logo

ગુજરાતી નવલકથાઓમાં જીવલેણ રોગોના ભોગ બનતાં પાત્રોનો મનોસંઘર્ષ: એક અભ્યાસ



હે પ્રભુ.
સંજોગો વિકટ હોય ત્યારે સુંદર રીતે કેમ જીવવું તે
મને શીખવ
બધી બાબતો અવળી પડતી હોય ત્યારે હાસ્ય અને આનંદ
કેમ ન ગુમવવાં તે મને શીખવ
ચારે બાજુથી મુશ્કેલીઓ ઘેરી વળે
શ્રધ્ધા ડગુમગુ થઇ જાય
નિરાશાની ગતૉમાં મન ડૂબી જાય
ત્યારે ઘૈયૅ અને શાંતિથી તારી કૃપાની પ્રતીક્ષા કેમ કરવી,
તે મને શીખવ.
(‘પરમ સમીપે’- માંથી)

    આજે વિશ્વમાં અસાધ્ય રોગોની સંખ્યા વધતી જાય છે. જન્મ અને મરણ ઇશ્વ્રર પર આધારિત છે. મોતની અનિશ્વિતાથી મનુષ્ય સતત ચિંતત રહે છે. કથાસાહિત્યમાં જીવલેણ રોગોને કેન્દ્ર સ્થાને રાખી સાહિત્યકારો જીવનનું રહ્સ્ય, જીવનની સાથૅકતા, મરણની અનિશ્વિતા સામેનો મનુષ્યનો પુરુષાથૅ આલેખ્યો છે.તેમાં માનવી પોતાનાં ભાવિ સંકટોને નિવારી શકતો નથી. પરંતુ દુ:ખ સામે રોદણા રડવાં કરતાં રોગ સામે ઝઝૂમવું કઠીન કામ છે. જીવનની હતાશા-નિરાશા નિરુપવાને બદલે પાત્રોની ભાવસંવેદનની સાહિત્યકારોએ અભિવ્યકિત કરી છે. મોટા ભાગની કથાવસ્તુ સત્ય ઘટના પર આધરિત છે. જીવનની વાસ્તવિક્તાને સ્વીકારી દરેક વ્યકિત માટે સરળ નથી હોતી. રોગિષ્ટ સાથે જોડાયેલાં સ્નેહીજનોની સંવેદનાને સમજવી, તેમની લાગણીને માન આપવાં માટે પોતાના દદૅને પચાવું સહજ નથી. આ અભ્યાસલેખમાં મીરાં અને નીતા કૅન્સર, સંજયને લ્યુકેમિય, ઉદયનને પોલિયો, સત્યને ક્ષય, રૂપાને રકતપિત્ત તથા પ્રો. અરામ શાહ પૅરેલિસિસ .....આ રોગિષ્ટો જીવનને એક જંગ તરીકે સ્વીકારી છે. તેમનાં જીવનની પ્રાણરૂપી નૈયાને હિંમતના હલેસાંથી કિનારે પહોંચાડે છે. એમનો સંઘષૅથી આજે નાસાપાસ થતાં મનુષ્યને પ્રેરણા મળશે.

    દિલીપ રાણપુરા કૃત ‘મીરાંની રહી મહેક’- ની નાયિકા સવિતાને કેન્સર રોગની માથામાં ગાંઠ થયેલ છે. શરુઆતમાં પીડા સહન ન થતાં રડે ભગવાન પાસે મોત માંગે છે. લૅબોરેટરીના રીપૉટ તથા ડૉકટરના અભિપ્રાય પરથી રોગનું નિદાન થઇ જતાં આંસુ સારવાને બદલે મનોમન સંકલ્પ કરે છે. મનને મજબૂત કરી રોગ સામે લડે છે. પોતે દુખી થઇ કુટુંબીજનોને પીડા આપવા માગતી નથી તેથી બાકી રહેલી જીદંગીના દિવસો ખુશીથી વીતાવે છે. માથામાં આવતાં સણકાની પરવાં કયૉ વિના હાસ્યને પ્રેરકબળ બનાવી દે છે. પતિ પણ સવિતાનો નવો અવતાર જોઇ આશ્ચર્ય પામે છે સગાંસંબંધી આગળ રોગનો અણસાર પણ આવવા દેતી નથી. લોકો પાસેથી સહાનુભૂતિ મેળવી તેના કરતાં ખુમારીનું જતન કરવું મુશ્કેલ છે. હૂંફાળા હૈયાની સુવાસ વાતાવરણને પુલકિત રાખવામાં મદદરૂપ બને છે. પતિ સવિતાને રોગમાંથી મુકિત અપાવાં અન્ય વૈધ તથા દેવી-દેવતાંનો આશરો લે ત્યારે સવિતા રોગની વાસ્તવિકતા રજૂ કરે છે. ‘’ કાળના ધસમસતા પ્રવાહને હું જોઇ શકું છું. એ પ્રવાહમાં રહેલી બિદું જેવી ક્ષણ મારી સામે તાકી રહી છે..... એવી અનુભૂતિ થાય છે કે જાણે વર્ષોથી હું એ ક્ષણને આત્મસાત કરતી આવી છું અને જે આત્મસાત થઇ ગયું છે એનાથી ડરવાનું કેવું ? ” (પૃ. 345 ‘‘મીરાંની રહી મહેક’) સવિતા પોતાના મૃત્યુ સમયે આનંદ લહેર અખંડિત થવી ન જોઇ તેથી પતિ પાસે વચન લે છે અશ્રુમય ચહેરાથી મને વિદાય આપતાં ન નહિ. મારા મૃત્યુ સમયે સહભાગી થનારને ગુલાબ આપજો. મોતને પણ ઊજવે છે. દુ:ખને પચાવી જીવન જીવું મુશ્કેલ છે, પણ અશકય નથી. મોતને ઉત્સવ બનાવું તો મીરાં કરી શકે.

     યોગેશ જોષી કૃત “ વાસ્તુ ’’- કૃતિનો નાયક સંજય લ્યુકેમિયના અસાધ્ય દર્દથી પીડાય છે. તનથી હારેલો પણ મનથી મજબૂત છે,તેથી કુટુંબીજનોને આધાર છીનવાઇ જાય માટે ઘર બનનાવાની જીજીવિષા રોગ સામે પડકારરુપ લડત છે. રોગના ઇલાજ કરવાં માટે પૈસા વાપરવાં તેના કરતાં ઘરનું બાધકામમાં પૂણૅ કરવાં સંજયનું જીદ્દી વલણ પત્નિને અકળાવે છે. પોતાનું મરણ થતાં સંસ્થાનું મકાન ખાલી કરવું પડશે, પોતાનો આધાર છીનવાઇ જશે પણ તેની સાથે ઘર વિના કુટુંબીજનનો લાચાર બને નાયકને પસંદ નથી. પરિવારની ચિતાં મુખ્ય બનતાં રોગ ગૌણ સ્વરૂપ લઇ લે છે.સંજય જીવન અને મૃત્યુને પેલે પારથી આવતાં મૃત્યુનાં સંકેતો ઝીલી શકે છે, તેનો અણસાર પત્નિ તથા માંને પહોચવાં દેતો નથી. સંજયની કતૅવ્ય નિષ્ડાથી જીવનની પ્રત્યેક ક્ષણ આનંદની લહેર લઇને આવે છે. ભાવુક બન્યાં વિના પુત્રને નૈતિક હિંમત આપે છે. સંજયની ચૈતસિક ગતિવિધિ અને વાણીવતૅનની લાક્ષિણક પળો સભાનતાંપૂવૅક લેખકે આલેખી છે. માદંગીમાં શરીર વાચા આપી દે છે, પરંતુ વાણીનો રણકાર ટકાવી રાખે છે. ‘’મરણ ભલે ગમે તે સ્વરુપે અને ગમે તે ઘડીએ આવે…. હું એની સાથે દ્વંદ્વ ખેલીશ ... બેય હાથે મુક્કા મારીશ એના મોં પર... મારી બધીયે શકિત એકઠી કરીને પછાડીશ એને ... મરણના પહાડ્ને ધક્કા મારી મારીને પાછો ઠેલવાનો.’’ ઘરનું વાસ્તુ પૂજન પૂણૅ થતાં જીવનનો મમૅ પ્રાપ્ત થાયનો અનુભવ ચહેરા પર ઝળહળી ઊઠે છે. નાનાં નાનાં સુખોનો સરવાળો રોગની વેદનાને ઓગાળી નાખે છે. ‘’…શરદી-કફ-જીણૅ તાવને ડામવામાં તે શી બહાદુરી ? કેન્સર જેવો રોગ હોય તો એની સામે ઝઝૂમવામાં ....’’ (પૃ.26 ‘વાસ્તુ’) અંતે મૃત્યુ પછી તુલસી નહિ ચમેલીની સુવાસની અપેક્ષા રાખે છે. આપ્તજનો વચ્ચે હંમેશા પોતાનું સ્થાન આજે પણ જીવીત છે.

    ચંદ્વકાન્ત બક્ષી રચિત “પૅરેલિસિસ” નો નાયક પ્રો. અરામ શાહ પૅરેલિસિસનો ભોગ બનેલ છે. નવલકથાની શરૂઆતમાં પત્નિ ગર્ભાશયના અલ્સરના રોગથી પીડાય ત્યારે ખુમારીપૂર્વક પોતાના જીવનનો અંત પાંચ મિનિટમાં આવેશે તેવી ભવિષ્યવાણી ઉચ્ચારે છે. પુત્રી અપઘાત કરે અને પત્નિનું મરણથી નાયક નાસીપાસ થઇ હિલસ્ટેશન પહોંચે પરંતુ મન તંદુરસ્ત પણ શરીર લકવાગસ્ત બને. આતુરતાથી મોતની રાહ જુએ ત્યાં આશિકા મેટ્રન અગિયાર વષૅમાં વિધવા બન્યાં છતાં ભીતરમાં વેદનાનાં ડૂસંકા છુપાવી હાસ્ય જીવનનું શસ્ત્ર બનાવે જીવનને પ્રત્યેક ક્ષણ આનંદમાં વીતે છે તેની નૈતિક હિંમતથી અરામ શાહ અશકત શરીરથી નાસીપાસી થયાં વિના મનથી રોગ સામે લડાઇ આપે છે. એકલતામૂલક મનોવેદના પ્રસંગોપાત નાયકના ચરિત્રચિત્રણમાં વેદના ઘૂંટાઇને વધુ ઘેરી બને છે. અડઘું શરીર કામ કરતું બંધ થઇ જાય ત્યારે લાચારી ધેરી વળે છે. જીવતી લાશ સાથે કામ પાર પાડવુ મુશ્કેલ નહિ અશક્ય છે. ‘’જીવવું પડશે, જીવવું પડશે, જીવી નાખવું પડશે. માણસ ન જીવવાનો પ્રયોગ કરી શકતો નથી.......(પૃ.154 ‘પૅરેલિસિસ’) રોગ સામે વિજય મેળવે પરંતુ મનની એકલતાં પીછો છોડતી નથી. નાયકની વેદના સવૅત્ર બને છે. આતુર બની મોતની રાહ જોવી, સમય થીજી જતો હોય છે.

    ‘ ચિહ્ય’ – નવલકથામાં લેખક ધીરેન્દ્વ મહેતાએ પોલિયોને કારણે અપંગ બની ગયેલા ઉદયની વેદનાકથા આપણા માટે પ્રરેકરૂપે આલેખી છે. જીવન જીવવાની જીજીવિષા ગમે તેવાં રોગને જીવનનો એક હિસ્સો બનાવે છે. મારે પગનું કામ હાથ વડે કરવાનું છે આ પ્રતિજ્ઞાને વળગી રહવાનો નિણૅયને ઉદયન પાર પાડે છે. રોદણાં રડવાં કરતાં જીવન જીવનની શૈલી બદલવાથી જીવનનું સૌંદયૅ પ્રાપ્ત કરવાનો સંઘષૅ ઉદય આરંભે છે. અપંગ માણસની કરુણ દશા કરતાં લોકોને સહાનુભૂતિ વધારે હદયને ઠેસ પહોંચાડે છે. દુખમાં ભાગીદાર જન્મદાતા બને ત્યારે તેના હદયની ભીનાસ પુત્રને સ્પશી જાય છે. વધારે ઉદયની માંની સંવેદના વેધક બનતાં રોગ સામે લાચાર બને છે. રોજિંદા જીવનની નાની પ્રતિકિયાઓ કાયૅસાધક બનતાં વ્યાકુળ બને , પોતાની સૂઝબૂઝથી માંની મદદ વગર સરળ બનાવાનો સંઘષૅ નોંધપાત્ર છે. અંતે શરીરનું સંતુલન જાળવતાં ઉદય શીખી લે છે, જીવનદષ્ટિનું લક્ષ્ય બદલાય છે. લાગણીના સ્થાને વાસ્તવિકતા સ્વીકારે છે. આંતર-બાહ્ય પરિસ્થિતિનું વિવરણ કરતાં લેખક નિરૂપે છે. ‘’ મેં જાતને પણ નિભંગી નથી, પેલા વિષાદે જ શબ્દસ્થ થઇને સ્વરૂપ બદલ્યું હોય એવો ભાસ થયો....... મૃત્યુ મૃત્યુ કરતાં જીવનને સ્વીકારી બેઠાં !’’ (પૃ.287 ‘ચિહ્ય’)

    વષૉ અડલજાની ‘અણસાર’ નવલક્થાની નાયિક રૂપા રકતપિતની રોગિષ્ટ છે. સાસુ વનલત્તા સામાજીક કાયૅકર અને પતિ ડૉક્ટર છે. નિદાન બાદ રોગ જાહેર થતાં રૂપાને સહાયરૂપ થાવાંને બદલે હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવે છે. ત્યારબાદ કુટુંબીજનો શહેર છોડી મુબંઇમાં સ્થિર થાય છે. મનુદાદા અને સિસ્ટર જેસિકા સહાયરૂપ બને છે. પ્રાથૅનાના બોલ ‘’ સુખમાં કદી છકી નવ જવું, દુ:ખમાં હિંમત ન હારવી’’ જીવનસૂત્ર બને છે. સારવાર દરમ્યાન રૂપાને અકસ્માત નડે, છતાં ઇશ્વર ધીરજની કસોટી લે છે. મન સાથે સમધાન કરી સ્વજનો તરફથી જાકારો મળવા છતાં રોગ સામે લડત આદરે છે. અંતે વિજય પ્રાપ્ત થાય અને કુંટુંબીજન સાથે મિલન. રૂપા લાગણીવશ થયા વિના રકતપિત્તના દદૅની સેવામાં જીવન અપીત કરે છે.અંતે રૂપા નિવેદન આપે છે. ‘’ જિંદગીથી હારણ થઇ જે દદીઓ અહીં આવે છે એમના રોગની સારવાર તો થાય છે પણ એમનાં ઉઝરડાયેલાં મન પર રૂઝ લાવવાની છે. કોઇએ મારો હાથ પકડયો હતો હવે મારે બીજાનો હાથ પકડવાનો છે. દીવાથી દીવો પેટે છે.’’ (પૃ.342 ‘અણસાર’)

     ‘મૃત્યુ મરી ગયું’ – નવલકથામાં કૅન્સરના રોગની ભોગ બનેલી દિકરી સાથે જોડાયેલી માંની સંવેદના લેખિકાએ નિરૂપી છે. આ નવલકથાની રચના ઉષા શેઠે કરી છે. દીકરીની વ્યથા માં પોતે અનુભવે છે. ક્ષણે ક્ષણે મોતને નજીક જઇ રહેલી દીકરીની વ્યાકુળતા માંનું આંતરમન ચિત્કારે છે. દીકરી માંને પોતાની વેદનાથી અડગી રાખવાં માટે સતત પ્રયત્નશીલ બને છે. ભગવાને આ કેવું સમીકરણ રચ્યું છે. જે માંએ જન્મ આપ્યો, તેના આવવાથી જીવન આનંદમય બન્યું, જેના કલ્લોલથી માંના જીવનમાં મધુરતા ખીલી છે. એ સુવાસનું અસ્તિત્વ છીનવાઇ જશે, તેના ભયથી માં સતત ફફળતી રહી છે. ટૂંકમાં કૅન્સરના દદૅની વેદના અને મૃત્યુની સભાનતાને કારણે જીવન-મૃત્યુવિષયક વાસ્તવિકતા અને નિભ્રાન્તિની વેદના માં અને દીકરીના પાત્ર દ્વારા આંતરમનની સંવેદનાને અહીં વાચા મળી છે. નીતાનું શરીર મરી રહ્યું હતું. પણ એની ચેતના માંની મમતામાં જીવતી હતી- ‘’એના વિના હું નિરધાર બની હતી, જીવન સૂનું થઇ ગયું હતું. પહેલાં અહમ ઘવાયું હતું, પછી લાગણીઓ, તું, મારી નીતું, મને સાવ જ આમ ત્યજી દે ? ના, ના. એ શકય નહોતું, તેં ભલે મારો હાથ છોડયો હતો, પણ સાથ નહોતો છોડયો.’’ (પૃ. 198 ‘ મૃત્યુ મરી ગયું’)

     રાવજી પટેલ કૃત ‘અશ્રુઘર’- નો નાયક સત્યા ક્ષય રોગના શિકાર બન્યાં છે. તેમનો મનોસંઘષૅ નિરૂપતાં લેખકે દવાખાનાના પ્રસંગો મૂકી આપ્યાં છે. યુવાન વયે પત્નિનું સુહાગ છીનવાઇ જવાની વેદનાથી લેખક જીજીવિષા માટેના પ્રયત્ન કરે છે. જે પોષતું તે મારતું કુદરતનો ક્ર્મ સામે આક્રોશ પણ વણૅવ્યો છે. માનસિક સંઘર્ષ સવિષેશ છે. અંબુભાઇ પટેલ વિવેચન કરતાં જણાવે છે: ‘ આ રીતે એની વેદનાનું મૂળ જ પેલી જીવનની અઘૂરપ, જીવનની પળો વ્યાપેલશૂન્યાવકાશ કે રિકતતા જ છે. એ પોતે જ કહે છે ને એ પોતે ટેકા વિનાના ઘર જેવો છે. પોતે એકડા વિનાના મીંડા જેવો છે. (પૃ.83 ‘વિવક્ષિત’ ) ‘વિવૃત’- માં કોઢના દદૅની મનોવ્યથા નિરૂપી છે. રોગ તો જીવનમાં નિમિત્ત છે પરંતુ કુટુંબીજનો પાસેથી સહાનુભૂતિ ન મળેતો માણસ નાસીપાસ થાય છે. જીવન બોજ રૂપ લાગે છે. ક્યારેક માણસને લાગણીનો અતિરેક જીવનશૈલીમાં અવરોધ ઉભા કરે, નાયક મનોરોગનો શિકાર બને છે. મોત નિશ્ચિત હોય તેની પ્રતિક્ષા કરવી, શ્વાસની ઘડકનની ગણતરી સહેલી નથી.

     જીવલેણ રોગના ભોગ બનતાં પાત્રોમાં માનવીના સ્વભાવની વિલક્ષણતાઓ અને નબળાઇઓ, તેમના હ્દયની ભાવનામયતા અને ભાવસંપદ, તેના પારિવારિક-સામાજિક સંબંધોની જટિલતા અને ચૈતસિક વ્યાપારોની ચિત્રવિચત્ર ગતિવિઘિને દરેક લેખકોએ ઉદાહરણ સહિત સમજાવાનો પ્રયત્ન કયૉ છે. મોત નિમિત્ત છે, ખુમારીપૂર્વક જીવું અને રોગને પચાવું મુશ્કેલ છે, અશકય નથી. મોત સામેનો તમામ રોગિષ્ટ્ની નૈતિક હિંમત અને મન સાથે સમઘાન દાદ માગી લે છે. મનુષ્ય પોતાનાં કર્મને સબળ બનાવવા આજની સમયની માગ છે. મોતની રાહ જોવી તેનાં કરતાં જીવનને શણગારવું જરૂરી છે. આજની પેઠીને જીવનની સચ્ચાઇ સમજાવી જોઇએ.

‘‘ મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં....
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં....’’
(પૃ. 51 ‘અંગત’)
રાવજી પટેલ

સંદર્ભ નોંધ:

પુસ્તકનું નામ લેખકનું નામ
1 અણસાર વષૉ અડાલજા
2 અંગત રાવજી પટેલ
3 અશ્રુઘર રાવજી પટેલ
4 ચિહ્ન ધીરેન્દ્વ મહેતા
5 પૅરેલિસિસ ચંદ્વકાન્ત બક્ષી
6 મૃત્યુ મરી ગયુ ઉષા શેઠ
7 મીરાંની રહી મહેક દિલીપ રાણપુરા
8 વાસ્તુ યોગેશ જોષી
9 વિવક્ષિત અંબુભાઇ પટેલ

*************************************************** 

ડૉ.નાઝીમા આર. શેખ
ગુજરાતી (ઇન્ચાજૅ આચાયૉ)
એસ.બી.મહિલા આટ્રૅસ કોલેજ,
હિંમતનગર.

Previous index next
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |    Powered By : Knowledge Consortium of Gujarat
Home  |   Archive  |   Advisory Committee  |   Contact us