पञ्चतन्त्रस्य रत्नानि
પંચતંત્ર સંસ્કૃત સાહિત્યનો લોકપ્રિય ગ્રંથ છે. તેના કર્તા પંડિત વિષ્ણુશર્મા છે. તેમણે રાજા અમરશક્તિના મૂર્ખ પૂત્રોને ભણાવવામાટે આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ નામ પ્રમાણે પાંચ તંત્રો ( વિભાગો ) માં વિભક્ત છે. પંચતંત્રની રચના ઈ.સ. પૂર્વે ૩૦૦ પહેલા મનાય છે. આ ગ્રંથમાં નીતિકથા પ્રતિનીધિરૂપે કહેવાય છે. તેનો અનુવાદ વિશ્વની પાંચસો કરતા અધિક ભાષામાં થયો છે[1]. એશિયા અને યુરોપની સાથે અન્ય મહાદ્વિપોમાં પણ તે કૃતિ આજે પણ પ્રાપ્ત થાય છે. આ ગ્રંથની ભાષા અતિ સરળ, બોધગમ્ય અને રમણીય છે. આ કથા ગ્રંથ મનોરંજન સાથે મનોવૈજ્ઞાનિકરૂપથી સરળ રીતે શિક્ષણ પણ આપે છે. તેથી આ ગ્રંથની લોકપ્રિયતા છે. પંચતંત્ર ગ્રંથમાં અગાધ સમુદ્રની વિશાળતા જેટલું જ્ઞાન છે. તેથી તેમાંથી સારભૂત જેટલું જ ગ્રહણ કરવું જોઈએ. જેવી રીતે હંસ પાણી મિશ્રિત દૂધમાંથી કેવળ દૂધ જ ગ્રહણ કરે છે[2]. આ ગ્રંથે ત્રણ વિધિથી જગતને જ્ઞાન કરાવ્યું છે. (૧) કથાવિધિ (૨) સુભાષિતવિધિ (૩) રત્નકણિકાવિધિ.
આ ચર્ચા સંદર્ભે અહીં આપણે રત્નકણિકાવિધિની ચર્ચા કરી છે. જેના દ્વારા મનુષ્યને શિક્ષણ, બોધ, સંતોષ અને જ્ઞાનતૃપ્તિ જેવા મૂલ્યોની પ્રાપ્તિ થાય છે.
સંસ્કૃત સાહિત્યમાં રત્નકણિકાઓનું સ્થાન વિશિષ્ટ છે. રત્ન એટલે પ્રકાશિત, તેજવાન, મૂલ્યવાન, પાણીદાર સુંદર વચન[3].
જે સારી રીતે બોલાયેલું હોય, સત્ય હોય છે. આ રત્નરૂપી વચન કલ્યાણકારી હોય છે. પરંપરા પ્રાપ્ત અનુભવોનો સાર છે. જેમ મધ સાથે ઔષધ પાય દેવામાં આવે તેમ આવા રત્નવચનો દ્વારા લોકવ્યવહાર, પ્રશંસા, ઉપાલંભ અને નીતિમત્તાનો બોધ સરળ રીતે આપી શકાય છે. અને મનુષ્ય લોકમાં આ રત્નો અલૌકિક આનંદની અનુભૂતિ કરાવે છે.
ઋગ્વેદ, ઉપનિષદો, પુરાણો, કથા સાહિત્ય, પંચતંત્ર, હિતોપદેશ, નીતિકથા, નીતિશતક વગેરેમાં આવા રત્નવચનો સર્વત્ર પ્રાપ્ત થાય છે.પંચતંત્રમાંથી આવા કેટલાક વાક્યો લેવામાં આવ્યા છે. જે મનુષ્યના જીવનમાં પથદર્શક બની રહે તેવા ઉત્તમ વિચારો આ સૂક્તિઓમાંથી મળી રહે છે. જેમકે.......
1) परिवर्तिनी संसारे मृतः को वा न जायते । मित्रभेदम् [4]
સંસાર પરિર્વતનશીલ છે, અહીં કોણ નથી મરતું અને કોણ જન્મ નથી લેતું ?
2) नाविदृग्धः प्रियं ब्रूयात् । १७५ मित्रभेदम्
મૂર્ખ મનુષ્ય પ્રિય બોલી શકતો નથી.
3) यस्य बुद्धिर्बलं तस्य निर्बुदेस्तु कुतो बलम् । २३७ मित्रभेदम्
જેનામાં બુદ્ધિ છે તેનામાં બળ છે બુદ્ધિવગર બળ ક્યાંથી ?
4) अर्निर्वेदः श्रियो मूलम् । ३५९ मित्रभेदम्
ઉત્સાહ જ લક્ષ્મીનું મૂળ છે.
5) को वा दुर्जनवागुरासु पतितः क्षेमेण यातः पुमान् । १५७ मित्रभेदम्
ક્યોં માણસ દુર્જનની જાળમાં ફસાયેલો હેમખેમ બહાર નિકળ્યો છે ?
6) शब्दमात्रात् न भेतव्यम् । ४५ मित्रभेदम्
શબ્દ(માત્ર-અવાજ) થી ડરી જવું જોઈએ નહી.
7) गतानुगतिको लोकाः । १७२ मित्रभेदम्
લોકમાં એકની અનુસાર(પાછળ) બીજો ચાલે છે.
8) पण्डितोçपि वरं शत्रुः । २१६ मित्रभेदम्
પાંડિત્યપૂર્ણ શત્રુ શ્રેષ્ઠ છે.
9) विद्यायते शिशुरजातकलापचिन्हः प्रत्युद्गतैपसरन् सरसः कलापी ।२५८ मित्रसंप्राप्ति
મોરના બચ્ચાને કલગીનું ચિહ્ન ન નિકળ્યું હોય તો પણ કેવળ તેની ચાલને આધારે ઓળખાય જાય છે.
10) यदस्मदीय न हि तत्परेषां ।।२६७।। मित्रसंप्राप्ति
જે આપણું છે, તે બીજાનું ન હોય શકે.
11) सुतप्तमपि पानीयं शमयत्येव पावकम् ।।३२।। मित्रसंप्राप्ति
ગરમ કરેલું જળ પણ અગ્નિને શાંત કરે છે.
12) सतां साप्तपदं मैत्रभित्याहुर्विबुधा जनाः ।। ४९।। मित्रसंप्राप्ति
વાર્તાલાપ થતા સાત શબ્દોમાં જ સત્પુરુષોની મિત્રતા થઈ જાય છે.
13) नोपकार विना प्रीतिः कथञ्चित्कस्यचिद्भवेत् ।।५२।। मित्रसंप्राप्ति
ઉપકાર કર્યા વિના કોઈની સાથે પ્રીતિ થતી નથી.
14) अतितृष्णाभिभूतस्य शिखा भवति मस्तके।।८१।। मित्रसंप्राप्ति
જે (વ્યક્તિ)તૃષ્ણાથી વધુ અભિભૂત થાય છે તેના મસ્તક પર શિખા(ચોટલી) હોય છે.
15) प्राणा जन्मान्तरे ।। १९०।। मित्रसंप्राप्ति
પ્રાણતો જન્મ જન્માન્તરમાં ભળી જાય છે.
16) छिद्रेष्वनर्था बहुलीभवन्ति ।। १९२।। मित्रसंप्राप्ति
મુશ્કેલીના સમયે અનેક આફત આવી પડે છે. (ગુજરાતીમાં કહેવત છે કે, એક સાંધતા તેર તૂટે)
17) कृतनिश्चयिनो वन्द्यास्तुङ्गिमा न प्रशस्यते ।।१५२।। मित्रसंप्राप्ति
દ્રઢ નિશ્ચયવાળો મનુષ્ય વંદનીય હોય છે, નહી કે ઊંચા આકારવાળો.
18) कर्मणा बुद्धिरपि हन्यते ।३०० मित्रसंप्राप्ति
(ક્યારેક) કર્મથી પણ બુદ્ધિનો ક્ષય થઈ જાય છે.(દાત. રાવણ વડે સીતા હરણ, યુધિષ્ઠિર વડે નરો વા કુંજરો વા, રામ વડે સોનાનું હરણ )
19) नरस्य शोकदग्धस्य सुहृद्दर्शनमौषधम् ।। २०७।। मित्रसंप्राप्ति
મનુષ્યને માટે પ્રિયમિત્રનું દર્શન શ્રેષ્ઠ ઔષધિ સમાન હિતકારી હોય છે.
20) मित्रं कोçपि न कस्यापि नितान्तं न च वैरकृत् ।२७५ मित्रसंप्राप्ति
ન કોઈ (કાયમ) કોઈનો મિત્ર છે અને ન કોઈ કાયમ શત્રુ.
21) कालो हि सकृदभ्येति । यन्नरं कालकांक्षिणम् ।।१३१।। काकोलूकीयम्
સારા અવસરની ઈચ્છાવાળા પુરુષને એકવાર સારો અવસર પ્રાપ્ત થાય છે.
22) असिधारा व्रतमिदं मन्ये यत् अरिणासह संवासः । ४०६ काकोलूकीयम्
શત્રુની સાથે રહેવાનું હું તલવારની ધાર જેવું માનું છું.
23) अपमानं पुरस्कृत्य मानं कृत्वा तु पृष्ठतः । ४०८ काकोलूकीयम्
અપમાનને આગળ તથા માનને પાછળ રાખીને(જ્ઞાની પુરુષે પોતાની કાર્ય સાધના કરવી જોઈએ)
24) स्कन्धेनापि वहेच्छत्रुं कालामासाद्य बुद्धिमान् । ४१५ काकोलूकीयम्
બુદ્ધિમાન પુરુષે અવસરની પ્રતિક્ષા કરી શત્રુને પણ ખભા પર (રાખી) વહન કરવો જોઈએ.
25) अजागलस्तनस्येव ।४१६ काकोलूकीयम्
બકરીના કંઠમાં લટકતા સ્તન(ભલે સુંદર લાગતા હોય, પરંતુ તેને લાભકારક નથી)
26) बुभुक्षितः किं न करोति पापं क्षीरा नरा निष्करुणा भवन्ति ।।३२।। लब्धप्रणाश
ભૂખ્યો ક્યોં માણસ પાપ નથી કરતો, ક્ષીણ પુરુષમાં કરુણા હોતી નથી.
27) प्राहुः साप्तपदं मैत्रं जनाः शास्त्रविचक्षणाः । ४७५ लब्धप्रणाश
સાત શબ્દોથી થયેલા (બે વ્યક્તિ વચ્ચેના) વાર્તાલાપને સજ્જનો મૈત્રી કહે છે.
28) अपरीक्ष्य न कर्तव्यं कर्तव्यं सुपरीक्षितम् ।।१८।। अपरीक्षितकारक
પરીક્ષણ નહી કરાયેલું કાર્ય ન કરવું જોઈએ, જો કરો તો સુપરીક્ષિત(કાર્ય) હોવું જોઈએ.
29) वरं बुद्धिर्न स विद्या विद्याया बुद्धिरुत्तमा ।। ३९।। अपरीक्षितकारक
વિદ્યા બુદ્ધિની જેમ શ્રેષ્ઠ નથી, પરંતુ બુદ્ધિ વિદ્યાથી શ્રેષ્ઠ છે.
30) दैवानुकूलतया सर्व कल्याणं सम्पद्यते ।५४७ अपरीक्षितकारक
દૈવ (ભાગ્ય) અનુકૂળ હોય તો બધા (કાર્યો) કલ્યાણકારી સિદ્ધ થાય છે.
31) असंहता विनश्यन्ति ।५४६ अपरीक्षितकारक
સમાન પરસ્પર મેળ ન રહેવાથી (મનુષ્ય) નાશ પામે છે.
32) न एकाकिना गन्तव्यम् । ५५१ अपरीक्षितकारक
(કાર્ય માટે) એકલા ક્યારેય ન જવું જોઈએ.
સંદર્ભ ગ્રંથ::
1. उपाध्याय बलदेव एवं मिश्र जयन्त – संस्कृत वाङ्मय का बृहद इतिहास (पंचमखंड) उत्तर प्रदेश संस्कृत संस्थान, लखनउ – २००३ पृ. ७६
2. अनन्तपारं किल शब्दशास्त्रमं स्वल्पं तथायुर्बहवश्च विध्नाः ।
सारं ततो ग्राह्यमपास्य फल्गुहंसैर्यथा क्षीरनिवाम्बुमध्यात् ।। कथामुखम – ९
विष्णुशर्मा पञ्चतन्त्रम् चौखम्बा सुरभारती प्रकाशन, वाराणसी, संस्करण – २००८
3. સંસ્કૃત પાઠ્યપુસ્તક ધોરણ-૧૦ પ્રકાશક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર-૩૮૨૦૧૦ પ્રથમ આવૃતિ, ૨૦૦૬ પૃ. ૭૬
4. श्री भारतिय योगी – पंचतंत्र प्रकाशक, संस्कृति संस्थान, ख्वाजाकुतुब, वेदनगर बरेली, २४३००१ (उ.प्र) संसोधित संस्करण-१९७५
***************************************************
પ્રા. ડૉ. ગિરિશ કે . સોલંકી
સંસ્કૃત વિભાગ કમાણી સાયન્સ
અને પ્રતાપરાય આર્ટસ કૉલેજ
અમરેલી |