logo

ઉમાશંકરા જોષીની વિવેચનામાં વિષયવ્યાપ

પોતાની  સર્જક  પ્રતિભાથી સર્જાયેલા સર્જન દ્વારા ભારતની અન્ય પ્રાંતીય ભાષાઓમાં  ગુજરાતી સાહિત્ય સર્જનને ગૌરવ અપાવનારા સર્જકોમાં ઉમાશંકર જોશી પહેલા આવે. મુખ્યત્વે કવિ અને નાટકકાર તરીકે જાણીતા ઉમાશંકર જોશી વિવેચનની ત્રીજી આંખ દ્વારા એક વિવેચક તરીકે પણ પ્રતિભાસંપન્ન બની રહ્યા હતા. ઉમાશંકર જોશી જેટલા ઉત્તમ કવિ છે તેટલા જ ઉત્તમ વિવેચક પણ છે. તેમનું વિવેચન સર્જનની સમાંતર ચાલતુ રહેલું. તેમના વિવેચનોમાંથી પસાર થતા સહેજે ખ્યાલ આવી જાય કે ઉત્તમ ભાવક અને પ્રબુધ્ધ વિવેચક તરીકેની તેમની ચેતના કેટલી ગહન છે. વાંચન – મનનની વિસ્તૃત ક્ષિતિજ વગર, વૈશ્વિક સાહિત્યના અભ્યાસ વિના વિવેચનમાં આટલી વ્યાપકતા અને ગહનતા સંભવી ન શકે. વ્યાપકતા અને ગહનતાની સાથે સાથે વિવેચનના વિષયનો વ્યાપ આપણને વિચાર કરતા કરી મૂકે તેવો છે. યુગના કે સ્વરૂપના ચોકઠામાં બંધાયા વગર તેમણે પ્રાચીન સાહિત્યથી માંડી પોતાના જમાનામાં સર્જાતા અનેકવિધ સંદર્ભે તપાસી જોયુ છે. તે પણ ઊંચી ગુણવત્તા સાથે, આગવા અંદાજ સાથે. ઉમાશંકર જોશીનું વિવેચન એ વિવેચ્ય વિષય સામગ્રીને ગહન વાંચનથી સંવેદી –આત્મસાત કરી કલાદ્રષ્ટિથી પ્રગટ કરેલા પ્રતિભાવો બની રહ્યુ છે. તેમનું વિવેચન કૃતિના આસ્વાદસ્થાનો અને રસસ્થાનોનો ભાવકને પરિચય કરાવનારા બની રહે તેવા રસાળ છે. તેમના વિવેચન સંગ્રહોમાંથી પસાર થતા તેમનાં મૌલિક નિરીક્ષણો અને અર્થઘટનો આપણને પ્રભાવિત કર્યા વગર રહેતા નથી. પોતાના સમયના અને પૂર્વેના સાહિત્ય પ્રવાહને સહ્ર્દયતાથી અવલોકી તેમની વિવેચનામાં ઢાળ્યો છે. ભાવકની સમજને ખિલવવાનું અને વિસ્તારવાનું કાર્ય તેમનું વિવેચન બખુબી બજાવે છે.

’અખો:એક અધ્યયન’થી આરંભાયેલ તેમનું વિવેચન ‘સમસંવેદન’, ‘શૈલી અને સ્વરૂપ’, ‘નિરીક્ષા’, ’કવિની સાધના’, ’શ્રી અને સૌરભ’, ’અભિરૂચિ’, ’કવિતા વિવેક’, ’પ્રતિશબ્દ’, ’પુરાણોમાં ગુજરાત’ જેવા પંદરેક વિવેચન ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. ’અખો :એક અધ્યયન’ના સાત સાત પ્રકરણમાં અખાના જીવન અને સર્જનની સઘળી  વિશ્વસનીય માહિતી એકત્રિત કરી, તપાસી પ્રમાણસિધ્ધ હકીકતોને મુકી આપી છે. આ ગ્રંથમાં અખાના જીવન-કવનની સાથે સાથે તેના સમય, કૃતિઓનો સમય, વૈષ્ણવ સંપ્રદાયને ગુરૂ ગોરખનાથ વિશેનું વલણ અને પ્રભાવ તેમજ તેમની કૃતિઓમાં પ્રગટ થતું સમકાલીન જીવન વગેરે વિશેની તાર્કિક સમજ ઉમાશંકરે આ ગ્રંથમાં આપી છે. આમ ઉમાશંકરે અખાના અંગત જીવન વિષયક ઘટના કે બાબતોને પ્રમાણભુતતા સાથે નિરૂપી છે એટલી જ વિશદતાથી અખાની કવિતા, છપ્પા વગેરેમાં રજૂ થયેલા તત્વજ્ઞાનને પણ વિશદતાથી છણાવટ કરી અખાની સાચા અર્થમાં તત્વજ્ઞાની કવિ તરીકેની સ્થાપના કરી આપે છે. 

‘સમસંવેદન’માં ઉમાશંકરે અન્ય લલિત કલાઓથી સાહિત્યસર્જનને અલગ તારવવાનો પ્રયાસ કર્યો છે. કલાના ઉપાદાન તરીકે સંપૂર્ણપણે માનવસર્જીત એવી ભાષા કે શબ્દ અન્ય માધ્યમો કરતા કેટલું અને કેવી રીતે સૂક્ષ્મ અને સમૃધ્ધ છે તે તારવવાનો પ્રશસ્ય પ્રયાસ વિવેચક ઉમાશંકરે આ ગ્રંથમાં કર્યો છે. સાહિત્યની રચના તેનો સર્જક સમસંવેદનની-પ્રત્યાયનની અપેક્ષાએ કરતો હોય છે તેવું સ્થાપિત કરવાનો પ્રયાસ વિવિધ ઉદાહરણ દ્વારા અહીં ઉમાશંકર કરે છે. એમની આ વિચારસરણી સર્જનપ્રક્રિયામાં ભાવકનું મહત્વ અને ગૌરવ કરે છે. તેમના મતે સર્જનપ્રક્રિયા ભલે ભાવકને નજર સમક્ષ રાખી ન થાય પણ ભાવક કે ભાવનને નજર અંદાજ કરીને પણ ન થઇ શકે. સર્જકના અનુભવનું ભાવકમાં સમસંવેદન દ્વારા પ્રતિનિધાન થાય તેમાં જ  સર્જનનું સાર્થક્ય રહેલું છે એમ તેઓ ભારપૂર્વક જણાવે છે. માટે આવા સમાનધર્મી ભાવક મેળવવાની તેના સર્જકની એષણાઓની વિશદતાથી ચર્ચા અહી કરી  છે. 

તેમના સિધ્ધાંતલક્ષી વિવેચનો પણ તેમની વિવેચન સમૃધ્ધિનો મહત્વનો અંશ છે. તેમના અગત્યના લેખોમાં સાહિત્યસર્જનની પ્રક્રિયા, છંદ આકૃતિ, કલ્પન જેવા ઉપકરણો, નિબંધ , ટૂંકીવાર્તા, એકાંકી, ઊર્મિકાવ્ય જેવા સાહિત્યસ્વરૂપો અને પ્રકારો વિશે, સાહિત્યવાદ વિશે વિવેકપૂર્ણ વિચારણા રજૂ કરી છે. અહીં તમામ વિવેચ્ય વિષયને તેઓ પૂરતો ન્યાય આપતા હોય તેમ પોતીકા દ્રષ્ટિકોણથી વિષયને મૂલવે છે સાહિત્યસ્વરૂપ વિશેની નાની નાની બાબતોને તેઓ તટસ્થ રીતે પોતીકી સમજથી અલગ સ્વરૂપે આપણી સમક્ષ મૂકે છે. સાથે ઉમાશંકરનું કર્તાલક્ષી વિવેચન પણ ધ્યાનપાત્ર છે. તે વાલ્મીકી-વ્યાસથી આરંભી કાલીદાસ, ભવભૂતિ, નરસિંહ, અખો, પ્રેમાનંદ, નરસિંહરાવ, ન્હાનાલાલ, રા.વિ.પાઠક, બક.ઠા., રવીન્દ્રનાથ ટાગોર, શેક્સ્પિયર, રોબર્ટ ફ્રોસ્ટ તથા ચેખોવ જેવા અગણિત સર્જકો સુધી વિસ્તરે છે. આમાં  મહાન કવિઓની કવિતાઓને તેમણે ઉત્તમ રીતે આસ્વાદી છે. 

કૃતિલક્ષી વિવેચનામાં, ‘મહાભારત’, ’શાકુંતલ’, ’ઉત્તરરામચરિત’, ’કુમારસંભવ’, ’અખેગીતા’, ’નળાખ્યાન’, ’સરસ્વતીચંન્દ્ર’, ’બારી બહાર’, ’ધ્વનિ‘ જેવી અસંખ્ય ઉત્તમ રચનાઓને અવલોકી છે. સર્જક વિશેની વાત હોય કે કૃતિ વિશેની વાત હોય ઉમાશંકરે પોતાના વિષયને ગહનતાથી તપાસવાની નિષ્ઠાના દર્શન અવશ્ય કરાવ્યા છે. સમુચિત પરીપ્રેક્ષ્યમાં સર્જક કે કૃતિની મહાનતા કે ન્યુનતાને પ્રમાણવાનો પ્રશસ્ય પ્રયાસ અચૂક દેખાઇ આવે તેવો છે. જેમ કે નરસિંહમાં પ્રેમભક્તિનું કેવી રીતે કવિએ કવિતામાં રૂપાંતર કર્યું છે, અખો તત્વજ્ઞાનને કેવી રીતે કવિતામાં ઢાળે છે તેની રસયુકત ચર્ચા ઉમાશંકર પોતીકા અંદાજમાં કરે છે. તો પ્રેમાનંદના કવિકર્મને ઉમાશંકરે કથાકથનકૌશલ્ય, કથાસંઘટનાની સપ્રમાણતા, નાટ્યાત્મકતા, વર્ણનકલાની ખૂબીઓ, તેમજ તેની કરૂણ અને હાસ્યરસની સિધ્ધિઓને ઉત્તમ રીતે અર્ધ્ય આપી મૂલવેલા જોઇ શકાય છે. ’નળાખ્યાન’, ’મામેરૂં’ ’દશમસ્કંધ’, ’હૂંડી’ અને ‘સુદામાચરિત્ર’ જેવી રચનાઓને આધારે  ગુજરાતી ભાષાના અમર અને ચિરસ્મૃત કવિઓમાં સ્થાન પામેલા પ્રેમાનંદના સર્જનકર્મને વિવિધ દ્રષ્ટાંતોથી યોગ્ય રીતે મૂલવી મધ્યકાળના મહાકવિ તરીકે સ્થાપિત કર્યો છે.. મધ્યકાલીન કવિઓની જેમ જ ઉમાશંકરે અર્વાચીન કવિઓની કવિત્વશક્તિનું યથાર્થ મૂલ્યાંકન કરી બતાવ્યું છે. એમાંય ન્હાનાલાલ  અને બ.ક.ઠા. જેવા કવિઓની કવિતાને તેમણે પોતાની સ્વભાવગત તટસ્થતાથી પ્રમાણી છે. જે અત્રે નોધનીય છે. ’અર્ધી સદીનો દેશવટો’ લેખમાં જેની ઉમાશંકરના સમય સુધી વિવેચકો દ્વારા ખાસ નોંધ લેવામાં નથી આવી તેવા બાલાશંકર કંથારીયાની કવિતાનું સહ્ર્દયતાપૂર્વક કરેલુ અવલોકન  સાહિત્યમાં યોગ્ય સ્થાનના અધિકારી બનાવે છે. જેમ આપાણી ભાષાના તેમ અન્યભાષી કવિઓની સર્જકતા પણ તેમણે સતત આકર્ષતી રહી હતી. કવિવર રવીન્દ્રનાથ ટાગોરની સાહિત્ય સાધના તેમના નિરંતર આસ્વાદનો  વિષય રહ્યો હતો, જે તેમના વિવેચનમાંથી પસાર થતા અનુભવાય છે. 

‘સંસ્કૃતિનો કવિ’માં તેમણે કાલિદાસને રાષ્ટ્રીય કવિ સિધ્ધ કર્યા છે. ’મેઘદૂત’ અને ‘રઘુવંશ’ના સર્જક કાલિદાસે કરેલા તત્કાલીન ભારતીય પ્રજામાનસ અને સંસ્કૃતિનાં આલેખનને ઉમાશંકરે યથાર્થ રીતે મૂલવી આપ્યા છે. વેદ વ્યાસે રચયિતા અને પાત્ર એમ બંને રીતે માનવ્યનું ગૌરવ શી રીતે વધાર્યું તે દર્શાવી યુધિષ્ઠિર, કૃષ્ણ, અર્જુન, કર્ણ, દ્રોણ, અને દુર્યોધન વગેરે પાત્ર દ્વારા પ્રગટતી માનવતા માત્ર મનુષ્ય લગી જ નહિ પણ પશુ, પંખી લગી પણ કેવી રીતે વિસ્તરી તેની પણ ચર્ચા ઉમાશંકરે કરી છે. આમ તેમણે ભારતવર્ષની સભ્યતાની નિરાળી ઓળખ કરાવી આપી છે. ’શ્રી અને સૌરભ’માં હેમચંન્દ્રથી માંડીને કાલીદાસ સુધીના પૂર્વસૂરિઓના સાહિત્યને તપાસી પોતાના વિવેચનની ક્ષિતિજોને પ્રાચીન સમયના સાહિત્ય સુધી વિસ્તારે છે. 

કૃતિલક્ષી વિવેચનામાં ગ્રંથસમીક્ષા અને કોઇ રચનાની આસ્વાદલક્ષી સમીક્ષા એમ ઉભય સ્વરૂપે કામ કર્યુ છે’ ‘વસંતવિલાસ’, ’શરદપૂનમ’, ‘મેકબેથ’, વેઇટીંગ ફોર ગોદો’ જેવી કૃતિઓનો સજ્જતાસભર  આસ્વાદલક્ષી આસ્વાદો ગમે તેવા છે. 

ઉમાશંકરે નવલકથા એક જ લખી છે, પણ નવલકથા વિવેચનનું પ્રમાણ ધ્યાન ખેંચે તેવું છે. ’સરસ્વતીચંદ્ર’થી માંડી ‘ફેરો’ સુધીની અનેક નવલકથાઓને તેમણે નિર્ભીકપણે અવલોકી છે. તેમનો ‘નવલકથાકારની ભારત માટેની ખોજ’ લેખમાં આપણી ‘માનવીની ભવાઇ’, બંગાળી નવલકથા ‘આરણ્યક’, હીન્દી નવલકથા ‘મૈલા આંચલ’ અને મરાઠી નવલકથા ‘ગોરંબીચા બાપુ’નું તુલનાત્મક અવલોકન કરી નવલકથાને ભાષાકીય અને પ્રાંતવાદની સીમાથી ઉપર ઉઠાવી આપવાનું યશસ્વી કાર્ય કર્યું છે. 

‘કવિની શ્રધ્ધા’માં ઉમાશંકરે આરંભે જ નોધ્યું છે કે કવિની શ્રધ્ધા શબ્દમાં છે એમ કહી તેમણે શબ્દનો અપરંપાર મહીમા કર્યો છે. કોશગત શબ્દથી આરંભી નાદ-અર્થ અને તેના સામાજીક સંદર્ભની વાત કરી છે. ઉમાશંકરના મતે કોઇ પણ રચના મહાન છે કે નહી તેનો નિર્ણય જીવનસાપેક્ષ ધોરણો સાથે મુકી જોવાથી જ થાય. અહી કલાના જીવન સાથેના સંબંધને તેઓ વિગતે સ્પષ્ટ કરી આપે છે. જીવનવાદી સર્જક રહલા તેઓ વિવેચનમાં પણ આ જ અભિગમ દાખવે છે. ’વિવેચન શાસ્ત્ર કે કલા’માં તેઓ વિવેચનને કૃતિના પુનર્ઘટનની-પુનર્ભવનની પ્રક્રિયા કહે છે. વિવેચનની પ્રક્રિયા વસ્તુત: મૂલ કૃતિ પર આધારીત હોવાથી કાવ્યસર્જનની માફક સ્વાયત્ત-સ્વયંપર્યાપ્ત પ્રક્રિયા નથી  છતાં કૃતિનું પુનર્ભવન વિવેચનથી થતું હોવાથી વિવેચન કાર્યની મહત્તા કરે છે. 

’કવિની સાધના’માં ઉમાશંકરે વિતેલી સદીઓમાં કવિ અને કવિતા વિશે થયેલા ચિંતન સંદર્ભે પ્લેટો-એરીસ્ટોટલને ટાંકી તેઓ કવિકર્મની સાધનાની વાત કરે છે. તેમણે આમાં એક બહુ સરસ વાત કરી છે કે કવિ એ માત્ર સર્જન કરી સૌંદર્યપાન કરવા-કરાવવાનું નથી પણ પ્રત્યક્ષ-પરોક્ષ અનુભવોને આત્મસાત કરી, જીવનના અસુંદર અનુભવને પણ સુંદરતામાં રૂપાંતરીત કરી રમણીયતાનો બોધ કરાવવાનો હોય છે. બુધ્ધિથી પ્રમાણતા જે કદાચ અસંભવિત લાગે તેને ભાવપ્રતિકોના નાના શા ઝબકારે સિધ્ધ કરી આપે ત્યારે જ કવિની સાધના પૂર્ણ થઇ ગણાય. 

સૈધ્ધાતિંક વિવેચનમાં ઉમાશંકર જોશીએ છંદ, શૈલી, આકૃતિ, કલ્પન જેવા વિષયોની વિચારણા પણ કરી છે. ગુજરાતીમાં પ્રયોજાતા વિવિધ છંદોને ધ્યાનમાં રાખી કાવ્યમાં જરૂરી લય સિધ્ધ કરવામાં છંદ શી રીતે સાધક બાધક બની રહે તેની સદ્ર્ષ્ટાંત ચર્ચા કરી છે. છાંદસ વિશે વિગતે વાત કરી તો સાથે સાથે અછાંદસ[મુક્તપધ]ની અનિવાર્યતાની ચર્ચા પ્રમુખ ચાર કારણો સાથે કરી છે. તેમના મતે છંદથી કે છંદ વગર કવિ ઇચ્છે તે પ્રમાણે લય મેળવી કાવ્યનિર્માણ કરી શકે છે. કવિ ગમે તે રીતે લય મેળવે પણ અંતે કાવ્યતત્વ સિધ્ધ થવું જોઇએ તેવું સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે. એ જ રીતે શૈલી વિશે પણ તેમણે વિસ્તારથી કાર્લાઇલ, વર્સફોલ્ડ અને ભારતીય કાવ્યમીમાંસકોને ટાંકતા જઇ ગહનતાથી વિચારણા રજૂ કરી છે. ’શીલ તેવી શૈલી’ સાથે સહમતી દર્શાવી ‘શીલ’ એટલે સર્જકનું સમગ્ર વ્યક્તિત્વ નહી પણ વાક્ અભિવ્યક્તિ એવો ચોક્કસ અર્થ તારવી બતાવે છે. 

ઉમાશંકર ગાંધીયુગનું સરજત હોવા છતાં ગાંધીવાદી વિચારધારાથી કદી બંધાયા નથી. પ્રહલાદ પારેખના ‘બારી બહાર’ની અનુગાંધીયુગની નવતર કવિતાને આવકારતી વેળાએ પોતાના કુળગોત્રથી જુદી પડતી કવિતાને આનંદ સાથે આવકારી સ્વાગત કરે છે. આમ  સાહિત્યમાં નવી હવા લઇ આવનારને યથાર્થ મૂલવી પ્રયોગશીલતાનો પુરસ્કાર અને ગૌરવ કરી નવા સાહિત્ય અને સર્જકોને પ્રેરણા સાથે પ્રોત્સાહન આપી વિવેચકિય ગુણધર્મ બજાવે છે.

આમ, ઉમાશંકર જોશીના વિવેચન વિશે વાત કરવા જઇએ તો માત્ર તેમના વિવેચન પર  જ અને વિવેચન દ્વારા સાહિત્યજગતમાં પોતાના વિવેચન વિચારો દ્વારા જે નવા મૂલ્યો મૂકવાનો તેમજ પરંપરીત મૂલ્યોને નવા જ અર્થમાં સ્થાપિત કરવાનો જે પ્રયાસ કર્યો છે તે આજે આધુનિકતામાંથી પસાર થયા પછી પણ પ્રમાણભૂત લાગે તેવા છે. તેમનું વિવેચન કાર્ય કવિ તરીકેની તેમની ઉપલબ્ધિને સમાંતર વહે ઊભુ રહે તેવું સક્ષમ છે. પ્રાચીન ભારતીય, મધ્યકાલીન તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો, પરભાષી સાહિત્ય તેમજ પોતાના સમકાલીન અને વૈશ્વિક કૃતિઓ અને સર્જકોનું તટસ્થ મૂલ્યાંકન આજે પણ પ્રસ્તુત લાગે તેવું  છે. જેમ તેમની પ્રતિભાથી આપણને ઉત્તમ કવિતા અને નાટક-એકાંકી મળ્યા છે  તે જ રીતે  તેમની બહુશ્રુતતાથી – ગહન અને વિશાળ વાંચનના પરિપાક રૂપે ઉત્તમ વિવેચન મળ્યુ છે. આવા બહુમુખી પ્રતિભા ધરાવતા સર્જક-વિવેચક તરીકે તેઓ હંમેશા યાદ રહેશે. 

*************************************************** 

પ્રા.પંકજકુમાર.બી.પટેલ
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, મેઘરજ (સા.કાં)

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us