logo

“જાપાનની લોકકથાઓ અને પંચતંત્રની પ્રાણીકથાઓમાં સામ્ય”



અનન્ત અને અવિચળ કાલક્રમની દૃષ્ટિને ધ્યાનમાં લેતાં જગતના સૌ કોઇ વિદ્વાનો પૃથ્વી પરના પ્રાચીનતમ કથાસાહિત્ય તરીકે ભારતીય વૈદિક આખ્યાનોને જ પ્રાધ્યાન આપે છે. પરંતુ આ વૈદિક આખ્યાનો ઉપરાન્ત પણ બીજી ઘણી એવી કથાઓ પુરા વિશ્વમાં તે સમયે સમાંતર ચાલતી હશે. અનેક મનોમંથનો પછી વિદેશી વિદ્વાનોએ માનવસમાજમાં પ્રવર્તતી આ અનેક કથાઓને ચાર ભાગમાં વહેંચવાનો પ્રયત્ન કર્યો છે. 1. અદ્ભુત કથા (Fairy tales) 2. લોકકથા (Folk tales) 3. કલ્પિત કથા (પુરાકલ્પન) (Myth) અને 4. પ્રાણીકથાઓ (Fables).

1. અદ્ભુત કથા (Fairy tales): સાંસારિક મનુષ્યને દિવસભરની ઘટનાઓ, તેમાંથી મળતાં સુખ દુ:ખ અને તેમાંથી ઉદ્ભવતી ભય કે આશ્ચર્યની લાગણીઓ વગેરેનો એક સંસ્કારપીંડ તેના મનમાં બંધાય છે. જેને આધારે તેને સ્વપ્ન આવતું હશે. અને એ સ્વપ્નની વાત મનુષ્ય પોતાના અંતેવાસીઓને કહેતો હશે. ત્યારે સ્વપ્નમાં જોયેલી કોઇક અગોચર દુનિયાનું વર્ણન સાંભળનારને માટે વધુ રસપ્રદ અને આશ્ચર્યપૂર્ણ બનતું હશે. આવા સ્વપ્નોમાંથી જન્મેલી અદ્ભુત કથાઓ કે, જેને આપણે પરીકથાઓ (Fairy tales) કહીએ છીએ,તેનો જન્મ થયો હશે.
2. લોકકથા (Folk tales): પ્રાગ ઐતિહાસિક કાળમાં મનુષ્ય જ્યારે આદિમાનવનું જીવન જીવતો હશે ત્યારે શિકારની શોધમાં ભટકતો હશે. ત્યારે તેણે પોતાની આસપાસના પ્રાણીઓનું આકલન કર્યું હશે. જેમાં તેને સિંહનું પરાક્રમીપણું, હરણ અને સસલાનું ભોળપણ અને શિયાળની લુચ્ચાઇ વગેરે જોયું હશે. તેમાંથી લોકકથાઓનો આવિર્ભાવ થયો હશે.
3. કલ્પિત કથા (પુરાકલ્પન) (Myth): આદિ મનુષ્યે પોતાની આસપાસની દુનિયાના રહસ્યો ઉકેલવા જે અવૈજ્ઞાનિક,અર્ધવૈજ્ઞાનિક કે માત્ર કાલ્પનિક કલ્પનો રચ્યાં તે મિથક (Myth) તરીકે વિકસ્યાં અને તેમાંથી અનેક કથાઓ ઉદ્ભવી છે. જે આજે પણ અનેક પ્રકારે આપણી વચ્ચે પ્રચલિત છે.
4. પ્રાણીકથાઓ (Fables): પ્રાણીકથાની વાત કરીશું તો, તેનો ઉદ્ભવ આરણ્યક સંસ્કૃતિના માનવે કર્યો હોય એમ જણાય છે. આદિમાનવ અરણ્યમાં ભૂખ અને ભયથી ત્રસ્ત હતો. તે સમયે તેની બુધ્દ્ધિ પણ બરાબર વિકસી નહીં હોય. આવા પશુપાલન સાથે સંકળાયેલા મનુષ્યે દિવસ દરમિયાન જોયેલા પ્રાણીઓ સાથેના અવનવા અનુભવો તેણે પોતીકાંઓની સાથે વહેંચ્યા હશે અને તેમાંથી પ્રાણીકથાનો ઉદ્ભવ થયો હશે.


