logo

ડૉ. અંબાલાલ પ્રજાપતિ રચિત ‘गुजरातगौरवलहरीः’ કાવ્યસંગ્રહ : એક પરિચય



પ્રાસ્તાવિક :

      ડૉ.અંબાલાલ પ્રજાપતિ ગુજરાતના સંસ્કૃત કવિપરંપરાના મુકુટાયમાન કવિ છે. સ્વાતંત્ર્યોત્તર-યુગના લોકપ્રિય તેમજ કર્મઠ ડૉ.અંબાલાલ પ્રજાપતિના વ્યક્તિત્વ અને કતૃત્વનું વિદ્વાનો દ્વારા મૂલ્યાંકન કરાયેલુ છે. ડૉ.અંબાલાલ પ્રજાપતિ એ સંસ્કૃત ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં સર્જન કરેલુ છે. કવિ સંસ્કૃત ભાષાનો મહિમા સ્વીકારતાં જણાવે છે કે જેમ બધી નદીઓમાં એકમાત્ર ગંગાજી તેમ સર્વ ભાષાઓમાં એકમાત્ર સંસ્કૃતભાષા. કવિ સંસ્કૃતભાષાને વિશ્વની સર્વાત્તમ ભાષા માને છે. સંસ્કૃતભાષા મુખ્ય, મધુર, અચલ, ધ્રુવ, સરલ અને દિવ્ય ભાષા છે તે સમગ્ર ભારતવર્ષમાં કેન્દ્ર સ્થાને રહેલી ભાષા છે. ભારતની પ્રાદેશિક ભાષાઓની તે માતા છે. વિવાદના સંદર્ભમાં એ તારિણી છે, એકતાની તે સારણી છે. તેમ કવિનું માનવું છે. સંસ્કૃત ભાષા ભારતીય સંસ્કૃતિનું મૂળ છે, વિશ્વની તમામ ભાષાઓમાં તેનું સ્થાન અનેરું છે. કવિને આત્મવિશ્વાસ છે કે નજીકના સમયમાં જ સંસ્કૃતભાષા ભારતની રાષ્ટ્રભાષાના પદે બિરાજશે.

આધુનિક સંસ્કૃત સાહિત્યમાં પ્રદાન :

(૧) आत्मानुसंधानम्
કાવ્યસંગ્રહમાં કવિ પોતાનો જન્મ, ગામ, બાળપણ, અભ્યાસના દિવસો, યુવાની અને પોતાની વ્યવસાયિક કારકીર્દી સાથે પોતાનો સંઘર્ષમય સમય અને તેમાંથી પોતે સફર થયાનો શ્રેય વિશે વિગતે ચર્ચા કરે છે.

(૨) संस्कृत गीताज्जलिः
કવિએ પ્રસ્તૃત કાવ્યસંગ્રહમાં ૪૦ જેટલા શ્લોકોની રચના કરેલી છે. આ કાવ્ય દ્વારા વિવિધ ભાવ અભિવ્યક્ત કરવામાં આવ્યા છે. આ કાવ્યમાં ભક્તિભાવથી પરિપૂર્ણ સ્તોત્રો, માતૃભૂમિવંદન, ગુજરાતની ધરાનું મહત્વ, મહાપુરૂષોનું કીર્તન, પ્રકૃતિવર્ણન, પ્રેમ-શૃંગારની અભિવ્યક્તિ, વિયોગ-વ્યથા ચિત્રણ, સંસ્કૃતની ગૌરવગાથા, વિશિષ્ટ સંસ્કૃતિ, શ્રમનું મહત્વ, નીતિવિષયક સૂક્તો, વિવિધ વિષયોના મૂક્તકો અને વ્યંગકાવ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે. (૩) गुजरातगौरवलहरी કાવ્યસંગ્રહમાં કવિએ ગુજરાતની સંસ્કૃતિ, ઐતિહાસિક અને ભૌગોલિક પરિસ્થિતિની ગાથા રજૂ કરતા વિવિધ કાવ્યોની રચના કરી છે.

(૪) સ્વર્ણિમગીતાંજલિ (ગુજરાતી)
‘સ્વર્ણિમગીતાંજલિ’ કાવ્યસંગ્રહમાં કવિએ ભારતીય અસ્મિતાની, શ્રી રામમહિમાની તેમજ વિશ્વગુરુ વિવેકાનંદ, વીર ભગતસિંહ અને ગાંધીબાપુને અંજલી આપતા ગીતોની રચના કરેલ છે. અને તેમનું ગૌરવગાન કરેલ છે.

‘गुजरातगौरवलहरी’ કાવ્યસંગ્રહ : એક પરિચય

      આધુનિક સંસ્કૃત રચનાઓમાં પ્રસિદ્ધ બનેલાં સંસ્કૃત કવિતાના દરેક પાસાંઓ જેવા કે હાઈકુ, તાન્કા, અછાંદસ, ગીત, ભાષાંતર વગેરેનો સમાવેશ કવિએ કાવ્યસંગ્રહમાં કરેલ છે. કવિએ એકવીશ જેટલી કવિતાઓ દ્વારા ગુજરાતની રસિકતા, સંસ્કૃતિ, ધીરતા, વીરતા, પ્રગતિ અને આજની સત્ય અને અનન્ય વિશેષતાઓનું ચિત્રણ કર્યું છે. કાવ્યસંગ્રહની સૌથી મોટી કવિતા ‘धन्यो मदीयो गुजरातदेश’ માં ગુજરાતના ગૌરવનું વર્ણન કર્યું છે. જેમ કે,

सरस्वतीसिन्धुयुगान्तस्थायी
लोथलखम्भातधुलावशेषः ।
समागमः संस्कृतिनोर्झरीणां
धन्यो मदीयो गुजरातदेशः ॥
वेदे वरिष्टो भुवने गरिष्टो
हिंसाविरोधी ननु सत्यनिष्टः ।
सर्वानुकुलो वसुधाकुटुम्बी
धन्यो मदीयो गुजरातदेशः ॥

      સરસ્વતી અને સિન્ધુ સભ્યતાનું કેન્દ્રવર્તી ગુજરાત લોથલ અને ધોળાવીરાના ઉત્ખનનમાં પ્રાચીન ગૌરવ અભિવ્યક્ત કરે છે. જ્ઞાનમાં વરિષ્ઠ તથા ભુવનમાં ગરિષ્ઠ, હિંસાવિરોધી આ ગુજરાત બધાને અનુકૂલ અને વસુધાને કુટુમ્બ માને છે. તે સાહિત્ય, વિજ્ઞાન અને કલાની શિક્ષામાં યુક્ત છે. સાથે વેપાર અને ખેતી પણ અહીંની પ્રગતિ પર છે. કવિને સાબરમતી, તાપી, બનાસ, મહી અને નર્મદાના પાણીથી ગુજરાતને પુષ્ઠ થયાની ચર્ચા કરી છે. અંબિકા શક્તિપીઠ, પાવાગઢનું કાલી તીર્થ, શત્રુંજય જૈન તીર્થ, સોમનાથના સોમેશ્વર, દ્વારકાના યોગેશ્વર શ્રીકૃષ્ણ અને ડાકોરના રણછોડજીના મંદિરની ચર્ચા કરી છે.

કાવ્યસંગ્રહમાં કવિએ ગુજરાતના લોકપ્રસિદ્ધ લોકગીતો અને ગરબાઓ જેવા કે आश्विनमासे।, अहं त्वाहरवनम् ।, पातु त्वां शिवापार्वती ।, लग्नो लग्नो रे ।, मम रथ्यातः ।, पृच्छति राधा ।, दुरे नगरं खलु दुरे नगरम्। અને माधवः क्वापि नास्ति मधुवने । વગેરેનું સંસ્કૃતમાં ભાષાંતર કરીને તેનો મૂળ તાલ અને લય જાળવવામાં કવિ સફર રહ્યા છે. ‘सा पातु मां शारदा’ કવિતામાં કવિએ દેવી સરસ્વતીની વંદના કરી છે. અને ‘विष्णुस्वरूपम्’ રચનાના ૧૬ પદ્યો દ્વારા કવિએ ભગવાન વિષ્ણુના વિવિધ અવતારોનું ભક્તિ ભાવપૂર્ણ વર્ણન કર્યું છે. જેમ કે,

वैकुण्ठवासज्च जले शयानं
भक्तानुरक्तं कमलाविभक्तम् ।
नित्यं वसन्तं ह्रदयारविन्दे
सत्यस्वरूपं भज विष्णुरूपम् ॥

‘भारतगौरवम्’ નામની કવિતાના ૭ પદ્યોમાં કવિએ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ તથા પ્રસિદ્ધ વૈજ્ઞાનિક મિસાઈલમેન ડો. એ.પીજે. અબ્દુલ કલામ સાહેબની પ્રશંસા ગાઈ છે. ‘अन्नाष्टपदी’ કવિતામાં અન્ના હજારેજીની પ્રશસ્તિ ગાવામાં આવી છે. ‘भारते संस्कृतम्’ નામની કવિતામાં ૫ પદ્યોમાં કવિએ સંસ્કૃત ભાષાનો મહિમાગાન ગાયો છે.

वसत्यसंशोधकं दिव्यताबोधकं
बन्धुतापोषकं राष्ट्रसंयोजकम् ।
देशभाषामूलं विश्वभाषाकुलं
भूतले चामृतं वर्धतां संस्कृतम् ॥

      કવિ કહે છે કે સંસ્કૃતભાષા સત્યનું સંશોધન કરનારી ભાષા છે. સંસ્કૃતભાષામાં લખાયેલ વૈદિક સાહિત્યમાં હંમેશા સત્ય જ સેવાયેલું છે. તેના દ્વારા જ સત્યનો સંચાર થાય છે. આ ભાષા દિવ્યતાનો બોધ આપનારી છે. સંસ્કૃત ભાષાના અધ્યયનથી દિવ્યતાનો ચમકારો શરીરને રાંમાચિત કરે છે. જે બોધ અન્ય જગ્યાએ દુર્લભ છે તે દિવ્યતાનો બોધ અર્પણ કરનારી સંસ્કૃતભાષા જ છે. તે ભાઈચારાને પોષનારી છે. સંસ્કૃતભાષાથી બંધુતાને નવું જોમ મળે છે. તેથી તેનાથી મજબુત રાષ્ટ્રનું નિર્માણ થાય છે. બંધુતાના ગુણથી સંસ્કૃતભાષા રાષ્ટ્રને જોડનારી છે. ભારત દેશની બધી જ ભાષાઓના મૂળ સંસ્કૃત ભાષામાં છે. તેમ તે દરેક વ્યક્તિની વાણીથી સમગ્ર રાષ્ટ્રનો સંયોગ કરે છે. અને વિશ્વમાં જે બધી ભાષાઓનો વિકાસ થયેલ છે. તેમાં એક શક્તિમાન ભાષાકુળ સમાન આ સંસ્કૃતભાષા પૃથ્વી વાસીઓને અમરતા આપનારી અમૃત સમાન છે. તેવી આ સંસ્કૃતભાષા હંમેશા વૃદ્ધિ પામો.

      કાવ્યસંગ્રહના ૧૭ હાઈકુ પદ્યો દ્વારા કવિએ ભારતના તે યથાર્થ સ્વરૂપનું ચિત્રણ કર્યું છે, જેનો વિચાર આવતાં જ દેશભક્તોના મનમાં અનેકો દુઃખ પેદા થાય છે. જેવા કે,

बालकाः नग्नाः
च्छादयन्ति शरीरं
राष्ट्रध्वजेन ॥
पाके प्रसूति-
रातंकवादिनाज्च पीडा भारते ॥

      ‘शिक्षा सप्तपृषता’ આપેલ શીર્ષક કવિતામાં શિક્ષા પદ્ધતિમાં પોતાના ઈતિહાસનું જ્ઞાન, જીવન મુક્તિ સંગ્રામની ગાથાનું સ્મરણ, જીવનના મૂલ્યાંનું પાલન, ભારતીય વૈજ્ઞાનિક શિક્ષણ અનુસંધાન, સંપૂર્ણ ભારતદેશમાં એક જ શિક્ષા સંહિતાનું પાલન, સંસ્કૃતનું અનિવાર્ય રૂપથી પઠન અને સ્વદેશી ધર્મનું પાલન જેવી અનેક ચર્ચાઓ વિવિધ પદ્યો દ્વારા કરવામાં આવી છે. ‘हे प्रिये’ નામની કવિતા શુંગાર પૂર્ણ છે. વસંતના આગમન પર પોતાની વ્યાકુલતાનું નિવેદન કવિએ પોતાની પ્રિયા સામે કર્યું છે.

      ૧૦ તાન્કા છંદના માધ્યમથી કવિએ વિવિધ વિષયો પર સુભાષિત વિધાનો રજૂ કર્યા છે. તેમજ વિવિધ ર્દશ્યોની બિંબ યોજના પણ જોવા મળે છે. કવિએ વર્તમાન સમય પર વ્યંગ બાણ પણ છોડ્યા હોય તેમ લાગે છે. જેમ કે,

पतिताः पात्रे मधुनः
पिपीलिकाः पिबन्ति मधु
मधुनि निमग्ना वा
सम्पीयन्ते मधुना ॥

      સંસારમાં દરેક માણસને તેમની મરજી પ્રમાણે જીવન જીવવાનો અધિકાર છે. પણ તેની મરજી એવી ન હોવી જોઈએ કે એજ મરજી તેનો નાશ કરી નાખે. પોતાના જીવનના ઉદ્ધાર માટે દરેક મનુષ્યે દરેક કાર્ય સમજી-વિચારીને કરવું જોઈએ. તેના પ્રત્યાઘાતો સામે કેવા પડવાના છે તેનો વિચાર કાર્ય આરંભ્યા પહેલાં કરવાં જોઈએ. સમાજમાં રહેલો કોઈ મનુષ્ય દારૂનું સેવન કરે છે. પણ વાસ્તવમાં તે દારૂનું સેવન નથી કરતો, પણ દારુ તેનું સેવન કરે છે. કારણ કે દારૂ પીવાથી તેને આર્થિક અને સામાજિક રીતે ઘણું નુકશાન વેઠવું પડે છે. તેની સર્વ પ્રકારની સંપત્તિનો નાશ થાય છે. તેનાથી તે પાયમાલ અને બદનામ થાય છે. પ્રસ્તુત તાન્કામાં કવિ તેવા માણસોને તેવું દુષ્ટ કાર્ય ન કરવાની પ્રેરણા આપે છે. તેના માટે કવિ કીડીનું ઉદાહરણ આપે છે. મધના પાત્રમાં પડેલી કીડી મધ પીવામાં મશગૂલ છે. તેને મધ પીવામાં અનહદ આનંદ આવે છે. પણ તે ધીરે-ધીરે મધના પાત્રમાં ડુબી જાય છે. તેને બહાર નીકળવાનો કોઈ રસ્તો હોતો નથી. પરિણામે જે મધ પીવામાં તેને આનંદ મળતો હતો તે મધમાં ડૂબી જવાથી જ તેનું મૃત્યું થાય છે. આ પરથી કવિ સંકેત કરે છે કે સંસારમાં ફેલાયેલા વિવિધ વ્યસનો આજના યુવાધનને મધ જેવા લાગે છે. પણ સમય જતાં આજ મધ જેવાં લાગતાં વ્યસનોમાં તે ડૂબી જાય છે. અને પોતાનો સર્વ રીતે વિનાશ નોતરે છે. તો આવા ઝડપી સુખ આપતા વ્યસનોથી મનુષ્યે હંમેશા દૂર રહેવું જોઈએ.

      ‘भारतं भारतम्’ નામના કાવ્યમાં કવિએ ભારતના કલ્યાણની કામનાની સાથે તેની રમણિયતાનું ચિત્રણ રજૂ કર્યું છે. કવિ જણાવે છે કે વિશ્વના તમામ દેશોમાં ભારત એ જ્ઞાનથી પ્રકાશિત છે. સમગ્ર ભૂમંડલ પર જ્ઞાનનો પ્રકાશ ભારત ફેલાવે છે. વિશ્વને પ્રકાશિત કરતું જ્ઞાનબિંદુ ભારતમાં ઉદ્દભવે છે. છેલ્લી કવિતા ‘भारतीय शिक्षणम्’ માં કવિએ ભારતની શિક્ષા પદ્ધતિની મહત્તા ગાઈ છે. કવિ પ્રસ્તુત કાવ્ય દ્વારા ભારતીય શિક્ષણને અપનાવવાનો માર્ગ સૂચવે છે. અને સમગ્ર રાષ્ટ્રની ઉન્નતિ માટે ભારતીય શિક્ષણની સર્વોપરિતા સ્વીકારે છે.

સમાપન

      કવિની કાવ્યસંગ્રહમાં છંદ યોજના પરંપરાથી થોડી જુદા પ્રકારની છે. સંપૂર્ણ ભાષામાં કવિની સ્વતંત્રતા જોવા મળે છે. આમ કવિશ્રી ડો. અંબાલાલ પ્રજાપતીએ ‘गुजरातगौरवलहरी’ કાવ્યસંગ્રહમાં વિવિધ વિષય આધારિત કવિતાઓ દ્વારા વર્તમાન ગુજરાત સંસ્કૃત સાહિત્યમાં પોતાનું યોગદાન આપેલ છે.

સંદર્ભગ્રંથ :

1. आत्मानुसंधान लेखक : प्रो. डॉ. अम्बालाल प्रजापति प्रकाशक :पार्श्व पब्लिकेशन अमदावाद प्रथम आवृति – २००३
2.गुजरातगौरवलहरी लेखक & प्रकाशक प्रो. डॉ. अम्बालाल प्रजापति प्रथम आवृति – २०१२
3. संस्कृतगीताज्जलिः लेखक & प्रकाशन : प्रो. डॉ. अम्बालाल प्रजापति प्रथम आवृति – २००८
4.Post-independence Sanskrit    literature A critical survey    (professor dr. A.M,prajapati    felicitation volume ) Editor : Manibhai K. Prajapati Paramarsaka : Prof. Dr.T.S.Nandi, Prof. Dr.M.I.Prajapati, Prof. Dr.A.I. Thakor Publisher : Prof. Dr.A.M.Prajapati Sanmananidhi c/o.Manibhai Prajapati F1/6, Officers’Flats,H.N.G.U.Patan University Road,Patan-384265 Gujarat First Edition : 2005

*************************************************** 

ડૉ. મનહરકુમાર એ. મકવાણા
દગાવાડિયા, વિસનગર


Previous index next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us