સાંપ્રત ડાયસ્પોરિક વાર્તાકાર : પન્ના નાયક
આધુનિકોત્તર સમયમાં મહિલા લેખકોમાં- હિમાંશી શેલત, બિંદુ ભટ્ટ, ઉષા ઉપાધ્યાય,દમયંતીબેન પરમાર, મનીષા જોશી, પન્ના નાયક વગેરે લેખિકાઓમાં પન્ના નાયક એવા લેખિકા છે જે વિદેશમાં રહીને ભારતીય સંવેદનાને વાચા આપે છે. તેમના સાહિત્યમાં
ભારતીયતા, સ્ત્રી-પુરુષના સંબંધોમાં જોવા મળતી સંકુલતા ઉપરાંત ભારતના તેમાં ખાસ ગુજરાતનાં પાત્રો, જે વિદેશમાં રહે છે, તેમની સંવેદના- મૂઝવનો, ભારતીયતાને કારણે વેઠવા પડતાં અપમાનો, વગેરે બાબતોને આલેખી છે. માટે હાલનાં સમયમાં
‘ડાયસ્પોરિક લેખિકા’ તરીકે પન્ના નાયકને પ્રથમ હરોળમાં મૂકવા પડે તેવું તેમનું પ્રદાન છે. પન્ના નાયકનો જન્મ 28-ડિસે.,1933માં મુંબઈ થયો હતો. પિતાનું નામ ધીરજલાલ મોદી અને માતાનું નામ રાતનબહેન હતું. તેમને અભ્યાસમાં એમ.એ. સાથે લાઈબ્રેરી સાયન્સ કર્યું. ત્યારબાદ તેઓ 1960માં
અમેરિકા ગયા. ત્યાં ફિલાડેલ્ફીયામાં વેન પેલ્ટ લાઇબ્રેરીમાં ‘લાઇબ્રેરીઅન’ તરીકે 1964-2003 સુધી સેવા આપી. તે સમય ગાળામાં તેમને ગુજરાતી ભાષાના પ્રોફેસર તરીકે (1985-2002 સુધી) સેવા આપી. હાલમાં તેઓ નિવૃત્ત છે. પન્ના નાયક કવિ, વાર્તાકાર, અનુવાદ, સંપાદક, વિવેચક તરીકે ગુજરાતી સાહિત્યમાં જાણીતા છે. પરંતુ મુખ્યત્વે કવિ અને વાર્તાકાર તરીકે વધુ પોખાયા છે. તેમના કાવ્યસંગ્રહોમાં ‘પ્રવેશ’,
‘કાવ્યકોડિયાં’,’અરસપરસ’, ‘આવન જાવન’, ‘વિદેશિની’, ‘રંગઝરૂખે’, ‘અત્તર અક્ષર’, ‘ગુલમોરથી ડેફોડિલ્સ’, ‘અંતિમે’ વગેરે કાવ્યસંગ્રહો આપ્યા છે. તેમાં ‘રંગઝરૂખે’ કાવ્યસંગ્રહ માટે ‘સાહિત્ય અકાદમી, અમદાવાદ’નું પારિતોષિક
તથા ‘પ્રવેશ’ માટે ગુજરાતી રાજયનું પારિતોષિક પ્રાપ્ત થયું છે. ડાયસ્પોરિક પન્ના નાયકનું કવિતા ઉપરાંત મહત્ત્વનું પ્રદાન વાર્તાક્ષેત્રે છે. ‘ફલેમિંગો’ નામનો એક માત્ર વાર્તાસંગ્રહ 2003માં પ્રગટ થયો છે. તે ઉપરાંત ‘ઊડી ગયો હંસ’(1996),
‘ક્યુટિપ’ (1997), ‘કથા નલિનભાઈની’(2000) વગેરે જેવી વાર્તાઓ વર્ષના શ્રેષ્ઠ સંપાદનોમાં સમાવેશ પામી છે. તેમના કાવ્યસંગ્રહો કરતાં વાર્તાસંગ્રહો ઓછા (એક જ) છે. તેમ છતાં વાર્તાક્ષેત્રે તેમનું નામ નોંધપાત્ર છે. વાર્તાની શૈલી અને વસ્તુની દ્રષ્ટિએ
તેમની વાર્તાઓ ધ્યાનપાત્ર બની છે. આ પાસાંઓથી લેખિકા અન્ય લેખિકાઓથી જુદા તરી આવે છે. તે નોંધવું રહ્યું. મારે અહીં આ લેખમાં કેવળ વાર્તાકાર પન્ના નાયક વિશે વાત કરવી છે. તેમની વાર્તાઓમાં ડાયસ્પોરિક સંવેદના છે. તેની સાથે સ્ત્રી-પુરુષના સંબંધોમાં
જોવા મળતી સંકુલતા તો બદલાતું સાંપ્રત -હાલનુ જીવન તથા નારી જીવનની સંવેદના ઉપરાંત મૂલ્યો-સંબંધો ઘસાય રહ્યા છે. તેની સંવેદનાને પણ વાચા આપી છે. અહીં પન્ના નાયકની મહત્ત્વની વાર્તાઓને લઈને ઉપરની બાબતોને જોવાનો ઉપક્રમ છે. ‘લેડી વિથ અ ડોટ’ વાર્તામાં વિદેશમાં રહેતી ભારતીય સ્ત્રીને, ભારતીય સંસ્કૃતિને કારણે જે વેઠવું પડે છે. તથા બદલાતા સમયને કારણે સંબંધોમાં (સ્ત્રી- પુરુષના સંબંધોમાં) જોવા મળતું ખોખલાપણું, તથા નારીને પોતાના રક્ષણ માટે સ્વયમ જાગૃત થવું પડશે- જેવા એકથી વધુ ભાવો આ વાર્તા છોડી જાય છે. અલ્પા નામની સ્ત્રીને પોતે ભારતીય હોવાને કારણે અમેરિકામાં માર્કેટ શોપ-મોલમાં કેટલાક ધોળિયા યુવાનો સેક્સ માટે કહે છે. પજવે છે. તેના કપાળ પર રહેલા ચાલ્લાને ‘બ્લડી ડોટ’
કહે છે. ગુસ્સે થયેલી અલ્પા આ વાતની ફરિયાદ પતિને કરે છે. પરંતુ પતિ તેને ભારતીય સંસ્કૃતિ –પોશાક છોડી દેવાનું કહે છે. પણ તે છોડતી નથી. માર્કેટ શોપમાં-મોલમાં ફરી તે છોકરાઓ પાસે જાય છે. ને સેક્સ માટેની લાલસા આપીને આંખોમાં પીઝામાં નાખવાનું
મરચું નાખે છે ને તે રીતે પાઠ ભણાવે છે. અમેરિકામાં રહેતી અલ્પા ભારતીયતા છોડતી નથી તે જણાવે છે કે ‘ભારતીય છું અને અમેરિકામાં રહું છું, એનો અર્થ એ નહીં કે મારે શું પહેરીને ક્યાં જવું એ બીજા નક્કી કરે. અમારે
ભારતીય સ્ત્રીઓને સાડી પહેરવી છે, પંજાબી ડ્રેસ પહેરવો છે, ચાલ્લો કરવો છે, એ અમારી ભારતીય અસ્મિતા છે. ધોળાઓની વચ્ચે કોઈ સાડી પહેરેલું મળે ને વાત કરે તો સારું લાગે છે”1 પતિ પોતાની ફરજો ભૂલી ગયો છે. તેમાં સાંપ્રત સમયની છબી જોવા મળે છે.
સ્ત્રીએ પોતાની રક્ષા માટે જાતે મક્કમ થવું પડશે, કોઈ કૃષ્ણ તેના ચીર પુરવા આવશે નહીં જેવો સૂર આ વાર્તા છોડી જાય છે. આ વાર્તા સંદર્ભે મણિલાલ હ. પટેલ નોંધે છે કે – “‘લેડી વિથ અ ડોટ’ વાર્તા ડાયસ્પોરા અને ‘નારિવાદ’ બંને વલણોને એક સાથે તાકે
છે ને સફળ બની રહે છે. પારકા દેશમાં મોડી સાંજે અલ્પાએ કરેલું ‘જેશ્વર’ મહત્ત્વનું છે. હા, હવે ગુજરાતણો પોતાનો પ્રોટેસ્ટ કરવા સાથે પરંપરા ગમે તો તે પ્રમાણે કે આધુનિક રીતે ગમે તો તે પ્રમાણે બિન્દાસ્ત જીવવા લાગી છે. બદલાતા કલ્ચરની સમસ્યા સાથે નારીના
પ્રશ્નો ને આ વાર્તા ‘પ્રક્રિયા’માં મૂકીને આસ્વાદ્ય રીતે રજૂ કરે છે.”2 તેમના શબ્દો નારીની જાગૃતિ સંદર્ભે આ વાર્તામાં ‘આઈ કેન હેન્ડલ ધ સિચ્યુએશન’ કહીને હેન્ડલ કરતી અલ્પાને જોતાં સાચ્ચા લાગે છે. અલ્પામાં ભારતીય નારીના દર્શન થાય છે. ‘લેડી વિથ અ ડોટ’ કરતાં ‘ગાલના ટાંકા’ વાર્તા જુદા જ ભાવવિશ્વને ચીંધે છે. ‘અમેરિકાના ભારતીય વસાહતો વિશે’નો લેખ લખવાનો હોવાથી વાર્તાનાયિકા, તે વિશે વિચારો કરે છે.
તેને કાઇ સૂઝતું નથી. તે વિચારોમાં બાળપણથી કોલેજકાળ સુધીના સ્મરણો યાદ કરે છે. ને વાર્તા ઉઘડે છે. નાયિકા અનેક સ્વપ્નો લઈને અમેરિકામાં રહેતા રોહિતને પસંદ કરે છે ને લગ્ન રોહિત સાથે થાય છે. લગ્ન બાદ તે અમેરિકા જાય છે. પરંતુ પોતે જેવો વિચારીયો હતો તેનાથી રોહિત જુદો
નીકળે છે. નાયિકા સુંદર દેખાય છે પણ રોહિત ને મોહિત કરી શકતી નથી. રોહિત તેને વળગીને પ્રેમ કરશે એ આશાએ જ જીવ્યે જાય છે. વાર્તા કહેવાની શૈલી ધ્યાનપાત્ર છે. જેમકે- “દુનિયાનાં બધા છાપાં, બધાં ટેલિફોન, બધાં ટેલિવિઝન ફગાવી દેવાનું મન થતું. રોહિત
તમને વળગી વળગીને પ્રેમ કરશે એ આશામાં તમે જીવ્યે જતાં હતાં. પથારી મોટી નહોતી તોય વચમાં ખાસ્સી જગ્યા રહેતી. તમે બધી વાત મનમાં ભરી રાખતાં. રોહિતને બીજી કોઈ ભારતીય કે અમેરિકન બહેનપણી તો નહીં હોય એવો વિચાર તમને આવતો.”3 તમે મોડેલિંગ કરો છો. તેમાં શેમ્પુની જાહેરતમાં તમારા વાળ બતાવે છે. એ જણાવ્યું છતાં ‘રોહિતની આંખને તમારા શબ્દો સંભળાતા નહોતા’ પરંતુ બીજી વખતે મોડેલિંગ વાળાએ નિરાવરણ સ્તનના ફોટાનો પ્રસ્તાવ મૂક્યો. તે વિશે ખૂબ વિચાર્યા પછી નાયિકા સ્વીકાર કરે છે. બે અઠવાડિયાં બાદ વહેલો આવેલો રોહિત નાયિકના ફોટા જોવે છે. આગળ લેખિકાએ આ મહત્વના પ્રસંગ વિશે લખ્યું છે કે –‘એની લાલ આંખોમાં તમે ઝનૂન જોયું. તમને થયું
એ તમાચો મારશે. એટલે એક ડગલું પાછળ ખસ્યાં, અને રસોડાના કાઉન્ટર સાથે અથડાઇ નીચે પડી ગયાં. કાઉન્ટરના ખૂણાએ તમારો ગાલ ચીરી નાખ્યો હતો. ચીરામાંથી લોહી દદડતું હતું. ફર્શ પર અર્ધબેહોશ પડેલાં તમને રોહિત વળગી વળગી પ્રેમ કરતો હતો.
