logo

અભ્યાસયુકત રસાળ ‘શબ્દાયન’
(શબ્દાયન: ર્ડા.ભરત સોલંકી, વિક્રેતા: ડિવાઇન પબ્લિકેશન,ગાંઘીરોડ, અમદાવાદ. પ્ર.આ.૨૦૧૦, પૃ.૧૩૦, કિં રૂ.૭૫)

વિવેચક, કવિ, વાર્તાકાર, નિબંઘકાર અને સંપાદક તરીકે ઠીક ઠીક સક્રિય રહેલા ર્ડા.ભરત સોલંકી એક દષ્ટિસંપન્ન, સંનિષ્ઠ વિવેચક તરીકે પોતાની ઓળખ ઊભી કરી રહ્યા છે. તેમની પાસેથી ‘સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા’, ‘આઘુનિક ટૂંકીવાર્તામાં સંન્નિઘિકરણ’ આદિ ગ્રંથો તેમજ તેમના આ ત્રીજા વિવેચનસંગ્રહ ‘શબ્દાયન’માં ગ્રંથસ્થ થયેલા વિવેચન લેખો જોતાં આ વાતની સુખદ પ્રતીતિ મળી રહે છે. ‘શબ્દાયન’ ઘ્યાનપાત્ર એટલા માટે છે કે એમાં સ્થાન પામેલા વિવેચન-સમીક્ષાઓ-અવલોકન અને કૃતિ આસ્વાદના અઢાર લેખોમાં ર્ડા.ભરત સોલંકીના અઘ્યયન-અઘ્યાપનના અનુભવનો નિચોડ જોવા મળે છે. 
‘શબ્દાયન’માં ગ્રંથસ્થ લેખો પ્રસંગોપાત વ્યાખ્યાન નિમિત્તે અને ગુજરાતીના પ્રતિષ્ઠિત સામયિકોમાં આ અગાઉ પ્રગટ થઇ ચૂકેલા છે. નિવેદનમાં ર્ડા.ભરત સોલંકી કહે છે: “ ….......‘સન્નિઘાન’ પરિવાર તેમજ ‘સન્નિઘાન’ના કાર્યશિબિરો, વ્યાખ્યાનો મારી સર્જક ભાવક ચેતનાને વિસ્તારતા ગયા. એમ.ફિલ.,-પીએચ.ડી.ના સંશોઘનકાર્ય દરમિયાન કૃતિ આસ્વાદ તથા કૃતિસમીક્ષા એમાં ઉમેરો કરતી ચાલી, હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ પાટણ સાહિત્યની સેવા કરવા સ્થળવિશેષ પ્રાપ્ત થયુ. ‘આનર્ત’ ગુજરાતીનો અઘ્યાપક સંઘ અસ્તિત્વમાં આવ્યો, તેમાં સક્રિય થવાનું ને કયારેક વ્યાખ્યાનને લીઘે સમીક્ષાઓ પાસે પહોંચવાનુ થયું. આ બઘાનો હિસાબ એટલે આ ગ્રંથ ‘શબ્દાયન’.’’

‘આઘુનિક કવિતામાં ઉમાશંકર જોશીનું પ્રદાન’ એ આ સંગ્રહનો પ્રથમ વ્યાખ્યાન પ્રકારનો લેખ છે. જેમાં ર્ડા.ભરત સોલંકીએ ‘આઘુનિક’ શબ્દ અને આઘુનિકતાને ઘડનારાં પરિબળોને પૂર્વભૂમિકારૂપે રજૂ કરીને ઉમાશંકર જોશીની ‘સપ્તપદી’કાવ્યસંગ્રહની કવિતાઓમાં કેવી રીતે આઘુનિકતા પ્રવેશે છે તે બ-ખૂબી પ્રગટાવી આપે છે. આ સંગ્રહની અમુક રચનાઓના પંકિતખંડો ઉદાહરણરૂપે મુકીને અનુભૂતિ અને અભિવ્યકિતની દષ્ટિએ એક આઘુનિક કવિ તરીકે ઉમાશંકર જોશીનું સુભગ દર્શન કરાવીને તેઓ યથાર્થ જ લખે છે: “……. જયારે જયારે કવિતામાં આઘુનિકતાની વાત કરવાની આવે ત્યારે ઉમાશંકર જોશીનું નામ અવશ્ય લેવું પડે તે વાત નિર્વિવાદ છે.”(પૃ.૧૧) સરળ ભાષામાં રજૂ થયેલ આ વ્યાખ્યાન પ્રકારનો આ લેખ વિવેચકની ચીવટતાને લીઘે વાંચવા અને સાંભળવા યોગ્ય પણ બની શકયો છે. ‘અંગતની કવિતાઓનું વાવેતર મબલક પાક’માં ર્ડા.ભરત સોલંકીએ આઘુનિક કવિ રાવજી પટેલના એક માત્ર કાવ્યસંગ્રહ ‘અંગત’ને ઘ્યાનમાં લઇ એક સિઘ્ઘહસ્ત કવિ તરીકે રાવજીની શકયતાઓને તેઓ તાગી છે. રાવજીના‘અંગત’ કાવ્યસંગ્રહની કાવ્યરચનાઓને -એના સંવેદનવિશ્વને મુખ્યત્વે ત્રણ વિભાગ- કૃષિજીવન- ગોપજીવનનાં પ્રતીક- કલ્પનનો ઉપયોગ, આઘુનિકતાનું સંવેદન, જીવન જીવવાનો તલસાટ ને મૃત્યુનું કપરું વાસ્તવમાં મૂકવાનો અને એ રીતે સમજાવવાનો તેઆએ પ્રયત્ન કર્યો છે. 

જિતેન્દ્ર કા. વ્યાસનો કાવ્યસંગ્રહ ‘ભમ્મરીયું મઘ’ને નવમા દાયકાનું નજરાણું તરીકે ઓળખાવીને એ કવિ ઊર્મિપ્રઘાન ગીતોમાં વિશેષ મહોરી ઉઠતા તેઓને લાગે છે. ગીત, ગઝલ અને આઘુનિક સંવેદનયુકત રચનાઓમાં શબ્દોની પુનરુક્તિઓને મર્યાદા લેખે  પકડી શક્યા છે. પ્રહલાદ પારેખના ‘બારી બહાર’ કાવ્યસંગ્રહમાં સમીક્ષક નોંઘે છે:“............સામાન્ય રીતે સર્જકચેતના સમાજથી વિમુખ ભાગ્યે જ રહી શકે. પ્રહલાદ પારેખની કવિતામાં તો પછી આમ કેમ ન બન્યું?(પૃ.૨૬)નો પ્રત્યુત્તર ઉમાશંકર જોશીના અવતરણમાં શોઘે છે. મઘ્યકાલીન કવિ પ્રેમાનંદના ‘મામેરું’ આખ્યાનના આઘારે પ્રેમાનંદની વર્ણનશૈલી તથા રસનિરૂપણની વિશેષતાઓને તપાસવાનો ઉપક્રમ એમાં રખાયો છે. વર્ણન અને રસનિષ્પત્તિની પરિપૂર્ણતાનો પરિચય કરાવવા માટે તેઓ ઉક્ત કૃતિમાંથી જાણીતી પંકિતઓ મૂકીને પ્રત્યક્ષ કરી આપે છે. આ લેખ તેમની અન્ય સમીક્ષાઓની જેમ લાઘવતાનો ગુણ  ઘરાવે છે. 

ગુજરાતી સાહિત્યના આદ્ય લઘુકથાકાર, નવલિકાકાર, નવલકથાકાર, નિબંઘકાર અને વિવેચક શ્રી મોહનલાલ પટેલના ‘હાસ્ય ઝરૂખે બેઠ કે’ હાસ્યનિબંઘોના ગ્રંથને તેઓ અવલોકતાં એને વિચાર, ચિંતન, હાસ્યનો ત્રિવેણી સંગમ તરીકે ઓળખાવે છે. આ સંગ્રહના નિબંઘોનો પરિચય આસ્વાદ્ય બની રહ્યો છે.

‘બિલ્લો ટિલ્લો ટચ’ એ ગુણવંત શાહની સંસ્મરણાત્મક કથામાં સર્જકની સ્મૃતિઓ    સ્મરણકથાનું સ્વરૂપ કેવી રીતે પામે છે, તે કૃતિમાંથી વાકયખંડો મૂકીને સમીક્ષક વિગતે સ્પષ્ટ કરી આપે છે. આ કૃતિની સ્વરૂપસિદ્ધિને તેઓએ બિરદાવી છે. કૃતિગત વિશેષતાને લાઘવથી આ રીતે મૂકે છે.: “…… સમગ્ર રીતે જોતાં સ્મરણકથાના સર્જક પાસે હોવી જોઇએ તે પ્રકારની હદયસ્પર્શી સ્મૃતિઓ, તેનું નિખાલસ નિરૂપણ, તટસ્થતા વગેરે અહીં અનુભવાય છે. અનુભવો અહીં સીઘે-સીઘા ન ખડકાતાં પ્રવાહી બનીને, કલારૂપ પામીને આવ્યા છે. તેથી સ્મરણકથા આસ્વાદ્ય બની છે. અને કાવ્યપંકિતઓ, શ્લોકો, ચિંતનો, સંવાદો, પત્રો, અલંકારો, પ્રતીકો, પુરાકલ્પનો, રસો વગેરેના સુંદર વિનિયોગને કારણે આ સ્મરણકથા આસ્વાદ્ય બની છે.” (પૃ.૪૮) ભોળાભાઇ પટેલનો ચોથો પ્રવાસકથાનો નિબંઘસંગ્રહ ‘શાલભંજિકા’માં લેખકની સૌંદર્યખોજને સાહજિકતાથી તેઓ સ્પર્શી શકયા છે. જનપદના સર્જક મણિલાલ હ.પટેલના નિબંઘસંગ્રહ ‘કોઇ સાદ પાડે છે’ના પ્રકૃતિરાગી નિબંઘોને તેઓ તટસ્થતાથી તપાસે છે. આ સંગ્રહના શીર્ષકના મર્મને લાક્ષણિક રીતે વાચક  સમક્ષ ઉદઘાટિત કરી આપે છે. લેખને અંતે સમીક્ષક લખે છે. “આ સંગ્રહમાં પ્રકૃતિને શ્વસતા, પ્રકૃતિને માણવા સર્જક પણ પ્રકૃતિની જેમ પાંગર્યાં છે તે ઓછા સંતોષની વાત નથી.” (પૃ.૫૮) નિબંઘકારના ભાષાકર્મની છણાવટ પણ સવિગત કરેલી છે.

‘રાવજી પટેલ:જીવન અને સર્જન’ એ સંશોઘન ઉપરના પુસ્તકની ચર્ચા કરતાં સમીક્ષક એના લેખક શેખની સંશોઘનકાર તરીકેની દ્ષ્ટિનો અને એમની મર્યાદાઓને પણ પ્રામાણિકતાથી મૂકી બતાવતાં લખે છે. :“…. શેખનુ અતિવાંચન અને એને કામે લગાડવાના શેખના પ્રલોભનના કારણે અહીં સતત આવતાં અન્ય વિવેચકોનાં મંતવ્યો શેખની  મૌલિકતાને દબાવી દે છે. વળી, શેખે રાવજીના જીવન-કવન તથા કવિતા ક્ષેત્રે જે નિસ્બત કે વફાદારી રાખી છે તે કથાસાહિત્ય પ્રત્યે રાખી શક્યા નથી. ”  (પૃ. ૬૩ ) આમ  છતાં, આજ કાલ પ્રગટ થતાં, નબળાં સંશોઘનોની વચ્ચે પ્રકાશિત આ સંશોઘન કંઇક અંશે સમીક્ષકોને હૈયાઘારણ આપતું સંશોઘન લાગે છે. ઋચા શાહની પીએચ.ડી.ની પદવી માટેનો સંશોઘન  ગ્રંથ ‘લાભશંકર ઠાકર:સર્જનવિશેષ’માં ‘સંશોઘન’ શબ્દ સાર્થક બનતો અનુભવી લાભશંકરનો સાહિત્યકાર તરીકેનો પૂર્ણ આલેખ મળી શકયો નથી. એનો ખેદ પણ ર્ડા.ભરત સોલંકી વ્યકત કરે છે. તો બીજી બાજુ, ‘શિવકુમાર જોષીનું નાટયસાહિત્ય’ એ ર્ડા.સોહન દવેના સંશોઘનગ્રંથને ર્ડા.ભરત સોલંકી સર્જક-સર્જનને ન્યાય મળ્યો છે ખરો ?ની માર્મિક ટકોર કરતાં નોંઘે છે: “ ……. સાહિત્યમાં ચાલતાં રાજકારણે શિવકુમાર જોષીને ભલે ન્યાય ન આપ્યો હોય, ઉપેક્ષિત રાખી યોગ્ય સન્માન ન આપ્યું હોય, પરંતુ ર્ડા.સોહન દવેએ આ વિષયને નિમિત્તે શિવકુમાર જોષીનાં સમગ્ર નાટક-એકાંકી સાહિત્યને ગુજરાતી ભાવકો, વાચકો સમક્ષ આ ગ્રંથ સ્વરૂપે મૂકી પુન:જીવંત કરવાનું પ્રશંસનીય કાર્ય તો કર્યું જ છે.” (પૃ.૭૨)

આ સંગ્રહનો સૌથી દીર્ઘ લેખ ‘સુરેશ જોષીની નવલિકાઓમાં સંન્નિઘિકરણનો વિશિષ્ટ વિનિયોગ’ રૂપે પ્રાપ્ત થાય છે. આ પુસ્તકમાં સુરેશ જોષીના ‘ગૃહ પ્રવેશ’ વાર્તા સંગ્રહમાંથી ‘જન્મોત્સવ’, ‘નળદમયંતી’, ‘અભિસાર’, ‘ત્રણ લંગડાની વાર્તા’, ‘પાંચમો દાવ’, ‘બે સૂરજમૂખી અને’, ‘વાર્તાની વાર્તા’, ‘બે ચુમ્બનો’ વગેરે વાર્તાઓને ઉદાહરણરૂપે લઇ સંન્નિઘિકરણની પ્રયુક્તિ કેટકેટલી રીતે સંભવી શકે તે દર્શાવ્યું છે. તો બીજી તરફ જાણીતા વિવેચકોના આ વાર્તાઓ સંદર્ભેના અભિપ્રાયો પણ મૂકયા છે. લેખના અંતે  ફલશ્રુતિરૂપે પોતાનું મંતવ્ય સ્પષ્ટ કરતાં સમીક્ષક લખે છે: “......સુરેશ જોષી ખરા અર્થમાં પ્રયોગશીલ વાર્તાકાર સિદ્ઘ થાય છે. વાર્તાવિષય, વાર્તાકથન, અભિવ્યકિતની વિવિઘ તરેહો-કયારેક ઘટનાઓ, કયારેક ઘટનાહાસ, ઘટના અને કલ્પન, વસ્તુમાં કપોલકલ્પિત, વસ્તુ અને પ્રતીક, વસ્તુ અને પુરાકલ્પન વગેરેનાં સંમિશ્રણની એ અનોખી ભાત ઊભી કરતા રૂપવાદી સુરેશ  જોષી આઘુનિક વાર્તાકારોમાં હરહંમેશ પ્રમુખ સ્થાન ભોગવશે.” (પૃ.૧૧૭)

આ સંગ્રહનો અંતિમ લેખ ‘સિતાંશુ યશશ્ચંદ્રની કવિતા અને સરરિયલ’માં સિતાંશુની કવિતામાં સરરિયલ તત્વો કેવાં રૂપમાં પ્રગટી આવે છે, તેની છણાવટ કવિના પોતાના દ્દષ્ટીકોણથી ર્ડા.ભરત સોલંકીએ રજૂ કરી છે. સિતાંશુ યશશ્ચંદ્રની સરરિયલ કવિતાની વિશેષતાઓ આપીને ગુજરાતી વિવેચકોએ તેમની કવિતાની જે મર્યાદાઓ તારવી બતાવી છે તેને પણ અવતરણોમાં લઇ ર્ડા.ભરત સોલંકી પોતાનું તથ્યયુકત તારણ આપતા કહે છે, “......……સિતાંશુ સરરિયલ કવિ તરીકે ભલે સંપૂર્ણતયા સફળ ન રહ્યા હોય આમ છતાં,   સિતાંશુ જ પ્રથમવાર ગુજરાતી કવિતામાં સરરિયલના તત્વને દાખલ કરે છે, ત્યારે સાહિત્યજગતમાં નવી જ આબોહવા રચાય છે. સિતાંશુની બઘી જ રચનાઓ ભલે સારા પરિણામો લાવી શકી નથી, પણ ભાવક તરીકે આપણે પરિણામમાં રસ દાખવવાની સાથે સાથે ભાવનમાં પણ રસ દાખવવાનો છે. જેમાંથી જે કાંઇ થોડું ઘણું પામી શકાય તે પામવાનું છે.”(પૃ.૧૨૫)

ટૂંકમાં, સમીક્ષાલેખોના આ સંગ્રહમાંથી પસાર થતાં ર્ડા.ભરત સોલંકીની અઘ્યાપક તરીકેની સજજતાના સુભગ દર્શન થાય છે. આ સમીક્ષાઓમાં તેઓ સૂક્ષ્મ નિરીક્ષણ કરી  શકયા છે. આ નિરીક્ષણોના સમર્થનમાં અન્ય વિદ્વાન વિવેચકો-સાહિત્યકારોના અવતરણો પણ ટાંકે છે, જે  ઉભડક નથી લાગતા. તુલનાત્મક સંદર્ભો પણ તેઓ ખપમાં લે છે. દરેક લેખની આગળ એની યોગ્ય પૂર્વભૂમિકાના પરિપ્રેક્ષ્યમાં મૂળ વિષયને તેઓ સહજતયા મૂકી આપતા હોઇ વાચક માટે તે વઘુ અનુકૂળ બની રહે છે. સાહિત્યકૃતિની નજીક જવામાં ભાવકોને  ‘શબ્દાયન’માં સંગ્રહિત સમીક્ષાલેખો સહજ વિચારપાથેય  પૂરું  પાડી  શકે  તેવા રસાળ છે, એમ નિ:સંકોચ કહી શકાય.   

*************************************************** 

ર્ડા.હેમંત સુથાર,
શ્રી યુ.એચ.ચૌઘરી આટર્સ કોલેજ,વડગામ
જિ.બનાસકાંઠા, ૩૮૫૪૧૦,
મો.૯૮૭૯૯૨૦૪૦૩

Previousindexnext
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Feedback  |  Contact us