logo

‘પડછાયા ’ ની રચનાઓમાં પ્રતિબિંબ થતું દેશકાળની આરપારનું સંવેદન

ગુજરાતી દલિતધારાની શરૂઆત થઈ ત્યારથી જ કોઈ અ-દલિત કવિ દલિત કાવ્યસર્જન પ્રવૃત્તિમાં રત હોય એવા સવાયા દલિત કવિ પ્રવીણી ગઢવી છે. ઐતિહાસિક ઘટનાઓને પોતાની કાવ્યરચના ગૂંથનારા કવિ પ્રવીણ ગઢવી ‘બયોનેટ’ (1985) પછી તેમનો બીજો કાવ્યસંગ્રહ ‘પડછાયો’ (1996) લઈને આવે છે. આ કાવ્યરચનાઓમાં ફરી ઐતિહાસિક પરિપ્રક્ષ્ય, અમાનવીયતા-અન્યાય-અસ્પૃશ્યતા પ્રત્યેનો આક્રોશ સ્પષ્ટપણે જણાય આવે છે. દેશકાળને વટાવીને આરપારનું સંવેદન કવિ અનુભવે છે. હરીશ મંગલમ્ નોંધે છે: “શ્રી પ્રવીણ ગઢવીએ ઇતિહાસના સંદર્ભો રચીને ઐતિહાસિક પ્રસંગોને ખપમાં લીધા છે. વિકૃત ઇતિહાસને સર્વસ્વીકૃત ઇતિહાસમાં પરિવર્તિત કરવાનું ચિંતન અહીં દેખાઈ આવે છે.” ‘બેયોનેટ’ની કાવ્યરચનાઓ કરતાં અહીં ‘પડછાયા’ની કાવ્યરચનાઓમાં પ્રવાહ ધીરગંભીર બનતો જણાય છે.

‘પડછયો’ કાવ્યરચના અછાંદસ છતાં સાદ્યંત નિપજી આવેલી રચના છે. અનેક પ્રયત્નો કરવા છતાં અસ્પૃશ્યતારૂપી ‘પડછાયો’ પીછો છોડતો નથી. એની વ્યથા –વેદનાની મથામણ કવિ મન અનુભવે છે. કવિ લોરકાને યાદ કરે છે.

‘O, wood cutter’
Cut my shadow
હિન્દુ બનું,
બુદ્ધ બનું,
મુસલમાન બનું,
આ પડછાયો કપાતો નથી...
નામ બદલું,
કામ બદલું,
ઠામ બદલું,
જાત બદલું,
આ પડછાયો છોડતો નથી.’

સર્જકની વેદના સમસ્ત દલિતજનની વેદના બની રહે છે. દલિતજન બુદ્ધ બને કે મુસલમાન બને, નામ બદલે કે કામ બદલે, ઠામ બદલે કે જાતિ બદલે, ઇતિહાસ બદલે, સ્મૃતિ રચે કે બંધારણમાં સુધારા કરી કાયદા ઘડે, પરંતુ અસ્પૃશ્યતારૂપી કાળું કલંક પીછો છોડતું નથી. હરીશ મંગલમ્ આથી જ નોંધે છે: “દલિતજન અદનો માણસ હોવા છતાં, તેની ગણતરી માણસ તરીકે થતી નથી. ચારેબાજુ પ્રવર્તતા ત્રાહિમામ અને દુસહ્ય પરિસ્થિતિને લીધે ધર્મ પરિવર્તન કરે છે, પરંતુ પેલું અસ્પૃશ્યતાનું ભૂત પીછો છોડતું નથી ! એ પડછાયો સદીઓથી પાછળ પડ્યો છે.” કવિ મન નિઃસહાય પરિસ્થિતિમાં ચિત્કાર ઊઠે છેઃ

‘O wood cutter
Cut my shadow.’ (પૃ. 1)

‘ચાનો તૂટેલો આ કપ’ કાવ્યરચનામાં કવિ ગામડાની નરી વાસ્તવિકતાને તાદૃશ કરે છે. કવિનો કટાક્ષ ધારદાર છે. દલિત-ભંગી ખોડાનો અડકેલો ચાનો કપ પણ અસ્પૃશ્ય-દલિત થઈ ગયો છેઃ

‘બીજા દિવસની સવારે
પાછો ખોડાના હાથે પ્રક્ષાલન પામે.
ખોડો એનો પુજારી,
એ ખોડાનો દેવ.
ચાનો આ તૂટેલો કપ,
સદીઓથી અછૂત.’ (પૃ. 2)

‘ખોવાયેલા હે મોઝિસ’ કાવ્યરચનામાં ડો. બાબાસાહેબ આંબેડકરને સાચા અર્થમાં સંબોધ્યા છે. ઇતિહાસ ‘ચવદાર તળાવ સત્યાગ્રહ’નું મૂલ્ય તથા સ્થાન તમામ સત્યાગ્રહોની અનેરું છે. છતાં ઇતિહાસના પાને એને સ્થાન નથી અપાયું.

‘કેમ નથી આવ્યા અમેરિકન-ફોટો જર્નાલિસ્ટ ?
વેદ-કુરાન બાઈબલ સહુ એમ વદે,
પવન-પાણી-પ્રકાશ સૌ કાજે.
ને તોય આ તે કેવી સ્મૃતિ-વિસ્મૃતિ (?) નિજ દેશે ?’ (પૃ. 3)

હળાહળ સામાજિક અન્યાયોની સામે યોદ્ધાની જેમ સતત ઝઝૂમનાર, ભલભલા ઇતિહાસ પુરુષોને પણ શરમાવે તેની અડગ-અચળ તાકાત અને સિંહગર્જના ધરાવનારે, અધિકાર અને અસ્મિતા કાજે ગર્જના કરેલી. આમ સાચા સિંહપુરુષને કવિ આ રચનામાં ઐતિહાસિક માનવીય અસ્મિતા માટે ‘ચવદાર તળાવ સત્યાગ્રહ’ને યાદ કરે છે.

‘અછૂત સીતા’ કાવ્યરચનામાં દલિત નારીની સંવેદનાને વાચા આપવામાં આવી છે.

‘આ લેણથી છેટા બેસી
સૌથી છેલ્લા
કો’ક ઊંચેથી ચાંગળું પાણી રેડે
માટલામાં
સહાતું નથી.
કો’તો
આખો ઉનાળો તરસે મરું
પણ
તરસની આ ભીખ માગતાં
એમ થાય કે
ધરતી ચ્યમ માર્ગ આપતી નથી.
સીતાજીની જેમ ?’ (પૃ. 6)

આખો ઉનાળો તરસે મરવા ને ધરતી માર્ગ આપે તો સીતાજીની જેમ સમાઈ જવાની પણ તૈયારી છે ! પણ પાણી માટે ભીખ માગવા કવિ હરગિજ તૈયાર નથી. ‘ઈચ્છા’ કાવ્યરચનામાં દલિતજનના જીવનમાં જે અભાવો છે તેની વ્યથા ઉત્કટ રીતે નિરૂપાઈ છે.

‘બાર્ટર પદ્ધતિ’ કાવ્યરચનામાં સીતાજીનો સંદર્ભ લઈને કવિ દલિત નારી ઉપર ગુજારવામાં આવતા અમાનુષી અત્યાચારની વાત કરે છે.

‘ગામ વચાળે
બર બપ્પોરે....
ઊભી બજારે
હુરિયા બોલાવી
ફેરવી એને...
એનું કોઈ ગામ નહોતું,
એનો ધર્મ નહોતો,
એની કોઈ ભાષા નહોતી...
કેમ કે ફક્ત જન્મે તે અછૂત હતી.
એનું લૂંટાયેલું સ્વમાન પાછું આપી જાઓ
અને
લઈ જાવ તમારું અનામત.’ (પૃ. 8)

કવિની આ વેદના સમસ્ત દલિતજનની બની રહે છે.

‘અનામત’ રચનામાં દલિતો પર આચરવામાં આવતા તારણ અંગે કવિ કહે છે બે કલાકે દલિતોના પર હુમલા થાય છે. દરરોજ ત્રણ દલિત નારીઓ પર કુકર્મ આચરવામાં આવે છે. દરરોજ બે દલિતોની હત્યા કરવામાં આવે છે. દરરોજ બે દલિતોના ઘરોને સળગાવવામાં આવે છે તેમ છતાંય માનવ-અધિકારોની ડુગડુગી આપણે વગાડે રાખીએ છીએ.

‘કપાળે દીધેલા ડામ’ કાવ્યરચનામાં કવિ દલિતજન ગામ છોડી શહેરમાં આવે, ધર્મ બદલે, નામ બદલે, જાત બદલે તોય પેલું દલિતનું લાગેલું લેબલ દલિતને પીછો છોડતું નથી એ બાબતને ધારદાર રીતે રજૂ કરે છે.

‘ગામ છોડીને
શહેરમાં આવ્યો,
ધર્મ છોડીને
ચર્ચમાં આવ્યો.
નામ બદલીને
કોર્ટમાં આવ્યો.
જાત બદલીને
ઓફિસમાં આવ્યો.
તોય
તમે મને ઓળખી કાઢ્યો,
આંગળી ચીંધીને-
હસ્યા,
ઘૃણાથી થૂંક્યા.
તમે તો જબરા ત્રિકાળજ્ઞાની
વેદપંડિત
શાસ્ત્રપુરાણી.’ (પૃ. 10)

‘તોય તું માનવ કહેવાય’ રચનામાં વ્યગત્મકતા ધારદાર છેઃ

‘તલાટીના ચોપડે તારા નામે ન હોય
ટુકડો જમીનનો.
આ દેશ-દેશની ભૂમિ તારાં કહેવાય.
ભલે ને,
તું દૂરથી મંદિરની ધજાને નમી શકે.
આ ધર્મ તારો કહેવાય.’ (પૃ. 13)

‘કોમરેડ ગોર્બાચોવને પત્ર’, ‘બર્લિનની દીવાલ તોડો ભૈ તોડો’, ‘મને માફ કરો’, ‘દુનિયાના જંગલી લોકો, એક થાઓ !’ કાવ્યરચનાઓમાં સમાજવાદ-સામ્યવાદ, માર્કસ, ગાંધી-હિટલર-સ્ટાલિન, નેપોલિયન, ચંગીઝખાન, મરકટ ઇકોનોમિ, પ્રગતિ-વિકાસ વગેરેના મૂંઝવણભર્યા પ્રશ્નોમાં અટવાતી જીવતી પ્રજાનો વિરોધાભાસ સર્જીને કવિએ ખોટા conceptsનો પર્દાફાશ કર્યો છે. ‘બાળક બુદ્ધિ’ કાવ્યરચનામાં કવિએ આશાવાદની વાત કરે છે. માનવજાતની ઉત્પત્તિથી માંડીને તે આજ લગી ઘણાં બધાં યુદ્ધો થતાં આવ્યાં છે. મહાવિનાશ નોતર્યો છે. એમાં દારુણ ગરીબી સર્જાઈ છે. કારમી ચીસો-યાતનાઓ સિવાય કશું પ્રાપ્ત થયું નથી. ધિક્કાર-તિરસ્કારના વરવા રૂપો હાથ લાગ્યાં છે છતાંય, માનવજાતને એમાંથી કશોય બોધપાઠ લીધો નથી. છતાં ‘કયામત કા દિન જરૂર આયેગા’ એવો આશાવાદ બાળકબુદ્ધિ ગણી ઉચ્ચારે છે.

‘મને થાય કે
માણસ માણસ ને આલિંગન કરતો થશે.
આટઆટલી કબરો જોયા પછી પણ
મને થાય કે
કયામત કા દિન જરૂર આયેગા.
હવે થાય છે,
ઘરડો થવા આવ્યો તોયે
બાળકબુદ્ધિ મારામાંથી જતી નથી.’ (પૃ. 24-25)

‘તસ્લિમા નસરીન’ કાવ્યરચનામાં સૂક્ષ્મ ભવોને અભિવ્યક્ત કરતું સંવેદન પ્રગટ્યું છે. કોમવાદ પ્રત્યે કવિને ભરોભાર નફરત છે. લોહી લાલ રંગનું જ હોય છે. ક્યાંય હિન્દુ કે મુસ્લિમના અલગ લોહીની ઓળખ થઈ હોય એવો પુરાવો નથી. આથી જ કવિ કહે છેઃ

‘હજી કોણ બાંધી રાખી છે પાળ,
આપણા રક્ત પ્રવાહો વચ્ચે ?
તોડવી તો એ હતી.
પણ બુઢાઓ બાબરી તોડી બેઠા.’ (પૃ. 32)

નફરત વ્યક્ત કરવા કવિ ‘બુઢાઓ’ શબ્દનું પ્રયોજન કરે છે. શારીરિક રીતે નહિ, પરંતુ માનસિક રીતે બુઢા !

‘તસ્લિમા નસરીન,
બળેલા જળેલા એકાદ ટુકડો બચ્ચો હોય,
તારી પાસે ઢાકાની મલમલનો,
લાવ, જરી આ નગ્ન લોહીલુહાણ
માતૃભૂમિની લજ્જા ઢાંકીએ.
જો, તારા બાંગ્લાદેશમાં ઊગેલા સૂરજ
અહીં સુરતમાં
શરમાઈને છુપાઈ ગયો
અંધકારમાં.’ (પૃ. 33)

સુરતમાં કે બાંગ્લાદેશમાં જે લોહીયાળ જંગ થયા તેમાં માનવલોહી જ વહ્યું. માતૃભૂમિની લજ્જા-લાજ માટે મલમલના એકાદ ટુકડાની માગણી કરે છે. કારણ આ બધું જોઈ સૂરજ પણ અંધકારમાં ગરકાવ થઈ ગયો છે. સૂરજ શરમાઈ ગયો છે. માત્ર, બેશરમ રહ્યો છે માણસ. આમ, એક દેશકાળથી બીજા દેશકાળ સુધી કાવ્યનો સંવેદનપટ વિસ્તારતો જાય છે.

ગુજરાતી સાહિત્યમાં ગાંધી વિચારધારાના અનુયાયીઓએ વિવિધ સ્વરૂપે ‘ગાંધી’ને કેન્દ્રમાં રાખી સાહિત્યસર્જન કર્યું છે. પરંતુ ‘ગાંધી’ કાવ્યોમાં પ્રવીણ ગઢવીની ‘ગાંધીગીરી’ અનોખી છે. ટૂંકમાં ઘણું બધું કહી જતાં આ ‘ગાંધીકાવ્યો’ સંદર્ભ હરીશ મંગલમ્ નોંધે છેઃ ‘‘મુક્તક પ્રકારનાં કાવ્યો સ્ફટિકશાં પુરવાર થયાં છે. રચના ટૂંકી હોય કે લાંબી એ સ્વરૂપગત માપદંડોને કોરાણે મકી એમાંના કાવ્યત્ત્વને પામીને તો તેને ભાવ છેક ઊંડે સુધી સ્પર્શી જાય છે.’’ ગાંધીની હયાતીમાં થયેલાં કામકાજ અને ગાંધીના ગયા પછી તેમની વિચારધારાનું જે ધોવાણ થયું, આદર્શોના જે હાલહવાલ થયા અને સ્વાત્ર્યપ્રાપ્તિ મૂલ્યોનો જે હ્રાસ થયો તે બાબતોને કવિએ પ્રવર્તમાન અવદશાને શબ્દદેહ આપી ‘ગાંધી કાવ્યો’ રચ્યાં છેઃ

‘લેલિન-માઓ-ગાંધી
ઇતિહાસે પાસ કર્યા હતા
ડિસ્ટીંક્શનથી.
આપણે ફરી પેપર તપાસી
નાપાસ જાહેર કર્યા !’ (પૃ. 36)

‘આમ તો માણસને
માણસ તરીકે જોવો સહેલો છેઃ
પણ
માણસ તરીકે માનવો અઘરો છે...
ગાંધીને જિવાડવો અઘરો છે
પણ
મારવો તો કેટલો સહેલો ?’ (પૃ. 36-37)

‘દરેક માણસમાં એક જ લોહી વહે છે,
તેવું સમજવા
હજી માનવીએ
કેટલા બુદ્ધ, કબીર, ગાંધીની રાહ જોવાની હશેને ?’ (પૃ. 40)

‘જાદુ’ રચનામાં કવિનો આશાવાદ-દલિત-પીડિતનો આશાવાદ થઈ વિહરે છે. ડૂમો ભરાઈ જાય એવી વેધક વાણીમાં કવિ કહે છેઃ

‘મને બે ટંકની રોટી,
માથે છાપરું,
છોરાના હાથમાં તૂટેલી સ્લેટ.
અર્ધી ઉઘાડી બૈરાની છાતીમાં ઢાંકવા
એક સાડી જીર્ણ.
જરૂર મળે તેવું કંઈક તો કરશે જ.’ (પૃ. 46)

‘અમે લોકો, એ લોકો’ કાવ્યરચનામાં ટૂંકીટચ પંક્તિઓથી ગરીબ-ધનવાનની તુલનાત્મક નોંધ ઉત્કૃષ્ટ રીતે કરી છે; જે નોંધનીય છે.

