Untitled Document
પન્નાલાલ પટેલની ‘મળેલા જીવ’ નવલકથામાં નારી વિમર્શ
ગુજરાતી સાહિત્ય જગત ચાલુ વર્ષે જ્ઞાનપીઠ પુરસ્કૃત શ્રી પન્નાલાલ પટેલની જન્મ શતાબ્દી મનાવી રહ્યું છે. પન્નાલાલ પટેલે સાહિત્યમાં ઉત્તર ગુજરાતના ઈશાનિયા ખૂણાના ઇડર પંથકના ગ્રામજીવનને જીવંત કરી આપ્યું છે. પોતાના સર્જનમાં પન્નાલાલ પટેલ ભલે નિશ્ચિત સમુદાયને પ્રગટાવતા હોય, પણ તેમની સંવેદના સમ્રગ માનવજાતને સ્પર્શે છે. જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નવલકથા ‘માનવીના ભવાઈ’ આનું ઉત્તમ ઉદાહરણ છે.
‘મળેલા જીવ’ નવલકથા પન્નાલાલ પટેલના લેખનકાર્યના આરંભિક સમયની કૃતિ છે. ઈ.સ.૧૯૪૦ માં ‘મળેલા જીવ’ પ્રગટ થાય છે. આ નવલકથાની નાયિકા ‘જીવી’ ભારતીય નારીની અનોખી તસવીર છે.
‘મળેલા જીવ’ નવલકથાની નાયિકા જીવી જોગીપુરા ગામની હજામ જ્ઞાતિની બાળવિધવા યુવતી છે. વૃદ્ધ અને અસમર્થ પિતા તથા અપરમા વચ્ચે પીસતી જીવી જન્માષ્ટમીના મેળે જાય છે. ચકડોળમાં બેઠેલી જીવી પાસે કાનજી આકસ્મિક બેસી જાય છે. બન્નેને પ્રથમ દ્રષ્ટિએ પ્રેમ જાય છે. અહીં જીવીની મુગ્ધાવસ્થાની અલ્લડતાને અને પછી ઠરેલ દીકરી તરીકે સર્જકે ખૂબીથી રજૂ કરી છે. કાનજી સાથેની એક-બે મુલાકાતોમાં જ જીવી પ્રેમના અતૂટ તાંતણે બંધાઈ જાય છે. કાનજી કૌટુંબિક પ્રશ્નો તથા જ્ઞાતિપ્રથાના બંધનો આગળ ઝૂકી જાય છે. એટલે જીવીના જિંદગીનો વિચાર કરી એ પોતાના ગામના ધૂળિયા ઘાંયીજા સાથે પરણાવવાનું નક્કી કરે છે.
એક બાજુ પ્રેમિકાનું અન્ય માટે માગું લઈને આવેલો કાનજી છે, તો બીજી બાજુ સપનોમાં રાચતી જીવી છે. પોતાની અપેક્ષાઓથી બિલકુલ વિપરીત વાત સાંભળીને ક્ષણભાર અચેતન બનેલી જીવી કાનજી પ્રત્યેના પોતાનાં પ્રેમ, સમર્પણભાવનું સંસ્મરણ થતાં જ કાનજીનો પ્રસ્તાવ સ્વીકારી લે છે. કાનજીની જેમ જ ભાવક પણ અલ્લડ જીવીના આ રૂપથી ચકિત છે. પન્નાલાલે અહીં જીવીનું એવું તો સુંદર નિરૂપણ કર્યું છે કે, સહૃદય ભાવકને આ સમયે જ ભારતીય પ્રેમપરંપરા પ્રગટાવતી પ્રેમદીવાની રાધા કે મીરાં પળમાં સન્મુખ થાય છે. અવઢવમાં પડેલો કાનજી તેને સમજવાની નાકામિયાબ કોશિશ પણ કરે છે. જે પછી થોડાંક ગુસ્સા તથા ઘૃણામાં પલટાય છે.
કાનજીનો જીવી પ્રત્યે જે પ્રેમ છે, તે વિજાતીય આકર્ષણની સીમાઓમાં સીમિત છે. જયારે,જીવીનો વિજાતીય પ્રેમ ઐક્યતા, ત્યાગ અને સમર્પણભાવમાં પલટાઈ રહ્યો છે. એટલે જ જીવી કાનજીની મજબૂરીને સમજી તેના કથનનો સ્વીકાર કરે છે. જીવી પ્રેમમાં સમર્પણ માર્ગને સ્વીકારી લે છે. જીવીની પરીક્ષા પણ અહીંથી શરૂ થાય છે.
જીવીનું લગ્ન ધૂળિયા સાથે થઈ જાય છે. પત્ની અને ગૃહસ્થજીવનની કર્તવ્યતાને જીવી નિભાવે છે. જીવી પોતાના આ કઠીન માર્ગમાં સાંત્વના માટે કાનજીના સહયોગની અપેક્ષા રાખે છે. કાનજી જીવીને અહીં લાવ્યો, ત્યારે તેના મનમાં જીવી સાથે લગ્નેતર અનૈતિક સંબંધો રાખવાનો વિચાર હતો, પરંતુ કાનજીને વડીલમિત્ર ભગતે આપેલી શિખામણ ‘ લાવ્યાપણું રાખજે ..’ બાદ બદલાઈ ગયો છે. એ હવે પોતાના તથા જીવીના ચારિત્ર્ય-ચિંતનનો વિચાર કરે છે. એક બાજુ સમાજ કાનજી-જીવીના પ્રેમસંબંધિત ચર્ચાઓમાં પડે છે. તો બીજી બાજુ સત્યથી વાકેફ નિર્બળ ધૂળિયો હવે તાકતવર પતિ બની જીવી ઉપર અત્યાચારી બન્યો છે. કાનજી દ્વારા ધૂળિયાને સમજાવવા છતાં ન માનતા જીવીના સુખનો વિચાર કરી કાનજી શહેર ચાલ્યો જાય છે.
જીવીનું જીવન બાળપણથી જ સંધર્ષમય રહ્યું. કાનજીનો પ્રેમ એના જીવનમાં આશાનું કિરણ બનીને આવ્યો હતો. એ હવે ગાઢ અંધકારમાં ફેરવાઈ ગયો છે. તો બીજી બાજુ નામશેષ દાંપત્યજીવનથી છૂટકારો મેળવવા એ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે. અહી પણ જીવી વિફલ બને છે. ઝેર મિશ્રિત રોટલો અચાનક આવેલો ધૂળિયો ખાઈ જતાં મૃત્યુ પામે છે. હવે જીવી ઉપર પતિને મારી નાખ્યાનો આરોપ લાગે છે. સુધબુધ ગુમાવેલી જીવીની એક જ મહેચ્છા છે કે કાનજી સમક્ષ પોતાની નિર્દોષતા રજૂ કરવી. જો કે તેની આ ઈચ્છા પણ અધૂરી જ રહે છે. શહેરથી આવેલો કાનજી જીવીને દોષિત માની તેને મળ્યા વિના જતો રહે છે. પોતાને કાનજીની અપરાધી માની છે એ સત્ય જીવીને પાગલ બનાવી દે છે. ગાંડપણમાં જીવી ક્યારેક કાનજીની રાહ જોતી તો ક્યારેક તેના ઉપર ગુસ્સે થતી તો ક્યારેક પોતાની નિર્દોષતા રજૂ કરતાં રોતી-હસતી જીવીનું હૃદય દ્રાવક વર્ણન લેખકે કર્યું છે.
નવલકથાના અંતે પાગલ જીવીને કાનજીના કહેવાથી જ મેળામાં લવાય છે. કાનજી જીવીની દયનીય સ્થિતિ જોઈ તેને પોતાની સાથે લઈ જાય છે. શરૂઆતમાં જે કાનજી સમાજની વિરુદ્ધ જવાની હિંમત દાખવી શકતો નથી એ ગાંડી જીવીની સુશુષા કરવા માટે લઈ જાય છે. કાનજીનો શરૂઆતી પ્રેમ ભલે સાધારણ ક્ક્ષાનો હોય, પણ અંતે એ નિર્મળ પ્રેમમાં રૂપાંતર થઈ સાચા અર્થમાં ‘મળેલા જીવ’ બને છે.
કાનજી-જીવી નવલકથાના નાયક-નાયિકા છે. પુરુષ પાત્રોની તુલનામાં પન્નાલાલના સ્ત્રી પાત્રો વધુ સશક્ત હોય છે. કાનજીના મુકાબલે જીવી શરૂઆતથી જ મજબુત છે. સૌદર્યવાન, ગુણવાન જીવી, દ્રઢ મનોબળ ધરાવતી જીવી અંતે પાગલ બનતા બધું જ ગુમાવે છે. કાનજી-જીવીના બનતા-તૂટતા સંબંધ તથા મનને માનસશાસ્ત્રની રીતે જુએ છે.
પુરુષ (કાનજી)ના પ્રેમનું કેન્દ્રબિંદુ સેક્સ છે. કાનજીએ જીવી સાથે એના લગ્ન બાદ અનૈતિક સંબંધો અકબંધ રાખવાનું વિચાર્યું હતું. જો કે ભગતના વાક્યે કાનજીની વિચારધારાને બદલી નાખી ચારિત્ર્ય ચિંતનનો ખ્યાલ આવતા જ કાનજી જીવીથી અંતર બનાવી લે છે. નૈતિકતાનું વિસ્મરણ થાય છે. જીવી પ્રત્યેની જવાબદારીથી વિમુખ બને છે.
સ્ત્રી (જીવી)ના પ્રેમનું કેન્દ્રબિંદુ કોઈના પ્રીતિ પાત્ર બનવું છે. બાળપણથી સાચા પ્રેમથી વંચિત જીવી કાનજી પ્રીતિ-પાત્ર બની રહેવા સતત મથતી રહી છે. એટલે જ કાનજીના દરેક ફરમાનને શિરોમાન્ય ગણે છે. જ્યાં સુધી જીવીને વિશ્વાસ રહે છે કે કાનજીના મનમાં તેનું સ્થાન-મન સ્થાયી છે, ત્યાં સુધી એ બધા દુઃખ આસાનીથી સહી લે છે. પરંતુ જયારે એને ખ્યાલ આવે છે કે તે પ્રિયતમની નજરમાં એ પ્રીતિપાત્ર નહી, પણ ગુનેગાર છે. ત્યારે એ માનસિક-શારીરિક શક્તિ ગુમાવી દે છે. એવી જ રીતે, સૌંદર્યવાન જીવીની ચાહના ખત્મ થતા જ કાનજીની નૈતિક હિંમત ખુલી જાય છે એટલે કોઈની પણ પરવા કર્યા વિના પાગલ જીવીને પ્રેમપૂર્વક લઈ જાય છે.
પન્નાલાલ પટેલે નવલકથામાં જીવીને સહજતાથી પ્રગટાવી છે. પન્નાલાલ પટેલ નિશ્ચિત પરિવેશના રચનાકાર હોવા છતાં, સાંસ્કૃતિક સંદર્ભની સાથે સાથે મનોવૈજ્ઞાનિક અભિગમથી પાત્રોને યથાર્થ રૂપે પ્રગટ કરતાં હોવાથી વૈશ્વિક સ્તરના સર્જક બન્યાં છે.
***************************************************
ડૉ.મંજુ કે.ખેર
એસોસિએટ પ્રોફેસર
ગુજરાતી વિભાગ
આર્ટસ & કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા
|