logo

‘મળેલા જીવ’ નવલકથામાં ગ્રામચેતના

“ ભૂલ્યાં ભુલાશે મહિયર માળખાં; ભૂલી જશું મોસાળે વાટ;
ઋણ ભૂલીશું ધરતી માતનાં, ભૂલી જશું પોતાની જાત;
(વળી) ભૂલી જવાશે કો અભાગિયાં, ભૂલી જવાશેપ્રીતની રીત;
(પણ) નહીં રે ભુલાય એક આટલું :કોક દન કરી ‘તી પ્રીત.”

પટેલ પન્નાલાલ નાનાલાલ (૭-૫-૧૯૧૨, ૬-૪-૧૯૮૯) : નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર. જન્મસ્થળ અને વતન રાજસ્થાન રાજ્યના ડુંગરપુર જિલ્લાનું માંડલી. અભ્યાસ ઈડરમાં અંગ્રેજી ચાર ધોરણ સુધી. કૌટુબિંક પરિસ્થિતિને લીધે અભ્યાસ છોડી એકાદ વર્ષ ડુંગરપુરને સાગવાડામાં દારૂના ભઠ્ઠા પર નોકરી. પછી અમદાવાદ આવી થોડો વખત એક સદગૃહસ્થને ઘરે નોકરી. એ સદગૃહસ્થની મદદથી અમદાવાદ ઈલેકટ્રિક કંપનીમાં ઑઈલમેન અને પછી મીટર - રીડીંગ કરનાર. ૧૯૩૬માં અમદાવાદમાં મળેલ ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ઈડર શાળાના સહાધ્યાયી ઉમાશંકર જોશી સાથે સંપર્ક અને તેમના પ્રોત્સાહનથી સાહિત્યસર્જનનો પ્રારંભ. ચારપાંચ વર્ષ મુંબઈની એન.આર. આચાર્યની ફિલ્મ કંપનીમાં પટકથાલેખક. પછી વતન માંડલીમાં જઈ ખેતીનો વ્યવસાય અને સાથેસાથે લેખનપ્રવૃત્તિ. ૧૯૪૭માં ક્ષયની બીમારી અને પછી અરવિંદના યોગમાર્ગ પ્રત્યે આકર્ષણ. ૧૯૫૮ થી અમદાવાદમાં સ્થાયી વસવાટ અને લેખનનો મુખ્ય વ્યવસાય. ૧૯૫૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૭૯માં વડોદરામાં મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સર્જન વિભાગના પ્રમુખ. ૧૯૮૫ ના વર્ષના ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડથી સન્માનિત. અમદાવાદમાં બ્રેઈન હેમરેજથી અવસાન. 

આ લેખકે સર્જનનો પ્રારંભ કર્યો ૧૯૩૬માં ‘શેઠની શારદા’ ટૂંકીવાર્તાથી. પછી થોડા જ વખતમાં ગુજરાતનાં પ્રતિષ્ઠિત સામયિકોમાં એમની ટૂંકીવાર્તાઓ પ્રગટ થવા લાગી. પરંતુ એમની પ્રતિભા ટૂંકીવાર્તાના સર્જન સાથે જ વધુ વ્યાપવાળી નવલકથાના સર્જન તરફ વળી. પ્રારંભથી જ પ્રણય કે લગ્નજીવનમાં ઊભી થતી પરિસ્થિતિ એમની નવલકથાઓમાં કેન્દ્રસ્થાને રહે છે; પછી એ ગ્રામજીવનની કથા હોય કે શહેરજીવનની. ગ્રામજીવનની આંટીઘૂંટી અને કુટિલતામાં પાવરધા મુખીમાં જાગેલી અપત્યસ્નેહની સરવાણી એક સ્ત્રીના જીવનનો સર્વનાશ કેવી રીતે અટકાવી દે છે એનું મર્મસ્પર્શી આલેખન કરતી એમની પહેલી લઘુનવલ ‘વળામણાં’ (૧૯૪૦)થી આકર્ષાઈ ઝવેરચંદ મેઘાણીએ એમને ‘ફૂલછાબ’ માં ગ્રામજીવનની એક નવલકથા લખવા આમંત્રણ આપ્યું ને એ નિમિત્તે એમની અત્યંત લોકપ્રિય બનેલી પ્રણયકથા‘મળેલા જીવ’ (૧૯૪૧) રચાઈ. આ, ગ્રામજીવનના પરિવેશમાં બે ભિન્ન જ્ઞાતિનાં કાનજી-જીવી વચ્ચે જન્મેલા પ્રણયમાંથી આકાર લેતી કરુણ પરિસ્થિતિને આલેખતી નવલકથાએ એના લેખકને સાહિત્યિક વર્ગમાં ઘણી પ્રતિષ્ઠા અપાવી. પરંતુ લેખકની કીર્તિદા નવલકથા તો છે ‘માનવીની ભવાઈ’ (૧૯૪૭). કાળુ-રાજુના પ્રણયની આસપાસ ગૂંથાયેલી હોવા છતાં ગ્રામજીવનનાં માનવીઓનાં સુખદુઃખ, તેમના વેરઝેર, રાગદ્વેષ, કજિયા કંકાસ ને કુટિલ નીતિ રીતિ; તેમનાં ભોળપણ, ઉલ્લાસ, અસ્માનો ને વિટંબણાઓ; છપ્પનિયા દુકાળમાં કારમી ભૂખમાં એ પ્રજાનું ભીંસાવું ને પીંખાવું - એ સૌનું એ પ્રજાની નિજી ભાષાના રણકા સાથે જે વેધક ચિત્ર મળ્યું છે તેથી આ નવલકથા માત્ર પ્રણયકથા ન રહેતાં ગુજરાતના અને ભારતના ખેડૂજીવનની કથા બની રહે છે. માંડલીનીગ્રામસૃષ્ટિ સાથેના લેખકના સઘન પરિચયને પરિણામે ગ્રામજીવન એના આટલા વાસ્તવિક રૂપમાં ગુજરાતી કથા સાહિત્યમાં પહેલી વખત પ્રગટ થાય છે.

મળેલા જીવ ગ્રામપરિવેશનીપન્નાલાલની ઉત્તમ  છે. ગ્રામચેતના પન્નાલાલની આ રચનામાં ઉત્તમ રીતે જોવા મળે છે. મળેલા જીવ નવલકથાની શરૂઆત ડુંગરની નાળમાં જન્માષ્ટમીના મેળાથી થાય છે. આ મેળો પણ ગામની ચેતનાને ઉજાગર કરે છે.કાનજી અને જીવીની પ્રથમ મુલાકાત જ આ મેળામાં ચગડોળમાં બેસવાથી થાય છે. કાનજીનો પહેરવેશ પણ ગામડાની સંસ્ક્રુતિના દર્શન કરાવે છે,જેમ કે “ પગમાં અઢી શેર વજનના નાળ જડેલ ફુદડીઓવાળા જોડા હતાં. ઘૂંટી સુધીનું ધોતિયું, રંગીન ખમીસ ,ઉપર સફેદ કોટ અને માથે ગુલાબના ગોટાવાળો લાલ સાફો હતાં. (મળેલા જીવ પૃષ્ઠ-25) 

કાનજીને એની ભાભી દુખ આપતી હોવા છતાં એ ભાભીના વખાણ જ કરે છે.આ ગામડાની વિશેષતા લેખક આ કૃતિમા બતાવે છે. ગ્રામ્ય સમાજમાં કેવા કેવા નિયમો સમાજે બનાવ્યા છે એ આ કૃતિ બતાવે છે કાનજી જીવીના પ્રેમમા પડે છે ત્યારે હિરા અને કાનજીનો સંવાદ જુઓ “પણ કાંક તો છે જ. આપણી નાતની હોત તો હું એને ઘરમાં ઘાલ્યા વગર કદી ન છોડત !” (મળેલા જીવ પૃષ્ઠ-56) આ વાક્યમાં ગામડાનો માણસ પોતાના સમાજથી પર રહી શકતો નથી એની ચિંતા જોવા મળે છે. કાનજીને જીવીને ધુળા ગાંયજા સાથે પરણાવાની સલાહ હિરો આપે છે. હિરાની સલાહ માની કાનજી જીવીને પોતાના ગામમાં જ પરણાવી દે છે.કાનજી અને જીવી એકબીજાના પ્રેમમાં હોય છે. જીવી કાનજીને વચન આપીને કદરુપો એવો ધુળા સાથે લગન કરે છે. કાનજીનું મન જીવી અન્ય લગ્ન કરે એમ માનતું નથી છ્તાં કાનજી ત્યાગની ભાવના બતાવી જીવીને ધુળા સાથે પરણાવેછે.કાનજી અને જીવી મેળામાં મળ્યાં પછી એકબીજાના પ્રેમમાં પડેલાં હોય છે,પણ નાતના વાડા નડતા હોવાથી એ જીવીના લગ્ન ધુળા સાથે કરાવતા ઉધડિયા ગામમાં કાનજી અને જીવીની અનેક વાતો થવા લાગે છે, જેમ કે, “કાનજી એને પોતાના ઘરમાં ઘાલવા લઇ આવ્યો હતો પણ હિરાએ અને ભગતે એને ખુબ ખુબ સમજાવ્યો, પેલીને પણ મોડા સુધી ભગતનાં ઘરમાં બેસાડી રાખી હતી.” (મળેલા જીવ પૃષ્ઠ-92) આવી કાનજી અને જીવીની વાતો આખા ગામમાં થાય છે.બીજી બાજુ બીજા અનેક તર્ક-વિતર્ક કાનજી, જીવી અને ધુળા વિશેના થવા લાગે છે.ઉદા.તરીકે“આ આને બિચારીને કુટુંબમાં કોઇ નથી.બાપ છે તે અફીણ ખાઇને ધોરી રહે પછી ઓરમાન મા છે એનું ઘરમાં તો વટે ને? એટલે એણીએ(માએ) એનાં પિયરિયાંમાં હશે જ તો કોઇ કાણો,લુલો કે પછી કોઇ ઘયડું ખચ્ચર!” (મળેલા જીવ પૃષ્ઠ-92) આવી અવનવી વાતો સાથે દિવાળી આવી જાય છે. કાનજી જીવીને દિવાળીના દિવસે જુએ છે.એના મનમાં જીવીને જોતાં અનેક વિચારો ચાલે છે પણ એ પાછો સ્વસ્થ થઇ જાય છે.

કાનજી અને જીવીના એકબીજા પ્રત્યેના લગાવને અંધશ્રધ્ધાની દ્રષ્ટિએ જોવે છે. એ વિચારે છે કે કાનજી ઉપર આ ગાંયજી એજા દૂટોના કરિ પોતાના વશમા કરી લીધો છે. પણ ભગત હિરાને સમજવતા કહે છે કે “ આ કંઇ તારા કામણટૂમણ નથી આ તો એકબીજાના જીવ મળ્યા છે.!”  (‘મળેલા જીવ’પૃષ્ઠ-૧૩૧) અહીં પન્નાલાલ ગામડામાં જોવા મળતી અંધશ્રધ્ધા અને જાદૂટોનાની વાત હિરાના પાત્ર દ્રારા લઇ આવે છે તો બીજી બાજુ ભગતના પાત્ર દ્રારાઅંધશ્રધ્ધા જેવું કંઇ ના હોય એવી પણ વાત કરે છે.

જીવીને ગામના લોકો એટલે સુધી હેરાન કરે છે કે એ કોઇની સામે જોઇ પણ નથી શકતી. ધૂળાની હેરાન ગતી બહુ જ વધી જાય છે એ રોજ જીવી સાથે  મારઝૂંડ કરે છે. ધૂળિયો બીજા ગામે હજામત કરવા ગયો હોય છે. રેશમાને ભીમા પટેલની છોકરી સાથે અફેર હોવાથી ભીમો પટેલ એને મારીને ધૂળાના ઘરે મૂકી આવે છે. આ બનાવમાં મુખીને બિજા કેટલાક લોકો કાનજીને ફસાવા જાય છે, પણ કાનજીની વિરુદ્ર કોઇ પુરાવા ન મલવાના કારણે એ છુટી જાય છે. આ બનાવ પછી કાનજી પરદેશ કમાવવા જાય છે. જીવીને કાનજી પરદેશ જાય એ મન્જુર નથી પણ એ કંઇ રીતે રોકે? કાનજી ગામ છોડી પરદેશ જવા રવાના થઇ જાય છે. ગામમાં હજી રેશમાની વાત ઠંડી પડી નથી હોતી. બીજી બાજુ જીવી કાનજીની રાહ જોતી હોય છે કે ક્યારે એ આવે ? ધૂળો જીવી સાથે રોજ મારઝૂંડ કરતો હોય છે.

કાનજી સાથે પરદેશ ગામનો એક નાના નામનો યુવક પણ રેહતો હોય છે. એ યુવક ઘરે આવ્યો હોય છે. જીવી કાનજીની ખબર પૂછવા એના ઘરે જાય છે. ધૂળાને આ વાતની ખબર પડતાં એ  જીવીને ખૂબ જ મારે છે. ધૂળાના મોંમા જેટલી ગારો આવે એટલી ગારો એ જીવી ને બોલે છે. જીવી આ બધાંથી કંનટાડીને આપઘાત કરવાનું વિચારે છે. જીવી એક રોટલા મા ઝેર મૂકે છે. જીવી એ રોટલો બનાવી રહે છે ને ધૂળો પાછી મારઝૂંડ ચાલું કરે છે. ભગત જીવીને પોતાના ઘરે લઇ જાય છે.ધૂળાને નાથી અજાણતા જ પેલો રોટલો ખવડાવી દે છે. આ ઝેર વારો રોટલો જીવી જ ખાવાની હોય છે પણ કમનસીબે એ ધૂળો ખાઇ જાય છે અને મૃત્યુ પામે છે. 

જીવી આ બનાવ પછી સાવ ગાંડી જ થઈ જાય છે. કાનજી પરદેશ હોય છે. કારતકી પૂનમના મેળે કાનજી જીવી ને મલવા આવે છે. જીવીને પાગલની હાલતમાં નાનો , ભગત,હિરો અને કાળી આ શામળાજીના મેળામાં લઇ ને આવે છે. કાનજી જીવીને આવી હાલતમાં જોઇ બહુ જ દુખી થાય છે. આ વર્ષેને ગયા વર્ષનો મેળો જુદો હોય છે. હા પણ લેખક આ મેળામાં જ બંનેનું મિલન કરાવે છે. જીવીની આવી હાલત જોઇ એ કોઇનું પણ વિચાર્યા વગર એને લઇને પરદેશ જતો રહે છે. ભગત અને હિરો ઘણાં પ્રશ્રો કરે છે પણ એ કોઇનો પણ જવાબ આપ્યા વગર જ એ મોટરમાં બેસી જાય છે. 

નવલકથાનું અંતિમ પ્રકરણ મળેલા જીવ છે જે નવલકથાના ર્શીષક સાથે યોગ્ય સંબંધ ધરાવે છે. નવલકથા પુરી થાય પછી આપણા મનમાં એ પ્રશ્ર રહી જાય કે જીવી અને કાનજીનું શું થયું હશે ? સમાજે તેમજ ગામે એમને કંઇ રીતે જોયા હશે ?

આ નવલકથામાં અનેક તળપદા શબ્દો જોવા મળે છે. ઉદા. તરીકે ‘ઉલાવા’ (વિખેરાવા),‘શમાવ’ (સહન),‘ભાળો’ (બતાવો ) મનેખ ( માણસ ) વગેરે શબ્દો આવવાથી ગામડાંનું વાતાવરણ જીવંત લાગે છે. કાનજી-જીવી, હિરો, ભગત, કાળી, નાથી, નાનો, નાની ડોશી, ધૂળો, રેશમો, મુખી, ભીમો પટેલ, કંકુ વગેરે પાત્રો ગામડાંને જીવંત બનાવે  છે. પન્નાલાલ પટેલે આ એક જ નવલકથા આપી હોત તો પણ એ ગુજરાતી સાહિત્યમાં અમર થઇ ગયા હોત ને હા આ  નવલકથા વિશે અવું પણ કહેવામાં અતિશયોક્તિ નથી કે આ આને પણ જ્ઞાનપીઠ ઍવોર્ડથી નવાજવી જોઇએ એવી આ પ્રણયની નવલકથા છે. 

પન્નાલાલ પટેલે ઝવેરચંદ મેઘાણીના કહેવાથી  ફૂલછાબ માટે માત્ર ને માત્ર ૨૪ દિવસમાં “મળેલા જીવ ” નવલકથા ૧૯૪૧માં લખી આપી . મળેલા જીવ પરથી ઉલઝન નામની ફિલ્મ પણ બની છે . ‘ મળેલા જીવ ‘ નવલકથાની પ્રસ્તાવનામાં  લખ્યું છે , ” મળેલા જીવે એકબાજુ સાહિત્ય સુષ્ટિમાં મારો પગ સંચાર કરાવ્યો તો બીજી બાજુ એ મને સિનેમા જગતમાં પણ ખેંચી ગયું .” ઉલઝન ફિલ્મના ડાયરેક્ટર શ્રી એન આર આચાર્ય હતા . મળેલા જીવમાં ઘાંયજી જીવી અને પટેલ કાનજીના પ્રણયની વાતો છે . જીવી અને કાનજી નો પ્રેમ શ્રાવણી પુનમના મેળાના ચકડોળથી શરુ થાય છે અને ક્યાં પહોંચે છે , કેવી પરિસ્થિતિ સર્જાય છે , બીજા પાત્રો કેવી રીતે પ્રવેશે છે તે વાંચતા વાંચતા ફિલ્મ જોતા હોય તેવો રોમાંચ અનુભવાય છે .મળેલા જીવમાં તળપદી ભાષાનો પ્રયોગ થયો છે , જેમ કે હેંડો, લેંમડો, પેપડો, હે ભૂંડા , રૂપનો નકશો . મળેલા જીવમાં હૈયાના હુડા નામના પ્રકરણમાં કાનજી અને હીરાની ‘ લાલ ટોળી ‘ ના હુડા પણ માણવા જેવા છે .  મળેલા જીવ નવલકથાના અંતમાં ભગત નામના પાત્ર બોલે છે , ” વાહ રે માનવી , તારું હૈયું ! એક પા લોહીના કોગળા તો બીજી પા પ્રીતનાઘૂંટડા ! ” આ વાકય ચોટદાર અને જોરદાર છે .

આ નવલકથા વિશે ચંદ્રકાન્ત ટોપીવાળા નોંધે છે, કે -
પન્નાલાલ પટેલની સીમાસ્તંભ નવલકથા.ઈડરિયા પ્રદેશના જોગીપરા અને ઉધડિયા ગામનાં પટેલ કાનજી અને ઘાંયજી જીવીની આ કરુણાન્ત પ્રેમકથામાં ‘એક પા લોહીના કોગળા અને બીજી પા પ્રીતના ઘૂંટડા’ છે. જ્ઞાતિભેદ અને મોટાભાઈના કુટુંબની સોંપાયેલી જવાબદારીને કારણે કાનજી જીવીને અન્યત્ર પરણાવી વિચ્છેદ રચે છે. પોતાના વહેમી પતિથી વાજ આવી જીવી આપઘાત કરવા રોટલે વખ મેળવે છે ખરી, પરંતુ અક્સમાતે એ રોટલો પતિથી ખવાઈ જતાં અને પતિ મરી જતાં જીવી ગાંડી બની જાય છે. છેલ્લે આવી સર્વનાશ પામેલી જીવીને કાનજી પોતાના જીવનમાં સંઘરે છે. ગ્રામીણ વાસ્તવમાં શુદ્ધ તળપદાં પરિબળો વચ્ચે વસ્તુવેગ અને મનોવિશ્લેષણની દ્વિવિધ ભૂમિકાએ સમગ્ર સંસારના પર્યાયરૂપ ધબકતો આ સ્થાનિક લોકસંસાર લેખકનો પોતીકો છે. સુન્દરમે સાચું કહ્યું છે : ‘અત્યારે આ કથા જેવી છે તેવી પણ હિન્દના કોઈ પણ સાહિત્યમાં અને થોડા સંકોચ સાથે દુનિયાના સાહિત્યમાં પણ ગુજરાતી કળાનું પ્રતિનિધિત્વ ધારી શકે તેવી બની છે.”’

*************************************************** 

ડૉ. સંજય ડોડીયા 
સરકારી આર્ટસ્ કૉલેજ, ગાંધીનગર

Previousindexnext
Copyright © 2012 - 2025 KCG. All Rights Reserved.   |   Powered By : Knowledge Consortium of Gujarat
Home  |  Archive  |  Advisory Committee  |  Contact us