Untitled Document
રાગ તરફથી ત્યાગ તરફની ગતિ : બિલ્વમંગલ
કોઇપણ કૃતિના આસ્વાદ-ભાવન માટે જે તે કવિના જીવનની માહિતી અનિવાર્ય બની રહે છે.કલાપી અને રાવજી પટેલ માટે તો ખાસ. આ બંને કવિના જીવનનો એમના કવન સાથે દઢ નાતો રહેલો છે. બંનેના સર્જનમાં જીવનની પ્રત્યેક ક્ષણની પ્રતીતિ અનુભવાય છે.એમની કવિના આસ્વાદમાં જીવનનો વિચ્છેદ વિધ્નરૂપ બની રહે છે.
કલાપીના હ્રદયના રાગ અને વિરાગ બે સ્થાયીભાવ છે. આ બંને ભાવો એમના જીવનનું પ્રભાવક બળ હતા.જન્મ્યા ત્યારથી જ કલાપી મૃત્યુ ઓથાર નીચી જીવ્યા.તેમના માતાપિતાનું પણ રાજખટપટને કારણે જ થયું૧ . પ્રવાસ જતાં પહેલાં તેમને પણ ઝેર આપવાનો પ્રયાસ થયો હતો.૨ તેમના જન્મ વિશે પણ અનેક લોકવાયકાઓ પ્રચલિત છે.પોતે રાજબીજ નહી પણ બાવાનું સંતાન છે એવો અધ્યાસ તેમનો હતો૩. પરિણામે કવિમાં વૈરાગ્યભાવ શૈશવથી કેળવાયો હતો. વળી, બે કુંવરીઓ સાથે લગ્ન અને કિશોર દાસી શોભના પ્રત્યેનો અનુરાગ કવિચિત્તમાં ઘમસાણ મચાવી દે છે. રાગ અને ત્યાગની વચ્ચે ખેંચાતું રહેલું એમનું હૈયું કવિતામાં ધબકે છે.
“ માયિક પ્રેમ તરછોડી અનલહકનો તું કર દાવો!
બન્યું રહે મસ્ત મસ્તાનું,મસ્તીનો તું લે લ્હાવો” (મસ્ત ઇશ્ક)
માયાવી પ્રેમથી મુક્ત થવા પાછળના અનેક કારણોમાં કવિના જીવનની કેટલીક ઘટનાઓની સાથે અભ્યાસ અને અનુભવ મુખ્ય છે. વર્ડઝવર્થ એમના પ્રિય કવિ.તો મિત્ર કાન્તને લીધે સ્વીડનબોર્ગના અભ્યાસી બન્યા. જ્યારે મણિલાલ નભુભાઇ દ્વિવેદી ગુરુ સમાન હતા.એમના સહવાસને લીધે શંકરાચાર્યના વેદાંતનું જ્ઞાન કલાપીને મળ્યું હોવાનું મનાય છે. એટલે જ અદ્વૈતવાદ, સૂફીવાદ અને વર્ડઝવર્થના સર્વાત્મવાદ(PANTHEISCN) નો ત્રિવેણી સંગમ એમની કવિતામાં જોવા મળે છે.
આટલી પૂર્વભૂમિકા પછી કલાપીના ‘બિલ્વમંગલ’ કાવ્યને તપાસીએ તો અહીં સૂફીવાદની અસર જોઇ શકાય છે. સૂફીવાદ સમજ્યા સિવાય કલાપીને અનેકોએ અન્યાય કર્યો છે. આવા જ અન્યાયનો ભોગ દયારામ પણ બન્યા હતા.ઉઘાડા શૃંગારના કવિ હોવાનો આરોપ દયારામ પર લાગેલો,પણ ગોવર્ધનરામ ‘દયારામનો અક્ષરદેહ’ લખી એમની કવિતાનું રહસ્ય સમજાવ્યુ. તેજ પ્રમાણ્રે કલાપીની કવિતામાં માશુકના નામથી પ્રિયાપ્રેમ નહી પરંતું પ્રભુપ્રેમનું વર્ણન છે.જે સૂફીવાદની અસર છે. ‘સુફી વિચારસરણી મુજબ ઇશ્વરી પ્રેમ ‘ઇશ્ક હકીકી’ ની શરૂઆત પાર્થિવ માનવી પ્રેમ ‘ઇશ્ક મિજાજી’થી જ થઇ શકે. સૂફી મહાત્મા ‘જામી’ આ સિદ્ગાંતનું એક એક દ્દષ્ટાત આપતાં જણાવે છે કે કોઇ એક શિષ્ય એક સૂફી મહાત્મા પાસે દીક્ષા લેવા ગયો ત્યારે મહાત્માએ તેને કહ્યું કે તું કોઇ વ્યક્તિનો આશક થઇને આવ અને તારા ખરા પ્રેમથી તેને ચાહતા શીખ ત્યાર બાદ જ તને દીક્ષા આપી ‘ઇશ્ક હકીકી’ ઇશ્વર પ્રેમ શું છે તે શીખવી શકાય૪. સૂફી એ ઇસ્લામનો અગમ્યવાદ છે. સૂફી શબ્દ ‘સૂફ’ એટલે ઉન પરથી નીકળ્યો છે.ઉનનો ડગલા પહેરી જે ઇસ્લામી સંતો પ્રભુની સાથે એકરૂપ થવાનો બોધ કરતા તેમને સૂફી નામ આપવામાં આવતું.સૂફીવાદમાં ફનાફી શય૫ ફનાફી શેખ૬ ફનાફી રસુલ૭ અને ફનાફીલ્લાહ૮ એમાં ચાર તબક્કા મનાય છે. જે કલાપીની કવિતામાં જુદા જુદા રૂપે-રંગે છે. જેમકે -
‘હવે જોવા ચાલ્યું જિગર મુજબ સાક્ષાત હરિને’ (ઉત્સુક હદય)
‘હમો મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા (હમારા રાહ)
‘ફાની છે આ જગત સઘળું, અન્ત આ જીવવાને,
જે છે તે ના ટકી દર્દી કહે સર્વદા કાલ કયાંયે,
શોધી લે ને પ્રિય સખે ! સર્વદા જે રહેશે,
આશા તૃપ્તિ વિભવ સુખની તુચ્છ સૌ છોડી દે ને ! ( બિલ્વમંગલ)
કલાપીમાં રહેલ આ સૂફીવાદનો મર્મ સહ્રદયોને જગન્નાથ દામોદર ત્રિપાઠી-સાગર મહારાજે સમજાવ્યો છે. એમણે ૧૯૦૭, ૦૮ અને ૦૯ માં ‘કલાપી અને તેની કવિતા’ વિશે એક સુદીર્ઘ વિવેચન લખયું.તેઓ ૧૯૧૦ માં બે વાર લાઠી ગયાં બીજી વાર ગયા ત્યારે કલાપીની સમાધી આગળ તેમણે ગૃહસ્થી પહેરવેશ ત્યાગી સૂફી અલ્ફી ધારણ કરી૯. તા. ૩૦/૧૧/૧૮૯૫ ના રોજ ‘બિલ્વ મંગલ’ છપાયું. તે વેળા કવિના મનમાં ચાલતી ગડમથલ રમાને સંબોધીને લખેલ પત્રમાં સ્પષ્ટ થાય છે. ‘અરે મેં જે પ્યાર તમારા પર રાખ્યો હતો તેટલો ઇશ્વર પર રાખ્યો હોત તો આજ તરી ગયો હોત તો હવે મારે આ જંજાળ, જેમાં હું ખોટો ગેરવિશ્વાસુ અને કદર વિનાનો ગણાયો, તે છોડી દઇ એક પરમાત્માની સાથે જ લગની રાખવી એ જેવું બીજું કંઇ જ ઉત્તમ નથી’૧૦. ‘મહાત્મા મૂળદાસ’ અને ‘ગ્રામ્યમાતા’ ની જેમ ‘બિલ્વમંગલ’નું વસ્તુ પણ કલાપીએ લોકસાહિત્યમાંથી લીધું છે. મહાત્મા મૂળદાસની હકીકત અમરેલી પાસે બની હતી. આજેય એ જગ્યા હયાત છે. ‘બિલ્વમંગલ’ વિશે પણ એવું છે.’ એ નામનો એક વૈષ્ણવ ભક્ત કવિ ને પાછલા જીવનમાં સુરદાસ નામથી પ્રખ્યાત થયેલો છે.તે ઇ.સ.ચૌદમાં શતક પહેલા થઇ ગયેલ નક્કી થાય છે. ચિંતામણી નામની ગણિકાથી તે ભક્તિમાં પ્રેરાયો હતો’૧૧ . ‘બિલ્વમંગલ’ સંવત ૮૬૫માં થયેલ એક આચાર્ય હોવાનું પણ મનાય છે.૧૨ એવી જ રીતે તુલસીદાસના જીવન સાથે પણ આ કાવ્યની કથા સંકળાયેલી છે.કલાપીએ આ કાવ્યનું પ્રથમ શીર્ષક ‘તુલસી’ રાખ્યું હતું.પછી કાન્તે ‘બિલ્વમંગલ’ કર્યુ છે. એ જ શીર્ષકથી પછી એ છપાતું રહ્યું.
આ કાવ્યના સ્વરૂપ વિશે વિવિધ મતમતાંતરો છે.ખંડકાવ્યોના અભ્યાસુ ચિનુ મોદીના મતે ‘આ રચના લોકરૂઢ ખ્યાતકથા પર આધારિત એ કથાકાવ્ય છે’૧૩તો પ્રા.જયદેવ શુકલને ‘બિલ્વમંગલ’ ખંડકાવ્ય કરતાં કથાકાવ્યની વિશેષ નજીક પહોંચી જતું લાગે છે’૧૪ જ્યારે ડૉ.ઇન્દ્રવદન દવે આરંભે આ કાવ્યને ‘એક દીર્ધ કથાકાવ્ય’ કહે છે. પણ પછી તરત જ કાન્ત રીતિનું ખંડકાવ્ય રૂપે ઓળખાવે છે.૧૫ કથાકાવ્ય અંગેની વિદ્ગાનોની દલીલો સાથે સહમત થવું યોગ્ય છે.
૨૦૪ પંક્તિમાં વિસ્તાર પામેલા આ કાવ્યનું વસ્તુ જોઇએ તો આટલુ જ છે. બિલ્વમંગલ શબ પર સવાર થઇ બે કાંઠે જતી નદી ઓળંગી, લટકતા સાપને દોરડું સમજી તેનો સહારો લઇ ચિંતામણી સુધી પહોંચે છે.કામવશ બિલ્વમંગલના આંધળા પ્રેમની-સ્નેહની ચિંતામણીને સવારે ખબર પડે છે. આટલા પ્રેમને લાયક હું નહી ઇશ્વર હોવાનું સૂચન –કાંતાસંમિત ઉપદેશ બિલ્વમંગલનું હ્રદયપરિવર્તન કરી દે છે.તે ‘સંસારીને શીખવીશ હવે સ્નેહ’વૈરાગ્ય’ ભક્તિનો સંકલ્પ કરી નીકળી પડે છે. ચિંતામણીની આજીજી સાથે કાવ્ય પૂર્ણ થાય છે.
કવિને આ કાવ્યના વસ્તુ કે કથાનકની પસંદગીમાં સફળતા મળી છે. એમાં ભાવ અને વૃતિના ઉછાળા લાવી શકાય એટલી શક્યતા છે. જે ઉત્કટતાથી બિલ્વમંગલ વાસના તૃપ્તિ તરફા આગળ વધે છે.એવી જ રીતે પાછો વળે છે. આખાય કાવ્યમાં નાયકની ચિત્તવૃતિની ચહલપહલ સંઘર્ષની ક્ષણો ઊભી કરે એમ છે.પરંતુ તેનો લાભ કવિ લઇ શક્યા નથી. કાન્ત જેટલી સજ્જતા કલાપીમાં નથી, તે અહી સ્પષ્ટ થાય છે.
કાવ્યના આરંભે સમય-સ્થળનો નિર્દેશ કરવા કવિએ પ્રકૃતિનો સહારો લીધો છે.
‘છૂપી ઊંઘે ઘનપડ મહીં તારલા વ્યોમઅંકે,
નિદ્રા મીઠી ગિરિ, નદી અને વિશ્વ આખુંય લે છે,
ને રૂપેરી શ્રમિત દિસતી વીજળી એક સ્થાને,
સૂતી સૂતી હસતી મધુરૂં સ્વપ્ન માંહી દિસે છે.’
મેઘલી, અંધારી-તોફાની રાતે બિલ્વમંગલ પત્નીને મળવા નીકળી પડે છે. એનામાં જાગેલ કામવાસનાને વધુ પ્રત્યક્ષ કરવા કવિ નદીના પૂરને આલેખે છે. મેઘાચ્છાદિત આકાશ’ મેઘગર્જના,વીજળીના ભડાકા અને કડાકા, ગર્જતી શ્યામ યમુના, શબ અને સર્પ એ પ્રકૃતિના ભયાનક સ્વરૂપો છે.આવી ભયાનકતામાં પણ મસ્ત પ્રેમીને પ્રિયાદર્શનની તલપ છે.’
‘તેની પત્ની હ્રદયવિભુતિ સ્નેહની જે સરિતા,
તેની પાસે જિગર ઘસડી જાય છે લેઇ હાવાં,
આલેખાયું હ્રદયપટમાં ચિત્ર વ્હાલી તણું છે,
અંગોમાંથી જીવન સઘળું ત્યાં જ આવી રહયુ છે’.
પ્રિયાપ્રેમનું ખેંચાણ શબ કે સર્પને કયાંથી જુએ ? ‘પ્રેમ આંધળો છે’! એ અર્થમાં કહેવાતું હશે! પરંતુ સમયના પરિવર્તન સાથે જ કાવ્ય પણ પલટો લે છે.રાત્રીમાંથી પ્રભાતમાં, અંધકારથી પ્રકાશ તરફ,કામાંધતાથી જ્ઞાનપ્રકાશ તરફની ગતિ કવિ સૂચવે છે.સૂર્યોદય સાથે જ્ઞાનપ્રકાશનો ઉદય થાય છે. લાકડું માન્યું હતું તે શબ અને દોરડું જેને માન્યું હતું તે સર્પ હતો તેનો ખ્યાલ આવે છે. પ્રેમીજનોના ચિંતનને વેગ આપવા કવિ દીવાનું પણ પ્રતીક પ્રયોજે છે.
‘પેલો કામી પુરૂષ હજુ ત્યાં ગોખ માંહી ઊભો છે,
તેનો કામી પ્રણયી નયનો પ્રેમીને નીરખે છે,
ત્યાં દીવામાં ચડચડી મર્યુ એક ભોળું પતંગ,
જોવા લાગ્યો સ્થિર નયનને ફેરવી ત્યાં યુવાન’.
મૂક વિચારતી નાયિકા દીવાના પ્રસંગથી નિશ્ચિંત થઇ, આ આસક્તિને ક્ષણભંગુર દેહ તરફથી શાશ્વત પરમાત્મા પ્રતિ વાળવા નાયકને પ્રેરે છે.તે પ્રિયતમને બોધ આપે છે.
‘મારા વ્હાલા ! સુર ! હ્રદયથી દાસતું ઇશનો થા !’
** ** ** **
‘શું છે હું-માં ? સુખરૂપ તને દેહ આ ના થવાની’
આ પંક્તિઓ કલાપીના અસ્વસ્થ ચિત્તમાં વારંવાર ઉઠતા નિર્વેદ (વૈરાગ્ય) ની નિશાની છે.પ્રણય દ્ગારા પણ ઇશ્વર પ્રાપ્તિની શક્યતા સૂફીવાદમાં શ્રધાળુ કલાપીને છે. સ્નેહ જ્યારે જ્યારે પરાકાષ્ટાએ પહોંચે છે. ત્યારે એનો અંત શાંત હોય છે. જે અહી ફલિત થાય છે.કવિનું કાવ્યનું કાવ્યયોજન પણ સિધ્ધિ થાય છે.
‘ફાની છે આ જગત સઘળું................’
બિલ્વમંગલનો માનસપલટો થાય છે. જો કે કવિએ ધીરજ ગુમાવી છે. કવિની આ મર્યાદા અંગે ચિનુ મોદી નોધ્યું છે કે ‘અપ્રતીતિકર અભિવ્યક્તિને કારણે ‘બિલ્વમંગલનું’ પોત ઘણું ફિસ્સુ લાગે છે.ચરિત્રચિત્રણ સાવ પાંખું લાગે છે.આ રચનામાં બિલ્વમંગલ નહી પણ કલાપી જ નાયક બને છે.અને ચિંતામણીને પણ મુખવાદ્ય જ બનાવે છે. આથી, આ બેમાંથી એકકેયનું ચરિત્ર સુરેખ,જીવંત અને એથી કલામય બની શક્યુ નથી. બેઉનાં ઉચ્ચ કવિ દ્ગારા હ્રદયવલોવણ સંઘર્ષણોની જે શક્યતાઓ હતી તેનો લાભ કલાપી લઇ શક્યા નથી અને એથી વસ્તુગત બાહ્ય સંઘર્ષને કલાપી પાત્રમાં સંક્રાત કરી શક્યા નથી૧૬ કવિનો વર્ણનશોખ અને ઉપદેશશોખ પણ કાવ્યને હાની પહોચાડે છે. વૃતવૈવિધ્યની દ્રષ્ટિએ જોઇએ તો અહીં કવિએ પ૧માંથી ૪૯ શ્ર્લોકોમાં મંદાક્રાન્તાનો વિનિયોગ કર્યો છે. ૫૦-મા શ્ર્લોકમાં અનુષ્ટુપ અને ૫૨-મા શ્ર્લોકમાં દ્ગુતવિલિંબિતનો પ્રયોગ છે.
ટૂંકમાં ‘ઇશ્કે મિજાજી’ માંથી ‘ઇશ્કે હકીકી’ –પ્રિયા પ્રેમમાંથી પ્રભુપ્રેમમાં થયેલું એક ‘મસ્ત પ્રેમી’ના પ્રેમનું પરિવર્તન એ આ કાવ્યનો વિષય છે.પ્રેયસીની એક ટકોર નાયકનું હ્રદયપરિવર્તન કરી નાખે છે.કાંતાસંમતિ ઉપદેશ એક રાગીને વિરાગી બનાવી દે છે.ગગનવિહારી મહેતાએ જરા જુદી રીતે કાન્તના ‘વર્સતવિજય’ સાથે આ રચનાની સરખામણી કરી છે.અહીં કામી પ્રેમીનું વિરાગી ભકતમાં રૂપાંતર થાય છે. જ્યારે કાન્તના ‘વસંતવિજય’માં એક વિરાગીનું રાગીમાં પરિવર્તન થાય છે.બાહ્ય બળની મદદથી બિલ્વમંગલ આંતરિક બળ મેળવે છે, જ્યારે પાંડુને તે મળી શકતું નથી. તેના માટે તો બાહ્ય બળ કામોદ્રીપકતાનું સાધન બને છે.પાડુંને ત્યાગ તરફ જવું છે, પણ રાગમાં લપસી પડે છે. બિલ્વમંગલને રાગ તરફ જવું છે.પણ આંખ ઉઘડી જતાં ત્યાગ જ તેનો નિર્ધાર બને છે.એકના પતનની કથા છે.બીજાના ઉધ્ધારની કથા છે.૧૭
આમ ,કામી પ્રેમીનું જ્ઞાનીમાં રૂપાંતર એ આ કાવ્યનો મુખ્ય વિષય છે.લૌકિકને બદલે કવિની અલૌકિક સનમની શોધ અહીં આરંભાઇ છે.આ પ્રભુ સનમની ખોજ જ એમની પાસે લખાવે છે.
‘પેદા થયો છું ઢૂંઢવા તુંને સનમ
ઉમ્મર ગુજારી ઢૂંઢતાં તુંને સનમ’
પાદટીપ
- ક્લાપીનો મણિલાલ નભુભાઇ દ્વિવેદીને પત્ર તા.૨૩/૧૨/૧૮૯૨
- એજન
- ઊર્મિમૂર્તિ કલાપી : બ.ક.ઠાકોર, અપ્રગટ વ્યાખ્યાનો, ગુજરાતી,૧૦/૨/૧૯૩૫
- ઇસ્લામનું રહસ્ય : સૂફીવાદ,લે.ત્ર્યંકલાલ ઉ.મહેતા,સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય,અમદાવાદ.પ્રા.આ.-૨૦૦૬,પૃ.૨૬
- એક વસ્તુમાં પોતાની યાદને ભૂલી જવું.
- ગુરૂમાં જાત ભૂલવી.
- મહમ્મદ પયગંબરબર સાહેબમાં પોતાનું અસ્તિત્વ ડૂબાવી દેવું.
- ઇશ્વરમાં ભળી જવું.
- ‘કલાપી શોધ અને સમાલોચન’, લે.રમેશ શુકલ, પાર્શ્વ પ્રકાશન ,અમદાવાદ પ્ર,આ.૨૦૦૨ પૃ.૫૯-૬૦
- રમાને પત્ર – ૧૦/૭/૧૮૯૦
- ‘ભગવદ્રોમંડલ’-પ્રવીણ પ્રકાશન રજકોટ દ્વિ.આ.૨૦૦૭,ભાગ-૭,પૃ.૬૩૮૩
- એજન
- ‘ખંડકાવ્ય:સ્વરૂપ અને વિકાસ’-લે.ચિનુ મોદી, પાર્શ્વ પ્રકાશન ,અમદાવાદ પ્ર,આ.૨૦૦૧, પૃ.૨૨૭
- ‘ખંડકાવ્ય’, લે.પ્રા.જયદેવ શુકલ,ચંદ્રમૌલિ પ્રકાશન, અમદાવાદ પ્ર,આ.૧૯૮૬ પૃ.૩૦
- ‘કલાપી’-એક અધ્યયન,લે.ડો.ઇન્દ્રવદન કા.દવે,ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ પુનર્મુદ્રણ-૧૯૮૦, પૃ.૩૬૩
- ‘ખંડકાવ્ય:સ્વરૂપ અને વિકાસ’ -લે.ચિનુ મોદી, પાર્શ્વપ્રકાશન ,અમદાવાદ, પ્ર.આ.૨૦૦૧, પૃ.૨૨૬
- ‘કૌમુદી’ત્રૈમાસિકનો‘કલાપી’અંક, લે.ગગનવિહારી મહેતા
ડૉ.એ.એ.શેખ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ
વાંસદા.જિ.નવસારી
|