ટૂંકી વાર્તા ‘ટેસ્ટ ટ્યુબ બેબી’માં હાઈબ્રિડિટી હાઈબ્રિડિટી એટલે...  એકેડમીક સ્ટાફ કોલેજ,સ.પ યુનિ.,વલ્લભ વિદ્યાનગર ખાતેના રિફ્રેશર પ્રોગ્રામ દરમિયાન “હાઈબ્રિડિટી ઇન પોએટ્રી” વિષયક વ્યાખ્યાનમાંથી હાઈબ્રિડિટી વિશે જાણકારી પ્રાપ્ત થઈ.”કમ્પેરેટિવ લિટરેચર” નામક આ રિફ્રેશર પ્રોગ્રામમાં તુલનાત્મક સાહિત્યના દ્રષ્ટિકોણથી વિવિધ પસાઓની ચર્ચા થયેલી,તેમાં હાઈબ્રિડિટી અંગે પણ રસપ્રદ વાતો થયેલી. હાઈબ્રિડિટી એટલે Blend Of Two Culture or tradition….બે સંસ્કૃતિ અથવા પરંપરાનું મિશ્રણ.સાહિત્યમાં હાઈબ્રિડિટીની વાત થાય છે ત્યારે સાહિત્ય સાથે સાથે સ્થાપત્ય,શિલ્પ,સંગીત અને ચિત્ર જેવી કળાઓમાં પણ હાઈબ્રિડિટી જોઈ શકાય છે.આ હાઈબ્રિડિટી સંજ્ઞા વિષે મહત્વની ચર્ચા કરનારાઓમાં ડો.હોમી ભાભા,નેસ્ટર ગર્સિયા કેંસ્લિની(,Néstor García Canclini)સ્ટુઅર્ટ હૉલ,( Stuart Hall),ગાયત્રી સ્પીવાક( Gayatri Spivak,) પોલ ગિલોરી ( Paul Gilroy)જેવા નામો મુખ્ય છે.ડો.હોમી ભાભાનું “the location of culter” નામક લખાણ હાઈબ્રિડિટીના સંદર્ભે મહત્વનુ ગણાય છે.સરળ અર્થમાં સમજવું હોય તો એક કૃતિમાં એક કરતાં વધારે સંદર્ભો ફલિત થતાં હોય તો આપણે એ કૃતિને હાઈબ્રિડિટીના લક્ષણો ધરાવતી કૃતિ કહી શકીએ.તુલનાત્મક સાહિત્યના અધ્યયનમાં હાઈબ્રિડિટીનો પણ વિશેષ અભ્યાસ આવકાર્ય છે.સાહિત્યકૃતિમાં એક વિચારધારા-Idiologyને બદલે અનેક Idiology પ્રગટ થતી જોઈ શકાય છે.અહી ગુજરાતી વાર્તાકાર પ્રવીણ ગઢવીની ટૂંકી વાર્તા ‘ટેસ્ટ ટ્યુબ બેબી’ હાઈબ્રિડિટીના સંદર્ભે ચર્ચવી છે. કથાવસ્તુ ઉપર એક નજર...  વર્તમાનમાં સુખદ જીવન જીવી રહેલા અસીમ-રીમા આ વાર્તાના મુખ્ય પાત્રો છે.અસીમ અને રીમા ઇન્ટરનેટના માધ્યમથી પરિચયમાં આવીને પરણી જાય છે.લગ્ન પછીની સુખદ ક્ષણોનું પણ અહી વાર્તાકારે આલેખન કર્યું છે.પરંતુ રીમા ગર્ભ ધારણ કરી શકતી નથી.ભૂતકાળમાં રીમાને સુભાષ નામના યુવક જોડે પ્રેમ હતો-સિવિલ મેરેજ પણ કર્યા હતા,પણ સુભાષ ચમાર જાતિનો હોવાને લીધે રીમાના બ્રાહ્મણ માતા-પિતાએ બળજબરીથી રીમા-સુભાષને છૂટા પાડ્યા હતાં.રીમાના ગર્ભમાં સુભાષનું બાળક હતું પણ રીમાની મમ્મીએ બળજબરીથી રીમા પાસે એબોર્શન કરાવડાવ્યું હતું.પોતે સુભાષના બાળકની હત્યારી હોવાના ભાવ સાથેનો ભૂતકાળનો ભાર રીમાને પીડે છે.અને આ ભાર-Guiltને લીધે જ કદાચ તે વર્તમાનમાં ગર્ભ ધારણ કરી શકતી નથી અને વિચારે છે-“ડેડીએ સુભાષથી વિચ્છેદ ન કરાવ્યો હોત તો અત્યારે તો એ બાર વર્ષના બાળકની મમ્મી બની ગઈ હોત.”(શબ્દસૃષ્ટિ-દલિત સાહિત્ય વિશેષાંક,પ્રવીણ ગઢવીની વાર્તા,ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર,નવેમ્બર-૨૦૦૩,પૃ.૫૮) આધુનિક જીનેટીક સાયંસની ટેક્નોલોજી દ્વારા પુરુષના શુક્રાણુ તથા સ્ત્રીના ઈંડા-સ્ત્રીબીજનું મિલન કરાવીને સિરિંજ દ્વારા રીમાના ગર્ભાશયમાં સ્થાપવામાં આવે છે અને એ રીતે ટેસ્ટ ટ્યુબ બેબીના પ્રયોગ દ્વારા ગર્ભાધાનની શક્યતા માટે પ્રયાસ કરવામાં આવે છે.દવા અને ઈંજેકસનથી રીમાનું સ્વાસ્થ્ય બગડતું રહે છે અને આ ટેસ્ટ ટ્યુબ બેબીનો પ્રયોગ નિષ્ફળ જાય છે.ત્યાર બાદ ડોક્ટરોના મતે એકજ રસ્તો બચે છે-‘સરોગેટ મધર’નો. પશ્ચિમના દેશોમાં સહજ સ્વીકારાયેલ આ પ્રયોગના પગરણ હજુ ભારતમાં પૂરેપૂરા થયાં નથી ત્યારે ભારતમાં પોતાનું ગર્ભાશય ભાડે આપવા કોણ તૈયાર થાય?એ પ્રશ્ન પેચીદો હતો.પણ એક બહેન એક લાખ રૂપિયામાં પોતાનું ગર્ભાશય ભાડે આપવા તૈયાર થાય છે એટલે અસીમ-રીમાને એક આશા બંધાય છે.અહી પણ અસીમના શુક્રાણુ અને રીમાના સ્ત્રીબીજનું મિલન કરાવીને બીજી સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપવાનું હતું.તે સ્ત્રી નવ મહિના સુધી આ ગર્ભને સાચવે અને પ્રસૂતિ કરાવી આપે અને એ રીતે અસીમ-રીમા પોતાના બાળકના માબાપ બને એમ છે.પણ અસીમની મમ્મી પૂછે છે-“એ કઈ નાતના છે?જેવી તેવી હલકી નાત ના ચાલે.છોકરું કુસંસ્કારી થાય.”(એજન-પૃ.૫૯)અને અસીમ-રીમાનું સ્વપ્ન ભસ્મીભૂત થાય છે. (અ) નારીવાદ...          અહી વાર્તાનું મુખ્ય પાત્ર રીમા આજના આધુનિક યુગમાં પણ પોતાની પસંદગીના સાથી સુભાષ સાથે સિવિલ મેરેજ કરેલા હોવા છતાં પરણી શકતી નથી.માતાપિતાના જુનવાણી વિચારો સામે તેણીએ ઝુકવું પડે છે અને પોતાના ગર્ભમાં રહેલા અસીમના બાળકની પણ ભ્રૂણહત્યા –એબોર્શન કરાવવું પડે છે.નારીની લાચારી એ અહી ધ્યાનપાત્ર મુદ્દો છે.ભૂતકાળમાં પોતે મજબૂરીમાં કરવા પડેલા ખોટાં કાર્ય માટે તેને વર્તમાનમાં પસ્તાવો છે પણ તે કશું કરી શકતી નથી અને હવે બાળકની માં પણ બની શકતી નથી.રીમાને ભૂતકાળમાં પણ વેદના મળી હતી અને વર્તમાનમાં પણ આ પાત્ર ભરપૂર દુખ સહન કરી રહ્યું છે.આજે પણ નારીની સ્થિતી બહું સારી નથી. (બ)આધુનિક જીનેટીક સાયંસ ટેક્નોલોજી ...          સંતાન પ્રાપ્તિના સંદર્ભે આધુનિક સમયની વેજ્ઞાનિક પ્રગતિ પણ વાર્તાકારે દર્શાવી છે.પુરુષના શુક્રાણુ અને સ્ત્રીબીજને મિલન કરાવીને સિરિંજ દ્વારા સ્ત્રીના ગર્ભાશયમાં સ્થાપવાનો પ્રયોગ જેને ‘ટેસ્ટ ટ્યુબ બેબી’કહેવાય છે ટીઇવીએ મુદ્દાને સર્જકે કથામાં ગૂંથી લીધો છે.અસીમ-રીમાની બાબતમાં ટેસ્ટ ટ્યુબ બેબીનો આ પ્રયોગ સફળ ન થઈ શકતા જીનેટીક સાયંસની પ્રગતિ સમા ‘સરોગેટ મધર’નો પ્રયોગ અજમાવાય છે.અસીમના શુક્રાણુ-રીમાના સ્ત્રીબીજને સિરિંજ દ્વારા કોઈ બીજી સ્ત્રીના ગર્ભમાં સ્થાપીને નવ મહિના પછી તે સ્ત્રીની પ્રસૂતિ દ્વારા બાળક મેળવવાનો આ પ્રયોગ છે.અહી કોઈ બીજી સ્ત્રી પોતાનું ગર્ભાશય નવ મહિના માટે ભાડે આપે છે,ઇએનએ માટે મોટી રકમ ચૂકવાય છે.આ વાર્તામાં નાયક અસીમ એક લાખ રૂપિયા આપવા તૈયાર થાય છે. (ક) દલિતચેતનાનો સંદર્ભ... બાળક તો જોઈએ છે પણ જે સ્ત્રી પોતાનું ગર્ભાશય ભાડે આપવા તૈયાર થઈ છે એ નિમ્ન જાતિની ન હોવી જોઈએ એવું અસીમની માનું વર્તન આ વાર્તાને દલિત વાર્તા બનાવે છે.ભૂતકાળમાં રીમા સુભાષને પરણી શકી નહીં કારણ કે પોતે બ્રાહ્મણ હોવાને લીધે ચમાર સુભાષને છોડવાનો માબાપનો આગ્રહ અને આદેશ હતો.આમ અહી મુખ્ય પાત્ર રીમાના ભૂતકાળ વર્તમાનની બંને વેદનાઓમાં જાતિગત ભેદભાવની માન્યતા જ મહત્વની ભૂમિકા ભજવે છે.આભડછેટના રાક્ષસી વિચાર સામે જીનેટીક એન્જીનિયરીંગની શું વિસાત?આમ આ વાર્તા દલિતચેતનાની વાર્તા બને છે.આજના આધુનિક સમયમાં પણ આવી જડ માન્યતા કેવી વેદના નોતરે છે તે મુદ્દો અહી નોંધનીય છે. (ડ) ભારતીય પરંપરા અને આધુનિક વિચારધારાનો સંઘર્ષ... મિખાઈલ બાખ્તીન નામના પશ્ચિમી વિવેચકે પોલિફોનિ ટેક્સ્ટની જે વાત કરી છે તેનો સંદર્ભ પણ અહી જોય શકાય છે.અહી ભારતીય પરંપરાગત વિચારો અને આધુનિક વિચારો એ બે વચ્ચે ટકરાવ છે.સાચી વિચારધારા કઈ?પોતાની વિચારધારાને ટકાવી રાખવા માટે સામેની વિચારધારાનો પ્રતિકાર(રેઝિસ્ટન્સ)એ આ વાર્તાનો વિષય છે.અહી મિશેલ ફ્રુકોની સત્તાની વિચારધારા(Concept Of Power)દેખાય છે,જે મુજબ સત્તાની શાખા આખા સમાજમાં વિસ્તરેલી હોય છે.જેમ ઉચ્ચવર્ગ સત્તા અખત્યાર કરે છે તે જ રીતે કચડાયેલ વર્ગો પણ સત્તાની રમતમાં શક્તિનો ઉપયોગ પ્રતિકાર કરવા માટે કરી શકે છે.અહી રીમા-અસીમના પાત્ર થકી વાર્તાકાર દલિતવર્ગની સત્તાશાહી-પ્રતિકારનો પુરસ્કાર કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે એમ વાચકને લાગી શકે.પરંતુ વાર્તાના અંતમાં પ્રતિકારની વિચારધારા દમનની માનસિકતાને વળોટવામાં નિષ્ફળ જાય છે.જે કઈં પોતાને ખોટી માન્યતા લાગે છે તે દૂર કરવાના પ્રયત્નોમાં પાત્રો અસફળ રહે છે.અહી ટેસ્ટ ટ્યુબ બેબી,સરોગેટ મધર એ આધુનિક પશ્ચિમી વિચારધારાના પ્રયોગો છે અને એને અપનાવનારા પાત્રો પણ છે.સાથે સાથે આવા પ્રયોગોમાં મદદરૂપ બનતી વ્યક્તિ નિમ્ન જ્ઞાતિની ન હોવી જોઈએ એવી પરંપરિત ભારતીય વિચારધારા પણ છે.આધુનિક વિચારો સાચા હોવા છતાં ભારતીય રૂઢિગત પરંપરાનો જ વિજય થાય છે.આમ અહી ભારતીય પરંપરા અને આધુનિક વિચારધારાના સંઘર્ષનો મહત્વપૂર્ણ મુદ્દો આ પોલિફોનિક ટેક્સ્ટમાં જોઈ શકાય છે. સમાપન.... ગુજરાતી વાર્તાકાર પ્રવીણ ગઢવીની આ વાર્તા ‘ટેસ્ટ ટ્યુબ બેબી’આજના યુગના ભારતીય સામાજિક માળખાને અને કુંઠિતતાને રજૂ કરે છે.નારીવાદ,આધુનિક ટેક્નોલૉજી,દલિતચેતના અને આધુનિક વિચાર-પરંપરિત વિચારોના સંઘર્ષ જેવા અનેક સંદર્ભો આ વાર્તામાથી પ્રાપ્ત થાય છે.ગુજરાતી અનુ-આધુનિક વાર્તામાં હાઈબ્રિડિટીના સંદર્ભો સવિશેષ જોઈ શકાય છે.આ વાર્તાને દલિત વાર્તા,નારીવાદની વાર્તા,આધુનિક ટેક્નોલૉજીની વાર્તા અને બે સંસ્કૃતિના સંઘર્ષની વાર્તા પણ કહી શકાય. સંદર્ભ-
*************************************************** ડૉ. મનોજ માહ્યાવંશી |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |