પન્નાલાલ પટેલની વાર્તાસૃષ્ટિમાં વ્યક્ત થયેલો નારી સંઘર્ષ
પન્નાલાલ પટેલે ગુજરાતી સાહિત્યક્ષેત્રે સત્તાવીસ વાર્તાસંગ્રહ આપ્યા છે. વૈવિધ્યસભર કથાતંતુને વેગ આપવા માટે તેમને ગ્રામ્ય તથા શહેરીકરણની જુદી જુદી પરિસ્થિતિઓનું પ્રતિનિધિત્વ કરતા નારી પાત્રો સર્જયા છે. સ્ત્રી અસ્મિતાનો પ્રશ્ન એ કોઈ દેશ, સંપ્રદાય, ધર્મ, સમાજ કે વિશેષ યુગ સાથેનો નહિ, પરંતુ સર્વકાલીન અને સંવેદનશીલ પ્રશ્ન છે. માનનીય સંબંધની ગૂંચમાં ઉકેલતા નારી પાત્રોનો સંઘર્ષ યથાર્થરૂપે પન્નાલાલની વાર્તાસુષ્ટિમાં રજૂ થયો છે. પુરુષપાત્રો કરતા નારીપાત્રો ટેકીલાં, તેજસ્વી, મજબૂત મનોબળ ધરાવનારા છે.
’વાત્રકના કાંઠે’ની નાયિકા નવલ છે. બે પતિમાંથી એકની પસંદગીમાં નવલના હૃદયના ભાવસંચાર લેખકે યથાર્થરૂપે આલેખ્યા છે. નદીના બે કાંઠામાંથી કયો વધુ વાલો હોય? સૂચકરૂપે પ્રથમ પતિ છોડીને ગયો અને બીજો જન્મટીપની સજામાંથી બચવા નાસતો ફરે છે. છેવટે બન્ને પતિઓની એકમેકની સ્પર્ધામાં નવલનું મનોમંથન નારીહૃદયની ભાવનાને સહજતાથી રજૂ કરે છે.
‘પરંતુ નવલને વાત્રકને એના ડાબા-જમણા કાંઠા માટે પક્ષપાત હોય તો આ બે માંથી એકના ઉપર હોય ! અંતે તો –ડાબી ફૂટે તોય ને જમણી ફૂટે તોય, આંખ તો પોતાની જ હતી ને !’ (પૃ નં-૨૮ પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ )
લાગણીની જડતા નવલના મનમાં સનાતન ત્રિકોણની પરિસ્થિતિ સર્જે ત્યારે અપરાધ બોધ સવિશેષ વ્યક્ત થાય છે. શ્રી ભોળાભાઈ પટેલ નોંધે છે, ‘એક નારી, જે પોતાની પત્ની છે, જે એક બીજાની પણ પત્ની છે, તેના હૃદયના સિંહાસન પર પોતાના કરતાં કોઈ બીજાને બેસવાનો અધિકાર તે નારી પોતે આપે છે.’ (પૃ નં-૬૫ પન્નાલાલનું પ્રદાન )
સ્વાભિમાની સ્ત્રીનું ચરિત્ર-ચિત્રણ “ઓરતાં”ની નાયિકા પાનુમાં જોવા મળે છે. સામાજિક બંધનો સામે બંડ પોકારતાં પાનુનાં મનોવ્યાપારના પ્રત્યાધાતો દ્વારા સ્ત્રીના ભીતરભાવને વ્યક્ત કરવામાં લેખક પાત્રતા દાખવી છે. પોલા પાસેથી માર ખાઈને આઠ મહિનાથી પિયરની વાટ પકડી છે. પાનુનો જાત સાથેનો સંવાદમાં સ્પષ્ટ રીતે ‘મને દેહની ભૂખ નથી, આત્માની-પ્રેમની આકાંક્ષા છે.’માં સમાધાન ન કરવાથી સ્ત્રીના માનસિક પરિસ્થિતિ તથા આંતરમનનાં ડૂસકાં સમગ્ર વાર્તામાં ફેલાઈ ગયાં છે. જેમકે, “શું? થઇ ગયું? વાણિયા-બામણામાં ઘણાંય બાળરંડાપો ગાળે છે?” (પૃ નં-૭૯ પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ )
“ધરતી આભનાં છેટા”માં ગ્રામ્યનારી શાહુકારોના શોષણનો ભોગ બનનાર ઝૂમી નાયિકા છે. ઝૂમી વાણિયા-શેઠના ‘વાસનાનું હથિયાર ન બની ત્યારે પતિ દ્વારા શોષણનો ભોગ બને છે. પતિને છોડીને સ્વમાનભેર જાતનું રક્ષણ કરવા માટે જીવતી સ્ત્રીઓ પ્રત્યે પુરૂષો પાત્રની લોલુપતા વ્યક્ત થાય છે. “પોતાનો પ્રેમ જ્યાં એક વાર ઢોળાયો હતો ત્યાં પોતાની કર્તવ્યબુદ્ધિ ઢોળવાનું ઝૂમીએ સ્વીકાર્યું તે પછી એણે તરછોડનાર પતિનું ફરી ઘર માંડવાની વાત ન સ્વીકારી. જે વાટે લૂંટાઈ તે વાટે પાછી ન ફરી.”(પૃ નં-૭૯ પન્નાલાલની શ્રેષ્ઠ વાર્તાઓ )
‘સાચાં સમણાં’ વાર્તામાં રતન નાયિકા પ્રસુતિના સમયે દૂરની બહેન મણીને ઘરમાં પ્રવેશ આપે છે, પરંતુ પતિ મથુરના જીવનમાં વાસનાની અતૃપ્ત જ્વાળામુખી ભભૂકી ઉઠે છે. બે સ્ત્રી વચ્ચેનો આંતરસંઘર્ષ મુખ્ય બને છે. રતન ઘરરખ્ખુ અને વ્યવહાર કુશળ છે. તેથી પતિને મોકળાશનો માર્ગ આપી અધપતનનાં રસ્તેથી પાછો લાવે છે. રતનની વ્યાકુળતાને પન્નાલાલે સહજ શબ્દોમાં અભિવ્યકત કરી છે.
‘મનહર’માં દામ્પત્યજીવનમાં સ્ત્રીની ભૂમિકા સમર્પણ હોઈ શકે તેવી અપેક્ષા સાથે નારીના પાત્રનું ચિત્રણ કર્યું છે. યુવાનીમાં જ નાયિકા કંકુ વિધવા બને છે ત્યારે પુરુષોના પ્રલોભનોની શરૂઆત થાય છે. “કંકુને આજુબાજુના સગાંઓએ કોઈ આબરુદારનું ઘર માંડવા કહ્યું, પણ કંકુ ન માની. વિધુરોએ –અરે એક પત્ની હયાત હોવા છતાં ઘણાંય જુવાનોએ કંકુને સોને મઠી દેવાનાં, તો ઘરની રાણી કરી સ્થાપવાના –એમ અનેક પ્રલોભનો દેખાડ્યા, પણ તે એકની બે ના થઈ તે ના જ થઈ.” (પૃ નં- ૮૩ વા.કાં )
‘ જીવનસાથી’ની ૧૭ વર્ષની નાયિકાના લગ્ન ૪૫ વર્ષના પુરૂષ સાથે થાય ત્યારે એ સ્ત્રીની માનસિક સ્થિતિ કેવી હોય છે, તો સામે પક્ષે વયસ્ક પુરૂષ અસલામતી અનુભવે છે, એટલે લગ્ન બાદ ૧૧ વર્ષ સુધી પિયરમાં જવા દેતો નથી. સ્ત્રીની મનોવેદના એના શબ્દોમાં વ્યક્ત થતી સાંભળો .. “શરીર ભલે મળ્યા બાકી અમારા મન તો હજુય મળ્યા નથી, મળેય કેમ કરી ને, ન મળે સાહેબ ?.... બાકી દાડે રસોયણ છું ને રાતે વધુ કૈં લખતી નથી. ”(પૃ નં- ૯૨ વા.કાં )
‘ચાડી’ વાર્તામાં મંગુમાં પોતાના દીકરાનો ઘરસંસાર જોવાની આકાંક્ષાઓમાં તમામ આભૂષણો, થાપણો વેચે છે, પરંતુ દીકરો માને છોડી શહેરમાં સ્થિર થાય ત્યારે માની આંતરવ્યથા માઝા મૂકે છે. માના મનમાંથી આક્રોશ ચિત્કારી બહાર નીકળે છે.
નામર્દ પતિની પત્ની ‘અવલ’ મા ન બની એમાં સ્ત્રીની અધૂરપ સામે સમાજ સવાલ ઉઠાવવામાં આવ્યો છે. પત્ની સચ્ચાઈ રજૂ કરે છે, તો સાસુ-સસરા ,બે જેઠ-જેઠાણીના ત્રાસનો ભોગ બને છે. આ બધાંથી છુટકારો મેળવવા માટે અવલ જુઠનો સહારો લે છે. માતૃત્વ ધારણ કરવાના નાટકનો ભાંડો ફૂટી જતાં ઘરમાં મોટું મહાભારત સર્જાય છે. માર મારતા પતિના શબ્દો- “ચામડી ન ચીરાઈ જાય તો કોઈ શું જાણે કે મરદના હાથ અડ્યા’તા ! (પૃ નં- ૧૨૬ વા.કાં )
છેવટે અવલ મોતના શરણે જવાનું નક્કી કરે છે. એના અંતિમ શબ્દો ‘ હું દીકરો લેવા જાઉં છું.’ સમગ્ર ભારતીય સમાજ પર પ્રહાર કરે છે. માતૃત્વની ઝંખનાને આત્મસાત કરતી પન્નાલાલની ‘બલા’ વાર્તા પણ સુંદર છે
આ અભ્યાસલેખમાં નિરૂપાયેલાં નારી પાત્રોમાં મક્કમ મનોબળ જોવા મળે છે. ગ્રામ્યસમાજની પરંપરામાં એકેય નારીએ પોતાની વ્યકિતત્વતાને ગુમાવી નથી. એની સાથેસાથે આંતરસંઘર્ષના સમયે પણ એ પોતાની અનોખી છાપ છોડતી જાય છે. સમાજના બંધનોને ઠુકરાવતી અવલ છેલ્લા શ્વાસ સુધી બંડ પોકારે છે, તો રતન રોદણાં રડવાનાં બદલે પોતાની ભૂલનો સ્વીકાર કરતી બતાવી છે. આવી અનેક નારીપાત્રોની સંઘર્ષકથા પન્નાલાલ પટેલની વાર્તાસૃષ્ટિમાં રજૂ થઇ છે.
***************************************************
ડૉ.નાઝીમા શેખ
એસ.બી.મહિલા કૉલેજ,
હિંમતનગર.
|