logo

પાણિનીય વ્યાકરણમાં पूर्वत्रासिद्धम्।8-2-1 સૂત્રની પ્રવૃત્તિ

પાણિનિએ વેદની અને લોકની સંસ્કૃત ભાષાઓનું વ્યાકરણ રજૂ કરવા માટે સૂત્રોની રચના કરી છે. જે આઠ અધ્યાયમાં વિભક્ત છે. માટે તેને “અષ્ટાધ્યાયી” વ્યાકરણ કહેવામાં આવે છે. તેમાં છ પ્રકારના સૂત્રો છે.[1]

વળી અહીં પ્રત્યેક અધ્યાયને ચાર-ચાર પાદમાં વિભક્ત કરવામાં આવ્યા છે. એમ કુલ 32 પાદ આવેલા છે, અને તે દરેક પાદમાં વત્તી ઓછી સંખ્યામાં સૂત્રો આવેલા છે. જેમની કુલ સંખ્યા 3983 છે. આ સૂત્રોની ગોઠવણી કરતી વખતે કયું સૂત્ર પહેલા પ્રવૃત્ત થવું જરૂરી છે અને કયું સૂત્ર પછીથી પ્રવૃત્ત થવું જોઈએ? અથવા કયું સૂત્ર કોના કરતાં વધુ બળવાન છે? એ બધાનો સૂક્ષ્મ દૃષ્ટિએ વિચાર કરવામાં આવ્યો છે. જેમ કે “અષ્ટાધ્યાયી” માંથી પહેલા સાત અધ્યાય પૂરા અને આઠમા અધ્યાયનો પહેલો પાદ = કુલ સવા સાત અધ્યાય તેને સપાદ સપ્તાધ્યાયી(પાદ સહિતની સપ્તાધયાયી) કહેવામાં આવે છે, અને બાકીના એટલે કે આઠમા અધ્યાયના છેલ્લા ત્રણ પાદને ત્રિપાદી કહેવામાં આવે છે.

આમ પાણિનિએ પહેલે તબક્કે પોતાની અષ્ટાધ્યાયીને બે ભાગમાં વિભક્ત કરી છે. (1) સપાદ સપ્તાધ્યાયી (2) ત્રિપાદી. ત્રિપાદીના આરંભે જ પ્રથમ સૂત્ર पूर्वत्रासिद्धम्।8-2-1[2] આવેલું છે. તેના ઉપર વૃત્તિ આપતાં ભટ્ટોજિદીક્ષિત વૈયાકરણસિદ્ધાન્તકૌમુદીમાં લખે છે કે... આ સૂત્ર અધિકાર[3] પ્રકારનું છે. સપાદસપ્તાધ્યાયીની દૃષ્ટિએ ત્રિપાદી અસિદ્ધ છે, ત્રિપાદીમાં આવેલા સૂત્રોમાં પણ પૂર્વ પૂર્વ સૂત્રની દૃષ્ટિએ પર પર સૂત્ર અસિદ્ધ થાય છે. આમ આ સૂત્રથી બે પ્રકારની વ્યવસ્થા સૂચવાય છે.

  • સપાદ સપ્તાધ્યાયીની દૃષ્ટિએ ત્રિપાદી અસિદ્ધ (= ન હોવા બરાબર) છે. આથી ત્રિપાદીમાં આવેલાં સૂત્રોએ જો કોઇ રૂપાખ્યાનમાં વ્યાકરણની પ્રક્રિયામાં ભાગ ભજવ્યો હોય તો સપાદ સપ્તાધ્યાયીનું સૂત્ર તેને તે સૂત્રના કાર્યને ધ્યાનમાં લેતું નથી.
  • વળી पूर्वत्रासिद्धम्। સૂત્ર અધિકાર પ્રકારનું છે. એટલે 8-2-1 થી શરૂ કરી अ अ।8-4-68 સુધીના તમામ સૂત્રોમાં અષ્ટાધ્યાયીના અન્ત સુધી આ पूर्वत्रासिद्धम्। 8-2-1 પ્રવૃત્ત થાય છે. પરિણામે ત્રિપાદીમાં આવેલા સૂત્રોમાં પણ પૂર્વ સૂત્રની દૃષ્ટિએ પર પર સૂત્ર અસિદ્ધ થાય છે.

આથી અષ્ટાધ્યાયીના (1) ત્રિપાદી વિભાગ કરતાં સપાદ સપ્તાધ્યાયીવાળો વિભાગ વધુ બળવાન છે. અને (2) ત્રિપાદીમાં પણ ઉત્તર ઉત્તર સૂત્ર કરતાં પૂર્વ પૂર્વ સૂત્ર વધુ બળવાન છે. આ બન્ને વ્યવસ્થાને ઉદાહરણથી સમજીએ.

(1) एचोऽयवायावः।6-1-78[4] સૂત્રથી ए ના સ્થાનમાં अय् આદેશ થશે  अच् પરમાં રહેતાં


(2) अज्झीनं परेण संयोज्यम्। પરિભાષાથી રેફને પાછળના अ  સાથે જોડી દઈશું.

(3) અહીં लोपः शाकल्यस्य।8-3-19[5] થી अ વર્ણ છે પૂર્વમાં જેની  એવા પદની અન્તે આવેલા ય્ વ્ નો લોપ વિકલ્પે થાય છે. अश् પરમાં હોય તો ગુણરૂપ ए નીપ્રાપ્તિ (हरेह નીપ્રાપ્તિ) आद् गुणः।6-1-87[6]

જ્યાં લોપ થયો છે ત્યાં हर માંના अ સ્વરની પાછળ બીજો इ સ્વર આવેલો છે. તેથી आद् गुणः।6-1-87 થી अ અને इ ના સ્થાનમાં ગુણસંજ્ઞક ए એવો આદેશ થવો જોઇએ એટલે हरेह એવી સન્ધિ થવી જોઇએ પણ એમ થતું નથી કારણ કે...

हरय्+इह એવી પૂર્વ સ્થિતિમાં જેણે પદાન્તે આવેલા य् નો લોપ કર્યો છે તે लोपः शाकल्यस्य। સૂત્ર 8-3-19 નંબરનું છે. એટલે એ સૂત્ર ત્રિપાદીનું છે. આથી જ્યારે य् લોપ થયા પછી हर+इह એ સ્થિતિમાં आद् गुणः।6-1-87 એવા સપાદ સપ્તાધ્યાયીના સૂત્રથી ગુણ (ए) થવા આવે છે ત્યારે 6-1-87 મું સૂત્ર ત્રિપાદીના 8-3-19 એ સૂત્રે કરેલા य् લોપરૂપી કાર્યને માન્ય રાખતું નથી. એટલે કે 6-1-87 સૂત્રની દૃષ્ટિએ 8-3-19 એ કરેલું કાર્ય અસિદ્ધ=ન થવા બરાબર છે. આથી हर+इह ની સ્થિતિમાં य् નું વ્યવધાન ચાલું છે, એટલે કે હજી य् લોપ થયો નથી એમ જોઇને आद् गुणः।6-1-87 સૂત્ર કોઇ ગુણ રૂપી કાર્ય કરશે નહીં. આથી लोपः शाकल्यस्य।8-3-19 થી हर0+इह થયા પછી સન્ધિકાર્ય અટકી જશે. એજ પ્રમાણે...

विष्णो+इह > विष्ण्अव्+इह > विष्ण इह , विष्णविह
हरे+एहि > हर् अय्+एहि > हर एहि , हरयेहि
श्रियै+उद्यत > श्रिय् आय्+उद्यत > श्रिया उद्यत , श्रियायुद्यत
गुरौ+उत्कः > गुर् आव् +उत्कः > गुरा उत्कः , गुरावुत्कः

लोपः शाकल्यस्य। સૂત્રમાં જે લોપવિધિ દર્શાવી છે તે વૈકલ્પિક છે. કારણકે સૂત્રકાર પાણિનિએ પોતાના પુરોગામી એક વૈયાકરણ શાકલ્ય મુનિનું નામ ઉલ્લેખીને કહ્યું છે કે શાકલ્યના મતે લોપ થાય છે. પરન્તુ પોતાના=પાણિનિના મતે લોપ થતો નથી.. જ્યાં જ્યાં પાણિનિએ અન્ય આચાર્યના મતનો ઉલ્લેખ કર્યો છે ત્યાં તેમણે વિકલ્પરૂપથી ગ્રહણ કર્યુ છે

આચાર્ય શાકલ્યે ઋગ્વેદનો પદપાઠ કર્યો છે. બ્રહ્માંડપુરાણમાં તેમને શાખા પ્રવર્તક કહ્યા છે.[7]

लोपः शाकल्यस्य। નાં ય્ કાર, વ્ કારના લોપવાળાં ઉદાહરણ વેદમાં જોવા મળે છે. ઉદા. ભિક્ષુ સૂક્ત (10-117-3)

સંહિતા :- स इद्भोजो यो गृहवे ददात्यन्नकामाय चरते कृषाय ।
अरमस्मै भवति यामहूता उतापरीषु कृणुते सखायम् ।।3।।[8]

પદપાઠ:- स। इत्। भोजः। यः। गृहवे। ददाति। अन्नऽकामाय। चरते। कृषाय।
अरम्। अस्मै। भवति। यामऽहूतौ। उत। अपरीषु। कृणुते। सखायम्।।3।।

[2] पूर्वत्रासिद्धम्।8-2-1 સૂત્રનો બીજો ફલિતાર્થ ત્રિપાદીમાં પૂર્વસૂત્રની દૃષ્ટિએ પરસૂત્ર અસિદ્ધ થાય છે. અર્થાત્ ઉત્તરસૂત્ર કરતાં પૂર્વસૂત્ર બળવાન છે. ઉદા..
तत्+श्लोकेन આ સન્ધિકાર્યમાં ત્રિપાદીના એકસાથે ચાર સૂત્ર પ્રવૃત્ત થાય છે. જે નીચે મુજબ છે.

  • झलां जशोऽन्ते।8-2-39[9] પદના અન્તે આવેલા झल् ના સ્થાનમાં जश् આદેશ तत्+श्लोकेन > तद्+ श्लोकेन
  • स्तोः श्चुना श्चुः।8-4-40[10] સ્ કાર અને તવર્ગના સ્થાનમાં અનુક્રમે શ્ કાર અને ચવર્ગના વર્ણો આદેશરૂપે પ્રવૃત્ત થાય છે, જો તેમને આગળ કે પાછળ શ્ કાર કે ચવર્ગના વર્ણોનો યોગ હોય તો. तत्+ श्लोकेन > तच् + श्लोकेन
  • खरि च।8-4-55[11] खर् પરમાં આવેલો હોય તો झल् ના સ્થાનમાં चर् આદેશરૂપે પ્રવૃત્ત થાય છે. तत्+ श्लोकेन > तत्+ श्लोकेन
  • शश्छोऽटि।8-4-63[12] झय् ની પાછળ આવેલા શ્ કારના સ્થાનમાં વિકલ્પે છ્ આદેશ રૂપે પ્રવૃત્ત થાય છે જો अट् પરમાં હોય તો. अम् પરમાં હોય તો પણ[13] तत्+ श्लोकेन > तच्+छ्लोकेन

હવે આ ચાર સૂત્રોમાંથી ક્યા સૂત્રને પ્રથમ પ્રવૃત્ત કરવું ? આ ચારેય સૂત્રો ત્રિપાદીનાં છે. આથી અહીં पूर्वत्रासिद्धम्। સૂત્રની સૂચના મુજબ પૂર્વસૂત્ર બળવાન છે, તેથી પૂર્વસૂત્ર પ્રથમ પ્રવૃત્ત થશે. એટલે ક્રમ મુજબ નીચે પ્રમાણે પ્રવૃત્તિ થશે.

तत्+ श्लोकेन
तद्+ श्लोकेन झलां जशोऽन्ते।8-2-39 થી त् > द्
तज्+ श्लोकेन स्तोः श्चुना श्चुः।8-4-40 श् ના યોગમાં द् નો ज्
तच्+ श्लोकेन खरि च। 8-4-55 થી ज् ના સ્થાનમાં चर्त्व
तच्+छ्लोकेन , तच्+ श्लोकेन शश्छोऽटि। 8-4-63 થી श् > छ्
આવી જ રીતે तत्+शिवः , शिवत्+छाया વગેરે ઉદા. સિદ્ધ થશે.

આ રીતે अ अ। 8-4-68[14] સૂત્ર ત્રિપાદીમાં સૌથી છેલ્લે આવેલું છે. ત્રિપાદીમાં આવેલું કોઇપણ સૂત્ર વહેલું પ્રવૃત્ત થઇ શકતું નથી. વળી વ્યાકરણની પ્રકિયામાં એકવાર સપાદસપ્તાધ્યાયીનાં સૂત્રો લાગી ગયા પછી જ્યારે ત્રિપાદીમાં આવેલાં સૂત્રો લાગવાનાં શરૂ થશે ત્યારે પણ अ अ। 8-4-68 એવું સૌથી પાછળ આવેલું સૂત્ર પૂર્વ પૂર્વ (8-4-67 વગેરે) સૂત્રોની દૃષ્ટિએ અસિદ્ધ છે. આથી अ अ।8-4-68 સૂત્ર તો બધી જ પ્રક્રિયા પૂરી થઇ જશે પછી જ લાગી શકે, વચ્ચે ક્યાંય લાગશે નહીં. આમ વ્યાકરણશાસ્ત્રની પ્રક્રિયામાં રહેલા વિવૃત હ્રસ્વ अ કારને પ્રયોગમાં સંવૃત બનાવવા માટે પાણિનિએ જ अ अ। 8-4-68 સૂત્ર રચ્યું છે. તેથી पूर्वत्रासिद्धम्। 8-2-1 થી अ अ। 8-4-68 સૂત્રને બીજાં બધાં જ સૂત્રોની દૃષ્ટિએ અસિદ્ધ બનાવવામાં આવ્યું હોઇને તે પ્રક્રિયા દરમિયાન વચ્ચે પ્રવૃત્ત થઇને પણ વિવૃત अ ને સંવૃત બનાવી શકતું નથી. આથી હ્રસ્વ अ પ્રક્રિયા દશામાં વિવૃત અને પ્રયોગાવસ્થામાં સંવૃત પ્રયત્નવાળો થાય છે.

હવે સપાદ સપ્તાધ્યાયીમાંના બે સૂત્રો વચ્ચે સંઘર્ષ ઊભો થાય અને તેમની વચ્ચે બળાબળ ભાવ નક્કી કરવાનો પ્રશ્ન ઊભો થાય ત્યારે વ્યવસ્થા કરવા માટે પાણિનિએ विप्रतिषेधे परं कार्यम्।1-4-2[15] એવું સૂત્ર બનાવ્યું છે. આ સૂત્ર કહે છે કે - તુલ્યબળવાળાં બે સૂત્રોમાંથી ક્રમાંકની દૃષ્ટિએ જે પરસૂત્ર =પાછળ આવેલું હોય તે વધુ બળવાન ગણાય છે અને તેની જ પ્રવૃત્તિ કરવી. દા. ત.
दैत्य+अरि आद् गुणः।6-1-87 થી अ વર્ણથી પરમાં अच् રહેતાં ગુણરૂપી એકાદેશ થાય છે. અને
दैत्य+अरि अकः सवर्णे दीर्घः। 6-1-101[16] થી अक् થી સવર્ણ अच् પરમાં હોય તો દીર્ઘરૂપી એકાદેશ થાય છે.

અહીં आद् गुणः।6-1-87 અને अकः सवर्णे दीर्घः। 6-1-101 બન્ને સૂત્ર એકસાથે પ્રવૃત્ત થવા આવે છે ત્યારે विप्रतिषेधे परं कार्यम्।1-4-2 થી જે પર સૂત્ર છે તે अकः सवर्णे दीर्घः। 6-1-101 પ્રવૃત્ત થાય છે અને दैत्य+अरि > दैत्यारि બને છે.

विप्रतिषेधे परं कार्यम्।1-4-2 થી પરસૂત્રને બળવાન ગણીને જે કાર્ય કરવામાં આવે છે તે કાર્ય થઇ ગયા પછી (એક વાર બાઘિત થયેલા) પૂર્વસૂત્રની પણ પુનઃ પ્રાપ્તિ થાય તો તેની પાછળથીય પ્રવૃત્તિ કરી શકાતી નથી. અહીં એકવાર બાધિત થયેલું સૂત્ર કાયમ માટે બાધિત થયેલું ગણાય છે.

જ્યારે ત્રિપાદીમાં પરસૂત્રનો બાધ કરીને પહેલાં પૂર્વસૂત્રની પ્રવૃત્તિ કરી લીધા પછી પરસૂત્રને પણ લાગવા માટેનું નિમિત્ત ચાલુ રહેતું હોય તો , પાછળથી પરસૂત્ર લાગી શકે છે. અર્થાત્ ત્રિપાદીમાં પરસૂત્રનો કાયમ બાઘ થાય છે એમ માનવાનું નથી. ત્યાં તો ફક્ત યુગપત્ પ્રાપ્ત થયેલાં બે સૂત્રોની પ્રવૃત્તિ કયા ક્રમે કરવી ? એટલું જ નક્કી કરી આપવામાં આવે છે. જેમ કે પૂર્વસૂત્રની પહેલાં પ્રવૃત્તિ કરવી અને પછીથી જો પરસૂત્ર ય લાગી શકે એમ હોય તો તેને પણ પાછળથી લગાડવું.

સંદર્ભ : :

1. सञ्ज्ञा च परिभाषा च विघिर्नियम एव च।
अतिदेशोऽधिकारश्च षडविधं सूत्रमुच्यते ।।
2(.वृत्ति:) अधिकारोऽयम्। तेन सपादसप्ताध्यायीं प्रति त्रिपादी असिद्धा, त्रिपाद्याम् अपि पूर्वं प्रति परं शात्रम् असिद्धम्। वैयाकरणसिद्धान्तकौमुदी बालमनोरमासहिता व्याख्या, श्री गोपालदत्त पाण्डेय:, चौखम्बा सुरभारती प्रकाशनम्, वाराणसी, तृतीय संस्करण 1994, पृ. 31-32
3. उत्तरोत्तरं स्वार्थसमर्पकं सूत्रम् = अधिकारसूत्रम् ।
4. (वृत्ति:) एचः क्रमादय्-अव्-आय्-आव् एते स्युः अचि। तत्रैव पृ. 90-91
5. (वृत्ति:) अवर्णपूर्वयो: पदान्तयोर्यवयोर्वा लोपोऽशि परे । तत्रैव पृ. 97-98
6. अवर्णादचि परे पूर्वपरयोरेको गुण आदेश: स्यासंहितायाम् । तत्रैव पृ. 100
7. शाकल्यः प्रथमस्तेषां तस्मादन्यो रथीतरः।
बाष्कलिश्च भरद्वाज इति शाखाप्रवर्तकाः ।। -બ્રહ્માંડ પુરાણ પૂર્વભાગ દ્વિતીયપાદ અધ્યાય – 34
8. ઋગ્વેદ (મંડળ-10) સં. વસન્ત ભટ્ટ, સરસ્વતી પુ. ભંડાર, અ’વાદ. પૃ. 608
9. पदान्ते झलां जशः स्युः। पटत्पटदिति । तत्रैव पृ. 119
10. सकार-तवर्गयोः शकार-च वर्गाभ्यां योगे शकार-चवर्गौ स्तः। तत्रैव पृ. 143
11. खरि परे झलां चरः स्युः। तत्रैव पृ. 152
12. पदान्ताजझयः परस्य शस्य छो वा स्यादटि। तत्रैव पृ. 151 - 152
13. ‘छत्वममीति वाच्यम्’ (वा.5025) । तत्रैव पृ. 152
14. विवृतमनूद्य संवृतोऽनेन विधीयते ।अस्य च चाष्टाध्यायीं सम्पूर्णां प्रत्यसिद्धत्वाच्छास्त्रदृष्टया विवृतत्वमस्येव । तत्रैव पृ. 30-31
15. तुल्य बल विरोधे सति परं कार्यं स्यात् । तत्रैव पृ. 200
16. अक: सवर्णेऽचि परे दीर्घ: एकादेश: स्यात् । तत्रैव पृ. 119-120

સંદર્ભ : :

(1) સઞ્જ્ઞા પ્રકરણ, સં- વસન્ત ભટ્ટ, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ
(2) લઘુ સિદ્ધાન્ત કૌમુદી, સં- વસન્ત ભટ્ટ, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ
(૩) वैयाकरण सिद्धान्तकौमुदी –व्या. गोपालदत्त पाण्डेय, चौखम्बा प्रकाशन वाराणसी ।
(4) ऋग्वेदः – (दशमं मण्डलम्), સં- વસન્ત ભટ્ટ, સરસ્વતી પુસ્તક ભંડાર, અમદાવાદ

*************************************************** 

પ્રા. નરેન્દ્ર બી. રાવલ
અધ્યક્ષ, સંસ્કૃત વિભાગ,
સરકારી વિનયન કૉલેજ, અમીરગઢ
તા. અમીરગઢ, જિ. બનાસકાંઠા.

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us