ગન્ધર્વરાજ પુષ્પદન્ત રચિત ‘शिवमहिम्नः स्तोत्रम्’ માં સામાસિક પદજન્ય ચમત્કૃતિ
પ્રસ્તાવના :
રત્નની વ્યાખ્યા છે, जातौ जातौ यदुत्कृष्टं तद्रत्नमिति कथ्यते। તે વ્યાખ્યા મુજબ જે સ્તોત્ર રત્ન કહી શકાય અથવા ભગવદ્ગીતાના વિભૂતિયોગને અનુસરીને स्तवनानां महिम्नोऽहम् એવું જેનું વર્ણન કરી શકાય તેવું જો કોઈ સ્તોત્ર હોય તો તે છે પુષ્પદન્ત વિરચિત મહિમ્ન સ્તોત્ર. તે અત્યન્ત પ્રાસાદિક, મધુર, અલ્પાક્ષર પણ બહ્વર્થપૂર્ણ, કવિત્વભર્યુ, પાણ્ડિત્ય પ્રચૂર અને ઉત્કટ ભક્તિભાવથી ઓતપ્રોત છે. તેની ભાષાશૈલી અનોખી છે. તે આયુષ્ય, આરોગ્ય, ધનસમૃદ્ધિ જેવા ઐહિક અને મોક્ષ સુધીના પરમાર્થિક ફળ આપે છે આ ઉપરાન્ત તે વૈદિક સૂક્તોની યોગ્યતાનું મનાય છે, એ તેની મહત્વની વિશિષ્ટતા છે. ઉચ્ચારણની કઠિનતાને લીધે કે અન્ય કારણોને લીધે જ્યાં વેદોક્તસૂકતનો ઉપયોગ કરી શકાતો નથી ત્યાં મહિમ્નસ્તોત્રનો ઉપયોગ કરવાની પદ્ધતિ જૂના કાળથી ચાલતી આવી છે. ગન્ધર્વરાજ પુષ્પદન્તે રચેલુ આ સ્તોત્ર અપૌરુષેય વેદોક્ત સૂક્ત જેવી યોગ્યતાનું છે. એવી પરંપરાગત માન્યતા છે, એ વાત મહત્વની છે પૌરુષેય હોવા છતાં અપૌરુષેય વૈદિક સૂક્તો જેવી યોગ્યતા કેવળ મહિમ્નસ્તોત્ર જ ધરાવે છે. એવા આ અનન્યસાધારણ સ્તોત્રનો અર્થ સ્પષ્ટ કરનારી ટીકાઓ ઘણા વિદ્વાનોએ લખી છે. આજે ઉપલબ્ધ ટીકાઓમાં સર્વમાન્ય અને સૌથી પ્રસિદ્ધ ટીકા છે મધુસૂદન સરસ્વતીની ટીકા. તે ટીકાની વિશષ્ટતા એ છે કે તેમણે સ્તોત્રના શિવવર્ણનપરક અર્થની સાથોસાથ વિષ્ણુવર્ણનપરક અર્થો પણ કરી બતાવ્યા છે. અને એ રીતે શિવનો અને વિષ્ણુનો અભેદ બતાવ્યો છે. આ અભેદ બતાવવામાં એમણે જે આયાસ કર્યો છે. તેનો મુખ્ય આધાર છે સામાસિક પદોના વિગ્રહો દ્વારા ઊભી કરાતી ચમત્કૃતિ. સમાસના વિગ્રહ થકી જ શબ્દોની લાક્ષણિકતાઓ અભિવ્યંજિત કરી શકાય છે. તેના દ્વારા જે વિવિધ અર્થચ્છાયાઓ પ્રગટ થાય છે- તે સંસ્કૃત ભાષાની આગવી વિશિષ્ટતા છે. શિવમહિમ્ન સ્તોત્રમાં સામસિક પદોના વિગ્રહ થકી બન્ને દેવોનો અભેદ બતાવવાની સાથોસાથ ટીકાકાર દ્વારા કરાવવામાં આવેલી રસાભિવ્યક્તિને કેટલાક ઉદાહરણો દ્વારા દર્શાવવાનો ઉપક્રમ આ મુજબ છે. महोक्षः૧ તે શ્લોકનો શિવપરક અર્થ છે હે વરદ, ઘરડો બળદ = (महान् उक्षा = महोक्ष) ખોપરીના મૂઠા વાળુ શસ્ત્ર (खट्वाङ्गम्= खट्वायाः अङ्गम् = वाङ्गम्) પરશુ, વાઘ કે હાથીનું ચામડુ = (अजिनम्) ભસ્મ, સર્પ = (फाणिनः) ખોપરી = (कपालं) એટલું જ આપનું કુટુમ્બ પોષણનું સાધન છે છતાં બધા દેવો આપના ભ્રુકુટિ વિક્ષેપોથી પ્રાપ્ત થયેલા ઐશ્વર્યને ધારણ કરે છે. કારણ કે આત્માનન્દમાં મગ્ન થયેલાને વિષયરૂપી મૃગજળ મોહિત કરતું નથી. આ જ શ્લોકનો વિષ્ણુપરક અર્થ આ મુજબ છે महः = તેજસ્વરૂપ, अक्ष = ચક્ર, ભસ્મની સમાન શ્વેત અને કોમળ અંગવાળા ફણી = શેષનાગના अजिन = શરીર, ત્વચાની શૈયા =(खट्वा) તથા એ જ શેષનાગના કેટલાંક ઊંચા ઉઠેલા અવયવનો તકિયો = कपाल અને પરશુ (અહીં રામાવતારના સન્દર્ભથી પરશુનો અર્થ કુઠાર = કુહાડી સમજવો) આટલા જ આપના તન્ત્રોપકરણો છે છતાં દેવો આપ દ્વારા પ્રાપ્ત કરાવડાયેલા ઐશ્વર્યને ધારણ કરે છે. કારણ કે આત્માનન્દમાં મગ્ન થયેલાને વિષયરૂપી મૃગજળ મોહિત કરતું નથી. અથવા विषयमृगतृष्णा = अविद्या સામાન્ય જીવોને જ વ્યામોહ પમાડે છે. પરન્તુ અનંત સત્ય, જ્ઞાનદાયાત્મક રૂપથી યોગીઓને પ્રેમના વિષય અને બિમ્બ સમાન રામરૂપ એવા આપને મોહિત કરતી નથી. અથવા તો આપને કેવી રીતે વ્યામોહ પમાડી શકે? એજ પ્રમાણે असिद्धार्था नैव क्वचिदपि૨ એ શ્લોકમાં કહ્યું છે, ‘હે ઈશ, જેના સતત જય પામનારા બાણોઓ દેવ, અસુર, માનવો સહિતના જગતમાં ક્યાંય અસફળ થઈને પાછા ફર્યા નથી, તે કામદેવે આપને બીજા દેવો જેવા સામાન્ય માન્યા તેથી તેનું અસ્તિત્વ કેવળ સ્મરણરૂપ રહ્યું (અર્થાત્ દેહ નાશ પામ્યો) કારણકે જિતેન્દ્રિય મહાત્માઓનો કરેલો અનાદર હિતકારક નીવડતો નથી. આ જ શ્લોકનો વિષ્ણુપરક અર્થ જોઈએ તો : હે અન્ય સાધારણ સમ્પૂર્ણ દેવોથી વિલક્ષણદેવ! જે કામદેવ પહેલા સ્મૃતિનો વિષયહતો તે આપને જોતો જોતો આપમાંથી જ ઉત્પન્ન થયો, પિતા જ સૌ પ્રથમ પુત્રને પ્રથમ જોતા હોય- એ જ રીતે પુત્ર પણ પિતાને જ જોતો હોય માટે पश्यन्नभूत – જોતા જોતા ઉત્પન્ન થયો. અહીં ભગવાન વિષ્ણુ અને કામદેવમાં કાર્યકારણ ભાવ પ્રતીત થાય છે એ કામદેવ કેવા ઉત્પન્ન થયા? જે આપના જેવા જ હતા – “आत्मा वै पुत्रनामासि” આ શ્રુતિ અનુસાર પિતા જ પુત્ર રૂપે ઉત્પન્ન થાય છે. અહીં પ્રશ્ન થાય કે શું કામદેવ સર્વાંશે ઈશ્વરતુલ્ય છે? જો હા કહો તો જે પરમાત્માનો મહાયશ જગતમાં વિલસી રહ્યો છે તેની તો કોઈ તુલના કરી શકે તેમ નથી એ પરમાત્મા જેવો અથવા તેનાથી વધારે યોગ્યતાવાળુ કોઈ છે નહીં એવી શ્રુતિનો વિરોધ થશે. તેનું સમાધાન એ છે કે સંર્વાંશે તુલ્ય નહીં પણ વિલક્ષણ છે કારણ કે પરિભવ કરે છે અર્થાત્ અનર્થમાં પ્રેરે છે – એવી વ્યુત્પત્તિથી પરિભવ શબ્દનો અર્થ કામદેવ છે. અર્થાત્ કામદેવ બધા પ્રાણીઓને માટે સંસારબંધનનો હેતુ છે જ્યારે પરમેશ્વર તો બધા સંસાર બંધનના અત્યન્ત વિનાશનો હેતુ છે એ રીતે મોટી વિલક્ષણતા છે. हरिस्ते साहस्त्रं कमलबलिमाधाय૩ એ શ્લોકનો શિવ પરક પ્રસિદ્ધ અર્થ છે. હે ત્રિપુરહર, શ્રી વિષ્ણુ આપના ચરણોમાં સહસ્ત્રસંખ્યાત્મક કમલોનો ઉપહાર અર્પણ કરતા હતા તેમાં એક કમળ ઓછું થયું ત્યારે તેમણે પોતાનું નેત્રકમળ ઉખાડી આપને ધર્યું. આ તેમની ભક્તિની પરાકાષ્ઠા સુદર્શન ચક્રના રૂપમાં પરિણમી અને ત્રણે ભુવનોના રક્ષણ માટે તે સતત જાગ્રત રહે છે. અહીં વિષ્ણુપરક અર્થ લેતા त्रिपुरहर અર્થાત્ ભક્તોના જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ નામના ત્રણ નગરોને સ્વસાક્ષાત્કારથી હરે છે માટે ત્રિપુરહર છે. હરિ અર્થાત્ ઈન્દ્રએ આપના ચરણમાં સહસ્ત્રનેત્ર કમળો ભેટ રૂપે ધર્યા. કેવી રીતે... તો આપને પ્રણામ કરતી વખતે જ્યારે ઈન્દ્ર આપના ચરણો પર ઝૂક્યા ત્યારે તેના સહસ્ત્ર નેત્રોએ આપના ચરણોના દર્શન કર્યા. માનો કે સહસ્ત્ર નેત્રરૂપ કમળોની ભેટ ધરી. આ ચરણદર્શન રૂપી આરાધનાનું ફળ એ મળ્યું કે તે ઈન્દ્ર સ્વર્ગના અધિપતિ બન્યા અને એ જ ભક્તિનો ઉદ્રેક દેવોના સૈન્ય, ઐરાવત, ઉચ્ચેશ્રવા વગેરેમાં પરિણમ્યો. કારણ કે સમુદ્રમંથનમાંથી જ લક્ષ્મી, અમૃત વગેરેની ઉત્પત્તિ થઈ અને એ જ ત્રણેય લોકની રક્ષા માટે સદા જાગ્રત રહે છે. એ જ રીતે स्मशानेष्वा क्रीडा स्मरहर पिशाचाः सहचराः૪ એ શ્લોકનો સર્વવિદિત અર્થ છે. હે સ્મરહર (કામદેવના નાશક), હે ઈપ્સિત વરદાન આપનાર, સ્મશાનોમાં આપનો વિહાર હોય છે ત્યાં પિશાચ પણ આપના સહચર હોય છે. ચિતાની ભસ્મ આપનું અંગ વિલેપન હોય છે. માણસોની ખોપરીઓનો સમૂહ આપની માળા છે. એવી રીતે આપનું બધું ચરિત્ર ભલે અમંગલ લાગતું હોય તો ય આપનું સ્મરણ કરનારાઓને માટે આપ મંગલપ્રદ છો. જ્યારે હરિપક્ષે આ શ્લોકનું અર્થઘટન કરીએ તો स्मर्तृणां અર્થાત્ યાદ કરનારાઓનું ચરિત્ર ભલે અમંગલ હોય તો પણ તેમના માટે આપ પરમ મંગલ રૂપ જ છો ઉપરાન્ત ગીતામાં પણ કહ્યું છે કે પુરુષ ગમે તેટલો દૂરાચારી કેમ ન હોય પણ તે અનન્ય ભક્ત થઈને મારું ભજન કરે તો તેને સાધુ સમજવો જોઈએ. કારણ કે તે યોગ્ય માર્ગે જઈ રહ્યો છે. રામાયણનો પણ સન્દર્ભ છે કે ‘सकृदेव प्रपन्नाय तवास्मीति च याचते।’ એ મારો નિયમ છે કે જે પુરુષ એકવાર પણ મારા શરણે આવે છે તેને તથા તેવા બધા જ પ્રાણીઓને હું અભય (=મોક્ષ) આપું છું. અથવા તો तव नाम स्मर्तृणाम् એવો અર્થ લઈએ તો નામ માત્ર સ્મરણ કરનારા ભક્તો માટે પણ આપ પરમ મંગલરૂપ છો. તો પછી જે આપનું પ્રયત્નપૂર્વક સ્મરણ કરે છે તેમના માટે તો પૂછવું જ શું? (તેમનો તો આપ ઉદ્ધાર કરો જ) જે अखिल અર્થાત્ નિષ્ફળ खिल નથી તે. સર્વત્ર સફળ એવું આપનું નામ છે. અત્યન્ત પાપી એવા અજામીલ વગેરેએ પુત્રનું નામ નારાયણ હોવાથી મરણની પીડાથી શિથિલ બનેલી ઈન્દ્રિયોને કારણે મન્દ રીતે માત્ર નામોચ્ચારણ કરવાથી પણ સર્વપાપક્ષયપૂર્વકના પરમ પુરુષાર્થની પ્રાપ્તિ થયેલી સાંભળી છે. स्मशानेषु ઈત્યાદિ રૂપકોથી ભક્તોના અમંગલ શીલનું વર્ણન સૂચિત છે. અર્થાત્ સ્મશાન જેવા સદા રોદન પ્રધાન ઘરોમાં થોડી ક્રીડા અર્થાત્ અલ્પકાલીન વિષયજન્ય તુચ્છ સુખની પ્રાપ્તિ અને स्मरहर पिशाचा सहचराः સ્મરણ અર્થાત્ स्मरहर = શાસ્ત્રીય આત્માનાત્મ વિવેકને હરી લેનારા પિશાચ જેવા પુત્ર,ભાર્યા વગેરે. જેમ પિશાચો આવેશમાં જ્ઞાનનો લોપ કરીને પુરુષને અનર્થમાં જોતરે છે. એવા જ પુત્ર, ભાર્યા વગેરે ગણવા. સ્મરહર જેવા પિશાચો જ સહચર છે. અર્થાત્ વૈરી જેવુ આચરણ કરનારા સ્મરહર અને પિશાચરૂપ ભાર્યા,પુત્રો પણ સહચર છે સાથે રહે છે. છોડતા નથી. તથા चिताभस्मतुल्य आलेपः અર્થાત્ વિષ્ટા,મૂત્ર વગેરે નિન્દિત વસ્તુઓથી પરિપૂર્ણ આ શરીરનું ચન્દન વગેરેનો લેપ પણ અતિનિન્દિત જ છે. વળી, પુષ્પમાળા પણ પિશાચ તુલ્ય ભાર્યા વગેરેના વિનોદનો હેતુ હોવાથી તે પણ મનુષ્યની ખોપરીની માળા સમાન જ છે. अपि શબ્દથી વિષયસંગી પુરુષોના બીજા ચરિત્રો પણ અમંગલ રૂપ જ છે. એવા અમંગળ શીલવાળા પુરુષો પણ જો આપનું કે આપના નામનું સ્મરણ કરે તો આપ સ્વયં મંગલરૂપ ધારણ કરીને એને દર્શન આપો છો. આપનું આ અતિભક્તવાત્સલ્ય આશ્ચર્યકારક છે. ઉક્ત લેખમાં આલેખેલ શ્લોકમાંના સામાસિક પદો : આમ શ્રી મધુસૂદન સરસ્વતીજીએ શિવમહિમ્ન સ્તોત્ર પરની તેમની ટીકામાં શિવપરક અને વિષ્ણુપરક અર્થો બતાવી અને દેવો વચ્ચેનો અભેદ સુન્દર રીતે પ્રગટ કર્યો. કદાચ પુષ્પદન્તને પણ બન્ને દોવોની સ્તુતિ અભિપ્રેત હશે! છતાં મધુસૂદની ટીકાનું અનુશીલન કરતાં એ કહેવાનું મન થાય કે અન્ય સ્તોત્રો પણ પ્રચલિત અને પ્રખ્યાત હોવા છતાં શિવમહિમ્ન સ્તોત્ર પર રચાયેલી ટીકાઓની મહત્વ પ્રગટ કરે છે સાથોસાથ સંસ્કૃતભાષાનું સૌષ્ઠવ વધારે છે તે કહેવામાં જરાય અતિશ્યોક્તિ નથી. સન્દર્ભ ગ્રન્થ સૂચિ.
*************************************************** પ્રા.ર્ડા. કિન્નરી ડી. પંચોલી |
Copyright © 2012 - 2024 KCG. All Rights Reserved. |
Powered By : Knowledge Consortium of Gujarat
Home | Archive | Advisory Committee | Contact us |