મૂડીવાદ, સમાજવાદ, લોકશાહી અને આર્થિક વિકાસ
પ્રસ્તાવના:-
મૂડીવાદી વર્ગ લોકશાહીનાં નિરપેક્ષ મૂલ્યોમાં આસ્થા રાખનારા વિનીમતવાદીઓ પોતાનાં રાજકારણી મંતવ્યો કે ખ્યાલોનાં મૂળ અંગે ખાસ વિચાર કરતા લાગતા નથી. એ લોકો તો એમજ માની બેઠા લાગે છે કે ઈતિહાસમાં તેમનાં પોતાનાં લોકશાહી વિષયક સિધ્ધાંતો, તેને સતત સામનો કરતા રહેતા સમાજવાદના સિધ્ધાંતો કરતાં વધારે સ્થિર થઈ ચૂક્યા છે. પરંતુ એ લોકો જો એટલું જાણી લે કે તમે માર્ક્સવાદનું શિક્ષણ એક સદીથી સહેજ જ વધારે હોય તો તેમના પોતાના લોકશાહી વિષયક વિચારો પણ બહુ જૂના નથી, તો તેમને ખરેખર આશ્ચર્ય થાય. ગમે તેમ પણ એ વિચારો માનવજાતિની પુરાતન- પૂજાજોગ જૂના તો નથી જ. એ એક ઐતિહાસિક હકીકત છે.
મૂડીવાદ:-
મૂડીવાદ સામાન્યત: તે આર્થિક પ્રણાલી અથવા તંત્રને કહે છે. જેમાં ઉત્પાદનનાં સાધન પર ખાનગી માલિકી હોય છે. ક્યારેક ‘વ્યક્તિગત માલિકી’’ કે પર્યાયવાચી તરીકે પણ વાપરવામાં આવે છે. યદ્યપિ અહીં ‘વ્યક્તિ’નો અર્થ કોઈ એક વ્યક્તિ પણ થઈ શકે છે અને વ્યક્તિઓનો સમૂહ પણ. બહોળા અર્થમાં એમ કહી શકાય કે સરકારી પ્રણાલી ખાનગી સ્તર પર માલિકીવાળા કોઈપણ આર્થિક તંત્રના નામથી ઓળખી શકાય છે. બીજી રીતે એમ કહી શકાય કે પૂંજીવાદી (મૂડીવાદ) તંત્ર નફા માટે ચલાવવામાં આવે છે. જેમાં રોકાણ , વિતરણ, આવક, ઉત્પાદનમૂલ્ય, બજારમૂલ્ય વગેરેનું નિર્ધારણ મુક્તબજારમાં પ્રતિસ્પર્ધા દ્વારા નિર્ધારિત થાય છે અને વ્યાજના સિધ્ધાંતથી હટીને હતો.
મૂડીવાદનો સિધ્ધાંત સૌથી પહેલાં ઔદ્યોગિક ક્રાંતિના ફળસ્વરૂપ કાલમાર્ક્સના સિધ્ધાંતની વ્યાખ્યાના સંદર્ભમાં આવ્યો. ૧૯મી સદીમાં અમુક જર્મન સિધ્ધાંતકારોએ આ અવધારણાને વિકસિત કરવા સુઝાવ કર્યો છે. માર્ક્સવાદ મૂડી અને વ્યાજના સિધ્ધાંતથી હટીને હતો. વીસમી સદીના આરંભમાં મેક્સ વેબરે આ અવધારણાને એક સકારાત્મક રીતે વ્યાખ્યાયિત કરી. શીતયુધ્ધ દરમિયાન મૂડીવાદની અવધારણાને લઈ ખૂબ વિવાદ ચાલ્યો. મૂડીવાદી આર્થિક તંત્રને યુરોપમાં સંથાગત માળખાનું સ્વરૂપ સોળમી સદીમાં મળવું શરૂ થયું. જોકે મૂડીવાદી પ્રણાલીના પ્રમાણ પ્રાચીન સભ્યતાઓમાં પણ મળે છે. પરંતુ આધુનિક યુરોપમાં વધુ પડતી અર્થવ્યવસ્થાઓ સામંતવાદી વ્યવથાના ક્ષરણ પછી એ હવે મૂડીવાદી થઈ ચૂકી છે.
મૂડીવાદની વ્યાખ્યા:-
મૂડીવાદ એ એક એવી આર્થિક પધ્ધતિ છે કે જેમાં ખાનગી સાહસો નફાના હેતુથી હરીફાઇના વાતાવરણમાં રાજ્યની દખલગીરી વિના આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરે છે. જેમાં બજારતંત્ર દ્વારા, આર્થિક કામગીરી થતી હોય અને જેમાં તમામ પ્રકારની સ્વતંત્રતા હોય તેને મૂડીવાદ કહેવામાં આવે છે.
મૂડીવાદી આર્થિક વિકાસમાં ખાનગીક્ષેત્રની ભૂમિકા :-
દેશના આર્થિક વિકાસમાં ખાનગીક્ષેત્ર દ્વારા ઔદ્યોગિકરણની ગતિને વેગ મળ્યો છે. કાપડ ઉદ્યોગ, ખાણ, ખાદ્યપદાર્થ, કાગળ, કૅમિકલ, રસાયણો, રંગો, પ્લાસ્ટિક, મશીન, ધાતુઓ, રબર વગેરે વિવિધ વપરાશી વસ્તુઓનું ઉત્પાદન ખાનગીક્ષેત્ર દ્વારા થાય છે.
દેશના વિકાસમાં કૃષિ અને તેને સંબંધિત પશુપાલન, ડેરી વગેરે પ્રવૃત્તિઓ દ્વારા વિકાસમાં મહત્વનો વેગ મળ્યો છે. આજે પણ આ ક્ષેત્રનો કુલ આવકનો હિસ્સો 2004-5 મુજબ 21% અને કુલ 58% લોકોને રોજી પૂરી પાડે છે. આમ, કૃષિક્ષેત્રમાં ખાનગીક્ષેત્રના સ્વરૂપો સિવાય લઘુઉદ્યોગો, કુટિર ઉદ્યોગો વગેરે પણ આ વેપાર વાણિજ્યની પ્રવૃત્તિઓ ખાનગીક્ષેત્ર દ્વારા થાય છે. ભારતીય અર્થતંત્રમાં કુલ રાષ્ટ્રીય આવક જો ખાનગી અને જાહેરતંત્રની સરખામણી કરવી હોય તો જાહેર સાહસો અને સરકારનું યોગદાન 25% અને ખાનગી સાહસોનો હિસ્સો 75% છે. (2000-01)
ખાનગીક્ષેત્રની મહત્વની મર્યાદા એ છે કે તે નફાના ઉદ્દેશથી સક્રિય રહે છે. જ્યાં તે નફો મળતો હશે. એ જ આર્થિક પ્રવૃત્તિમાં જોડાશે. પરિણામે દેશની મહત્વની પાયાની સુવિધામાં પ્રવેશ કરતું નથી. આ સિવાય ખાનગીક્ષેત્રના વિકાસની સાથે જો તેની ઈજારા જેવી સ્થિતી થઈ જાય તો તે પણ દેશના આર્થિક અને સામાજિક હિતને અવરોધવાનું કામ કરે છે. આ ઉપરાંત ખાનગીક્ષેત્રનો મૂળ હેતુ મહત્તમ નફા પ્રાપ્તિનો હોવાથી તે ઉત્પાદન સાધનનું શોષણ થાય છે. જેની કિંમત સમાજે ચૂકવવી પડે છે. આમ, મૂડીવાદી આર્થિક વિકાસમાં ખાનગીક્ષેત્રની કેટલીક મર્યાદાઓ પણ છે.
મૂડીવાદનાં લક્ષણો :-
- મૂડીવાદમાં વ્યક્તિગત રીતે આર્થિક હિત જોવા મળે છે.
- મૂડીવાદમાં કોઈ આર્થિક પ્રવૃત્તિ નફાના હેતુથી જ કરવામાં આવે છે.
- મૂડીવાદમાં બજારનું માળખું મુક્ત (સ્વતંત્ર) હોય છે.
- મૂડીવાદમાં ગ્રાહકોની સર્વોપરિતા જોવા મળે છે.
- મૂડીવાદમાં હરીફાઈ પણ પ્રવર્તે છે.
- મૂડીવાદમાં ખાનગી મિલકતનું અસ્તિત્વ છે.
- મૂડીવાદમાં વારસાપ્રથા પણ જોવા મળે છે.
- મૂડીવાદમાં વ્યક્તિ પોતાનો વ્યવસાય સ્વતંત્ર રીતે પસંદ કરી શકે છે.
- મૂડીવાદમાં બચત અને મૂડીરોકાણની બાબતમાં પણ સ્વતંત્રતા જોવા મળે છે.
- મૂડીવાદમાં રાજ્યનું કાર્યક્ષેત્ર મર્યાદિત પ્રમાણમાં જ હોય છે.
સમાજવાદ:-
અત્યાર સુધીની અર્થરચનામાં વ્યક્તિને પ્રાધાન્ય અપાયું. દરેક વ્યક્તિને સંપૂર્ણ અર્થ સ્વાતંત્ર્ય મળે તો આપોઆપ આખા સમાજનું આર્થિક હિત સધાય એ માન્યતા ઉપર જગત ચાલ્યું અથવા જગતને ચલાવવામાં આવ્યું તેની જગ્યાએ આખા સમાજના હિતની દ્રષ્ટિએ વિચાર કરો, સમાજ આગળ વ્યક્તિ ગૌણ છે, સમાજના હિતમાં જ વ્યક્તિનું હિત આવી જાય છે. એ જાતનો વાદ અમલમાં આવ્યો છે. અર્થોત્પાદનમાં તમામ સાધનો ઉપરથી ખાનગી માલિકી કાઢી નાંખી તેને ઉત્પાદન, વહેંચણી વગેરે તમામ અર્થ પ્રવૃતિ ઉપરથી વ્યક્તિનો અંકુશ કાઢી નાંખી સમાજનો અંકુશ દાખલ કરવાની આ વાદ હિમાયત કરે છે. તેથી એ સમાજવાદ કહેવાય છે.
આ સમાજવાદ એક આર્થિક બળ તરીકે યુરોપમાં 19મી સદીમાં અસ્તિત્વમાં આવ્યો એમ કહી શકાય. તેની અનેક યોજનાઓ છે. એ બધી યોજનાઓમાં ઉત્પાદનમાં સાધનો ઉપરથી ખાનગી માલિકીહક નાબૂદ કરવો જોઈએ એ તત્વ સામાન્ય છે. પરંતુ હરકોઈ પ્રકારનું કામ કરનાર દરેકને સરખું જ મહેનતાણું મળવું જોઈએ અને સમાજમાં પૂરેપૂરી આર્થિક સમાનતા સ્થપાવી જોઈએ એમ બધા સમાજવાદી માનતા નથી. પૂરેપૂરી સમાનતાનો આગ્રહ રાખનારાને બીજા સમાજવાદીઓથી અલગ ઓળખવા માટે સામ્યવાદી(કૉમ્યુનિસ્ટ) કહેવામાં આવતા.
સમાજવાદની વ્યાખ્યા: -
સમાજવાદ એટલે જેમાં અર્થતંત્રનું સંચાલન, નિયમન સરકાર દ્વારા થતું હોય અને જેમાં ખાનગીક્ષેત્રનું અસ્તિત્વ ન હોય અને જેમાં તમામ આર્થિક નિર્ણયો સરકાર દ્વારા થતાં હોય અને જેમાં ગરીબો અને મજૂરોનો સમાવેશ કરવામાં આવે છે. તેને સમાજવાદ કહેવામાં આવે છે.
સમાજવાદ એ એક એવી આર્થિક પધ્ધતિ છે કે જેમાં ઉત્પાદનના સાધનોની માલિકી સમગ્ર સમાજની હોય અને રાષ્ટ્રીય આવકની વહેંચણી સમાન રીતે થતી હોય.
“સમાજવાદમાં લોકશાહી છે.” –જોસેફ સુમ્પીટર
સમાજવાદના લક્ષણો:-
- સમાજવાદમાં ઉત્પાદનના સાધનો પર સામૂહિક માલિકી સમગ્ર સમાજની હોય છે. ઉત્પાદનના સાધનોનો કોઈપણ વ્યક્તિ ઉપયોગ કરી શકે છે.
- સમાજવાદમાં આર્થિક આયોજન કરવા માટે કેન્દ્રવર્તી સત્તા રાજ્યની હોય છે.
- સમાજવાદમાં આર્થિક સમાનતા જોવા મળે છે.
- સમાજવાદમાં ભાવનિર્ધારણ વિશિષ્ટ રીતે કરવામાં આવે છે.
- સમાજવાદમાં હરીફાઈનો અભાવ જોવા મળે છે.
- સમાજવાદમાં વર્ગવિહીન સમાજરચના જોવા મળે છે. જેમાં વર્ગભેદ નાબૂદ થતા જાય અને રાજ્યને સમાજના સુવ્યવસ્થિત સંચાલન માટે પોતાની સત્તા ઉત્તરોત્તર ઓછા પ્રમાણમાં વાપરવી પડે.
લોકશાહી :-
મહાન ગ્રીક ચિંતક એરિસ્ટોટલ રાજ્યશાસ્ત્રના પિતા ગણાય છે. તેમણે કહ્યું છે તેમ, ‘પ્રત્યેક મનુષ્ય સામાજિક પ્રાણી જ નહીં પરંતુ રાજકીય પ્રાણી પણ છે.’ આજની સદીમાં લોકશાહીવાદની લોકપ્રિયતામાં સારો વધારો થઈ રહ્યો છે. આ સંદર્ભમાં ખાસ કરીને બીજા વિશ્વયુધ્ધ પછી લોકશાહી અંગે પૂર્વ તથા પશ્ચિમના એકસો ઉપરાંત વિદ્વાનોના રજૂ થયેલ મંતવ્યોને ટાંકી શકીએ. તેમાં જણાવ્યા પ્રમાણે લોકશાહી વિરોધી સૂર કોઈપણ જગ્યાએથી સાંભળવા મળ્યો નહીં. માનવ ઈતિહાસમાં કદાચ સૌપ્રથમ વખત આગેવાન નેતાઓએ જેનો અનુરોધ કર્યો તેવી રાજકીય અને સામાજિક તંત્ર વ્યવસ્થા આદર્શ નમૂના તરીકે લોકશાહીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે.
લોકશાહીનો અર્થ :-
લોકશાહીમાં લોકોનું શાસન હોય છે. અંગ્રેજી ભાષામાં લોકશાહી મટે વપરાતા Democracy શબ્દની વ્યુત્પત્તિ સંબંધે પણ સ્વીકારવામાં આવ્યું છે. ગ્રીક શબ્દમાં બે ખ્યાલો Demos અને Kratos નો સમાવેશ થયો છે. આમાં Demos નો અર્થ પ્રજા અને Kratos નો અર્થ શાસન થાય છે. આમ Demokratia એટલે પ્રજાનું શાસન Democracy શબ્દ પણ આજ અર્થમાં વપરાય છે. આમ શાબ્દિક રીતે લોકશાહી એ એવા પ્રકારની સરકાર છે. જેમાં પ્રજા શાસન કરતી હોય છે. અથવા તો બીજી રીતે કહીએ તો તેમાં સત્તાનો દોર પ્રજા સંભાળતી હોય છે.
લોકશાહીની વ્યાખ્યા :-
- લોકોનું, લોકો માટેનું, લોકો દ્વારા ચાલતું રાજ્ય એટલે લોકશાહી. – અબ્રાહમ લિંકન
- લોકશાહી એક જીવંત તરેહ છે. એ માત્ર રાજકીય પધ્ધતિ નથી પણ જીવન જીવવાની પધ્ધતિ છે.
- લોકશાહી એટલે સર્વસ્વીકૃતતા, બહુમતિ આધારિત નિર્ણય પર રાજ્ય કરવાની સત્તા.
લોકશાહીના લક્ષણો:-
- લોકશાહીમાં લોકોના હાથમાં અંતિમ સત્તા હોય છે.
- લોકશાહીમાં લોકો પોતાના અભિપ્રાયો મતદાન દ્વારા વ્યક્ત કરે છે.
- લોકશાહીમાં બહુમતીના આધારે શાસન માટેની સત્તા પ્રાપ્ત થાય છે.
- લોકોને લોકશાહીમાં પ્રતિનિધિત્વ કરવાની તક પ્રાપ્ત થાય છે.
- લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્ય સાથે ટીકા કરવાનો કે આલોચના કરવાનાં અધિકાર મળે છે.
- લોકશાહીમાં મિલકત ધારણ કરવાનો અને વારસામાં આપવાનો અધિકાર મળે છે.
- લોકશાહીમાં બીજાના મતનો આદર કરવો પડે છે. વિરોધ પક્ષની આલોચના કે સંમતિ મેળવવી પડતી હોય છે.
- લોકશાહીમાં પોતાની ભૂલોનો સ્વીકાર કરવા સાથે ફરજો પ્રત્યે ખૂબ જાગૃત રહેવું પડે છે.
- લોકશાહીમાં કાયદો અને ન્યાયનું પાલન કરવાનું હોય છે.
- લોકશાહીમાં શ્રધ્ધા રાખવા સાથે લઘુમતીઓના હિતોનું રક્ષણ પણ કરવાનું હોય છે.
- લોકશાહીમાં મનુષ્યનો સર્વાંગી વિકાસ કરવો અને દરેકને સમાન તક અને સ્વાતંત્ર્ય આપવાનું હોય છે.
મૂડીવાદ, સમાજવાદ અને લોકશાહી વચ્ચે તફાવત:-
આર્થિક વિકાસ:-
આર્થિક વિકાસ પરંપરાગત આર્થિક સાહિત્યમાં વિકાસની વિભાવના (જે આર્થિક વૃધ્ધિની સાથે ગર્ભિત છે, ધારણા નથી..) માત્ર કુલ રાષ્ટ્રીય ઉત્પાદનનાં વધારા સાથે નિસ્બત ધરાવતી નથી. આ ખ્યાલ અનુસાર જે દેશમાં લાંબા ગાળાની પ્રારંભિક સ્થગિતતા હોય તેવા દેશના અર્થતંત્રમાં કુલ રાષ્ટ્રીય પેદાશમાં વધારો કરવાની પ્રક્રિયા એટલે વૃધ્ધિ અથવા તો 5 થી 7 %ના દરે વૃધ્ધિદર ટકાવી રાખવાની ક્ષમતા એટલે વિકાસ. વિકાસનો ખ્યાલ માથાદીઠ આવકમાં થતાં વૃધ્ધિદર કે વસ્તી વૃધ્ધિદર કરતાં ઊંચો હોય. આમ કહેવાતી વિકાસની વિભાવનામાં માત્ર રાષ્ટ્રીય માથાદીઠ આવકમાં થતાં વધારાને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. પરંતુ ઊંચી રાષ્ટ્રીય આવકની સત્તા ગરીબી, બેરોજગારી અને અસમાનતા પ્રવર્તતી હોય તો શું તે વિકાસ કરી શકાય? 1950 અને 1960ના દસકામાં વિશ્વના વિવિધ દેશો ઊંચી રાષ્ટ્રીય અને માથાદીઠ આવક પ્રાપ્ત કરવામાં સફળ થાય પરંતુ 1970ના દસકામાં આર્થિક વિકાસની પરિભાષામાં અસમાનતા, ગરીબી તથા બેકારીના પ્રમાણમાં ઘટાડો એવો વિચાર વિકસ્યો. 1990 બાદ વિકાસની વ્યાખ્યા વધુ વિસ્તૃત થઈ અને તેમાં સામાજિક માળખું અને રાષ્ટ્રીય સંસ્થાનો સમાવેશ કરવો. આર્થિક વિકાસની વ્યાખ્યા:-
આર્થિક વિકાસ એ બહુમુખી પ્રક્રિયા છે. જેમાં સામાજિક માળખા, લોકોની મનોદશા અથવા વલણો અને સંસ્થાકીય માળખામાં ફેરફાર થાય છે. તેમજ તેની સાથે ઝડપી આર્થિક વૃધ્ધિ, અસમાનતામાં ઘટાડો અને નિરપેક્ષ ગરીબાઈની નાબૂદી સંકળાયેલી છે.
આ વ્યાખ્યા પરથી ત્રણ મુદ્દા સ્પષ્ટ થાય છે.
- આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે.
- આ પ્રક્રિયાના કારણે વાસ્તવિક આવકમાં વધારો થાય છે.
- આ વધારો લાંબા ગાળા સુધી ચાલુ રહે છે.
આર્થિક વિકાસના ખ્યાલમાં કુલ રાષ્ટ્રીય આવક અથવા ચોખ્ખી આવકમાં વધારો થયો હોય અને તેની સાથે જ ગુણાત્મક પરિવર્તનનો સમાવેશ થાય છે.
આમ, વિકાસ = વાસ્તવિક રાષ્ટ્રીય અને માથાદીઠ આવકમાં વધારો + સામાજિક, આર્થિક પ્રગતિશીલ પરિવર્તન + સાધનોની વહેંચણીમાં પરિવર્તન + ગરીબીમાં ઘટાડો + આવકની અસમાનતામાં ઘટાડો + બેરોજગારીમાં ઘટાડો + નિરક્ષરતામાં ઘટાડો + અલ્પપોષણમાં ઘટાડો.
વિકાસ વિનાની વૃધ્ધિ:-
રોબર્ટ ક્લોવર અને અન્ય અર્થશાસ્ત્રીઓએ આર્થિક વિકાસનો અભ્યાસ કરતાં એ કારણ સ્પષ્ટ કર્યું કે વિકાસશીલ દેશોમાંના અમુક દેશો નિકાસ દ્વારા ઊંચી આવક પ્રાપ્ત કરે છે. પરંતુ ઊંચી આવક સાથે તે દેશમાં કોઈપણ પ્રકારના ગુણાત્મક પરિવર્તન થતા નથી. તે પઅરિસ્થિતિને માત્ર વિકાસ વિનાની વૃધ્ધિ કહી શકાય. જેમાં તેલ નિકાસ કરતા દેશોનો સમાવેશ થાય છે. ભારતના સંદર્ભમાં પણ આર્થિક વિકાસ અને આર્થિક વૃધ્ધિની ભિન્નતા પંજાબ અને કેરલના ઉદાહરણો દ્વારા આપી શકાય. જેમાં પંજાબની માથાદીઠ આવક અન્ય રાજ્યની સરખામણીમાં પુષ્કળ ઊંચી છે. પણ ગુણાત્મક પરિવર્તન થયા નથી. એટલે કે વિકાસ થયો નથી. આની સામે કેરળમાં માથાદીઠ આવક નીચી છે. પણ ગુણાત્મક પરિવર્તન મોટા પ્રમાણમાં થયાં છે. આથી ત્યાં વૃધ્ધિ કરતાં વિકાસ વધુ છે એમ કહી શકાય.
સમાપન:-
ઉપર્યુક્ત લેખમાં મૂડીવાદ, સમાજવાદ, લોકશાહી અને આર્થિક વિકાસની ચર્ચા કરવામાં આવી છે. જેમાં મૂડીવાદ દેશમાં કેટલે અંશે જોવા મળે છે, તેમજ સમાજવાદ એટલે જાહેરક્ષેત્રની ભૂમિકા દેશમાં તેમજ અર્થતંત્રમાં કેવી છે. તેની ચર્ચા કરવામાં આવી છે. ઉપરાંત લોકશાહીની આર્થિક વિકાસમાં કેવી ભૂમિકા રહે છે તેની ચર્ચા કરવામાં આવી છે.
***************************************************
માલતી પરમાર
વ્યાખ્યાતા સહાયક: અર્થશાસ્ત્ર વિષય
કે.કા. શાસ્ત્રી આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, અમદાવાદ.
|