'સંસ્કાર વિધિમાં વપરાતી ઔષધિઓનું મહત્ત્વ' પ્રાસ્તાવિક
જે ક્રિયાથી શરીર, મન અને આત્મા ઉત્તમ બને તેને સંસ્કાર કહે છે. કોઈ વસ્તુના જૂના સ્વરૃપમાં ફેરફાર કરી તેને નવું રૂપ આપવું તેને સંસ્કાર કહે છે. ચરકઋષિએ કહયું છે संस्कारो हि गुणान्तराधानमुच्यते । અર્થાત્ પહેલેથી જ ઉપસ્થિત દુર્ગુણોને દૂર કરીને તેની જગ્યાએ સદગુણો રોપવાનાં કાર્યને સંસ્કાર કહે છે...
વૈદિક સંસ્કૃતિનો મૂળ હેતુ માણસના આધ્યાત્મિક સમુત્કર્ષનો છે. માટે જ વૈદિક સંસ્કૃતિમાં એટલે કે વૈદિક ધર્મગ્રન્થોમાં ગર્ભાધાનથી શરૃ કરીને મૃત્યુ સુધીના ૧૬ સંસ્કારો અવશ્ય કરવા જોઈએ તેવો નિર્દેશ મળે છે. ધર્મગ્રન્થો અનુસાર મુખ્ય ૧૬ સંસ્કારો છે (૧) ગર્ભાધાન (૨) પુંસવન (૩) સીમન્તોનયન (૪) જાતકર્મ (૫) નામકરણ (૬) નિષ્ક્રમણ (૭) અન્નપ્રાશન (૮) ચૂડાકર્મ (૯) કર્ણવેધ (૧૦) ઉપનયન (૧૧) વેદારંભ (૧૨) સમાવર્તન (૧૩) વિવાહ (૧૪) વાનપ્રસ્થ (૧૫) સંન્યાસ (૧૬) અન્ત્યેષ્ટિ ઉપરોક્ત સંસ્કારોનો વિધિ ગૃહયસૂત્રો શૂલ્યસૂત્રો વગેરેમાં નિર્દેશેલો છે તે અનુસાર દરેક સંસ્કારોમાં જે જે સામગ્રીનો ઉપયોગ થાય છે. તેને આયુર્વેદિક દૃષ્ટિએ તપાસીએ તો તેમાં જે તે સંસ્કારોમાં જે જે સામગ્રી વપરાય છે તે સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. વૈદિક યજ્ઞમાં અને સંસ્કારોમાં જે – જે સામગ્રી વપરાય છે તે ચાર પ્રકારની હોય છે. (અ) સુગંધિત – દા.ત. કસ્તુરી, કેસર ચંદન વગેરે ઉપરાન્ત વૈદિક સંસ્કૃતિમાં યજ્ઞનું પણ અસાધારણ મહત્ત્વ સ્વીકારાયેલું છે અને યજ્ઞમાં પણ ચોક્કસ પ્રકારના વૃક્ષો ની જ સમિધા વાપરવાનો નિર્દેશ છે તે મુજબ પલાશ, પીંપળો, વડ, ઉંબરો, આંબો બિલિ વગેરે મુખ્ય છે. સમિધા માટે નિર્દેશેલ વૃક્ષોનું વૈજ્ઞાનિક મહત્ત્વ તથા ઉપરોક્ત ચાર પ્રાકરની સામગ્રીનું ઔષધીય મહત્ત્વ જણાવતા પહેલાં ભાવપ્રકાશ પૂર્વખંડની ટીકામાં રાજવૈદ્ય પ્રભાશંકર ભટ્ટે નોંધ્યું છે કે शारीरास्त्वन्नपानमूलाः तथा प्राणिनां पुनर्मूलमाहारो बलवर्णोजसां च| અર્થાત્ અન્ન પાણી જ શરીરના રોગોનું મૂળ છે તેથી અન્ન તથા પાણી એ જ મુખ્ય ઔષધ છે માટે અન્નને પણ ઔષધિ કહેવાઈ છે. એ અનુસાર સંસ્કાર-વિધિમાં વપરાતી દરેકે દરેક વસ્તુ ઔષધીક મહત્ત્વ ધરાવે છે. મહાભારતકારે તો કહ્યું પણ છે. अमन्त्रम् अक्सरं नास्ति नास्त्यमुलम् औषधम् આપણે સામગ્રીના જે ચાર પ્રકારો પાડ્યા છે તે મુજબ જે તે ના ઔષધીય ગુણધર્મોને જાણીશું.. સુગંધીત સામગ્રી – કસ્તુરી, કપૂર, કેસર, ચંદન વગેરે કસ્તુરી૧ – સ્વાદે કડવી, મધુર, વીર્યને વધારનાર ઠંડી, હલકી, નેત્રને હિતકારી, મળોને છેદનાર, કડુ, તરસ મૂત્રાશયના રોગો તથા મોઢાના રોગોને મટાડે છે... કપૂર૨ – કપૂર ઠંડુ, વીર્યને વધારનાર, નેત્રને હિતકારી, મળોને ઉખાડનાર, હલકું, સુગંધી, મધુર અને કડવું હોઈ, કડૂ, પિત્ત, ઝેર, દાહ, તરસ મોઢાનું વિરસપણું મેદ તથા દુર્ગન્ધ મટાડે છે. ગૂગળ૩ – ગૂગળ મધુર હોવાથી વાતને સમાવે છે તૂરો હોવાથી પિત મટાડે છે અને કડવો હોવાથી કફને દૂર કરે છે એમ ગૂગળ ત્રણે દોષને હણનારો છે ઉપરાન્ત ગૂગળ૪ને સ્વચ્છ, કડવો, ગરમ વીર્યવાળો, પિતકરનાર, મળ દૂર કરનાર, તૂરો, તીખો, વિપાકે પણ તીખો, રુક્ષ, ખૂબ જ હલકો, ભાંગેલાને સાંધનાર મૈથુનની શક્તિ વધારનાર, સૂક્ષ્મ, સ્વર માટે સારો, રસાયન રુપ, અગ્નિને પ્રદીપ્ત કરનાર, પિચ્છિલ અને બળ આપનાર હોઈ કફ, વાયુ, વ્રણ ગંડમાળાની જ એક અવસ્થારુપ અપચો રોગ, મેદ, પ્રમેહ, પથરી, વાયુ, સડેલપણુ, (સડો) કોઢ તથા આમવાતને મટાડે છે. તેમજ ફોલ્લીઓ, ગાંઠ, સોજા, અરશ, ગંડમાળ, કરમીયા તથા જંતુને મટાડે છે. કેસર૫ – કેસર તીખું, સ્નિગ્ધ, કડવું, વર્ણને માટે સારુ (અર્થાત્ રંગ સુધારનાર) માથાનું દર્દ, વ્રણ, ઝાડાં, ઊલટી, ખીણ તથા ત્રણેય દોષને મટાડનાર છે. પુષ્ટિકારક સામગ્રી – દૂધ૭ – દૂધ અત્યન્ત મધુર, સ્નિગ્ધ, વાયુને તથા પિતને હરનાર, ઝાડો ઉતારનાર, વીર્યને ઉત્પન્ન કરનાર, ઠંડુ, સર્વ પ્રાણીઓના શરીરને અનુકૂળ, જીવાડનાર, પુષ્ટીકારક, બળ આપનાર, બુદ્ધિને સારી કરનાર, મૈથુનશક્તિને વધારનાર, યુવાનીને સ્થિર રાખનાર, આયુષ્ય વધારનાર ભાંગેલાને સાંધનાર, રસાયનરુપ હોઈ ઓજ (સામર્થ્યને) વધારનાર છે. જીર્ણજવરમાં, માનસિકરોગમાં, શોષમાં, મૂર્છામાં, ભ્રમમાં ગ્રહણીરોગમાં, પાંડુ રોગમાં, દાહમાં, તરસમાં, હૃદયના રોગમાં, શૂળમાં, ઉદાવર્ત નામના રોગમાં ગળામાં, નાભીની નીચેના રોગમાં, અર્શમાં, રક્તપિતમાં, અતિસારમાં, યોનિનાં રોગમાં, શ્રમમાં, ગ્લાનિમાં અને ગર્ભસ્ત્રાવમાં દૂધ કાયમ હિતકારી છે. એમ મુનિઓ એ કહેલ છે. જેઓ બાળક, વૃદ્ધ, ક્ષતિવાળા, ક્ષીણ થયેલા, ભૂખથી દુર્બળ થયેલા કે મૈથુનથી દુર્બળ થયેલા હોય તેઓને દૂધ સર્વકાળ અવિન્ત હિતાકારી કહેલ છે. તેમાં પણ ગાયનું દૂધ રસમાં તથા પાકમાં વિશેષ કરી મધુર, શીતળ, દ્વાવણને વધારનાર, સ્નિગ્ધ, વાયુને પિતને, તથા રુધિર સંબંધી રોગોને અથવા વાતપ્રધાન રક્તપિત્તને ટાળનાર, દોષોને ધાતુઓને, મળને તથા નાડીઓને આદ્ર કરનાર, તથા ગુરુ (ભારે) હોઈ સર્વ કાળસેવન કરનારાઓને ઘડપણને તથા સઘળા રોગોને મટાડનાર છે. દહી – દહીં ગરમ, અગ્નિને પ્રદીપ્ત કરનાર, સ્નિગ્ધ, તુરાશના સંબંધવાળુ, ભારે, પાકમાં ખાટું, ઝાડાને રોકનાર અને પિત્ત, લોહીનો બગાડ રક્તપિત, સોજા, મેદ તથા કફને કરનાર છે. તે મૃત્રકૃરકમાં, સળેકમમાં, ટાઢિયા વિષમજવરમાં, અતિસારમાં અરુચિમાં અને દુર્બળપણા ઉપર દહીં વખણાય છે અને બળને તથા વીર્યને ’વધાર નાર છે. ૯ તેમાં પણ ગાયનાં દૂધનું દહીં અધિક ગુણોવાળું કહ્યું છે. ગાયનું દહીં વિશેષ કરી મધુર, ખાટું, રુચિ આપનાર, પવિત્ર, અગ્નિને પ્રદીપ્ત કરનાર, હૃદયને પ્રિય થાય તેવું, પુષ્ટિ કરનાર, અને વાયુને મટાડનાર છે. સઘળાં દહીમાં ગાયનું દહીં અધિક ગુણોવાળું કહ્યું છે.૧૦. મીષ્ટસામગ્રી – ખાંડ – શર્કરા खण्डं तु मधुरं वृष्यं – चक्सुष्यं बृंहणं हिमम् । અર્થાત્ ખારેક – ખારેક ઠંડી રસમાં તથા પાકમાં મધુર, સ્નિગ્ધ, રુચિ કરનાર, હૃદયને પ્રિય લાગે તેવી, ભારે તૃપ્તિ આપનાર, પુષ્ટિ કરનાર, ઝાડાને રોકનાર, વીર્યને વધારનાર, અને બળ આપનાર હોઈ, ક્ષત, ક્ષય, રક્તપિત્ત, કોઠાનો વાયુ, ઊલટી, વાયુ, કફ, તાવ, અતિસાર, ભૂખ, તરસ, ઉધરસ, શ્વાસ, મદ, મૂર્છા વાતપિત્ત અને મદ્યથી થયેલા રોગોને મટાડનારી છે.૧૨ દ્રાક્ષ૧૩ – દ્રાક્ષ મળને ખસેડનાર, ઠંડી, નેત્રને હિતાકીરી પુષ્ટિ કરનાર, ભારે, પાકમાં તથા રસમાં મધુર, સ્વરને સારો કરનારી, તૂરી, વિષ્ટા તથા મૂત્રની પ્રવૃત્તિ વધારનારી, વીર્યને વધારનાર, કફ તથા રુચિને ઉત્પન્ન કરનાર હોઈ તરસ, તાવ, શ્વાસ, વાયુ, વાતરક્ત રોગ, કમળો, મૂત્રકૃચ્છ, રક્તપિત્ત, મોક્ષ, દાહ, શોષ તથા મદાત્યય નામના રોગને મટાડનાર છે. રોગનાશક સામગ્રી – ગળો – ગળોનું એક સંસ્કૃત નામ અમૃતા૧૪ પણ છે. તે તૂરી કડવી, ઉષ્ણવીર્ય, તીખી, ગ્રાહક, રસાયન બળકર, મધુર, અગ્નિદીપક, લઘુ, હૃદય, અને આયુષ્યપ્રદ છે. તે તાવ, દાહ, તૃષા, રક્તદોષ વાત, ભ્રમ, પાંડુરોગ પ્રમેહ તથા ત્રિદોષ, કમળો, આમ, ઉધરસ, કોઢ, કૃમિ, રક્તાર્શા વાતરક્ત, ખરજ, મેદ, વિસર્પ પિત્ત અને કફનો નાશ કરે છે. યજ્ઞકર્મ દરેક સંસ્કારોમાં સામાન્ય છે. યજ્ઞકાર્યમાં સમિધા તરીકે ઉપયોગમાં લેવામાં આવતાં વૃક્ષોના ઔષધીય ગુણો જોઈએ તો પલાશ૧૫,૧૬ – ખાખરો અગ્નિને પ્રદીપ્ત કરનાર, વીર્યને વધારનાર, ઝાડાને ખસેડનાર, ગરમ, તૂરો, તીખો, કડવો, સ્નિગ્ધ, ભાંગેલું સાંધનાર, અને વ્રણ, ગોળો, ગુદાના રોગ, દોષ ગ્રહણીરોગ, અર્શ તથા કૃમિને મટાડનાર છે. બિલી૧૭ – બિલિનું ફળ કફ, વાયુ આમ તથા શૂળને મટાડનાર છે. નાનું કાચું બિલુ ઝાડાને રોકનાર, અગ્નિને પ્રદીપ્ત કરનાર, પાચક, તીખું, તુરુ, ગરમ, હલકું સ્નિગ્ધ અને કડવું હોઈ વાયુ તથા કફને મટાડે છે. ઉંબરો – ઉદુમ્બર, જંતુકૂલ, યજ્ઞાંગ, અને હેમદુગ્ધક એ ઉંબરાના સંસ્કૃત નામો છે તે ઠંડો, રુક્ષ, ભારે, મધુર, તૂરો વર્ણને સારો કરનાર, વ્રણને સાફકરનાર રુઝવનાર અને પિત્ત કફ તથા લોહીના બગાડને મટાડનાર છે. - કુશ, દર્ભ૧૮ ઘણી વિધિઓમાં વાપરવામાં આવે છે. તે બ્રહ્મકર્મમાં પ્રસિદ્ધ છે. તે શીતળ, રુચિકર, તૂરો સ્નિગ્ધ, શુક્રવૃદ્ધિકારક તથા રજસ શોધક છે તે કફ, રક્તપિત્ત, પિત્ત, દમ તૃષા, મૂત્રકૃચ્છ, બસ્તિશૂળ, કમળો, પ્રદર, દોષ, વિસર્પ ઊલટી, મૂર્છા તથા અશ્મરીનો નાશ કરે છે. ડાંગર – ને પણ ત્રિદોષ નાશક અને ગુણોથી ભરપુર કહી છે. ઉપરોક્ત સામગ્રીના આયુર્વેદ મતાનુસાર લક્ષણો જોતા જણાય છે કે વૈદિક કર્મકાણ્ડમાં અગ્ન્ધાન માટે વપરાતાં કપૂરથી માંડીને યજ્ઞ સમાપ્તિમાં અપાતી સ્વીષ્ટકૃત આહુતિમાં વપરાતી શર્કરા સુધીના દરેક દ્રવ્યો અનેક ઔષધીય ગુણોથી યુક્ત છે. જેમાં બાળકના જાત કર્મ સંસ્કાર થી જ તેના માથા પર ઘી વાળુ કપડતું રાખવાનો નિર્દેશ છે જેનાથી તેનું તાલુસ્થાન