logo

માધ્યમિક કક્ષાએ વર્ગખંડમાં નવવિચારાત્મક વ્યવહારો સંદર્ભે શિક્ષકોના વલણોનો અભ્યાસ


સારાંશ

શિક્ષક પરિવર્તનનો પરિવાર્જક છે. તે નવવિચારોથી માહિતગાર રહી વર્ગખંડમાં તેનો અમલ કરતો રહે તે અપેક્ષિત છે. દેસાઈ (૨૦૦૦)ના મતે નવવિચાર એટલે ‘ચીલેચલું પદ્ધતિ, સ્થિતિ કે વલણને છોડીને નવા પ્રકારની પદ્ધતિ પ્રમાણે જે પ્રયત્ન કરવામાં આવે તે અભિગમ.’ નવવિચારોનું વર્ગખંડમાં અમલીકરણ થાય તે બાબત નવવિચારો પ્રત્યે શિક્ષક કેવું વલણ ધરાવે છે, તેના પર આધારિત છે. પ્રસ્તુત અભ્યાસમાં માધ્યમિક કક્ષાના શિક્ષકોનું વર્ગખંડમાં નવવિચારોના અમલીકરણ પ્રત્યેનું વલણ માપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો, જેમાં સુરત શહેરની મધ્યમિક શાળાઓના કુલ ૧૦૦ શિક્ષકો સહેતુક નમુના પદ્ધતિની રીતે પસંદ કરવામાં આવ્યા હતા. માહિતી પ્રાપ્તિ માટે સ્વરચિત અભિપ્રયાવલિનો ઉપયોગ કર્યો હતો. જેમાં બે વિભાગ રાખવામાં આવ્યા હતા. પ્રથમ વિભાગમાં કુલ ૨૨ કલમો રાખવામાં આવી હતી, જયારે વિભાગ-૨માં બે મુક્ત જવાબી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતીનું વર્ણનાત્મક આંકડાશાસ્ત્ર વડે પૃથક્કરણ કરતા ટકાવારી અને કાઈવર્ગ શોધવામાં આવ્યા હતા. માહિતીના વિશ્લેષણના આધારે પ્રાપ્ત તારણોમાં વર્ગખંડમાં મોડેલનો ઉપયોગ, બેઠક વ્યવસ્થામાં ફેરફાર, સમુહ માધ્યમોની અધ્યાપન પ્રક્રિયામાં સામેલગીરી વિદ્યાર્થીઓની આંતરપ્રક્રિયાને પ્રોત્સાહક જણાએ હતી. જયારે કમ્પ્યુટર અને નવવિચારોના પર્યાપ્ત જ્ઞાનનો અભાવ શિક્ષક અને વિદ્યાર્થી એમ ઉભય પક્ષે અસર કરતુ મુખ્ય પરિબળ હતું. અભ્યાસક્રમનું ભારણ, પરીક્ષાલક્ષી અભિગમ, વિદ્યાર્થીઓની સંખ્યા, કાર્યબોજ અને શિસ્તના પ્રશ્નો શિક્ષક્ના નવવિચારો પ્રત્યેના વલણને નકારાત્મક અસર કરતા જણાયા હતા.
ચાવીરૂપ શબ્દો : નવિચાર કે વ્યવહાર

પ્રસ્તાવના

એકવીસમી સદીની શરૂઆત અનેકવિધ પરિવર્તનો સાથે થઈ છે. પરિવર્તનના આ તબક્કામાં શિક્ષણ વંચિત રહી શકે નહિ. ગુરુકુલ પરંપરાથી શરુ કરીને વર્તમાન સમયમાં ઈ-ક્લાસરૂમ સુધીની સફરમાં શિક્ષણમાં સતત બદલાવ આવ્યો છે. હા, તેની ઝડપ વત્તે ઓંછે અંશે જરૂર રહી છે. શિક્ષણ પ્રક્રિયામાં મહત્વનું ઘટક શિક્ષક સદીઓથી સમાજમાં પરિવર્તન લાવનાર તરીકેની ઓળખ ધરાવે છે. વર્ગખંડમાં જન્મતો નવવિચાર લાવવાની અને અમલ કરવાની કામગીરી શિક્ષક જ કરી શકે અને આ માટે શિક્ષકે સતત નિરીક્ષણ, શોધખોળ, વિચારણા, પ્રયોગો, કરતાં રહેવું પડે છે. આ બધી જ બાબતોની સફળતા કે નિષ્ફળતા શિક્ષક્ના નવ વિચારો પ્રત્યેના વલણ પર અવલંબે છે.

દેસાઈ (૨૦૦૦)ના મત પ્રમાણે- નુતન અભિગમ એટલે ચીલાચાલુ પદ્ધતિ, સિદ્ધાંત કે વલણ છોડીને નવા પ્રકારની પદ્ધતિ પ્રમાણે જે પ્રયત્ન કરવામાં આવે તે અભિગમ.

શિક્ષકનું વલણ વર્ગખંડ વ્યવહારો પર હકારાત્મક કે નકારાત્મક અસર ઉપજાવે છે. આથી જ માધ્યમિક કક્ષાએ વર્ગખંડમાં નવવિચારાત્મક વ્યવહારો સંદર્ભે શિક્ષકોના વલણો કેવા છે ? આ વલણોના ઘડતરમાં કઈ કઈ બાબતો અસર કરે છે ? જેવી બાબતો જાણવા હેતુસર આ વિષય પર અભ્યાસ ધરવાનું મુનાસિબ સમજ્યું હતું.

સંશોધનના હેતુઓ

  • માધ્યમિક કક્ષાએ વર્ગખંડમાં નવવિચારાત્મક વ્યવહારો સંદર્ભે શિક્ષકોના વલણો જાણવા.
  • માધ્યમિક કક્ષાએ વર્ગખંડમાં અમલમાં મુકાયેલ નવવિચારાત્મક વ્યવહારો જાણવા.
  • માધ્યમિક કક્ષાએ વર્ગખંડમાં નવવિચારાત્મક વ્યવહારોના અમલીકરણ વેળાએ શિક્ષકોને અનુભવાતી મુશ્કેલીઓ જાણવી.
સંશોધનનાં પ્રશ્નો

  • માધ્યમિક કક્ષાએ વર્ગખંડમાં નવવિચારાત્મક વ્યવહારો સંદર્ભે શિક્ષકો કેવું વલણ ધરાવે છે ?
  • માધ્યમિક કક્ષાએ વર્ગખંડમાં કયા કયા નવવિચારાત્મક વ્યવહારો અમલમાં મુકાયા છે ?
  • માધ્યમિક કક્ષાએ વર્ગખંડમાં નવવિચારાત્મક વ્યવહારોના અમલીકરણ વેળાએ શિક્ષકોને કઈ કઈ મુશ્કેલીઓ અનુભવાય છે ?
મહત્વ

  • શિક્ષકોના નવવિચારો પ્રત્યેના વલણ જાણી શકાશે.
  • વર્ગખંડમાં અમલીકૃત નવ વિચારોની જાણકારીથી અન્યોને દિશાદર્શન થશે.
  • નવ વિચારોના અમલ સામેના અવરોધો જાણી શકાશે.
  • મુશ્કેલીઓ જાણી તેનો ઉકેલ લાવવાના પ્રયાસો હાથ ધરી શકાશે.
સંશોધનનું સીમાંકન

  • પ્રસ્તુત સંશોધન સુરત શહેરની ગુજરાતી માધ્યમની માધ્યમિક શાળાઓ પુરતો મર્યાદિત રહેશે.
  • પ્રસ્તુત સંશોધનમાં ૧૦ શાળાઓ સહેતુક પસંદ કરવામાં આવી હતી.
  • સંશોધનમાં ૧૦૦ શિક્ષકોનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો.
વ્યાપવિશ્વ અને નમુના પસંદગી

સુરત શહેરની ગુજરાતી માધ્યમની (અનુદાનિત અને બિન અનુદાનિત) માધ્યમિક શાળાઓ પ્રસ્તુત સંશોધનમાં વ્યાપ વિશ્વ બને છે. તેમાંથી સહેતુક નમુના પસંદગીની રીતે કુલ ૧૦૦ શિક્ષકોને નમુના તરીકે પસદ કર્યા હતા.

સંશોધન પદ્ધતિ

પ્રસ્તુત સંશોધન વર્ણનાત્મક સંશોધન પદ્ધતિએ હાથ ધરાયું હતું, જેમાં સર્વેક્ષણ હાથ ધરાયું હતું.

ઉપકરણની પસંદગી અને સંરચના

પ્રસ્તુત સંશોધનમાં માધ્યમિક ક્ક્ષાએ વર્ગખંડમાં નવવિચારાત્મક વ્યવહારો સંદર્ભે શિક્ષકોના વલણો જાણવાના હેતુસર સ્વરચિત અભિપ્રયાવલિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં વિભાગ-અમાં કુલ ૨૨ કલમો હતી, જયારે વિભાગ-બમાં બે મુક્ત જવાબી પ્રશ્નો મુકવામાં આવ્યા હતા.

માહિતી એકત્રીકરણની રીત

નિયત ઉપકરણની રચના બાદ ૫ મી ડીસેમ્બર-૧૧ થી શરૂ કરીને ૧૨-જાન્યુઆરી સુધીમાં માહિતીનું એકત્રીકરણ કરવામાં આવ્યું. શિક્ષકો પાસેથી માહિતી પ્રતિનિધિઓ દ્વારા મેળવવામાં આવી હતી.

અંકશાસ્ત્રીય પૃથક્કરણની રીત

પ્રસ્તુત સંશોધનમાં અભિપ્રાયાવાલિ દ્વારા મેળવેલી માહિતીનું વિશ્લેષણ કરવા માટે વર્ણનાત્મક આંકડાશાસ્ત્રનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રાપ્ત અભિપ્રાયોની ટકાવારી અને કાઈ વર્ગ શોધવામાં આવ્યા હતા. મુક્ત જવાબી પ્રશ્નો પર પ્રાપ્ત પ્રતિભાવોની આવૃત્તિ પ્રાપ્ત કરી હતી.

સંશોધનના તારણો

  • વર્ગખંડમાં નવવિચારાત્મક વ્યવહારો સંદર્ભે શિક્ષકોના વલણને અસર કરતી હકારાત્મક બાબતો નીચે પ્રમાણે પ્રાપ્ત થઈ હતી.
  • શિક્ષણકાર્ય અર્થપૂર્ણ બનાવવા નવ વિચારોનો અમલ જરૂરી હતો.
  • નવ વિચાર તરીકે અધ્યાપન મોડેલ, સમૂહમાધ્યમો, નવીન પ્રયુક્તિઓ અને સાધન પ્રયોજન દ્વારા શિક્ષણ પ્રક્રિયા રોચક બનતી હતી.
  • નવ વિચારોથી વિદ્યાર્થીઓમાં ગતિશીલતા આવતી હતી અને અધ્યયન હેતુઓ સિદ્ધ થતા હતા.
  • નવીન પ્રયોગનો અમલ સંદર્ભે આચાર્યની ભૂમિકા પ્રોત્સાહક હતી.
  • સાથી શિક્ષક્મિત્રો વિવિધ નવીન કાર્યોમાં સહાયક બનતા હતા.
  • વર્ગખંડમાં બેઠક વ્યવસ્થામાં કરેલ ફેરફાર માત્રથી આંતરપ્રક્રિયાને વેગ મળતો હતો.
  • વર્ગખંડમાં નવવિચારાત્મક વ્યવહારો સંદર્ભે શિક્ષકોના વલણને અસર કરતી નકારાત્મક બાબતો નીચે પ્રમાણે પ્રાપ્ત થઈ હતી.
  • નવ વિચારોના પર્યાપ્ત જ્ઞાનનો અભાવ હતો.
  • કમ્પ્યુટર અંગેની જાણકારી ન હોવાથી મુશ્કેલી પડતી હતી.
  • માર્ગદર્શક તરીકેની કામગીરી પડકારજનક માનતા હતા.
  • સમયપત્રકમાં ફેરફાર ન થવાથી પ્રયોગ હાથ ધરી શકાતા ન હતા.
  • નવ વિચારોના અમલ વેળાએ સાથી મિત્રો ટીકા કરતા હતા.
  • વર્ગખંડમાં વધુ સંખ્યા, અશિસ્ત, પરીક્ષાલક્ષી અભિગમ અવરોધક હતા.
  • અભ્યાસક્રમનું ભારણ વધુ હતું.
  • આર્થિક રીતે ખર્ચ કરવો પરવડતો ન હતો.
  • વર્ગખંડમાં નવવિચારાત્મક વ્યવહારોમાં મુખ્યત્વે વિશિષ્ટ પદ્ધતિઓ, પ્રયુક્તિઓ, સમૂહ માધ્યમો અને દ્રશ્ય શ્રાવ્ય ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવતો હતો.
  • વર્ગખંડમાં નવવિચારાત્મક વ્યવહારોના અમલીકરણમાં અભ્યાસક્રમનું ભારણ, વિદ્યાર્થીઓની સંખ્યા, ઓછો રસ, જડ સમયપત્રક, સાધન સામગ્રીનો અભાવ અને આર્થિક સહાય ન મળવાની બાબત મુખ્ય હતી.
શૈક્ષણિક ફલિતાર્થો

  • શિક્ષણક્ષેત્રે નવવિચારોથી શિક્ષકોને પરિચિત કરી શકાય.
  • નવ વિચારના અમલીકરણ માટે તાલીમ યોજી શકાય.
  • જરૂર પડે ત્યાં આર્થિક સહાય, સમયની અનુકૂળતા, સહયોગ પૂરો પાડી પ્રેરણા આપી શકાય.
  • નવ વિચારો માટે જરૂરી સાધન સુવિધા, સામગ્રી વસાવવી જોઈએ.
  • નવ વિચારો થકી વર્ગખંડ શિક્ષણને અસરકારક બનાવનારના શિક્ષણકાર્યોને બિરદાવી અન્યોને અનુસરવા જણાવી શકાય.

સંદર્ભ::

  1. દેસાઈ, કે. જી. અને શાહ, જે. એચ. (૨૦૦૦). ‘શૈક્ષણિક પરિભાષા અને વિભાવના’. અમદાવાદ : યુંનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.
  2. દેસાઈ, એચ. જી. અને દેસાઈ, કે. જી. (૧૯૮૫). ‘સંશોધન અને પદ્ધતિઓ’. અમદાવાદ : યુંનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ.
  3. Patankar, (2006). Quest in Education Vol. XXX No. 1 Mumbai : Gandhi Shikshan Bhavan.
  4. શાહ, ડી. બી. (૨૦૦૯). ‘શૈક્ષણિક સંશોધન (દિશાદર્શન). અમદાવાદ : પ્રમુખ પ્રકાશન.

*************************************************** 

ડૉ. ભાવેશ ઈશ્વરભાઈ રાવલ
ઇન્ચાર્જ આચાર્ય
શ્રી મહાવીર વિદ્યામંદિર ટ્રસ્ટ બી. એડ. કોલેજ, પાંડેસરા – સુરત.
E-mail : ravalb09@gmail.com
Mobile : 94280 20168

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Prof. Hasmukh Patel
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us