logo

સબલ્ટર્ન હીસ્ટ્રી - ઈતિહાસને જોવાનો નવો દ્રષ્ટિકોણ

પ્રાસ્તાવિક::

કોઈપણ શાસ્ત્રમાં શરૂઆતથી વિકાસની કક્ષા સુધી તેમાં પરિવર્તનો થતા રહે છે. ઈતિહાસ પણ એક શાસ્ત્ર હોવાથી તેનો એક જ પ્રકારે અર્થ કરી શકાય નહિ. ખરેખર તો ઈતિહાસની ભૂતકાળની ભૂમિકા જાણ્યા વિનાવર્તમાન સમજી શકતો નથી. માટે ઈતિહાસને ભૂતકાળ બનાવોનું શાસ્ત્ર કહેવાય છે. આમ, ઈતિહાસ લખવાની શરૂઆત થઈ જેને ઐતિહાસિક પદ્ધતિ તરીકે ઓળખવામાં આવી.જેમાં વિવિધ ઈતિહાસ લેખન પદ્ધતિનો સમાવેશ થાય છે.

ભૂતકાળ અપરિવર્તિત છે, પરંતુ તેની ચેતના વર્તમાન સાથે સંકળાયેલી છે. એટલે કે બદલાતાં જતાં વર્તમાનની સાથે ભૂતકાળ તરફ જોવાની દ્રષ્ટિ બદલાતી જાય છે. વર્તમાનની જરૂરિયાતો સંતોષવા અને વર્તમાનના બદલાવ મુજબ ઈતિહાસ લેખન થાય છે. ઈતિહાસ લેખનમાં સદીઓથી આવતારહેલાં પરિવર્તનો તેના પુરાવા છે. દંતકથા, લોકકથા, વાર્તા, યશોગાથા અને વ્યક્તિ વિશેષોથી શરૂ થયેલું ઈતિહાસ લેખન આજે વિજ્ઞાન અને ટેક્નોલોજિના ઈતિહાસ લેખન તરફ ગતિ કરી રહ્યું છે.બધું બદલાતાં જતાં વર્તમાનની નીપજ છે.

સબલ્ટર્નનો અર્થ

સબલ્ટર્ન અંગ્રેજી ભાષાનો શબ્દ છે. ૧૭માં સૈકામાં ઈગ્લેન્ડનાં લશ્કરમાં નીચલી પાયરીના અધિકારીઓ કે સૈનિકો ( Non commissioned or infiriar range ) માટે પ્રયોજાતો હતો. ૧૮મી સદીમાં શૈક્ષણિક સંદર્ભમાં તેનો વપરાશ શરૂ થયો. ૧૯મી સદીમાં ઈટાલીના માર્કસવાદી ચિંતક આંતાનીઓ ગ્રામસીએ સમાજશાસ્ત્રીય સંશોધનો બાદ સમાજવિજ્ઞાનમાં ચલણમાં આણ્યો હતો. તેઓએ આ શબ્દ સમાજના ગૌણ, દલિત,ઉત્પિડિત અને કચડાયેલા લોકો માટે ઉપયોગમાં લીધો છે. ૧૯૮૦નાં અરસામાં રણજિત ગુહાએ તેને ઈતિહાસમાં ચલણી બનાવ્યો. અને ઈતિહાસ લેખન પદ્ધતિમાં સબલ્ટર્ન સ્ટડીઝ કે હિસ્ટીરીયો ગ્રાફીનામની પદ્ધતિ આકાર પામી. તેમના ગ્રંથો Subaltern studies Reader (1986-1995), History at the limit of world history છે.

સબલ્ટર્ન હીસ્ટ્રી એટલે સર્વહારા વર્ગનો ઈતિહાસ, શોષિતોનો ઈતિહાસ, દબાયેલા અને કચડાયેલા ઓનો ઈતિહાસ, અધીનસ્થાનો ઈતિહાસ Subaltern history, History ofhistoryless, History form below, History of the oppressed, Plebeian history ’વગેરે તેના ગુજરાતી-અંગ્રજી પર્યાયવાચી નામો છે. આના અન્વયે દલિતો, આદિવાસીઓ, સ્ત્રીઓ, ખેતદાસો અને કારખાનાઓના મજૂરો વગેરેને ઈતિહાસલેખનમાં પ્રાધાન્ય અપાય છે.

સબલ્ટર્ન ઈતિહાસલેખન પદ્ધતિ

ઈતિહાસલેખનમાં બદલાયેલા વલણો દરમ્યાન ‘સબલ્ટર્ન ઈતિહાસલેખન પદ્ધતિ’ નામની પદ્ધતિ ૧૯૮૦ માં અસ્તિત્વમાં આવી. આ પદ્ધતિ દ્વારા છેવાડાના માણસના પુરુષાર્થને ઈતિહાસલેખનમાં લાવવાનો સંદર્ભ હતો. એટલેકે આ ઈતિહાસલેખન પદ્ધતિએ નીચેથી ઉપર જોવાનો અભિગમ વિકસાવવાની શરૂઆત કરી. શ્રી રણજિત ગુહા આ ઈતિહાસલેખન પદ્ધતિના પ્રયોજક હતા. જો કે ભારતના સંદર્ભમાં શ્રી કે. એસ. સિંઘને રણજિત ગુહાના પુરોગામી ગણી શકાય. કારણ કે તેમણે શ્રી ગુહા પૂર્વે ‘Birsamunda and his movement’નામના સંશોધનમાં આ પદ્ધતિએ ઈતિહાસલેખન કરેલું. તેમનું લેખન પરિણામલક્ષી પણ બનેલું, પરંતુ સનદી અધિકારી હોવાના નાતે ઈતિહાસકારો તેમના સંશોધનને વધાવી ન શક્યા. આ ઉપરાંત ડેવિડ હાર્ડીંમેન, દિપેશ ચક્રવર્તી, યાન બેમેન, જ્ઞાનેન્દ્ર પાંડે, શાહીદ અમીન, અજય સકારીયા, ડેવિડ આર્નોલ્ડ, એ.આર.દેસાઈ, શિરીન મહેતા, ઘનશ્યામ શાહ, મકરંદ મહેતા અને અરુણ વાઘેલા વગેરે સબલ્ટર્ન ઈતિહાસલેખનના નિષ્ણાંત ઈતિહાસકારો છે.

આ લેખન પદ્ધતિ મુજબ ઈતિહાસનું નિર્માણ એક સામૂહિક પ્રક્રિયા છે. ઈતિહાસના નિર્માણમાં કોઈપણ સમાજના માત્ર ભદ્રવર્ગની ભૂમિકા હોતી નથી. એ સંદર્ભમાં વિચારતાં ઈતિહાસે માત્ર ભદ્રવર્ગનો કે અભિજાત વર્ગનો ઈતિહાસ ન હોઈ શકે. ઈતિહાસમાં સબલ્ટર્ન વર્ગની અવગણનાને ખ્યાલમાં રાખી ગરીબ ખેડૂતો,મજૂરો, આદિવાસીઓ, દલિતો અને સ્ત્રીઓનો ઈતિહાસ લખવાનો પ્રારંભ થયો.

છેલ્લાં ત્રીસેક વર્ષથી ભારતીય અને વિદેશી ઈતિહાસકારોએ એક નવી અને મહત્વની દિશામાં પ્રવેશ કર્યો છે. અને તે છે સ્ત્રીઓ સહિત કચડાયેલ લોકોનો ઈતિહાસ. સબલ્ટર્ન ઈતિહાસકારો અગાઉના બધા પ્રકારના (માર્સવાદી સહિત) ઈતિહાસ લેખનને નકારે છે. નવી ઈતિહાસ લેખન પદ્ધતિમાં ઈતિહાસ લેખનના નવા સ્ત્રોતો પ્રયોજવાનું કે સ્ત્રોતોનું નવેસરથી અર્થઘટન કરવાનું વલણ પણ અભિપ્રેત હોય છે. પ્રારંભે સબલ્ટર્ન ઈતિહાસકારો પ્રસ્તુત પ્રશ્ને મુંઝવણ અનુભવતા હોવાથી ટીકાને પાત્ર બન્યા હતાં. નવા સ્ત્રોતો શોધવાના અભાવને કારણે પ્રોફે. બિપિનચંદ્રએ સબલ્ટર્ન ઈતિહાસલેખનને નવ- સામ્રાજ્યવાદી ઈતિહાસ લેખનના ભાગરૂપ ગણાવ્યું હતું. પરંતુ પાછળથી સબલ્ટર્ન ઈતિહાસકારોએ ઈતિહાસ લેખનના સ્ત્રોતોનો ઉપાય પણ શોધ્યો હતો. અત્યાર સુધી ઈતિહાસ લેખનના સાધન તરીકે અવગણાયેલ લોકસાહિત્યના પ્રકારો જેવા કે મૌખિક પરંપરાઓ, લોકગીતો, ભજનો વગેરેને ઈતિહાસ લેખનના મહત્વના સાધનો ગણાવ્યા છે.

સબલ્ટર્ન ઈતિહાસ લેખન ક્ષેત્રેSubaltern studies શ્રેણીના ૧૨ જેટલાં ગ્રંથો પ્રગટ થઈ ચૂક્યા છે. ગુજરાતમાં આ લેખનપદ્ધતિ અન્વયે પ્રો. ડેવિડ હાર્ડિમેનનો ગ્રંથ ‘Coming of Devi:AdivasiAsserstion in Western India’, (૧૯૮૬) મકરંદ મહેતા લિખિત ‘હિન્દુ વર્ણવ્યવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો,’ (૧૯૯૫), શિરીન મહેતા લિખિત ‘ગુજરાતમાં નારી ચેતના’, (૨૦૦૯), અરુણ વાઘેલા લિખિત ‘પંચમહાલ જીલ્લામાં ગાંધીવાદી રચનાત્મક પ્રવુત્તિઓ અને સ્વાતંત્ર્ય સૈનિકો’, (૨૦૦૭) જેવા ઉત્તમ ગ્રથો લખાયાં છે.

આમ, સબલ્ટર્ન ઈતિહાસ લેખનની પ્રવૃત્તિ ગુજરાતમાં થઈ છે પરંતુ તે પર્યાપ્ત માત્રામાં નથી. આશા રાખીએ કે ગુજરાતના ઈતિહાસલેખકો રાજા-મહારાજાઓની દિનચર્યાઓ, સત્યાગ્રહ યુગના ચીલાચાલુ લખાણો, જીલ્લાઓના પ્રદાનો, શાળાઓ-સંસ્થાઓના પ્રદાનો, વ્યક્તિ વિશેષોનો ઈતિહાસ, ધર્મ-સંપ્રદાયો કે કોમો વિશેના ઈતિહાસથી ઉપર ઉઠી ઈતિહાસ લેખનના આ નવા પ્રવાહને અપનાવી ઈતિહાસ લેખનને લોકભોગ્ય બનાવે.

પાદટીપ::

  1. વાઘેલા અરુણ, ઈતિહાસ દર્પણ (લેખ સંગ્રહ), ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર, ૨૦૦૬,પૃ.૧૫૨.
  2. en.wikipedia,org⁄ wiki ⁄ Ranjit-Guha
  3. વાઘેલા, પૂર્વોક્ત, પૃ.૧૫૩.
  4. મહેતા મકરંદ, હિન્દુ વર્ણવ્યવસ્થા, સમાજ પરિવર્તન અને ગુજરાતના દલિતો, અમી પબ્લિકેશન, અમદાવાદ, ૧૯૯૫, પૃ.૬.

*************************************************** 

મહેશકુમાર એચ. વાણિયા
મુ- કઠાડા તા- દસાડા
જી-સુરેન્દ્રનગર
maheshvaniya@ymail.com

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us