logo

સાંપ્રત સમસ્યાઓના સંદર્ભમાં “गुजरातगौरवलहरी” કાવ્યસંગ્રહ

પ્રાસ્તાવિક :

સાહિત્ય અને સાહિત્યકાર સમાજ અને સાંપ્રત સમયમાં રહેતા હોય છે. કવિની આસપાસ તેનો સમાજ, તેની વર્તમાન પરિસ્થિતિઓની સંગતિ-અસંગતિઓ તથા રાજકીય, આર્થિક, સામાજિક, ભૌતિક અને નૈસર્ગિક વગેરે બાબતો પણ રહેલી છે. આથી જ કોઈ પણ યુગનો સાહિત્યકાર તેના યુગને શ્વસતો હોય છે અથવા એમ કહીએ કે કવિ એના યુગની ક્ષણભંગુર ક્ષણોને સાહિત્યસર્જન દ્વારા ચિરંજીવ ને શાશ્વત બનાવતો હોય છે. કવિશ્રી ડૉ. અંબાલાલ પ્રજાપતિએ પોતાના ‘गुजरातगौरवलहरी’ કાવ્યસંગ્રહમાં વર્તમાન સમયમાં ભારતદેશ આતંકવાદ, ગરિબી, ભ્રષ્ટાચાર, બેકારી, ધૂર્તતા, ધર્મના નામે પાખંડિતતા અને રાજકિય દાવપેચો જેવી અનેક સમસ્યાઓથી પીડાઈ રહ્યું છે તેનું પોતાની કટાક્ષમય શૈલી દ્વારા નિરૂપણ કરેલું છે. કવિએ કાવ્યસંગ્રહમાં વિવિધ હાઈકુ અને તાન્કા દ્વારા દેશની વર્તમાન સમસ્યાઓ પર પોતાનું ચિંતન વ્યક્ત કર્યું છે.

હાઈકુ :

बालकाः नग्नाः
च्छादयन्ति शरीरं
राष्ट्रध्वजेन ॥૧

પ્રસ્તુત હાઈકુમાં કવિએ આધુનિક જીવનની દારૂણ વ્યથા પ્રગટ કરી છે. માણસને જીવવા માટે રોટી, કપડાં અને મકાનની જરૂરિયાત છે. જે દરેકને મળતી નથી. ગરીબ લોકો લાચારીમાં જ જીવન વિતાવે છે. ભૂખ અને દુઃખથી રિબાઈને મૃત્યુ પામે છે. જેની પાસે કપડાં નથી એ બાળકો નગ્ન એટલે કે નાગાં છે. કુદરત પાસેથી જે શરીર મળ્યું તે શરીરને ઓઢવા માટે રાષ્ટ્રધ્વજનો ઉપયોગ કરે છે. કવિએ એવો કટાક્ષ વ્યક્ત કર્યો છે. પ્રસ્તુત હાઈકુમાં કવિએ ભારત દેશની દરિદ્રતા પર પ્રકાશ પાડ્યો છે. કવિએ એવા ગરીબ લોકોની વ્યથા પ્રગટ કરી છે કે જેમની પાસે પહેરવા માટે કપડા પણ નથી. આપણા દેશમાં ગરીબ બાળકોને પહેરવા માટે કપડાં પણ નથી જ્યારે બિનજરૂરી વસ્તુઓ માટે અઢળક ખર્ચા કરવામાં આવે છે. ગરીબ લોકોની વિવિશતા એ છે કે તેઓ તેમનો સામનો કરી શકતા નથી. આપણા દેશને મહાન દર્શાવવામાં આવે છે. વિવિધ જગ્યાએ પોસ્ટર કે પાટીયામાં લખવામાં આવે છે કે આપણો દેશ મહાન છે. પણ તેના ભીંતરમાં ગરીબ લોકોની દશા કેવી છે તેની તરફ કોઈ પણ નજર નાખતું નથી. આમ કવિ અંબાલાલ પ્રજાપતિ પોતાના હાઈકુ દ્વારા દેશની ગંભીર પરિસ્થિતિ પર પ્રકાશ પાડે છે. અને તેના નિરાકરણ માટે જાગૃતિ લાવવાનો એક પ્રયાસ છે.

पाके प्रसूति-
रातंकवादिनाज्च
पीडा भारते ॥૨

વર્તમાન યુગની એક ભયાનક વૈશ્વિક સમસ્યા એટલે આતંકવાદ. ધર્મના ઝનૂનમાંથી આ વાદનો જન્મ થયો છે. સમગ્ર વિશ્વ આતંકવાદને લઈને હેરાન-પરેશાન છે. ભારત-પાકિસ્તાનના ભાગલા થયા ત્યારથી આ આતંકવાદ યુવાન થયો છે. આથે ભારત પાકિસ્તાન વચ્ચે અનેક યુદ્ધ થયા. આ યુદ્ધના પરિણામે પાકિસ્તાનના વિવિધ સંગઠનો દ્વારા આતંકવાદીઓ તૈયાર કરવામાં આવ્યા હતા અને તૈયાર કરવામાં આવી રહ્યા છે. કવિ પ્રસ્તુત હાઈકુમાં કવિ જણાવે છે કે પાકિસ્તાનમાં કોઈ સ્ત્રીને પ્રસૂતિ થાય તો તેની પીડા ભારતને સહન કરવી પડે છે. કારણ કે પાકિસ્તાનમાં જન્મેલું બાળક મોટું થઈને આતંકવાદી બનવાનું છે. તેના દ્વારા ભારતમાં ત્રાસ ફેલાઈ છે તેથી ભારત માટે પીડા બની રહેશે. કારણ કે આ બાળકના જન્મથી જ તેના કાનમાં ભારત વિરોધી ઝેર રેડવામાં આવે છે. તેથી આતંકવાદ દિવસે-દિવસે વિસ્તરતો જાય છે, અને વિફરતો પણ જાય છે. તે ભારત માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે મોટી સમસ્યા સર્જે છે. પાકિસ્તાન આતંકવાદ અને આતંકવાદીઓને જન્મ આપે છે. સચ્ચાઈ એ છે કે જન્મ આપનારને પીડા થાય પણ ત્રાસવાદની બાબતમાં તેની પીડા ભારતને થાય છે. કારણ કે પાકિસ્તાનમાં જન્મેલા આતંકવાદીઓ ભારતમાં આવીને આતંક ફેલાવે છે. ભારતમાં વારંવાર આતંકવાદ દ્વારા હુમલા કરવામાં આવે છે. તેના કારણે ભારતની નિર્દોશ લોકો તેનો ભોગ બને છે.

प्रजाशासने
अजागलस्तनज्च
पिबन्ति जनाः ॥ ૩

પ્રસ્તુત હાઈકુમાં કવિએ ભારતદેશના પ્રજાતંત્રની સામે મીઠો કટાક્ષ કરેલો છે. ભારતમાં શાસન પ્રજાતંત્ર એટલે લોકશાહી છે. સામાન્ય રીતે લોકો દ્વારા, લોકો માટે ચાલતી સરકારને લોકશાહી કહેવામાં આવે છે. પણ વર્તમાન ભારતમાં આ પ્રજાતંત્રની દશા આનાથી વિરુદ્ધ છે. ભારતનું સંપૂર્ણ તંત્ર થોડાક ભ્રષ્ટાચારી નેતાઓના હાથમાં છે. તેઓ પોતાની સત્તાનો દૂરઉપયોગ કરે છે. તેઓ ચુંટણીના સમયે મોટા-મોટા ઘણા વચનો પ્રજાને આપે છે. પછી જ્યારે તેઓ સત્તા પર આવતાં જ રાજા બની જાય છે. અને પોતાના વચનનું પા ભાગનું પણ કામ કરતા નથી. તેના બદલામાં દેશને લુંટ્યે છે. પ્રસ્તુત હાઈકુમાં કવિએ ભારતના આ પ્રજાતંત્રની સ્થિતિને બકરીના ગળામાં રહેલા આંચળ સાથે સરખાવે છે. જેવી રીતે બકરીના ગળામાં રહેલા બે આંચળ ફક્ત દેખાવના જ હોય છે તેમાંથી દુધ આવતું નથી. તેવી જ રીતે ભારતીય નેતાઓના ચુંટણી પહેલાંના વચનો ફક્ત પોતાને વિજયી બનાવાવા માટેના જ હોય છે. વિજયી બન્યા પછી આવા નેતાઓ પોતાના વચનથી મોં ફેરવી કાઢે છે. ભારતમાં વારંવાર ચુંટણી આવે છે તેઓ વારંવાર આવા ફોકટ વચનો આપ્યા કરે છે. છતાં ભારતીય પ્રજા તેમના વચનોમાં આવીને ભોળવાય જાય છે.
તાન્કા :

निर्विवादो यो
मन्त्रो ‘वन्दे मातरं’
मातृमुक्तये
कर्षन्ति वादजले
तं ग्राहाः गृहस्था ये ॥૪

પ્રસ્તુત તાન્કામાં કવિની પોતાના દેશ પ્રત્યે દેશભક્તિ અને તેમની લાગણી પ્રસ્તુત થાય છે. સ્વતંત્ર પ્રાપ્તિના સમયમાં ‘વંદે માતરમ’ એ ભારતીઓ માટે રાષ્ટ્રમુક્તિનો મંત્ર રહ્યો છે. આ મંત્ર દ્વારા દેશભક્તિના રંગે રંગાયેલા ક્રાન્તિવીરોને નવું જોમ મળતું હતું. આ મંત્રના બુલંદ અવાજથી જ સમગ્ર ભારતવાસીઓના દિલમાં આઝાદીની લડાઈ વધારેમાં વધારે ઉગ્ર બનતી હતી. પણ સ્વાતંત્રપ્રાપ્તિ પછી આ મંત્ર ભારતદેશમાં વારંવાર વિવાધાસ્પદ બન્યો છે. તેને લઈને અનેક ઉગ્ર સમસ્યાઓ ભારતમાં થઈ છે. ભારતના રાજકારણમાં બેઠેલા મગર સમાન દેશનેતાઓ આ વિવાદને વારંવાર ઉઠાવે છે અને પોતાની સત્તાની લાલ આંખો વડે લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે. આ બધાજ નેતાઓ જળમાં રહેલા મગર જેવા છે. મગર જેમ પાણીમાં અફડાતફડી કરીને નિર્મળ જળને દૂષિત કરે છે. તેમ આપણા આ મગરરૂપી નેતાઓ વારંવાર ‘વન્દે માતરમ’નો વિવાદ ઉભો કરીને સમગ્ર દેશના તંત્રને ખરાબ કરે છે..

देवसेनानि
तारकासुरं हन्ति
शरजन्मैको
भ्रष्टाचारमसुरं
भारते को हनिष्यति ? ॥૫

પ્રસ્તુત તાન્કામાં કવિએ વર્તમાન સમયમાં ભારતદેશમાં વ્યાપ્ત સૌથી ભયાનક દૂષણ ભ્રષ્ટાચાર વિશે વાત કરેલી છે. વિશ્વના દરેક દેશ કરતાં ભારત દેશને ભ્રષ્ટાચારે સૌથી ઝડપી અને વધારે પોતાના ભરડામાં લીધું છે. ભારતદેશમાં નાનામાં નાના કર્મચારીથી માંડીને રાજધાનીમાં બેઠેલા નેતાઓ સુધી બધાજ માણસો ભ્રષ્ટ છે. ભારત એક ભ્રષ્ટાચારનો માળો બની ગયું છે. આ ભ્રષ્ટાચારની વ્યાપકતાના કારણે ભારતની સંસ્કૃતિ અને સભ્યતાનો નાશ થવા આવી રહ્યો છે. ભ્રષ્ટાચારથી અમીર પ્રજા વધારેમાં વધારે અમીર જ્યારે ગરીબ પ્રજા વધારેમાં વધારે ગરીબ બનતી જાય છે. પ્રસ્તુત તાન્કામાં કવિ ભારતમાં વ્યાપ્ત ભ્રષ્ટાચારને પૌરાણિક દાનવ તારકાસૂર સાથે સરખાવે કરે છે. પૌરાણિક કથા પ્રમાણે બ્રહ્માદિ દેવોના વરદાનથી શક્તિશાળી અને અભય બનેલો તારકાસુર નામનો રાક્ષસ સ્વર્ગ, પૃથ્વી અને પાતાળ એમ ત્રણેય લોકનો અધિપતી બની ગયો હતો. અને સમગ્ર સૃષ્ટિને ત્રાસ આપતો હતો. સમય જતાં તેનો ત્રાસ વધી જતાં દેવોએ ભગવાન શિવના પુત્ર કાર્તિકેની આગેવાની નીચે એક દેવસેના તૈયાર કરી. આમ, કાર્તિકેની આગેવાનીથી તારકાસુરનો અંત કરવામાં આવ્યો. આ કથાની સાથે પોતાની લાગણી જોડીને કવિ પ્રસ્તુત તાન્કામાં પોતાનું દુઃખ રજૂ કરે છે. કે દેવ સેનાએ ભેગા મળીને તારકાસુર જેવા ઘાતકી રાક્ષસનો વધ કર્યો. તો ભારતદેશની પ્રગતિને નુકશાન કરનાર શરમજનક એવા ભ્રષ્ટાચાર રૂપી મહાદાનવને કોણ હણશે ? ભ્રષ્ટાચાર રૂપી અસુરને હણવા માટે આપણે પણ એક દેવસેના જેવી સેના તૈયાર કરવી પડશે.

