'ભાસરચિત નાટકોમાં વ્યક્ત થતાં રામાયણ –મહાભારતના સાંસ્કૃતિક મુલ્યો' પ્રસ્તાવના
ભારતીય સાહિત્યના આદિકાવ્યો રામાયણ અને મહાભારત ભારતીય સંસ્કૃતિના વિશ્વકોશ સમા છે. આ બંને કૃતિઓમાં ભારતીય સંસ્કૃતિ ના મુલ્યો સચવાયા છે. મહાભારતમાં તો સ્પષ્ટ કહેવાયું છે કે ‘यन्न भारते तन्न भारते ’ અર્થાત જે મહાભારતમાં છે તે જ ભારતમાં છે. ભારતીય સંસ્કૃતિની વિવિધતા આ બંને મહાગ્રંથોમાં જોવા મળે છે. આથી જ મોટાભાગના કવિઓ એ પોતાની કૃતિનો આધારગ્રંથ રામાયણ અને મહાભારત ને બનાવ્યા. ભાસે પોતાની આઠ કૃતિઓને આ બંને આદિકાવ્યોને આધારે રચી છે. પોતાના સંદર્ભમાં રહી તેમાં ફેરફારો પણ કર્યા છે તેમ છતાં આદીકાવ્યોના મુલ્યો આ આઠેય કૃતિઓમાં દ્રષ્ટિગોચર થાય છે. ભારતીય સંસ્કૃતિ આદર્શો ઉપર રચાયેલી છે. આ આદર્શો નીચે પ્રમાણે જોવા મળે છે. પિતા પ્રત્યેનો આદર પ્રતિમાનાટકમાં આદર્શ પિતૃભક્તિના દર્શન થાય છે. રામના રાજ્યાભિષેકની સંપુર્ણ તૈયારી થઇ ગઈ હતી. ચારેબાજુ આનંદનો માહોલ હતો. અને અચાનક પિતાએ પુત્ર રામના કાનમાં કઈક કહ્યું અને રામનો રાજ્યાભિષેક અટક્યો. રામે કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર ચૌદ વર્ષનો વનવાસ સ્વીકારી લીધો. પિતાની આજ્ઞાને સહર્ષ સ્વીકારનાર રામ આદર્શ પુત્ર છે. પિતાના અવસાન ને એક વર્ષ પૂરું થયું હોવાથી તેમના શ્રાધની સ્થિતિ ઊભીથાય છે. ત્યારે પણ વનમાં રહેલા રામને પિતાની ચિંતા છે. સ્વર્ગે ગયેલા પિતા દશરથ પોતાની સાંપ્રત સ્થિતિનો ખ્યાલ આવતાં દુઃખી થશે તેવું વિચારી રામ ઉત્તમ પ્રકારનું શ્રાધ કરવા ઈચ્છે છે. પોતાની હાજરી અને ગેરહાજરી બંને સ્થિતિમાં પિતાના હૃદયને દુઃખ થાય તેવું રામ ઇચ્છતા નથી. પિતા માટે નો આ આદરભાવ અહી પ્રગટ થાય છે.. માતા પ્રત્યેનો આદર માતાનું સ્થાન દેવ સમાન મનાય છે. આ ભારતીય સંસ્કૃતિનો આદર્શ કર્ણભાર , મધ્યમવ્યાયોગ જેવી કૃતિઓમાં જોવા મળે છે.કર્ણભારમાં કર્ણ માતા કુન્તીને તેનાપાંચપુત્રો અખંડ રહેશે તેવું વચન આપે છે જો અર્જુન હણાશે તો પોતે પાંડવ પક્ષે લડશે તેવી સ્પષ્ટતા કરે છે. કુન્તી પાંચપુત્રો ની માતા હંમેશા રહેશે તેવું અભય વચન કર્ણ આપે છે. મધ્યમવ્યાયોગમાં બ્રાહ્મણો અવધ્ય છે તેવું જાણવા છતાં ઘટોત્કચ માતાની અજ્ઞાનું પાલન કરવા માટે બ્રાહ્મણપુત્ર નો બલી ચડાવવા તૈયાર થાય છે. પ્રતિમાનાટકમાં પણ માતા કૈકેયી એ રામનો વનવાસ ઇચ્છ્યો ત્યારે સહેજ પણ વિચલિત થયા વગર રામ તેમની અજ્ઞાને સ્વીકારે છે. ભરત માતાની નિંદા કરે છે ત્યારે પણ રામ તેને અટકાવે છે.. ભાતૃંપ્રેમ ભાઈઓ પ્રત્યે સમભાવ રાખવો તે આપણો આદર્શ છે. મોટાને માન અને નાનાને પ્રેમ એ કોઈ પણ સંસ્કૃતિનો આદર્શ માની શકાય. પ્રતિમાનાટક માં રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુધ્ન વચ્ચે આ પ્રેમભાવ પ્રગટ થયો છે.ભરતને ગાદી મળે તેવા માતાના વચન થી રામ દુઃખી થતાં નથી. રામની પાછળ લક્ષ્મણ વનવાસ ને સહર્ષ સ્વીકારે છે. મોસાળથી પાછો ફરેલ ભરત ભાઈ રામના વનવાસના સમાચાર માત્રથી દ્રવી ઉઠે છે.સીધો વનમાં ભાઈને મળવા ગયેલો ભરત રામની આજ્ઞાને માથે ચડાવી રાજ્યનો કારભાર કરવાનું સ્વીકારે છે. અભિષેકનાટકમાં સીતાનું હરણ કરી લાવેલા પોતાના મોટા ભાઈ રાવણને વિભીષણ સમજાવવાનો પ્રયાસ કરે છે. આદર્શનારી ભારતીય સંસ્કૃતિ આર્યનારીને હંમેશા સન્માનની નજરે જુએ છે. આપણી સંસ્કૃતિમાં પતિવ્રતા નારીનું આગવું સ્થાન છે. પ્રતિમાનાટક માં સીતા આદર્શ પતિવ્રતા નારીના રૂપમાં પ્રગટ થાય છે. તે પતિના સુખ-દુઃખ માં સહધર્મચારિણી બની રહે છે. રામની સાથે વન નિવાસને महान् खलु मे प्रसादः કહે છે. રાવણ પણ સીતાના પતિવ્રતાપણાને જાણે છે. આથીજ પોતાનો કપટવેશ ખુલ્લો થઇ જશે તે ડરથી તેની પાસે પગ ધોવડાવતો નથી. કૈકેયીમાં પુત્ર વત્સલ નારીના દર્શન થાય છે. કુલાચાર્યોની વાતને સત્ય કરવા તે રામના વનવાસ ની માંગણી કરે છે. ઋષિનો શાપ સત્ય બને તો પુત્ર નું મૃત્યુ નિશ્ચિત હતું આથી જ પુત્રના યોગક્ષેમ માટે સમાજમાંથી મળતું કલંક પણો તેણે સ્વીકાર્યું. પુત્રના ત્યાગની મનોવ્યથા ને કારણે કૈકેયી ચૌદ દિવસ ને બદલે ચૌદ વર્ષ બોલી જાય છે. સ્વપ્નવાસવદત્તમાં વાસવદત્તા અને પદ્માવતીમાં પણ આર્યનારીના દર્શન થાય છે. વાસવદત્તા પતિને પુન: રાજ્ય મળે તે હેતુ થી અજ્ઞાતવાસ માં રહે છે. જાણવા છતાં સપત્ની રૂપ પદ્માવતી સાથે દુ:વ્યવહાર કરતી નથી. પદ્માવતી પણ વાસવદત્તાના વાસ્તવિક સ્વરૂપને જાણ્યા પછી તેના પ્રત્યે પ્રેમભાવ રાખે છે. પોતે ઉંમરમાં નાની હોવાથી વડીલ બહેનની માફી પણ માંગે છે. ગાંધારી પણ અભિમન્યુની હત્યા ની જાણ થતાં દુઃખી થાય છે. પુત્ર પ્રેમ ભારતીય સંસ્કૃતિ માતા-પિતાનો સંતાન તરફ ભાવ આદર્શ રૂપે રજુ કરે છે. ઉરુભંગમાં પિતા મૃત્યુ શય્યામાં છે ત્યારે દુર્જય તેમના ખોળામાં બેસવા ઈચ્છે છે, આ સમયે અડીખમ દુર્યોધન ભાંગી પડે છે. પ્રતિમાનાટક માં રામના વનવાસની વાત થી અત્યંત દુઃખી થયેલ દશરથનું મૃત્યુ થાય છે. રામ, લક્ષ્મણ, અને સીતા સાથે વનમાં ગયા છે આ વાત ને સાંભળ્યા પછી રામસીતા અને લક્ષ્મણ એવું ઉચ્ચારણ અમાત્ય પાસે કરાવે છે કારણ સીતા વનમાં સુરક્ષિત રહે તેવી તેમની હૃદયની ઈચ્છા છે. જ્યાં આદર્શ શ્વસુરના દર્શન થાય છે. કૈકેયી રામનું અહિત ન થાય તે માટે તેના વનવાસની માંગણી કરી કલંક પોતાના માથે લે છે. ગુરુ પ્રત્યેનો આદર ભારતીય સંસ્કૃતિ ગુરુ-શિષ્ય પરંપરા વાળી છે. પ્રાચીનકાળ માં ગુરુનું ભારે મહત્વ હતું. આ આદર્શ ભાવના કર્ણભાર માં જોવા મળે છે. કર્ણ નો ગુરુ પ્રત્યે નો આદર ભાવ અહી પ્રગટ થયો છે. પોતાના ખોળામાં માથું મુકીને સૂતેલા ગુરુની નિદ્રામાં ભંગ ન થાય તે માટે વજ્રમુખ નામનો કીડો જાંઘમાં કરડ્યો હોવા છતાં તેની અસહ્ય પીડા કર્ણ સહન કરે છે. જેને કારણે તે શાપનો ભોગ બને છે. પંચરાત્ર માં પણ દુર્યોધન નો ગુરુ પ્રત્યેનો આદર જોવા મળે છે. તેને ગુરુને જે વચન આપ્યું હતું તે પાળે છે. બ્રાહ્મણો પ્રત્યેનો આદર આપણી સંસ્કૃતિમાં સ્ત્રી,બ્રાહ્મણ અને ગાય પ્રત્યે વિશિષ્ટ આદર રહેલો છે. કર્ણભાર માં ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ લઇ ભિક્ષા માંગવા આવે છે ત્યારે કર્ણ એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર કવચ અને કુંડળ દાનમાં આપે છે. મધ્યમ વ્યાયોગ માં ઘટોત્કચ કહે છે जानामि सर्वत्र सदा च नाम ध्विजोत्तमाः पूज्यतमाः पृथिव्याम् | વૃદ્ધ બ્રાહ્મણ ની વાત સાંભળી ભીમ તેમને અભય વચન આપે છે. દાન નું મહત્વ : ભારતીય સંસ્કૃતિ માં કહેવાય છે કે , ‘જમણો હાથ દાન કરે તો ડાબો હાથ પણ ન જાણે તેવી રીતે દાન કરવું જોઈએ’. કર્ણભારમાં કર્ણ ઉત્તમ દાનવીર રૂપે પ્રગટ થાય છે. બ્રાહ્મણ ના રૂપ માં આવી ઇન્દ્ર મોટી ભિક્ષા માંગે છે ત્યારે કર્ણ હાથી , ઘોડા, ગાય, સોનું, યજ્ઞનું ફળ અને છેલ્લે પોતાનું મસ્તક આપવા પણ તૈયાર થાય છે. શલ્ય રાજ ના રોકવા છતાં તે પોતાની સાથે જન્મેલા કવચ અને કુંડળ દાનમાં આપતાં અચકાતો નથી. તે કહે છે ‘हुतं च दत्तं च तथैव तिष्ठति’ આપેલું અને હોમેલું ત્યાનું ત્યાં ટકે છે. પંચરાત્રમ માં ગુરુ ને દક્ષિણા આપવા માટે દુર્યોધન વચને બંધાય છે. વિશ્વાસુ અમાત્ય : ભારતીય સંસ્કૃતિ માં આદર્શ ની ચરમસીમા ત્યાં પ્રગટ થાય છે કે જ્યાં સમગ્ર સમાજ એક બીજા માટે આદરભાવ ને દર્શાવે. પ્રતિજ્ઞાયોગન્ધરાયણ અને સ્વપ્ન વાસવદત્તમાં યોગન્ધરાયણ માં એક આદર્શ અમાત્યના દર્શન થાય છે. તેની સ્વામીભક્તિ અનન્ય છે. સ્વામીનું રાજ્ય પુન: પ્રાપ્ત થાય તે હેતુ તે મહારાણી વાસવદત્તાને પણ પોતાની યોજનામાં સામેલ કરે છે. દુશ્મન રાજા ની કેદમાંથી પોતાના રાજા ઉદયન ને મુક્ત કરવા માટે તે જાન નું જોખમ ઉઠાવે છે.અભિષેક નાટક માં હનુમાન, સુગ્રીવ અને વિભીષણ માં સ્વામિભક્તિજોવા મળે છે. ઉપસંહાર ભાસના નાટકો માં સાંસ્કૃતિક મુલ્યોનું જતન થયું છે . ભારતીય સંસ્કૃતિ ના મુલ્યો જેમકે ‘ મનુષ્ય દેહ થી હણાય છે , યશ કાયમ ટકે છે.’ હોમેલું અને આપેલું ત્યાં નું ત્યાં જ ટકે છે. દાનમાં પ્રતિફળ ની આશા રાખવી નહિ ( કર્ણભાર ) ધર્મનું આચરણ કરો, સ્વજનોની ઉપેક્ષા ન કરો. તમારા મનમાં જે અભિષ્ટ છે તે પૃથ્વીને અર્પણ કરો. ( દૂતઘટોત્કચ ) કુળ-વિરોધ માં બાળકો નિરપરાધી હોય છે. મૈત્રી મૃત્યુ પર્યત નિભાવવી ( પંચરાત્રમ ) બીજાની સ્ત્રીનું અપહરણ તે અનુચિત અને અધર્મ છે. ( અભિષેક નાટક ) मार्गरब्धा: सर्वयत्ना: फ़लन्ति( પ્રતિજ્ઞાયોગન્ધરાયણ ) સમયની ગતિ ચક્રના આરાના જેવી છે. ( સ્વપ્ન વાસવદત્તમ ) દુઃખપછી સુખ આવે તો સારું પણ સુખ પછી દુઃખ જીવતા મૃત્યુ સમાન છે. ( ચારુદત્ત ). આમ ભાસે જીવન ના મુલ્યો ને બારીકાઇ પૂર્વક રજૂ કર્યા છે. ***************************************************
ડૉ. જયશ્રી દેસાઈ |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |