“ચકરાવો” વાર્તામાં પ્રગટ થતી સંવેદના
‘પરબ’ સામયિકમાં પ્રગટ થયેલી શિરીષ પંચાલની ‘ચકરાવો’ એ વાસ્તવિક ઘટનાને પ્રગટ કરતી વાર્તા છે. જીવાતા જીવનમાં જીવતો માનવી અનેક ચકરાવોથી ઘેરાયેલો છે. આવા ચકરાવોના વમળમાં ફસાયેલ માનવીને બહાર નીકળવું ખુબ અઘરું છે. ચકરાવો વાર્તાના પાત્ર મોહન-નયના આવા જ એક ચકરાવોમાં એવા ફસાયા છે કે તેમાંથી માર્ગ કાઢી બહાર નીકળવું તેમને માટે અશક્ય થઇ પડે છે. આ વરવી વાસ્તવિકતા ને લેખકે આબેહુબ વર્ણવી છે.
‘ચકરાવો’ વાર્તાનો સારાંશ સગર્ભા સ્ત્રી પર થયેલા બળાત્કાર , જેને લીધે તેને ગર્ભપાત થાય છે. આ ઘટના પછી દંપતીના જીવનમાં આવેલા વમળો ને લેખકે રજુ કાર્ય છે. સુખમય રીતે જીવતા દંપતીના જીવનમાં અનેક અરમાનો અને આકાંક્ષાઓ છે. વાર્તાની નાયિકા ગર્ભવતી છે. માતૃત્વ ઝંખતી દરેક સ્ત્રીની જેમ નયના પણ સ્વપ્ન વિહારમાં રાચે છે. થોડા ઉપસેલા પેટ ઉપર હાથ દાબી તે પોતાના ગર્ભની અનુભૂતિ કરે છે. કોયલ ટહુકા કરી જતી તેના મીઠા ધ્વનીને ઝીલતા – ઝીલતા તે હાથને પેટ પર મુકે છે. જાણે કે એ ધ્વનીને પેટની અંદર ઉછરી રહેલા બાળક સુધી પહોચાડવા માંગે છે. કોયલ જો ટહુકા વધારે કરે તો ઘરની બહાર આવી આસોપાલવ સુધી તેને શોધવા મથે છે. અહી માતૃત્વ પ્રાપ્ત કરેલ નારીના મનોભાવોને રજુ કર્યા છે.
નયનાની માતૃત્વની પરાકાષ્ટા એટલે સુધી છે કે બાળકને પારણામાં ઝૂલાવતી વખતે ગવાતા હાલરડાં ‘તમે મારાં દેવના દીધેલ છે’ .... તો ‘નંદ ઘેર આનંદ ભર્યો ....’ વગેરેનું તે સતત રટણ કાર્ય કરે છે. માતૃત્વની આવી પરાકાષ્ટાએ પહોંચેલી પત્નીને પતિ મોહન પણ ખુબ સાચવે છે. તેની ઝીણામાં ઝીણી બાબતોનું તે વિશેષ ધ્યાન રાખતો હોય છે.
આવા સુખી દામ્પત્ય જીવન જીવતા આ યુગલના જીવનમાં ‘ઉબાડિયા ચંપાઈ ગયા.... અગન ચંપાઈ ગઈ....’ લેખકે અહી ‘ઉબડિયા...’ શબ્દને સહહેતુક પ્રયોજ્યો છે. જીંદગીના અનેક સ્વપ્નાઓને સેવતા આ દંપતીના જીવનમાં વમળ પેદા થયું. નયના સૂનમુન થઇ ગઈ. બળાત્કારની સાથે ગર્ભપાત પણ થયો. બાળકના શમણાં જોતી નયના નો ગર્ભ ખાલી પડ્યો આ આખી ઘટના માતા અને કુખમાં રહેલા બાળક સાથે ગૂંથાયેલી છે.
મોહનના માનસપટ પર આ દ્રશ્ય વજ્રપાત આપે છે. નયનાને જોતાજ તેની આંખોમાંથી વહેતાં આંસુ.... આશ્વાસન રૂપે મોહન નયના ને કહે છે..... “ના.... ના... નયના ... આ બધું ભૂલી જા , ભૂલી જા એ એક ગોઝારું સચન હતું”
તો બીજી તરફ મોહનની માનસિક સ્થિતિ અને ઉદ્રેગને લેખકે આબેહુબ રીતે રજુ કર્યા છે. શમણાંમાં રાચતા આ યુગલના જીવનમાં ચીરફાડ વળાંક આપ્યો છે. ત્યારે સમાજના દુષણ સામે લડવા મોહન તૈયાર છે. પણ હતપ્રત થયેલી નયના તે માટે લડવા તૈયાર નથી. સતત એક જ વાતનું તે રટણ કરે છે.
‘ ના... ના... મારે ફરી એ ચકરાવો ,
એ મોતનો કુવો નહિ જોઈએ ’
‘ ના... ના... મારે ફરી એ ચકરાવો ,
એ મોતનો કુવો નહિ જોઈએ ’
લેખક આ વિધાન ને વારંવાર વાપરે છે. આમ પુનરૂક્તિને લેખકે સહપ્રયોજન વાપરી છે. તે વાચકોના મનમાં નયનની મન:સ્થિતિ ઠસાવવા માંગે છે. કે કોઈ પણ સ્રીના જીવનમાં બળાત્કારની ઘટના કેટલી દુ:ખદ હોય છે. નયના ના શબ્દો ધ્વારા સમાજના દ્રષ્ટિકોણ ને રજુ કર્યો છે. આવી હિંસામાંથી પસાર થયેલી સ્ત્રી કોઈપણ વય ની હોય તો પણ તેની તે જ વાત રટણ થાય છે. ત્યારે તે જ હિંસામાંથી તે ફરી ફરી પસાર થાય છે.
આવી અઘટિત ઘટનાઓ થી સમાજ બોદો બની ગયો છે. નયના જેવી કેટલીય સ્ત્રીઓ આનો શિકાર બને છે. મધ્યમ વર્ગીય સમાજના માનવીને ઉપલા વર્ગે વગ હેઠો કરી દીધો છે. જેની વગ હોય તે ગમે તેટલા ગુન્હાઓ કરે, છતાં તે નિર્દોષ હોય છે. અને જે નિર્દોષ હોય છે તે ગુન્હિત સાબિત થાય છે.
મોહનને સર્જકે ઉંચી ઉડાન ભરતો બતાવ્યો છે. પત્ની (નયના) ને વફાદાર મોહન માટે માન થાય છે કે આવી ઘટના ઘટી છતાં પત્નીને કહે છે ‘ તું જરા સમજ, ધીરજ ધર , આવા સિલસિલા ચાલ્યાં જ કરે છે. એને બંધ કરવા જોઈએ. માંથું ઊંચકવું જ રહ્યું.’ મોહન-નયના આ સંવાદો હૃદયદ્રાવક લાગે છે. મોહન તેને કહે છે. ‘હું તારી સાથે છું પછી કઈ ? આ પ્રશ્નાર્થ વાક્ય જ મોહનમાં રહેલી મહાનતા ને દર્શાવે છે. આજના જીવતા જીવનમાં પણ મોહન જેવો પતિ ભાગ્યે જ મળે. આખી ઘટના આજના સમાજને એક પ્રેરક રૂપ બને તેવી લાગે છે.
નયના માં સર્જકે ભારોભાર માણસ જાત પ્રત્યે તિરસ્કાર , ધ્રુણા અને કરુણતા ને આલેખ્યા છે. તે કહે છે ‘ બધા એને ગળી જવા માંગે છે , સાવ નાની કરી નાખશે. અને પછી મોં માં મૂકી એને ચગળ્યા જ કરશે , અને જયારે છોતરાં જેવું રહેશે ત્યારે ફેકી દેશે....... એ કોઈનાય કામનું નહીં રહે , છોતરું ? હા.... છોતરું..... આ આખી વાતને લેખકે ‘છોતરું’ શબ્દ ધ્વારા એવો ભાર મુક્યો છે. જેની કોઈ પરાકાષ્ટા જ નથી રહીં. આ આખી પરિસ્થિતિ ને વાચક વર્ગને પણ ધ્રુજાવી દે તેવી છે. કહેવાતા પુરુષ પ્રધાન સમાજમાં આવી ઘટનાઓ પાછળ માત્ર સ્ત્રીઓ જ જવાબદાર છે? એક પુરુષ સર્જકની કલમે લખાયેલી આ વાર્તા આપણા હૃદય ને હચમચાવી મુકે છે.
મોહન મન મક્કમ કરી પોલીસ ચોકીએ પોતાની ફરિયાદ નોંધાવવા જાય છે, ત્યાં જતાં સુધીમાં તો તેને પરસેવો પડી જાય છે. બે માળનું નાનકડું મકાન ! દૂરબીન માંડેલું હતું કે શું ? તેને એ મસમોટી ઇમારત જેવી દેખાઈ , તેમાં કોણ જાણે કેટલા ઓરડા હશે..... નાનપણ માં સાંભળેલી કોઈ કથામાં આવતું હતું કે એવી જગ્યાએ તો જ્યાં પાણી હોય ત્યાં જમીન , અને જમીન હોય ત્યાં પાણી દેખાય. પોલીસ કચેરીની ઇમારત તેને ભમ્મરિયા કુવા જેવી લાગે છે. પોલીસની અસંવેદનશીલ વૃતિ ને છતી કરે છે. તે કડવી યાદો , કડવા અનુભવો સાથે પોલીસ કચેરીએ પહોંચે છે. સાત કોઠા ભેદવા જેવી તેની સ્થિતિ છે. ‘રાઈટર હોય તો ઇન્સ્પેક્ટર , અને ઇન્સ્પેક્ટર હોય તો રાઈટર ના હોય’ તેમની વચ્ચે ઝોલા ખાતો મોહન ચોથા ધક્કે ફરિયાદ લખાવવાની સ્થિતિમાં આવે છે.
પોલીસ કહે છે: ‘શું તમારી બૈરી પર જુલમ થયો ? ભૂલી જાઓ ભાઈ...... ભૂલી જાઓ...... એ બધું..... ચાલ્યાં જ કરે..... એવું તો કેટ કેટલાને તમે રોકશો ? આવી વાત સાંભળી મોહન હેબતાઈ જાય છે. ફરી એક વાર મોહન પોલીસ કચેરીએ જાય છે.
‘ ઓહ આવી ગયા પાછા ? હા , મારી પત્ની ઉપર બળાત્કાર........
આ શહેર માં દરરોજ વીસ-પચ્ચીસ બળાત્કાર થતા હશે ....... આ એક વધારે..... હા..... કોણે કર્યો એ જુલમ ? જુલમ કલેકટર કચેરી ના એક મોટા સાહેબે કર્યો છે. એવું સાંભળતા જ
‘ મરી ગયા ત્યારે તો’ જુઓ..... તમને સાચી સલાહ આપું? ઘેર જાઓ ?....... ભૂલી જાઓ..... પોલીસ કર્મચારી માટે મોટા સાહેબના લફરામાં પડવું તેના કરતાં આ સમગ્ર ઘટના ને ભૂલવી વધારે સહજ છે. જયારે પત્ની પર થયેલ જુલમ ને ન્યાય અપાવવો તે મોહનનો માહ્યલો કહે છે.
અંતે મોહન – નયના ને લઇ ફરિયાદ નોધાવવા જાય છે. લેડી કોન્સ્ટેબલ કેમ ગયા‘તાં? ક્યારે ગયા‘તાં? કેવી સાડી પહેરી ‘તી? બ્લાઉઝ ને બાંય હતી કે નહીં? ગર્ભ રહેલાની સાબિતી રૂપે રિપોર્ટ કરાવ્યા છે કે નહીં? જેવા અનેક પ્રશ્નો ધ્વારા તેને મૂંઝવે છે. નયના બધા જ પ્રશ્નો ના જવાબ આપે છે. તેનું મન ચકરાવે ચઢવ્યું છે.
આઠ દિવસ પછી ફરી પાછાં તે જ ભમ્મરિયા કુવા જેવી ઈમારતમાં કાર્યવાહી અંગે જાણવા જાય છે ત્યારે બંનેના ઉપર વજ્રઘાત થાય છે. બળાત્કાર કરનાર સાહેબ ત્યાં હતા જ નહિ , અને સોનોગ્રાફી નો રિપોર્ટ ખોટો છે. એવું સાંભળ્યું ને બંને ડઘાઈ જાય છે.
અહીં મોટા માણસોને છાવરવા માટે રીપોર્ટમાં થતાં પરિવર્તનો ડોકટરો પણ તે ઘટનામાં ભળી જાય તે વાતને વાચક સુધી બહુ ઓછા શબ્દોમાં પહોચાડવામાં આવી છે. અને સમાજની વરવી વાસ્તવિકતાને રજુ કરી છે. પોલીસનું અસંવેદનશીલ વ્યવહાર , નયનાને અને મોહનને માટે હૃદય દ્રાવક બને છે.
મધ્યમ વર્ગના હોવાને કારણે તેમની પાસે મોટી વગ કે odkhઓળખાણ પણ નથી. સમાજમાં જુઠ્ઠ ને સત્ય સાબિત કરતી વાસ્તવિક ઘટનાને અહી વાચા આપી છે. આ સમગ્ર ઘટનાથી હતપ્રત થયેલી નયનાને શૂન્યાવકાશ દેખાય છે. તેનું મન, તેનું હૃદય, અને તેનું શરીર જુદી ભાષા બોલે છે. નિરાશા થઇ ને પાછી ફરેલી નયનાને ઘર-ઘર નહીં પણ ગુફા લાગે છે. જેમાં તેને અસંખ્ય પ્રાણીઓ ગંધાતા ઉચ્છવાસ જણાય છે. પુરુષ પ્રત્યેનો વિશ્વાસ ડગી જાય છે.
બે ધ્યાન બનેલી નયનાને હુંફ આપવાના હેતુથી મોહન તેનો ખભો દબાવે છે. પતિનો સ્પર્શ પણ તેને અકળાવે છે. તેની આંખોમાં અગનજ્વાળા છે. તિરસ્કાર છે, તે પતિ ને ભૂલી તેના પુરુષત્વને ધક્કો મારે છે. મોહન પાસે પડેલી ટીપોય સાથે અથડાય છે. અહીં લેખકે નયનાની મન:સ્થિતિ ને હુબહુ કંડારી છે. બળત્કાર, ગર્ભપાત, પોલીસ ચોકીના ધક્કા નિરાશા આ બધાને કારણે નયનાનું મન ખિન્ન બન્યું છે. સમગ્ર સમાજ વ્યવસ્થા ઉપરથી તેનો વિશ્વાસ ઉઠી ગયો છે.તેનો રોષ તેને બધુજ ભુલાવી દે છે. આથી જ તે પતિને ધક્કો મારે છે.
માનસિક, શારીરિક અને સામાજિક આ ત્રણેય ચકરાવોમાં નયના ફસાયેલી છે. અંતે મોહનની સામે તાકી રહેલી નયનાના આંખોના ભાવ, કપાળેથી વહેતા લોહીને જોઇને બદલાય છે. તે સાડીના છેડે મોહનના મોં ને લુંછવા માંડે છે. પોતાના દુઃખનો આવેગ ધ્રુસ્કાનું રૂપ લઇ બહાર વહેવા માંડે છે.
લેખક શિરીષભાઈ એ ‘ચકરાવો’ વાર્તાને ટૂંકમાં પણ ખુબ સુંદર રીતે, વાસ્તવિક ઘટનાઓને રજુ કરતાં હોય તેમ લખી છે. સ્ત્રીની સંવેદનાઓને તેમણે વાચા આપી છે. મોહનને આધુનિક સમાજના પતિ રૂપે રજુ કર્યો છે. તે સંવેદનશીલ છે. પત્ની માટે તેને સહાનુભુતિ છે. તેને માટે તે ગમે તે કરી છૂટવા તૈયાર છે. કેટલીક વખત એવું લાગે કે વાર્તામાં પુનરાવર્તન ખુબ છે. પણ તે વાચકના હૃદય સુંધી પોતાની વાતને પહોચાડવા માટે સહપ્રયોજન રૂપે કહેવાઈ છે.
***************************************************
ડૉ પ્રા. મરીના એ. ચૌહાણ
અધ્યક્ષ ગુજરાતી વિભાગ
આર્ટસ કોલેજ મોડાસા.
તા- મોડાસા, જિ. – અરવલ્લી.
|