‘હરિહરપ્રસાદ ગુપ્ત રચિત હિન્દી નાટક ‘સુદામા’ : એક સમીક્ષા’
પ્રસ્તાવના :
‘રામાયણ’, ‘મહાભારત’ અને ‘શ્રીમદ્ ભાગવત્’ હિન્દુ સંસ્કૃતિ અને હિન્દુ સાહિત્યના આઘારભૂત સ્રોત ગણાય છે. ‘મહાભારત’ના ‘ભીષ્મપર્વ’માં કૃષ્ણાર્જુન સંવાદરૂપે આલેખાયેલ ‘શ્રીમદ્ ભગવદ્ગીતા’ એક લોકોત્તર ગ્રંથ છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રનો પ્રભાવ પણ ભારતીય સાહિત્યની એકતાનો અત્યંત મહત્ત્વનો આધાર છે. અનેક ભારતીય સર્જકો આ ગ્રંથોમાંથી પ્રેરણા અને વિષયો લેતા રહ્યાં છે. ‘ભાગવત્’નો મુખ્ય વિષય છે કૃષ્ણભક્તિ અને મોક્ષ; જેમાં નીતિ અને આત્મજ્ઞાનની મહત્તા બતાવવા માટે ભાગવતકારે વાર્તાનો આધાર લીધો છે. ઉર્મિ શાહ ‘શ્રીમદ્ ભાગવત્’ અંગે કહે છે કે “વાસ્તવમાં તે વેદરૂપી કલ્પવૃક્ષનું પરિપક્વ ફળ છે.”૧ ‘શ્રીમદ્ ભાગવત્’માં આવતી સુદામાની કથામાં કૃષ્ણ પોતાના પરમ મિત્ર અને પરમ ભક્ત સુદામાને ઈન્દ્રને પણ દુર્લભ એવી સંપત્તિ - વૈભવ આપે છે એ કથા જાણીતી છે. સ્વાધ્યાય પ્રવૃત્તિનાં પ્રણેતા પાંડુરંગ શાસ્ત્રી આઠવલેએ પોતાનાં વક્તવ્યોમાં સુદામાના પાત્ર વિશે અભિપ્રાય આપતાં કહ્યું છે કે “સુદામા એક એવું પાત્ર છે જે સામે પડેલા વૈભવને મેળવવાની શક્તિ હોવા છતાં એ શક્તિનો સમાજના વિકાસ માટે ઉપયોગ કરે છે. કદાચ બ્રાહ્મણોનું આ મહત્ત્વ બતાવવા જ ભાગવતકારે સુદામાની કથા કહી છે.”૨ અખીલ બ્રહ્માંડને ચલાવનાર શક્તિ કૃષ્ણરૂપે અવતરી છે અને એને પણ જેના પગ ધોવાનું મન થાય એવું મહાન પાત્ર એટલે સુદામા. અહીં સુદામાના ચરિત્રને આલેખતા હિન્દી ભાષાસાહિત્યના નાટક ‘સુદામા’ ની ચર્ચા કરવાનો ઉપક્રમ છે. જેની રચના હરિહરપ્રસાદ ગુપ્તે કરી છે. સર્જક પરિચય : હરિહરપ્રસાદ ગુપ્ત (૧૯૧૨)ની ગણના હિન્દી ભાષાસાહિત્યના ગૌણ સર્જક તરીકે કરી શકાય. નીલમ રાઠી દ્વારા લખાયેલ સાઠોત્તર હિન્દી નાટક અંગેના ઈતિહાસના આધારે એમ કહી શકાય કે “હરિહરપ્રસાદ ગુપ્તે સંગ્રહ કરવા યોગ્ય કૃતિઓ ઉપરાંત વિવેચન ક્ષેત્રે સારું કહી શકાય તેવું અર્પણ કર્યું છે. ઉપન્યાસ, નાટક અને કોશની કામગીરી તો કરી જ છે પરંતુ પ્રેરણાત્મક કે ઉપદેશાત્મક પુસ્તકો લખવામાં એમનું ધ્યાન વિશેષ રહ્યું છે. હરિહરપ્રસાદ ગુપ્તે પ્રતિભા, સંરચના, ભકિતયોગ, માનવતાવાદ જેવી વિવિધ દ્રષ્ટિએ વિવેચનમાં સારું કામ કર્યું છે”.