शिखण्डिनस्ते
ये वसन्ति भारते
धर्मान्तरिताः
शिखण्डिव भीष्मस्य
राष्ट्रविनाशहेतुः ॥૬

મહાભારતમાં એક પ્રચલિત કથા મળી આવે છે. તે અનુસાર મહાભારતના યુદ્ધમાં કૌરવ પક્ષના સેનાપતિ પિતામહ ભીષ્મને પાંડવો દ્વારા પરાસ્ત કરવા ખૂબજ મુશ્કેલ હતા. પણ ભીષ્મ એક પ્રતિજ્ઞા બદ્ધ હતા કે તેઓ કોઈપણ નારી સામે પોતાના અસ્ત્ર-શસ્ત્ર ઉઠાવતા ન હતા. તેનો લાભ લઈને પાંડવોએ અર્ધનારી અને અર્ધનર સ્વરૂપ શિખંડીને આગળ ધરીને ભીષ્મને પરાસ્ત કર્યા હતા. આમ મહાભારતના યુદ્ધમાં શિખંડી દ્વારા એક યુગ-પરિવર્તન થયું હતું. આ કથાના ઉદાહરણ દ્વારા કવિએ પ્રસ્તુત તાન્કામાં ભારત દેશના વિનાશકારક ધર્મપરિવર્તનની વાત રજૂ કરી છે. કવિ જણાવે છે કે વર્તમાન ભારત દેશમાં આવા શિખંડી જેવા ઘણા લોકો વસે છે. જેમના આગળ આવવાથી ભારત દેશ વિનાશ તરફ આગળ વધી રહ્યો છે. શિખંડી જેવા લોકોને આગળ ધરીને ભારતમાં લોકો ધર્મપરિવર્તન કરે છે. પોતાના ભારતીય ધર્મ સાથે અન્યાય કરે છે. તેનાથી સૌથી મોટું નુકશાન ભારતની અખંડિતતાને છે. આ અખંડીતતા જોખમાય છે તેનાથી કવિને ભારે દુઃખ થાય છે.

આમ પ્રસ્તુત કાવ્યસંગ્રહમાં વર્તમાન ભારતની સમસ્યાઓ વિશે કવિ દ્વારા જે નિરૂપણ કરવામાં આવ્યું છે તેના વાંચન-અધ્યયન દ્વારા આપણને પણ દેશની સમસ્યાઓ પર વિચાર કરવાની પ્રેરણા મળે છે. અને આ જ વિચારમાંથી નવિન કાન્તિનું સર્જન થાય છે. કોઈપણ દેશમાં થયેલી શ્રેષ્ઠ કાન્તિનું મહત્ત્વનું પરિબળ તે દેશનું સાહિત્ય સર્જન છે.

પાદટીપ :

  1. गुजरातगौरवलहरी, हायकू, १६ ॥१॥ पृष्ठ-४९
  2. गुजरातगौरवलहरी, हायकू, १६ ॥६॥ पृष्ठ-४९
  3. गुजरातगौरवलहरी, हायकू, १६ ॥८॥ पृष्ठ-५०
  4. गुजरातगौरवलहरी, तान्का, १९ ॥१॥ पृष्ठ-५३
  5. गुजरातगौरवलहरी, तान्का, १९ ॥२॥ पृष्ठ-५३
  6. गुजरातगौरवलहरी, तान्का, १९ ॥१०॥ पृष्ठ-५४


REFERENCES :



गुजरातगौरवलहरी, कविश्री डॉ. अंबालाल प्रजापति, प्रथम आवृति : २०१२

*************************************************** 



મકવાણા મનહરકુમાર અમૃતલાલ
એડહોક સંસ્કૃત પ્રાધ્યાપક,
શ્રીમતી સી.સી. મહિલા આટર્સ &
શેઠ સી.એન. કૉમર્સ કૉલેજ, વિસનગર

Previous Index Next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us