logo

એક તીવ્ર મનોભારયુક્ત ઘટના: બળાત્કાર

માનવી એક સામાજિક પ્રાણી છે. માનવી સમાજમાં રહે છે અને સમાજ સાથે આંતરક્રિયાઓ કરે છે. છે.આપણે રોજ-બરોજ કેટલીય સમસ્યાઓનો સામનો કરતાં હોઇએ છીએ જેમાંની કેટલીક સમસ્યાઓનો ઉકેલ થોડા સમયમાં મળી જતો હોય છે.તો કેટલીક સમસ્યાઓનો ઉકેલ મેળવતા ઘણી વાર લાગે છે.ઘણી સમસ્યાયુક્ત ઘટના એવી હોય છે,જેનો ઉકેલ શોધવા કરતાં તે કેમ આપણી સાથે ઘટે છે. તેની ચિંતા આપણે વધારે કરતા હોઇએ છીએ જેમાંની એક છે બળાત્કારની ઘટના બળાત્કાર એક એવી ઘટના છે જેમાં બળાત્કાર પામનાર પિડિત વ્યક્તિ ફક્ત શારીરિક રીતે ઇજાગ્રસ્ત થતી નથી પરંતુ માનસિક આઘાતની લાગણી પણ અનુભવતી હોય છે. બળાત્કાર સ્ત્રીઓ, અપરણિત છોકરીઓ, બાળકીઓ ,કિશોરીઓ તેમજ પુરૂષો પર પણ થતો હોય છે,જો કે પુરૂષો પર થતા બળાત્કારના કિસ્સાઓ ઓછા હોય છે.

બળાત્કારની ઘટના:

“બળાત્કાર એટલે કોઇપણ સ્ત્રી કે પુરૂષની તેની મરજી વિરૂધ્ધ જાતીય સમાગમની પ્રવૃતિ કરવી”

બળાત્કાર ફક્ત શારીરિક સબંધ કે જાતીય સમાગમ સાથે જ સંકળાયેલો હોતો નથી,પરંતુ પિડિતની માનસિક સ્વસ્થતા સાથે પણ સંકળાયેલો હોય છે. આ પરિસ્થિતિમાં સ્ત્રીની માનસિક સમતુલા પર ખૂબ જ જોખમ હોય છે.બળાત્કારની ઘટનાં એ સ્ત્રી માટે ખૂબજ આઘાતજનક હોય છે.બળાત્કાર ફક્ત એક સ્ત્રી પર એક પુરૂષ દ્વારા કે પછી એક પુરૂષ પર એક સ્ત્રી દ્વારા જ થતો નથી પરંતુ ઘણા બધા પુરૂષો કે સ્ત્રીઓ દ્વારા વિજાતીય વ્યક્તિ પર થાય છે.એક કરતાં વધારે પુરૂષો કે સ્ત્રીઓ દ્વારા થતો બળાત્કાર ‘સામૂહિક બળાત્કાર’ કહેવાય છે. બળાત્કારની ઘટનાં ખૂબ જ મનોભાર ઉત્પન્ન કરનારી હોય છે. બળાત્કારની ઘટના ઘણા બધા ઘટકો પર આધાર રાખે છે.ઘણી વખત એવુ પણ બનતુ હોય છે કે કોઇ પરિચિત વ્યક્તિ દ્વારા જ બળાત્કાર થતો હોય છે. દા.તા કોઇ છોકરી પર તેના બહેનનાં પતિ દ્વારા થતો બળાત્કાર અથવા કાકા કે મામા દ્વારા પોતાની ભત્રીજી પર થતો બળાત્કાર પરિચિત વ્યક્તિ દ્વારા થતાં બળાત્કારમાં સ્ત્રી ખૂબજ મનોભારયુક્ત પરિસ્થિતિમાં હોય છે. તે કોઇને તેની જાણ પણ કરતાં નથી અને અંદરને અંદર મૂંઝાય છે. આવી પરિસ્થિતિમાં તેની માનસિક સ્થિતિ ખૂબ જ કફોડી હોય છે.અને તેનાં લીધે પીડિત સ્ત્રીને માનસિક વિકૃતિ થવાનુ વધારે જોખમ હોય છે.

બળાત્કાર ઘણી વખત સ્ત્રી પર સામૂહિક રીતે પણ કરવામાં આવતો હોય છે. હમણાં જ તાજા ઉદાહરણ જ જોઇએ તો દિલ્હી ગેંગરેપની ઘટના નજર સમક્ષ ઉપસી આવે છે, જેમાં પીડિત છોકરી મૃત્યુ પામી હતી. એક કરતા વધારે પુરૂષો દ્વારા કરવામાં આવતા બળાત્કારને લીધે ઘણી વાર સ્ત્રીનુ મૃત્યુ પણ થતુ હોય છે.ઘણી વખત એવુ પણ બનતુ હોય છે છેકે નાની બાળકીઓપર બળાત્કાર થતાં હોય છે.આપણે સમાચારપત્રકમાં રોજ - બરોજ નવાં બળાત્કારના કિસ્સાઓ વાંચતા હોઇએ છીએ. બાળકીઓ પર થતા બળાત્કાર તેનાં આખાય જીવનને અસર કરતાં હોય છે.ફ્રોઇડના કહેવા પ્રમાણે બાલ્યાવસ્થાના અનુભવો વ્યક્તિના આખાય જીવનને અસર કરે છે. બાળકીઓ પર બળાત્કાર થાય છે,ત્યારે એ સમયે તે ખૂબ જ આઘાત અનુભવે છે જે સમગ્ર જીવન દરમિયાન તેને અસર કરે છે.

બળાત્કારની ઘટના એ એક ક્રૂર આઘાતજનક ઘટનાં છે. “બળાત્કારની ઘટના ભલે કોઇ સ્ત્રી સાથે એકવાર બની હોય પરંતુ જ્યારે જ્યારે તેની સમક્ષ આ ઘટનાનુ વર્ણન થાય છે ત્યારે ત્યારે તેના પર બળાત્કાર થાય છે અને આ બળાત્કાર માનસિક બળાત્કાર હોય છે જે શારીરિક બળાત્કાર કરતાં પણ વધારે વિકટ અસરો ઉત્પન્ન કરે છે.”

બળાત્કારની પરિસ્થિતિ અને અનુભવ:

બળાત્કારની પરિસ્થિતિ સ્ત્રી માટે ખૂબ જ મનોભારયુક્ત હોય છે.વ્યક્તિત્વ આ પરિસ્થિતિમાં ખૂબ જ પ્રેરણાદાયી હોય છે.જો સ્ત્રી બહિર્મુખી તેમજ સમસ્યા સામે લડનાર હોય તો આ પરિસ્થિતિમાં થોડા સમયમાં જ બહાર આવી જાય છે.પરંતુ ઘણી સ્ત્રીઓ ખૂબ જ સંવેદનશીલ હોય છે.આવી સ્ત્રીઓ પોતાની જાતને વધુ જવાબદાર માનીને વધુ ભયની લાગણી અનુભવે છે.આવી સ્ત્રીઓ અન્ય વ્યક્તિની મદદ લેતાં કે પોલીસને બનાવની જાણ કરતાં પણ અચકાય છે. તે પોતાની આબરૂ બચાવવાં પોતાની હકીકત જાહેર થવા દેતી નથી અને અંદરો અંદર ખૂબજ સંઘર્ષ અનુભવતી હોય છે. કેટલીક સ્ત્રીઓ વધુ આવેગમાં આવીને આત્મહત્યા પણ કરી લે છે.

ઘણી વખત એવુ પણ બનતું હોય છે કે બળાત્કાર પામેલ સ્ત્રીને કુટંબ તેમજ સમાજ તરફથી તિરસ્કાર મળતો હોય છે.કોઇ સ્ત્રી પરણિત હોય તો પતિ દ્વારા તેને કોઇ સહકાર મળતો નથી અને સમાજમાં પણ તેની ટીકા થાય છે આને કારણે સ્ત્રી હિંમત હારી જાય છે. કેટલીકવાર સમાજ કે કુટુંબ બળાત્કાર માટે સ્ત્રીને જ જવાબદાર ગણે છે અને આને લીધે સ્ત્રીની હિંમત તૂટી જતી હોય છે.બધી બાજુથી મળતાં તિરસ્કારને કારણે તે મનોવિકૃતિની દર્દી પણ બનતી હોય છે. બળાત્કારનો અનુભવ એ સ્ત્રી માટે ખૂબ જ ભયંકર હોય છે.જે તેનાં સ્વાસ્થ્યને ખૂબજ અસર કરે છે. બળાત્કારની ઘટના પછી સ્ત્રીઓમાં વૈચારીક પ્રક્રિયાઓમાં ખલેલ પહોંચે છે.તેઓમાં એકાગ્રતાનો અભાવ જોવા મળે છે.તેઓ અનિશ્ચિત કાલ્પનિક વિચારોની ફરીયાદ કરે છે. સ્ત્રીઓને બળાત્કારની ઘટનાનાં સ્વપ્નો આવ્યા કરે છે. કેટલીકવાર તો ગભરાઇને રાત્રે ઊંઘમાંથી પણ ઉઠી જાય છે અને બળાત્કારની ઘટનાનુ દ્રશ્ય વારંવાર તેની નજર સમક્ષ આવી જાય છે અને તે ભયની લાગણી અનુભવે છે. બળાત્કારની ઘટના એ સ્ત્રી માટે ખૂબ જ માનસિક આઘાતની ઘટનાં છે અને આ આઘાતમાંથી નીકળક્વું એ સ્ત્રીઓ માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય છે, જેમાં કુટુંબ અને સમાજ તેમજ મિત્રોનો સહકાર ખૂબ જ જરૂરી છે.

બળાત્કાર થતો કેવી રીતે અટકાવી શકાય?

  • બળાત્કાર થતો રોકવા માટે પુરૂષોમાં સ્ત્રી-સન્માનની ભાવનાં જગાવવી જોઇએ.
  • સંચાર માધ્યમો જેવા કે ટેલિવિઝન, થિયેટર પર બતાવવામાં આવતા બિભત્સ ચેનચાળા દર્શાવતી ફિલ્મો,વિજ્ઞાપન કે જે શારીરિક ઉત્તેજના ઉત્પન્ન કરે છે,તેના પર રોક લગાવવી જોઇએ.
  • મા-બાપે પોતાનાં બાળકોમાં ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરવુ જોઇએ અને આપણી સંસ્કૃતિનુ અનુકરણ કરતા શિખવવુ જોઇએ.
  • સ્ત્રીઓને સ્વ-રક્ષણની તાલીમ આપવી જોઇએ અને મહિલા પોલીસ સ્ટેશનોની રચના કરવી જોઇએ.
  • બળાત્કાર કરનાર સામે સરકારે ખૂબ જ કડક કાર્યવાહી કરવી જોઇએ અને ખૂબ જ સખત સજા કરવી જોઇએ કે જેથી ભવિષ્યમાં આવું અમાનવીય કૃત્ય કરતા વ્યક્તિ સો વાર વિચાર કરે.
બળાત્કાર એ એક ક્રૂર આઘાતજનક ઘટના છે અને આવી ઘટનાં સમાજ માટે એક કલંક સમાન છે,જેમાં પિડિત વ્યક્તિને શારીરિક અને માનસિક નુકસાન થાય છે. બળાત્કાર પામનાર સ્ત્રી માટે બળાત્કાર પછીનું જીવન જીવવુ ખૂબ જ અઘરૂ કામ છે અને તેથી કુટુંબ, સમાજ તરફથી તેને માન-સન્માન મળી રહે તે ખૂબ જ જરૂરી છે.બળાત્કાર પછીના સમયગાળા દરમિયાન પિડિત સ્ત્રીનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારૂ બનાવવા માટેનાં પ્રયાસો કરવા એ આપણા સૌની જવાબદારી છે.સરકાર પણ તેમાં મદદરૂપ થાય તેવી આપણે આશા રાખીએ છીએ. આ એક ગંભીર સમસ્યા વિશે આપણે બધાએ ગહન ચિંતન કરવું પડશે.તેમજ આવી અમાનવીય ઘટના થતી રોકવી પડશે અને એ જ આપણી રાષ્ટ્ર પ્રત્યેની નૈતિક ફરજ છે.

*************************************************** 

નરેશ જી.વાઘેલા
અધ્યાપક સહાયક,
મનોવિજ્ઞાન વિભાગ,
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ,
જાદર, જી.સાબરકાંઠા

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us