logo

“છાન્દોગ્ય ઉપનિષદમાં સંવર્ગ વિદ્યા”

પ્રસ્તાવના:-

ઉપનિષદોએ વેદ સાહિત્યનો અંતિમ ભાગ છે,તેથી તેને “વેદાંત”કહેછે. માત્ર ક્રમની દ્રષ્ટિએ જ નહિં પરંતુ તેમાં નિરૂપિત ચરમ કે પરમ જ્ઞાનને કારણે તેને “વેદાંત” કહ્યા છે. ઉપનિષદો એ વેદનાં મસ્તક ઉપર શોભાયમાન મણિઓથી યુક્ત સર્વશ્રેષ્ઠ મુગુટ છે.શ્રુતિશિરસિ વિદીપ્તે [1] એમ શ્રી રામાનુજાચાર્ય કહે છે.ઉપનિષદોનું સાહિત્યએ સ્વાનુભવથી જન્મેલું સાહિત્ય છે. આવું સાહિત્ય –વાઙમય વિશ્વમાં બીજું નથી. પ્રાચીન વૈદિક યુગમાં ઋષિઓ દ્વારા અધ્યાત્મવિદ્યાની જે પવિત્ર ધારાઓ પ્રવાહિત થઈ, તે ઉપનિષદોમાં સ્થિર થઈ છે. ઘણાં ઉપનિષદોનાં અંતે”ઉપનિષદ” શબ્દનું નિર્વચન કરતા કહેવામાં આવ્યું છે કે સા યેષા ઉપનિષદ યેતત તુ રહસ્યમ | અર્થાત જેમાં રહસ્ય યુક્ત વાતો કહેવામાં આવી છે, તે એટલે ઉપનિષદ.

આપણાં પ્રમુખ-પ્રાચીન ઉપનિષદોમાં આવી અનેક રહસ્યમય વિદ્યાઓ કહેવામાં આવી છે.ઉદા. મધુવિદ્યા,શાંડિલ્ય વિદ્યા,પંચાગ્નિ વિદ્યા,વારુણી વિદ્યા વગેરે.છાંદોગ્ય ઉપનિષદ્નાં અધ્યાય-૪ માં ૧ થી ૩ ખંડોમાં રહસ્ય યુક્ત એવી “ સંવર્ગ વિદ્યા “ કહેવામાં આવી છે.

રાજાજાનશ્રુતિ પૌત્રાયણ અને રૈક્વઋષિનું ઉપાખ્યાન:- આ ઉપાખ્યાન સંવર્ગ વિદ્યાને સરળતાથી સમજાવવા માટે તેમજ વિદ્યાદાન અને વિદ્યાગ્રહણની વિધિ દર્શાવવા માટે રજૂ થયું છે.આ ઉપરાંત શ્રદ્ધા, અન્નદાન અને વિનયનું મહત્ત્વ ખાસ નોંધ પાત્ર છે.રાજા જાનશ્રુતિ પૌત્રાયણ શ્રદ્ધાદેય- શ્રદ્ધા પૂર્વક બ્રાહ્મણો વગેરેને દાન આપનાર બહદાયી-પુષ્કળ દાન કરવાના સ્વભાવવાળો અને બહુપાક્ય-જેનાં ઘરે ભોજનાર્થિયો માટે ઘણું બધું અન્ન પકાવવામાં આવતું હતું,તેવો હતો. તેણે બધી જ દિશાઓમાં આવસથ-ધર્મશાળાઓ બંધાવી હતી.તેણે એવો સંકલ્પ કર્યો હતો કે બઘી દિશાઓમાં લોકો મારું જ અન્ન ખાશે.તેનાં આવા સત્કાર્યોનાં પરિણામે તેની કીર્તિ ચારે દિશાઓમાં ફેલાઈ હતી.તેનાં પુણ્ય કર્મોનું તેજ પ્રુથ્વીની ક્ષિતિજો વટાવીને દ્યુલોક સુધી ફેલાયું હતું. જ્યારે રાજા જાનશ્રુતિ પૌત્રાયણ રાત્રીનાં સમયે પોતાનાં મહેલની અગાશીમાં બેઠો હતો, ત્યારે બે હંસો રાજાની નજર સામેથી ઉડતા-ઉડતા પસાર થાય છે. આ બે હંસો કોણ હશે ? એવો પ્રશ્ન આપણને થાય તે સ્વાભાવિક છે. તેથી ભાષ્યકાર ભગવાન શંકરાચાર્ય સ્પષ્ટતા કરતા કહે છે કે ઋષયો દેવતા વા રાજ્ઞોઽન્નદાનગુણૈસ્તોષિતા: સંતો હંસરુપા ભૂત્વા રાજ્ઞો દર્શનગોચરેઽતિપેતુ: પતિતવંત: ।[2] ઋષિઓ અથવા દેવો રાજાનાં અન્નદાનના ગુણોથી સંતુષ્ટ હંસ રૂપે તેની દ્રષ્ટિ સામેથી પસાર થાય છે,ત્યારે પાછળ ઉડતા હંસે, આગળ ઉડી રહેલા હંસને કહ્યું કે અરે ઓ ભલ્લાક્ષ [3] આ રાજાનું તેજ આપણને ક્યાંક બાળી ન નાંખે ! ત્યારે આગળ ઉડતો હંસ- પાછળ ઉડતા હંસને કહે છે, કે આ જાનશ્રુતિ પૌત્રાયણનું તેજ આપણને શું બાળવાનું હતું ! શું તું આને ગાડીવાળા રૈક્વ જેવો કહે છે ? એતો જ્યાં રૈક્વ બેઠો હોય ત્યાંથી પસાર ન થવાય. ત્યારે પાછળ ઉડતા હંસે, ભલ્લાક્ષ હંસને કહ્યું કે આ ગાડીવાળો રૈક્વ કેવો છે ? ત્યારે ભલ્લાક્ષ હંસ કહે છે કે રૈક્વ કેવો છે તે સાંભળ. “ જેવી રીતે જુગારમાં કૃત નામનું પાસુ હોય છે,જેમાં ચાર ટપકા હોય છે,નીચીકક્ષાનાં બાકીનાં બધા પાસા તેમાં આવી જાય છે. એટ્લે આ કૃત પાસામાં બધું જ આવી જાય છે.[ઉપનિષદ જુગારના પાસાનું દ્રષ્ટાંત આપે છે. કૃત નામનાં પાસામાં ચાર ટપકા હોય છે.બાકીના ત્રણ પાસા અનુક્રમે એક ટપકાવાળું -કલિ,બે તપકાવાળું-દ્વાપર,ત્રણ ટપકાવાળું-ત્રેતાહોય છે.કૃત પાસામાં બાકીનાં બધા પાસાનો સમાવેશ થઈ જાય છે. [4] તેવી રીતે આ જગતમાં પ્રજા જે કઈ સત્કર્મ કે પુણ્ય કર્મ કરે છે તે બધું જ રૈક્વ પાસે જાય છે,અને રૈક્વના ધર્મમાં સમાઈ જાય છે. સમસ્ત પ્રાણીઓનાં સત્કર્મો-ધર્મકર્યોનાં ફળ સંવર્ગ વિદ્યાનાં જાણકારને મળીજાય છે.બીજો કોઈ પુરુષ એને જાણે એ પણ રૈક્વ જેવો જ થઈ જાય છે.

રાજા પક્ષીઓની ભાષા જાણતો હતો તેથી તેણે હંસોની વાત જાણી લીધી. પ્રો.ડૉ.લક્ષ્મેશ વ. જોષી સાહેબ કહેતા કે –“ કેટલાક શ્રેષ્ઠ મનુષ્યો હોય છે કે જે બીજા શ્રેષ્ઠોને સહન કરી શકતા નથી.” આવી જ વાતને સમજાવવા માટે મહાકવિ ભારવિ કહે છે કે-

કિમપેક્ષ્ય ફલમ પયોધરાન ધ્વંત: પ્રાર્થયંતે મૃગાધિપ: |
પ્રકૃતિ ખલુ સા મહીયસ: નાન્યં સમુન્નતે યયા || (કિરાતાર્જુનીયમ-૨-૨૧)

અર્થાત ક્યા ફળની અપેક્ષા રાખીને સિંહ ,ગર્જના કરતા મેઘો સામે ત્રાડ પાડે છે ? એ તો મોટા લોકોનો સ્વભાવ જ એવો હોય છે, કે તે બીજાના તેજ ને સહન કરી શકતા નથી.રાજા જાનશ્રુતિ પૌત્રાયણ પણ આવો તેજસ્વિ હતો. તેનો સારથિ તેના વખાણ કરીને જગાડે છે,તો રાજા કહે છે, કે તું મારા વખાણ કરે છે,તો શું હું રૈક્વ જેવો છું ? સારથિ કહે છે કે તમે રૈક્વ-રૈક્વ કેમ કરો છો ? ત્યારે રાજા કહે છે કે કૃતનામક પાસાની જેમ આખી દુનિયા જે કઈ પુણ્ય-સત્કર્મો કરે છે તે બધું જ રૈક્વ પાસે પહોંચી જાય છે.

સારથિએ રૈક્વને બહું જ શોધ્યોં પરંતુ તેને રૈક્વ જડ્યો નહિં,ત્યારે રાજાએ કહ્યું કે બ્રાહ્મણસ્યાંવેષણા- જ્યાં બ્રાહ્મણની શોધ થતી હોય ત્યાં જા.ભાષ્યકાર ભગવાન શંકરાચાર્ય કહે છે કે-બ્રહ્મવિદ એકાંતેઽરણ્યે નદીપુલિનાદૌ વિવિક્તે દેશેઽન્વેષણાનુમાર્ગણમ ભવતિ | અર્થાત બ્રહ્મને જાણનારો એકાંત અરણ્યમાં,નદી કિનારે નિર્જન પ્રદેશમાં હોય છે.

ત્યાર પછી રાજાએ વર્ણવેલા પ્રદેશમાં સારથિ આવે છે, તો રૈક્વને ગાડા નીચે પામાનમ કષમાણમ- ખૂજલી ખંજવાળતો (પ્રો.ડૉ.લક્ષ્મેશ વ. જોષી સાહેબ કહેતા કે – ઉપનિષદ્ ને વળી શરમ શું ? જેવું હોય તેવું જ વર્ણન ઉપનિષદ કરે છે.) જોવે છે. પછી સારથિ નજીક જઈને નમ્રતા પૂર્વક પ્રણામ કરતા કહે છે, કે ભગવન ! આપ ગાડીવાળા રૈક્વ છો ? જવાબમાં રૈક્વ હા કહે છે. તેથી સારથિ પાછો આવે છે.( કારણ કે આવા સંવર્ગ વિદ્યાનાંજ્ઞાતા રૈક્વ ઋષિને એમ ન કહેવાય કે અમારા રાજા તમને બોલાવે છે, ચાલો.) અને રાજાને કહે છે કે રૈક્વ ઋષિને મેં ઓળખી લીધાં છે.

ત્યારબાદ જાનશ્રુતિ પૌત્રાયણ ૬૦૦ ગાયો,એક હાર અને ખચ્ચરોથી જોડેલો રથ લઈને રૈક્વ પાસે આવે છે,અને કહે છે કે આટલું આપ લઈલો અને તમે જેનું (સંવર્ગ વિદ્યાનું) ધ્યાન કરો છો તે મને શીખવો. ત્યારે રૈક્વ કહે છે કે હે શૂદ્ર ! ગાયો,હાર અને રથ તારી પાસે રાખ.અહીંયા જાનશ્રુતિ પૌત્રાયણ ને રૈક્વ, શૂદ્ર કહે છે. ખરેખર તો રાજા ક્ષત્રિય છે. તો આવો વ્યવહાર શા માટે ? આનું સમાધાન આપતા શંકરાચાર્ય કહે છે કે- હંસવચનશ્રવણાચ્છુગેનમાવિવેશ:,તેનાસૌ શુચા,શ્રુત્વા રૈક્વસ્ય મહિમાનમ વા આદ્રવતીતિ ઋષિરાત્મન: પરોક્ષજ્ઞતાં દર્શયશ્ર્શૂદ્રેત્યાહેતિ |[5] –હંસોની વાત સાંભળીને જાનશ્રુતિ પૌત્રાયણમાં શોકનો આવેશ આવી ગયો હતો. અથવા તો ઋષિ રૈક્વનો મહિમા સાંભળીંને તે દ્રવીભૂત થઈ ગયો હતો.તેથી રૈક્વઋષિએ , પોતાનું પરોક્ષજ્ઞાન બતાવવા માટે તેને “ શૂદ્ર” કહીને સંબોધ્યો હતો. અથવા કેવળ ધનથી જ વિદ્યા ગ્રહણ કરવા આવ્યો હતો,શુશ્રૂષા દ્વારા નહી.વિદ્યા મેળવવાના ત્રણ રસ્તા શ્રીમદ ભગવદ ગીતા એ બતાવ્યા છે.-તદ્ વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા | (ગીતા- ૪-૩૪) ”શૂદ્ર” શબ્દનો અર્થ-“ શોકની સાથે આમ તેમ દોડે તે-શુચાત દ્રવતિ ઈતિ શૂદ્ર: | જાનશ્રુતિ પૌત્રાયણ,-રૈક્વ પોતાનાથી મોટો છે,એમ અમૂઝણ અનુભવી , શોક સાથે દોડધામ કરતો હતો તેથી તેને શૂદ્ર કહ્યો છે. પણ તે સ્વભાવથી શૂદ્ર નથી.અંહીયા ઉપનિષદ્ માં શૂદ્ર શબ્દ અમુક વર્ગ કે હીનપતના અર્થમાં નથી પરંતુ જે વિદ્યા મેળવવાનો અધિકારી ન હોય તે.-એવા અર્થમાં છે. ચોક્ક્સ જ્ઞાતિ વાચકનાં અર્થમાં નથી.જ્ઞાતિના આધારે માણસોને જુદા કરવાનું કામ ઉપનિષદ માં નથી.જો એવું જ હોત તો ઈતરા શૂદ્ર સ્ત્રીનો પુત્ર, ઐતરેય ઉપનિષદ અને ઐતરેય બ્રાહ્મણ રચે છે, તે શક્ય ન બન્યુ હોત.બીજો એક અર્થ એવો પણ લેવામાં આવે છે ,કે એની પાસે કરોડો રૂપિયા છે પણ થોડુંક જ આપે છે.ઓછું આપે છે તેથી તેને શૂદ્ર કહ્યોછે.

ફરિવાર રૈક્વઋષિનો અભિપ્રાય સમજીને રાજા,પહેલા કરતા વધારે ગાયો-એક હજાર ગાયો,ઋષિને અભીષ્ટ પત્ની રૂપે પોતાની પુત્રી,રથ અને રૈક્વ જે ગામમાં છે,તે ગામ-આ બધું જ લઈને પોતાને સંવર્ગ વિદ્યા શીખવવા કહે છે.ત્યારે રૈક્વઋષિ કન્યાનાં મુખને જ વિદ્યાદાનનું દ્વાર જાણીને ,રાજાને સંવર્ગ વિદ્યાનો ઉપદેશ આપે છે.

રૈક્વ ઋષિ દ્વારા રાજાને સંવર્ગ વિદ્યાનો ઉપદેશ:- વસ્તુમાત્રને જે પોતામાં સમાવીલે તેને સંવર્ગ કહે છે.”જે તત્ત્વ એકલું જ સર્વને પોતાની અંદર ખેંચે છે અથવા પચાવીલે છે તેને અહીં “સંવર્ગ “ કહ્યું છે વિરાટ વિશ્વમાં અને અધ્યાત્મ શરીરમાં આ પ્રકારના મહાન શક્તિશાળી એક દેવની સત્તા છે.એથી જ તેને “સંવર્ગ” અર્થાત સર્વને સંવૃત કરનારો ( સર્વની ઉપર અને અંદર વ્યાપીને રહેનારો ) દેવ કહેવામાં આવે છે.વિરાટ વિશ્વમાં આ પ્રકારનાં સંવર્ગદેવને વાયુ કહેવામા આવ્યો છે. અધ્યાત્મ(અર્થાત પ્રાણીના) શરીરમાં તે જ પ્રાણ કહેવાય છે.

આ સંવર્ગની બોધગમ્ય વ્યાખ્યા કરવા માટે એવું માનવામાં આવ્યું છે, કે આ વિશ્વમાં અનેક દેવતાઓ છે,પરંતુ તે બધાનો જેમાં અંતર્ભાવ જોવામાં આવે છે તેની પસંદગી કરવી હોય, તો આપણે વાયુદેવને ઉદાહરણ રૂપે લઈ શકીએ.

આ સમગ્ર વિશ્વ પોતાના અધિદૈવત રૂપમાં કોઈ એક વિરાટ અને અવિચ્છન્ન સ્પંદન (શક્તિ)ના આધારે રહેલું છે,એ તો સ્પષ્ટ જ છે. આ સ્પંદનનાં અનેક રૂપ છે. સ્પંદનનો અર્થ સંકોચ અને વિકાસ ( અર્થાત વિસ્તરવું અને નાના થઈ જવું) છે.પ્રત્યેક લોક (દ્રશ્ય પદાર્થ) માં સ્પંદનનું એક મૂળભૂત કેન્દ્ર છે.તે જ તે- તે લોકના અધિષ્ઠાતા દેવતા છે. ઉપનિષદમાં આ પ્રસંગે- અગ્નિ,વાયુ,આદિત્ય,ચંદ્ર અને આપ(જળ) આ પાંચ દેવતાઓને પસંદ કરવામાં આવ્યાં છે. આમાં અગ્નિ,વાયુ,આદિત્ય એ ક્રમથી પૃથ્વી,અંતરિક્ષ અને દ્યુલોકનાં દેવતાઓ છે. આ ત્રણેયને, ચારે બાજુથી ઘેરનારો ચોથો લોક ચંદ્રમાનો છે.તે પ્રજાપતિનાં સૂક્ષ્મ મનનું પ્રતીક છે. ચન્દ્રમા મનસો જાત: | ( પુરુષ સૂક્ત-રઋ.૧૦-૯૦-૧૩) આ જ વિશ્વનું ચતુષ્કલાત્મક(ચારકલાઓ વાળું) સ્વરૂપ છે.તે ચતુષ્પાદ ( જાગ્રત, સ્વપ્ન,સુષુપ્તિ અને તુરીય અવસ્થાવાળા)બ્રહ્મની સમાન છે. આ ચારેયનું પણ જે આદ્ય અવ્યક્ત કારણ છે તેને આપ: અથવા પરમેષ્ઠી અથવા ક્રતુ સમુદ્ર કહેવામાં આવે છે. આ પાંચેયમાંથી કોઈપણ એક ને, વિશ્વનાં વિરાટ સ્પંદનનાં પ્રતીક રૂપે ચૂંટવાનું હતું આથી વાયુને તે સ્થાન આપવામાં આવ્યુંછે.[6]

વાયુ જ સંવર્ગ છે. જ્યારે અગ્નિ બુઝાઈ જાય છે, ત્યારે તે વાયુમાં લીન થાય છે,સૂર્ય,ચન્દ્ર પણ વાયુમાં જ લીન યથાય છે. સૂર્ય વાયુથી જ અસ્ત થાય છે.કારણ કે સૂર્ય-ચન્દ્રને, ગતિ આપવાનું કામ વાયુ જ કરે છે. અથવા પ્રલય કાળે સૂર્ય-ચન્દ્રનાં સ્વરૂપનો નાશ થતાં, તે વાયુમાં જ લીન થઈ જાય છે.જળ, સૂકાઈ જાય છે -તે વાયુમાં જ લીન થઈ જાય છે. આથી વાયુને જ આ બધી દિવ્ય શક્તિઓનો સંવર્ગ માનવામાં આવ્યો છે. આ અધિદૈવત દ્રષ્ટિ છે.

હવે અધ્યાત્મ દર્શન કહે છે. શરીરમાં પ્રાણ જ સંવર્ગ છે.કારણકે જ્યારે પુરુષ સૂઈ જાય છે, ત્યારે વાક, ચક્ષુ અને મન પ્રાણમાં જ લીન થઈ જાય છે.આમ દેવતાઓમાં વાયુ અને ઈન્દ્રિયોમાં પ્રાણ આ બે જ “સંવર્ગ” છે..

છાન્દોગ્ય ઉપનિષદ્નાં અધ્યાય-પાંચમાં પ્રથમ ખંડમાં ઈન્દ્રિયોનો વિવાદ ઊભો થયો છે. વાક કહે હું મોટી,ચક્ષુ ઈન્દ્રિય કહે હું મોટી, શ્રોત્રેન્દ્રિય કહે હું મોટી અને મન કહે હું મોટું –બધી જ ઈન્દ્રિયોં પ્રજાપતિ પાસે જાય છે. પ્રજાપતિ નિર્ણય આપતા કહે છે, કે જેના નિકળી જવાથી, આ શરીર અટકી જાય તે -મોટું. પછી ક્રમાનુસાર વાક,ચક્ષુ,શ્રોત્ર,મન વારા ફરતી શરીર છોડીને ગયા,છંતા પણ શરીર તો ચાલતું હતું.બોબડો,બહેરો,આંધળો અને મંદ બુદ્ધિનાં માણસો પણ જીવતા હોય છે.આમ ઈન્દ્રિયોંનો અહંકાર ઓગળી ગયો.પછી છેલ્લે જ્યારે પ્રાણે માત્ર જવાનો સંકલ્પ કર્યો-અથ હ પ્રાણ ઉચ્ચિક્રમિષંસ યથા સુહ્ય: ષડ્વી શશઙકૂંસંખિદેદેવમિતરાંપ્રાણાંસમખિદત |

(છાંદોગ્ય ઉપનિષદ-અ.-૫ ખંડ-૧) તો જેવી રીતે કોઈ બળવાન અશ્વ, પોતાના પગનો ખીલો ઉખાડી નાંખે, તેવી રીતે બધી ઈન્દ્રિયોં ખેંચાવવા લાગી. આમ બધી જ ઈન્દ્રિયોં છેલ્લે પ્રાણમાં જ લીન થઈ જાય છે, પણ પ્રાણ બંધ પડતો નથી. તેથી ઉપનિષદ કહે છે-પ્રાણો બ્રહ્મ | પ્રાણ એ જ બ્રહ્મ છે.

છેલ્લે સંવર્ગ વિદ્યાની પ્રશંસા માટે વાર્તામાં વાર્તા આવે છે.શૌનક અને અભિપ્રતારી બંને જમવા બેઠા છે.ત્યારે એક બ્રહ્મચારી ભિક્ષા માંગે છે પરંતુ તેઓ, તેને ભિક્ષા આપતા નથી.એટલે બ્રહ્મચારી સાંકેતિક(Cod Weard)ભાષામાં સંવર્ગ વિદ્યાનું વર્ણન કરે છે, કે- ક:પ્રજાપતિ એક છે, કે જે ચારને ગળી જાય છે.( અર્થાત એક વાયુ-ચારંને ગળી જાય છે-અગ્નિ,સૂર્ય,ચન્દ્ર અને જળ ને)જ્યારે પ્રાણ એકલો જ ટકી રહીને, બધી જ ઈન્દ્રિયોંને અન્ન પહોચાડે છે, તેથી બધી ઈન્દ્રિયોં જીવતી રહે છે. આ પ્રાણમાં જ- વાક,ચક્ષુ,શ્રોત્ર અને મન લીન થઈ જાય છે. આમ આ પ્રાણ અન્ન લઈલે છે, અને પછી તે બધી ઈન્દ્રિયોંને પહોંચાડે છે.-બ્રહ્મચારી કહે છે, કે જેના માટે અન્ન છે(પ્રાણ માટે) તેને તમે(શૌનક-અભિપ્રતારી)આપતાં નથી,અને તમે પોતે જમવા બેઠા છો ? એટલે તે બંને, બ્રહ્મચારીને ભિક્ષા આપવાનું કહે છે,અને કહે છે કે હે બ્રહ્મચારી ! અમે આને જ ( પ્રાણો બ્રહ્મ ને જ ) ઉપાસીએ છીએ.અથવા અમે તું કહે છે તે તત્ત્વની ઉપાસનાં કરતા નથી.અમે તો “બ્રહ્મની “ ઉપાસના કરીએ છીએ-આમ બંને રીતે અર્થો લઈ શકાય છે.અહીંયા સંવર્ગ વિદ્યાની આખ્યાયિકા પૂરી થાય છે. [ઈ.સ.૧૯૯૬ માં ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદમાં અભ્યાસ કાળ દરમ્યાન પ્રો.ડૉ.લક્ષ્મેશ વ.જોષી સાહેબ પાસેથી ઉપર્યુક્ત સંવર્ગ વિદ્યા ભણવા મળેલ,તેથી મારો આ અભ્યાસ લેખ તૈયાર થયો છે.તેમના પ્રત્યેના ઋણનો, હું કૃતજ્ઞતા પૂર્વક સ્વીકાર કરું છું.]