૩ તેમ છતાં એમની ગણના હિન્દી સાહિત્યના ગૌણ સર્જકોની શ્રેણીમાં કરવામાં આવતી હોવાથી અભ્યાસીઓનું વિશેષ ધ્યાન એમની કૃતિઓ તરફ ગયું નથી. એમના ‘સુદામા’ નાટકનો અહીં અભ્યાસ અર્થે આધાર લેવામાં આવ્યો છે. હરિહરપ્રસાદ ગુપ્ત રચિત્ હિન્દી નાટક ‘સુદામા’ની સમીક્ષા : હરિહરપ્રસાદ ગુપ્ત રચિત્ હિન્દી નાટક ‘સુદામા’નો રચનાકાળ સ્વાતંત્ર્યોત્તરકાળનો છે. ૨૭ દૃશ્યોમાં આ નાટકની રચના થઈ છે, પણ દૃશ્યોના નામ આપવામાં આવ્યા નથી. ઉપરાંત અહીં ઉપદેશાત્મક અંશોની પ્રધાનતા જોવા મળે છે. બધાં મળીને ૧૮ પાત્રો ધરાવતાં આ નાટકમાં કૃષ્ણ-સુદામા મુખ્ય પાત્રો છે અને બીજાં ગૌણ પાત્રો છે. સુદામાનું ચરિત્ર વાસ્તવની ધરી પર રહીને સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે ઉકેલ શોધતું તથા સતત ચિંતનશીલ બતાવવામાં આવ્યું છે. તે સ્વતંત્ર વિચારો ધરાવે છે અને ક્રમશ: વિકાસ કરતું જણાય છે. ‘ભાગવત્’ની કથાની જેમ તે કૃષ્ણના ભાગના ચણા ખાઈ જતું નથી, પણ નિ:સ્વાર્થી, નિર્લોભી, જ્ઞાની અને ક્રાન્તિકારી વિચારો ધરાવનારું પાત્ર બની રહે છે. તેને અંધશ્રદ્ધા, વહેમો, બલિપ્રથા જેવા દુષણો, જડ ધાર્મિક માન્યતાઓનો વિરોધ કરતો અને સાચા ધર્મની સ્થાપના કરવા મથતો દર્શાવ્યો છે. કૃષ્ણ દ્વારા પોતાની ઝૂંપડીના સ્થાને મહેલ બનાવી દેવાની કૃપાને તે અન્યાયી ગણીને પોતાની જયજયકારને નકારે છે અને ‘ભોગી’ નહી પણ ‘યોગી’ તરીકે ઉપસી આવે છે. લેખકે સુદામાના પાત્રને કૃષ્ણથી ચડિયાતું બતાવવા માટે કૃષ્ણને કંઈક અંશે ઊણું ઉતારવાનો પ્રયાસ કર્યો છે. કૃષ્ણ સુદામાના પગ ધુવે છે તે પ્રસંગ ‘ભાગવત્’માં પણ છે. છતાં આ નાટકમાં સુદામાની વિદાય વખતે કૃષ્ણ સુદામાના પગમાં પડે તેવો પ્રસંગ ઉપજાવી લેખકે કૃષ્ણની ગરિમાને હાનિ પહોંચાડી છે. જો કે કૃષ્ણમાં વિવેક, સેવાપરાયણતા, કૃતજ્ઞતા જેવા ગુણો અવશ્ય ઉપસ્યાં છે. તેમ છતાં દ્વારકાધીશ થયા પછી કૃષ્ણનો વિકાસ અટક્યો છે એમ બતાવવું વાચકને થોડું કઠે છે. કૃષ્ણનું દૈવી પાસું પણ અહીં આલેખાયું નથી. સુદામાના કહેવાથી તે હવે સામાજિક - રાજકીય ક્રાંતિ કરશે અને ગરીબી, ભુખમરો, શોષણ, અસમાનતા હટાવવા પ્રયત્ન કરશે એમ બતાવવામાં આવ્યું છે. કર્તવ્યપરાયણ હોવા છતાં કૃષ્ણ રાજા બન્યા પછી એમનો વિકાસ અટક્યો છે એમ આલેખાયું છે. સુદામાની પત્ની સુશીલા સુદામાને આળસુ, જડ અને ગૃહસ્થજીવનને માટે અયોગ્ય ગણાવે છે. પોતાની દરિદ્રતાથી તે ચિંતીત છે અને બ્રાહ્મણ કુળમાં જન્મીને કોઈ સુખ ન મળ્યું તેવી દલીલ કરે છે. જો કે તેની વેદના સંકુચિત નથી પણ અનેક વિષયો પર સંવાદ કરી શકે છે તેથી એ જ્ઞાની પણ છે. સુદામા તેના કહેવાથી જ્યારે કૃષ્ણ પાસે મદદની આશાએ જવા તૈયાર થાય છે ત્યારે પૌંવાની સાથે સાથે લોખંડની ભુકી પણ છુપાવીને બાંધી દે છે જેથી કૃષ્ણના સ્પર્શથી તે સોનાની બની જાય અને કફોડી સ્થિતિમાં કામ આવે જેવાં મૌલિક અંશો પણ ઉમેરાયાં છે. તેના પાત્ર દ્વારા સ્ત્રીસહજ લાક્ષણિકતા બતાવવાનો લેખકનો પ્રયાસ જણાય છે. સાંદિપનિ ઋષિ સાચા ગુરુ તરીકે આલેખાયા છે પણ રુક્મણિનું પાત્ર વિરોધાભાસ પ્રગટાવે છે. કૃષ્ણના સુદામા પ્રત્યેના પ્રેમને તે સમજી શકતી નથી અને પૌંવાની પોટલીમાં રહેલી લોખંડની ભુકીને શનિના પ્રતીક સમાન ગણાવે છે, ઉપરાંત સુદામા પ્રત્યે તેને આદર પણ નથી. આ નાટકની ભાષા સરળ અને સુબોધ છે. પરંતુ સંવાદો લાંબા હોવાના કારણે અહીં નાટકીય અંશો જળવાયા નથી. સુદામા વારંવાર પ્રકૃતિ વિશે વિચારતો રહે છે. તેથી નાટકમાં ચિંતનાત્મક સ્પર્શ વધારે રહે છે. સુદામા કૃષ્ણને વારંવાર ઉપદેશ આપે છે ત્યારે કૃષ્ણની નમ્રતા એમના ભક્તવત્સલ વ્યક્તિત્વને સુપેરે પ્રગટ કરે છે. છતાં આ નાટકમાં સમાજ - ચિંતનની બહુલતા હોવાના કારણે નાટકનું સ્વરૂપ જળવાયું હોય તેમ લાગતું નથી. દા.ત. સુશીલાની સુદામા સમક્ષ ફરિયાદમાં (‘સુદામા’, પૃ. ૧૩) તેમજ આશ્વાસનમાં (પૃ. ૪૨), સુદામાનું ગુરુપૂત્રી સમક્ષ ભૂતકાળને વાગોળવું (પૃ. ૩૦), સુદામાના દ્વારકા જતી વખતેના વિચારો (પૃ. ૫૦, ૫૨), દ્વારકાની ગંદકી જોઈને (પૃ. ૫૫), દ્વારકાથી પરત ફરતી વખતે માર્ગમાં એક ગામની મુલાકાત વખતે (પૃ. ૮૧, ૮૩-૮૪), પોતાના ઘરે પરત ફરીને (પૃ. ૮૮) વગેરે પ્રસંગોએ ચિંતનાત્મક વિચારોના ગંજ જોવા મળે છે. જો કે સુદામાની કૃષ્ણની શોધ એ પોતાના અસ્તિત્વની શોધ છે એમ બતાવવાના પ્રયાસથી લેખક પર અસ્તિત્વવાદી વિચારોનો પ્રભાવ જોઈ શકાય છે. ‘अपने पेरो में कुलहाडी मारना’ (‘અપને પેરો મેં કુલહાડી મારના’, પૃ. ૧૧), ‘हाथ पर हाथ रखकर बैठना’ (‘હાથ પર હાથ રખકર બૈઠના’, પૃ. ૧૩), ‘आत्माराम हो जाना’ (‘આત્મારામ હો જાના’, પૃ. ૪૪), ‘सोने की हथकडी पहनना’ (‘સોને કી હથકડી પહનના’, પૃ. ૯૭) જેવા રૂઢિપ્રયોગો અને ‘राजा क्या जाने झोंपडी का कष्ट’ (‘રાજા ક્યા જાને ઝોંપડી કા કષ્ટ’, પૃ. ૧૭) જેવી કહેવતોનો પ્રયોગ પણ લેખક કરી જાણે છે. તો બહુ ઓછા અલંકારોના દ્રષ્ટાંત જોવા મળે છે. જેમકે રૂપક, દ્રષ્ટાંત શ્લેષ જેવા અલંકારોમાં ઉપમાન - ઉપમેય સરળ પ્રકારના છે અને તેમાં ખાસ વૈવિધ્ય જોવા મળતું નથી. એકંદરે આ નાટક ચિંતનના ભાર નીચે દબાઈ જાય છે. સુદામાનું પાત્ર સ્વતંત્ર રીતે વિકસતું ન રહેતાં લેખકના વિચારો વ્યક્ત કરવા માટેનું જાણે કે સાધન બની રહે છે. લેખકનું વારંવાર નાટકમાં ડોકિયું કરવું ભાવકને રસથી અલિપ્ત રાખે છે. આ કૃતિમાં ‘ભાગવત્’ની કથા સંદર્ભે ખાસ્સી ભિન્નતા જોવા મળે છે. નાટકનો નાયક સુદામા એક કર્મશીલ માનવી જેવો લાગે છે. નાટકમાં વિદ્યાર્થી અવસ્થા માટે આશ્રમજીવનની મહત્તા દર્શાવાઈ છે. સુદામાનું એક જ બાળક બતાવવામાં આવેલ છે. સુદામા દરિદ્ર છે અને કૃષ્ણ પર તેને શ્રદ્ધા પણ છે. સુદામા પત્નીના મહેણાં - ટોણાંથી કંટાળી ગુરુ પાસે માર્ગદર્શન લેવા જાય છે. ગુરુ તેમના પોતાના મૃત્યુ પછી સુદામાને આશ્રમની જવાબદારી સોંપવાની ઈચ્છા દર્શાવે છે. અયાચક વ્રત ધરાવનારો સુદામા કૃષ્ણને મળવા જતી વખતે કૃષ્ણકાવ્ય પણ સાથે લઈ જાય છે એમ બતાવ્યું છે. તે ઔષધિ અંગેનું જ્ઞાન પણ ધરાવે છે. લોકોને સતત બોધ આપતો રહે છે. રુક્મણિનું પાત્ર પણ ‘ભાગવત્’ની તુલનાએ ભિન્ન જણાય છે. નાટકમાં સુદામાની વિદાય વખતે કૃષ્ણ કઠોરતા અને મૃદુતાના સમન્વયરૂપ શ્રીફળની ભેટ આપે છે. ઉપરાંત કૃષ્ણને ત્યાંથી પાછા વળતી વખતે સુદામા રસ્તામાં અનેક લોકોને ઉપદેશ આપે છે અને વર્ગભેદ-વર્ણભેદ જેવી બદી સામે પોતાનો વિરોધ પ્રગટાવતો જોવા મળે છે. નાટકમાં લાંબા સંવાદો અને પ્રસંગો કથાવેગને ધીમો રાખે છે. આ નાટકનો સુદામા માત્ર પોતાની ગરીબાઈ નહીં પણ સમાજના બીજા ગરીબો વિશે પણ ચિંતન કરે છે. શાસ્ત્રજ્ઞાન વડે પેટ ભરી શકાતું નથી એમ માને છે. જો કે તેની ઈશશ્રદ્ધા અડગ છે. એક સમયે તે પોતે આત્મહત્યા કરવા પણ પ્રેરાય છે પણ પત્નીની આત્મહત્યા કરવાની વાતનો વિરોધ કરે છે. તે નિખાલસ છે અને સમાજસુધારક પણ છે. આ નાયક સમષ્ટિના વિકાસ માટે ભ્રમણ કરે છે. તે પરિવર્તન લાવવા ચાહે છે. પલાયનવાદી નહીં પણ પ્રયત્નવાદી બનવા ઈચ્છે છે. નાટકમાં કૃષ્ણનું દૈવી પાસું બતાવાયું નથી. છતાં કૃષ્ણનો સુદામા પ્રત્યેનો પ્રેમ જોવા મળે છે. એટલું જ નહીં પણ તેમનું નિરાભિમાની વ્યક્તિત્વ નાટકમાં ખિલે છે. કૃષ્ણ નગરજીવનથી કંટાળીને ગ્રામ્યજીવન પ્રત્યે આકર્ષણ અનુભવે છે. અહીં કૃષ્ણ વધુ પ્રતીતિકર લાગે છે. સરવાળે આ નાટકના કૃષ્ણ આ યુગનું પાત્ર હોય તેવી પ્રતીતિ થાય છે. ‘સુદામા’ નાટકમાં શ્રીમંત અને દરિદ્ર, કઠોરતા અને મૃદુતા વચ્ચેના સમન્વયની વાતને વાચા મળી છે. નાટકનો નાયક સુદામા Activist (કર્મશીલ) માનવી છે. જો કે આ નાટકમાં નાટકીય અંશોનો અભાવ છે એ નોંધવું જોઈએ. વળી, હરિહરપ્રસાદ ગુપ્તને હિન્દી સાહિત્યના આધુનિક સાહિત્યકારોની શ્રેણીમાં ગણવામાં આવતા નથી. આમ, પોતાના ભક્તનો યોગક્ષેમ વહન કરવાવાળી શક્તિ અર્થાત્ ભગવાનનો મહિમા દર્શાવતી સુદામાની કથા ‘ભાગવત્ પુરાણ’ની એક મહત્ત્વની આખ્યાયિકા છે. આ આખ્યાયિકાના આધારે લખાયેલી હિન્દી ભાષાની કૃતિ પ્રસંગ, ચરિત્ર, યુગબોધ, સ્વરૂપ અને રજૂઆતની દ્રષ્ટિએ કેટલીક વિશેષતાઓ ધરાવે છે. નાટકના લેખક હરિહરપ્રસાદ ગુપ્ત તથા એમની કૃતિ ‘સુદામા’ બન્ને ગૌણ હોવા છતાં એક સંગ્રહ કરવા યોગ્ય કૃતિ લેખે તેનું મહત્ત્વ અવશ્ય ગણી શકાય. સંદર્ભસુચિ
*************************************************** ગૌતમકુમાર ઘનશ્યામભાઈ પારેખ |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |