ભારતમાં આદિમજૂથોની આર્થિક-સામાજિક ઉપેક્ષાની વ્યૂહાત્મક નિર્દેશકોના સંદર્ભમાં તપાસ
પ્રસ્તાવના::
‘વસુદેવ કુટુમ્બકમ્’ ની સંસ્કૃતી અને લોકશાહી શાસન ધરાવતા ભારત દેશમાં સૌના વિકાસની અવધારણા કરવામાં આવેલ છે. તે માટે બંધારણમાં માનવ અધિકારોથી લઇને સલામતી સુધીની જોગવાઇઓ પર સૌને અધિકાર આપવામાં આવેલ છે. ઉપરાંત જે સામાજિક વર્ગોના વિકાસ માટે વિશેષ આર્થિક પરીબળની જરૂરિયાત છે, તેવા વર્ગો માટે બંધારણમાં વિશેષ જોગવાઓ કરેલ છે. આવા વર્ગોમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ તથા સામાજિક આર્થિક રીતે પછાત જાતિઓનો સમાવેશ કરી શકાય. આર્થિક વિકાસની બાબતમાં અન્ય વર્ગો કરતા આદિવાસી સમુદાયની વધુ ઉપેક્ષા થયેલી જણાય છે. જો કે ભારતીય બંધારણમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિઓના આર્થિક, સામાજિક, શૈક્ષણિક વિકાસ માટે કલમ-46, કલમ-275(1), કલમ-330, 332, કલમ-332,335 અને 340 અન્વયે અનામત, સામાજિક ન્યાય, શોષણ સામે રક્ષણ, સાક્ષરતાનો દર ઊંચો લઇ જવો, આરોગ્યની સારી સગવડો મળે તથા આર્થિક સેવાઓ પૂરી પાડવી વગેરે જોગવાઇઓ કરી છે. તેમ છતા આઝાદીનાં 65 વર્ષે પણ આદિવાસીઓ સાપેક્ષ રીતે નબળા રહ્યા છે. સામાજિક-આર્થિક રીતે તેમના વિકાસની ઉપેક્ષા થતી રહી છે.
સામાજિક ઉપેક્ષા(Social Exclusion) ની સ્થિતિને સામાજિક વર્ગ, જાતિ, લિંગ-ભેદ, વિસ્તાર, સ્થળ વગેરે ગુણધર્મોને આધારે વ્યાખ્યાયિત કરી શકાય તે અનુસાર પ્રસ્તુત સંશોધનલેખમાં ભારતનાં આર્થિક-સામાજિક રીતે નબળા રહી જવા પામેલ આદિવાસી સામાજિક વર્ગનો ઉપેક્ષિત વર્ગ તરીકે અભ્યાસ કરવામાં આવેલ છે. આદિવાસી(અનુસૂચિત જન જાતિ)ઓની વિવિધ નિર્દેશકોનાં સંદર્ભમાં અન્ય સામાજિક વર્ગો સાથેની તુલના દ્વારા તેમની ઉપેક્ષાને તપાસવામાં આવી છે. આ માટે મુખ્યત્વે પાંચ નિર્દેશકો જેવા કે, (1)ગરીબી (2) શિક્ષણ (3) બાળ મૃત્યુ દર (4) તબીબી પ્રસૂતિ સવલતોની પ્રાપ્તી (5) રોજગારી વગેરેના સંદર્ભમાં આદિવાસીઓની સ્થિતિનો અભ્યાસ કરવામાં આવેલ છે. આ પાંચે નિર્દેશકોને વિગતે તપાસીએ..
(1) ગરીબી
સામાન્ય રીતે ગરીબીનો ખ્યાલ સાપેક્ષ છે. સમાજમાં મોટાભાગના લોકો જે જીવનધોરણ ભોગવતા હોય તે જીવનધોરણથી વંચિત લોકો ગરીબ ગણાય. ઉપરાંત નિરપેક્ષ ખ્યાલ અનુસાર જે વ્યક્તિ જીવનની પ્રાથમિક જરૂરીયાતો સંતોષવા જેટલું પણ ખર્ચ કરી શકતી ન હોય અથવા આવક મેળવી શકતી ન હોય તેમને ગરીબ ગણવામાં આવે છે. ભારતમાં મુખ્યત્વે સાપેક્ષ અને નિરપેક્ષ એમ બંને પ્રકારની ગરીબી જોવા મળે છે. ભારતમાં ગરીબી રેખા નીચેની વસ્તીમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જન જાતિ તથા સામાજિક આર્થિક રીતે પછાત જાતિઓની વસ્તીનો હિસ્સો સૌથી વધુ છે. જે અંગેનુ ચિત્ર કોષ્ટક-1માં જોઇ શકાય..
કોષ્ટક-1: ગરીબીનું પ્રમાણ દર્શાવતું કોષ્ટક.
સ્રોત:- Poverty and Social exclusion in india.2011. The World bank, Washington, D.C.
ગરીબી સામાજિક ઉપેક્ષાનું એક એવું માપદંડ છે કે જેની અસર જીવનધોરણ, શિક્ષણ, આરોગ્ય તથા સામાજિક દરજ્જા પર પણ પડતી હોય છે. સામાન્ય રીતે ગરીબીની બાબતમાં આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો સાપેક્ષ રીતે વધુ ઉપેક્ષિત જોવા મળે છે. ઉપરોક્ત કોષ્ટકમાં બતાવ્યા અનુંસાર ભારતમાં 1983-84માં 45.6 ટકા ગરીબીનું પ્રમાણ હતું, જે 2004-05 માં ઘટીને 27.3 ટકા થવા જાય છે એટલે કે તેમાં 40 ટકા ઘટાડો જોવા મળે છે. પરંતુ એની સામે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જન જાતિઓની ગરીબીમાં ઘટાડાનો દર અન્ય વર્ગોની તુલનાએ ઓછું છે. એનો અર્થ ST,SC વર્ગોને ગરીબીમાંથી બહાર લાવવાનાં ઉપાયો બાબતે તેમની ઉપેક્ષા થતી જણાય છે. ખાસ કરીને આદિવાસીઓમાં 2004-05ની માહિતી અનુંસાર હજુ 43.8 ટકા ગરીબી જોવા મળે છે. જે અનુસૂચિત જાતિ કરતા પણ વધુ છે. આમ, ગરીબીની બાબતમાં આદિવાસી વર્ગની સૌથી વધુ ઉપેક્ષા થતી જણાય છે.
2) શિક્ષણ
શિક્ષણ સક્ષમ સમાજ રચનાનો પાયો છે. આ પાયો મજબૂત હશે તો તેના આધાર પર વિકાસનાં અન્ય સોપાનો સર કરવા શક્ય બનશે. આથી શિક્ષણને સામાજિક-આર્થિક વિકાસની ગુરુ ચાવી કહી છે. ભારતીય બંધારણમાં સામાજિક આર્થિક પરીવર્તન માટે શિક્ષણને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બંધારણની કલમ-29,30,45 અને 46 માં 14 વર્ષ સુધીનાં બાળકોને ફરજિયાત અને મફત શિક્ષણ આપવાની જોગવાઇ કરવામાં આવેલ છે. આમ, છતા સમાજનાં નીચલા વર્ગ સુધી સમાંતર ધોરણે શિક્ષણ પહોંચી શક્યું નથી. જે નીચેનાં કોષ્ટક પરથી જાણી શકાય.
કોષ્ટક-2 : ભારતમાં સાક્ષરતા દર દર્શાવતો કોષ્ટક.
સ્રોત:- વસ્તી ગણતરી અહેવાલો-1961 થી 2001.
ભારતમાં કુલ સાક્ષરતા દરની સાથે આદિવાસીઓના સાક્ષરતા દરની સરખામણી કરતા શિક્ષણની દ્રષ્ટિએ આદિવાસીઓની થયેલી ઉપેક્ષાનો અંદાજ મેળવી શકાય છે. ઉપરોક્ત કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ 1961 થી 2001નાં સમયગાળામાં દેશની કુલ સાક્ષરતા કરતા આદિવાસીઓમાં જોવા મળતો સાક્ષરતા દર ઓછો છે. 1961માં કુલ સાક્ષરતા દર 24.02 ટકા હતું, જે 2001 માં વધીને 64.8 ટકા થયું છે. જ્યારે આદિવાસીઓમાં આ સાક્ષરતા દર 1961માં 8.55 ટકા હતું તે 2001માં વધીને 47.10 ટકા થયું છે, જે કુલ સાક્ષરતા પ્રમાણ કરતાં ઓછું છે. આમ, શિક્ષણની દ્રષ્ટિએ પણ આદિવાસીઓની ઉપેક્ષા થયેલી જણાય છે.
3) બાળ-મૃત્યુ દર
સામાજિક ઉપેક્ષાની દ્રષ્ટિએ બાળ મૃત્યુનું પ્રમાણ પણ ખૂબજ મહત્વનું નિર્દેશક ગણી શકાય. કારણ કે આ નિર્દેશકને આધારે એમ અનુંમાન કરી શકાય કે જે સામાજિક વર્ગમાં બાળમૃત્યુનું પ્રમાણ વધુ છે, તે સામાજિક વર્ગોને પૂરતી અન્ન સલામતી મળતી નથી, કુપોષણનું વધુ પ્રમાણ, સગર્ભા મહિલાઓમાં કુપોષણ, સગર્ભા મહિલાઓને પોષણ માટેની સરકારી યોજનાઓનાં લાભોની બાબતમાં ઉપેક્ષા(ભેદભાવ), તબીબી સવલોથી વંચિત વગેરે બાબતે તેમની ઉપેક્ષા થતી હોય છે. આ બાબતે કયા વર્ગની ઉપેક્ષા થઇ છે, તે કોષ્ટક-3 પરથી જાણી શકાય.
કોષ્ટક-3 : વિભિન્ન સામાજિક વર્ગોમાં બાળ મૃત્યુનું પ્રમાણ
સ્રોત:- Poverty and Social exclusion in india.2011. The World bank, Washington, D.C.
ભારતમાં 2008-09 માં 22.5 ટકા જન્મ દર અને 7.3 ટકા મૃત્યું દરનું પ્રમાણ છે. જ્યારે બાળ મૃત્યુંનું પ્રમાણ 53 છે. ઉપરોક્ત કોષ્ટક અનુંસાર 2004-05 ની સ્થિતિ મુજબ ભારતનાં આદિવાસીઓમાં કુલ બાળ મૃત્યુ પ્રમાણનાં 13.9 ટકા (5 વર્ષ સુધીનાં બાળકોમાં) છે. ભારતના કુલ બાળ મૃત્યું પ્રમાણમાં OBC નો હિસ્સો સૌથી વધુ જોવા મળે છે. કુલ બાળ મૃત્યુ પ્રમાણમાં આદિવાસીઓનો હિસ્સો સાપેક્ષ રીતે નીચો જણાય છે. અહિ સૌથી વધુ ઉપેક્ષિત વર્ગમાં OBC નો સમાવેશ કરી શકાય.
4) તબીબી પ્રસુતિ સારવારની પ્રાપ્તિ
બાળ મૃત્યુંના ઊંચા દર માટે કુપોષણ ઉપરાંત તબીબી પ્રસુતિ સવલતોની પ્રાપ્યતાનો અભાવ વગેરે કારણ પણ જવાબદાર ગણી શકાય. તેથી તબીબી પ્રસુતિ સારવાર બાબતે જુદા જુદા સામાજિક વર્ગોમાં જોવા મળતી અસમાનતા પણ સામાજિક ઉપેક્ષાનું મહત્વનું નિર્દેશક ગણી શકાય. આમ, તબીબી પ્રસુતિની સારવાર પ્રાપ્તિ બાબતે કયા સામાજિક વર્ગોની કેટલા પ્રમાણમાં ઉપેક્ષા થઇ છે, તે નીચેનાં કોષ્ટક પરથી જાણી શકાય.
કોષ્ટક-4 : સામાજિક વર્ગોમાં તબીબી પ્રસુતિ સવલતોની પ્રાપ્તિ.
સ્રોત:- Poverty and Social exclusion in india.2011. The World bank , Washington, D.C.
ઉપરોક્ત કોષ્ટક-4 પરથી જાણી શકાય છે કે, સામાન્ય વર્ગની સરખામણીમાં SC, ST અને OBC માં પ્રસુતિ સારવાર પ્રાપ્ત કરતી મહિલાઓનું પ્રમાણ ઓછું જોવા મળે છે. એટલે કે આ ત્રણે વર્ગોની અન્ય સામાન્ય વર્ગની સરખામણીમાં ઉપેક્ષા થયેલી જણાય છે. આ ઉપરાંત ત્રણે ઉપેક્ષિત વર્ગો પૈકી આદિવાસી વર્ગની સૌથી વધુ ઉપેક્ષા થયેલી જણાય છે, કારણ કે કુલ સગર્ભા આદિવાસી મહીલાઓ પૈકી માત્ર 40.5 ટકા મહિલાઓએ ત્રણ કે તેથી વધુ Antenatal visits લીધેલ છે, 32.2 ટકા મહિલાઓએ સગર્ભાવસ્થા દરમિયાન ડોકટરી સારવાર લીધેલ છે. તથા 54.8 ટકા મહિલાઓએ ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરેલ છે, જે પ્રમાણ અન્ય વર્ગોની સગર્ભા મહિલાઓની ટકાવારી પ્રમાણ કરતાં સૌથી ઓછું છે. આ માટે આદિવાસી મહિલાઓમાં તબીબી પ્રસુતિ સવલતો અંગેની જાગૃતતા તેમજ જાણકારીનો અભાવ, આર્થિક સંકળામણ, સ્થાનિક કક્ષાએ સવલતોનો અભાવ, સમયસર આવન-જાવન માટે વાહનવ્યવહારનો અભાવ વગેરે વંચિતતાઓ તથા કૌટુંબિક અસ્વીકૃતી જવાબદાર ગણી શકાય.
5) રોજગારી
ઉપેક્ષિત સામાજિક વર્ગોના આર્થિક પછાતપણા માટે આ વર્ગોની એકંદર આર્થિક સ્થિતિ જવાબદાર છે, અને આર્થિક સ્થિતિ માટે રોજગારીની તકો તથા રોજગારીની તકો માટે શિક્ષણ જવાબદાર છે. આમ સામાજિક વર્ગોની આર્થિક ઉપેક્ષા માટે શિક્ષણ પાયાનો નિર્દેશક છે. કોષ્ટક-2 અનુસાર ઉપેક્ષિત વર્ગોમાં ખાસ કરીને આદિવાસીઓમાં શિક્ષણનું પ્રમાણ સાપેક્ષ રીતે ઓછું છે. શિક્ષણનું પ્રમાણ ઓછું હોવાથી તેઓને સંગઠિત ક્ષેત્રોમાં રોજગારી મેળવવી મુશ્કેલ હોય છે.
કોષ્ટક-5 : વિવિધ સામાજિક વર્ગોમાં રોજગારીની ટકાવારી.
સ્રોત:- Poverty and Social exclusion in india.2011. The World bank, Washington, D.C.
ભારતના વિવિધ સામાજિક વર્ગોમાં રોજગારીનું સ્વરૂપ તપાસતા સ્પષ્ટ થાય છે કે, ભારતમાં આદિવાસી પુરૂષો સાપેક્ષ રીતે સૌથી વધુ કૃષિક્ષેત્રમાંથી સ્વરોજગારી મેળવે છે. જેમા 1983-84 થી 2004-05 દરમિયાન ઉત્તરોતર ઘટાડો જોવા મળે છે. 1983-84માં 42.3 ટકા પુરૂષો ખેતીક્ષેત્રે રોજગારી મેળવતાં જે પ્રમાણ 2004-05 માં ઘટીને 34.6 ટકા થયું છે. જ્યારે આદિવાસી સ્ત્રીઓમાં આ પ્રમાણ પુરૂષોની સરખામણીમાં ઓછું છે. જો કે રોજગારીની દ્રષ્ટએ બિનઆદિવાસી મહિલાઓનું ટકાવારી પ્રમાણ સૌથી વધુ છે. એનું કારણ આ વર્ગનાં કુટુંબો આર્થિક રીતે સધ્ધર હોવાને કારણે સ્ત્રીઓ મોટાભાગે ઘરકામમાં જોડાયેલી રહે છે.
અનુસૂચિત જાતિની કુલ કામ કરતી વસ્તી પૈકી મોટાભાગની વસ્તી છુટક મજૂરીનાં કામમાં રોકાયેલ છે. આદિવાસીઓમાં ખેતીક્ષેત્રે સ્વરોજગારીનું સાપેક્ષ પ્રમાણ વધુ છે, જે બાબત તેમની અન્યત્ર રોજગારી મેળવવાની અશક્ષમતા અને આર્થિક નબળાઇનો નિર્દેશ કરે છે. જો કે પ્રવર્તમાન સમયમાં ખેડાણ ઘટકનું કદ ઘટતાં રોજગારી માટે આદિવાસી પ્રજાનો છુટક મજુરી તરફનો ઝોક દેખાય છે. એક મહત્વની બાબત એ જોવા મળે છે કે, કુલ કામદારો પૈકી સૌથી વધુ બેરોજગારોનું પ્રમાણ બિન આદિવાસીઓમાં જોવા મળે છે કારણ કે, બિનઆદિવાસી વર્ગ કેળવાયેલો અને ઊંચા વળતરની અપેક્ષાએ બેરોજગાર રહેવાનું પસંદ કરે છે. જ્યારે આદિવાસી ગરીબ વર્ગ બે ટંકનું ભોજન મેળવવા કોઇ પણ વ્યવસાય નીચા વેતને પણ કરતા હોય છે. આ બાબત પણ તેમની આર્થિક ઉપેક્ષાનો નિર્દેશ કરે છે.
આમ, ઉપરોક્ત કોષ્ટક પરથી સ્પષ્ટ કરી શકાય કે રોજગારીની બાબતમાં પણ આદિવાસીઓની અન્ય વર્ગોની સરખામણીમાં ઉપેક્ષા થયેલી જણાય છે. કાયમી નોકરી/ધંધામાં અને બિનકૃષિક્ષેત્રે રોજગારી મેળવવામાં આદિવાસી પ્રજાની આર્થિક ઉપેક્ષા વધુ નજરે પડે છે.
ઉપસંહાર : -
પ્રસ્તુત સંશોધનલેખમાં જાતિ આધારીત ઉપેક્ષિત વર્ગ તરીકે આદિવાસીઓ અને અન્ય પછાત આદિમજૂથોની આર્થિક-સામાજિક ઉપેક્ષાની મુખ્ય પાંચ વ્યૂહાત્મક નિર્દેશકોના સંદર્ભમાં તપાસ કરવામાં આવેલ છે. ગરીબી, શિક્ષણ, બાળ મૃત્યુ પ્રમાણ, પ્રસુતિ સવલતોની પ્રાપ્તિ તથા રોજગારી જેવા નિર્દેશકોનો અભ્યાસ કરતા આદિવાસીઓની અન્ય સામાજિક વર્ગોના સંદર્ભમાં ઉપેક્ષા થયેલી જણાય છે. જે અંગેનાં મુખ્ય તારણો નીચે મુજબ છે.
- ભારતમાં ગરીબીરેખા નીચેની કુલ વસ્તી પૈકી SC, ST માં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે.
- ઇ.સ.1983 થી 2004-05 ના ગાળા દરમિયાન દેશની કુલ ગરીબીમાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. પરંતુ તેની સામે SC, ST માં થયેલો ઘટાડો ઓછો છે, જે અનુક્રમે 35 ટકા અને 31 ટકા છે. તેથી એમ કહી શકાય કે, ગરીબી નિવારણ અંગેનાં ઉપાયોની બાબતમાં આદિવાસીઓની સૌથી વધુ ઉપેક્ષા થયેલી જણાય છે.
- ભારતમાં 1961 થી 2001નાં સમયગાળામાં કુલ સાક્ષરતા દર કરતા આદિવાસીઓમાં જોવા મળતો સાક્ષરતા દર ઓછો છે. જે શિક્ષણની દ્રષ્ટિએ આદિવાસીઓની ઉપેક્ષાનો નિર્દેશ કરે છે.
- ભારતમાં કુલ બાળ મૃત્યુના પ્રમાણમાં સૌથી વધુ ટકાવારી હિસ્સો OBC નો (39.6 ટકા) જોવા મળે છે. એની સામે SC, ST નો હિસ્સો અનુક્રમે 24.6 ટકા અને 13.9 ટકા છે. જેમા આદિવાસીઓનો હિસ્સો સૌથી ઓછો જણાય તેથી એમ કહિ શકાય કે, બાળ-મૃત્યુંની દ્રષ્ટિએ આદિવાસીઓ કરતા OBC વર્ગની વધુ ઉપેક્ષા થતી જણાય છે.
- ત્રણ કે તેથી વધુ Antenatal visits , ગર્ભ ધારણ પછી ડૉકટરી સારવાર અને ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ જેવી તબીબી પ્રસુતિ સવલતોની પ્રાપ્તિની બાબતમાં આદિવાસી મહિલાઓની સૌથી વધુ ઉપેક્ષા થતી જણાય છે, કારણ કે આદિવાસી મહિલાઓમાં આ ત્રણે સવલતોની પ્રાપ્તિ અન્ય તમામ વર્ગોની સાપેક્ષે સૌથી ઓછી છે.
- કુલ ગર્ભધારણ કરતી આદિવાસી મહિલાઓ પૈકી માત્ર 32.2 ટકા મહિલાઓએ જ ગર્ભધારણ પછી ડૉકટરી સારવાર લીધેલ છે, જે અન્ય સામાજિક વર્ગોની સાપેક્ષે ખુબ જ ઓછું છે.
- આદિવાસીઓમાં ખેતીક્ષેત્રે સ્વરોજગારીનું સાપેક્ષ પ્રમાણ વધુ છે, જે બાબત તેમની અન્યત્ર રોજગારી મેળવવાની અશક્ષમતા અને આર્થિક નબળાઇનો નિર્દેશ કરે છે. જો કે પ્રવર્તમાન સમયમાં ખેડાણ ઘટકનું કદ ઘટતાં રોજગારી માટે આદિવાસી પ્રજાનો છુટક મજુરી તરફનો ઝોક દેખાય છે.
- ભારતમાં આદિવાસીઓ અસંગઠીતક્ષેત્રો જેવા કે, ખેતી, ખેત મજુરી, છુટક મજુરી વગેરે વ્યવસાયોમાં નીચા વળતરે પણ કામ કરતા જોવા મળે છે. કાયમી નોકરી, વેપાર-ધંધોમાં તેઓનું પ્રમાણ નહિવત જોવા મળે છે. જે બાબત પણ અન્ય વર્ગોની સરખામણીએ આદિવાસીઓની ઉપેક્ષાનો નિર્દેશ કરે છે.
- અનુસૂચિત જાતિની કુલ કામ કરતી વસ્તી પૈકી મોટાભાગની વસ્તી છુટક મજૂરીનાં કામમાં રોકાયેલ છે.
આમ, વ્યૂહાત્મક નિર્દેશકોના સંદર્ભમા આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોની થયેલી સાપેક્ષ ઉપેક્ષા જોતા અનુંમાન કરી શકાય કે આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગોના વિકાસ માટેની ગરીબી નિવારણ યોજનાઓ, રોજગારી પૂરી પાડતી યોજનાઓ, આરોગ્ય, શિક્ષણ વગેરે સવલતોના લાભથી તેઓ હજુ પણ વંચિત રહ્યા છે. શા માટે આઝાદીનાં 65 વર્ષે પણ આદિવાસીઓની સ્થિતિમાં સુધારો થયો નથી ? અને ઉત્તરોતર તેમની ઉપેક્ષા થતી જણાય છે. તે એક મનોમંથન અને સંશોધનનો વિષય બની રહે છે.
સંદર્ભ સાહિત્ય::
- Poverty and Social exclusion in india.2011. The World bank, Washington, D.C.
- Employment and Unemployment Situation among Social Groups in India, 2004-05. NSS 61st Round, NSSO.2006.
- વસ્તી ગણતરી અહેવાલો-1961 થી 2001.
- જોષી, વિધુત.2009. આદિવાસી વિકાસ દર્શન, નવજીવન પ્રકાશન,અમદાવાદ.
***************************************************
કૈલાસ શા. ભોયે
મદદનીસ અધ્યાપક, અર્થશાસ્ત્ર વિભાગ,
મહાદેવ દેસાઇ ગ્રામસેવા મહાવિદ્યાલય,
ગૂજરાત વિદ્યાપીઠ, રાંધેજા,ગાંધીનગર.
E-mail : kailasbhoye22@gmail.com mob-9727868734
|