મજબૂત બને છે. ઉપરાન્ત ગળથૂથી વખતે ઘી તથા મધ ચટાડવાનો પણ નિર્દેશ છે. આપણે આગળ જોયું તેમ ઘી બુદ્ધિ વર્ધક છે. સ્મૃતિ, મેઘા, બલ, આયુષ્ય અને શુક્ર વધારનાર છે. સાથે – સાથે મધ પણ ઉત્તમ ઔષધિ છે જેના દ્વારા પણ કફ, પિત, મેદનો નાશ થાય છે. આંખો માટે ઉપકારી છે. તે શ્વાસ, ખાંસી, અતિસાર, ઉલટી તૃષા, કૃમિ વિષ વગેરે દોષોને પણ શાન્ત કરનારું છે. ઉપરાન્ત ઘી તથા મધ સુવર્ણશલાકાથી બાળકને ચટાડવાનો નિર્દેશ સંસ્કાર વિધિમાં થયેલો છે. સુવર્ણ પણ સ્વાસ્થ્ય માટે આયુર્વેદમાં ઉત્તમ મનાયું છે. ગર્ભાધાન સંસ્કાર પૂર્વે પણ ઉત્તમ સંતાનની પ્રાપ્તિ માટે વર-વધુએ ઉત્તમ આહારની સાથે – સાથે બલ – બુદ્ધિ વધારનારી જટામાંસી, કપૂર, સિલાજિત વગેરેનો નિર્દેશ મળે છે. પુંસવન સંસ્કારમાં પણ વટવૃક્ષની ડાળી કે તેના પાનને જમણા નાકેથી સુંઘાડવાનો નિર્દેશ છે. ત્યારબાદ બ્રાહ્મી અથવા ગળોનું સેવન કરવાનો નિર્દેશ છે. વડના ગુણો જણાવતાં વૈદિક નિઘટુંકારે નોંધ્યું છે. वटः शीतो गुरुग्राही कफ पित्तव्रणापहः । અર્થાત્ વડ ઠંડો ભારે ઝાડાને રોકનાર વર્ણને સારો કરનાર કફ, પિત્ત વ્રણ, રતવા દાહ તથા યોનિદોષને મટાડે છે. ઉપરાન્ત વડના જે જે સંસ્કૃત નામો પંડિત ભાવ મિશ્રે બતાવ્યા છે वटो रक्तफलः शृङ्गो न्यग्रोधः स्कन्धजो ध्रुवः । વટ, રક્તફળ, શૃંગી, ન્યુગ્રોધ, સ્કન્ધજ, ધ્રુવ, ક્ષીરી, વૈશ્રવણાવાસ, બહુપાદ, અને વનસ્પતિ એ વડના સંસ્કૃત નામો છે. (૧) वटती वेष्टयति भूप्रदेशं व्योमप्रदेशं कफपित्त व्रणार्दीं(वट-वेष्टने) જે જમીનના તથા આકાશના અમુક પ્રદેશને વીંટી લે છે તેમ જ કફ, પિત્ત વ્રણ વગેરે રોગોને પણ ઘેરી લઈ મટાડે છે. (૨) रक्तं फलं यस्य सः જેનું ફળ લાલ રંગનું થાય છે તે (૩) न्यग् रुणद्धि (रुधिर आवरणे – कर्मण्य़न् )જે નીચેના પ્રદેશને પણ રોકે છે તેથી ન્યુગ્રોધ – વડ. (૪) श्रृंगम् अस्य अस्ति इति શૃંગી.. (૫) स्कन्द्यात् जायते જે ઘડમાંથી ઉત્પન્ન થાય છે. (૬) ध्रृवति – स्थिरीभवति दीर्धकालं (ध्रुस्थैर्य) જે લાંબો કાળ સ્થિર રહે છે ટકે છે તેથી ધ્રુવ (૭) शीरम् ક્ષીર હોય છે તે ક્ષીરી (૮) वैश्रवणस्य – यक्पते : कुबेरस्य आवास : यस्मिन् – वैश्रवणावास । (૯) बहव: पादा : – मूलानि यस्य स : જેને ઘણાં મૂળિયા હોય છે તેથી બહુપાદ વડ (૧૦) वनस्पति : જેને ફૂલ વિના કૂળ આવે છે તેથી (વનસ્પતિ) તેવું વૃક્ષ ઉપરના અર્થો માંથી કેટલાક અર્થો ગર્ભસુરક્ષા સાથે ઘટાવી શકાય તેમ છે. જેમકે ધ્રુવ ઉપરાન્ત તેના ગુણોમાં પણ તે योनिदोषहृत् કહેવાયો છે કદાચ આ કારણોને લીને પણ પુંસવન સંસ્કારમાં વટવૃક્ષની દાંડીના પ્રયોગનો નિર્દેશ હોય. ઉપરાન્ત ગર્ભાધાન સંસ્કાર પહેલા સફેદ ભોરીંગણીના ચૂર્ણના સેવનનો ઉલ્લેખ છે તેનું કારણ ભોરીંગણીના ગુણોમાં જ તે રુચિકર, તીખી, ઉષ્ણ, નેત્રને હિતકર અગ્નિદીપક તથા ગર્ભસ્થાપક ગણી છે. વિવાહ સંસ્કારમાં નિર્દેશેલું મીંઢળ પણ ઔષધીય ગુણોથી ભરપુર છે. તેને मदनो मधुरस्तिकतो वीर्योष्ण लेखनोलघु: । અર્થાત મીંઢળ મધુર છે. કડવું છે ઉણવીર્ય છે, મળોને ખોતરનાર છે, હલકું છે ઉલટી કરનારનાર છે, વિદ્રાધિ નામના અંદરના ગૂમડાને મટાડનાર છે રુક્ષ છે અને સળેખમ વ્રણ, કાઢ, કફ, આફરો સોઝા અને ગોળો મટાડનાર છે. તેના સંસ્કૃત નામો. मदनच्छर्दनः पिण्डीनटः पिण्डीतकस्तथा । મદન૧૯, છર્દન૨૦, પિંડીનર, પિંડીતક, કરહાઢ૨૧, મરુબક૨૨, શલ્પક, વિષપુષ્પક એટલા મીંઢળના નામો છે. ઉપસંહાર આમ, આપણાં ૧૬ સંસ્કારો સાથે જોડાયેલી દરેક વાત વૈજ્ઞાનિક છે. તેમાં વપરાતી દરેક સામગ્રી ઔષધીય ગુણોથી ભરપૂર છે. – અથવા યજ્ઞોપવિત વગેરેમાં ત્રણ સૂત્રનો નિર્દેશ છે તે પણ ઋષિઋણ, પિતૃઋણ તથા દેવઋણને સતત યાદ રાખવા તથા બ્રહ્મચર્ચાશ્રમ ગૃહસ્થાશ્રમ તથા વાનપ્રસ્થાશ્રમ દ્વારા ક્રમશ તેમાંથી મુક્ત થવાનું છે. તે વાતનાં સ્મરણ માટે ત્રણ સૂત્ર ધારણ કરવાનો નિર્દેશ છે. વૈદિક કર્મકાણ્ડમાં જે કંઈ પણ વિધિ – કે સામગ્રીનો ઉપયોગ છે તેમાં દરેક માં કંઈક રહસ્ય પડેલું છે. ચોક્કસ તથા બુદ્ધિપૂર્વક આપણા ઋષિમુનિઓએ જે – તે વસ્તુનો તેમાં વિનિયોગ કર્યો છે. તે જાણ્યા પછી મનમાં ફરી – ફરીને મહર્ષિ દયાનન્દે આપેલું સૂત્ર વેદ તરફ પાછ વળો ગૂંજ્યા જ કરે. પાદટીપ-
***************************************************
ર્ડા. કિન્નરી પંચોલી |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |