Untitled Document
જોસેફ મેકવાનની ધરતીની મીઠી સોડમ ફેલાવતી દલિત વાર્તાઓ
ખમતીધર સર્જક જોસેફ મેકવાન માટે એમ કહેવું વધારે પડતું નહીં ગણાય કે લોકપ્રિય સાહિત્યકાર જોસેફ મેકવાન ગુજરાતી સાહિત્યિક જગતને ચરોતરની અમૂલ્ય ભેટ છે. તેમના સાહિત્યવિશ્વનું જમા પાસુ ભાષા, વર્ણનકળા, સાહિત્યશૈલી અને જીવનની નગ્ન વાસ્તવિકતાનું નિરૂપણ છે. જે વાચકોને પકડી રાખે છે. જોસેફ મેકવાન દલિતોની વ્યથાની કથા રજૂ કરતા હોઈ તેઓ દલિત લેખક તરીકે જાણીતા છે અને માનીતા છે. તેઓ ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી, અમદાવાદનાં પ્રમુખ હતા. પરંપરિત રીતે ચાલી રહેલ સામાજિક વ્યવસ્થા અને દલિતો બહુજન વર્ગ પ્રત્યેનાં ભેદભાવો આ સંવેદનશીલ સર્જકને હ્યદયથી બેચેન બનાવી દે છે. સર્જક કહે છે 'હું એવા સમાજમાં ઉછર્યો છું જે સામાજિક અન્યાયથી પીડાતો આવ્યો છે. બીજા કહેવાતા ઉચ્ચ વર્ગથી અમારો સમાજ પીડાતો હતો. સાહિત્યએ સમાજનું સાચું પ્રતિબિંબ છે એવું કહેવાયું છે, પરંતુ મરાઠી સવાયા સર્જક દુર્ગા ભાગવત જેને ત્રણ ટકાનું સાહિત્ય ગણે છે. જેમાં એંશી ટકા પ્રજા આજ સુધીનાં સાહિત્યમાંથી બાકાત જ રહી છે. તેમના ત્યાગ, બલિદાન, સાહસ, પરાક્રમો, સમર્પણ વગેરે પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા છે. તેનું વાસ્તવિક સામાજિક ચિત્ર સર્જકની કલમે નિરૂપાયું છે.’ લોક વિદ્યાપીઠમાં તવાઈ, ઘડાઈને આવતા આપણા સર્જક વાર્તાકાર જોસેફ મેકવાન પાસેથી પાંચ વાર્તાસંગ્રહો પ્રાપ્ત થાય છે. તેમાંથી ચાર વાર્તાસંગ્રહોમાં ‘સાધનાની આરાધના’, ‘આગળો’, ‘પન્નાભાભી’ અને ‘ફરી આંબા મહોરે’ વાર્તાસંગ્રહોની આગવી નિરાલી વાર્તાસૃષ્ટિમાં ‘સાધનાની આરાધના’માં દલિત વાર્તા ને કળાની દ્રષ્ટિએ તપાસીએ.
પ્રથમ વાર્તાસંગ્રહ ‘સાધનાની આરાધના’માં આ વાર્તા લેખક ‘મારા સ્વજનોને’માં નોંધતા પોતાના સર્જનકર્મ અંગે કહે છે. મારા લેખનને મેં નિરૂદેશ્ય ક્યારેય નથી માન્યું, સાહિત્ય સર્જનને મેં નિજાનંદનો શોખ કદી ય નથી માન્યું. હું લખું છું જીવન પ્રત્યેની પ્રતિબદ્ધતાથી સચ્ચાઈ પ્રત્યેના સ્નેહથી, અનુભૂતિ પ્રત્યે ઈમાનદાર રહેવું મને હંમેશા ભાવ્યું છે. માણસમાત્રમાં રહેલું સારાપણું મારી વાર્તાનાં પાત્રોને શક્તિ સીંચે છે. મારા લેખનનો આરંભ વાર્તાથી થયો છે અને વાર્તા મારો મનગમતો સાહિત્ય પ્રકાર છે.
આ સંગ્રહની વાર્તાસૃષ્ટિમાં જીવાતાજીવન પ્રત્યેનાં અભિગમમાં કંઈક જુદી જ લકિરથી અહીયા નિરૂપાયા છે. માનવી માત્ર તેમના જન્મથી મૃત્યુ સુધીની વિકાસ યાત્રામાં અનેક પ્રકારનાં ચઢાવ ઉતાર ખટમીઠા અનુભવો વચ્ચે જીવતો આવ્યો છે. આમાંની કેટલીક વાર્તાઓનાં પાત્રો આપણા પોતીકા આજુબાજુ વસતા પાત્રો છે. સર્જકની કલમે કલ્પના અને ઘટનાનો સુભગ સમન્વય થતા વાર્તાનાં સૌદર્યમાં ઓર નિખાર આવે છે,
આ સંગ્રહની એકવીસ વાર્તાઓમાં જુદા જુદા વિષયોનું વૈવિધ્ય જોવા મળે છે. આપણી આસપાસ ધબકતું જીવન, સમાજમાં બનતા બનાવો, માનવીય મૂલ્યો, પ્રેમ, ઈર્ષ્યા, અહમ્, અમીરી-ગરીબી, દામ્પત્યજીવનની ખટ મીઠી, વ્યવહારોમાં આવતા ચઢાવ ઉતાર, નફરત, પરોપકારની ભાવના વગેરે જેવા સૂક્ષ્મ મનોભાવો અહીયા વાર્તાનાં વિષયો બનીને આવે છે. આમાં પ્રેમી યુગલથી લઈ કોમી રમખાણ સુધીનાં વિષય સ્થાન પામ્યા છે. ચરોતર પ્રદેશ અને ખ્રિસ્તી સમાજની સાથે સાથે હિન્દુ, મુસ્લિમ, દલિત પછાત સમાજ વગેરેનું સુપેરે નિરૂપણ કરવામાં આવ્યું છે. દલિત-હિન્દુ-મુસ્લિમ વચ્ચે સળગતો કોમવાદ, વર્ગ-વર્ણભેદ પ્રશ્ન વગેરે રેખાને સર્જકે સંયમને તાટસ્થથી આલેખન કર્યું છે. સર્જક જે સમાજમાંથી આવે છે, તેવા દલિત પીડિત સમાજને તેના ભાવવિશ્વનું હ્યદયસ્પર્શી રીતે રેખાંકન થયું છે. લેખકની તળપદી બોલી, ભાષાશૈલી પરની પકડને કારણે સમગ્ર જાનપદી પરિવેશ ભાવક સમક્ષ ખડો થઈ જાય છે. આ બધાનું નિરૂપણ કરતી સારી નરસી એમ બન્ને પાસાઓને વર્ણવતી વાર્તાઓ છે.
દલિતસમાજનું નિરૂપણ કરતી વાર્તાઓ :
‘ચોથી શરત’, ‘સ્નેહની સાલગિરા’, ‘બેટરી’, ‘રેખાનો ગૃહત્યાગ’, ‘પાંચો પગી’, ‘પરભુદા પટેલનું મામરૂ’ અને ‘ખત્રીની ડેરી’
કોઈ પણ પ્રકારનાં આગ્રહો પૂર્વગ્રહો, બંધનો વિના સાહિત્યિક કલાકૃતિ પાસે જઈએ તો જ સાહિત્યિક કૃતિનો સાચો સુધ્ધ રસાનંદ માણી શકીએ. વાર્તા જ્યારે પોતીકો અવાજ લઈને આવે, અનોખો પરિવેશ અત્યાર સુધી સ્થાન ન પામેલ સ્થળકાળ. તેની પોતાની જ કહી શકાય તેવી આગવી રીતભાત, ભાષા, નિજી સૌંદર્યાભૂતિ, ભાવવિશ્વ, જુદી મનોભાવના, તેણે ભોગવેલ અતીત, તીવ્ર આઘાત-પ્રત્યાઘાત વગેરે સમ-સંવેદના સમજવા માટે પણ ભાવક સજ્જ હોવો જોઈએ અને એટલો જ જાણકાર હોવો અનિવાર્ય બની જાય છે. દલિત સાહિત્યનાં સંદર્ભે એવું પણ કહી શકાય કે દલિત વાર્તાને સમજવા પ્રથમ જાતિભેદ, અસ્પૃશ્યતાને લીધે ઉપજી આવતી કરૂણતા,દારૂણ ગરીબી, માન અપમાન વગેરેના ભાવજગતમાં પ્રવેશી ખુલ્લા મને, વિશાળ હ્યદયે નિહાળવું પડે. ભારતદેશ જુદી જુદી જાતિ, વર્ણ, વર્ગ વગેરેમાં વહેંચાયેલો છે. તેના કારણે જાતિએ જાતિએ જુદા જુદા મનોવ્યાપાર, વ્યવહાર, પહેરવેશ, રીત રિવાજોના અંતર, ખાવા પીવાની ટેવો, રહેવાની સગવડતા, અગવડતા, તેમના રહેઠાણ, વસવાટ, ગલીઓ, ચાલી, પોળો, ભગવાન, શ્રદ્ધા, અંધશ્રદ્ધા, અરે ! ત્યાં સુધી કે જીવતા તો ભેગા નહીં પરંતુ મર્યા પછી પણ નહીં માટે સ્મશાન પણ જુદા, કૂવા જુદા, તળાવ જુદા એમ કહો કે બધું જ વેરણ છેરણ વગેરે આ વગેરે આ બધા વિશે જેટલી વધારે જાણકારી એટલી વાર્તાની આંતરિક સૌંદર્યસૃષ્ટિ ને વધારે પામી શકીયે. દલિત વાર્તાનાં સ્પંદનો સમજવા આસ્વાદવા માટે છેવાડાના માનવીના મન સુધી આપણને ચેતના વિસ્તાર જ રહી, તેમની સાથે હ્યદય સંવાદ સાધવો જ રહ્યો. દલિત સર્જક પાસે જીવાતા સમાજજીવનનો વાસ્તવિક અનુભવ છે. ઊંડી સંવેદના છે. તેને અભિવ્યક્ત કરવાની તેમની કલમમાં સામર્થ્ય છે. તેની પ્રતીતિ દલિત ચેતનાનું નિરૂપણ કરતી આ વાર્તામાંથી જોઈ શકાય છે.
‘ચોથી શરત’ વાર્તામાં દલિત પરિવેશ, પાત્રો વગેરેની સાથે સાથે દલિત સમાજની માન સ્વમાનના સળગતા પ્રશ્નો વર્ણવતી ધ્યાનાર્હ વાતો છે. આ વાર્તામાં દલિત-સવર્ણ જ્ઞાતિ જાતિનાં જીવતા વળગાડ જેવા અસાધ્ય રોગોને કારણે થઈ, માના ઠોલીનો પુત્ર નટવર અને મુખી પુત્રી સોનલનાં હૈયાં એક હોવા છતાં બંને એક થઈ શકતાં નથી. તેમની પ્રેમ ભરી સંવેદના વાર્તાના કેન્દ્રમાં છે. પરંપરિત રીતે ચાલ્યું આવતું જ્ઞાતિ જાતિનું ભૂત આ બન્ને પાત્રોને નડી જાય છે. દલિત સમાજનું પ્રતિનિધિત્વ કરતા પાત્રોમાં માનો નાયક, માધો વણકર ઠોલી, તુરી બારોટ, બજાણિયા, તેનો દીકરો નટવર વગેરે છે. જ્યારે ઉજળિયાત વર્ગમાંથી આવતા પાત્રોમાં બબુ મુખી, તેની પુત્રી સોનલ, નટુનો ્ને સોનલનો પ્રેમ સંબંધ મુખીને મન માથાનાં ઘા સમાન છે. તેમના પ્રણયની ઓથે બીજા પણ સામાજિક પ્રશ્નો જોડાયેલા છે. વાર્તાનો આરંભ ભૂતકાળમાં ઘટેલી ઘટનાનું વર્તમાનની ક્ષણે થાય છે. બજાણિયા માટે નાચવું તેના લોહીનાં લયમાં છે. નટુના નાચ પર બધા ફિદા છે. નટુ માતાપિતાની શિખામણ વચ્ચે દ્વિધા અનુભવે છે. મા કહેતી ‘નાચને રવાડે ના ચડીશ એણે પેટ નહી ભરાય, મનખાભેર જીવાશે નહી.’, જ્યારે બાપ કહેતો ‘બાપી કી આવડત કદીકે ય ખપ લાગે, ખપજોગું શીખતો જા, ભણ્યા પછી નોકરીનાં ઠેકાણાં નથી હોતા.’ નટુને મન તો સારા પ્રસંગોએ ઢોલ વાગતો અને તેની કદરરૂપે તેના બદલામાં મળતું બેરૂપરડીનું દાપું મળતું તે તેના બાપને સદી ગયું હતું, કારણ એ સહેતા આવ્યા હતા પરંતુ નટુ આ મતનો નથી તેમને મન તો આ ઈજ્જત દેનારો ધંધો નથી, પરંતુ વસવાયાનો જ વ્યવસાય છે. બજાણિયાને વાર તહેવાર ઢોલ વગાડવો પડતો ગામમાં પરંપરા ચાલી આવતી રૂઢ પરંપરા અનુસાર માધો વણકરનાં દશેરા દિવસે સૂતર લઈને જવું પડતું. ભારતનાં મોટા ભાગનાં ગામમાં મુખી નામનું શોષણખોર પ્રાણી દેખા દે છે. આ વાર્તામાં પણ મુખીનું એક હથ્થુ શાસન છે. તે દલિતો પર અન્યાય, અત્યાચાર કરે છે. મુખીએ માધાને પડકાર કરયો, તેનો છોકરો કરસન આડો આવ્યો, મુખી સામે પહેલી વખત મોં ખોલવાનું સાહસ કરસને કર્યું, તેથી બબુ મુખીએ હોવાના અહંમાં ચોરાની વચ્ચે કરસનને મારીને અધમુઓ કરી નાખ્યો. કરસનથી આ અન્યાય સહન ન થતા તે જન્મભૂમિ છોડીને જતો રહ્યો, માત્ર પછાત જાતિમાં જન્મ થવાથી જન્મભૂમિ છોડવી પડે તે માનવજીવનની કેવડી મોટી કરૂણા કહેવાય. કરસન અને મુખી બન્ને હઠે ચઢ્યા. આ બંધારણની વાત કરનારને માથે ટોપલો ચડાવું ત્યારે હું મુખી, અને મરી જાઉં પણ તારી વેઠ ના કરુંનો હુંકાર ભણતો કરસન, અધમુઓ થઈ ગયેલો પણ જરાય ઝૂકેલો નહીં, મુખીએ નટુને સોનલના લગ્નમાં જાહેરમાં નાચવાની શરત રાખી, બન્નેનું જીવન ઝેર જેવું કરી દે છે અંતે બન્ને પાત્રોનાં કમોતે મૃત્યુ થાય છે. તેમ છતાં પણ મુખીનાં પાત્રમાં કોઈ પરિવર્તન આવતું નથી. વાર્તામાં નિરૂપાયેલ ભાષા, તળપદી લોકબોલી, પ્રવાહી ગદ્ય શૈલીને કારણે વાર્તાનો અસ્તિત્ત્વ ગતિએ આવે છે. વાર્તાનો અંત શોકાતુર, કરુણાત અને વક્રતાભર્યો છે. જયંત ખત્રીની ‘ધાડ’ વાર્તાનો નાયક ઘેલો કહે છે. ‘ગુલામી એ ગમી જાય એવો નશો છે.’ આ વાર્તામાં કરશન તેના બાપને કહે છે. ‘બાપને સદી ગયું કારણ એ સહેતા આવ્યા છે.’ આ વાર્તા વર્ણ વિષયવસ્તુ લેખે દલિતો મૂળભૂત સમસ્યા તેના પર થતા અન્યાય, અત્યાચારનું લેખકની કલમે અસરકારક રીતે નિરૂપણ થયું છે. શોષણખોર મુખીનાં પંજામાંથી મુક્ત થવું એ કરસન, માધો, નટવર કે માના નાયકને મુશ્કેલ છે. વાર્તામાં સવર્ણ દલિત વચ્ચેની અસમાનતાની સૂક્ષ્મ ભેદરેખા વ્યંજિત થઈ છે. ચરોતર પ્રદેશનું શબ્દમાધુર્ય ભર્યુંભાદર્યું છે. જે વાર્તાનાં સૌંદર્યમાં ઓર વધારો કરે છે. જેમ કે ‘સોહલો’, ‘ભાવ ભમગિમાં’, ‘જુધ્ધે’, ‘તારામૈત્રક’, ‘વરણાગિયા’, ‘બજાણિયા’, ‘અભિનય’, ‘પટુતા’, ‘લેખામાં કોઈ લે નહી અને હું વરની ફોઈ’, ‘બાપોની આંતરો’, ‘જનમ ભોમિકા’, ‘હૈડીયે’, ‘લોકજોમાનો’, ‘ભો કાબો’, ‘વનોગત’ જ્યારે ગીતપંક્તિ, વાર્તાને રસિક બનાવે છે. ‘હવા મેં ઉડતા જાયે મેરા લાલ દુપટ્ટા મલમલ કા......’, ‘કૃષ્ણજી ચાલ્યા દ્વારકા હોજી રે... હોજી રે.....’ દલિત ચેતનાનાં આંતરતત્વનાં વ્યાકરણને વણી લેતી આસ્વાદ્ક વાર્તા બની છે.
‘સ્નેહલની સાલગિરાહ’ જેવા રસિક સાદ્રશ્ય શીર્ષકવાળી આ વાર્તામાં બાળમાનસનાં ભાવવિશ્વનું સરસ નિરૂપણ થયું છે. આ વાર્તાને મનોવૈજ્ઞાનિક રીતે પણ તપાસી શકાય. વાર્તાનાં પાત્રો અને પરીવેશ દલિત સમાજમાંથી આવે છે. દલિત સમાજમાં તેની ભીતરમાં રહેલી સૂક્ષ્મ ભેદરેખા પણ નિર્દેશિત થઈ છે. ભણી ગણીને નોકરી મળતાં શહેરમાં સ્થાઈ થયા પછી પોતાના જ ભાઈઓને ભૂલી જાય છે. આ સમસ્યા વ્યાપક સ્વરૂપ લઈ રહી છે. ‘સ્નેહલની સાલગિરાહ’ આ શીર્ષક પરથી ભાવકને જિજ્ઞાસા થાય કે આ વાર્તા સ્નેહલનાં જન્મ દિવસની વાત હશે? તેની આસપાસ વાર્તાનાં તંતુઓ ગોઠવાયા છે. સુધીર જન્મે દલિત છે. વાસમાં ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં રહે છે. તે અધિકારી હોવા છતાં તે દલિત હોવાને કારણે તેને મકાન મળતું નથી. ધૂળમાં રમતા ગોબર વગેરે બાળકોથી સ્નેહલને દૂર રાખે છે. સુધરેલો હોવાનો અહં, દંભને કારણે સ્નેહલનું નિર્દોષ બાળપણ રૂંધાઈ જાય છે. શિક્ષક પણ સલાહ આપે છે. સ્નેહલ તું જરા દૂર ઊભો રહેજે, આ બધા ગંદા ધૂળમાં આળોટે, તારાથી એમની સાથે ન રમાય! માતાપિતા તરફથી મળતા સંસ્કાર સામે આજે પ્રશ્નાર્થ ઊભો થયો છે. સ્નેહલનું બાળમાનસ ઝંખે છે. પણ બીકને તેના સમવયસ્ક બાળદોસ્તો સાથે તે રમી શકતો નથી. સ્નેહલે ગોબર સાથે દોસ્તી રાખી તેના કારણે થઈ ગોબરને માર ખાવો પડ્યો અને છેવટે નિશાળ છોડવી પડી. ગોબર ઓરી ને કારણે તેથી તે પથારીવશ હતો.સ્નેહલના જન્મદિવસે તે બધાથી બચીને સીધો જ ગોબર પાસે પહોંચી જાય છે. આમ વાર્તાનો અણધાર્યો અંત આવે છે. બાળકનું કુમળું માનસ કંઈ પણ સમજે તે પહેલાં જ માબાપ તરફથી અસમાનતા – ઉચ્ચ-નિમ્નનું ઝેર રેડી દેવામાં આવે છે. સુધીર કાન્તા શિક્ષિત હોવા છતાં તે સ્નેહલનાં બાળમાનસને સમજી શકતા નથી. તળપદી બોલી દ્વારા પાત્રો ઊપસી આવે છે. સમભાવી સર્જકનો અવાજ પાત્રનાં ઓથે પડઘાયા વિના રહેતો નથી, સાક્ષીભાવે કહે છે ‘ખરેખર આપણા દેશમાં ભારે પરિવર્તન લાવવાની જરૂર છે.’ વગેરે મુખ્ય વિધાનો વાર્તામાં જોવા મળે છે.
‘બેટરી’ એ ટૂચકા પ્રકારની હળવી શૈલીને કારણે અન્ય વાર્તાથી જુદી પડે છે. આ વાર્તામાં દલિત સમાજમાંથી આવતા પાત્રોની રહેણીકરણી, રીતભાત, વાણી, વર્તન, વ્યવહાર અનોખી રીતે નિરૂપાયા છે. વાર્તાનાં પાત્રો ભીની માટીની સોડમવાળાં છે. તેની જીવંતતા ભાવકને સ્પર્શી જાય તેવાં સાચુકલા પાત્રો છે. આ પાત્રો શ્રમજીવી વર્ગનું પ્રતિનિધિત્વ કરે છે. કથા નાયક જેણે પુરૂષ તરીકેના અહંને સંતોષવા તેની બબ્બે પત્ની મોંઘી અને કંકુડી પણ ત્રસ ગુજારે છે. તેનું જીવવું હરામ કરી દે છે. આમાં હાસ્યરસ એ વાર્તાનું જમાપાસું છે. મોંઘી જણસ જેવી વિલાયતી બત્તી કંકુ જેણાને ખેતર જવા માટે આપે છે. તે ગાયબ થઈ જતાં તેની દાઝ કંકુ પર ઉતારે છે. તેણે રીત સરની રાડ નાખી કંકુડી... ઈ... ઈ... ? મામી હાહુ... ઉ... ઉ... મરી જ્યો રે... એ... એ...! આ વાચી ભાવકને મજા પડી જાય છે. બે સ્ત્રી અને એક પુરૂષ વચ્ચે સંઘર્ષ પેદા થાય છે. તેના મૂળમાં બેટરી રહેલી છે. બેટરીનું મૂળ જમાઈ હતો અને જમાઈનું મૂળ મોંઘલી છે જેણો મોંઘી પાસે એવું સાંભળવા માગતો હતો કે ‘એક દા’ડો તો એ મારા પગ ઝાલવાની ન કૈવાની શા હાતર આમ કરો છો ભુંડા ! શું જોઈએ છે તમાર તે દન રાત લોઈ ઉકાળા કરો છો !’ મોંઘી જેણાને અને જેણો મોંઘીના માહ્યલાને ન ઓળખા શક્યા, શાંત રસમાં વિરામ પામતી આ સામાન્ય પ્રકારની વાર્તા છે. પાત્રની ભાષા તેની લય વાર્તાને જીવંતતા બક્ષે છે. રૂઢિપ્રયોગો, કહેવતો વગેરે રચાઈ આવે છે. માનવતાને નાતે સર્વ ધર્મ સમભાવ, સમતા, સમાનતા, સમરસતા વગેરેની ભાવના બે વ્યક્તિ સમાજને જોડવાનું કાર્ય કરે છે. પરંતુ આપણી સામાજિક વ્યવસ્થા અસમાનતાનાં પાયા પર ઊભી છે. એક જ વિષયનું વારંવાર પુનરાવર્તન થતાં તે તેનું અર્થ સોંદર્ય ગુમાવી દે છે. દલિત સવર્ણનાં પાત્રો વચ્ચે પ્રેમ થાય અને અંતે પરિણામ દુઃખદ આવે આ પ્રકારનો વિષય હવે નવો નથી રહ્યો. ‘રેખાનો ગૃહત્યાગ’ વાર્તામાં આ પ્રશ્ન સહેજ અલગ દ્રષ્ટિકોણથી નિરૂપાયો છે. એમ કહેવામાં વધારે પડતું નહી ગણાય કે દલિતો બીન દલિતો વચ્ચે જ્યાં સુધી રોટી બેટીનો વ્યવહાર નહીં થાય ત્યાં સુધી સમાનતા ભાઈચારાની ભાવનાને કારણે દલિતો પ્રત્યેનો બીન દલિતોનો અણગમો, ઈર્ષ્યા, તિરસ્કારની ભાવનાને કારણે સવર્ણ રેખા અને દલિત મૃગેશ લગ્ન કરી શકતા નથી. રેખાનું તીવ્ર મનોમંથન વાર્તામાં કેન્દ્ર સ્થાને છે. રેખા એક બાજુ માતા-પિતા અને બહેનનો પ્રેમ જ્યારે બીજી બાજુ મૃગેશનો પ્રેમ આ બે બિંદુ વચ્ચે એ ઝોલા ખાય છે. તે દ્વિધામય પરિસ્થિતિમાં કોઈ નિર્ણય પર આવી શકતી નથી. વાર્તાનાં શીર્ષક પ્રમાણે રેખા ગૃહત્યાગ કરે છે. પરંતુ તે મૃગેશ સાથે રહી શકતી નથી પરંતુ સંન્યાસી બની વિહારમાં જતી રહે છે. અને વાર્તા આમ, શાંત રસમાં પરિણમે છે. વાર્તાનો અંત અણધાર્યો આવે છે.
આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓની જેમ ‘પરભુદા પટેલનું મામેરું’ વાર્તાનો આરંભ ફ્લેશબેકથી થાય છે. આ વાર્તામાં ગામડામાં દલિતો બીન દલિતો વચ્ચે સત્તા સંપત્તિ માટે જે કાવાદાવા રચાય છે અને બ્રાહ્મણ, વાણિયા, પટેલો દ્વારા દલિતો તેનો ભોગ બને છે. પછાત વર્ગ લોભ લાલચ આપી તેની જમીન પચાવી પાડે છે. કહેવાતા સવર્ણનાં બતાવવાના અને ચાવવાના દાંત જુદા હોય છે. તેનું દંભી માનસ અહીયા છતું થયા વિના રહેતું નથી. દલિત સંવેદના અને બે વર્ગ વચ્ચેનો સંઘર્ષ કૃતિના મૂળમાં છે. સવર્ણ પરભુદા દલિત પાત્રો ઈચ્છો, નાથો, રતન વગેરેનું શોષણ કરે છે. પરભુદા નાથાની જમીન પચાવી પાડે છે. અને સામે પડતા દાનાને મારી નાખે છે. તે જ પરભુદા નાથાની પુત્રીનું મામેરું કરવાનું કહે છે ત્યારે ઈચ્છાને શંકા જાય છે, હાળું કાંક કારનામું લાગ છ. પટેલ પાધરો ન પડે, ને આવો આ પચી હજારનું ખરચ કરે તે માન્યામાં નથી આવતું. ગામમાં દલિતો મુસ્લિમ, હિન્દુ વચ્ચે સંપ હતો, પરંતુ ચૂંટણી આવતા વેરઝેરને કારણે તેમની વચ્ચે ફાટફૂટ પડી અને બધું વેર વિખેર થઈ ગયું. વાર્તામાં સંદર્ભિત સમળગાળો ઈ.સ. ૧૯૪૮નો છે. ગાંધી હત્યા, આઝાદી, ગણોતધારો વગેરેનો નિર્દેશ થયો છે. લેખકની ભાષા શૈલી, વર્ણન કળા, ધ્યાનાર્હ છે. તળપદી લહેકાવાળી લિજ્જતદાર બોલી તાજગી ભરી દે છે. જે વાર્તાને જીવંત રાખે છે. મકનો પરભુદા પટેલનો વસવાયો યા વાણોતર હતો, એટલે પટેલને ડેલે એની અવરજવર વધુ રહેતી, તહેવાર ટાંકણે, સારે માઠે અવસરે ને કામ પડ્યે મકનો પરભુદા પટેલની ડેલીએ હાજર રહેતો, કદાવર ગઠાયેલો દેહ આંગણે આઘો પાછો થતો જોવામાં પણ પરભુદા પટેલ ગૌરવનો અનુભવ કરતા. ભલે મકનો પછાત હતો, પણ એનો દેહ દેવાંશી હતો. ભલભલાં દિલડાં એના પર વારી જવાને તડપતા હતા, પણ અંતરાય નડતો હતો. માત્ર વરણનો, એની હલકી જાતનો કેટલાંયે બળાપો કરતાં કે ભલા ભગવાન આવો અદકેરો દેહ દઈને તે એને જાત દેવામાં કંજુસાઈ કરી?
આ વર્ણન છે ‘ખત્રીની દેરી’ વાર્તામાં આવતા મકનાના પાત્રનું. ઈતિહાસમાં દલિતોમાં રહેલી શૌર્ય, શક્તિ, વીરતા, બલીદાન, વગેરેની ભાગ્યે જ નોંધ લેવાય છે. આ વાર્તામાં મકનાનું પાત્ર ઉઠાવ પામે છે. આ વાર્તાકાર રેખાચિત્રો નિરૂપવામાં માહિર છે. તેની છાંટ આ વાર્તામાં દેખા દે છે. અકસ્માતે અછૂત સમાજમાં જન્મ થવાથી જીવતે જીવત કેવું લીલ થવું પડે છે. બહારવટીઓ છત્રાને જવાબ દે તેવો એક આ મકનો જ છે. પરંતુ તે દલિત હોવાથી તેની હિંમતની કોઈ કિંમત નથી, મકનો પરભુદાની પુત્રી ચંપા પર મોહ્યો છે. પણ તે લક્ષ્મણરેખા ઓળંગતો નથી, સર્વજ્ઞ સર્જક કહે છે જ્યારે એ તો અસ્પૃશ્યતાનો અંધારો યુગ ! ભર બજારે પોકાર પાડ્યા સિવાય ઢેઢ બહાર પણ ના નિકળી શકે એ સમય ! મકનો ચંપાને સ્પષ્ટ શબ્દોમાં કહે છે. ‘જો ચંપી ! નાત જાતના વાડા કે વૈવારને તો હું નથ્ય માનતો, પણ વડવાઓના વેવારને આંટ પાડવા જોઈએ. તારા કુળની મર્યાદા હું નઈ લોપું જો તું મારા મન સાટે તારૂં આખું આયખું કુંવારા રહેવાનું કબુલ કરે તો, હું હાચો જ છું મારે હવે અવર મા બેન જ માની લ્યે...’ પરભુદાથી ચંપા અને મકનાના સંબંધો સહન નથી થતા તે મકનાને હડધૂત કરે છે. સાલ્લા ઢેડા હદની બહાર ના જા ! જો હવે અહીં ઢૂંક્યો છે તો ચામડું ઉતરાવી દઈશ ! મકના એ પરભુદાને મોઢા પર સંભળાવી દીધું ખ્યાલ રાખજે ને પટેલ ! તું મારો ઘરાક છોને એટલે ! નીકર બતાડી દેત ન જીંદગીભર તારે બાયણે ધાર નોંય મારું પણ, મારોર ખપ તને પડશે હો ! છત્રા બહારવટિયાની આંખ ચંપા પર ઠરી હતી એટલે પટેલને મકનાની ખપ પડી હતી પણ પાછું તેનું મન ચકડોળે ચડ્યું ઢેડુ ઉઠીને મારી દીકરી સામે નજર બાંધે ! એની આંખ ફોડી દઉં... દલિત વર્ગ પ્રત્યે તેની ઝેરી માનસિકતા આ શબ્દમાંથી ઝરે છે. ! ‘પડશે તેવા દેવાશે, ઢેઢા શી ધાડ મારવાના છે’ તે વળી એમની આશા. મકનો અને ચંપા જીવતે જીવ તો એક ન થયા. પરંતુ અંતે કમોતે મર્યા બાદ બન્નેનું લોહી પરસ્પરના અરમાનો પૂરે એમ એક રૂપ બની ગયું હતું આજે મકનો અછૂત નહોતો રહ્યો પોતાના બલીદાનથી એણે પોતાની સમાનતા સાબિત કરી આપી હતી. ગામે આખી જીંદગી જેમનો તિરસ્કાર કર્યો, તેણે જ ગામની આબરૂ બચાવી હતી. વાર્તાને અંંતે વાર્તાકથક કથે છે. આ વાર્તાને બે સૈકા વહી ગયા, હવે તો ગામનું નામ પણ બદલાઈ ગયું છે. પરંતુ તે તળાવ હિલોળા લઈ રહ્યું છે. જ્યારે ખત્રીની દેરી ચંપા અને મકનાની યાદ આપતી અડીખમ ઊભી છે. મકનાના વંશજો આજે પણ ગામમાં છે. ધાડ પાછી વાળેલી એટલે ધાડીવાળા કહેવાયા, પરંતુ કરમની કઠનાઈ જુઓ મકના ખત્રીની ડેરીએ ફૂલ ચડાવવાનો પણ એમને અધિકાર નથી? કારણ! તેઓ અછૂત છે!!!
લેખકની કલમ ગજાવેલ ગદ્યની તાકાતવાળી હોઈ તેનો પરચો આ વાર્તાની વર્ણનકળામાં જોઈ શકાય છે. આ વાર્તાનો સમયગાળો ગાયકવાડના વખતનો છે. જેમાં ધાડ, લૂંટારા, બહારવટિયા વગેરેનો સંદર્ભ સંકેત થયો છે. વાર્તા અંત કરૂણાંત છે. વાર્તાની ભાષા શૈલી, તળપદી બોલી વગેરે વાર્તાનું જમા પાસુ છે. દલિત સમાજની સમસ્યાનું જતનપૂર્વક નિરૂપણ કરતી સાધનાની આરાધના સંગ્રહની દલિત વાર્તાઓનું નિરીક્ષણ કરતાં વાર્તાકાર હિમાંશી શૈલત સાથે આપણે સહમત થવું રહ્યું. આ સંગ્રહની વાર્તાઓ જીવાતા જીવનની છે તેમાં કલાતત્વને ઝાઝો અવકાશ મળ્યો નથી. તેની ભાષા ધીંગી અને વાર્તાપ્રવાહ વેગીલો ખરો પણ મદદરૂપ થઈ શકતા નથી. સીધો બોધ તો ક્યારેક ભારેખમ ઘટના કે સ્થૂળ રજૂઆત તેને કારણે અમુક વાર્તાઓ કાચી પૂરવાર થઈ છે.
**************************************************************************
ડૉ. દિલીપકુમાર ચાવડા
વ્યાખ્યાતા, ગુજરાતી વિભાગ
269, B-7, સાધના A.T.P.L., સેક્ટર – 3,
ત્રિમંદિર સંકૂલ, અડાલજ,
જિ. ગાંધીનગર - 382425
|