Untitled Document
ચારિત્ર્યચિંતન સંદર્ભે બ્રોકરે નિરૂપિત સ્ત્રીનું મનોજગત (સ્ત્રીપ્રધાન વાર્તાઓને આધારિત)
અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં ટૂંકીવાર્તા અન્ય સાહિત્યની તુલનાએ ઘણું પાછળથી આવ્યું હોવા છતાં તેનો વિકાસ સૌથી વધુ થયો છે. ગુલાબદાસ બ્રોકર ગાંધી જાણીતા સર્જક છે. ટૂંકીવાર્તાના આરંભિકકાળમાં બ્રોકરે પોતાના વાર્તાસર્જન દ્વારા વાર્તાને એક નવી દષ્ટિ આપી છે. બ્રોકર પહેલાંની વાર્તાઓ મોટેભાગે ઘટનાકેન્દ્રી રહી છે. બ્રોકરની વાર્તાઓમાં ઘટના, રચનારીતિ – આદિમાં પ્રયોગશીલતા આવે છે. બ્રોકરની વાર્તાસૃષ્ટિમાં નગરજીવન,એમાંય ખાસ કરીને મધ્યમવર્ગના સમાજને વિશિષ્ટ સ્થાન મળ્યું છે. વાસ્તવવાદી બ્રોકર પોતાની વાર્તાસૃષ્ટિમાં સ્ર્ત્રીના અકળ મનને કળવાનો પ્રયાસ કરે છે.
એકબાજુ સ્ત્રીનું અતિ સંવેદનશીલ વ્યક્તિત્વ છે, તો બીજી બાજુ ગૃહસ્થી તથા સમાજના જતનની જવાબદારી સ્ત્રીની વિશેષ હોવાથી તેના બંધનો પણ વધારે છે. આ બંને પરિપેક્ષ્યમાં નારીના મનોવિશ્વને બ્રોકરે એમની નારીપ્રધાન વાર્તાઓમાં સહજતાથી પ્રગટાવ્યું છે. અહીં બ્રોકરની છ વાર્તાઓમાં નારીનાં આંતરવિશ્વને પ્રગટાવ્યું છે. પોતાની સામાજિક પ્રતિષ્ઠાને સાચવવા સ્ત્રી પોતાના આંતરવિશ્વને જલ્દી ખોલતી નથી. અનૈતિક સંબંધ વિષય નિમિત્તે નારી સ્વની સંવેદનસૃષ્ટિ સૂક્ષ્મતીત રાખે છે. બ્રોકરે અહીં ખોલવાનો પ્રયાસ કર્યો છે.
પરણિત સ્ત્રીના લગ્નેતર સંબંધોની ધટના, તેની પાછળ સ્ત્રીની સંવેદનસૃષ્ટિ તેમજ વિચારસરણીને બ્રોકર રજૂ કરી છે. ‘લતા શું બોલે ?’, ‘સુરભિ’ તથા ‘નીલીનું ભૂત’માં લગ્નેતરસંબધ બાંધેલી ત્રણ સ્ત્રીનું મનોવિશ્વ છે. વાર્તામાં લતા એનો પતિ સુરેશ તથા તેનો મિત્ર નિરંજન છે. લતા અને નિરંજન સાહિત્યમાં રસ ધરાવે છે. જયારે સુરેશ વિજ્ઞાનપ્રેમી છે. સમાન રસરુચિએ લતા-નિરંજન મૈત્રીની સીમાઓ ઓળંગે છે. મિત્રદ્રોહની સભાનતા આવતા નિરંજન શહેર છોડી ચાલ્યો જાય છે. સઘળી બીનાથી અજાણ સુરેશ લતાને લઈને નિરંજનની ભાળ મેળવવા એના ઘેર જાય છે. નિરંજનના અચાનક ચાલ્યાં જવાના કારણ વિશે સુરેશ દ્રારા પૂછાયેલા સ્વાભાવિક પ્રશ્ન સામે લેખક ‘લતા શું બોલે?’ પ્રતિપ્રશ્ન મૂકી લતાને ચૂપ કરી દીધી છે. નૈતિક પતનતા અંગે લતાને કોઈ મનોમંથન ન કરાવી, પોતાના વર્તમાન, ભવિષ્યકાળમાં છવાયેલી શૂન્યાવકાશને ચૂપકીદી દ્વારા વ્યક્ત કરી છે. જયારે ‘સુરભિ’ વાર્તામાંની સુરભિને લેખકે આ જ પરિસ્થિતિમાંથી પસાર કરે છે. અહીં લેખકે સુરભિનું મનોમંથન બતાવ્યું છે. સુરભિની મનોવ્યથા એ છે કે એક બાજુ સુર્યકાન્તના સહવાસની સુખદપળોની સ્મૃતિ છે, તો બીજીબાજુ નિર્દોષ-પ્રેમાળ પતિને કરેલ દ્રોહ તથા ગૌરવપ્રદ પત્નીપદ છીનવાઈ જવાનો ભય છે. એમાંય પતિના નામે આવેલ ‘ખાનગી’ પત્રએ એની ચિંતા વધારી દીધી .અંતે પતિ સમક્ષ સત્ય સ્વીકારી પ્રાયશ્ચિત કરવાનું નક્કી કરે છે. જો કે પત્ર અન્ય વિષયક હોવાનું જણાતા મૂક તો રહે છે. આ સાથે પ્રાયશ્ચિતની વાત આંસુ વહી જાય છે.
અહીં લેખકે સ્ત્રીના આંતરમનને સામાજિક પ્રતિષ્ઠાના પરિપેક્ષ્યમાંથી વિખૂટું પાડીને જોયું છે.સુરભિને એક બાજુ સુર્યકાન્તનુ સાનિધ્ય ગમે છે, તો બીજી બાજુ પતિનો સાથ તેમજ પત્ની તરીકેનું સામાજિક સ્થાનની ચિંતા વચ્ચે અટવાય છે. અહીં લેખકે સુરભિના મનોભાવોમાં સ્પષ્ટ કર્યું છે કે સુરભિને લગ્નેતર સંબંધનો રંજ નથી. ગુનો કરવામાં વાંધો નથી, ગુનેગાર થવામાં, સજા ભોગવાની બીક છે. નૈતિક મૂલ્યના પતનની સાથે જ ચારિત્ર્યચિંતનનું પતન પણ થાય છે. એક સ્ત્રી પ્રથમવાર કુમાર્ગે જાય છે ત્યારે એ મનોમંથન અનુભવે છે. પછી તો આ માર્ગની યાત્રી બની જતા કોઈ ડંખ કે દુઃખ રહેતું નથી. ઉલટું પોતાની ખામીને છૂપાવી પ્રતિક્રિયા આપવાનું શીખી જાય છે .’નીલીનું ભૂત’ વાર્તામા પરણિત નીલી આનુ ઉત્તમ ઉદાહરણ છે. મૃત બનેલી નીલી જીવનભર અનેક પુરુષ સાથે અનૈતિક સંબધ રાખે છે. આ વાતથી એનો પતિ હંમેશા અજાણ રહે છે. એની ચારિત્રહીનતાની વાતો કરતાં મિત્રવૃંદમાનો એક મિત્ર નીલી સાથેના પોતાના સંબંધની વાત ખુલી ન ની વાત ખુલ જાય એની ચિંતામાં છે. હવે એને નીલી ભૂત બનીને એનો પીછો કરતી લાગે છે. જો કે સર્જકે વાર્તામાં પુરુષના મનોભાવોને વધુ ઉજાગર કર્યાં છે. નીલી સ્વનું શીલ ગુમાવ્યા બાદ સામાજિક તથા નીતિમત્તા છોડી રીઢા ગુનેગાર જેવી બની છલના કરે છે.
માનવસમાજના સંવર્ધન માટે સ્ત્રી-પુરુષને નીતિનિયમો અને બંધનો અનિવાર્ય ગણાવ્યા છે. એમાંય સ્ત્રીઓ માટે આ બંધનોનો ભાર વધુ હોવાથી તે ઘણીવાર બેડીરૂપ બને છે. સમય અને સંજોગો અનુસાર સ્ત્રીઓએ તથા સમાજે પરિવર્તન કર્યું છે. આ પરિવર્તનનો મતલબ નૈતિક મૂલ્યોનું અવમૂલ્યન કરવાનું નથી. ગૃહલક્ષ્મીની પ્રતિષ્ઠા મેળવવી હોય તો એ પદની ગરિમાની યોગ્યતા જાળવવી અનિવાર્ય છે. એ માટે સમાજની વ્યવસ્થા-બંધનનો આદર સહિત સ્વીકાર કરવો જ રહ્યો. સફળતાપૂર્વકની છલનાથી બાહ્યજગતને છેતરી શકાય અંતરાત્માને નહીં. એમાંય સંવેદનશીલ સ્ત્રીની છલના એનું નૂર હણી લે છે. સ્વતંત્રતાનાં નામે
લેખકે વિપરીત સંજોગોમાં સ્વને તથા નૈતિક મૂલ્યોનું જતન કરતી સ્ત્રીઓને હવેની બે વાર્તાઓમાં રજૂ કરી છે. ‘લતા શું બોલે?’ ની લતા, ‘સુરભિ’ ની સુરભિની જેવી જ પરિસ્થિતિ મેઘાની છે. પતિના મિત્ર ત્રિભોવનભાઈ અને મેઘાના સમાન વાંચનપ્રેમ છે. આ બંનેને પતિ સાથે વાંચવાની વ્યવસ્થા કરી આપે છે. ત્રિભોવનભાઈ સાથેના વાંચન-ચર્ચા-વિચારણાથી પોતાની ખુશી પતિની ઈર્ષામાં પરિણમતી મેઘા જૂએ છે. આધુનિકતાનો બાહ્યાડંબર કરતો પતિની અસલીયતથી મેઘાની લાગણી ઘવાયી હોવા છતાં એ ત્રિભોવનભાઈ સાથેનુ વાંચન બંધ કરી દે છે. પતિની ગ્લાનીને મેધા જાણી શકે છે. આ રીતે મેધા ભવિષ્યમાં ઉદભવતાં પ્રશ્નને ઉકેલી દે છે. ‘સુર્યા’ વાર્તામાંની સુર્યાની સ્થિતિ મેઘાથી થોડીક જુદી છે. પતિના મિત્રની બદદાનતની જાણ થતાં જ મૈત્રીની સીમા બતાવી નીકળી જાય છે.
સ્ત્રીના શીલ-સંસ્કારો વિશેની ચર્ચા-વિચારણામાં વાસ્તવિક એરણ સ્થાને મર્યાદાનો અભિગમ કેન્દ્રસ્થ રહે છે. આપણો સમાજ સ્ત્રીની વાત કરવામાં હંમેશા એક મર્યાદા રાખનાર એક વર્ગ છે. જે હંમેશા સ્ત્રીને સત્યને આધારે નહીં, પણ રૂઢિગત મૂલ્યોથી જૂએ છે. આ વર્ગ પતિને વ્યક્તિ નહી, પણ પરમેશ્વર ગણાવે છે. પરણિત સ્ત્રીના ચારિત્ર્યમાં પૂર્ણ વિશ્વાસ રાખે છે,તો બીજી બાજુ સ્ત્રી-પુરુષ વચ્ચેના નિર્દોષ સંબંધમાં બહુ વિશ્વાસ ધરાવતા નથી. સમાજમાં સ્ત્રીના ઉત્કર્ષ માટે સહજ ઉદારતા ધરાવતો બીજો વર્ગ છે. આ ઉદારતાવાદી વર્ગ પુરુષ-સ્ત્રી વચ્ચેના નિર્દોષ સંબંધને સ્વીકારે છે.એ જ રીતે પતિ-પત્નીના અતૂટ બંધનને સ્વીકારે છે. જયારે અનૈતિકતા માર્ગે વળેલી સ્ત્રીઓ આ બન્ને અભિગમનો ફાયદો લે છે. પતિના વિશ્વાસને લતા,સુરભિ અને નીલીએ તોડ્યો છે. એટલું જ નહી ત્રણેય પરિણીતાએ લગ્નપરંપરાને ઓછાવત્તા અંશે હાની પહોચાડી છે.
સામાજિક-નૈતિક મૂલ્યો આપણને જીવન જીવવાની રાહ બતાવી શકે છે. એ રાહનો કેટલો અને કેવો ઉપયોગ કરવો એ વ્યક્તિ પોતે નક્કી કરે છે. એકવાર જીવનનો પથ નક્કી કર્યા બાદ સામાન્ય અડચણોને દૂર કરવાની સમજ તથા હિંમત પણ આપોઆપ આવી જાય છે. મેઘા તથા સુર્યા આનું ઉત્તમ ઉદાહરણ છે. શ્રી.ગુલાબદાસ બ્રોકરે આ પાંચ વાર્તામાંની પાંચ પરણિત સ્ત્રીને લગભગ સમાન પરિસ્થિતિમાંથી પસાર કરી છે. આમાંની ત્રણ સ્ત્રી પોતાના શીલના સ્ખલનને રોકવામાં સફળ રહેતી નથી. એને માટે બ્રોકર સ્ત્રીનો સંવેદનશીલ સ્વભાવ તથા બંનેની સમાન રસ-રુચિ સંબંધને વધુ ઘનિષ્ઠ કરવામાં કારણભૂત બને છે. આ ઉપરાંત નૈસર્ગિક વિજાતીય આકર્ષણ જેવા પરિબળો પણ ભાગ ભજવે છે. આ એવી સ્ત્રીઓ છે કે જેણે છે. સાંસ્કૃતિક-નૈતિક મૂલ્યોને આત્મસાત્ કર્યા વિના અનુસર્યા છે. આથી સહેજ વિપરીત સંજોગોમાં એ ડગી જાય છે. જ્યાં જીવનમૂલ્યો ઘુંટાઈને આવે છે ત્યાં વિપરીત સંજોગો બાદ સ્ત્રી વધુ શાલીન બની છે.આવી શાલીનતા દર્શાવતી વાર્તા ‘ચિત્રાનું ચલચિત્ર’ છે. અભિનેત્રી ચિત્રા પંડિત જવાહરલાલ નહેરુને પોતાના રૂપથી આંજી નાખવાના પ્રયાસ સામે પંડિતજીનો સહજ વાત્સ્લ્યપ્રેમ ચિત્રામાં ભારતીય નારીની સાદગી અને શાલીનતાનો પ્રાદુર્ભાવ કરાવે છે.
ગુલાબદાસ બ્રોકરની આ છયે વાર્તામાં ચારિત્ર્ય ચિંતનમાં સ્ત્રીના મનની ગહેરાઈથી જોયું છે. એમનો પ્રયાસ નારીના શીલ સંબંધમાં નારીના આંતરમનને બારીકાઇથી ખોલવાનું છે. એમાં બ્રોકરને સફળતા પણ મળી છે.બાકી તો વાર્તાકાર તરીકે મધ્યમકક્ષાના સર્જકની આ વાર્તાઓમાં ઘટનાની એકવિધતા, વર્ણનપ્રધાનતા જેવી મર્યાદાઓ નજરે પડે છે. આમ છતાં,વાર્તામાં ઘટના,અંત વગેરેમાં પ્રયુક્તિની શરૂઆત કરનાર બ્રોકર સ્ત્રીના મનોવિશ્વને ખોલવામાં ચોકકસ સફળ રહ્યાં છે.
***************************************************
ડૉ.મંજુ કે.ખેર
એસોસિએટ પ્રોફેસર
ગુજરાતી વિભાગ
આર્ટસ & કોમર્સ કોલેજ, ખેડબ્રહ્મા
|