‘છોળ અને છાલક‘ની એક ‘છાલક’ આપણા ભણી
રણજિતરામ સુવર્ણચન્દ્રકથી સન્માનિત ધીરુબહેનના સાહિત્યિક પ્રદાનથી ગુજરાતી સાહિત્ય અને ભાવક વર્ગ સમૃધ્ધ થતા રહ્યા છે. નવલકથા‚ નવલિકા‚ નાટક અને અન્ય સાહિત્યના પ્રદાન થકી આગવી ભાત પાડતા અને ધીરુબહેનના ગદ્ય સાહિત્ય કરતા પ્રમાણમાં કદાચ ઓછા જાણીતા એવા કાવ્ય સંગ્રહ ‘કિચન પોએમ્સ’ (૨૦૦૫ ) અને ‘છોળ અને છાલક’( ૨૦૧૪) પણ વિષયની દ્રષ્ટિએ નોખી ભાત પાડે છે.જાણે નવુ પ્રભાત. અને એ પ્રભાતના અજવાળે જોઇ શકાય છે કે આજે પહાડ ને પલાળવા એક ઝરણુ પહોંચ્યુ છે. અને આ વહેણની ક્ષમતા એટલે છોળ અને છાલક. પહાડ‚ આ વિશેષણ તો માણસજાત નો પર્યાય લાગે છે. કેમકે એવી જ અકળતા‚ કઠણાઈ છે માણસમાં. હા! માણસાઈ પણ ઝબકે છે ખરી. ધીરુબહેને સમયના સુદીર્ઘ પટ પર વિહરતાં વિહરતાં સંવેદનશીલ હ્રદયે અને અનુભવી આંખે દુનિયાને માણી છે‚ જાણી છે‚ અને નાણી છે. એમણે જોયું છેકે બાહ્ય રીતે અનેક ભૌતિક શોધોથી સભર અને સ્વતંત્ર જીવન જીવતો માણસ મનથી સુખી નથી. જાણતા અજાણતાં લોહીમાં પરાપૂર્વથી વહેતી આવતી વિચારસરણીના બંધનમાં બંધાઈને ક્યારેક હત્યા કે આત્મહત્યા કરી લેતા માનવીના મનમાં અકળ કળણ છે. જોવાને આંખ અને ઉડવાને પાંખ અને સામે આખુંયે આકાશ છતાં‚ ખુલ્લા પાંજરામાં આકાશ સામે તાકીને બેસી રહેલો માનવી કઇ અદીઠ બેડીએ બંધાયેલો છે એ શોધી કાઢી એ બેડી ખોલવાની ચાવી ધીરુબહેને હાથવગી કરી આપી છે. સંસારમાં પશુ પંખીની જેમજ નિર્બધ્ધ જન્મેલ મનુષ્ય માયાની મોહક જાળમાં એવો તો ફસાઈ જાય છે કે જાણે જાળ એ જ જિંદગી. જડ માટીના દેહ સાથે અવતરેલો આત્મા મન માંકડાના તાલે નાચવા માંડે છે. ધીરુબહેને કોચલામાં આંખો મીંચીને પડી રહેલા માનવીના ‘સ્વ- ત્વ ’ અને ‘સત્વ’ ને જગાડવા ક્યાંક છોળ ઉડાડી છે- ક્યાંક છાલક. ‘છોળ અને છાલક’ની વાચકદ્રષ્ટિએ વાત કરું તો ‘છોળ’ શબ્દ ૯૮ જેટલા ગીતો‚ મુક્તકો અને અછાંદસ રચનાનો સમૂહ છે. જ્યારે‚ ‘છાલક’માં ચાર સંગીત નાટક છે. ‘બધાની શોધમાં’ નામના સંગીત નાટકમાં માનવસમૂહે પોતે જ ઉભા કરેલા નાત‚જાત અને રૂઢિના સામાજિક બંધનોમાં બંધાઈને મૂંઝાતા માનવીની પરવશતા વર્ણવી છે. પોતાની ક્ષમતા અને મર્યાદાને ભૂલી જઈ બધાની સલાહ અને સૂચનો ગાંઠે બાંઘી સંસારસાગર તરવા જતા‚ ક્યારેક ડૂબી જતા માણસે ધીરુબહેનને અકળાવ્યા છે. પોતાના આંખ‚ કાન અને મગજ પણ બંધ કરીને બધા શું કહેશે !એમ વિચારીને જ પોતાનું જીવન જીવવા ટેવાયેલા અને પરિણામે પરેશાન થઈ ‚પસ્તાતા માનવીને એ પોતાની જાત સાથે સંવાદ કરવા કહે છે. એને ભાન કરાવે છે કે એ જે સમાજની ઈચ્છા પ્રમાણે કરવા માટે ‘તું’ તારી મરજી મારી નાંખે છે એ ‘બધા’ તમારામાં જ છે. તું પણ ‘બધા’માંનો એક છે. તારાથી જ ‘બધા’ બને છે અને આ બંધનો પણ તારા જ ઉભા કરેલા છે.આ બંધનમાંથી તમે તમારી જાતે જ બહાર નીકળી શકો તેમ છો. જરુર છે માત્ર બંધનને અને એને તોડી શકાય એવી સમજની.એ સમજ કંઈક આ રીતે આપે છે. ‘તમે તમારા જાદુગર પોતાની મરજી પ્રમાણેનું જીવન જીવવાની સલાહ કંઈક આ રીતે આપે છે ‘‘ ન કોઈને કનડવું ન જાતનેય નડવું ‘છાલક’માં ‘ભવની ભવાઈ’ શીર્ષક હેઠળ સમાજના એક એવા વર્ગની વાત કરી છે કે જે પોતાના પરસેવાથી ખોદાયેલા અને આંસુથી છલોછલ ભરાયેલા જળાશયથી એમની પોતાની તૃષા છીપાવી શકતા નથી.આ સમાજના એક પાત્રને રાણી તરફથી પુત્ર પ્રાપ્તિના બદલામાં સોનામહોર મળે છે. તેની ખરાઈ કરવા માટે પ્રતિષ્ઠિત સમાજના લોકોને તે બતાવે છે.દરેક વ્યક્તિ એની સોનામહોર પડાવી લેવા જુદી જુદી યુક્તિ પ્રયુક્તિ અજમાવે છે.અને અંતે પોતાની જ સોનામહોરને કારણે એણે રાજા સામે ગુનેગાર તરીકે હાજર થવું પડે છે અને ત્યારે તક મળતાં એ પોતાની પાસે રહેલી કટાર કાઢી રાજા સામે નાચતાં નાચતાં બતાવે છે અને ગાય છે ‘જેવું તારું માથું એવું મારું માથું ! આવા શોષિત સમાજના માણસે પોતાના માણસ તરીકેના હક પાછા મેળવવા હોય તો રાજા જેવી સર્વ સત્તા- ધીશ વ્યક્તિ સામે પણ લડવું પડેતો લડતા અચકાવું જોઈએ નહીં. વ્યક્તિએ પોતે જ પોતાની ઓળખ પ્રસ્તાપિત કરવી પડે છે.એ વાત અહીં ‘ખળ ખળ વહેતી સઘળું સહેતી નદી’ની નજરે મૂકી આપી છે. સમાજમાં જુદા જુદા સંબંધના બંધને રહેલી સ્ત્રીને ધીરુબહેને સ્ત્રી તરીકે બહુ નજીક થી નિહાળી છે. પોતાની માતા દાદીની ‘ચાલશે -ફાવશે’ની શીખામણોની ગાંઠે એવી તો બંધાયેલી હોય છે કે લગ્નના ચોંત્રીસ વર્ષ પછી પણ ઘરમાં કોઈ રોકનાર કે ટોકનાર ન હોવા છતાં ઘર આખાનું કામ કરીને‚ બધાને જમાડીને પછી પણ સુખેથી જમી શકતી નથી. આમ‚વિના કારણે પોતાને અન્યાય કરતી સ્ત્રીને ધીરુબહેન ઉપદેશે છે. ક્યારે કહેશો – સ્ત્રી પોતે જ્યારે પોતાના ‘સ્વ’ને ઓળખી એની સત્તા જાણતી અને વાપરતી થશે ત્યારે જ બીજા તેને માન આપતા થશે. વયસ્ક સંતાનોથી અવહેલિત માતા પોતાના સાંભળવામાં રૂપાળા લાગતા માતૃત્વના બંધને બંધાયેલી રહીને સંતાન સામે કાર્યવાહી કરીને પોતાનો હક પાછો મેળવવા પ્રયત્ન કરતી નથી. ચૂપચાપ સંતાનના જુલમ સહ્યા કરે છે.અમીર સંતાનોની ગરીબ માતાઓથી છલકાતા વૃધ્ધાશ્રમો એના જીવતા પૂરાવા છે. ધીરુબહેન આવી માતાઓ કે જે સંતાનોથી લાત પામીનેય તેને લાડ આપે છે તેમને ઉપદેશે છે કે- ‘ વયસ્ક સંતાનની માતૃનિર્ભરતા સ્ત્રી ક્યારેય સત્તા માટે નથી લડતી પણ‚ હક માટે તો એણે લડવું જ રહ્યું . જગ જનનીએ પણ પોતાના સંતાનોની રાક્ષસી વૃત્તિને ડામવા ત્રિશૂળનો ઉપયોગ કર્યો જ હતો. સંતાનના સ્નેહના પાટા પોતાના આંસુથી ભીંજવતી માતાને આ પાટા ખોલી નાખી‚ તીવ્ર પ્રકાશમાન ત્રિશૂળથી આ સંબંધના બંધ તોડી નાંખવા સમ- જાવે છે . કવિઓએ કરેલી પ્રશંસાના પૂષ્પો નીચેથી બહાર આવી‚ સુ-માતાનું પાટીયું કાઢી નાંખી એક સ્ત્રી તરીકે -માતા તરીકેની જાજવલ્યમાન પ્રતિમા ઉભી કરવા કહે છે. આજેય બાળકીનું અવતરણ ઓછું આવકાર્ય છે મહાભારતના કાળથી ચાલ્યો આવતો. બાળકને જન્મતાની સાથે જ ત્યજી દેવાનો સિલસિલો‚ આજના ‘મહા’ ભારતથી પણ અજેય છે. સ્ત્રીનેસમાજ તરફથી મળવું જોઈતું સ્થાન અને માન પૂરતા પ્રમાણમાં મળવા બાકી છે.ટી.વી રુપે ઘરેઘરમાં બેઠેલા આતંકવાદીએ જાહેરાતોના જોરે આપણી જીવનશૈલી પર સંસ્કૃતિ પર ઊંડા ઘા કરવા માંડ્યા છે.આધુનિક જીવનશૈલીના મોહમાં તણાતો માનવી કુદરતી દેણ વિસરતો ચાલ્યો છે. ધીરુબહેને દુનિયાના સારા નરસા માણસોને ઓળખી લઈ‚નાના લોકોની મોટાઈ પોંખી લઈ અન્યને કે પોતાની જાતનેય નડ્યા વગર. વત્સલ અને ભીષણ રુપે જગતમાં વિલસતી શક્તિ જેવી જ પોતાની અંદર પડેલી શક્તિને ઓળખી એને બંધન મુક્ત કરી ‘સ્વ’ નું સ્થાપન કરવાની વાત કરી છે.અખા ભગતની જેમ ‘તું તારો ગુરુ થાને ’ની વાત ધીરુબહેને પોતાની શૈલીમા કરી છે. છોળથી જ્યારે હ્રદય પરિપ્લાવિત થશે અને છાલકથી આંખે બંધાયેલા પડળો ખૂલી જશે ત્યારે વયોવૃધ્ધ માતાઓથી ઉભરાતા વૃધ્ધાશ્રમો નહીં હોય. દર ત્રીજા દિવસે પ્રેમમાં પડી આત્મહત્યા કરી લેતા પ્રેમી પંખીડાની લાશોના ફોટા છાપાઓમાં શોધ્યા પણ જડશે નહીં . હા! પરીક્ષામાં નાપાસ થયેલો કોઈ વિદ્યાર્થી આત્મહત્યા નહીં કરે.નવજાત શિશુ કચરાના ટોપલા કે ટ્રેન માંથી મળી નહીં આવે . બધા જ જીવશે સાથે અને સારી રીતે. હા‚ બધા. સંદર્ભ સૂચિ
‘છોળ અને છાલક’ પૃ – ૧૩૮-૧ *************************************************** ડૉ. અર્ચના જી.પંડ્યા |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |