logo

ચીખલી તાલુકાના ધોરણ- ૬ ના વિદ્યાર્થીઓના ગુજરાતી વિષયમાં થતાં જોડણી દોષોનો અભ્યાસ

સારાંશ

પ્રવર્તમાન સમયમાં અંગ્રેજી ભાષાનું વર્ચસ્વ વધ્યું છે અને ગુજરાતી ભાષાનું મહpવ ઘટતું જતું જોવા મળે છે. ગુજરાતી ભાષમાં બાળકોની જે અભિરુચિ જળવાવી જોઇએ તે જળવાતી નથી. બાળકોને જો વિષયવસ્તુની સાથે જ જોડણી અને વ્યાકરણ પ્રત્યે અભિમુખ કરવામાં આવે તો જોડણી અંગેની સમસ્યાનો ઉકેલ લાવી શકાય. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સંશોધકે ""ચીખલી તાલુકાનાં ધોરણ- ૬ ના વિદ્યાર્થીઓનાં ગુજરાતી વિષયમાં થતાં જોડણી દોષોનો અભ્યાસ'' એ વિષય પર સંશોધન કાર્ય હાથ ધર્યુ હતું. પ્રસ્તુત સંશોધન સર્વેક્ષણ પ્રકારનું હતું. જેમાં ૪૦ શાળાઓમાંથી ૬૦૦ વિદ્યાર્થીઓને નમૂના તરીકે પસંદ કર્યા હતા. જેમાં માહિતી એકત્રીકરણ માટે સ્વરચિત મૂલ્યાંકન કસોટીનો ઉપયોગ કર્યો હતો અને માહિતી પૃથક્કરણ અને તારણોની ચર્ચા સંશોધન પેપરમાં વિગતે કરવામાં આવી છે.

પ્રસ્તાવના

એકવીસમી સદી તરફની આપણી પ્રગતિને લક્ષમાં લેતાં આપણે અનેકવિધ ક્ષેત્રોમાં સફળતા પ્રાપ્ત કરી છે. જેમાં કોઇ શંકાને સ્થાન નથી. પ્રવર્તમાન સમયમાં શિક્ષણ જગતની વધતી જતી સમસ્યાઓમાં મહpવની બાબત ભાષા શિક્ષણની છે. ભાષા વડે જ માનવીને તેની આદર્શ માનવતાનો દરજજો હોવા છતાં માતૃભાષા પરત્વે ચાલશે, ફાવશેની નીતિ અપનાવતો જોવા મળે છે. માતૃભાષાએ ભારતીય સંસ્કૃતિની જનેતા છે. વર્તમાન સમયમાં અંગ્રેજીભાષાની બોલબાલા જોવા મળે છે. અંગ્રેજી ભાષાને મહpવ આપવું જોઇએ. પરંતુ માતૃભાષાની અવગણના કરીને નહિ. અંગ્રેજી ભાષાનું મહpવ ખૂબ વધી ગયું હોવાથી ગુજરાતી ભાષામાં જોડણી પ્રત્યે બિનકાળજી લેખિત, મૌખિક અભિવ્યકિતમાં અશુદ્ધિ, ઉચ્ચારણ દોષો પણ વ્યાપક પ્રમાણમાં જોવા મળે છે. ઉચ્ચ શિક્ષણ પામેલા શિક્ષિતો પણ હજી જોડણી પ્રત્યે સભાન જોવા મળતા નથી. આ ઉપરાંત હ્રસ્વ-દીર્ધ, અનુસ્વાર, જોડાક્ષરની જોડણી વગેરેના નિયમોથી અજાણ હોવાથી શુદ્ધ જોડણી રચી શકતા નથી. જેથી જોડણી એક ચિંતાનો વિષય બન્યો છે. આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં સંશોધકે ગુજરાતી વિષયમાં જોડણી દોષ નિવારવા માટે પ્રસ્તુત વિષય પર સંશોધન કરવાનું હાથ ધર્યું હતું.

સંશોધનનાં હેતુઓ

  1. ચીખલી તાલુકાના ધોરણ- ૬ ના વિદ્યાર્થીઓની હ્રસ્વ-"ઈ' જોડણીવાળા શબ્દોમાં થતી ભૂલોનો અભ્યાસ કરવો.
  2. ચીખલી તાલુકાના ધોરણ- ૬ ના વિદ્યાર્થીઓની દીર્ધ-"ઈ' ની જોડણીવાળા શબ્દોમાં થતી ભૂલોનો અભ્યાસ કરવો.
  3. ચીખલી તાલુકાના ધોરણ - ૬ના વિદ્યાર્થીઓની જોડાક્ષરની જોડણીવાળા શબ્દોમાં થતી ભૂલોનો અભ્યાસ કરવો.
  4. ચીખલી તાલુકાના ધોરણ - ૬ ના અનુસ્વાર સંબંધિત જોડણીમાં થતી ભૂલોનો અભ્યાસ કરવો.
સંશોધન પધ્ધતિ

પ્રવર્તમાન ઘટનાઓ કે પરિસ્થિતિઓના સંદર્ભમાં સમસ્યાઓના ઉકેલ માટે ગુજરાતી વિષયમાં વિદ્યાર્થીઓ જોડણીમાં કેવી ભૂલો કરે છે. એ જાણવા માટે સંશોધકે સર્વેક્ષણ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

વ્યાપવિશ્વ અને નમૂના પસંદગી

પ્રસ્તુત સંશોધનમાં ચીખલી તાલુકાના ધોરણ- ૬નાં તમામ વિદ્યાર્થીઓનો વ્યાપવિશ્વમાં સમાવેશ થાય છે. નમૂનાની પસંદગી માટે યાદચ્છિક નમૂના પધ્ધતિનો ઉપયોગ કર્યો હતો. ચીખલી તાલુકાની કુલ ૧૩૧ શાળાઓમાંથી ૪૦ શાળાઓની પસંદગી યાદચ્છિક રીતે ચિઠ્ઠી ઉપાડ દ્વારા કરવામાં આવી હતી. આમ નમૂનામાં ૪૦ શાળાઓમાંથી કુલ ૬૦૦ વિદ્યાર્થીઓને નમૂના તરીકે પસંદ કર્યા હતા.

ઉપકરણની પસંદગી અને રચના

પ્રસ્તુત સંશોધન સર્વેક્ષણ પ્રકારનું હોવાથી સંશોધકે સંશોધનના હેતુઓ, સ્વરૂપ અને માહિતીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી માહિતી એકત્રીકરણ માટે સ્વરચિત મૂલ્યાંકન કસોટીનો ઉપકરણ તરીકે ઉપયોગ કર્યો હતો.

માહિતી પૃથક્કરણની રીત

પ્રસ્તુત સંશોધનમાં માહિતી પૃથક્કરણ માટે ટકાવારીનો ઉપયોગ કર્યો હતો. તેમજ મુકત લેખન કૌશલ્ય માટે ગુણાત્મક રીતે પૃથક્કરણ કર્યુ હતું. જેમાં સંશોધકે તરેહ તથા મેટ્રીકસ પધ્ધતિનો ઉપયોગ કર્યો હતો.

સંશોધનનાં તારણો
  1. હ્રસ્વ-‘ઈ’ની જોડણીમાં ભૂલ ન કરતા હોય તેવા વિદ્યાર્થી તો જોવા મળ્યા હતા. પરંતુ ભૂલ કરતા હોય તેવા વિદ્યાર્થીઓનું પ્રમાણ મધ્યમ કક્ષાએ જોવા મળ્યું હતું.
  2. દીર્ધ- ‘ઈ’ ની જોડણીમાં ભૂલ કરતા હોય એવા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
  3. જોડાક્ષરની જોડણીમાં ભૂલ ન કરતા હોય તેવા વિદ્યાર્થીઓ તો જોવા મળ્યા હતા, પરંતુ ભૂલ કરતા હોય તેવા વિદ્યાર્થીઓનું પ્રમાણ વધુ જોવા મળ્યું હતું.
  4. અનુસ્વારની જોડણીમાં ભૂલ કરતા હોય તેવા વિદ્યાર્થીઓનું પ્રમાણ નબળી કક્ષાએ જોવા મળ્યું હતું.

સંદર્ભ સૂચિ::

  1. ઉચાટ, ડી. એ. (૨૦૦૦). સંશોધનની વિશિષ્ટ પદ્ધતિઓ. રાજકોટઃ વાસુકી પ્રિન્ટીંગ પ્રેસ, ગુજરાત રાજય.
  2. ઉચાટ, ડી. એ. (૨૦૦૪). માહિતી પર સંશોધન વ્યવહારો (પ્રથમ આવૃત્તિ). રાજકોટ : પારસ પ્રકાશન.
  3. દેસાઇ, એમ. (૧૯૫૪). વિનીત જોડણીકોશ. અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ.
  4. દેસાઇ, એમ.(૧૯૬૭). સાર્થ ગુજરાતી જોડણીકોશ. અમદાવાદ: ગુજરાત વિદ્યાપીઠ.
  5. શાહ, ડી. બી. (૨૦૦૪). શૈક્ષણિક સંશોધન (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ : યુનિવર્સિટીગ્રંથ નિમૉણ બોર્ડ, ગુજરાત રાજય.

*************************************************** 

નીતાબેન ડી. મોહિતે
(એમ. એ., એમ.એડ્.)
આસિસ્ટન્ટ પ્રોફેસર,
શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન,
વેસુ, ભરથાણા, સુરત.
(મો.) ૯૫૮૬૨૨૨૭૨
E-mail: nitamohite24@gmail.com.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us