવે છે કે; વનસ્પતિના અને પથ્થરના રંગો પ્રાચીન સમયથી બહોળા પ્રમાણમાં વપરાતા. મુખ્ય વનસ્પતિ રંગો હતા-ગળી, લાખ, હળદર અને કસુંબી. ‘शिल्परत्न’ વિવિધ ઘટકો વડે જેવાકે શારદ હરીત, હાથીનો રંગ અને બકુલ ફળ, અગ્નિ અને જળના રંગો તૈયાર કરવાનીરીતો નિરૂપે છે. પહેલાં મૂળ રંગ જ વપરાતા. આદિવાસી તથા પરંપરાગત રીતે બનાવાતા કપડામાં હજી આ રંગોનો ઉપયોગ જોવા મળે છે. રંગોના ઉપયોગ પર વધુ કાબૂ ખનિજોમાંથી રંગોના થતા વિકાસ અને પાકા રંગની શોધ સાથે આવ્યો. કાપડની બાંધણી પણ પ્રાચીન સમયમાં પ્રચલિત હતી. ‘मानसोल्लास’ માં એનો નિર્દેશ કરાયો છે.

કાપડની બીબાં છપાઈ પણ ભારતમાંની પ્રાચીન કલા છે. ગ્રીક વિદ્વાન એરિયન જે સમય વિશે લખે છે તે સમયમાં ચોક્કસ અને પ્રાય: મહાભારતના સમયમાં પણ જાણીતી હતી. સૌથી પ્રસિધ્ધ છાપેલું કાપડ હતું મસ્સલિયા , અર્વાચીન મુસલીપટ્ટમ કાપડ. રૂપાંકનો તથા રંગની રમણીયતા અને રંગોની ગહેરાશે ભારતના પ્રાચીન છાપેલા કાપડને સમસ્ત સમકાલીન જગતમાં લોકપ્રિય બનાવ્યું, એ પછીના સમયના યુરોપમાં પરિચિત એવાં ઘણાંખરાં છાપેલાં કાપડ અને છીંટના આદ્ય-પ્રકારો તરીકે કામ આવતું.

મધ્યકાળમાં કાપડ રંગકામનો ઉદ્યોગ ઉન્નત હતો. ટેરીના વૃત્તાંત અનુસાર બરછટ સુતરાઉ કાપડને પાકાં રંગોથી રંગવામાં અથવા છાપવામાં આવતું હતું. પંદરમી સદીના એક ચીની વૃત્તાંતમાં તેમજ બર્નિયર અને ટેવર્નિયરના વૃત્તાંતોમાં કાલિકટથી છાપેલા સુતરાઉ કાપડની આયાત થતી હોવાના સંદર્ભો મળે છે. રંગકામમાં પાકા રંગોનો પ્રયોગ અને હાથછપાઈની સુંદર છીંટો, પડદા તેમજ મુઘલ દરબારોમાંના છાપેલા વસ્ત્રોનો નિર્દેશ પણ મળે છે.

ભારતીય રંગરેજે અટપટી પ્રક્રિયાઓ ઉપજાવી વિવિધ રંગછટાઓનું નિર્માણ કર્યું અને જેના લીધે કાપડ પર પાકા રંગ ચડાવી શકાય. વિલિયમ મૂરના જણાવ્યાં પ્રમાણે મુઘલ સમયમાં કાશ્મીરીઓ ત્રણસોથી વધારે આછા રંગોનો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ ઓગણીસમી સદીના આરંભમાં આ સંખ્યા ઘટીને ફક્ત ચોંસઠની થઈ ગઈ હતી. રાજસ્થાનનું બમણું રંગાટી કામ ( એક બાજુ રાતો, બીજી બાજુ પીળો કે લીલો) અને ગુજરાત, આન્ધ્રપ્રદેશ અને ઓરિસ્સાનું બાંધણી રંગાટીકામ (કાપડના તાણા અને વાણા બંનેના તારને દોરીથી બાંધીને એવી રીતે રંગવામાં આવતા કે બાંધેલા ભાગોમાં રંગ અંદર ના લાગે. અને તેમાંથી એક ભાગ આ રીતે વણાટ દ્વારા મેળવી શકાતો.) એ બે વિશિષ્ટ પ્રકારની રંગાટી કામની ક્રિયાઓ છે કે જેમાં ભારતીય રંગરેજોએ પોતાની અદભૂત કુશળતાઓ છતી કરી હતી.

મલમલ પછી, વિદેશી બજારોમાં સૌથી વધારે લોકપ્રિય ભારતીય કાપડ હતું-રંગીત કાપડ. જે કૅલિકો તરીકે વધારે જાણીતું બન્યું છે. કૅલિકોમાં આન્ધ્રપ્રદેશમાં આવેલ મુસલિપટ્ટમ, ચિંગલપુર, મદુરાઈ, થંજાવુર, સાલેમ, કલાહસ્તી અને ચેન્નાઈમાંના નાગપ્પટ્ટિનમનું કલમકારી અથવા બાટિક રંગ અને ભાતમાં અનુપમ સમૃધ્ધિ ધરાવતી ખૂબ ગૂંચવણભરી પ્રતિકાકારની ખૂબ શ્રમભરી પ્રક્રિયા માટે સૌથી ખ્યાતનામ બનેલું છે. તદ્દન સંભવિત છે કે હાલમાં ઈન્ડોનેશિયામાં બાટિકની જે પ્રખ્યાત પ્રક્રિયા વિશાળ પાયા પર ચાલે છે તે આન્ધ્ર પ્રદેશમાંથી નિકાસ થઈ હતી. જો કે રંગ માટે જે કુદરતી દ્રવ્યો વપરાતાં તે પ્રદેશે-પ્રદેશે જુદાં હતાં, છતાં ભારતમાં બીબાં છાપની પધ્ધતિ સર્વત્ર ઉપયોગમાં લેવાય છે. ભારતના છાપગરોએ તેમની આ કારીગરીમાં ઉત્તમ સિધ્ધિ હાંસલ કરી હતી. કાપડ પર રંગકામ-છાપકામને ‘શિલ્પ’ની પરિભાષામાં મૂકવામાં આવે છે અને આ માટેના પુરાવા વૈદિક સાહિત્યમાંથી પણ ઉપલબ્ધ થાય છે.

વૈદિક યુગમાં અનેક શિલ્પો અને વ્યવસાયોનો ઉદય થઈ ચૂક્યો હતો અને વિભિન્ન શૈલ્પિક તથા વ્યાવસાયિક સંઘો અથવા વર્ગો અસ્તિત્વમાં આવી ચૂક્યા હતાં. વેદથી લઈને ઉપનિષદકાળ સુધી જે અનેક શિલ્પો અને વ્યવસાયોનો ઉદય થઈ ચૂક્યો હતો. તેનાં ઉલ્લેખ સંહિતાઓ, બ્રાહ્મણગ્રંથો, આરણ્યકો અને ઉપનિષદોમાં મળે છે. જેના અનુશીલન દ્વારા ડૉ. પી.વી. કાણેએ તેમના ગ્રંથ ‘धर्मशास्त्र का इतिहास ’ ભાગ-1માં તેમના ઉલ્લેખો કર્યા છે. આ ગ્રંથમાં તેમણે રંગરેજ માટે रंगपितृ શબ્દ વાપર્યો છે તથા વસ્ત્રોદ્યોગ રંગકામને તેમણે મોટા ઉદ્યોગ તરીકે વર્ણવ્યો છે. મૌર્યકાળ અને ગુપ્તકાળ દરમિયાન રચાયેલ ગ્રંથાદિ સાહિત્યમાંથી વસ્ત્રો રંગવા તથા છાપવા અંગેની કેટલીક માહિતી પ્રાપ્ત થાય છે. જે મુજબ: ‘વસુદેવ હિંડી’– જૈન ધર્મકથામાં વિવિધ પ્રકારના વસ્ત્રોના સંખ્યાબંધ ઉલ્લેખ મળે છે. જેમાં પીંછીથી રંગેલાં ચિનાઈ વસ્ત્ર , શુભ્ર સુક્ષ્મ અને ધવલ ‘હંસ લક્ષણ’ વસ્ત્ર, ઈન્દ્રધ્વજ ઉપર વીંટાળવા માટેનું ‘પલાશપટ’નામના વસ્ત્ર, તળાઈ ઉપરના ઓછાડ માટે ‘પટ્ટતુલિકા’ નામના વસ્ત્ર તથા દુકૂલ, ચિનાંશુક, કૌશેય, કસવર્ધન આદિ વસ્ત્રોના નામોલ્લેખ મળે છે. પાલિગ્રંથ દિગ્નિકાયમાં પચ્ચીસ મોટા શિલ્પોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં પણ રજકનો ઉલ્લેખ થયેલો છે. જેના પરથી તત્કાલીન ઉદ્યોગ-ધંધામાં કાપડની રંગાઈ તથા રંગરેજોનું મહત્વનું હોવાનું માની શકાય છે.

સલ્તનતકાળની શરૂઆતમાં લખાયેલા ‘નાભિનંદનોધ્ધાર પ્રબંધ’માં ગુજરાતનું વર્ણન કરતાં શ્રી કક્કસૂરિ જણાવે છે કે, ‘આ દેશના લોકો કસુંબાના અને મજિઠના રંગથી રંગાયેલા અને ઊંચી જાતના વણાટવાળા ભાતભાતના કપડાં પહેરે છે. આ પ્રદેશમાં આવેલ ગામડાં અને શહેરો અતિશય વૈભવવાળાં છે’.

સલ્તનતકાળમાં રચાયેલ વર્ણકોમાં વિવિધ પ્રકારના વસ્ત્રોની યાદી આપેલી છે. તે ઉપરથી કાપડ ઉદ્યોગના વૈવિધ્યયુક્ત વિકાસનો ખ્યાલ આવી શકે છે. જે મુજબ ગુજરાતની છીંટોનો મોટો વેપાર મલાક્કા તથા પૂર્વના દેશો સાથે હતો. ઈ.સ.૧૫૧૪માં ગુજરાત આવેલા ફિરંગી એલચીના સાથીદારોને રંગીન મલમલના ઝભ્ભા આપવામાં આવ્યા હતાં. મિરાંતે અહેમદી સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે ગુજરાતના હુન્નરની કીર્તિ ઈરાન, તુર્ક, રોમ અને સિરિયા સુધી વિસ્તરી હતી. ખંભાતમાં કાપડનો મોટામાં મોટો ઉદ્યોગ હતો. વર્થેમા તથા બારબોસા તેનો ઉલ્લેખ પોતાના લખાણોમાં કરે છે. સિઝર ફ્રેડરિકે નોંધ્યું છે કે છાપેલા સફેદ અને રંગીન કાપડની એટલી બધી જાતો બનતી હતી કે ગણી શકાય નહીં. ફિરંગીઓ મરી વગેરે તેજાના લાવી બદલામાં ખંભાતથી કાપડ ભરી જતા હતા. એ લોકો ખંભાતને ‘દુનિયાનું વસ્ત્ર’ કહેતા હતા. અમદાવાદમાં થતા રેશમી કાપડ પરના રંગ જેવા રંગ બીજે ક્યાંય બેસતા ન હતા. વિદેશોમાં અમદાવાદના કાપડ માટે પડાપડી થતી હતી. અમદાવાદમાં છીંટ, બાંધણી વગેરે રંગાટી કામના ઉદ્યોગ-ધંધા વિકસ્યા હતા. કિનખાબ અને મલમલના ઉદ્યોગ-ધંધા પણ વિકસ્યા હતા.

ભરૂચ માટે ટર્વેનિયર નોંધે છે કે ભરૂચ પાસેની નર્મદાનું પાણી છીંટ કાપડ પર સફેદાઈ લાવવા માટે સદીઓથી જાણીતું હતું. કોરા કાપડને નિખારવા (બ્લિચિંગ)નો ઉદ્યોગ અહીં ખિલ્યો હતો. આગ્રા, લાહોર અને બંગાળમાંથી સફેદ બાફ્ટા કાપડ ભરૂચ અને નવસારી લઈ જવામાં આવતું હતું. ત્યાં એને લીંબુના રસવાળા પાણીમાં ઝબોળવામાં આવતું હતું. મુઘલ સમયમાં ભારતમાં આવેલ વિલિયમ મૂરે ગુજરાતના રંગરેજો માટે નોંધ કરી છે કે ગુજરાતના રંગરેજો એ કાપડના તાણા અને વાણા બંનેના તારને દોરીથી બાંધીને એવી રીતે તેને રંગ કરતા કે બાંધેલા ભાગોમાં રંગ અંદર ના લાગે અને તેમાંથી એક ભાગ આ રીતે વણાટ દ્વારા મેળવી શકાતો હતો. એ બે વિશિષ્ટ પ્રકારની રંગાટી કામની ક્રિયાઓ હતી. જેમાં ભારતીય રંગરેજોએ પોતાની અદ્દ્ભૂત કુશળતા છતી કરી હતી. ભરૂચ ઉપરાંત અમદાવાદ, પાટણ, વડોદરા, સુરત પણ વસ્ત્રોદ્યોગ-રંગકામના મોટા કેન્દ્રો હતા. સૂરત સોનાની મૂરત ગ્રંથમાં જણાવ્યા અનુસાર દુનિયામાં ક્યાંય ન થાય તેવું સુંદર છાપકામ સુરતમાં થતું હતું. એના રંગ સુંદર, કાયમી તથા અનોખી ભભકવાળા હતા. અતલસના કાપડમાં સોનાની કોર એ સુરતની વિશિષ્ટતા હતી.

રંગાટીકામ માટે જામનગર, જેતપુર, ગોંડલ, રાજકોટ, ભાવનગર, અમરેલી, શિહોર, વડોદરા, બગસરા, ભૂજ, માંડવી, અંજાર, નવસારી, ગણદેવી, વલસાડ, બારડોલી, ચીખલી વગેરે જાણીતા હતા. અમરેલીમાં ઊંચા પ્રકારનું રંગાટીકામ થતું હતું. કચ્છમાં રંગબેરંગી ચૂંદડી, સાફા, શીરક, રૂમાલ, ઉપરણાં, ચાદરો વગેરેનું છાપકામ વખણાતું હતું. ચોબારી તથા લખપતનું અજરખ, લાલ ભૂમિકા ઉપર ભૂરા રંગના છાપકામવાળું કાપડ વખણાતું હતું. સૂરત, ભરૂચ અને અમદાવાદમાં કેટલાંક ગળી વડે પણ રંગકામ કરતા હતા, તેઓ ગળિયારા કહેવાતા હતા. ગામડાઓમાં ગળી વડે રંગાયેલા કપડાની ખપત વધુ થતી હતી.

કડી, પેથાપુર, સિધ્ધપુર, વડનગર રંગકામ તથા છાપકામના મોટા કેન્દ્રો હતાં. ગોધરા, દાહોદ અને કાલોલ પણ છાપકામ સાથે સંકળાયેલા હતા. કપડવંજ પણ રંગાટ તથા છાપકામ માટે અગ્રસ્થાને હતું. આજે પણ ત્યાં મ્હોર નદીના કિનારે નાના-નાના પથ્થરોમાં કોચેલી કૂંડીઓ મળી આવે છે. જેનો ઉપયોગ રંગ ઓગાળવા માટે થતો હતો. સ્થાનિક બજારો ઉપરાંત વિદેશોમાં પણ ગુજરાતમાં રંગાયેલા તથા છપાયેલા કાપડની ખૂબ જ માંગ રહેતી હતી. પેથાપુરમાં છપાયેલા સાલ્લાનો સિયામમાં ઘણી માંગ રહેતી હતી. દર વર્ષે આશરે ત્રણ લાખ સાલ્લાંની નિકાસ થતી હતી.

ગુજરાતમાં ચાલતા કાપડ અને રંગાટ ઉદ્યોગને જોરદાર ફટકો પડ્યો તેની પાછળ તત્કાલીન રાજકીય પરિસ્થિતિ જવાબદાર હોવાનું કહી શકાય. કારણકે મુઘલ બાદશાહ અકબરના સમય સુધી કાપડ પરના છાપકામ રંગકામને જેટલું મહત્વ મળ્યું તે પછીના સમયમાં જળવાયું નહીં. ઔરંગઝેબના મૃત્યુ પછી અંગ્રેજોનું જોર ખૂબ જ વધી ગયું હતું. મુઘલકાળમાં ઈંગલેન્ડમાં ભારતીય કાપડની માંગ એટલી બધી વધી ગઈ હતી કે ત્યાંના વેપારીઓ તથા વણકરોએ ઈ.સ.૧૭૨૧માં ભારતના કાપડની આયાતનો વિરોધ અને આંદોલનો કર્યા હતાં. યુરોપના અન્ય દેશોએ પણ ભારતમાંથી કાપડની આયાત બંધ કરી તેથી ગુજરાતનાં કાપડ ઉદ્યોગને પણ ફટકો પડ્યો હતો. ભારતીય વસ્ત્ર-ઉદ્યોગની વ્યવસ્થામાં અરાજકતા ફેલાઈ ગઈ. ભારતીય બજારમાં યુરોપીય માલ આવવાના કારણે તથા ઔદ્યોગિક ક્રાંતિના કારણે રંગાટ તથા છાપકામ ઉપર ખૂબ જ વિપરિત અસર પડી.

સંદર્ભ ગ્રંથ :::

  1. અગ્રવાલ, વાસુદેવ શરણ, ‘ઇન્ડિયન આર્ટ’, પ્રથમ આવૃત્તિ, પૃથ્વી પ્રકાશન , વારાણસી, ૧૯૬૫
  2. આચાર્ય નવીનચંદ્ર, ‘ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ’ (ઈ.સ. ૧૩૦૪ થી ૧૮૧૮), યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૮૪
  3. ક્રુક વિલિયમ(અનુ.) ‘ટ્રાવેલ્સ ઇન ઈન્ડિયા બાયજિન બાપ્ટિસ્ટ ટર્વેનિયર’ વૉ.૧, દ્વિતીય આવૃત્તિ, ઑરિઍન્ટલ બુક્સ રીપ્રિન્ટ કોર્પોરેશન, દિલ્હી, ૧૯૭૭
  4. ગૈરોલા વાચસ્પતિ, ‘વૈદિક સાહિત્ય ઔર સંસ્કૃતિ’, પ્રથમ આવૃત્તિ, સંવર્તિકા પ્રકાશન, અલ્હાબાદ, ૧૯૬૯
  5. ચોપરા, પી. એન. (સંપા.) ‘ભારતનું ગેઝેટિયર’ (ઇતિહાસ અને સંસ્કૃતિ) પ્રથમ આવૃત્તિ, યુનિ. ગ્રંથ નિર્માણ બોર્ડ, અમદાવાદ, ૧૯૮૪
  6. દવે નર્મદાશંકર લા., ‘ગુજરાત સર્વસંગ્રહ;, પ્રથમ આવૃત્તિ, મુંબઈ ઈલાકાનું સરકારી કેળવણી ખાતું, ૧૮૮૮
  7. દેસાઈ ઈ. ઈ.,’ સૂરત સોનાની મૂરત’, પ્રથમ આવૃત્તિ, ૧૯૫૯
  8. દેસાઈ ગો. હા., ‘વડોદરા રાજ્ય: અમરેલી પ્રાંત સર્વસંગ્રહ’, પ્રથમ આવૃત્તિ, વડોદરા રાજ્ય, ૧૯૨૦
  9. પરીખ, ર. છો. અને શાસ્ત્રી હ. ગં. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ગ્રંથ-૪, પ્રથમ આવૃત્તિ, શેઠ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૭૨
  10. પરીખ, ર. છો. અને શાસ્ત્રી હ. ગં. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ગ્રંથ-૫, પ્રથમ આવૃત્તિ, શેઠ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૭૭
  11. પરીખ, ર. છો. અને શાસ્ત્રી હ. ગં. ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ગ્રંથ-૬ પ્રથમ આવૃત્તિ, શેઠ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, ૧૯૭૯
  12. પટેલ જી. ડી., ગેઝેટિયર ઑફ ઈન્ડિયા ગુજરાત સ્ટેટ: પંચમહાલ ડિસ્ટ્રીક્ટ, પ્રથમ આવૃત્તિ, ગવર્મેન્ટ ઑફ. ગુજરાત, અમદાવાદ, ૧૯૭૭
  13. વૈદ પોપટલાલ , આ. કંચનસાગરસૂરિ (સંપા.) આગમોધ્ધારક ગ્રંથમાળા, પ્રથમ આવૃત્તિ, કપડવંજ, ૧૯૮૪
  14. સિન્હા વિપિન બિહારી, મધ્યકાલીન ભારત, પ્રથમ આવૃત્તિ, જ્ઞાનદા પ્રકાશન, નવી દિલ્હી, ૨૦૦૦ ૧૫. શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વિદ્યાવિસ્તાર ગ્રંથ શ્રેણી-૩, ગુજરાત, પ્રથમ આવૃત્તિ, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ, ૨૦૦૦

*************************************************** 

ડૉ.ઉર્વી એ. ભાવસાર
ઈતિહાસ વ્યાખ્યાતા સહાયક
સરકારી વિનયન કૉલેજ,
બાયડ (સા.કાં.)

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us