logo
Untitled Document

સમાજઘડતરમાં સાહિત્યનો ફાળો (સુધારકયુગના સંદર્ભે)

સાહિત્યનું પરમ અને ચરમ પ્રયોજન આનંદ લેખવામાં આવ્યું છે. આનંદ આપવાનું મુખ્ય પ્રયોજન હોવા છતાં એનાથી આગળ વધીને સાહિત્યે સમાજને ઘડવાનું કાર્ય પણ કર્યું છે. સાહિત્યકારોનું કર્તવ્ય નક્કી કરવાની મીમાંસામાંથી આપણે ત્યાં ‘કલા ખાતર કલા’ અને ‘જીવન ખાતર કલા’ એવા મતો પ્રગટ્યા છે. બંને મતોની પોતપોતાની સ્વતંત્ર વિચારધારા છે. આ બંને વિચારોની વચ્ચે જ્યારે તટસ્થતાથી વિચાર કરીએ છીએ ત્યારે એટલું સમજાય છે કે સાહિત્ય અને સમાજ એકબીજા સાથે અતૂટ રીતે જોડાયેલાં છે. સાહિત્યકાર જે સામગ્રીનો ઉપયોગ કરે છે એ મેળવે છે સમાજમાંથી. સમાજનું સત્ય સાહિત્યકારની કલમે ‘સવાયું સત્ય’ બનીને આવે છે ત્યારે પણ એમાંથી સમાજને વિશિષ્ટ દર્શન લાધે છે. સાચો સર્જક સમાજને છેહ નથી દેતો એ તો સમાજને સાથે લઈને ચાલે છે. સાહિત્યનો સમાજ સાથેનો સંબંધ હંમેશા રહ્યો છે. સાહિત્યમાં સમાજનું પ્રતિબિંબ દરેક યુગમાં ઓછાવત્તા પ્રમાણમાં પડ્યું છે. સાહિત્યકાર સમાજના પ્રશ્નોની સામે આંખમીંચામણા નથી કરતો. સામાજિક પ્રશ્નો અને એમાંથી ઉદભવતી સંવેદનાઓ પારખીને એની ચિકિત્સા કરવાનું કામ સર્જક કરે છે. સાચો સર્જક સમાજનો સાચો મિત્ર હોય છે, જે એનાં માત્ર ગુણગાન ગાતો નથી એની નબળાઈ તરફ આંગળી પણ ચીંધે છે. 
સાહિત્યનું સીધેસીધું કામ સમાજઘડતર કરવાનું નથી પરંતુ દરેક યુગમાં આ કાર્ય યુગની જરૂરિયાત પ્રમાણે થતું રહ્યું છે. ગુજરાતી સાહિત્યમાં સુધારક યુગમાં સાહિત્ય દ્વારા સમાજઘડતરનું કાર્ય વિશેષ રીતે થયેલું દેખાય છે. સુધારક યુગના સર્જકો સમાજ પ્રત્યે પ્રતિબદ્ધ સર્જકો છે. સુધારક યુગની સામાજિક સ્થિતિ મધ્યકાળની રાજકીય અરાજકતાઓથી કલુષિત બનેલી હતી. સામાજિક સંસ્થાઓની રૂઢિઓમાંથી સમાજહિતને દેશવટો મળેલો હતો. લગ્નસંસ્થા સ્ત્રીને અન્યાયકારક હતી. સમાજની આ રૂઢિચુસ્તતા સમાજનો વિકાસ અટકાવનારી હતી. સમાજે બનાવેલા રિવાજો અન્યાયકારી અને અમાનુષી હતા. આ સામાજિક સ્થિતિમાં અંગ્રેજોની કેળવણીએ એક વર્ગને વિચારતો કર્યો. આ વિચારવંત નાગરિકો સર્જનકાર્ય સાથે સામાજિક સુધારણાનું કાર્ય કરતા રહ્યા. 
સુધારકયુગના સર્જકો આ યુગને સામાજિક બદીઓમાંથી મુક્ત કરીને સમાજને સુધારવાની ખેવના રાખતા હતા. પરિણામે એમણે સાહિત્યનો ઉપયોગ સમાજસુધારણા માટે કર્યો છે. આ સર્જકો બેવડી જવાબદારી બજાવતા હતા. એક જવાબદારી સર્જકની બીજી સમાજસુધારકની. આ યુગના સર્જકોમાં દલપતરામ સિવાયના સર્જકો અંગ્રેજી કેળવણી પામેલા હતા. અંગ્રેજી કેળવણીએ એમને સામાજિક સંદર્ભમાં નવી દ્રષ્ટિ આપી હતી. પરિણામે આ સર્જકોનો મનોરથ સમાજને કુરિવાજો અને કુરૂઢિઓમાંથી મુક્ત કરવાનો હતો. પરિણામે એમણે પોતાના સાહિત્યમાં સમાજઘડતર માટે મુખરતાથી પ્રયત્ન કર્યો છે. એ સમયની સામાજિક બદીઓનું વગોવણું કરવામાં આ સર્જકો યત્નશીલ રહ્યાં છે. આમ કરવા પાછળનો એમનો ઉદ્દેશ હતો સ્વસ્થ સમાજ રચવાનો. 
હવે સુધારકયુગના સર્જકોએ જે સમાજઘડતરનું કાર્ય પોતાના સાહિત્યથી કર્યું એનો વિચાર કરીએ. સુધારકયુગના સર્જકોમાં પ્રથમ ક્રમે છે દલપતરામ. દલપતરામ ચુસ્ત કર્મકાંડી પિતા પાસે પ્રારંભિક કેળવણી પામ્યા. પિતાની કડકાઈથી એ નારાજ થયેલાં. સ્વામિનારાયણ સંપ્રદાયે એમના સાહિત્યને સદાચારના રંગે રંગી નાખ્યું હતું. દલપતરામે પોતાના સાહિત્યમાં સમાજસુધારણાની વાત રમૂજપ્રેરક રીતે રમતી મૂકી છે. દલપતરામની કવિતામાં રમૂજ સાથે બોધ છે. ‘વેનચરિત્ર’ જેવા કાવ્યમાં તેમણે વિધવાવિવાહનો પ્રશ્ન ઉઠાવ્યો છે. આ ઉપરાંત ગદ્યલેખનમાં પણ એમણે સામાજિક બદીઓ સામેનો પોતાનો વિરોધ નોંધાવી એ દૂર થાય એવી આશા રાખી છે. 
એમના નિબંધાત્મક લખાણોમાં પ્રેરણા સંસારસુધારાની છે. ‘ભૂતનિબંધ’, ‘જ્ઞાતિનિબંધ’, ‘પુનર્વિવાહ નિબંધ’, ‘બાળવિવાહ નિબંધ’, ‘પરદેશગમન વિશેનો નિબંધ’ વગેરેમાં તેમની દ્રષ્ટિ સુધારકની છે. ‘ભૂતનિબંધ’ દ્વારા તેમણે પ્રજામાં પડેલાં વહેમોનું ખંડન કરીને તેને વૈજ્ઞાનિક દ્રષ્ટિ આપવાનો પ્રયત્ન કર્યો છે. આ નિબંધ દ્વારા ભૂતનો ડર સમાજમાં ધટ્યો હશે એ સમજી શકાય છે. ‘જ્ઞાતિનિબંધ’ દ્વારા એમણે જ્ઞાતિસંસ્થાના લાભ-ગેરલાભ બતાવ્યા છે. ‘બાલવિવાહનિબંધ’માં એમણે બાળલગ્નની નિંદા કરીને લખ્યું છે: ‘હવે જુવો કે, કોઈ ઠેકાણે હિંદુ શાસ્ત્રઓમાં એવું લખ્યું નથી કે, વરના મા બાપ અથવા સગાંવાલાંની નજરમાં આવે ત્યારે, ને નજરમાં આવે ત્યારે, ને તેવી કન્યા પરણે. કદાપિ કોઈ પુરુષની ઈચ્છા બે વર્ષ પછી પરણવાની હોય અથવા પોતાની ઈચ્છામાં આવે એવી કન્યા મળે ત્યારે  પરણવાની હોય તો તેમ થવું જોઈએ.” ‘દૈવજ્ઞદર્પણ”માં જ્યોતિષને જૂઠું ગણાવી જોશીઓ ધુતારા છે તે સ્થાપવાનો પ્રયત્ન થયો છે.
 નાટકોમાં પણ સમાજઘડતરનો ઉદેશ છે. ”લક્ષ્મી” નાટક અનીતિથી ધન એકઠું ન કરવું એવો બોધ આપે છે. ”મિથ્યાભિમાન” અભિમાન ન કરવાનો અને કન્યાવિક્રય જેવી બદીમાંથી મુક્ત થવાનો બોધ આપે છે. 
દલપતરામનું સાહિત્ય સ્વામિનારાયણ સંપ્રદાયથી રંગાયેલું હોઈ એમાં સંપ્રદાયના આચાર-વિચારોની વાત રજૂ થતી રહી છે. સાથે સાથે ફાર્બસ સાહેબની મૈત્રીનો અંગ્રેજી સુધારાવાદી રંગ પણ ક્યાંક ઘુંટાય છે. સરવાળે દલપતરામનું માનસ સુધારાવાદી રહ્યું છે. દલપતરામ ‘યા હોમ’ કરીને સુધારા માટે નથી મથ્યા પણ ‘સુધારાનો સાર ધીરે ધીરે’ કહીને ચાલ્યા છે. એમનું સર્જન રમૂજપ્રેરક હોઈ સહુને ગમે છે અને એ દ્વારા જ સુધારણાની અપીલ પણ એ કરે છે. સુધારકયુગમાં દલપતરામે સમાજધડતરનું મોટું કાર્ય કર્યું છે. અંગ્રેજી કેળવણી ન પામ્યા હોવા છતાં દલપતરામની દ્રષ્ટિ પોતાના જમાના કરતા ઘણી આગળ રહી છે તે જોઈ શકાય છે. 
સુધારકયુગના બીજા પ્રમુખ સર્જક છે નર્મદ. તેમને સુધારકયુગના સેનાની કહેવામા આવ્યા છે. સમાજસુધારણાના ક્ષેત્રમાં નર્મદે ‘યા હોમ’ કરીને ઝંપલાવ્યું હતું. તે પૂરેપૂરા જોસ્સાથી સમાજને સુધારવા ચાહતા હતા. તેમણે સાહિત્ય દ્વારા સમાજ ધડતરની વાત કરી છે. સાથેસાથે એ સમાજસુધારણા માટે સુધારક તરીકે પણ સક્રિય રહ્યા છે. તે સુધારકયુગની સ્થિતિ જોઈ ખૂબ વિહવળ બનેલા. અને આ સ્થિતિને સમર્થન આપનારા લોકો પ્રત્યે એમનો આક્રોશ ભભૂકી ઉઠેલો. નર્મદે સર્જનકાર્યમાં જેટલો ઉત્સાહ દાખવ્યો છે એટલો જ ઉત્સાહ એમણે સમાજસુધારણા માટે દાખવ્યો છે. તેમણે જ્ઞાતિઓની સામે, ધર્મગુરુઓની સામે, ભુવાઓની સામે સામી છાતીએ લડવાની હિંમત બતાવી અને જ્યાં સાચું કહેવા જેવું હતું ત્યાં એમણે કહી દીધું. 
નર્મદની છબી સુધારક તરીકેની હોવાથી સ્વભાવિક રીતે જ તેમના સર્જનમાં આ સૂર સતત સંભળાતો રહ્યો છે. નર્મદનું કાવ્યસર્જન એમના મનોનેપથ્યની નોંધપોથી હોઈ એમાં સંસારસુધારાની વાત રજૂ થતી રહી છે. સમાજહિત અને દેશદાઝ તેમના કાવ્યોમાં પ્રગટતી રહી છે. ‘હિંદુઓની પડતી’માં સમાજની  અવદશાનો શોક છે. નર્મદ પાસે આવેશનું જોર ઘણું છે એટલે કાવ્યકલાને એ ઘણીવાર નુકસાન કરે છે પણ સમાજઘડતર માટે એ ઉપયોગી બને છે. તેમણે ગદ્યલેખનમાં પૂરેપૂરા જોમથી પોતાના વિચારો પ્રગટ કર્યા છે. ગુજરાતી પ્રજાની સ્થિતિ જોઈ તે ખુબ દુ:ખી હતા, એટલે એમણે પૂરેપૂરી સમાજિક પ્રતિબદ્ધતાથી ગદ્યલેખન કર્યું છે. સંસારસુધારો એ તેમના જીવનનું મિશન હતું. તેમના નિબંધોમાં પ્રજા પ્રત્યેની તેમની સાચુકલી નિસ્બત પ્રગટતી જોવા મળે છે. ‘રોવા કૂટવાની ઘેલાઈ’, ‘સ્વદેશાભિમાન’, ‘ગુજરાતીઓની સ્થિતિ’ જેવાં નિબંધોમાં તેણે સમાજને માર્ગદર્શન આપ્યું છે. નર્મદનો સુધારાનો અવાજ ખડતલ અને મજબૂત હતો. 
નર્મદ  સુધારક તરીકે વ્યાપક પ્રભાવક રહ્યા એનું એક કારણ તે વિચાર, વાણી અને વર્તનની એકવાક્યતા. એ નાત સામે, ધર્મગુરુઓ સામે લડતા રહ્યા. પ્રજાની નબળાઈઓને ઓળખીને તે સુધારવા માટે તીખા ચાબખા મારતા રહ્યા. વિધવાવિવાહને સમર્થન આપવા માટે તે વિધવાને આશ્રય પણ આપે છે. સમાજસુધારણાના સંદર્ભમાં તેમનું કાર્ય ઘણું મોટું છે. જે સમયે ચારેબાજું કૂપમંડુકતા હતી એવા સમયે પોતાના જમાનાથી ઉપર ઉઠીને તેમણે કુરૂઢિઓનો છડેચોક ભંગ કર્યો એ ઘણી મોટી ઉપલબ્ધિ હતી. તેમના સાહિત્ય દ્વારા તો સમાજઘડતર થતુ જ રહ્યું છે પણ તેમનું જીવન પણ સમાજસુધારણા માટે પ્રેરક રહ્યું છે. તેમની આત્મકથા ‘મારી હકીકત’માંથી સમાજ માટે સેવેલો મનોરથ પ્રગટ થતો દેખાય છે. તે સુધારકયુગની સેનામાં નોખા છે અનોખા છે એ સ્વીકારવું પડે તેમ છે. 
સુધારકયુગના ત્રીજા ગણનાપાત્ર સર્જક નવલરામ. અગિયાર અને ચૌદ વર્ષની વયે જેને બાળલગ્નનો અનુભવ કરવો પડ્યો હતો તે આ સર્જક. આ પીડાએ જ તેમની પાસે ‘બાળલગ્નબત્રીશી’ લખાવી. આ કૃતિમાં કવિએ બાળલગ્નના અનિષ્ટનું નિરૂપણ હાસ્ય કરુણ સાથે કર્યું છે. સુધારકયુગમાં બાળલગ્નનું દૂષણ સમાજમાં સર્વવ્યાપક હતું. જેની પછવાડે બીજા કેટલાક અનિષ્ટો ઊભા થતાં હતાં. તેની સામે આ કાવ્યગ્રંથ દ્વારા નવલરામે ઠીકઠીક મોરચો માંડ્યો હતો.  ‘જનાવરની જાન’ તો મુખરતાથી બાળલગ્નને વખોડે છે. 
કાવ્યસર્જન ઉપરાંત નાટક દ્વારા પણ નવલરામે એમના સુધારક મિજાજનો પરિચય કરાવ્યો છે. ‘ભટ્ટનું ભોપાળું’ એમનું સુધારાના હેતુસર લખાયેલું નાટક છે. આ નાટક ફ્રેંચ નાટ્યકાર મોલિયેરના ‘મોક ડૉક્ટર’નું રૂપાંતરણ છે. પરંતુ નવલરામે એને આપણા સંસારને અનુકૂળ બનાવ્યું છે. હાસ્ય દ્વારા સમાજસુધારાનો આ નાટકમાં પ્રશસ્ય પ્રયત્ન થયો છે. આ નાટકમાં લેખકે કન્યાવિક્રયની બદીને નિશાન બનાવી છે. આ નાટકમાં એક કન્યાને એક મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવતી અટકાવીને એના પ્રિય પાત્ર સાથે પરણાવી છે. 
સુધારકયુગમાં નાટ્યપ્રવૃત્તિ થકી સમાજસુધારણાનું કાર્ય સારી રીતે થયેલું માલૂમ પડે છે. ‘લલિતાદુ:ખદર્શક’ પણ રણછોડભાઈ ઉદયરામનું આવું જ એક હેતુલક્ષી નાટક છે. જેનો હેતુ લેખક કહે છે તેમ ‘ન્હાનપણમાં લગ્ન કરવાનો આપણા લોકોમાં ચાલ પડી ગયો છે, તેમાં વળી કહેવાતાં કુલીન ઘર ખોળવા જાય છે તેથી કરીને સારા વરને નઠારી કન્યા ને સારી કન્યાને નઠારો વર મળે છે; કેમ કે સારા નરસાના ગુણ ઉપર લક્ષ આપવું જોઈએ, તેને બદલે નામના જ કુળ ઉપર લક્ષ આપવામાં આવે છે. જેમ કે સારા ગુણનો કોઈ વર હોઈ પણ તેનું કુળ જરા નીચું હોય તો તેને પસંદ નહીં કરતા ગમે તેવા પણ નામના જ કહેવાતા આવેલા કુલીન ઘરના વરને પસંદ કરે છે. વળી છેક ન્હાનપણમાં લગ્ન થાય છે તેથી ગુણઅવગુણ બરોબર જણાઈ આવતા નથી, તેને લીધે ઘણાં દંપતી દુ:ખ પામે છે, તેના દાખલા આપણને હજારો મળી શકે છે.’ આ પરિસ્થિતિને પ્રગટ કરીને કુળ જોઈને કરાતા લગ્નો અને બાળલગ્નનો વિરોધ રણછોડભાઈએ પ્રગટ કર્યો છે. 
આ નાટકે એ સમયે સમાજમાં ઘણી અસર કરી હતી. આ નાટકના સંદર્ભમાં ‘બુદ્ધિપ્રકાશ’, એપ્રિલ 1909 ના અંકમાં જે વિગતો નોંધાઈ છે તે જોવા જેવી છે. ‘એક વેળા એ ખેલ જોઈ એક ડોસી પર એવી મજબૂત અસર થઈ કે તેની છોકરીનો વિવાહ જેની સાથે કરેલો તે નંદકુમાર જેવો જ છે અને તેની સાથે છોકરીનું લગ્ન થતાં તે લલિતા જેવી જ દુ:ખી થશે એમ તેને લાગ્યું અને તેણે ઘેર જઈ વિવાહ તરત તોડી નાખ્યો.’ 
નાટકે એ જમાનામાં સુધારો દાખલ કરવામાં ઘણી મોટી સિધ્ધિ હાંસલ કરી હતી. નાટક વધારે લોકાભિમુખ સ્વરૂપનું છે. અને જ્યારે સમાજનો મોટો વર્ગ અક્ષરજ્ઞાનથી વંચિત હતો એવા સમયે સ્વાભાવિક રીતે જ નાટક દ્વારા સમાજઘડતરનું કાર્ય વ્યાપક રીતે થયું છે. નર્મદે જે નાટકો લખ્યાં છે એમાંનું એક નાટક ‘તુળજી વૈધવ્યચિત્ર’ છે. આ નાટકના પૂર્વરંગમાં નર્મદે નોંધ્યું છે, ‘એ ચિત્ર નાટકશાળામાં દેખાડાવ્યાથી લોકના મન ઉપર ઘણી જ અસર થશે અને પછી લોકો વિધવા સ્ત્રીઓના પુનર્વિવાહ ખરેખર કરવા માંડશે અને મારો પણ એટલો જ રેહી જતો મનોરથ પાર પડશે એ હેતુથી જ મેં આ ઘટતો સંગ્રહ કર્યો છે.’ 
સંસારજીવનના ઘણાબધા પ્રશ્નોની ચર્ચા સુધારકયુગના સર્જકોએ પોતાના યુગના સાહિત્યમાં કરી છે. મહીપતરામ નીલકંઠે દરિયો ઓળંગીને નાતનો ખોફ વહોર્યો. સાથેસાથે ‘સાસુવહુની લઢાઈ’ નામની સામાજિક નવલકથામાં સાસુ-વહુના સંબંધોની મીમાંસા પણ કરી. આ યુગમાં જે પત્રકારત્વ ચાલ્યું એનું મિશન પણ સમાજસુધારણા હતું. ‘બુદ્ધિપ્રકાશ’, ‘ડાંડિયો’, ‘સત્યપ્રકાશ’ વગેરે સામયિકો સમાજને પથદર્શન કરાવનારા હતા. 
સુધારકયુગનું કામ જ વ્યાપક રીતે સંસારસુધારો હતું. આ કામ યુગની પહેલી જરૂરિયાત હતી. જે યુગ બાળલગ્ન, ભૂતના વ્હેમો, વિધવાવિવાહ પ્રતિબંધ, કન્યાવિક્રય, કુલાભિમાન, ઘુંઘટપ્રથા જેવા દૂષણોમાં ફસાયેલો હતો એને એમાંથી બહાર કાઢવાનું કાર્ય આ સર્જકોએ હરખભેર બજાવ્યું છે. સુધારકયુગની આ સામાજિક નિસ્બતને સમજ્યા વિના આ સર્જકોનું સાચું મૂલ્યાંકન થઈ શકે તેમ નથી. સાહિત્યનું કામ ભલે સમાજઘડતર કરવાનું ના હોય પરંતુ દરેક યુગમાં આપણે જોઈ શકીએ છીએ કે સાહિત્ય વ્યાપક રીતે પ્રજાને ઘડતું રહ્યું છે. જે જમાનામાં જે પ્રશ્નો પ્રજાને પીડતા હોય એમાં સાહિત્ય હંમેશા માર્ગદર્શક બનતું હોય છે. સાહિત્ય કંઈ દરેક વખતે પ્રજાને અનુકૂળ મત આપે એવું નથી બનતું, સુધારકયુગનો જ દાખલો આપણી સામે છે કે જ્યાં પ્રજાને આ કૂરિવાજો માફક આવી ગયા હતા છતાં આ યુગના સર્જકોએ એની નિંદા કરી ત્યાજવાની અપીલ કરી. સાહિત્યની આ અપીલ ખૂબ જ પ્રભાવક હોય છે. એનું પરિણામ તત્કાળ ન દેખાય તો પણ પ્રજાનું જે સ્થિર થઈ ગયેલું વિચારજગત છે તેને હલબલાવવાનું મોટું કાર્ય સાહિત્ય કરે છે. સુધારકયુગના સર્જકોએ જે પ્રશ્નોની ચર્ચા કરી એના પરિણામે તો આજે એ પ્રશ્નોની પીડા નાબૂદ થઈ છે અથવા તો ઓછી થઈ છે. સુધારકયુગમાં સમાજઘડતરનું કાર્ય સાહિત્યે વધારે મુખરતાથી કર્યું એ વાત સાચી છે પણ અર્વાચીન સાહિત્યનું એ પ્રારંભિક પગથિયું હતું એટલે ચલાવી લેવું પડશે. બાકી આજે રચાતું સાહિત્ય પણ સમાજના પ્રશ્નોની વાત કરે જ છે. આજે કદાચ કલાત્મકતા આવી હશે એટલે એ સત્યને રજૂ કરવાની રીત જુદી હશે પણ સત્ય તો રજૂ થાય જ છે. 
દરેક યુગમાં ઉત્તમ સાહિત્ય જાણે કે અજાણે યુગઘડતરનું કાર્ય કર્યા કરે છે. ભારતીય પ્રજાના જીવનમાંથી રામાયણ કે મહાભારતને બાદ કરી શકાશે? આજે પણ આ મહાકાવ્યો પ્રજાના જીવનમૂલ્યોમાં જીવે છે. આ કૃતિઓએ મનુષ્યોંને જીવનનો આદર્શ પૂરો પાડ્યો છે. આજે પણ આ ગ્રંથો થકી પ્રજાનું ઘડતર થતું રહ્યું છે. 
સાહિત્યકલા મનુષ્યસંસ્કૃતિને ઘડવાનું કાર્ય કરે છે. ક્યારેક એવી વિચારણા થાય છે કે કલાનું આ કામ નથી પરંતુ કલા દ્વારા મનુષ્યની વાત નહિ થાય તો કોની થશે?
સમાજઘડતરમાં સાહિત્યનો ફાળો ઘણો મોટો છે. સાહિત્ય થકી સમગ્ર માનવજાતને દોરવણી મળી છે, પ્રેરણા મળી છે એને જીવન જીવવા માટેના નવા રસ્તાઓ દેખાયા છે. સાહિત્યે ક્રાંતિનું વાતાવરણ પણ ખડું કર્યું છે ‘લલિતાદુ:ખદર્શક’ની વ્યક્તિગત ક્રાંતિથી લઈ ફ્રાંસની ક્રાંતિમાં જે કૃતિનો અમૂલ્ય ફાળો છે તે વિક્ટર હ્યુગોની કૃતિ ‘લા મિઝરેબલ’. સમાજ જીવનમાં અનેક કૃતિઓએ એવી અસર કરી છે કે લોકોના જીવન બદલાઈ ગયા છે. સાહિત્યનું કામ વ્યાપક રીતે સંવેદનાઓ પારખીને માનવતાનો મહિમા કરવાનું છે. 

*************************************************** 

ડૉ. પ્રવીણ રથવી 
ગુજરાતી વિભાગ, 
શ્રી આર. આર. લાલન કૉલેજ, ભુજ


Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us