પાદટીપ::

1. શ્રીભાષ્યમ -મંગળલ શ્લોક,મૂળ ભાષંતર કર્તા ,આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ,પ્રકાશક,ડૉ.ગૌતમ પટેલ,સંસ્કૃત સાહિત્ય અકાદમી,ગાંધીનગર. આવૃતિ પ્રથમ-૧૯૯૫,પૃ.૧
2. છાન્દોગ્યોપનિષદ-સાનુવાદ શાઙકરભાષ્ય-ગીતાપ્રેસ,ગોરખપુર,આઠાવા સંસ્કરણ-સં-૨૦૫૨,પૃ.૩૫૪
3. ભલ્લાક્ષ-ઝાંખી દ્રષ્ટિવાળાને સંબોધવા માટેનો શબ્દ છે,અથવા બ્રહ્મજ્ઞાનના અભિમાનવાળા માટે વપરાતો શબ્દ છે.
4. છાન્દોગ્યોપનિષદ-પ્રા.નલિન મ.ભટ્ટ,પ્રથમાવૃતિ,૧૯૬૦,પૃ.૯૨.
5. છાન્દોગ્યોપનિષદ-સાનુવાદ શાઙકરભાષ્ય-ગીતાપ્રેસ,ગોરખપુર,આઠાવા સંસ્કરણ-સં-૨૦૫૨,પૃ.૩૬૫
6. ઉપનિષદ-નવનીત-હિંદી લેખક-પંડિત વાસુદેવ શરણ અગ્રવાલ-અનુવાદક-શાસ્ત્રી જયનારાયણ ભટ્ટ,સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય,અમદાવાદ,આવૃતિ-ત્રીજી-૧૯૮૭,પૃ.૯૩.

સંદર્ભ ગ્રંથ::

(૧) છાન્દોગ્યોપનિષદ-સાનુવાદ શાઙકરભાષ્ય-ગીતાપ્રેસ,ગોરખપુર,આઠાવા સંસ્કરણ-સં-૨૦૫૨.
(૨) કિરાતાર્જુનીયમ-સંપાદક-પ્રા.સુરેશ ચન્દ્ર જ.દવે,સરસ્વતી પુસ્તક ભંડાર,અમદાવાદ.આવૃતિ-૧૯૯૩-૯૪.
(૩) શ્રીભાષ્યમ -મંગળલ શ્લોક,મૂળ ભાષંતર કર્તા ,આનંદ શંકર બાપુભાઈ ધ્રુવ,પ્રકાશક,ડૉ.ગૌતમ પટેલ.સંસ્કૃત સાહિત્ય અકાદમી,ગાંધીનગર. પ્રથમ આવૃતિ-૧૯૯૫.
(૪) છાન્દોગ્યોપનિષદ-પ્રા.નલિન મ.ભટ્ટ,પ્રથમાવૃતિ,૧૯૬૦.
(૫) ઉપનિષદ-નવનીત-હિંદી લેખક-પંડિત વાસુદેવ શરણ અગ્રવાલ-અનુવાદક-શાસ્ત્રી જયનારાયણ ભટ્ટ,સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય,અમદાવાદ,આવૃતિ-ત્રીજી-૧૯૮૭.

*************************************************** 

પ્રા.મયારામ કે પટેલ
આસિ.પ્રોફેસર,સંસ્કૃત વિભાગ,
સરકારી વિનયન કૉલેજ,સેકટર-૧૫,ગાંધીનગર.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us