પ્રાણીકથાના ઉલ્લેખો તો છેક વેદકાળથી જોવા મળે છે.પરંતુ પ્રાણીકથાના આધારભૂત ગ્રંથો તરીકે આપણે પંચતંત્ર,હિતોપદેશ,જાતકમાલા વગેરેને પ્રાધ્યાન આપીએ છીએ.પંચતંત્રના ઊંડા અભ્યાસી વિદ્વદ્વર્ય શ્રીભોગીલાલ સાંડેસરા જણાવે છે કે, ઇ.સ.ની છઠ્ઠી સદીના પ્રારંભે ઇરાનના સમ્રાટ ખુશરૂ નૌશિરવાંએ પોતાના હકીમ બુર્ઝોને હિન્દમાં મોક્લ્યો અને મૃતસંજીવનીના પર્યાય સ્વરૂપે મળેલા પંચતંત્રનો સૌપ્રથમ પહેલવી ભાષામાં અનુવાદ થયો. ત્યારબાદ જગતની જુદી- જુદી 50 જેટલી ભાષાઓમાં લગભગ 200 જેટલા અનુવાદો પંચતંત્રના થયા. જેમાં તુર્કી,જર્મન, સ્વેડિશ,ડચ, પોલિશ,હંગેરિયન,ગ્રીક અને અનેક યુરોપીયન ભાષાઓનો સમાવેશ થાય છે.પરંતુ આ સિવાય પણ જગતના અનેક દેશોમાં આ ગ્રંથના અનુવાદો થયા હશે અને તેમાંનું અમૃતતુલ્ય જીવનપાથેય જગતે સહજ୍પણે સ્વીકાર્યું હશે. આ બાબત મૂળ જાપાનના રહેવાસી અને પછીથી બૌદ્ધ ભિક્ષુણી બનીને, ઇ.સ.1958માં કાકા કાલેલકરના શિષ્યા તરીકે ભારતમાં વસેલાં ‘કાત્સુ હોરિઉચિ’ ના એક હિન્દી અનુવાદિત પુસ્તક ‘जापान की लोंक कथाएँ’ ને આધારે સિદ્ધ થાય છે.

(1) શ્રી ‘કાત્સુ હોરિઉચિ’ એ સંપાદિત કરેલી એક જાપાની વાર્તાના હિન્દી અનુવાદનું શીર્ષક છે ‘रंगरेज़ उल्लू’ એનો ગુજરાતી અનુવાદ ‘રંગારો ઘુવડ’ અથવા ‘રંગ કરનારો ઘુવડ’ એમ કરી શકાય. આ વાર્તા મુજબ એક ગાઢ જંગલમાં એક ઘુવડ રંગારાનું કામ કરતો હતો. અનેક પક્ષીઓ તેની પાસે પોતાની પાંખો રંગાવવા આવતાં. ઘુવડ તેમની પાંખોમાં લાલ,લીલો,પીળો વગેરે રંગો કરતો અને પક્ષીઓ એ સુંદર રંગો જોઇને હર્ષઘેલાં થતાં. એક દિવસ એક કાગડો ઘુવડ પાસે રંગ કરાવવા આવ્યો. તેણે ઘુવડને અતિસુંદર રંગથી પોતાની પાંખો રંગવા કહ્યું. વળી, તેનો રંગ બધાં જ પક્ષીઓ કરતાં વિશેષ ભભકાદાર હોવો જોઇએ એમ પણ ઉમેર્યું. ઘુવડ કાગડાની આ વાત સાંભળી ચિંતિત થઇ ગયો. તે કાગડાના કર્કશ સ્વભાવ અને વર્તનથી મનોમન ડરી ગયો. અને છેવટે ભયભીત થયેલા તેણે એક કાળાડીબાંગ અષાઢીમેઘ જેવા ઘાટાકાળા રંગના પાત્રમાં કાગડાને ડૂબાડી દીધો. ક્ષણવારમાં કાળામેશ જેવા થઇ ગયેલા કાગડાને જોઇને તે તેની ખોટી પ્રશંસા કરવા લાગ્યો. કાગડો ફૂલાઇ ગયો અને હરખઘેલો થઇ થોડે દૂર આવેલા એક દર્પણ જેવા શાન્ત સરોવરમાં પોતનું સુંદર રૂપ જોવા લાગ્યો.પરંતુ જોતાની સાથે જ તે ડઘાઇ ગયો. સુંદરતાને બદલે તે અત્યંત કુરૂપ બની ગયો હતો. તે સીધો જ પહોંચ્યો ઘુવડ પાસે અને કહેવા લાગ્યો, ‘હે ઘુવડ ! તેં જાણી જોઇને મને આવો કુરૂપ બનાવ્યો છે.’ ઘુવડે તેને સમજાવવા ઘણાં કાલાંવાલાં કર્યાં પણ કાગડાનો ક્રોધ શમ્યો નહીં.તેણે કહ્યું, ‘હે ઘુવડ ! યાદ રાખજે, દુષ્ટ એવા તને હું જિંદગીભર નહીં ભૂલું. હવે મરવા માટે તૈયાર રહેજે’. આમ બોલીને બદલાના વૈરાગ્નિ સાથે કાગડો ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ ઘુવડ આ ચેતાવણીથી ચિંતિત થઇ ગયો.તે તરત જ એ સ્થાન છોડી ગાઢ જંગલમાં ચાલ્યો ગયો. તે પછી ક્યારેય ઘુવડ જાહેરમાં દેખાયો નહીં. વળી, જ્યારે પણ કાગડાઓનો અવાજ સંભળાય ત્યારે ઘુવડો કદાપિ બહાર નીકળતા નહીં. ફક્ત રાત્રીના સમયે જ બહાર નીકળતા અને કરુણ આક્રન્દ કરતા અને પોતાને થયેલા અન્યાયનું જગતની સામે વારંવાર રટણ કર્યા કરતા કે,ભલાઇનું ફળ બુરાઇ પણ હોય છે.
ઉપર્યુક્ત કથામાં કાગડા અને ઘુવડ વચ્ચેના વેરની કથા જોવા મળે છે. પરંતુ આવી કથા પંચતંત્રના ત્રીજા તંત્ર ‘કાકોલૂકીય’માં થોડક જ ફેરેફાર સાથે જોવા મળે છે.
પંચતંત્રના ત્રીજા તંત્રનું નામ ‘કાકોલૂકીય’ (કાગડો અને ઘુવડ) છે. એક વખત જંગલનાં બધાં પક્ષીઓ એકઠાં થયાં અને પોતાનો રાજા નક્કી કરવાનું વિચાર્યું. તેમણે ઘુવડને પોતાનો રાજા બનાવવાનું વિચાર્યું. એટલામાં ક્યાંકથી કાગડો આવી ચઢ્યો. તેણે પક્ષીઓને કહ્યું, ‘જે સદૈવ દિવસ અંધ છે અને દર્શન માત્રથી બીહામણા રૂપવાળો છે તેને કેવી રીતે રાજા બનાવી શકાય ?! વળી, આપણો રાજા તો ગરૂડ છે. તેના હોવા છતાં આ દિવસ અંધને રાજા બનાવવો સર્વથા અનુચિત છે. કાગડાની આ તથ્યપૂર્ણ વાત સાંભળી બધાં પક્ષીઓ ‘હવે ફરી ક્યારેક મળીશું’ એમ કહી ચાલ્યાં ગયાં. ઘુવડનો રાજ્યાભિષેક બંધ રહ્યો અને ત્યારથી ઘુવડ અને કાગડાનું પારંપરિક વેર બંધાયું.
શ્રી કાત્સુએ સંપાદિત કરેલી જાપાની વાર્તાને જોઇશું તો તેમાં આપણને પંચતંત્રની ઉપર્યુક્ત કથાના જ દર્શન થશે.આમ પણ નહિવત ફેરેફારને બાદ કરતાં એ હૂબહૂ પંચતંત્રની જ કથા લાગે એ સ્વાભાવિક છે. વળી, બીજાં પણ કેટલાંક સામ્ય તેમાં સીધે સીધાં જોઇ શકાય છે. જેમે કે, (1) બન્ને કથાઓમાં કાગડો અને ઘુવડનાં પાત્રોનું સીધું સામ્ય છે. (2) પંચતંત્રમાં કાગડો ઘુવડનો દુશ્મન બને છે જ્યારે જાપાનની કથામાં ઘુવડ કાગડાની દુશ્મની વહોરે છે. પરંતુ બન્ને વચ્ચેની વેરની કથા તો એક સમાન જ છે.(3) પંચતંત્રમાં કાગડાઓ જ છેવટે ઘુવડોનો નાશ કરે છે. એવી રીતે જાપાનની કથામાં પણ ઘુવડો જ કાયમ માટે કાગડાઓથી મરતાં-મરતાં જીવે છે.(4) બન્ને કથાઓનો કથાબોધ પણ એક સમાન જોવા મળે છે કે,ગમે તેવી ભલાઇ કરો તો પણ કર્કશ સ્વભાવવાળા સાથેનો સંબન્ધ દુ:ખદ પરિણામ જ જન્માવે છે. અંતતોગત્વા પંચતંત્રની પ્રાણીકથાઓ અને જાપાનની લોકકથાઓમાં આવું સીધે સીધું સામ્ય જોવા મળે છે.

(2) શ્રી કાત્સુએ સંપાદિત કરેલી બીજી બે કથાઓમાં પણ પંચતંત્રનું ઘણું સામ્ય જોઇ શકાય છે. આ બે કથાઓનાં શીર્ષક અનુક્રમે (1) दयालु कछुआ (2) नागराज का कुत्ता છે. પંચતંત્રમાં આ બે શીર્ષક (1) બ્રાહ્મણ અને સાપની કથા અને (2) સુવર્ણહંસ અને રાજાની કથા એ મુજબ છે.



(1) दयालु कछुआ ની વાર્તામાં એક અત્યંત દરિદ્ર દંપતીના પડોશમાં એક અતિ ધનિક દંપતી રહેતું હતું. થોડા દિવસ પછી આવતા નવા વર્ષ માટે ધનિક દંપતી તડામાર તૈયારીઓ કરતું હતું પરંતુ દરિદ્ર દંપતી તો આ જોઇને બહું દુ:ખી હતું. તેમની પાસે ઘર સજાવવા માટે કંઇ હતું જ નહીં તો એ કેવી રીતે તૈયારી કરે? છેવટે તે દંપતી ઘર સજાવટની વસ્તુઓ વેચવા માટે નીકળ્યું અને વિશ્રામ માટે થોડી વાર સમુદ્ર કિનારે બેઠું. એટલામાં સમુદ્રમાં એક રાજકન્યા પ્રગટ થઇ. તે નાગદેવતાની રાજકુમારી ‘ઓતોહિમેસામા’( આ જાપાની નામ છે.)હતી.આ નાગકન્યાએ પેલા પતિ –પત્નીને ઓજીઇસામા-દાદા(ગ્રાન્ડ ફાધર) અને ઓબાઓસામા-દાદી(ગ્રાન્ડ મધર) કહીની સંબોધન કર્યું. અને ત્યારબાદ પોતાની સાથે નાગપ્રાસાદમાં આવવાની વિનંતી કરી. અતિ દરિદ્ર એવું તે દંપતી તે કન્યાની સાથે જવા તૈયાર થયું. નાગકન્યાએ ચપટી વગાડતાં જ સમુદ્રજલ ઉપર ત્રણ કાચબા આવી પહોચ્યા. તેના પર બેસીને ત્રણેય ક્ષણવારમાં નાગલોકમાં પહોચી ગયાં. ગીત-સંગીત અને નૃત્યથી સદાકાળ સમૃદ્ધિવાળા નાગલોકમાં દંપતીએ અનેક દિવસો સુખચેનથી વિતાવ્યા. ઘણા સમય બાદ હવે તેમેને પોતાના નગરની યાદ આવી અને તેમણે નગર જવાની અનુમતિ માગી. ત્યારે ઉપહાર તરીકે નાગકન્યાએ તેમને એક કાચબો આપ્યો. અને કહ્યું કે આ કાચબો નાનો છે પણ સોનાની ખાણ જેવો છે. વળી, તેનું દરરોજ સાતસો ગ્રામ( આ જાપાનનું એક સવાશેર (500 ગ્રામથી થોડું વધારે એવું) દ્રવ્યમાપ હશે જેનો લેખિકાએ અનુવાદ કરેલો જણાય છે.) ચણાથી પાલન પોષણ કરવા કહ્યું. દંપતીએ તદનુસાર કરતાં કાચબો દરરોજ ચિરિન્୍-ચિરિન્ એવા અવાજ સાથે બે સોનામહોરો આપતો. થોડાક જ સમયમાં સમૃદ્ધ બનેલા તેમની આ વાતની જાણ ધનિક પડોશીને થઇ. લોભવશ થઇને તે ધનિક એક દિવસ પરાણે પેલા કાચબાને પોતાને ઘેર લઇ ગયો. પરંતુ કાચબાએ સોનામહોરોને બદલે ગંદકીનો ઢેર કર્યો. આથી ગુસ્સે થયેલા પડોશીએ કાચબાને પથ્થર ઉપર પછાડીને મારી નાખ્યો. દુ:ખી એવા વૃદ્ધ દંપતીએ નેતા મૃત દેહને પોતાના ખેતરમાં દાટી દીધો. અંતે કથાસાર એવો છે કે, મહેનત વગર બેઇમાનીથી કદાપિ ધનિક બનાતું નથી. એટલે કે, અતિ લોભ એ પાપનું મૂળ છે.
પંચતંત્રના કાકોલૂકીય તંત્રમાં આવી જ એક વાર્તા જોવા મળે છે. તેનું શીર્ષક બ્રાહ્મણ અને સાપની કથા એવું છે. કોઇ એક નગરમાં હરિદત્ત નામનો બ્રાહ્મણ હતો. તે ખેતી કરતો પરંતુ હંમેશા દરિદ્ર જ રહેતો. એક દિવસ ખેતરમાં સૂતેલા તેણે વૃક્ષ પાસેના રાફડામાં એક સાપને જોયો. તેણે વિચાર્યુ કે આ ક્ષેત્રદેવની મેં ક્યારેય પૂજા કરી નથી તેથી જ હું દરિદ્ર છું. તેણે સાપની ક્ષમાયાચના કરી અને પછી રાફડા પાસે એક શરાવમાં દૂધ મૂકીને એ પોતાનાં ઘેર ગયો. બીજા દિવસે સવારે શરાવમાં એક સોનામહોરને જોઇને તે અંત્યત આનંદ પામ્યો. દરરોજ આવી રીતે સોનામહોર મેળવતો તે ધનિક થવા લાગ્યો. એક દિવસ તે કાર્ય પુત્રને સોંપીને તે બહારગામ ગયો. પુત્રએ પણ શરાવમાં સોનામહોર જોઇ. લોભી એવા તરત વિચાર્યુ કે આ રાફડો તો સોનામહોરોથી ભરેલો છે. માટે આ સાપને મારીને હું કાલે બધી જ સોનામહોરો એક સાથે મેળવી લઇશ. બીજા દિવસે તેણે સંતાઇને સાપને લાકડીના પ્રહારથી મારી નાંખવાનો પ્રયત્ન કર્યો. સાપ તો બચી ગયો. પરંતુ તેના દંશથી તેનું મૃત્યુ થયું. અહીં પણ કથાસાર એવો જ છે કે, ‘અતિલોભ એ પાપનું મૂળ છે.’
બન્ને કથાઓને સાથે રાખીને જોઇશુ તો ઘણું બધું સામ્ય જોવા મળે છે. જેમકે,

1) પંચતંત્રની કથામાં બ્રાહ્મણ પોતાના ખેતરમાં રાફડા પાસે સાપને જુએ છે. જાપનાની કથામાં દંપતી સમુદ્ર કિનારે એક નાગકન્યાને જુએ છે. એટલે કે સાપ અને નાગકન્યા એવાં પ્રાણીવિશેષોની સમાનતા સીધેસીધી જોવા મળે છે.
2) પંચતંત્રમાં બ્રાહ્મણ સાપને ક્ષેત્રદેવતા માની દરરોજ એક શરાવમાં દૂધ આપતો. જાપાનની કથામાં દંપતી કાચબાને દરરોજ સાતસો ગ્રામ જેટલા ચણા આપતા. અહીં પણ દૂધ અને ચણાની દ્રવ્યમાત્રામાં ઘણું સામ્ય છે.
3) પંચતંત્રમાં સાપ દરરોજ એક સોનામહોર આપતો, જયારે જાપાનની કથામાં કાચબો બે બે સોનામહોર આપતો. આ બાબત પણ ઘણી સમાનતાવાળી છે.
4) પંચતંત્રમાં વધારે સોનામહોરની લાલચમાં બ્રાહ્મણપુત્રએ સાપને મારવાનો પ્રયત્ન કર્યો. જ્યારે જાપાનની કથામાં લોભી એવા ધનિક દંપતીએ સોનામહોરો માટે કાચબાને મારી નાખ્યો.
5) પંચતંત્ર અને જાપાન એમ બન્ને કથાઓમાં ‘ અતિલોભ એ પાપનું મૂળ’ છે. એવો કથાબોધ એક સમાન જ છે.
6) બન્ને કથાઓમાં મિથનું તત્વ પણ અલ્પાંશે સમાન રીતે જોવા મળે છે.

(3) આવી જ એક બીજી વાર્તા છે “नागराज का कुत्ता”. એક પ્રદેશમાં બે ભાઇઓ પોતાની માતા સાથે રહેતા હતા. મોટાભાઇની પત્ની સ્વભાવે ક્રોધી અને દુષ્ટ હતી. તેથી માતા નાના ભાઇની સાથે રહેતી. મોટોભાઇ ખૂબ ધનવાન પણ નાનો અંત્યંત દરિદ્ર. તે નવા વર્ષના દિવસે માતાને સુગંધીદાર ભાત ખવડાવવા ઇચ્છતો હતો. તેણે મોટાભાઇ પાસે થોડા ઉછીના ચોખા માંગ્યા. પરંતુ મોટાભાઇએ તેને ધૂતકારીને કાઢી મૂક્યો. નાનાભાઇએ નિરાશ થવાને બદલે જંગલમાંથી સુંદર પુષ્પો એકત્ર કરી તેના બદલે ચોખા લાવવાનું નક્કી કર્યું. પરંતુ નવા વર્ષની પૂર્વે સૌ કોઇએ પુષ્પો ખરીદી લીધાં હોવાથી તેનો આ પ્રયત્ન વ્યર્થ ગયો. છેવટે નિરાશ થઇને તે સમુદ્ર કિનારે ગયો. તેણે સાંભળ્યું હતું કે સમુદ્રના તળિયે નાગ દેવતા વસે છે. માટે આ પુષ્પો હવે નાગદેવતાને જ અર્પણ કરી દેવાનું નક્કી કર્યુ. તેણે જેવાં પુષ્પો સમુદ્રમાં પધરાવ્યાં કે તરત જ એક પુરુષ ત્યાં પ્રગટ થયો. અને તેનો ધન્યવાદ કરતા કહ્યું કે, “નવા વર્ષ માટે નાગપ્રાસાદમાં પુષ્પો ન હોવાથી નાગદેવ ચિતિંત હતા. તમારા આ કાર્યથી તે ચિંતા હવે દૂર થઇ છે. અને બદલામાં હું તમને નાગલોકમાં લઇ જવા માંગુ છું. તમે મારા પગલાંની છાપ ઉપર તમારા ડગલા માંડો.” છેવટે દરિદ્ર એવો નાનો ભાઇ નાગલોકમાં પહોંચી ગયો. રસ્તામાં પેલા અદભુત પુરુષે તેને સમજાવ્યું કે જો નાગરાજ તને વરદાન માંગવા કહે તો તું અતૂલ્ય અને અમૂલ્ય એવા તેમના કૂતરાને માંગજે. ઘણાં દિવસો સુધી નાગલોકની સુખસમૃદ્ધિ ભોગવ્યા પછી વરદાન માંગવાના સમયે તેણે પૂર્વયોજના મુજબ પેલો કૂતરો જ માંગ્યો. નાગરાજે તેને તે શ્વાન આપી દીધો અને તેને ચાર થાળી ભરી ખાવાનું આપવાની સૂચના સાથે પોતાને ઘેર રવાના કર્યો. તે પાછો આવ્યો ત્યારે લોકોએ તેનો ઉપહાસ કર્યો કે, વૃદ્ધ માતાનું પોષણ તો કરી શકતો નથી અને આ શ્વાનને કેવી રીતે પાળશે ? પરંતુ તનતોડ મહેનત કરીને તેણે તેનું લાલન પાલન શરૂ કર્યુ. નિશ્ચિત માત્રામાં ભોજન કરી કૂતરો સીધો જ જંગલમાં જતો અને એક રીંછનો શિકાર કરી લાવતો. રીંછના હાડ, માંસ અને ચામડાંથી તે ધીમેધીમે પૈસાદાર બનવા લાગ્યો. થોડાક સમયમાં તે સુખી થઇ ગયો. આ બધું જોયા પછી તેનો મોટો ભાઇ તેની પાસેથી હઠ કરીને એ કૂતરો લઇ ગયો. મોટા રીંછની લાલચે માત્રા કરતાં ઘણું વધારે ભોજન કરાવ્યું. પરંતુ તે કૂતરો જંગલમાં જવાને બદલે મોટાભાઇ પર ટૂટી પડ્યો અને માથા તેમજ હાથ ઉપર ખૂબ કરડ્યો. ગુસ્સે થયેલા તેણે લાકડાનો ડંડો ફટકારી તેને મારી નાંખ્યો. નાનાભાઇએ તેના મૃત દેહને પોતાના આંગણાંમાં દાંટી દીધો. થોડા સમય પછી ત્યાં એક વાંસનુ વૃક્ષ ઉગી નીકળ્યું. તે એટલું બધું ઉંચે ગયું કે આકાશમાં રહેલાં દેવલોકના ધાન્યભંડારમાં તેનાથી જાણે છેદ થઇ ગયો અને તેમાંથી દરરોજ રાત્રે શ્વેત ચોખાની વૃષ્ટિ થવા લાગી. નાનાભાઇએ જાગીને જોયું તો તેના આંગણાંમાં સફેદ ચોખાનો ઢગલો થઇ ગયો હતો. પુનરપિ તે ધનિક બની ગયો. ફરીવાર મોટાભાઇએ તેના વાંસના વૃક્ષને કાપીને પોતાના આંગણાંમાં રોપ્યું. પરંતુ ચોખાને બદલે કૂડા-કચરાના ઢેરથી તેનું ઘર દટાઇ ગયું. અંતે એવો કથાસાર જોવા મળે છે કે જેવું કરો તેવું પામો. અર્થાત અતિલોભ એ પાપનું મૂળ છે.
પંચતંત્રના કાકોલૂકીય તંત્રમાં આવી જ એક અન્ય વાર્તા પણ જોવા મળે છે. તેનું શીર્ષક સુવર્ણહંસો અને રાજા એવું છે. એક નગરમાં ચિત્રરથ નામનો રાજા હતો. તેને પદ્મવન નામનું સરોવર હતું. ચોકીદરો હંમેશા તેની રક્ષા કરતા. તેમાં ઘણા સુવર્ણમય હંસો હતા. જે છ છ મહિને એક એક સોનાનું પીંછુ આપતા. એક દિવસ એ સરોવરમાં કયાંકથી સંપૂર્ણ સોના જેવું લાગતું અનોખું સુવર્ણમય પક્ષી આવ્યું. પરંતુ ત્યાં રહેલાં હંસોએ તેને અટકાવ્યું. પેલા પક્ષીએ તો રાજા સમક્ષ હંસોની ફરિયાદ કરી. આ સંપૂર્ણ સુવર્ણમય પક્ષીને જોઇને રાજાના મનમાં વધારે સોનુ મેળવવાનો લોભ જાગ્યો. તેણે સૈનિકોને પેલાં હંસ પક્ષીઓને મારી નાખવાનો આદેશ આપ્યો. સૈનિકોને જોતા જ બુદ્ધિશાળી હંસો ઉડી ગયા અને ઘણા સમય સુધી પેલા સુવર્ણમય પક્ષીએ એક પણ સોનાનુ પીંછુ આપ્યુ નહિં. છેવટે રાજાને છ મહિને મળતું એક એક સોનાનું પીંછુ પણ ગુમાવવું પડ્યું. અહિં પણ કથાબોધ એ જ છે કે, ‘અતિલોભ પાપનું મૂળ છે’ અને ‘લાલચ બુરી બલા છે.’
ઉપર્યુકત બંને વાર્તાઓમાં ઘણા પ્રકારે સામ્ય જોવા મળે છે. જેમ કે,

(1) પંચતંત્રમાં હંસોની વાત છે જ્યારે જાપાનની કથામાં કૂતરા અને રીંછની વાત છે.
(2) પંચતંત્રમાં હંસો એક એક સોનાનું પીંછુ આપે છે જ્યારે જાપાનની કથામાં કૂતરો દરરોજ એક રીંછ પકડી લાવે છે.
(3) પંચતંત્રમાં સંપૂર્ણ સુવર્ણમય હંસની લાલચે રાજાએ પેલા હંસોને મારી નાખવાનું કહ્યું. જાપાનની કથામાં બહુ મોટા રીંછની લાલચે મોટાભાઇએ કૂતરાને મારી નાખ્યો.
(4) પંચતંત્રમાં રાજાને સુવર્ણમય પીંછાં ગુમાવવા પડ્યાં અને જાપાનની કથામાં મોટાભાઇને ચોખાને બદલે કૂડો કચરો પ્રાપ્ત થયો.
(5) બંન્ને વાર્તાઓમાં કથાબોધ એકસમાન છે. ‘અતિલોભ એ પાપનું મૂળ છે.’
(6) બન્ને વાર્તાઓમાં ચમત્કારરૂપી મિથકનો પ્રયોગ પણ એક સમાન રીતે જોવા મળે છે.
શોધલેખનું કથયિતવ્ય એ છે કે;

(1) જાપાનની લોકકથાઓ અને પંચતંત્રની પ્રાણીકથાઓમાં અનેક ઘણું સામ્ય જોવા મળે છે.
(2) લેખિકા કાત્સુ હોરિઉચિએ આ પુસ્તકમાં કુલ અઢાર કથાઓ રજૂ કરી છે. જેમાંની ઉપર્યુક્ત ત્રણ કથાઓ તો પંચતંત્ર સાથે ગહેરુ સામ્ય ધરાવે છે. બોધિસત્વ સંબંધી બીજી બે કથાઓમાં પણ પંચતંત્રનાં ગ્રૃધકૂટ પર્વતનો ઉલ્લેખ જોવા મળે છે. આ બાબત પણ પંચતંત્ર અને જાપાનની કથાઓમાં સામ્યને જ સિદ્ધ કરે છે. ચોતરફ સમુદ્ર ધરાવતાં દ્વીપખંડ એવા જાપાનમાં પણ પંચતંત્રના જેવી જ નીતિબોધ અને વ્યવહારબોધ કરાવતી આ કથાઓમાં કદાચ પંચતંત્રનો વિશેષ પ્રભાવ રહ્યો હોય એવું માની શકાય.
(3) કોઇ પણ સમાજ માટે જીવનમૂલ્યોનું ઘડતર થવામાં અને નીતિબોધનું ઉમદા આચરણ થવા માટે આવી લોકકથાઓ કે પ્રાણીકથાઓ મહત્વનું અંગ બની રહી છે. આ દ્રષ્ટિએ અમેરિકા વગેરે પછી ઘણાં સમયે શોધાયેલાં જાપાન જેવા દેશમાં પણ આવી નીતિબોધની કથાઓ મળવી એ તત્કાલીન માનવસમાજ માટે સર્વથા હિતકારી સિદ્ધ થાય છે.
(4) ભારતીય વિદ્વાન ભોગીલાલ સાંડેસરા અને વિદેશી વિદ્વાન શ્રી હર્ટલ અને શ્રી એગર્ટને જણાવ્યું છે કે, પંચતંત્રનો અનુવાદ ગ્રીક, જર્મની, ડચ, હંગેરી, સ્વીડિશ, પોલિશ, વગેરે ભાષાઓમાં થયો છે. પરંતુ જાપાની લેખિકા કાત્સુ હોરિઉચિના આ પુસ્તકની કથાઓના આધારે પંચતંત્રનો સહજ୍પ્રવેશ જાપાન જેવાં દેશમાં પણ થયો હશે એમ કહી શકાય. જે બાબત નાવીન્યપૂર્ણ છે.

REFERENCES :

  1. રાષ્ટ્રિય સેમિનાર(જાપાની ચીની અને ભારતીય) Reality and Virtuality: A Confluence of Contemporary Oriental Literatures, સમર્પણ આર્ટ્સ અને કોમર્સ કૉલેજ, ગાંધીનગર. તા. 27-28 ડિસેમ્બર 2013.
  2. જાતક્માલા: સંપાદક;ડૉ.વસન્તકુમાર ભટ્ટ,પ્રકાશક; સરસ્વતી પુસ્તક ભંડાર,અમદાવાદ,સન 2004-05, પ્રસ્તાવના પા.1-6.
  3. जापान की लोंक कथाएँ: लेखिका: कात्सु होरिउचि,प्रकाशक: चिन्मय ज्ञानपीठ दिल्ली,सन् -2012,पृष्ठ-68-69
  4. जापान की लोंक कथाएँ: लेखिका: कात्सु होरिउचि,प्रकाशक: चिन्मय ज्ञानपीठ दिल्ली,सन् -2012,पृष्ठ-35-37
  5. जापान की लोंक कथाएँ: लेखिका: कात्सु होरिउचि,प्रकाशक: चिन्मय ज्ञानपीठ दिल्ली,सन् -2012,पृष्ठ-50-54
  6. जापान की लोंक कथाएँ: लेखिका: कात्सु होरिउचि,प्रकाशक: चिन्मय ज्ञानपीठ दिल्ली,सन् -2012,पृष्ठ-38 & 72

*************************************************** 



ડૉ. મહેશકુમાર એ. પટેલ

સરકારી વિનયન કૉલેજ,
મણિનગર,અમદાવાદ.

Previous Index Next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat

Home  |  Archive  |  Advisory Committee  |  Contact us