એના શબ્દો તમારે કાને અથડાયા, ઓ સ્વરૂપા, મારી રૂપાળી રૂપાળી સ્વરૂપા-“4 વાર્તાના અંતે કમ્પ્યૂટર સ્ક્રીન પર રોહિત નામ લખતી અને ટાંકાવાળા ગાલ પર હાથ ફેરવતી નાયિકા કમ્પ્યૂટર બંધ કરી દે છે. વાર્તાના અંતે શીર્ષક સ્પષ્ટ થઈ જાય છે. તો નાયિકાનું
સૌંદર્ય રોહિતને મોહિત કરી શકે છે. વાર્તાના અંતે નાયિકાની મનોકામના પૂરી થાય છે. ‘કથા નલિનભાઈની’ વાર્તાનો પરિવેશ અન્ય વાર્તાઓની જેમ અમેરિકાનો છે.‘શનિવારની મધરાતે નલિનભાઈ વીસીઆર પર ‘કમ એન્ડ ગેટ ઈટ’ ફિલ્મ પૂરી કરીને ઝોકા ખાવા
લાગે છે. ને પોતે સ્વપ્નમાં સરી પડે છે. વાર્તા સ્વપ્નમાં રજૂ થઈ છે ને સ્વપ્ન નલિનભાઈનું છે. નલિનભાઈની પત્ની વિજયાબહેન ધાર્મિક વધુ પડતા છે. જ્યારે નલિનભાઈને સેક્સમાં વધુ રસ છે. વિજયાબહેનના મતે નલિનભાઈ ગંદી ફિલ્મો જોવાનું જ કામ પોતાની
ગેરહાજરીમાં કરે છે. નલિનભાઈની લાગણીઓ પૂરી થતી નથી. સ્વપ્નમાં નલિનભાઈ કંટાળીને એક દિવસ ઓશિકાથી વિજયાબહેનનું મોઢું દાબી દે છે. વિજયાબહેનના મરણ બાદ નલિનભાઈની ચિંતા કરતા સંબંધીઓ તેમના માટે ખાવાની, વાતો કરવાની, હાથ મિલાવા,
આલિંગન આપવા વગેરે પ્રશ્નો વિશે વિચારી દરેકને કામની સોંપણી કરી દે છે. આ બધુ સ્વપ્નમાં બને છે. વિજયાબહેન વગરના ઘરમાં શાંતિ અનુભવતા નલિનભાઈને ત્યાં એક સાંજે જયવંતીબહેન ખાવાનું લઈને આવે છે. તે પૂછે છે કે ‘તમને રોજ રોજ દાળ-ભાત-શાક રોટલી ખાઈને
કંટાળો નથી આવતો?’ ને આગળ કહે છે કે ‘તમે કોઇની સાથે બહેનપણા કારોને તમે કાંઈ ઘરડા નથી થયા.’5 જયવતી બહેનનું આ વાક્ય બધા પુરૂષોને લાગુ પડે છે. સવારે બારણાના અવાજથી સ્વપ્ન તૂટે છે. ત્યાં ‘કેમ આટલીવાર લાગી? રવિવારની મોડી
સવારેય પેલી ફિલમ જોતા’તા કે શું? કેવા ધણી સાથે પનારો પડ્યો છે મારો? સ્વાધ્યાય માટે ઘર બહાર પગ મૂક્યો નથી ને અહીં ફિલમ શરૂ થઈ નથી”6 જેવા પત્નીના કકળાટ સાથે વાર્તા પૂરી થાય છે. વાર્તામાં સ્ત્રી-પુરુષના સંબંધોની સાથે માનવીની આંતરિક સંવેદનાને પણ વાચા મળી છે. વાર્તામાં પત્નીનો કકળાટ વાર્તા રચવામાં મદદરૂપ થયો છે. પત્નીનો સેક્સ પ્રત્યેનો
અણગમો તથા પત્નીને સ્વપ્નમાં ઓશીકાથી મારી નાખવી તથા જયવતી બહેનનું સૂચન કે ‘તમે કાંઈ ઘરડા નથી થયા’ જેવા વાક્યો અનેક રીતે ભાવકને વિચારતા કરી મૂકે છે. આ વાર્તા દ્વિરેફની ‘સૌભાગ્યવતી’ની યાદ અપાવે છે. પરંતુ ‘સૌભાગ્યવતી’ વાર્તાનો
અંત કરૂણ છે. જ્યારે ‘કથા નલિનભાઈની’ એ ‘sex psychology’ને વધુ સ્પર્શે છે. પન્ના નાયકની વાર્તાઓમાં બદલાતું જીવન નિરૂપાયું છે. તો ભારતીય સંસ્કૃતિ-મૂલ્યો, સંબંધો ઘસાતા જાય છે તેની વેદના પણ રજૂ કરે છે. ‘નિત્યક્રમ’ અને ‘વળાંક’ વાર્તા તે દ્રષ્ટિએ મહત્ત્વની છે. ‘નિત્યક્રમ’ વાર્તાની નાયિકા-પ્રેરણાનો પતિ-અરુણ હોવા છતાં કમ્પ્યૂટર શીખવાડવાના બહાના હેઠળ પર પુરુષને સેક્સ માટે પોતાના બેડરૂમ સુધી લઈ આવે છે. તેની સાથે સહશયન કરે છે. પતિનો ફોન આવવાથી પ્રેરણા સાથે આવેલો યુવાન ગભરાય છે. પરંતુ પ્રેરણાની વાત કરવાની સાહજિકતા યુવાનને અને ભાવકને અચંબામાં મૂકી દે છે. તે પ્રસંગને લેખિકાએ આ રીતે વર્ણવ્યો છે જુઓ- “તમે થરથર કાંપો છો. તમારું હદય બમણી ઝડપે ધડકે છે. તમને ભયંકર અપરાધભાવ જાગે છે. ધરતી માર્ગે આપે તો સમાઈ જવાનું મન થાય છે. પ્રેરણા તમારો હાથ પંપાળતી પંપાળતી ઠંડે કલેજે વાત કરે છે. ‘ડાર્લિંગ, કેમ છે તું ? શું કર્યું આજે? લંચ ખાધો? ટપાલમાં કશું
નથી. સાંજે કેટલા વાગ્યે આવીશ? જમવાનું શું બનાવું? દાળઢોકડી? ચો....ક્ક.....સ અત્યારે શું કરું છું? તું એટલું વહાલ કરે છે કે મને સુખના સોજા આવ્યા છે. બ્લાઉઝના આંતરસેવા ખોલું છું’ પ્રેરણાનો હાથ છોડીને તમે ત્વરાથી ઊઠો છો. કપડાં પહેરી લો છો. તમે કહો
છો કે તમારે જવું પડશે. પ્રેરણા દરવાજે આવીને હળવું ચુંબન કરીને આવજો કહે છે. તમે ગાડી સ્ટાર્ટ કરો છો. તમને પસીનો છૂટે છે. રૂમાલ કાઢીને લૂછો છો’7 વાર્તામાં યુવાનની પરિસ્થિતિ અને પ્રેરણાની સહજતા જોવા મળે છે. યુવાનને પહેલીવાર જે કઠિન લાગે છે તે પછી બુધવારની રાહ જોવે છે. વાર્તાનાયકને સ્ત્રીની સહજતા ચોકાવી દે છે. તો નાયક બચી જતો નથી તે યંત્રસંસ્કૃતિ અને ભોગવાદનો ભોગ બને છે. પત્ની અને બોસ આગળ ખોટું બોલીને તે એકવાર ગયો છે
પછી તેની યુવાનને ટેવ પડી જાય છે. વાર્તામાં પ્રેરણાની બેવફાઈ જોવા મળે છે. તો મૂલ્યો-સંબંધો નેવે મૂકી દીધા છે. માણસની જરૂરીયાત પહેલા જોવામાં આવે છે. તો ‘વળાંક’ વાર્તામાં પતિની બેવફાઈ જોવા મળે છે. વાર્તામાં પતિ પત્નીને મારી નાખવા માટે ભાડૂતી
માણસો મોકલે છે. રસ્તામાં પોલીસની સાવચેતીને કારણે તે પકડાય છે ને જયારે બાળકોને આંટીના ઘરે છોડીને પાલીસ સ્ટેશન પર ગુંડાઓને ઓળખવા ગયેલી પત્ની પતિને જોવે છે ત્યારે અવાક બની જાય છે. વાર્તાના અંતે ઘટસ્ફોટ થાય છે- “એણે પેલા માણસોને પૈસા
આપેલા? મને મારી નાંખવા? હોય નહીં. વી આર હેપિલી મેરીડ. વી આર વેરી હેપી. તમે ભૂલ કરો છો. તમારી પાસે પ્રૂફ છે? ઓહ માઈ ગોડ.....”8 વાર્તાનો અંત નાટ્યાત્મક રીતે થાય છે. અંતે ભાવક- સ્ત્રી બંનેયને વિચારતા કરી મૂકે છે. લગ્નની સાક્ષીએ પોતાની રક્ષા કરવાના વચનોથી બંધાયેલ પતિ, પત્નીને મારવાના મનસૂબા ઘડે છે.
તો પ્રેરણા જેવી સ્ત્રી(નિત્યક્રમ-વાર્તામાં) પતિ સાથે બેવફાઈ કરે છે. જરૂરીયાત મહત્વની છે. સંબંધો, મૂલ્યો અને વિશ્વાસ નહીં, જેવુ જુદું સાંપ્રત જગત પન્ના નાયકની વાર્તામાં આલેખાયું છે. ‘લેડી વિથ અ ડોટ’ વાર્તામાં નારીની સંવેદના છે તો ‘ગાલના ટાંકા’
વાર્તામાં સ્ત્રીનું ભાવવિશ્વ , જ્યારે ‘કથા નલિનભાઈની’માં sex psychology છે. તો ‘નિત્યક્રમ’ અને વળાંક’ વાર્તાઓમાં સંબંધો- મૂલ્યોનો થતો હ્રાસ, તેની સાથે સાંપ્રત જીવન, સ્ત્રી-પુરુષના સંબંધોમાં જોવા મળતી સંકુલતા વગેરે બાબતો રજૂ થઈ છે. પન્ના નાયકની વાર્તાઓની શૈલી ધ્યાનપાત્ર છે. જેમકે ‘નિત્યક્રમ’ વાર્તામાં ‘તમે જુઓ છો, તમને એ ગમે છે’ જેવી પ્રયુક્તિથી કહેવાઈ છે. જયારે ‘ગાલના ટાંકા’ વાર્તામાં પણ
‘તમને, તમે, તમારે, તમારી’ વગેરે સર્વનામોથી વાર્તા રજૂ થઈ છે. આ ઉપરાંત પન્ના નાયકની ‘ફ્લેમિંગો’, ‘ઊડિ ગયો હંસ’, ‘ક્યુટિપ’ વગેરે પણ મહત્વની વાર્તાઓ છે. ભારતીયતા, નારિવાદ, સ્ત્રી-પુરુષના સંબંધોમાં જોવા મળતી સંકુલતા, ભોગવાદ,
બદલાતા જીવનની છબી વગેરે તેમની વાર્તાના પ્રમુખ પાસાં છે. સંદર્ભસાહિત્ય:
*************************************************** નીતિન રાઠોડ |
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |