logo

ઇતિહાસ લેખનમાં દફતરોનું મહત્વ

વિચારો અને ભાષાના સંકેતો દ્વારા દ્રશ્ય આશ્રિત રૂપ આપનાર લેખનકળાનો વિકાસ થયા પછી ચાલુ વ્યવહાર માટે, ભવિષ્યના ઉપયોગ માટે તથા જ્ઞાન સંચયના સાધન તરીકે દફતરોનો વિકાસ થયો છે

દફતર:

સામાન્ય રીતે કોઈપણ કાગળ ઉપર કરેલ લખાણ જેનાથી કંઈ અર્થ નિકળતો હોય અથવા કોઈ માહિતી તેમાંથી મળતી હોય તેને આપણે દસ્તાવેજ કહીએ છીએ. આવા ઘણાં દસ્તાવેજો ભેગા થાય એટલે એ દફતરનું સ્વરૂપ પકડે છે. અંગ્રેજીમાં એને ‘Document’ કહે છે. આ ડૉક્યુમેન્ટ શબ્દ મૂળ લેટિન શબ્દ ‘ડીક્યુમેન્ટમ’ ઉપરથી ઉતરી આવેલ છે. જેનો અર્થ થાય છે કે જે પુરાવા તરીકે હાથે લખેલો અથવા છાપેલો કાગળ હોય અને જે કાંઈક અર્થ ધરાવતો હોય. દસ્તાવેજોમાં નીચેની વસ્તુઓનો સમાવેશ થઈ શકે:

  1. વીંટાઓ(Rolls)
  2. કાનૂની સંગ્રહપત્રો (Codies)
  3. પત્રિકાઓ (Sheets)
  4. વ્યક્તિના જીવનની માહિતી આપતાં દસ્તાવેજો (Dossiers)
  5. સૂક્ષ્મચિત્રો (Micro Films)
  6. તસવીરો (Photographs)
  7. આલેખો (Charts)
  8. આકૃતિઓ (Figures/Diagrams)
  9. ધ્વનિમુદ્રિકાઓ (Sound Recording)
સામાન્ય રીતે દસ્તાવેજ શબ્દ લખેલા અથવા છાપેલા લખાણ માટે વપરાય છે.

દફતરની વ્યાખ્યા:-

દફતરને અંગ્રેજીમાં રેકર્ડ કહેવાય છે. આ અંગ્રેજી શબ્દ મૂળ લેટિન શબ્દ રેકોર્ડારી (Recordari) માંથી ઉતરી આવેલ છે. જેનો અર્થ થાય છે હ્રદય (Heart) આમાં હ્રદય અને યાદદાસ્તનો સંબંધ રહેલ છે. પહેલાના વખતમાં હ્રદયને યાદદાસ્તની બેઠક માનવામાં આવતી હતી. જેનાં ઉપરથી શબ્દ Learn by Heart અસ્તિત્વમાં આવ્યો છે.

રેકર્ડની વ્યાખ્યા દરેક દેશોમાં જુદી-જુદી થાય છે. ઑક્સફર્ડના અંગ્રેજી શબ્દ કોશ પ્રમાણે તેની વ્યાખ્યા નીચે પ્રમાણે છે.
“દફતર એ કોઈપણ સત્ય અથવા બનાવના સંભારણાને સાચવી રાખવા માટે લખી રાખવામાં આવે છે, જેને દફતર કહે છે.” વધુ સ્પષ્ટતા કરતાં વ્યાખ્યામાં જણાવવામાં આવ્યું છે કે, દફતરના જુદાં-જુદાં ભૌતિક સ્વરૂપો હોય છે. જેવા કે, પુસ્તકો, હસ્તપ્રતો, પત્રો, નક્શાઓ, આલેખો (Chart), ફોટાઓ, આકૃતિઓ અને બીજી પુરાવા પૂરી પાડતી દસ્તાવેજી સામગ્રી (Oxford Dictionary) .

દફતરને ઉત્પન્ન કરનાર કોઈ સર્જક સંસ્થા હોવી જરૂરી છે. આ સર્જક સાથેના સંબંધ તે તેની પ્રથમ વિશિષ્ટતા છે. આ સર્જક કોઈ વ્યક્તિ, કુટુંબ, સંસ્થા અગર સરકાર હોઈ શકે છે. તે સંસ્થાની નીતિ, કાર્ય, પ્રવૃત્તિઓ, સંગઠન અને કામકાજનું પ્રતિબિંબ તેમના દફતરમાં પડે છે. બધી સંસ્થાઓમાં સરકાર એ મોટી સર્જક સંસ્થા છે. જેના જુદાં-જુદાં ખાતાઓ જુદાં-જુદાં દફતરો તૈયાર કરે છે.

દફતરની બીજી ખાસિયત એ છે કે, દફતર એ કોઈ ખાસ હેતુ માટે તૈયાર કરવામાં આવે છે. જે ભવિષ્યમાં સર્જક સંસ્થાને કાયદાકીય રીતે અથવા અન્ય પ્રવૃતિઓ માટે ઉપયોગી થાય.

આ રીતે આધુનિક સમાજમાં દફતરની વ્યાખ્યા એ રીતે થઈ શકે છે કે, “દફતર અને ફાઈલો કે જે કોઈ માન્ય સંસ્થા દ્વારા તૈયાર કરેલ હોય છે. પછી તે માન્ય સંસ્થા જાહેર હોય, અર્ધજાહેર હોય કે ખાનગી હોય અને તે દફતરો જે-તે સંસ્થા દ્વારા સચવાતા હોય એવા દફતરોને દફતરની વ્યાખ્યામાં સમાવી શકાય.”

સત્તાવાર દફતરોના મુખ્ય બે પ્રકાર હોય છે. (1)જે કોઈ ખાસ હેતુ માટે તૈયાર કરવામાં આવ્યા હોય. (2) જે કોઈ પ્રથમ યોજના કર્યા સિવાય તૈયાર થયા હોય. પ્રથમ કક્ષામાં ફાઈલોમાં નોંધનો વોભાગ આવે. જ્યારે બીજી કક્ષામાં પત્રવ્યવહારનો વિભાગ આવે છે. દફતસ્રની મુખ્ય સર્જક સંસ્થાઓ ત્રણ છે. (1) જાહેર સંસ્થા (2) અર્ધજાહેર સંસ્થા (3) ખાનગી સંસ્થા. જાહેર સંસ્થાઓમાં મુખ્ય સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે. સરકારનો વહીવટ ચલાવવામાં જે કાગળો તૈયાર થાય છે તેને દફતર તરીકે ગણવામાં આવે છે. અર્ધજાહેર સંસ્થામાં નિગમો, બિનરાષ્ટ્રીયકૃત બૅંકો, સ્વતંત્ર એકમો જે જાહેર સંસ્થાઓના નિયમો પ્રમાણે તેવા ગણાવી શકાય. ખાનગી સંસ્થાઓમાં ખાનગી દુકાનો, કારખાના, શાળાઓ, મહાવિદ્યાલયો, કુટુંબો કે વ્યક્તિ વગેરેનો સમાવેશ થઈ શકે છે.

દફતર ભંડારની વ્યાખ્યા :-

અંગ્રેજી શબ્દ આર્કાઈવ્ઝ એ મૂળ ગ્રીક શબ્દ આર્કીયોન (Archeion) માંથી ઉતરી આવ્યો છે. જેના ઘણાં અર્થ થાય છે, જેવાંકે કચેરી, કારણ, સત્તા, સાર્વભૌમસત્તા વગેરે વગેરે. લેટિન શબ્દ આર્કીવલ (Archivel) છે. જયારે ફ્રેંચ શબ્દ લાર્કાઈવ્ઝ (Larchives) છે. જેમાંથી અંગ્રેજી શબ્દ આર્કાઈવ્ઝ(Archives) થયો. આ આર્કાઈવ્ઝ શબ્દ ત્રણ વસ્તુઓનો બનેલો છે. (1) દફતર (Record) (2) મકાન કે જેમાં દફતરો રાખવામાં આવે છે. (3) વહીવટી માળખું જે દફતરોની સાચવણી અને જાળવણીનું કામ કરે છે.

ટૂંકમાં એમ કહી શકાય કે “દફતર એ બિન ચાલુ રેકર્ડ જે વ્યક્તિ, સંસ્થા અને સરકારે તેઓની કામગીરી અંગે તૈયાર કરેલ હોય અને તેઓના કબજામાં રાખેલ હોય તેવા રેકર્ડની ભવિષ્યના ઉપયોગ માટે કાયમી સાચવણી કરતી સંસ્થા છે.”

ભારતમાં દફતરોનો ઈતિહાસ:-

ભારતમાં દફતરોનો ઈતિહાસ તપાસતાં જાણવા મળે છે કે અભિલેખોની નિભાવના જેવી પણ અન્ય નામે ઓળખાતી પ્રવૃત્તિ તો ભારતમાં ઘણાં પૂર્વકાળથી અસ્તિત્વમાં હોવાના પ્રમાણો મોજૂદ છે. મુદ્રણ વિદ્યાની શોધ અને કાગળોનો લેખન માટે ઉપયોગ થયો તે પૂર્વે ભારતમાં વિદ્યાર્થીઓ કંઠોપકંઠ પધ્ધતિથી જાળવી રાખવાની અને એ વારસાનું વિતરણ કરવાની પ્રથા અમલમાં હતી. આપણું સર્વ પૌરાણિક સાહિત્ય અને પૂર્વકાલીન સંસ્કૃત સાહિત્ય છેક ગુપ્તકાળ સુધી આ શ્રુતિ-સ્મૃતિની પદ્ધતિએ અવતરતું ચાલુ રહ્યું. ગુપ્તકાળમાં જ આ બધું સાહિત્ય લીપિબદ્ધ અને શબ્દસ્થ થયું. પથ્થર, ધાતુ વગેરે ઉપર લખાણ કોતરાતું કે ચિન્હ કે પ્રતીકો દ્વારા વિચાર વ્યક્ત કરાતો. આનો પુરાવો જૂનાગઢમાં ગિરનારની તળેટીમાં આવેલ અશોકના ગિરનારના શિલાલેખો છે. અહીં એક જ શૈલ પર જુદા-જુદા રાજવંશ અને ત્રણ ભિન્ન રાજવીઓના અમલ દરમિયાનના 700 વર્ષના સમયાવધિને આવરી લેતાં અક્ષરોની ઉત્ક્રાંતિનો અને વિકાસનો ઇતિહાસ કોતરેલો પ્રાપ્ત થાય છે. જો કે ભારતમાં ઈ.સ.પૂર્વે લગભગ સાતમી સદીથી દફતર પ્રવૃત્તિઓનો નિર્દેશ મળી રહે છે. જાતક કથાઓ જેનો સમય બુદ્ધ પૂર્વેનો આંકી શકાય તેમાં રાજકીય ઠરાવો અંગે ઉલ્લેખ મળી આવે છે. રાજકીય પ્રસ્તાવો ત્રણ વખત પ્રસ્તુત કરવાની પ્રણાલિકા અસ્તિત્વમાં હતી. તેનો નિર્દેશ પણ તેમાં કરવામાં આવ્યો છે. વળી બૌદ્ધસંઘની સ્થાપનામાં પણ રાજકીય સંઘના માળખાનું જ સ્વરૂપ પ્રતિબિંબિત થયેલું જણાય છે. સંઘની કાર્યવાહી નોંધ પણ બૌદ્ધ સાહિત્યમાં ઉપલબ્ધ છે. બૌદ્ધ સમયમાં દફતરભંડારનું અસ્તિત્વ હતું એનો પુરાવો ચીની યાત્રી હ્યુ-એન-ત્સાંગની નોંધમાં પણ મળે છે. તેની નોંધમાં ‘નિલપિત’ શબ્દ ખૂબ મહત્વનો છે, અને મોનિયર વિલિયમ્સના સંસ્કૃત શબ્દકોશમાં ‘નિલપિત’ શબ્દનો અર્થ ‘વૃત્તાંત અને શાહી ફરમાનોનો સંગ્રહ’, કરવામાં આવેલ છે. જયારે રાઈસ ડેવીઝે અને બુર્શલ જેવા વિદ્વાનોએ તો ‘નિલપિત’ શબ્દ દફતર ભંડાર તરીકે જ ઘટાવેલ છે.

ઈ.સ.પૂર્વે 300માં લખાયેલા કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં મૌર્યકાલીન રાજ્ય વહીવટની ઘણી ઉપયોગી માહિતી આલેખાયેલી છે. તદુપરાંત તેમાં દફતરકચેરીના વાસ્તુ અંગે પણ જાણકારી આપવામાં આવી છે. અર્થશાસ્ત્રમાં સરકારી ખાતાઓ તથા જે-તે વિભાગના અધિકારીઓની વિગત દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત અર્થશાસ્ત્રમાં ‘અક્ષપટલ’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેનો અર્થ શામશાસ્ત્રી જેવા વિદ્વાનો હિસાબનીશની કચેરી તરીકે, જ્યારે મોનાહન અને રામચંદ્રન દિક્ષિતાર તેને સામાન્ય દફતરકચેરી તરીકે ગ્રાહ્ય રાખે છે.

દસમી સદીથી ભારત ઉપર ઈસ્લામી આક્રમણોની વણઝાર વણથંભી ચાલુ રહી અને પરિણામે ઇતિહાસ નિરૂપણના મહત્વના સાધનો નાશ પામ્યાં હતાં, તેથી અભિલેખાગારની સાતત્યપૂર્ણ વિગતો કમનશીબે પ્રાપ્ત થતી નથી, પણ મુસ્લિમ શાસકોએ આ પદ્ધતિ અપનાવેલી હોવાથી આપણને તેમના સાહિત્યમાંથી આનો સંદેશો મળે છે. ઉપરાંત ભારતની મુલાકાતે આવેલા વિદેશી પ્રવાસીઓ તથા સંશોધકોની નોંધોમાંથી પણ દફતરને લગતી માહિતી વિપુલ પ્રમાણમાં મળી આવે છે.

દિલ્હી સલ્તનતના જુદા-જુદા વિભાગોના શાસન માટે સલ્તનતમાં ચાર મંત્રીઓની ટુકડી મદદ કરતી જોવા મળે છે. શાહી ઘરવસવાટના કર્મચારીગણને, છત્રીસ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું, જે ‘કારખાના’તરીકે ઓળખાતું હતું, તેઓને તેમના કાર્યની ગોઠવણી માટે નિયમિત અધિકારી વર્ગ તેમજ જુદી કચેરીઓ હતી. જ્યારે મુઘલકાલીન દફતર વ્યવસ્થાની માહિતી ‘અકબરનામા’માંથી પ્રાપ્ત થાય છે. 1574માં અકબરે હુકમ કર્યો કે અદાલતોમાંથી જે પરીણામો ઉદભવે તેની નોંધ રાખવી કે જેથી અધિકારીઓને તેની મૂલ્યવાન મદદ મળે અને વહીવટી હૂકમો જળવાઈ રહે. શહેનશાહ અકબર દફતર જાળવણીને કેટલું મહત્વ આપતા તે આઈ-ને-અકબરીના ‘દફતર સંગ્રહ એ સરકાર માટે ઉત્તમ સાધન છે. દરેક પ્રકારના સમાજ માટે તે જરૂરી છે’ વિધાન ઉપરથી જણાઈ આવે છે. મુઘલ સરકારે ‘કાગઝી રાજ’ એટલે કે દસ્તાવેજ પુસ્તિકા ‘દસ્તુર-અલ-આલમસ’ બહાર પાડી હતી. દફતર વહીવટના જે નિયમો હતા તે પ્રમાણે દરેક ઋતુ અગર વર્ષના અંતે તેમનું દફતર નક્કી કર્યા પ્રમાણે ગોઠવી મધ્યસ્થ દફતર કચેરીમાં મોકલવામાં આવતું તેવી જ રીતે મરાઠાકાળના દફતર માટે મરાઠા જેને સચિવાલય અગર ‘હજૂર દફતર’ કહેતાં તે ઘણું મોટું મહેકમ ધરાવતું. તેમાં બસ્સો કરતાં વધારે કારકુનો નિમાયેલા હતા.

પેશ્વાઓના રાજ્ય વહીવટની તમામ શાખાઓના દફતર ખૂબ જ કાળજીથી અને અનુક્રમ પ્રમાણે ગોઠવી સાચવવામાં આવતા. અંગ્રેજોના પૂના ઉપર મેળવેલા કાબૂ પછી ઘણું કરીને સરકાર સાથે તમામ પ્રકારના વહેવારો દર્શાવતાં 88 વર્ષનાં સંપૂર્ણ દસ્તાવેજો પ્રાપ્ત થયા હતાં તે મરાઠા અધિકારીઓ અને કર્મચારીઓને તેમની આ કાર્યશક્તિ માટે નાની સૂની અંજલિ નથી. ઈલાકા અને જિલ્લા કક્ષાએ દફતર ખાતાં હતાં અને તેનાં અધિકારીઓ દફતરભંડારી તરીકે ઓળખતા હતા. 1764-65 માં તેમની ફરજો પણ નક્કી કરવામાં આવી હતી. ભારતમાં મધ્યસ્થ સરકારની પહેલાં મુંબઈની પ્રાંતિક સરકારે ઈ.સ. 1821માં ‘બોમ્બે આર્કાઈવ્ઝ’ની સ્થાપના કરી હતી. તા. 1/5/1960માં ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે ન તો દફતરભંડાર ખાતું હતું કે ન મુંબઈના દફતરભંડારમાંથી ગુજરાતને લગતાં દફતરો અત્રે ખસેડવામાં આવ્યાં હતાં. સર્વ સ્વીકૃત નિયમ મુજબ દફતર જે રાજ્યમાં ઉત્પન્ન થયું હોય તે રાજ્યના દફતરભંડારમાં જ રાખવામાં આવે છે. તેમછતાં દફતર સંપત્તિની દ્રષ્ટિએ ગુજરાત સમૃધ્ધ હતું અને છે એ હકીકત દફતર પ્રવૃત્તિના વર્ગીકરણ પરથી સમજી શકાય છે. દા.ત.
  1. ગુજરાત રાજ્યની જિલ્લા તથા તાલુકા કચેરીઓમાં બ્રિટિશ અમલનું દફતર તથા ભૂતપૂર્વ દેશી રાજ્યોનું દફતર સુરક્ષિત રીતે સંગ્રહિત છે. જેમાં સૌરાષ્ટ્રના 202 તથા ગુજરાતના 65 દેશી રાજ્યોના રેકોર્ડનો સમાવેશ થાય છે.
  2. ભૂતપૂર્વ સૌરાષ્ટ્ર રાજ્ય, ભૂતપૂર્વ મુંબઈ રાજ્ય અને દ્વિભાષી મુંબઈ રાજ્યના વખતની સરકારી કચેરીઓમાં સંગ્રહાયેલ દફતર.
  3. વિદ્વાનો, ધાર્મિક સંસ્થાઓ, જાહેર મિલકતના વહીવટકર્તાઓ, ઔદ્યોગિક ગૃહો, ભૂતપૂર્વ ગિરાસદારો, ઈનામદારો, વતનદારો અને તાલુકાદારો તથા નાનાં રજવાડાઓનાં કબજાના ખાનગી દફતરનો સમાવેશ થાય છે.
  4. આ ઉપરાંત મુંબઈના મહારાષ્ટ્ર આર્કાઈવ્ઝ, પૂનાની પેશ્વા દફતર કચેરી, દિલ્હીની નેશનલ આર્કાઈવ્ઝમાં ગુજરાતને લગતાં રેકર્ડ્ઝ છે.
ગુજરાત રાજ્યની અલગ સ્થાપના બાદ રાજ્યના જાહેર દફતરોને વૈજ્ઞાનિક પદ્ધતિથી સાચવવા, જાળવવા અને કેન્દ્રીકૃત કરવાની જરૂર ઊભી થતાં અલગ દફતર ભંડાર સ્થાપવામાં આવ્યું. વહીવટી સરળતા માટે ઝોન પ્રમાણે દફતર કચેરીઓ પણ સ્થાપવામાં આવી છે.

આમ દફતર ભંડાર એ ઇતિહાસના સંશોધન-લેખન માટે ખૂબ જ અગત્યની અને પ્રથમ કક્ષાની માહિતી પૂરી પાડનારા સ્ત્રોત છે. જેના આધારે ક્રમબદ્ધ અને વિગતવાર ઇતિહાસનું આલેખન શક્ય બને છે. તેમાં ઉપલબ્ધ થતાં વિવિધ દસ્તાવેજોને આધારે વિશ્લેષણાત્મક તેમજ તુલનાત્મક અધ્યયન કરી શકાય છે.

 

સંદર્ભ ગ્રંથ: ::

  1. ચોપરા, પી.એન. (સંપા.), ભારતનું ગેઝેટીયર (ઇતિહાસ અને સંસ્કૃતિ), પ્રથમ આવૃત્તિ, યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, 1984
  2. ડૉ.પંકજ દેસાઈ, ભારતમાં દફતરોનો વિકાસ અને ઉપયોગિતા, પ્રથમ આવૃત્તિ, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ, 2001
  3. ડૉ.પંકજ દેસાઈ, દફતર વહીવટ, સંચાલન અને દફતરભંડારની સહાયક સંસ્થાઓ, યુનિ.ગ્રંથનિર્માણ બોર્ડ, અમદાવાદ, 2004

*************************************************** 

ડૉ. ઉર્વી અ. ભાવસાર
પૂર્વ વ્યાખ્યાતા સહાયક (ઇતિહાસ),
સરકારી વિનયન કૉલેજ,
બાયડ (જિ.સા.કાં.)
મો. : 9825929967

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us