‘કબૂલ દોસ્તો, કબૂલ !’ કાવ્યરચનામાં અ-દલિત હોવાને કારણે કવિને દલિતની દારૂણ સ્થિતિનો પૂરોપૂરો અનુભવ ન હોય ! આથી જ કવિ તેમના દલિત કવિ મિત્રોને (નીરવ પટેલ, હરીશ મંગલમ્, ઉષા ચૌહાણ, રાજુ સોલંકી, મફત ઓઝા, યશવંત વાઘેલા, મધુકાન્ત કલ્પિત, જીવણ ઠાકોર, દલપત ચૌહાણ, સાહિલ પરમાર) સંબોધીને કવિ કબૂલાત કરે છેઃ

‘કબૂલ દોસ્તો, કબૂલ
જોડો જેને ડંખે એને જ ખબર પડે.’ (પૃ. 56)

‘ફારાહોને’, ‘માફી માગો’, ‘મારી પ્રેયસી-પૃથ્વી’, ‘અમે સત્તાના ભૂખ્યા વરુ’, ‘મિડાસનો અભિશાપ’, ‘અમે હવે થયા નર્મદ’, ‘શોધ’, ‘ઇતિહાસ સાક્ષી’, ‘મકબરા’ વગેરે રચનાઓમાં ઇતિહાસ, દલિત-પીડિત, દુઃખદ ઘટના વગેરે બાબતો કેન્દ્રસ્થાને છે.

અને સંગ્રહની અંતિમ રચના ‘ને છેલ્લે’માં કવિ બધાં જ ઉપયો નિષ્ફળ ગયા છે એમ કહે છેઃ

‘ગાંધી માઓ લેનિન ગયા હારી,
થયા નિષ્ફળ.
કોઈ રોકી નહિ શકે એને.
હવે આ ભૂખ, યુદ્ધ ને લોહી
બેહાલી ને બેકારી
જે જન્મ્યા કરતાં આ વિષચક્રે-
સહેવાં મૂંગા નતમસ્તકે
એ જ ઉપાય.’ (પૃ. 68)

અહીં આપણને સહેજે સ્વીકારવાનું મન થાય ! કવિએ પણ એક કાવ્યરચનામાં કહ્યું છેઃ

‘હજી માનવીએ
કેટલા બુદ્ધ, કબીર, ગાંધીની રાહ જોવાની હશે ?’ (પૃ. 40)

ત્યારે તેનો ઉત્તર એટલો છે કે, આપણે એ સમયની રાહ જોવી જ રહી.

કવિ પ્રવીણ ગઢવીના આ ‘પડછાયો’ની કાવ્યરચનાઓમાં ઇતિહાસબોધ અને સમયબોધ કરાવનારી બની છે. ભારતીય સમાજવ્યવસ્થામાં દલિતો-પીડિતો પર આચરવામાં આવતા અમાનુષી, દુઃખદ, અન્યાયી અને આઘાતજનક અત્યાચાર બંનેને રજૂ કરવામાં કવિ સફળ પુરવાર થાય છે.

પ્રવીણ ગઢવીએ વંચિતો-પીડિતોના પક્ષે જે ઋજુતા પ્રગટાવી છે તે ભાગ્યે જ કોઈ અ-દલિત કવિ પ્રગટાવી શકે. તેમની રચનામાં જે વ્યંગ્યાત્મકતા-કટાક્ષની વેધકતા, અન્યાય-અત્યાચાર પ્રતિનો તીવ્ર આક્રોશ, જીવંત-વાસ્તવિક ચિત્ર ખડું કરવાની લયબદ્ધ રજૂઆત, કાવ્યરચનાની ભાષાભિવ્યક્તિ કવિનું જમા પાસું છે.

*************************************************** 

ડો. ગંગારામ મકવાણા

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us