logo
Untitled Document

ભારતીય સંસ્કૃતિ દર્શન : ‘તત્ત્વમસિ’

સાહિત્યક્ષેત્ર તેના ઉદગમકાળથી જ વાદ-વિવાદની સરાણે ચઢતું આવ્યું છે. અલબત આવા જ કારણથી સાહિત્ય જગતે અવનવા પ્રવાહો જોયા છે, સોપાનો સિદ્ધ કર્યા છે, વિધ-વિધ સંસ્કૃતીને સાચવી રાખી છે, જીવન પ્રત્યેના અભિગમો રચી આપ્યા છે.- આ બધું જ જગત સાહિત્ય હોય કે પછી ગુજરાતી સાહિત્ય કોઈ જ બાકાત નથી. આજ લગી આ પરંપરા ચાલતી આવી છે. ગત સદીની જ વાત કરીએ તો સાહિત્ય જગત એટલા બધા વાદ-વિવાદોથી ઘેરાયેલું રહ્યું છે કે કોઇપણ સાહિત્યિક પ્રવાહને વ્યાખ્યાયિત કરવું દુષ્કર બની ગયું છે. અલબત મતમતાંતરો અને બદલાતી પરિસ્થિતિ વચ્ચે પણ સાહિત્ય કોઇ ને કોઇ રૂપે,રંગે રજુ થતું રહ્યું છે.એમાયે છેલ્લી પચ્ચીસીમાં આધુનિક,અનુઆધુનિક ,દલિતચેતના,નારીચેતના જેવા વલણ પણ પોતાનો આગવો સૂર પ્રગટાવતો રહ્યુ છે.આધુનિકોએ રૂપરચનાને એટલું બધું મહત્વ આપ્યું કે સમાજનું, સંસ્કૃતિનું પ્રતિબિંબ એવી નવલકથા જેવા સ્વરૂપે ઘણું બધુ સહન કરવુ પડ્યું. આવા સમયે ધૃવભટ્ટ  ‘તત્વમસિ’ દ્વારા સાંસ્કૃતિક ચેતનાનો સાદ લઇને આવે છે. જેમાં સમાજાભિમુખ દ્રષ્ટિકોણની સાથે સાથે જીવાતા જીવનને આલેખવા લેખકે મથામણ કરી છે. રૂઢને આલેખીને માનવજીવનની સંવેદનાઓ, તેના પોતિકા વિશ્ર્વની તાસીર કલાત્મક રીતે રજુ કરી છે. આવા ભર્યાભાદર્યા સાંસ્કૃતિક સંદર્ભોને લઇને આવતી ‘તત્વમસિ’ આપણને તેના અરણ્યમાં વિગલીત થઇ જવા મજબુર કરે છે.

સાંસ્કૃતિક ચેતનાની મશાલ ઝલતી રાખનાર ધૃવ ભટ્ટ ‘તત્વમસિ’ દ્વારા નવી ભાત ઉપસાવે છે. જીવાતા જીવનના નિજી સંવેદનોને લેખક સ્પર્શે છે. ‘તત્વમસિ’ માં નર્મદાતટ, તેની ચોગરદમ ફેલાયેલી પ્રકૃતિ, નર્મદામૈયા અને અરણ્યની ગોદમાં શ્ર્વસતું લોક, તેમની શ્રદ્ધા, સંવેદનો, સરળતા વગેરેથી ધબકતા જીવનનું નિરૂપણ હ્રદય પર સીધી જ અસર ઉપસાવે છે. જેમ જેમ નવલનો કથાપ્રવાહ આગળ વધતો જાય છે તેમ તેમ હ્રદય અને ચીત્ત બન્ને આ તળજીવનમાં વિગલન પામતા જાય છે. પ્રસ્તુત કથાવસ્તુને આપણે આધુનિક પણ નહી કહીએ અને પ્રાચીન પણ નહી કહીએ, કહેવુ હોય્અ તો કહી શકાય કે નર્મદાતટે વસનારી ભલી ભોળી છતાં આપણી ધબકતી સંસ્કૃતિને વફાદારીપૂર્વક સાચવી બેઠેલી આદિવાસી પ્રજાની કથા છે.આ આદિવાસી પ્રજાને નથી જોઇતી આધુનિકતા, નથી જોઇતો બાહ્યાડંબર કે નથી જોઇતો ભૌતિક ઉપભોગ તેને માત્ર પ્રકૃતિની રમણીય ગોદમાં મહાલવું છે.આવી છે ‘તત્વમસિ’ની સંપદા. 

પ્રારંભમાં લેખક કથક દ્વારા ‘લે’ અને ‘આપી દે’ શબ્દોને નિમિત્ત બનાવીને પરંપરા,સંસ્કૃતિ અને સમયના વહેણમાં કથાને વહેતી મુકે છે. પરદેશ સ્થિત પ્રોફેસર રૂડોલ્ફ આદિવાસી સંસ્કૃતિના અભ્યાસ માટે કથકને ભારત જવા માટે આગ્રહ કરે છે. ત્યારે મુળ ભારતીય હોવા છતાં કથક આ કાર્ય માટે અણગમો બતાવે છે. પરંતુ પ્રોફેસરના આગ્રહને કારણે તે ભારત આવે છે. અહિ તેને આદિવાસી કલ્યણકેન્દ્ર ચલાવતી સુપ્રિયા (સુપરિયા) ભારતીય સાથે કામ કરવાનું બને છે. પૂર્વગ્રહયુક્ત ભારત આવેલો કથક ધીમે ધીમે નર્મદાતટના તળજીવનમાં ઢસડાતો જાય છે. કથક મૂળે ભારતીય હોવા છતાં પરદેશી વાયરાએ તેને તળપદના લોકજીવનથી દૂર કરી દીધો છે. જ્યારે સુપરિયા ભણેલ-ગણેલ અને કહેવાતા આધુનિક સમાજની પંગતમાં બેસી શકે એવી છોકરી છે. છતાં પણ તે આદિવાસી લોકને,ભારતીય સંસ્કૃતિને,તળપદમાં સચવાયેલા રીત-રીવાજોને, તેની સંવેદનાઓને જીવંત રાખવાની મથામણ કરતી જણાય છે. કૃતિમાં લેખક અરણ્યની હરિયાળી, પહાડોની હારમાળા, નર્મદામૈયાનું અનુપમ સૌંદર્ય વગેરેને વર્ણવવા પાત્રો દ્વારા સતત ભ્રમણ કરતાં રહે છે. વિનેશ અંતાણીની ‘ધુન્ધ ભરી ખીણ’ નવલકથા હોવા છતાં ભ્રમણગાથા હોવાનો અહેસાસ કરાવે છે તેમ ‘તત્વમસિ’ વાંચતી વખતે પણ થાય છે. અલબત રચનાવિધાન બાબતે થયેલા નાવિન્યની નોંધ લેવી ઘટે. ‘ત્ત્વમસિ’ માં લેખક સંવેદનશીલ પાત્રો અને રસિક વસ્તુસામગ્રી આલેખીને નવલકથા સ્વરૂપનું સત્વ જાળવી રાખવામાં સફળ થયા છે. 

નિવેદનમાં લેખક બે પ્રશ્નો પૂછીને કૃતિ દ્વારા કશુંક પામવાની મથામણ કરતાં હોય તેવો સ્પષ્ટ નિર્દેશ જોવા મળે છે. ‘જે જ્ઞાનનાં આધારરૂપ મનાતા લખાણોને સર્જનબળ પુરુ પાડ્યું હોય અને તેને જીવંત રાખવામાં સિંહભાગ પણ તેમનોજ હોય તેવું મને કેમ લાગે છે ?. ઉપરોક્ત પ્રશ્નનો પ્રત્યુત્તર લેખકને તેમનીજ કૃતિમાંથી કદાચ મળી આવે છે. – ‘આ દેશમાં દરેકે દરેક જણને એક અનોખી જીવનદ્રષ્ટી લોહિમાંજ મળે છે. રામાયણ – મહાભારત જેવી કથાઓ વાચ્યા વગર પણ તેની રજેરજ ખબર આ માટીમાં જન્મીને ઉછરતા માનવીને હોય છે. કોઇપણ ભાષાનો, કોઇપણ ઉંમરનો કોઇપણ જાતી કે પ્રદેશનો વાસી હોય પણ ભારતવાસી આ કથાઓ, ભલે પોતપોતાની રીતે જાણતોજ હોય છે. આ કથાઓનાં પાત્રોના વેદના,હર્ષ વિષાદ કે ઉલ્લાસને પોતાનામાં અનુભવતો હોય છે. કારણકે એ માત્ર કથાઓ નથી; જીવન અને તેની પરંપરાઓ છે.’ પૃ- ૬૯ 

આવી જ રીતે તેમને મુંઝવતો બીજો પ્રશ્ન –’અલગ ભાષા, જુદા રીત રિવાજો, જુદા ધર્મો, અને બીજી અનેક ભીન્નતાઓ વચ્ચે પણ આ દેશની ભાતીગળ પ્રજામાં કંઇક એવું છે જે દરેક માણસમાં સરખુંજ જડે છે. તે શું છે?. આનો ઉત્તર મને કહિંક ક્યારેક તો મળશે...’ 

ઉપરોક્ત બાબતે પણ લેખકે જે તે સંદર્ભે ચિંતન કરતાં જ રહ્યા છે. જેમકે ‘હું કોણ છું’ કદાચ આ પ્રશ્ન, આ પ્રશ્નનો જવાબ શોધવાની વૃત્તિ,આ દેખાય છે તે શું છે ? તે સમજવાની વૃત્તિ અને પોતે જન્મ જન્માંતરમાં, ઇશ્વરમાં, માયામાં,પામરમાં માને છે કે નહીં ? માને છે તો તે સત્ય છે કે નહીં ? તે શોધવાની વૃત્તિ જ આ દેશની ભાતીગળ પ્રજામાં સંતાઇને રહેલું પેલું સામ્ય છે.? આ માટીમાં જન્મ લેનારના લોહીમાં ધર્મ અને ધર્મથી ઉપરની અવસ્થા વચ્ચેની ભિન્નતાની સાદીસીધી સમજ ઉતારતું તત્વ પણ આ પ્રશ્ન જ છે. કોઇક જન્મમાં કરેલાં કર્મોના ઋણ સાથે લઇને જન્મતી, જીવતી આ પ્રજા હજારો વર્ષથી એકધારી ટકી રહી છે તેનું રહસ્ય પણ શું આ પ્રશ્નો જ હશે?’ પૃ – ૧૨૪ 

ઉપરોક્ત કથનમાં લેખકનું ચિંતનતો રજુ થાય છે પરંતુ તેની વિશિષ્ટતા એ છે કે તે ચિંતન લોકભોગ્ય, લોકોના વાસ્તવમાંથી આવતું સરળ શૈલીમાં નિરૂપણ પામેલું છે. આપણી ભુલાતી સંસ્કૃતિની યાદ અપાવવા લેખક ઠમઠોરતાં હોય તેવું તેના ચિંતનમાંથી નીપજી આવે છે. લેખકે તેના ચિંતનને આ લોકની જીવનરીતિ સાથે ગુંથી લીધું છે. ક્યારેક પુરિયાના વળગાડમાં,તો વળી ક્યારેક જોડિયા બિતુબંગાના અદભુત વ્યક્તિત્વસભર પ્રસંગોથી, ક્યારેક સાઠસાલીઓની જીવનશૈલી, ક્યારેક વ્યાઘનો જોડિયો તારો, ક્યારેક કાલેવાલી માંના રહસ્યમાં અને ક્યારેક ગંડુ ફકીરનો ધુની સ્વભાવ.આ બધાની આસપાસ ગુંથાતા પ્રસંગોને નિમિત્ત બનાવી લેખક પોતાનું ધ્યેય પાર પાડવામાં સફળ રહ્યાં છે. 

ચિંતનની સાથે બીજી એક બાબત પન અહીં ધ્યાનાકર્ષક છે. લેખકે ધર્મને મહત્વ ન આપતાં ભક્તિનો મહીમા ગાયો છે. જેમ ચિંતન તેમ ભક્તિભાવ પ્રગટ થતો રહ્યો છે. કથામાં સંસ્કૃતિની હિફાજત કરનારા વર્ગનું પ્રતિનિધિત્વ કરતા શાસ્ત્રીજીના મત અનુસાર આપણે સહુ ઇશ્વરના ભક્તો છીએ,ધર્મના નહીં. ધર્મ તો બાંધે છે,આજ્ઞાઓ આપે છે. આમ કરો, આમ ના કરો, આને સ્વીકારો, આને ના સ્વીકારો તેનું જ્ઞાન આપે છે. આપણે બધાં તો મુક્તિના સંતાનો છીએ. આવી ગુઢવાણી દ્વારા સાંપ્રત સમયની શ્રદ્ધાની વાત સહજતાથી નિરૂપણ પામી છે.  ‘બિહારી હું કે તું માત્ર ઇશ્વરના ભક્તો છીએ ધર્મના નહી, આ આખો દેશ આ રીતે જીવે છે‘ બોલીને શાસ્ત્રીએ દૂરના એ પત્થર તરફ આંગળી ચીંધતા કહ્યું – ‘જો સામે પેલો પત્થર દેખાય છે? જા, એના પર સિંદુર ચોપદી દે અને આપી દે કોઇ દેવનું નામ,અને કર એક નવો સંપ્રદાય શરૂ કોઇ તને રોકે કે તને અનુયાયીઓ ન મળે તો મને ખોટો કહેજે.’ પૃ- ૫૩

અહિં જોઇ શકાય છે કે ધર્મની આંટીઘુંટીમાંથી મુક્ત થઇને ભક્તિ અને શ્રદ્ધા તરફની દ્રષ્ટી છે. ભક્ત-ભગવાન, સેવક-સ્વામી,પામર-પરમ જેવા ભેદભાવને બદલે મૈત્રીભર્યા સંબંધની વાત કરીને લેખક કહે છે કે બ્રહ્મ સાથેનો સીધો સરળ પ્રેમ કરવાનો, લડવા-ઝઘડવાનો, રિસાવા-મનાવાનો સંબંધ આ પ્રજાને એક તાંતણે બાંધી રાખે છે. ‘બંદગી મેરે ઘરસે કહાં જાયેગી’ની ખુમારીવાળા સૂફીઓ ‘ના કોઇ ક્રિયા કરમમે’નો સંદેશ શાળ પર વણી રહેલા મહામાનવો, ‘અંતે તો હેમનુ હેમ હોઇ’ બોલનારા મસ્ત મીજાજીઓ કોઇ ધર્મના બન્ધનમાં નથી પડ્યા તેમનેતો સહજ, સરળ, પ્રભુમય જીવન જીવવું છે. પ્રજાની આવી ઉદાત્ત ભાવનાને પણ લેખક સચોટ રીતે રજુ કરે છે. તેત્રીસ કરોડ દેવતાને સાચવનારી આ પ્રજાને એકાદ દેવી દેવતા વધી જાશે તો ભારે નહી પડે. મૂળ તો લેખક અહીં અધ્યાત્મિકભાવના પરત્વે પ્રકાશ ફેંકે છે. ધર્મ અને સંપ્રદાય તો ગૌણ છે. ઇશ્વર શાશ્વત છે. તમારી શ્રદ્ધાને ધર્મ સાથે નિસ્બત નથી. જો શ્રદ્ધા હોઇ તો પત્થર પણ ઇશ્વર જ છે. સમગ્ર સૃષ્ટિમાં ‘હું’ નહી પણ ‘તે તું છો’-‘તત્વમસિ’. કથાના અંતભાગમાં પૂછાતા પ્રશ્નોના જવાબ પણ કદાચ આ તત્વમસિમાં છે. પરિક્રમાવાસીને લુંટી એમના વસ્ત્રો પણ ઉતારી લો. ભુખ્યો-તરસ્યો, જીવવા માટે હવાતિયાં મારતો વસ્ત્રવિહીન પ્રવાસી ઝાડી પાર કરીને નગરમાં પહોંચશે ત્યારે તેના અહમના ચૂરેચૂરા થઇ ગયા હશે. સંન્યાસ શું છે? ત્યાગ શું છે? જીવન શું છે? આવા તમામ પ્રશ્નનોના જવાબ તેને મળી ગયા હશે. પ્રુ-૨૧૩ 

આમ નર્મદામૈયાની ગોદમાં પરિક્રમા કરાવતાં લેખકે આદિવાસી લોકસંસ્કૃતિ,પ્રકૃતીનું અનન્ય સૌંદર્ય, તેમજ તેમના જ્ઞાન, ભક્તિ, શ્રદ્ધા, જીવન પ્રત્યેની સમજ અને ચિંતન બધુંજ લોકરસિક બની રહે તે રીતે મૂકી આપ્યું છે. પ્રગટ થતું ચિંતન ભાવકને દુર્બોધ ન લાગે તે માટે વસ્તુ આયોજનમાં લોકરંજનને પણ ધ્યાનમાં રાખ્યું છે જે નવલકથાનું જમા પાસુ છે. કૃતિ ભાવકને અંત સુધી જકડી રાખી કંઇક પામ્યાની અનુભુતી કરાવે છે. આ માટે લેખકે પાત્રો પાસેથી વાતચીત ઢબની સંવાદીશૈલીમાં કામ લીધું છે. જેનાથી કથાને ફાયદો એ થાય છે કે, દરેક પાત્રને અંતરમન ખોલીને વ્યક્ત થવાનો મોકો મળે છે. સવાલ-જવાબની પ્રયુક્તિ દ્વારા લેખક પાત્રો પાસેથી બખુબી કામ કઢાવે છે. અહીં કથક; ચિંતન અને કથાપ્રવાહને જોડતી કડી છે. સમગ્ર કૃતિમાં લેખકે માનવીય સંવેદનાને કેંન્દ્રમાં રાખી છે. જ્યારે ગૌણપક્ષે અંધશ્રદ્ધા તેમજ સમાજને હાનિકારક બાબતોનો લેખક ભાવુક્તામાં સર્યા વગરજ સહજતાથી નિર્દેશ કરતા રહ્યાં છે. કથામાં લેખકે લોકસમુદાયની સાથે સંકળાયેલ તમામ નિજી પાસાઓનું બયાન કર્યું છે. નિરૂપિત દરેક પાત્રો પાસે પોતપોતાની વિચારધારા છે. કથકના માધ્યમથી લેખક આદિવાસી લોકસંસ્કૃતિના ચમત્કાર, વ્હેમ, અંધશ્રદ્ધા, સરળતા, સ્વમાન જેવા તત્વોને પ્રવાહી બનાવી દે છે. કથાની ગતી બે પ્રવાહમાં સમાંતરે રહે છે. એક તરફ નર્મદા તટે ભ્રમણ કરાવતી રહે છે તો બીજી બાજુ વૈચારિક દ્રષ્ટિએ પણ લક્ષ્યગામી રીતે આગળ વધતી જાય છે. સળંગ કથામાં આપણને દરેક પાત્ર સહેતુક અને જીવંત લાગે છે.

ગણેશશાસ્ત્રી ઉપનિષદ, મહાભારત,રામાયણ વગેરે ધર્મગ્રંથોના અભ્યાસી છે. આ ગ્રંથોના પરીશીલનથી તેઓ જાણે અજાણ્યે સહજભાવે એક અચ્છા તત્વજ્ઞાનીની મુદ્રામાં જોવા મળે છે. કથાની સમગ્ર પાત્રસૃષ્ટિ તેમને સન્માનની દ્રષ્ટિએ જૂએ છે. બહુ ટૂંકા છતાં ચોટદાર સુત્રાત્મક સંવાદો દ્વારા તેઓ ભાતીગળ સંસ્મૃતિમાં પડેલી અસ્મીતાને ઉજાગર કરતા રહે છે.-‘નાનકડા બાળકથી માંડીને વૃદ્ધો સુધી દરેકે દરેકને જ્ઞાન છે કે આ જગત બ્રહ્મમાંથી ઉત્પન્ન થયું છે,અને ત્યાં જ લય પામે છે. આ જ્ઞાન આપણા લોહીમાં છે.’પૃ-૫૪   આવું તત્વચિંતન ભારરૂપ નથી બનતું બલ્કે કથાને સતત ગતિ આપતું રહે છે. એજ રીતે ગુપ્તાજી છે તો વેપારી, પરંતુ પરોપકારી ભાવના સભર વ્યક્તિત્વથી છલકાય છે.સાથે સાથે વેપારી મનમાં ઊંડે ઊંડે આદિવાસી પ્રજા પ્રત્યેની નિસ્વાર્થ દ્રષ્ટિ છે. વ્યાજે પૈસા ધીરે છે,પરંતુ તેનું વ્યાજ છે - આ લોકોની ખુશી,આ લોકોનું પ્રેમાળ જીવન, આ લોકની સંસ્કૃતિનું અસ્તિત્વ અને આથી જ સંસારમાં વ્યાપ્ત વ્યાપારીકરણ માટે ગુપ્તાજી આદર્શરૂપ બની રહે છે. લક્ષ્રમણશર્માની ભૂમિકા નાની છતાં ઉપરોક્ત વિચારધારાના જ મણકા તરીકે રજુ થાય છે.

જ્યારે સુપરિયા કથાનાં સંદેશવાહક તરીકેની છાપ છોડે છે. સુપરિયા પારંપારિક અને આધુનિક; ઉભયવલણના સમન્વય સભર વ્યક્તિત્વ ધરાવે છે. તે આધુનિકતા, વિકાસ, ઉત્થાનને ચાહે છે. પરંતુ પારંપારિક સંસ્કૃતિની ગરિમાને સહેજ પણ આંચ આવે તેમ નથી ઇચ્છતી. લેખક સુપરિયા દ્વારા દેશની દરેક પ્રજાને મર્મવેધક સંદેશો પહોંચાડવાની મથામણ કરતાં જણાય છે. ‘એકવીસમી સદીમાં આપણે જગતથી આગળ હોઇએ અને આપણી પરંપરાઓ આપણી સાથે હોય એવું હું ઇચ્છું’ પૃ-૨૧૧ સુપરિયા હકારાત્મક અભિગમથી નાયકના ચિત્તપ્રદેશ પર પોતાનો પ્રભાવ પાડતી રહે છે. તર્કબદ્ધ દલીલો વડે તે આધુનિક નાયકના ચિત્તપલટામાં મહત્વની ભુમિકા ભજવે છે. 

‘બિતુબંગા’ – બિતુ અને બંગા બે અલગ અલગ વ્યક્તિત્વો છે. છતાં તે બંન્ને ‘બિતુબંગા’ થીજ ઓળખાય છે. જીવ, જગત અને ઇશ્વર પ્રત્યેની આ પ્રજાની માન્યતાઓ ‘બિતુબંગા’ દ્વારા સુપેરે રજૂ થાય છે. જેમ નામ અદભુત તેમ વ્યક્તિત્વ કુતૂહલજન્ય. એજ રીતે પુરિયા કથાના સ્વમાની પાત્ર તરીકે ઉપસી આવે છે. નિ:સંતાન માટે પોતે કારણભૂત હોવાના આક્ષ્રેપને તે સહન કરતી નથી, બલ્કે ખમીર દાખવીને તે પતિગૃહ ત્યજી દઇ રામબલીના બાળકને પોતાનું બાળક ગણીને વાત્સલ્ય આપે છે. આમ છતાં તેને અંધશ્રદ્ધાનો ભોગ તો બનવું જ પડે છે. જે આ કથાની રસસૃષ્ટિનું અલગભાત ઉપસાવતું કરુણાસભર પાત્ર છે. સાથે સાથે ગંડુફકીર અને કાલેવાલીમાં બન્ને પાત્રોમાં ઘણીબધી સામ્યતા છે. તેઓ આ લોકોના રીતરિવાજોને તોડફોડ કર્યા વગર આપસુજથી પ્રશ્નોના ઉકેલ લાવવાના પ્રયત્નો કરતાં રહે છે. બંન્ને અંધશ્રદ્ધાળુ નથી બલ્કે અંધશ્રદ્ધા વચ્ચે રહીને તેની આંટીઘુંટીમાંથી બહાર લાવનારા સાચા માર્ગદર્શક છે. બન્નેને આપમેળે પ્રાપ્ત થયેલી ધાર્મિક સત્તાઓનો સદુઉપયોગ કરીને તેઓ સમાજસેવા કરે છે. આમ લેખક પાત્રના બાહ્ય નહી પરંતુ આંતરમનને ખોલવાના પ્રયત્નો કરે છે. સાથે સાથે ગૌણ પાત્ર સૃષ્ટિ – પ્રોફેસર રૂડોલ્ફ, દિત્યા, જોગા, વિધ્યા, ટેમ્પુડિયો, કીકાવૈધ વગેરે પણ સંવેદન સભર નિરૂપાયા છે. તો વળી, ચંદરમાસી, મહેશમામા, દેવતાનાના વગેરે કથકના સગાવ્હાલા પણ કથાને અસરકારક બનાવવા આલેખાયા છે. 

જેમ નિરૂપીત પાત્રોમાંથી સહજભાવ નિતરે છે, તેમ પ્રકૃતિવર્ણન પણ કૃતિની ગુણસમૃદ્ધીમાં સહજ વધારો કરે છે. અરણ્યની ગોદમાં વસ્તી આ પ્રજા પાસે જીવન જીવવાની જો કોઇ જડીબુટ્ટી હોય તો તે છે અરણ્ય, પર્વત, ત્યાંની જીવનસૃષ્ટિ, કુદરતની આ અનુપમ ભેટને તેઓ જન્મથીજ શ્ર્વસે છે. લેખકે પોતાના આ ભાવને કથામાં ઓગાળી દીધો છે. – ‘પ્રકૃતિની ગોદમાં ઉછરતાં આ જનોને પ્રકૃતિએ મુક્ત આનંદનું મહાદાન કરેલું છે.દેશના કોઇ પણ ખુણે જાઓ આ આનંદના મૂળ જોવા મળવાનાં જ છે. પ્રકૃતિ સાથેનો આ તાદાત્મ્યભાવ દરેક ભારતીયને પેઢી દર પેઢી વારસામાં મળતો રહ્યો છે. કદાચ આ આનંદને જ અધ્યાત્મિકતા કહેવાતી હશે? જો એવું હોય તો તે, પણ દરેક માનવીના મનમાં તેનો વાસ કોઇ ને કોઇ સ્વરૂપે છે. ક્યાંક કોઇ મનુષ્યમાં આ આનંદ પોતાના પરમ સ્વરૂપે પ્રગટે છે ત્યારે તે માનવી દૈવત્વ લઇને ઊભો થાય છે, કહે છે? ‘અહં બ્રહ્માસ્મિ’. તે પૂજાથી, ધર્મથી, વિધી-વિધાનથી પર થઇ જાય છે. એ પોતે પણ પ્રકૃતિ જેવો જ નિર્મળ અને શ્રદ્ધ્રેય બની રહે છે. પછી તે નમાજી બને કે ન બને,બંદગી તેને છોડી જઇ શકતી નથી.’ પૃ – ૨૦૫ ધીમા નાદે પ્રકૃતિનું મહાત્મ્ય રજુ કરવાની સાથે નર્મદામૈયાની ગરીમાં પણ વધુ ઉજાગર કરે છે. પ્રારંભે ટ્રેનમાં વૃદ્ધ માજીની નર્મદામૈયા પ્રત્યેની અધ્યાત્મિક શ્રદ્ધાને તીરસ્કૃત દ્રષ્ટિએ જોનારો નાયક અંતે જતાં – ‘આ પ્રદેશમાં વસ્યો ન હોત તો મને ક્યારેય ન સમજાયું હોત કે તેમના પર આવો હુકમ છે.’  પ્રુ-૨૨૯ કહીને પોતાને થયેલા હ્રદય પલટાનો સંકેત આપે છે. આમ લેખક આ ભાતીગળ પ્રજાના અભ્યાસને નિમિત્ત બનાવીને અંતે તો આ પ્રજાની ભીતર ડોકિયું કરાવવાનો હેતું રાખે છે. તેની સામે તારણ કે નિષ્કર્ષનું લક્ષ્ર નથી. લેખકે તો આ પ્રજા પાસે જે છે, તેને ઉકેલ્યા વગર માણવાની મોજ કરી છે, કરાવી છે.

આમ અનુઆધુનિક પ્રવાહની આ સત્વશીલ નવલમાં જે દર્શન થાય છે તે – જીવાતા જીવનની સંવેદનાઓનું નિરૂપણ, રૂપનિર્મિતિનાં વળગણને અવગણીને વસ્તુસામગ્રી તરફનો અભિગમ, પોતાની આસપાસના પરિવેશને અભિવ્યક્ત કરવાના પ્રયત્નો,  માનવચિત્તની ભીતર ડોકીયું કરીને તેની વિભિન્ન છટાઓને આલેખવી તેમજ સર્જકની અતિતઝંખના વગેરે બાબતો એક નવા વળાંકનું દર્શન છે. સમગ્રતયા, આધુનિક નવલની દુર્બોધતા સામે અનુઆધુનિક નવલની લોકરંજકતાનું સત્વ ધૃવ ભટ્ટ દાખવી શક્યા છે. આધુનિકતાએ કથેલી નિર્ભ્રાંતિનો ખ્યાલ અહી આપોઆપ દૂર થાય છે,અને શ્રદ્ધાનું પ્રતીકાત્મક ઢંગથી સીંચન થાય છે. ભારતીય દર્શને ચિંધેલી જાતને જાણવાની સમજ નિરૂપિને લેખકે ભારતીય સંસ્કૃતિના મૂળમાં રહેલી શ્રદ્ધાને અવગત કરાવી છે. જેની પ્રતિતી કૃતિની પાછળ મૂકેલા શ્લોકમાં થતી જોવા મળે છે. 

શ્રદ્ધત્સ્વ સોમ્યેતિ સ ય એષોડણિમૈતદાત્મ્યમિદઁ | 
સર્વં તત્સત્ય ઁ સ આત્મા તત્વમસિ...(છાન્દોગ્ય- ઉપનિષદ પ્રપાઠક ૬ ) 

*************************************************** 

ડો.ભાવેશ જેઠવા 
ગુજરાતી વિભાગ
કે.એસ.કે.વી.કચ્છ યુનિવર્સિટી,ભુજ


Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us