હરિયાળી ક્રાંતિ: ભારતની દિશા અને દશા
માનવ સંસ્કૃતિના વિકાસમાં કૃષિક્ષેત્ર એ મહત્વનો ભાગ ભજવ્યો છે. માનવ વસ્ત્તીમાંથી મોટાભાગની વસ્તી કૃષિક્ષેત્રપર આધારીત હતી. ખેતી એ કૃષિ અને જંગલમાંથી અન્ન અને સામગ્રીનું થતુ ઉત્પાદન છે. જેમાં પશુપાલન, પાક વગેરેનો સમાવેશ થાય છે જેના કરકસર પૂર્વકના ઉપયોગના પરિણામે વધુ વસ્તી ધરવતા અને વ્યવસ્થિત સમાજનું નિર્માણ થયું. કૃષિના ઇતિહાસે માનવ ઇતિહાસમાં મોટી ભૂમિકા ભજવી છે. ખેતીક્ષેત્રનો વિકાસએ વિશ્વભરના સામાજિક- આર્થિક પરિવર્તનોમાં મુખ્ય પરિબળ રહ્યુ છે. પેટનો ખાડો પૂરવા ખોરકાની શોધમાં પડેલા સમુદાયની સંસ્કૃતિઓમાં સંપત્તિ કેન્દ્રિત ખાસિયતો ભાગ્યેજ જોવા મળે છે ખેડૂતો જ્યારે પોતાના કુટુંબની જરૂરિયાતો ઉપરાંતનું પકવતો થયો ત્યારે જ સમાજના અન્ય લોકો ખોરાક મેળવવા સિવાયના અન્ય કામ કરવા માટે મુક્ત બન્યા આથી ઇતિહાસકારો કહે છે કે કૃષિના વિકાસે સામાજિક વિકસને શક્ય બનવ્યો. કૃષિ એટલે લેટિન એગ્રીકલ્ચરામાંથી આવેલો અંગ્રેજી શબ્દ છે જેમાં એગર એ “એક ફિલ્ડ” અને કલ્ચરાનો અર્થ વાવેતર” થાય છે જેનો પુરો અર્થ જમીનનું વાવેતર કે ખેડાણ એવો થાય છે કૃષિનો ઉદભવ ખેતીની ઉત્પતિ પશ્ચિમ એશિયા, ઇજિપ્ત અને ભારતના ફળદ્રુપ પ્રદેશ આયોજિત છોડોની વાવણી અને લણનીની શરૂઆતની જગ્યા ગણાય છે. તેમજ અમેરીકાના વિવિધ પ્રદેશો,ચીન,આફ્રિકાનું સહેલ જેવા પ્રદેશોમાં ખેતીનો સ્વતંત્ર રીતે વિકાસ થયો હતો.કૃષિના કહેવાતા નૂતન પાષાઁણ યુગના આઠ પાકો હતા જેમાં પ્રથમ ઘઉ,જવ વટાણા, મસૂર,કડવા કઠોળ,કઠોળની જાત અને શણ હતા. 7000 બીસી થી ભારતીય ઉપખંડમાં ઘઉ અને જવ ની વાવણીની શરૂઆત થઇ ચુકી હતી. આવી જ રીતે વિશ્વના યુરોપ, ચીન ,એશિયા,ઇંડોનેશિયા, અમેરીકાના દેશોમાં સ્વતંત્રરીતે ખેતીનો વિકાસ થયો હતો.
1800 મી સદીની શરૂઆત સુધીમાં કૃષિક્ષેત્રમાં કૃષિ તકનીકોનું અમલીકરણ કરવામાં આવ્યું દાણાના જથ્થા અને વાવેતર ના છોડની પસંદગી કરવામાં આવી તેના પરિણામે જમીનના પ્રત્યેક એકમ પ્રમાણે ઉપજમાં ખાસ્સો વધારો થયો જે મધ્ય યુગમાં જોવા મળ્યુ, 19મી સદીના અંતમાં અને 20 મી સદીમાં યાંત્રીકરણ અને વિશેષ રૂપે ટ્રેકટરના સ્વરૂપમાં ઝડપી વધારો થવા સાથે ખેતીનું કામ તે ઝડથી કરવાનું શક્ય બન્યુ જે અગાઉના સમયમાં અશક્ય હતું આ શોધોને પગલે યુ.એસ., અર્જેંટીના ,ઇઝરાયેલ ,જર્મની અને કેટલાક અન્ય રાષ્ટ્રોના ચોક્કસ આધુનિક ખેતરોની કર્યક્ષમતામાં વધારો થયો તેમજ એમોનીયમ નાઇટ્રેટ્ને સેન્દ્રિય પદાર્થ બનાવવાની હેબર- બોસ પધ્ધતિએ આ ક્ષેત્રે મહત્વની પ્રગતિઓનું પ્રતિનિધિત્વ કર્યું. આમ, ક્રમશ: સમગ્ર વિશ્વમાં કૃષિક્ષેત્રે નવી તકનીકોનો ઉપયોગ વધવા લાગ્યો અને કૃષિક્ષેત્રે એકમદીઠ ઉત્પાદન વધવા લાગ્યું . હરિયાળીક્રાંતિએ આજનો શબ્દ નથી પરંતુ પ્રાચીન સમયથી અર્વાચીન સમય દરમ્યાન કૃષિ અને સામાજીક ક્ષેત્રે સમયની સાથે પ્રગતિ અને બદલાવ આવતા રહ્યા છે.
ભારતમાં હરિયાળીક્રાંતિ
ભારતમાં આઝાદી પછીં આર્થિક વિકાસ ઝડપી બનાવવાના આયોજિત પગલાં લેવામાં આવ્યા આ સમય દરમ્યાન ભારતમાં કૃષિક્ષેત્રની સ્થિતી સારી ન હતી, દેશની વસ્તીને પુરતું અનાજ પણ ખેતીક્ષેત્રમાંથી ઉત્પાદન થતું ન હતું વધતી વસ્તી અને ખેતીક્ષેત્રે ઓછું ઉત્પાદન ચિંતાનો વિષય હતો. આ સમયે ભારતમાં કૃષિક્ષેત્રે નવી વ્યુહ- રચના અપનાવવામાં આવી.
ભારતમાં હરિયાળીક્રાંતિની શરૂઆત 1960-1961માં ઉત્પાદન વધારવાના કાર્યક્રમોના એક ભાગરૂપે દેશના કેટલાક ભાગોમાં પસંદ કરાયેલા જિલ્લાઓમાં સઘન ખેતીનો કાર્યક્રમ અમલમાં મુકવામાં આવ્યો.પ્રાયોગીક ધોરણે હાથ ધરાયેલા કાર્યક્રમને સફળતા મળ્યા પછીં અન્ય વિસ્તારોમાં પણ તેનો અમલ કરવામાં આવ્યો હતો. તેમજ ટેકનોલોજિકલ સુધારાઓ દાખલ કરવામાં આવ્યા અને ખેતી વિષયક નવી વ્યૂહ રચના અપનાવવામાં આવી તેને પરિણામે 1966-67 માં ખેતીક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા વધવા પામ્યા. જે હરિયાળીક્રાંતિને નામે ઓળખાય છે. “કૃષિક્ષેત્રે બિયારણની સુધારેલીજાતો,ખાતરોનો વધેલો વપરાશ ,સિંચાઇની સવલતોમાં વધારો અને ઉચ્ચ્તર ખેતપ્રક્રિયા આ સાથે ખેતીક્ષેત્રે ટેકનોલોજિકલ વિકાસ અને સંસ્થાગત પરિવર્તનોની જે હરણફાળ ભરી છે જેને હરિયાળીક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે.”
ભારતમાં હરિયાળીક્રાંતિ શરૂ કરવાનો શ્રેય નોબલ પુરસ્કાર વિજેતા પ્રોફેસર નારમન બોરલોગ , કૃષિ વૈજ્ઞાનિક એમ.એસ. સ્વામીનાથન અને તત્કાલીન આઇ.સી,એસ./આઇ.એ.એસ. અધિકારીઓ તેમજ સરકારની પ્રતિબધ્ધતાના ફાળે જાય છે.
ભારતમાં હરિયાળીક્રાંતિના ફળ સ્વરૂપ દેશના કૃષિક્ષેત્રમાં મહત્વપૂર્ણ પ્રગતિ થઇ કૃષિ પાકોમાં થયેલ ગુણાત્મક સુધારના પરિણામે દેશમાં કૃષિઉત્પાદન વધ્યું અનાજમાં સ્વનિર્ભર બન્યા,વ્યવસાયિક ખેતીને ઉત્તેજન મળ્યું ,ખેડૂતોના દષ્ટિકોણમાં બદલાવ આવ્યો છે.ભારતમાં ખેતીક્ષેત્રમાં આવેલા ટેકનોલોજિકલ અને સંસ્થાગત પરિવર્તનો આ પ્રમાણે છે.
- ભારતમાં રાસાયણિક ખાતરોના વપરાશમાં ખુબ જ ઝડપી વધારો થયો છે. 1960-1961માં રાસાયણિક ખાતરનો પ્રતિહેકટર 2 (બે) કિલોગ્રામ થતો હતો જે 2008-2009 માં વધીને 128.6 કિલોગ્રામ પ્રતિ હેકટરે થયો હતો.
- દેશમાં વધુ ઉપજ આપતા સુધારેલા બિયારણોનો ઉપયોગ વધ્યો છે. તેમજ બિયારણોની વધુ ઉપજ આપતી જાતોની શોધ થવાના કારણે કૃષિક્ષેત્રે ઉત્પાદનમાં ધરખમ વધારો થયો.કપાસ, ઘઉ,ધાન,બાજરી, મકાઇ અને જુવાર જેવા પાકોમાં સૌથી વાધારે સફળતા મળી પરંતુ તેલિબિયામાં હજુ જોઇએ તેટલી સફળતા મળી નથી.
- આઝાદી પછી દેશમાં સિંચાઇ સુવિધાઓમાં ઝડપી વિસ્તાર કરવામાં આવ્યો 1951માં દેશમાં કુલ સિંચાઇ ક્ષમતા 223 લાખ હેકટર હતી જે વધીને 2009માં 1,073 લાખ હેકટર થઇ હતી.
- પાક સંરક્ષણ : એક અંદાજ મુજબ દેશમાં થતા કુલ કૃષિઉત્પાદન ના 15-20 % ઉત્પાદન વિવિધ પ્રકારના જીવ-જંતુ ,કિટાણુઓ નાશ કરી નાખે છે.જેથી પાક સંરક્ષણ માટે મોટાપ્રમાણમાં જંતુનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવે છે. તેમજ નિંદામણ નાશક દવાઓનો બહોળા પ્રમાણમાં હાલમાં ઉપયોગ થાય છે. 1993-1994માં 750 હજાર ટન જંતુનાશક દવાઓનો ઉપયોગ થયો હતો વર્તમાનમાં સંકલિત કૃષિપ્રબંધના અંતર્ગત પરિસ્થિતિના અનુકુળ “ કૃમિનિયંત્રણ કાર્યક્રમ” ચાલુ કરવામાં આવ્યો છે.
- બહુપાક પધ્ધતિ- એક જ જમીન પર વર્ષમાં એક થી વધારે વખત પાકનું વાવેતર કરીને ઉત્પાદન વધારવું જેને બહુપાક પધ્ધતિ કહેવામાં આવે છે. બિયારણની નવીજાતો વધુ ઉતાર આપે અને સમયના ઓછા ગાળામાં પરિપકવ થાય એવા પ્રકારના સંશોધનને લીધે હવે વર્તમાન સમયમાં ભારતની કુલ પિયત જમીનના 71% ભાગમાં બહુપાક પધ્ધતિ અમલમાં છે.
- યાંત્રિકરણ- કૃષિક્ષેત્રમાં યાંત્રિકરણ અને આઘુનિક ઉપકરણો દાત- ટ્રેકટર , થ્રેશર ,હાર્વસ્ટર,જે.સી.બી.,તથા ડિઝલ ,અને વિજળી પંપસેટ,દવાછાંટવાના આધુનિક પંપ , ક્રોપ કટર ,ધાસકટર વગેરે કૃષિક્ષેત્રમાં ઉત્પાદન વધારવામાં મહત્વનું યોગદાન આપ્યું છે. તેમજ પશુઓ અને માનવશક્તિના ઉપયોગથી કૃષિક્ષેત્રની ઉત્પાદક્તામાં અભુતપૂર્વ વધારો થયો
- ખેડૂતોમાં વ્યવસાયિક સજ્જતા વિકસિત કરવાના ઉદેશથી દેશમાં કૃષિસેવા કેન્દ્ર સ્થાપના કરવામાં આવી. અત્યાર સુધી માં 1,314 કૃષિસેવા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી.
ભારતમાં હરિયાળીક્રાંતિની અસરો – (પ્રગતિ)
- હરિયાળીક્રાંતિનો સૌથી વધુ લાભ એ થયો છે કે દેશમાં પાકોનું ક્ષેત્રફળમાં વૃધ્ધિ ,કૃષિ ઉત્પાદન તથા ઉત્પાદકતામાં વધારો થયો છે .ખાસ કરીને ઘઉ,મકાઇ ,બાજરી,કપાસમાં સૌથી વધારે ઉત્પાદન વધ્યું હતું. જેના પરિણામ સ્વરૂપ અનાજમાં ભારતે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરીછે. 1951-52 માં દેશમાં ખાધાન્નો નું કુલ ઉત્પાદન 5.09 કરોડ ટન હતું જે ક્રમશ: વધીને 2009 માં 23.38 કરોડ ટન થયું.
- સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, ઉત્તમ સિંચાઇ , તથા મશીનો અને યંત્રો ના ઉપયોગથી ઉત્પાદનમાં વધારો થવાથી ખેડૂતોની બચતોમાં નોંધપાત્ર વધારો થયો.જેને દેશના વિકાસના કામમાં લગાવી શકાય છે.
- ખેતીના આધુનિકરણથી હવે ખેતીમાં ઉધોગોમાં બનાવેલ યંત્રો , રાસાયણિક ખાતરો, દવાઓ વગેરેની માંગમાં મોટા પાયે વધારો થયો તેમજ કૃષિ આધારિત ઉધોગોનો વિકાસ થવાથી દેશના આર્થિક વિકાસમાં વધારો થયો છે.
- કૃષિક્ષેત્રના વિકાસથી બિયારણ સંશોધન, રાસાયણિક ખાતરો બનાવતા ઉધોગો, જંતુનાશક દવાઓ બનાવવાના ઉધોગો, બાયોફર્ટિલાઇઝરના ઉધોગો ,સેન્દ્રિયખાતરો બનાવવા, નેટહાઉસ, ગ્રીનહાઉસ ,આધુનિક યંત્રો, મોટરપંપસેટ,ટ્પક સિચાઇ ના ઉધોગો વગેરે માં રોજ્ગારીની તકોમાં મોટા પ્રમાણમાં વધારો થયો છે તેમજ ખેતીક્ષેત્રે ખેત મજૂરોનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
- હરિયાળીક્રાંતિના પરિણામે ઉત્પાદન વધતા કૃષિ અધિશેષમાં વધારો થવાથી ખેડૂતો ,સરકાર,તથા જનતા બધામાં એવો વિશ્વાસ પેદા થયો છે કે ભારત કૃષિપેદાશોમાં આત્મનિર્ભરજ જ નહીં પણ નિકાસ પણ કરી શકે છે.
- દેશની વધતી જતી વસ્તીની ખાધાન્ન જરૂરિયાતોને પહોંચી વળવા તેમજ વધતા જતા ફૂગાવાને નિયંત્રણમાં રાખવા કૃષિ પેદાશોમાં થયોલો વધારો સહાયરૂપ થયો છે.
- નવી ટેકનોલોજીના ઉપયોગથી ઉત્પાદકતા અને આવકમાં વધારો થવાથી ગ્રામ વિસ્તારોની આર્થિક આબાદીમાં વધારો થયો છે. ખેડૂતોની આર્થિક સ્થિતી સુધરી છે જેને પરિણામે ગ્રામિણક્ષેત્રમાં ફ્રિજ,ટીવી, વિશિંગમશીન ,કાર વગેરેની માંગમાં વધારો થયો છે.
- પંજાબ, હરિયાણા,યુ.પી,ગુજરાત, વગેરે સમૃધ્ધ ખેડૂતોના પ્રદેશો બન્યા છે. આ ખેડૂતો પોતાની કૃષિ બચતોને અન્યત્ર રોકી મૂડીસર્જનની પ્રક્રિયાને વેગ મળ્યો છે.
- કૃષિક્ષેત્રે કૃષિક્ષેત્રે ટપકસિંચાઇ પધ્ધતિ આવતાં પાણીનો બચાવ, ખાતરનોબચાવ અને ખેડ અને નિંદામણની મજુરીમાં બચાવ થતાં ખેડૂતોની વાસ્તવિક આવકમાં વધારો થયો છે.
- હરિયાળીક્રાંતિ આવતાં પાકની તરેહમાં બદલાવ આવ્યો. ખેડૂતો પરંમ્પરાગત પાકોમાંથી શાકભાજી,ફળો,રોકડીયાપાકો,અને ફૂલોના પાકો તરફ વળ્યા છે.
દશા (અધોગતિ)
- કોઇપણ ક્રાંતિ એ અચાનક આવતી સર્વ વ્યાપી ઘટના હોય છે.શરૂઆતમાં માત્ર ઘઉં ,મકાઇ ના ઉત્પાદન માં વધારો જોવા મળ્યો અન્ય તેલીબીયાં જેવી કૃષિપેદાશોમાં જોઇએ એવી સફળતા મળી નથી.
- હરિયાળીક્રાંતિનો લાભ સિંચાઇની સગવડતાવાળા વિસ્તારો પંજાબ, હરીયાણા, યુ.પી., ગુજરાત જેવા રાજ્યોને જ મ્ળ્યો છે. બાકીના રાજ્યોની ભૌગોલિક પરિસ્થિતી જુદી હોવાથી લાભ મળ્યો નથી. દાત. અસમ 5% સિંચાઇ હેઠળ જમીનધરાવે છે દેશના બાકીના રાજ્યો 30-50 % સિંચાઇ હેઠળનો જમીન વિસ્તાર છે તેમજ પ.બંગાળ અને બિહારમાં વસ્તીગીચતા વધારે હોવાથી આ રાજ્યોમાં ગરીબીમાં વધારો થયો છે. તેમજ પ્રાદેશિક અસમાનતામાં વધારો થયો છે.
- નવી ટેકનોલોજીનો લાભ માત્ર ધનિક ખેડૂતોનેજ મળ્યો જેને પરિણામે ગ્રામિણ વિસ્તારોમાં શાહુકારોની જેમ સ્થાપિત હિતો ઉભા થયાં છે.
- ખાનગીકંપનીઓ હવે કૃષિક્ષેત્રમાં આવતાં ગ્રામિણક્ષેત્રની મહામુલી વધુ કૃષિ ઉત્પાદન આપતી જમીન ગરીબ ખેડૂતો પાસેથી સુનિયોજીત રીતે જમીનસુધારાઓનો સરેઆમભંગ કરીને નજીવી કિંમતે પચાવી પાડ્યાના બનાવોમાં વધારો થયો છે. જેના પરિણામે સિંચાઇ હેંઠળની જમીનો કંપનીઓ પાસે જતાં વધુ પેદાશ આપતી જમીનનું પ્રમાણ ઘટવા લાગ્યું છે.
- વરસાદ આધારિત ખેતીને સિંચાઇ હેંઠળ લાવવામાં આવે તો ગરીબીમાં ઘટાડો લાવી શકાય તેમ છે દાત. મયુરભંજ (ઓડીસા) ના વરસાદ આધારિત ગામમાં 1 દિવસની ખેતમજૂરી (2011) 40-50 રૂ. હતી. જ્યારે સિચાઇવાળી જમીનમાં સાબરકાંઠા (ગુજરાત ) ના ગામોમાં 100-150 રૂ ખેત- મજુરી મળે છે.
- ડો.વી.કે.આર. વી.રાવ ના મત પ્રમાણે "એ વાત હવે સર્વવિદિત છે કે હરીયાળીક્રાંતિ જેને દેશમાં ખાધાન્નોના ઉત્પાદનમાં વધારવામાં સહાયતા કરી છે,જેની સાથે ગ્રામિણ ક્ષેત્રમાં આવકની અસમાનતા વધી ઘણા નાના ખેડૂતોને એમના જમીન માલીકીના અધિકારો છોડવા પડ્યા છે. અને ગ્રામિણ ક્ષેત્રોમાં સામાજિક અને આર્થિક તણાવ વધ્યા છે."
- ” કેન્સર એક્સપ્રેસ” દેશમાં એક ટ્રેન એવી પણ ચાલે છે જેનુ નામ કેન્સર એકપ્રેસ છે આ ટ્રેન પંજાબના ભટિંડા થી બીકાનેર સુધી જાય છે જેમાં હરરોજ કેન્સર ના લગભગ 70 યાત્રી મુસાફરી કરે છે, આ છે હરિયાળીક્રાંતિની બરબાદી. જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના બેફામ ઉપયોગ અહીંના કિસાનોને કેન્સરગ્રસ્ત બનાવે છે આ વિસ્તારોમાં પ્રતિહેકટર 177 કિલો રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છે એક અધ્યયનથી ખબર પડી છે કે પંજબના માલવા વિસ્તારમાં પાણી,માટી,અનાજ,શાકભાજીમાં યુરેનિયમ તથા રેડોનના તત્વ મળ્યાં છે જે માનવ,પશુ,પક્ષીના આરોગ્યમાટે ખુબજ હાનીકારક છે. ભટિંડા “કોટનબેલ્ટ “થી ઓળખાય છે પંજાબ રાજ્યના રાસાયણિક ખાતર,અને જંતુનાશક દવાઓના કુલ વપરાશનું 80% વપરાશ આ ક્ષેત્રમાં થાય છે પાછલા કેટલાક વર્ષોમાં કેન્સરથી અને કૃષિઋણ ના કારણે ખેડૂતોના આત્મહત્યાના મામલા બહાર આવ્યા છે.
- મહારાષ્ટ્રના વિદર્ભ માં, યુ.પી.,ના કેટલાક જિલ્લાઓમાં પાક નિષ્ફળ જવાના કારણે દેવું વધતા ખેડૂતોએ આત્મહત્યાઓ કરી છે ઘણાય પરિવારો બરબાદ થયા છે.
- હરિયાળીક્રાંતિના પ્રભાવવાળા ગુજરાતમાં પણ બટાકા,ટામેટા, પપૈયા,તરબુચ પકવતા ખેડૂતો મોટા પ્રમાણમાં મોંઘાદાટ રાસાયણિક ખાતરો,જંતુનાશક દવાઓનો ઉપયોગ કરતા થયા છે તેમજ આ પાકો સમયના ટુંકાગાળામાં પાકતા હોવાથી આરોગ્ય માટે હાનિકારક છે. શું આપણે પણ પંજાબના ભટિંડાના રસ્તે નથી જઇ રહ્યા? આપણે પ્રજાના આરોગ્ય સાથે રમતતો નથી રમી રહ્યાને?
- ભારતનાં અમેરીકાથી આયાત કરેલ બી.ટી. કપાસના વાવેતરમાં વધારો થતાં કપાસના ઉત્પાદનમાં વધારો થયો પરંતુ આવા બિયારણો શરૂઆતમાં વધુ ઉત્પાદન આપતા હતા. પણ સમય જતાં આ બીયારણોની ઉત્પાદક્તા ઘટી છે કિટકો સામે બિન અસરકારક રહેતાં કંપનીઓએ ડબલ બીટી અને હવે ત્રિપલ બી.ટી. કપાસના બિયારણો આવી રહ્યા છે આવા બિયારણો સમય ના લાંબાગાળે જમીનની ફ્ળદ્રુપતા ઘટાડી નાખે છે તેથી અન્ય પાકોનું ઉત્પાદન ઘટ્યું છે.
- જી.એમ.ઓ બિયારણો એ ભારતીય પરંપરાગત બિયારણો માટે યમદૂત સમાન છે કારણકે સ્થાનિક રીતે સ્વિકારવામાં આવલાં બીજ આવશ્યક વારસો છે જે તાજેતરના વર્ણ શંકર પાકો અને જી.એમઓના કારણે ભવિષ્યમાં ભૂલાઇ જશે આ ક્ષેત્રોમાં આવેલા આવા બિયારણો થી સ્થાનિક જમીનની જાતો સાથેના ક્રોસ- પોલિનેશનનું જોખમ ઉભું થાય છે. આથી જી.એમ.ઓ. જમીનની જાતોની સ્થિરતા અને સંસ્કૃતિના વંશીય વારસા સામે એક ખતરા સમાન છે.
- જી.એમ.ઓ બિયારણો ફરીથી બીજા વર્ષે વાવેતરમાં ઉપયોગ થતો ન હોવાથી ખેડૂતોને હરીથી નવ મોંઘાભાવના બિયારણો ખરીદવા પડેછે જેથી ખેડૂતોને આર્થિક ભારણ વધે છે.
- હરિયાળીક્રાંતિના પરિણામ સ્વરૂપ ઉત્પાદન વધતા કૃષિપેદાશોના વ્યાજબીભાવ ખેડૂતોને મળતા નથી તેના માટે ભારતા દેશની કૃષિ પેદાશોના ભાવ નક્કી કરવાની પધ્ધતિ ખામી ભરેલી છે પરિણામે ખેડૂતો કરતાં વચોટિયા થોડા સમયમાં વધારે કમાણી કરે છે.
આમ, ભારત સરકાર હરિયાળીક્રાંતિના વિઘાતક પરિબળો અને પરિણામોથી જાગૃત થઇ કોઇ ઠોંસ પગલા નહીં લે તો ભવિષ્યમાં જેટલા વેગથી હરિયાળીક્રાંતિથી દેશની પ્રગતિ થઇ છે તે અધોગતિમાં પરિણમતાં વાર નહીં લાગે.
***************************************************
પ્રા. એચ.વી. પટેલ
અર્થશાસ્ત્ર સરકારી વિનયન કોલેજ ,બાયડ,જિ- અરવલ્લી
M- 9427059160
|